Shraad books and stories free download online pdf in Gujarati

શ્રાદ્ધ

શ્રાદ્ધ

યશવંત ઠક્કર

‘જાઓ. વાસ નાખી આવો.’ મીનાબહેન થાળી તૈયાર કરીને બોલ્યાં.

‘ક્યાં જઈને નાખું?’ સુબોધભાઈએ સવાલ કર્યો.

‘દર વખતે વાસ નાખવા ક્યાં જાઓ છો? ધાબે જાઓ છો કે નહિ?’ મીનાબહેન એમની આગવી અદા મુજબ બોલ્યાં.

‘પણ હવે ધાબે જઈને વાસ નાખવાનો કોઈ મતલબ નથી. કાગડા જ આવતા નથી. એક કહેતાં એક કાગડો દેખાતો નથી.’

‘કાગડા આવે કે ન આવે. તમારા પિતૃનું શ્રાદ્ધ છે તો વાસ તો નાખવી જ પડશેને?’ મીનાબહેને ખીર, પૂરી અને ભજિયાંથી ભરેલી થાળી સુબોધભાઈના હાથમાં પકડાવી.

‘તને તો ખબર છેને કે આખા મલકમાં ક્યાય કાગડા બચ્યા નથી. આ બધું જ ધાબા પર એમનમ પડ્યું રહેશે.’

‘ભલે પડ્યું રહે. જે વિધિ જરૂરી છે એ તો કરવી જ પડશે. એમાં તમારુ કે મારું ડહાપણ જરાય નહિ ચાલે.’

‘મને તો હવે આ વિધિ કરવા જેવી લાગતી નથી.’

‘તમને ભલે ન લાગે, પણ મને તો લાગે છે. પરંપરાનું પાલન ન કરીએ તો કોઈના બે શબ્દો આપણે સાંભળવા પડે. હમણાં જ તમારી બહેનોના ફોન આવશે. તમે જવાબ આપજો અને કહેજો કે વાસ નથી નાખી.’

‘પણ ગઈ સાલ મહેશભાઈએ જ મને કહ્યું હતું કે, હવે ધાબા પર જઈને વાસ ન નાખશો. કાગડા રહ્યા નથી એટલે અન્નનો બગાડ થાય છે, અને ધાબુ પણ ખરાબ થાય છે.’

‘મહેશભાઈ વળી કઈ વાડીનો મૂળો છે? એમને ના પાડવાનો અધિકાર જ નથી. ધાબા પર આપણાં બધાંનો હક છે. શ્રાદ્ધમાં પિતૃઓને વાસ નાખવામાં કામ ન આવે તો એ ધાબાને શું ધોઈ પીવાનું?’

‘મહેશભાઈ આપણા ટાવરના પ્રમુખ છે. ધાબુ ચોખ્ખું રહે એ જોવાની એમની ફરજ છે. એમની વાત વિચારવા જેવી છે.’

‘ધાબુ બગડે તો ધોવડાવી નખાય. વરસમાં એક વખત શ્રાદ્ધપક્ષ આવે છે. મહેશભાઈ ઘરની ધોરાજી ચલાવે એ ન ચાલે. જાવ વાસ નાખી આવો. એ ના પાડે તો હું આવું છું.’

વાત આગળ ન વધે એટલા માટે સુબોધભાઈ થાળી લઈને ધાબે ગયા.

સુબોધભાઈનું બાળપણ ગામડામાં વીત્યું હતું. તેઓ નાના હતા ત્યારે એમના પિતાજી શ્રાદ્ધપક્ષમાં નિસરણી પર ચડીને ઘરની દેશી નળિયાંવાળી છત પર વાસ નાખતા અને બૂમો પાડતા, ‘કા...ગ વાસ. કા...ગ વાસ.’ કાગાડા આવતા અને સુબોધભાઈના પિતાજીની લાગણીનો પડઘો પાડતા. નાનકડા સુબોધભાઈ પણ પિતાજીની પાછળ પાછળ નિસરણીના બેત્રણ દાંડા ચડતા અને કજિયો કરતા કે, ‘મારે પણ આવું કરવું છે. મારે પણ કાગડાને બોલાવવા છે.’

