Na aetle na books and stories free download online pdf in Gujarati

ના એટલે ના

ના એટલે ના

વરસાદી માહોલ હોવાના કારણે ઓફિસમાં અંશસર, ઈશા અને રાહુલ જ આવી શક્યા છે. આ કર્મચારીઓના ઘર ઓફિસથી નજીક છે, બાકી આજે અમદાવાદનાં વરસાદે આમ અચાનક મધરાતથી સવાર સુધીમાં મુશળધાર વરસીને અમદાવાદીઓને અણધારી છુટ્ટી પર ઉતારી લીધા છે. કામમાં માત્ર પેન્ડિંગ જે થોડું હોય તે છે. બાકી અમદાવાદ આજે બંધ જેવુ જ છે. રાહુલ બપોરના સમયે અંશસરની પરમીશન લઇને ઘરે જવા નીકળી જાય છે. ઈશા અંશસરે આપેલું કોમ્પ્યુટર વર્ક પતાવી ઘરે જવાના પ્લાનીંગમાં જ છે, કોલેજ, સ્કૂલ ટાઇમમાં ક્લાસ બંક કર્યાના દિવસો ફરી એન્જોય કરવાનો લાભ આવા દિવસોમાં મળી જતો હોય છે. એની આગંળીઓ ફટાફટ કીબોર્ડ પર ફરી રહી છે. ‘બસ, આ લાસ્ટ દસ એન્ટ્રી પતાવી હું પણ સરને વાત કરીને નીકળી જાઉં. આ વરસાદનું કાંઇ ઠેકાણું ન કહેવાય, અત્યારે તો રોકાઈ ગયો છે, ફરી પાછો ચાલુ થઈ જસે તો ઘરે જવામાં મુશ્કેલી પડશે’ – સ્વગત બબડતી ઇશા બને એટલી ઝડપથી કામ કરે છે.

બીજીબાજુ અંદર કેબિનમાં અંશ વરસાદી મૌસમમાં પૂરેપૂરો ડૂબી ગયો છે, બારીની બહાર એની નજર એકજગ્યાએ સ્થિર જ થયેલી છે અને મગજ વિચારોમાં મશગુલ છે. ફાયનલી કંઇક નક્કી કર્યુ હોય એમ એ ખુરશી પરથી ઊભો થઈ એની કેબીનમાંથી બહાર નીકળીને ઈશાની પાસે આવીને ઊભો થઈ જાય છે. ઇશા તો એના દ્વારા આપેલ કામમાં જ વ્યસ્ત છે.

‘આઈ લવ યુ, ઈશા’ – સતત કામ કરતી ઈશા સામે જોઈને અંશ પ્રેમને વ્યકત કરવાના કોઈપણ જાતના આધુનિક અખતરાનો ઉપયોગ કર્યા વગર જ જણાવી દે છે.

આ બાજુ ઇશા તો અંશસરના અજુગતા વર્તનથી ચોંકી જાય છે. એના હાથની આંગળીઓ કીબોર્ડ પર અને નજર મોનિટરમાં સ્થિર કરી દે છે. જાણે કંઈ જ એના કાને સાંભળ્યું જ નથી. આ પરિસ્થિતીમાં રીએક્ષન શું અપાય? એ ખ્યાલમાં ન આવતા શૂન્યવિચારની સ્થિતીમાં આવી સ્ટેચ્યું થઇ ગઇ છે. એના આદર્શ અંશસરના આવા વર્તનથી એને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. ‘થ્રી મેજિકલ વર્ડ’ એને અત્યારે આઇડલ અંશસરના મુખેથી સાંભળતા ‘ટ્રેજેડીક વર્ડ’ લાગી રહ્યા છે. વાણી અને વર્તનમાં પરિપક્વ અંશસર આજે આ કેવું બેહૂદું વર્તન કરી રહ્યા છે!!! આ બાજુ સમજુ અંશને આમ અજાણી યુવતીને પહેલીવાર પ્રેમનો એકરાર કરતાં થોડો હિચકિચાટ થઈ રહ્યો છે. છતાં એને આ સંબંધનું લેવલ જોઈ સમજી વિચારીને બરાબર કર્યું હોય એમ લાગી રહ્યું છે. આગળ બોલવાની એનેય હવે તો કાંઇ ખબર નથી પડતી.

‘ઈશા, છેલ્લા બે અઠવાડિયાથી તને આ વાત કહેવી કહેવી કરું છું, બટ સ્પેસ અને પ્રોપર ટાઇમની રાહ જોવી જરુરી હતી. અત્યારે બંને સંજોગો જોડે સર્જાયા તો તને વાત કહી દીધી. તું મારા વિષે મનમાં નેગેટીવ વિચાર ના કરતી કે હું તારો બોસ છું એટલે દબાવમાં આવીને કોઈ જ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર નથી, છેલ્લા ઘણા સમયથી મનમાં દબાવીને રાખેલી વાત તને કહી છે. શાંત મને વિચારી તારો જવાબ જણાવજે મને કોઈ ઉતાવળ નથી.’ – આટલું બોલવા છતાં ઇશા તરફે કોઈ રીએક્ષન નથી એ જોઈ અંશ ત્યાંથી નીકળી એની કેબીનમાં જતો રહ્યો.

ઈશા તો એક જ પોજીશનમાં સ્થિર હતી. છેલ્લે અંશસરના કેબીન તરફ જતાં પગલાંનો અવાજ, દરવાજો ખુલવાનો અવાજ, પગલાંનો અંદર જવાનો અવાજ અને દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને ઇશાને હાશકારો થયો અને સ્ટેચ્યુની પોજિસનમાંથી રીલેક્સ થઈ ખુરશીના પાછળના ભાગે ટેકો દઈ આરામથી બેસી. ‘ઉઉઉફફફફ, કેવી અણધારી આફત આવી ગઈ, ખરેખર છેલ્લી થોડી ક્ષણોમાં જાણે દોઢ વર્ષનું જીવન યાદ આવી ગયું, હમણાં બસ કામમાં ફોકસ કરવાનું વધારે સારું રહેશે, અંશસર મજાક કરતાં હોય એમ પણ બને ને ઈશા, યાર એમના અવાજ અને હાવભાવ પરથી મજાક હોય એવું બિલકુલ લાગતું નહોતું ’ – ધીમે ધીમે બબડતી પાણીની બોટલ લઈ પાણી પીવાનું શરૂ કરે છે. થોડી ગભરાઇ ગયેલી ઇશા ફટાફટ કામ પતાવવામા લાગી જાય છે, હમણાં તો વહેલા જવાની વાત કરવા અંશસરની કેબીનમાં જવાય એમ નથી. કન્ફયુસ થયેલી ઇશાને આ સ્થળ હવે સેફ હોય એમ લાગતું નથી. ફટાફટ કામ પતાવવાની ઉતાવળ કરે છે.

થોડા સમય પછી કામ તો પતાવી દીધું. ‘હવે સરના કેબીનમાં જઇ ને પરમીશન માંગુ કેવી રીતે ? ઈશા સાહસ કરી ને કહેવું તો પડશે, આ જગ્યા મારે હમણા છોડવી જ છે’ – વિચારતી સરની કેબીન તરફ જઇને દરવાજો ખોલીને બોલે છે – ‘મે આઈ કમ ઇન સર’

જે સરને આદર્શ માનતી, અત્યારે એમની સામે જોવું પણ ગમતું નથી, એના બેસ્ટ ફ્રેન્ડ કમ બોસ એવા અંશસર એમના સૌમ્ય અવાજમાં કહે છે – ‘યસ ઈશા’.

ફટાક દઈને બારણું ખોલીને કેબીનની અંદર ઘૂસી જતી ઈશા અત્યારે બહુ અંદર ન જતાં ડરતા પગલે દરવાજાથી ફક્ત બે ડગલાં આગળ આવીને જમીન તરફ નજર કરીને અંશસરને જાણે થોડા સમય પહેલાં કશું જ બન્યું નથી એમ પૂછે છે – ‘સર, એંટ્રીનું વર્ક પતી ગયું છે, શું હું પણ ઘરે જઇ શકું છું વરસાદનો માહોલ છે તો?’

ઈશાની હાલત જોઈને અંશ મૌન હસે છે અને પરિસ્થિતીની ગંભીરતા સમજીને એના હાથમાં રાખેલી ફાઈલને ટેબલ પર મૂકે છે. બે હાથથી આદબ વાળી લે છે અને ઈશા તરફ જોઈને બોલે છે – ‘જો ઈશા હું તને કઈ નહી કરું, તારે ગભરાવવાની જરૂર નથી, મને તારો સ્વભાવ ગમે છે, તારા શરીર પ્રત્યે જ આકર્ષણ છે એવું નથી, પહેલા તો આપણે બેસ્ટ ફ્રેન્ડ છે ને, પર્સનલ, ઓફિસિયલ અને સોસિયલ બધી જ વાતો એકબીજાની જાણીએ છે. આ તો ગમતાનો કરીએ ગુલાલ, તારા તરફ ક્યારે કેવી રીતે ઢળી ગયો એ ખબર જ નથી પડી, ખાસ તો તને મળ્યા પછી એમ લાગે છે કે મારી દુનિયામાં મને ગમતા પાત્રની શોધ પૂરી થઈ ગઈ છે...’

ઈશાથી ના રહેવાયું અને અધવચ્ચે ઉકળાતા બોલી – ‘આ તો એ જ થયું જે દુનિયાના મોટા ભાગના સ્ત્રી અને પુરુષ વચ્ચે થાય છે કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે ક્યારેય નિર્દોષ ફ્રેંશીપ તો હોય જ ના શકે ને ? તમે લાસ્ટમાં એ જ સિચ્યુએશન ક્રીએટ કરી. હું તો મારી જાત પર ઘમંડ કરતી હતી કે મને કેવા સરસ મિત્ર અને બોસ મળ્યા છે કે જેમને હું ફોલો કરું છું જે મારા કોર્પોરટ વર્લ્ડના આદર્શ છે, એમણે લાસ્ટ તો જે બધા પુરુષ કરે એમ જ કર્યું ને.’

અંશસરે જવાબ આપ્યો – ‘ઈશા હું આખરે સાધારણ માણસ જ છું, તે મને આદર્શ બનાવી લીધો છે, એટલે મારા દોષ પણ તને ગુણ લાગી રહ્યા છે અને મેં ફક્ત તને મારી લાગણી વ્યક્ત કરી છે તું ના પાડી શકે છે મને. શાંતીથી વીચાર કરી મને કહેજે કોઈ દબાવ કે પ્રેસર નથી, તારા હા કે નાથી મારામાં તારા પ્રત્યે ઉઠેલી લાગણીના વહેણમાં કોઈ બદલાવ આવવાનો નથી અને હા તારે ઘરે જવું હોય તો જા નો પ્રોબ્લેમ.’

ઈશા કટાક્ષભરી રીતે મોં મચકોડતા બોલે છે – ‘ઓકે, તમે મને જાણો છો ને સર એટલે મારો જવાબ ખબર જ હશેને? કદાચ હવે તમારે એક મિત્ર ખોવાનો સમય આવી ગયો છે.’

અંશસર તો એમની લાગણીઓમાં ડૂબેલા એ જ પોતાની અદામાં સ્વચ્છતા જાળવી જવાબ આપે છે – ‘હા ઈશા, હું તને ઓળખુ છું ને અને તારો જવાબ પણ ખબર છે બેટા, હાલ તો બસ જતાં જતાં હસતી હસતી તો જા, બે દિવસ લીવ પર છું, તને જોયા વગર નીકાળવાના છે.’

ઈશા તો મોં ફાડીને અંશસરનું ક્યારેયના જોયેલું સ્વરૂપ જોઈને અચંબિત થઈ જાય છે અને બાગાની જેમ ત્યાં જ ઊભી રહી જાય છે.

અંશસર કહે છે – ‘અને જો હા સીધી ઘરે જજે કઈ આડાઅવળા વિચારો નહીં કરતી, જીવન છે ચૂનૌતી આવ્યા કરે, સામનો કરવાનો, ઉદાસ થઈને ના ફરતી, તું ના પાડે તો મને કઈ ફરક નહી પડે, આ પ્રેમસંબંધમાં હું ઘણો આગળ નીકળી ગયો છું ઈશા. તું તારો સ્વભાવ અને અસ્તિત્વ જેમ છે એમ જ જાળવી રાખજે.’

ચોખ્ખા અને સ્પષ્ટ શબ્દો સાથે દોસ્તી કરનારી ઇશા અવાજ ભારે કરી સામે સવાલ પુછે છે – ‘મિ. અંશ, શું તમે આવા વાક્યનો મારી સામે પ્રયોગ કરતાં પહેલાં તમારી પત્ની નેહાની અને બે બાળકોની પરમીશન લીધી છે ખરી?’

અંશ હસતા કહે છે – ‘શું તારે મારું ઘર તોડાવું છે? મને સ્નેહાને પુછવામાં કોઇ વાંધો નથી, પરંતુ એક સ્ત્રી તરીકે એ મારું આ પગલું ક્યારેય સહન ન કરી શકે એ તો તને ખ્યાલ છે ને? તું અને નેહા બંને એકબીજાને ઓળખો તો છો. અત્યારની પરિસ્થિતીમાં હું મારી પત્ની અને બાળકોને એટલો જ પ્રેમ કરું છું જેટલો તારા આવ્યા પહેલાં કરતો હતો. એમની એટલી જ સંભાળ રાખું છું જેટલી પહેલાં રાખતો હતો ઇશા.’