‘તું મોટો થાય ત્યારે આવું કરજે હોં.’ સુબોધભાઈની બા એમને સમજાવતી. પછી તો સગાંવહાલાંનાં છોકરાં સાથે નાનકડા સુબોધભાઈ જમવા બેસી જતા. વળી, શ્રાદ્ધપક્ષમાં સગાંવહાલાંને ત્યાં પણ એમને જમવા જવાના લહાવા મળતા. એવા અનેક લહાવા લેતાં લેતાં સુબોધભાઈ મોટા થતા ગયા.

સુબોધભાઈ મોટા થયા અને પિતૃઓને વાસ નાખતા થયા. એમનાં લગ્ન થયાં પછી તેઓ ગામડું છોડીને શહેરમાં આવ્યાં. એમણે કેટલાંય શહેર અને કેટલાંય ઘર બદલાવ્યાં. ત્યારે શહેરોમાં પણ લોકો શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને વાસ નાખવાની પરંપરા જાળવતા હતા. શહેરોમાં ઘર ધાબાવાળા હોવાથી લોકો ધાબા પર જઈને વાસ નાખતા અને ‘કા...ગ વાસ. કા...ગ વાસ.’ એવી બૂમો પાડતા. સુબોધભાઈ પણ શ્રાદ્ધપક્ષમાં એ રીતે જ પિતૃઓને વાસ નાખવાની પરંપરા જાળવતા. ત્યારે શહેરો હજુ કાગડામુક્ત થયાં નહોતાં એટલે કાગડા વાસ ખાવા આવતા પણ ખરા.

શહેરમાં સમય જતાં મકાનોની ઊંચાઈ વધવા લાગી. ઊંચા ઊંચા ફલેટ બનવા લાગ્યા. વળી, કાગડાની સંખ્યા ઘટતાં ઘટતાં શૂન્ય થઈ ગઈ. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને વાસ નાખવાની પરંપરા ઘસાતી ગઈ અને ‘કા...ગ વાસ. કા...ગ વાસ’ની બૂમો મજાકને પાત્ર થવા લાગી. હવે, સુબોધભાઈને પણ વાસ નાખવાની અને ‘કા...ગ વાસ. કા...ગ વાસ’ની બૂમો પાડવાની વિધિ ગમતી નહોતી, પરંતુ મીનાબહેનની હઠ આગળ તેઓ લાચાર થઈ જતા અને મને કમને પણ ધાબે વાસ નાખવા જતા.

આજે પણ તેઓ મીનાબહેનની હઠ આગળ લાચાર થઈને વાસ નાખવા માટે ધાબે ગયા અને સહેજ વારમાં જ પાછા આવ્યા. એમના હાથમાં રહેલી થાળી અકબંધ હતી.

‘કેમ વાસ નાખ્યા વગર આવ્યા?’ મીનાબહેને અકળાઈને પૂછ્યું.

‘ધાબા પર જવાનો દરવાજો બંધ છે. તાળું માર્યું છે.’

‘કોણે માર્યું છે?’

‘ખબર નહિ. મહેશભાઈએ જ માર્યું હશે.’

‘ધાબુ મહેશભાઈના બાપનું નથી. તમે એમની પાસેથી ચાવી લઈને તાળું ખોલો.’

‘તું શાંતિ રાખ. આમ ઉતાવળા થવાની જરૂર નથી.’

‘શાંતિ ગઈ તેલ પીવા. આવો અન્યાય ન ચાલે. ધાબુ તો ખુલ્લું જ હોવું જોઈએ. ધાબાનો ઉપયોગ બધાં કરી શકે. એમ કોઈનાથી તાળું ન મારી દેવાય. કોઈને પાપડી બનાવવી હોય, અથાણું બનાવવું હોય, કશું તડકે મૂકવું હોય, સત્તર કામ હોય. મહેશભાઈને આ બધી ખબર નથી?’

‘પણ ધાબાનો દુરપયોગ પણ એટલો જ થાય છે. લોકો ઘરનો ભંગાર ધાબે મૂકી આવે છે. તૂટેલાં ફૂટેલાં કબાટ, ફાટેલાં ગાદલાં, ગંધાતાં ગોદડાં, લોખંડના પલંગ, આ બધું ધાબે સારું લાગે? ફરિયાદો આવે એટલે મહેશભાઈએ પણ કડક પગલાં લેવાં જ પડેને? ન લે તો લોકો જ એમને વગોવે. શોભાનો ગાંઠિયો કહે.’