ઇશા સામે કહે છે – ‘તો પછી મને વચ્ચે શું કામ લાવો છો તમે, કે પછી હું જબરજસ્તી કરીને તમારા સુખી સંસારમાં ઘુસી ગયેલી છું?’

અંશ ભાવુક બનતા બોલ્યો – ‘ના, ના, ના ઇશા એવું કંઇ જ નથી, આ બધી કુદરતી લેણ દેણનો કમાલ છે, પ્લીઝ આમાં તારો કોઇ જ વાંક નથી.’

ઇશાને ન ગમતી ચર્ચા મજબુરીએ જાણે કરવી પડે છે અને અંશસરનું ફ્યુચર પ્લાનીગ જાણવા ચર્ચા આગળ વધારતા બોલી - ‘ચલો, એકસમયે ધારો કે હું તમારી સાથે જોડાઈ જાવ તો આમા મારું ફ્યુચર શું? તમે કહો એમ હું તમારી સાથે રહેવા તૈયાર થઇ ગઇ તો ? તમે તમારો પરિવાર કાયમ માટે છોડી આવી શકશો મારી સાથે રહેવા એ પણ અહીં થી દુર?’

અંશ અસંમજસમા પડી ગયો – ‘કેમ આપણે પાંચ જોડે ન રહી શકીએ? હુ તારા માટે નેહાને મનાવી લઇશ. એ માની જશે બહુ સારી વ્યક્તિ છે.’

ઇશા એકદમ ગુસ્સામા બોલી – ‘જેમ એકસમય એક સ્ત્રીને માત્ર એક પુરુષને પ્રેમ કરવાનો અધિકાર છે એમ મિ.અંશ એક પુરુષને માત્ર એક જ સ્ત્રી સાથે એકસમયે સંબંધ રાખવાનો અધિકાર છે એમ મારું દ્રઢપણે માનવું છે.’

અંશ ગુઢ વિચાર કરી બોલ્યો – ‘એગ્રી ચલ, અહીથી દુર જતા રહીશુ અને પાછા પણ નહી ફરીએ. નેહા અહી બધું વ્યવસ્થિત સાંભળી લે એવી વ્યક્તી છે, ઇશા આ વાક્ય સાંભળીને એટલી તો સ્યોર થઇ જ ગઇ કે અંશ સર એની સાથે ટાઇમપાસવાળી ગેમ તો નથી જ રમી રહ્યા. આ વ્યક્તિ એને લઇને ખરેખર સીરીયસ છે. એકબાજુ તો મન પણ થઇ આવ્યુ કે, હા પાડી ચાલી જાઉં એમની સાથે. આપણને ગમતી વ્યક્તિ અને એમા પાછા આદર્શ હોય એમની આપણા માટેની આટલી હદ સુધીની દિવાનગી અને જતું કરવાની ભાવના જોઇને કોણ ફિદા થવાનુ ના વિચારે? બીજી બાજુ તરત જ ત્રણ હસતા ખુશ ચહેરા એની સામે આવી ઉભા રહી ગયા. અને સામે છેડે મમ્મી.’

ઇશાને આમ દિગ્મુઢ ઉભેલી જોઇ અંશે વાત આગળ વધારી – ‘ઇશા, તારો જગત તો ફોરેનથી કોઇ બીજી છોકરીને લઇને આવ્યો છે. આપણા બંને વચ્ચે એઇજમા સાત વર્ષનો તો ફરક છે. હુ તને બહુ ખુશ રાખીશ.’

એકસમયે સ્વપ્નમાં ઊડી ગયેલી ઇશા હોશમા આવી, અફર અને અંતિમ નિર્ણય જાહેર કરતી હોય એમ આંખમા ચમક લાવતી બોલી – ‘હજુ હુ કંઇ એટલી મોટી નથી થઇ ગઇ કે મને બીજા મુરતિયા ન મળે, જગત અને મારી વચ્ચે ફક્ત બે મહિનાની રીલેશનશીપ હતી, મને આમપણ ફોરેન જવાનો એવો મોહ નથી, આ તો મમ્મીના આગ્રહને વશ થઇને એને હા પાડેલી. સગાઇ પછી એ તો લંડન જતો રહેલો અને એની સાથે ત્રણ થી ચાર મહીનાના કમ્યુનિકેશનમાં લાગતુ જ હતુ કે એના અને મારા વિચારો મળવા મુશ્કેલ છે. અને આ દુનિયામાં અબજો લોકો છે, દરેક વ્યક્તિની સાથે આપાણો સ્વભાવ અનુકૂળ થવો એ કાઇ જરૂરી તો નથીને, હુ શોધીશ તમારા જેવા વિચારો અને સ્વભાવવાળો મસ્ત છોકરો. પરંતુ તમારી જોડે સંબંધનો આ પ્રકાર મને મંજૂર નથી.’

આ સાંભળી અંશ ખડખડાટ હસતા બોલે છે – ‘એટલે વચ્ચે તો હું છું જ ને ઇશા, મારા જેવો જ શોધીશ? તો પછી હુ તો સામે જ છું મારામા શું વાંધો છે તને?’

ઇશા ગુસ્સામાં પોતાની દ્વારા બોલાયેલા વાક્યને સુધારતા બોલી – ‘એટલે તમે કહેવા શુ માંગો છો?’અંશને ઇશા પોતાની વાતમા ગુંચવાતી જોવાની મજા આવતા એને અકળાવતા ફરી બોલ્યો – ‘કંઇ નહી, મેં તો બસ તે કહ્યુ એ રીપીટ કર્યુ બેટા.’

ઇશા ખરેખર અકળાઇને બોલી – ‘અંશસર, ના એટલે ના, મને તમારા જેવી ફિલોસોફી નથી આવડતી અને જો એક વાક્ય વધારાનુ બોલીશ, તો તમે તમારા સ્વભાવગત મને ગુંચવી દેશો એ ખબર છે. મારો અંતિમ જવાબ ના ના ના અને ના જ છે. મને મંજુર નથી આ સંબંધનો આવો વાળાંક. બાય. ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી, ઇટસ ઓવર નાઉ.’

વધુ બોલવામાં મજા નથી એમ લાગતા ઇશા ત્યાંથી બહાર નીકળી પોતાના ટેબલ પરથી પર્સ લઇને નીકળી જાય છે. અંશ એની કેબિનની બારીમાથી વ્હિકલ લઇને જતી ઇશાને રસ્તા પર દેખાય ત્યા સુધી જોયા કરે છે.