‘જે એવું કરતાં હોય એમને ના પડાય, પણ ધાબે તાળું ન મારી દેવાય. પાડાના વાંકે પખાલીને ડામ ન દેવાય. આ તો ચોખ્ખી દાદાગીરી છે. આવી વાતનો તો વિરોધ જ હોય. મહેશભાઈએ મિટિંગ બોલાવવી જોઈએ અને બધાંનો મત લેવો જોઈએ. પછી કોઈ પણ પગલું ભરવું જોઈએ.’

‘મહેશભાઈ મિટિંગ તો ઘણી વખત બોલાવે છે, પણ મિટિંગમાં કોઈ આવતું જ નથી. બધાં બૂમો પાડે છે, પણ કોઈની પાસે મિટિંગમા આવવાનો સમય નથી. પછી મહેશભાઈ બિચારા શું કરે? એમને તો પ્રમુખ તરીકે રહેવુંય નથી. એ તો બરાબરનો કંટાળ્યા છે.’

‘એમને પ્રમુખ તરીકે ન રહેવું હોય તો બીજાને પ્રમુખ બનવી દેવાય, પણ એમની મનમાની તો ન જ ચલાવાય.’

‘બીજું કોઈ પ્રમુખ બનવા તૈયાર નથી. પાઈની પેદાશ નહિ ને ઉપાધિનો પાર નહિ! એવો ધંધો કોણ કરે?’

‘એટલે એમણે પોતાનું જ ધાર્યું કરવાનું? બીજાંનો વિચાર નહિ કરવાનો?’

‘હવે અત્યારે એ બધી વાતો જવા દે. ખાલી મગજ ખરાબ થશે.’

‘મગજ ખરાબ થવામાં બાકી શું રહ્યું છે? અત્યારે ધાબા પર કેવી રીતે જવાનું? તમારે પિતૃને વાસ તો નાખવી પડશેને?’

‘એનો બીજો રસ્તો કાઢીએ.’

‘બીજો કયો રસ્તો છે? ધાબે ક્યાંથી જશો? પાઇપ પરથી ચડશો?’

સુબોધભાઈ થાળી ટેબલ પર મૂકીને વિચારે ચડ્યા. મીનાબહેનનો કકળાટ ચાલુ જ રહ્યો.

અચાનક સુબોધભાઈ બોલ્યા: ‘તું એક કામ કર. પ્લાસ્ટિકના એક ડબ્બામાં આ ખીર ભરી દે. એમાં થોડી ખીર વધારે નાખજે અને એક થેલીમાં પૂરી અને ભજિયાં ભરી દે. પૂરી પણ થોડી વધારે નાખજે.’

‘પણ ધાબે જશો કેવી રીતે?’

‘હું કહું એમ કર તો ખરી.’

મીનાબહેને સુબોધભાઈના કહેવા મુજબની સામગ્રી એક થેલીમાં તૈયાર કરી.

સુબોધભાઈ થેલી હાથમાં લઈને બોલ્યા: ‘થોડી વારમાં જ આવું છું. વાર નહિ લાગે.’

‘પણ આ બધું લઈને તમે ક્યાં જાઓ છો એ તો કહો.’

‘મહાદેવના મંદિરે જાવ છું. બીજે ક્યાય નથી જતો.’

‘વાસ નાખવા મહાદેવના મંદિરે જશો? તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે?’

‘મંદિરમાં નહિ જાઉં. મંદિરના દરવાજા સુધી જ જઈશ.’

‘કેમ? મંદિરના દરવાજે કાગડા હશે? તમારી વાટ જોઇને બેઠા હશે?’

‘કાગડા તો નહિ હોય પણ...’

‘તો આ બધું કોને ખવડાવશો?’

‘ભૂખ્યા માણસોને.’ ઘરની બહાર નીકળતાં નીકળતાં સુબોધભાઈએ જવાબ આપ્યો.