વાતો કરવામાંને કરવામાં સાંજનો સમય થઇ ગયો છે, આ બાજુ ઇશાને ક્યા જવુ કંઇ જ ખબર પડતી નથી. ઘરે જવાની તો જાણે એની ઇચ્છા જ મરી ગઇ છે હવે. એટલે એની મનગમતી જગ્યાએ જવાનું નક્કી કરે છે પ્રગતિનગર ગાર્ડન. ઓફિસથી ઘરે જવાના રસ્તામાં વચ્ચે આવે છે. નાનપણથી જ જ્યારે એનું મન દુ:ખી હોય એ ત્યાં જ રડવા જતી. એકાંતમા બેસીને વિચારતી અને પ્રોબ્લેમનો હલ નીકાળી લેતી. અત્યારે વરસાદ તો ક્યારનો રોકાઇ ગયેલો છે, છતાં લોન ભીની ભીની છે અને અમુક અમુક જગ્યાએ પાણીના ખાબોચિયા થઇ ગયા છે. ગાર્ડનમાં બાંકડે જઇને બેસે છે. ધીમે ધીમે હવે અતીતના વમળોમાં એના મનને લઇ જવાનું શરુ કરી દે છે, બાપ વગર ઉછરેલી દિકરી દુનિયાદારી ઉંમર કરતાં વધુ ઝડપથી શીખી ગઇ છે. ઇશાની એક ખાસિયત કે એ હંમેશા પ્રોબ્લેમ ઉપસ્થિત થાય ત્યારે હાયપર કે ઉદાસ થવાને બદલે આ પરિસ્થિતિ કયા કારણથી રચાઇ ગઇ છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરે, એની મમ્મી હંમેશા કહેતી – ‘ઇશા તારી આ આદત હુબહુ તારા પપ્પા જેવી જ છે.’ આ સાંભળી ઇશા બસ છેલ્લે સાત વર્ષની ઉંમરે જોયેલો પપ્પાનો ફેઇસ યાદ કરવાનો પ્રયત્ન કરતી. ઇશા એના પેરેન્ટનું એકમાત્ર સંતાન હતી. ઇશાના મમ્મી પપ્પાના લગ્ન મોટી ઉંમરે થયેલા અને લગ્ન પછીના પાંચ વર્ષ પછી એનો જન્મ. ઇશા સાત વર્ષની હતી ત્યારે એક્સિડન્ટમાં એના ફાધરની ડેથ થઇ ગઇ હતી. ત્યાર પછી એ અને એની મમ્મીનો બે વ્યક્તિનો પરીવાર. આર્થિક રીતે તો ક્યારેય ઇશાને તકલીફ પડી નથી. એના ફાધર એક્સપાયર થયા ત્યારે કંપનીમાં ઉંચી પોસ્ટ પર હતા. ઓનડ્યુટી એમનું એક્સીડન્ટ થયુ હોવાથી કંપનીમાંથી ઘણી મોટી રકમ અને એની મમ્મીને જોબ પણ મળી ગઇ હતી. એની મમ્મીનો બધો જ પ્રેમ અને લાડ ઇશાને મળેલા એટલે ઇશા પહેલેથી બિન્દાસ, હસમુખી અને મોં પર જ સત્ય કહી દેનારી છોકરી. સમાજના નાના – મોટા કડવા અનુભવો પણ બાપ વિનાના ઘરમાં મા - દિકરી એ કરેલા હતા. કોલેજમા આવ્યા બાદ એના માટે માંગા આવવાનું શરુ થઇ ગયુ હતુ અને કિર્તીબેનની ઉંમર થઇ ગઇ હોવાથી એમના દબાવને કારણે ઇશા છોકરાઓ જોઇ લેતી અને એમાથી જગત ઉપર એને પસંદગીની મહોર લગાવી હતી. જગતને ફોરેનમાં ભણવા જવાનો બહુ મોહ હતો. ઇશાને હાલ આમ પણ લગ્નના બંધનમા પડવાની ઇચ્છા ન હતી. એને પહેલેથી એની મમ્મીને જેમ ઇંડેપેન્ડન્ટ વીમેન તરીકે જોયેલી એટલે એને પણ ખુદની એક પહેચાન બનાવવાનુ સ્વપ્ન છે. એટલે એક તીર દો નિશાનની જેમ એણે જગતને હા પાડી મમ્મીનું ટેન્શન અને પોતાના સ્વપ્ન બંનેના રસ્તા ખોલી દીધા. સગાઇ ગોઠવાઇ ગઇ અને પછીના ત્રણ મહિનામાં જગત માસ્ટર્સ કરવા દોઢ વર્ષ માટે લંડન પહોંચી ગયો. આ બાજુ કેમ્પસ ઇન્ટરવ્યુમાં ઇશા ‘ગીફ્ટ ફોર મી પ્રા.લી.’માં સીલેક્ટ થઇ ગઇ. કોલેજની લાસ્ટ એક્ઝામ પછી તરત જ જોઇન કરવાનું છે. ઇન્ટરવ્યુ વખતે જ ઇશાની મુલાકાત અંશ સાથે થયેલી. અને એ જ સમયે અંશના આકર્ષક વ્યક્તિત્વ પર એ કોલેજીયન યુવતી ઇમ્પ્રેસ થઇ ગયેલી. સિલેક્ટ થયા બાદ એને બહુ ખુશી થયેલી અને જોઇનીંગ કરવાનું એક્સાઇટમેન્ટ એટલું જ હતું.

આ બાજુ અંશ મુળ કાઠીયાવાડનો વતની હતો. ભણવા માટે અમદાવાદ આવેલો અને અંજાઇ ગયો અમદાવાદની લાઇફસ્ટાઇલથી. અમદાવાદને જ કર્મભુમિ બનાવીને કાયમ માટે અહી સેટલ થવાનુ નક્કી મનોમન કરી લીધું. ટેલન્ટ અને દેખાવના લીધે જોબ સરસ મળી ગઇ. નેહા સાથે લગ્ન થયા. જોડી ખુબ સુંદર. સ્વભાવ એકબીજાને અનુકુળ આવી ગયા. નેહા પણ અમદાવાદના એટમોસ્ફિયર સાથે સેટ થઇ ગઇ. પાર્ટ ટાઇમ જોબ શોરુમમા કરે છે. ધીમે ધીમે સમય જતાં બે બાળકો થયા શ્રીજીત અને નેન્સી. શ્રીજીત થર્ડ સ્ડાન્ડર્ડમા અને નેન્સી નર્સરીમા અભ્યાસ કરે છે. નાનકડો પરીવાર સુખેથી જીવ્યા કરે છે.

અંશ ખુબ જ ટુંકા સમયમાં મેનેજરની પોસ્ટ પર પહોંચી ગયો છે. રાહુલ, ક્રીના, પાંદડી, હાર્દ, મૌસમ, કેવલ, વિશ્વેશ, સૌર અને પાછળથી ઇશા જોડાઇ આ ગ્રુપમા. આ તમામ અંશના ઓબ્ઝર્વેશન હેઠળ ક્રિએટીવ ડીપાર્ટમેન્ટમાં કામ કરે છે. ઇશા કોલેજમાથી ડાયરેકટ જ સિલેક્ટ થઇને આવી હોવાથી હજુ કોર્પોરેટની દુનિયા એના માટે તદ્દન નવી જ હતી. ક્યારેક ક્યારેક કોલેજનું ઉછાકલાપણાનુ બિહેવીયર એનામા ઝળકાઇ ઉઠતું. સાંભળી સાંભળીને મનમા ઘર કરી બેસેલા વાક્ય ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ ધ લાસ્ટ ઇમ્પ્રેશન’ને સાર્થક કરવા નાનામા નાનુ સોંપાયેલુ કાર્ય ઉત્સાહ અને પરફેક્શન સાથે કરવાનો આગ્રહ રાખતી. કલીગ અને બોસ બધા સદનસીબે સપોર્ટીવ નેચરના હતા એટલે એને નવુ શીખવા મળતુ અને જો ભુલ થઇ ગઇ હોય તો સુધરીય જતી. જે સરથી ઇન્ટરવ્યુમા જ ઇમ્પ્રેસ થયેલી એમની સાથે જ કામ કરવાનુ આવ્યુ. સરની પોસ્ટ સુધી પહોચવુ છે એવા ગોલ સેટ કરતી. સરની ચોરી છુપીથી ચાલવાની, બોલવાની, ડ્રેસિંગ સ્ટાઇલ, અરે જમવાની બધી જ સ્ટાઇલને નોટિસ કરતી અને ધીમે ધીમે પોતાને એવુ કેરેક્ટર બનાવવાનો ટ્રાય કરતી. એની આ નિર્દોષ રમત રોજની રહેતી. અંશની નજર ઘણી વાર એની બાજુ ફરે તો એક બોસ આપે એ સ્માઇલ આપીને નજર ફેરવી લેતો. અંશના મનમા તો ઇશા એક સામાન્ય અન્ય કર્મચારીની જેમ હતી. ઇશા માટે તો અંશ સર પહેલેથી જ એના આદર્શ હતા. અંશ ઇશાનુ કામ અને ઉત્સાહ જોઇને તે ઓફિસનુ અમુક કોન્ફીન્ડસીયલ ઇશાને વર્ક આપતો. જેમ અંશની સુચના હોય એમ જ ઇશા કામ કરીને લાવે. ઇશા શરુ શરુમા કામ રીલેટેડ સવાલોની વર્ષા કરી દેતી ત્યારે અંશને આ છોકરી બહુ ચીપકુ લાગેલી. પછી જેમ જેમ પરીચય વધ્યો એમ એમ અલક મલકની વાતો કરતા બંને એમા મોટા ભાગે સવાલો ઇશા તરફથી થતા અને જવાબ અંશ આપતો એના. પછી તો સોસયલ, પર્સનલ બધા પ્રકારની વાતો થતી. ઇશાને બધા સ્ટાફમા અંશસર જોડે વધુ ફાવતુ. આમ તો બધા કલીગ સાથે એને મજ્જા આવતી. અંશસર જોડેથી વધારાનુ નોલેજ મળતુ એટલે એમની સાથે વાતો કરવાની એને મજ્જા આવતી. ધીમે ધીમે બંને ફેમિલી ફ્રેંન્ડસ બની જાય છે. એકબીજાના પરિવારના સભ્યો સાથે કોન્ટેક્ટ થાય છે. બધુ વ્યવસ્થિત જતુ હોય છે એમા જગત લંડનથી કોઇ એન.આર.આઈ. ગર્લફ્રેંડ લઈને આવે છે અને અંશસર ઇશાને પ્રપોઝ કરે છે. કોર્પોરેટની દુનિયામા આઉટસાઇડ અફેર્સ મને કમને કરવા પડતા હોય છે, ઘણા તો શોખ ખાતર કરતા હોય છે. પરંતુ અંશસરને ઓળખતી ઇશાને એ વાતની ખાતરી છે કે અંશસરની ફીંલીંગ્સ આ બધાથી અલગ છે.

ધીમે ધીમે આ બધુ વિચારતી ઇશાના આંખમા પાણી આવી જાય છે બાપ વગરની દિકરી અને વર વગરની વહુ સમાજમાં કેવુ - કેવુ ભોગવતી હોય છે એ બાબતનો સારો એવો અનુભવ ઈશા ધરાવે છે. આ તો બાપ અને વરની હયાતીમા બેઘર થવાની વાત. નેહાભાભીનો સ્વભાવ કેટલો સરસ છે, અને અંશસર પ્રત્યેનો પ્રેમની તો શી વાત!!! એમના દ્વારા બોલાયેલા પાંચ વાક્યમા ત્રણ વાર તો મારો અંશ મારો અંશ આવુ બોલતા હોય છે. અને મારાથી આ શુ થઇ ગયુ ક્યાંક તો કશુક મે કર્યુ હોવુ જોઇએ કે અંશ સર મને આવુ કહે? નાના બે ભુલકા દીદી દીદી કહી મને બોલાવે છે. શુ મને અંશ સર જોડે પ્રેમ થઇ ગયો છે? શું આવી લાગણીને પ્રેમ કહેવાતો હશે? હા, ક્યારેક અંશસર મારી સામે જોવેને તો મને દિલમા કંઇક કંઇક થાય છે ખરુ, જે દિવસે એ લીવ પર હોય ને મને ગમતુ નથી અને જો મારી લાઇફમા નાનો એવો બનાવ બન્યો હોય ને સરને જ્યા સુધી ના કહુ મને ચેન પડતુ નથી. એના અંશસર દરેક વાત શાંતિથી સાંભળે અને પછી સોલ્યુશન આપે. દરેક વાતમાં એ હમેશા મારો જ પક્ષ લેતા, હું સાચી હઉ કે ખોટી. એમને પ્રેમી તરીકે તો ક્યારેય જોયા નથી. આવા વિચારો કરતી જ્યારે માથું ઊંચું કરીને ઉપર જોવે છે તો સામે થોડે દૂર એને અંશસર દેખાય છે આંસુથી ભરેલી આંખ હોવાથી ઇશાને અંશનો સ્પષ્ટ ચહેરો દેખાતો નથી. જ્યારે જ્યારે એવું લાગ્યું છે કે અત્યારે કોઈ વ્યક્તિના સહારાની જરૂર છે ત્યારે અંશસર પ્રત્યક્ષ કા તો પરોક્ષ રીતે ઈશાની સાથે જ હોય એટલે છેલ્લા દોઢ વર્ષમાં ઇશાને જીવન જીવવાની બહુ મજ્જા આવેલી. અત્યારે એવું જ થયુને, ઈશા ગૂંચવાયેલી પરિસ્થિતીમાં આવી ગયેલી છે ત્યાં અંશ ફરી એની મદદે આવી ગયો છે.

ઈશા અંશના વિચારોમાં ડૂબેલી હતી અને સામે એને જોતા મનમાં તો થોડી ખુશી અનુભવે છે અને બોલે છે – ‘તમને ના પાડી હતી ને છતાં મારી પાછળ કેમ આવ્યા? મમ્મીને પૂછ્યું હસે અને એને કહયુ હસે કે હું ઘરે નથી એટલે મને શોધવા નીકળ્યા છો?’

અંશ બોલ્યો – ‘ના મને ખબર જ હતી કે તું અહી જ બેઠી હશે, એટલે ઓફિસથી ડાયરેકટ આવ્યો છું અને સાચ્ચે તું અહી જ મળી. ઈશા તું આપણું કનેક્શન જો , જ્યારે એકબીજાને યાદ કરીએ છે એ જ સમયે સામેવાળી વ્યક્તી યાદ કરતી જ હોય છે.’

ઈશા બોલી – ‘એ તો માત્ર અકસ્માત કહેવાય.’

અંશ બોલ્યો – ‘ઈશા અકસ્માત એક – બે વખત થાય દરેક સમયે ન હોય બેટા, તે શું વિચાર્યું અને આટલું બધું કેમ રડે છે? આંખ તો જો તારી કેટલી બધી સૂજી ગઈ છે!!!’

ઈશા કઇ જવાબ આપવાની ખબર ના પડતી હોય એમ બોલી – ‘જખમ આપનાર વ્યક્તી જ ભરવા માટે આવી છે.’

અંશ ઇશાને આમ મુઝવણમાં જોઈને બોલે છે – ‘ભૂલી જા બધું આટલો બધો લોડ ન લઇશ. આપણે મિત્રો છે અને મિત્રો જ રહીશું. થોડા સમય પહેલાં કાઇ જ બન્યું નથી ઇસ ઈટ ઓકે? કોઈપણ પ્રકારનું ટેન્શન તું ના લઇશ. ઘરે તારા મમ્મી ચિંતા કરતાં હશે અને મારા ઘરેથી પણ ફોન આવ્યો છે.’

ઇશાને મનાવી સમજાવીને અંશ ઘરે મૂકી પોતાના ઘરે જાય છે. વાત તો પતી ગઈ કે દબાઈ ગઈ, વાત જેટલી જલ્દી ઉઠી એવી જ બેસી ગઈ, પરંતુ ઇશાનું મગજ આ બાબત ઉપર વિચાર કરતું થઈ ગયું. આ બાજુ કિર્તિબેનને તો એવું જ છે કે જગતના લીધે ઈશા થોડી ડીસ્ટ્રબ છે, ઈશા આખી રાત વિચારો કરે છે અને પછી પરિસ્થિતીને સાચવવા માટે થોડોક સમય અહીથી દુર જવાનું વિચારે છે.

ઈશાની કોલેજ ફ્રેન્ડ હેતા એને છેલ્લા થોડા સમયથી વડોદરા એની કંપની જોઇન કરવા માટે બોલાવતી, આપણે બંને જોડે રહીશું મારા ઘરે અને જોબમાં મારી સાથે જ તારું જોઇનિંગ કરાવી દઇશ. હવે એમ કરવાનો સમય આવી ગયો જાણે. ઈશા વહેલા સવારે જ કામમાથી પરવારી હેતા જોડે ફોન પર આ બાબતે ચર્ચા કરી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. લકીલી, હેતાને ત્યાં એની પોસ્ટની બે જગ્યા વેકન્ટ છે અને ઈમરજન્સીમાં ફીલઅપ કરવાની હોવાથી હેતા ઇશાને જણાવે છે કે જો બને તો તું આજે જ ઇન્ટરવ્યુ માટે અહી આવી જા, ઈશાને ઉતાવળ હતી જ એટલે એ વડોદરા પહોચી જાય છે અને ફાયનલી સેલેક્ટ પણ થઈ જાય છે, નવો મહીનો શરૂ થવામાં પંદર દિવસની વાર છે, ઈશાને આવતા મહીને ફર્સ્ટ ડે જોઈનીગ છે અને બધું ભલે ઉતાવળમાં સેટ થયુ હોય પરંતુ વ્યવસ્થિત જતું હોવાથી ઇશાને હવે એના ડીસીઝનમાં જાણે કુદરતનો સાથ અને ઈચ્છા હોય એમ લાગે છે.

રાત્રે ઘરે આવીને મમ્મીને બધી વાત કરે છે – ‘મમ્મી હું સીલેકટ થઈ ગઈ, રહેવાનુ તો હેતાની મમ્મીએ કહ્યું કે અમારા ઘરે જ તારે રહેવાનુ છે પણ મને અપડાઉન કરવાની ઈચ્છા છે અને પે સ્કેલ પણ અહી કરતાં વધારે છે અને ફક્ત મમ્મી બે – ત્રણ મહીનાની વાત છે આ કંપનીની બ્રાંચ અમદાવાદમાં છે એટલે મને કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સફર મળી જશે, હાલ અમદાવાદમા કોઈ વેકન્ટ પોસ્ટ નથી એટલે બે મહીના જેવુ વડોદરાની બ્રાંચમાં જવું પડશે.’

ઇશાને એક અઠવાડીયા પછી ખુશ જોઈને કીર્તીબેનને આનંદ થાય છે. એમનું મન તો દીકરી ને દૂર કરવા માટે આનાકાની કરે છે, પરંતુ સંજોગો અને દીકરીની ખુશી ખાતર માની જાય છે, ન્યુ એનવાયરમેન્ટમાં ઇશાનું માઇન્ડ ફ્રેશ થશે અને બે – ત્રણ મહીનાની તો વાત છે વડોદરા એટલું દૂર પણ છે નહી. ‘હજુ તો પંદર દિવસ પછી જોઈનીગ છે ને ઈશા?’ – કિર્તીબેન પૂછે છે.

નવા માહોલના સ્વપ્ના જોતી ઈશા બોલી – ‘હા મમ્મી, કાલે જઈને એડવાન્સ રીઝાઇન મૂકી દઉ છું.’

ઈશાની મમ્મી ભારે હૈયે બોલી – ‘ભલે જેવી તારી ઈચ્છા.’

બીજા દિવસે સવારે હાયર ઓથોરીટીને એનું રીઝાઇન મોકલી દે છે અને બપોર થતાં સુધીમાં એને અપ્રુવલનો લેટર મળી જાય છે, ઓફિસમાં બધાને એના આવા અચાનકથી લીધેલા ડીસીઝન બાબતે પૂછતા ઈશા પે સ્કેલનું કારણ જણાવે છે, ઇશાને હવે થોડું સારું લાગે છે, અંશસરની માનસિક પરિસ્થિતીનો અંદાજ પંદર દિવસની અંદર આવી જસે અને મમ્મીને મેંટલી પ્રિપેર કરી દઇશ. બે બાળકો વચ્ચે અટવાયેલી નેહા અંશસરને પ્રોપર ટાઈમ આપવાનું ભૂલી ગઈ છે એમ વિચારતી ઈશા આ પંદર દિવસની અંદર અંશસરને હસતાં કરવા માટે પ્લાન વિચારે છે.

અંશસર રાજા પરથી પાછા આવે છે, બધું જ નોર્મલ થઈ ગયું છે, અંશસરને ઇશાના રીઝાઇનની વાત હજુ ખબર પડી નથી. ઈશા એમની જોડે નોર્મલ ફ્રેન્ડની જેમ જ વાત કરે છે, પહેલાં કરતાં વાતચીતની દૂરી થોડી વધારી લીધી છે, નાની નાની વાત અંશસર ને કરનારી ઈશા એના જીવનની મોટી વાત અંશસરથી છુપાવીને ફરી રહી છે. અંશસરની આંખમાથી સતત ઈશા માટેનો પ્રેમ છલકી રહ્યો છે. આ જોઈને ઇશાને વધારે મનમાં દૂ:ખ થાય છે, બધો જ વાંક પોતાનો છે એવું એને લાગ્યા કરે છે અને બરાબર અંશસર જોડે વાત થતી ન હોવાથી બેચેન રહ્યા કરે છે.

બીજીબાજુ ઇશાના રીઝાઇનની વાતથી અજાણ અંશ એમ વિચારીને માની જાય છે કે ઈશા વાત કરે છે અને આખો દિવસ મારી આંખ સામે તો હરતી ફરતી રહે છે.

થોડા દિવસ બાદ બરાબર એકાંત અને અંશસરનો મૂડ જોઈને ઈશા બોલે છે – ‘સર, એક ફ્રેન્ડ તરીકે પર્સનલ પ્રોમિસ લેવું છે આપસો?’

ઇશાને પામવાની બધી આશા ગુમાવી બેસેલો અંશ પર્સનલ શબ્દ સાંભળીને ચકિત થઈ જાય છે – ‘હા બોલને, શું વાત છે?’

ઈશાને હિચકિચાટ થાય છે છતાં કહે – ‘પહેલાં પ્રોમિસ આપો કે હું કહું એમ તમે કરશો જ,’

અંશને તો ઈશાની વાતમાં રસ પડ્યો – ‘હા બોલ, તું કહે એમ બધું હું કરીશ.’

ઈશાનું મન અંશસરનું આવું એના પ્રત્યેનું સમર્પણ જોઈને એક ધબકાર ચૂકી જાય છે અને ગળાંમાથી શબ્દો નીકળતા ન હોય એમ મહેનત કરતી બોલે છે – ‘સર, જ્યારે જ્યારે તમને મારી એક પ્રેમિકા તરીકે યાદ આવવા લાગેને ત્યારે... ’- આટલું બોલી ચૂપ થઈ જાય છે.

અંશને તો ઉત્સુકતા થાય છે કે હવે ઈશા શું બોલસે આગળ? ઈશા તો આગળના શબ્દો અચકાટ સાથે ફટાફટ બોલી જાય છે – ‘ત્યારે તમે તમારી વાઈફને જો નજીક હોવને તો હગ કરજો, અને એવું શક્ય ન હોય તો પ્રેમભરી વાત કરજો, તમે એમને કેટલો પ્રેમ કરો છો એનો અહેસાસ પળ પળ કરાવતા રહેજો.’

અંશ ઈશાની આ વિચિત્ર પ્રોમિસ જાણીને નિરાશ થઈ ને બોલ્યો – ‘ઈશા મે એને બધું જણાવેલું છે જ.’ અને અવાજ ધીમો કરતાં બોલ્યા - ‘જેણે જાણવાનું છે એ મગજ વગરની વાતો કરે છે.’

ઈશાએ છેલ્લું વાક્ય સંભાળ્યું છતા અજાણ બની ને બોલી – ‘જે હોય પ્રોમીસ અપાઈ ગયું હવે પાલન કરવું પડશે તમારે.’

અંશ ઇશાનું આવું બોલવા પાછાળનું કારણ સમજી ગયો અને બોલ્યો – ‘ઈશા હું મારી જાતને સંભાળી શકું એટલો સક્ષમ છું, તું મારી ચિંતા ન કરીશ, હવે બે દિવસ બાકી છે તારા અહી.’

ઈશા આ સાંભળીને ચોંકી ગઈ – ‘તમને ખબર છે?’

અંશ કહે – ‘હા ઈશા, ચાર દિવસ પહેલાં ખબર પડી, હાયર ઓથોરીટીની મીટીંગમાં તારું રીઝાઇન અપ્રૂવ કરનારે જ મને જાણ કરી, એકસમયે તો મને લાગ્યું કે જાણે મારુ સર્વસ્વ લુટાઈ ગયું, હું શું કરું? ક્યાં જાવ ? આગળ કેવી રીતે જીવીશ? કઇ જ ખબર નહોતી પડતી, જોઈ લે મને મે સંભાળી લીધોને ખુદને, તું મારી ચિંતા ના કરતી ઈશા, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર બેટા. તું ક્યારેય એવું ના સમજાતી કે આ બધું તારા લીધે જ થયું છે ખુદને ક્યારેય દોષ ન આપતી, નાની નાની વાત મને કહેનાર મારાથી આટલી મોટી વાત છુપાવી એનો મને અફસોસ થયો, તારી સાથે વાત કરવાની મજ્જા આવે છે તું સાહિત્યમાં રસ ધરાવે છે અને મને પણ છે એટલે મજ્જા આવે વાતો કરવામાં, આપણી વાતો લાંબી લાંબી ચાલે, અને સંવાદ પતે પછી જાણે મનથી ધરાઇ જવાય ઈશા, આપણાં શાસ્ત્રમાં લખ્યું છે અને એવા ઘણા પાત્ર ઈતિહાસમાં થઈ ગયા છે કે જેમણે એમના જીવનમાં એક કરતાં વધારે પુરુષ અને સ્ત્રી સાથે સંબંધ રાખ્યો છે જાણે છે ને આ વાત, આમાં કાઇ ખોટું નથી બેટા, અંશ હમેશા બહુ પ્રેમ આવે એટલે ઈશાને બેટા કહેતો.’

સામે ઈશાએ એના વાંચનનો અનુભવ જણાવ્યો - ‘હા સર, આવા સંબંધ ખોટા નથી હું જાણું છું જોડે આપણું શાસ્ત્ર મનુસ્મૃતિ એમ પણ કહે છે કે એમાં આપણાં પહેલાંના સાથીની પરવાનગી લેવી જરૂરી છે અને આવા સંબંધનો ઉપયોગ માત્ર સંતાનોત્પત્તી માટે જ કરવામાં આવે છે, વ્યભિચાર કે મોજશોખ માટે નહી, ઈતિહાસમાં આના પ્રયોજન માટે જ આવા સંબંધ બાંધવામાં આવતા અને હેતુ પૂરો થતાં જ પાત્રો અલગ થઈ જતાં આખુ સત્ય આ જ છે. અને આપણને આવા કોઈ જ પ્રયોજનની જરૂર નથી. આપણે મનને એટલા આધીન છે કે દર વખતે એની જીદ આગળ નમી જઈએ છે.

અંશ ઈશાનો મક્કમ ઇરાદો જાણીને આગળની આર્ગુમેન્ટ કરવા નહોતો ઇચ્છતો એકદમ ગળગળો થઈ ગયો – ‘ઈશા મારુ મન નથી મારા વશમાં, શું તું તારા અંશસર વગર રહી શકીશ? તું મારાથી દૂર જઇ રહી છે એ સ્વીકારવું મારા માટે બહુ જ મુશ્કેલ છે, ઈશા મારી સાથે ફોન પર વાત તો કરીશને? મને ભૂલી તો નહી જાયને? નવા મિત્રો મળતા મને કાયમ માટે છોડી તો નહી દે ને ઈશા બોલને? મે ભૂલ કરી એનું પરીણામ મારે ભોગવવું પડે છે આપણે મિત્ર તરીકે શું ખોટા હતા? તારી વાત રાઇટ હવે મારે મિત્ર ખોવાનો સમય આવી ગયો’

ઈશા અંશસર ની આવી હાલત જોઇને પોતે રાખેલો કંટ્રોલ તોડી રોકી રાખેલા આંસુ સાથે રડી પડે છે – ‘અંશજી હું તમને મેસેજ કે ફોન નહી કરું કે તમે મને ન કરતાં, મને એ વાત પસંદ નથી કે હું સતત તમારા કોન્ટેક્ટમાં રહી તમને તડપાવ્યા કરું, જલાવ્યા કરું, મન સચવાઈ જાય એટલે બધુ જ સચવાઈ જાય, મનની આ રમતમાં જો પ્રોપર સમયે ખુદને સંભાળી અને સાચવી લેવામાં આવે અથવા જે ઘડી એ સમજાય કે કઈક ખોટું થઈ રહ્યું છે, જો ત્યાથી પાછા વળી જવામાં આવે તો ઘણી જીંદગી બચી જાય છે. દુનિયાથી છુપાવીને ખોટું કામ કરી દેવામાં આવે પણ આપણું ખુદનું મન જાણતું હોય આપણી સચ્ચાઈ ત્યારે આપણે ખુદની નજરમાં ડાઉન થઈ જઈએ છે આ સમાજની વ્યવસ્થા આપણાં માટે અને આપણાં દ્વારા જ રચવામાં આવેલી છે. તમે તમારા મનની વાત જાહેર કરીને કઈ જ ખોટું નથી કર્યું અને તમારી સાથે વાત કર્યા વગર રહેવું મારા માટે પણ ... ’ આગળ બસ ધ્રુસકે ધ્રુસકે રડે છે.

અંશ ઇશાના વિચાર જાણીને વધારે માન અને પ્રેમથી એને જોવા લાગ્યો, જોડે આ પાત્ર ને ગુમાવવાનો અફસોસ તો હતો. છતાં વાતાવરણને હળવું કરતાં અંશ બોલ્યો – ‘ઈશા એટલે તું મને પ્રેમ કરે છે એ વાત સાચી, તારા લગ્નમાં મને બોલાવીશ? અને ખાસ વાત આ જન્મમાં તું નહી મળી આવતો જન્મ અગાઉથી બુક કરાવું છું એમાં તો વાંધો નથીને?’ હસવાનો મિથ્યા ઢોંગ કરે છે.

ઈશા હવે વધારે ઢીલી પડી ગઈ, અને માંડ માંડ બોલી - ‘સર આવતા જન્મની તો ખબર નથી, પણ આ જન્મમાં તમે ખૂબ ખુશ રહેજો અને તમારા પરિવારને ભરપૂર પ્રેમ આપો, મારી પ્રોમીસ યાદ રાખી એનો અમલ કરજો પ્લીઝ, અને અમુક સંબંધ અધૂરા રહેવા જ સર્જાય છે, પરંતુ એને ખોટીરીતે શણગારવાની વાતમાં ના એટલે ના જ ’ અને કેબિનની બહાર નીકળી ગઈ.

ઇશાના લાસ્ટ ડે વખતે અંશ ઓફિસમાં નહોતો આવ્યો, થાય એટલો પ્રયત્ન કરીને ઈશા બધાને ખુશ કરીને વડોદરા જવા રાત્રે જ નીકળી ગઈ. ટ્રેનમાં ટાઈમ પાસ કરતી વ્હોટ્સ અપના મેસેજીસ ચેક કરતી હોય છે ત્યાં નેહાના મેસેજીસ આવેલા જોવે છે – ‘હાય ઈશા ઓફિસમાં કઇ નવા જૂની થઈ છે, અંશ તો મને છેલ્લા બે દિવસથી ખૂબ પ્રેમ કરી રહ્યા છે જાણે અમારી જવાનીના દિવસો યાદ આવી ગયા ઈશા.’

ઈશા મેસેજનો રીપ્લાય કરે છે – ‘અરે વાહ, ભાભી ખૂબ સરસ, અંશસરનું ધ્યાન રાખજો અને ખૂબ ખુશ રહો તમેબધા અને મે તો ઓફિસ છોડી દીધી હવે વડોદરા બીજી કંપનીમાં જોઇન કર્યું છે એટલે ખ્યાલ નથી.

સામેથી રીપ્લાય આવે છે – ‘ઓકે ટેક કેર, બેસ્ટ ઓફ લક, વી મીસ યુ, અમદાવાદ આવે તો આવજે ઘરે મળવા.’ ઈશા અને નેહાને ઘણું સારું બને છે દરેક પ્રકારની વાત થતી રહેતી હોય આવેલો બપોરનો મેસેજ નેહાભાભીનો છે પણ અત્યારે જે રીપલાય આવી રહ્યા છે એ મેસેજ ઇશાને અંશસર કરી રહ્યા છે આ વાતની અકસ્માતે થયેલા કનેકસનના લીધે ઇશાને ખ્યાલમાં આવી જાય છે એટલે ઈશાનો રીપ્લાય એજ હતો – ‘ના એટલે ના.’ અને પછી થોડા સમય માટે અમુક મોબાઈલ નંબર બ્લોક લીસ્ટમાં એડ કરી દે છે. આબાજુ ટ્રેન ઝડપમાં ચાલવાનું શરૂ કરે છે અને બીજીબાજુ પાછળ સરી જતી ઈશાની યાદો.

***