Jani ajani vato - gandhijini books and stories free download online pdf in Gujarati

જાણી અજાણી વાતો - ગાંધીજીની.

સાંજનો સમય છે. ગામના પાદરે બે જુવાનીયા જેવા દેખાતા તરુણો તળાવની પાળે બેઠા છે. એક તરુણ વ્યાકુળ થયેલ છે 'ને બીજો ઉપાય શોધવામાં ચિંતિત. નીરવ શાંતિ ફેલાયેલી છે. થોડીવાર તે દ્રશ્ય જેમનું તેમ જ રહ્યું. ત્યાં એક તરુણ-જેની મુખાકૃતિ શાંત પણ મક્કમ હતી તેણે મૌન તોડ્યું,

તરુણ : કાલે જ આપવા પડશે દાદુ? એક-બે દિવસ પછી નહિ ચાલે?

દાદુ : ના મોહન. એણે આ વખતે તો ધમકી આપી છે કે કાલે જો એનું કરજ ના ચૂકવ્યુ તો મારા મોઢાનો નકશો બદલી નાખશે.

મોહન : એવું કઈ રીતે કરી શકે એ? એવું કાઈ નહિ થાય.

"પણ મોહન, ૨૫ રૂપિયા આજે એક દિવસમાં ક્યાંથી લાવશું?"

"પિતાજીને એક વખત પૂછી જોઉં છે?"

"ના....ના. એવી ભૂલ ના કરતો. પિતાજીના ગુસ્સા કરતા પેલાનો ઘુસ્સો ખાવો સારો."

....થોડીવાર ફરી બંને મૌન રહ્યા. એ શાંતિનો ભંગ કરતા મોહન બોલ્યો.

"એક રસ્તો છે. મને ખબર છે કે ખોટો રસ્તો છે પણ એના સિવાય બીજો રસ્તો નથી."

"કયો?" દાદુ તો ચમક્યો. તેને થોડી ટાઢક વળી કે કંઈક તો રસ્તો નીકળ્યો. તે સાંભળવા અધીરો બન્યો. "કયો રસ્તો મોહન? જલદી બોલ ! જલદી."

મોહને દાદુ એ પહેરેલા નક્કર સોનાના કડા તરફ નજર કરીને કહ્યું " આમાંથી એક તોલું ઓછુ થઇ જાય તો કોને ખબર પડવાની? પણ... એક શરતે મોટા ભાઈ."

"કઈ?" દાદુ ને થયું એક તો આ ટેન્શન છે અને એમાં આ મોહન બીજી કઇ શરત રાખશે ?

મોહન : કે તમે આજ પછી આવું કરજ કોઈ દિવસ નહિ કરો.

દાદુ : આપ્યુ વચન.

અને બીજે દિવસે સવારે તે નક્કર સોનાનું કડુ કપાયું; પૈસા મળ્યા; તે પેલાને ચૂકવી દીધા. દાદુને મોઢું બચી ગયું તેનો આનદ થયો.

પણ....! પણ મોહનને ભાઈને બચાવ્યના આનંદ કરતા પિતાજીને અને માંને છેતર્યાનું દુઃખ વધુ હતું. આની પહેલા પણ પોતે એક મિત્ર સાથે બીડીના વ્યસન માટે પૈસા ચોરેલા ત્યારે પણ એ ગમ્યું ન હતું અને વળી આજે ફરી! આજે સોનાનું કડુ કપાયું.

આ વાત જેમ ઉધઈ લાકડાને અંદરથી કોરી ખાય તેમ તેના હૃદયને કોરી ખાતી હતી. ઘણી વખત થતું પિતાજીને કહી દઉં,પણ તેમના ઉગ્ર સ્વભાવને કારણે હિમ્મત ન થાય તે કરતા વધુ પિતાજીને કેટલું દુઃખ લાગે તે કારણે કહી શકતો ન હતો. પિતાજીને કહી શકાતું નો'તું 'ને કીધા વગર તે સહી શકાતું નો'તું. અંતે નક્કી કર્યું કે એક ચિઠ્ઠીમાં લખીને પિતાજી સામે એકરાર કરવો.

સાંજનો સમય થયો. ઘરમાં એક નાનો ઓરડો છે ત્યાં પિતાજી લાકડાની પાટ પર સુતા છે. પિતાજીને ભગંદર નું દરદ હતું. ટરરર....દરવાજો ખુલે છે.

"કોણ?" પથારીમાં સુતા સુતા એક વૃદ્ધ માણસ અવાજ દે છે. આમ તો તેના મુખ પર ભગંદરના દરદ ની રેખાઓ વર્તાતી નો'તી, પણ તેનો અવાજ ચાડી ખાતો હતો.

"હું મોહન, પિતાજી." મોહન દરવાજે ઉભા ઉભા જ બોલ્યો.

"આવ આવ બેટા! તું રોજના નિત્યક્રમ પ્રમાણે આવી ગયો મારી સેવા કરવા !" અવાજમાં એક પ્રકારનો ઉત્સાહ વર્તાયો. અને કેમ ના વર્તાય ? રોજ મોહનનો નિત્યક્રમ હતો પિતાજીની ચાકરી કરવાનો. નાનપણમાં શ્રવણનું નાટક જોયેલું ત્યારથી એ તેનો આદર્શ. નિશાળે ભણવામાં કદાચ મન ન લાગે પણ મોહન પિતાજીની સેવા ચુકે એ તો ન જ બને! પિતાજીની સેવા કરવામાં તેને અનેરો આનંદ મળતો. કયો બાપ પોતાના દીકરાની આવી શ્રવણ ભક્તિથી ખુશ ના થાય. આવો દીકરો હોય તો તો છાતી ગજ ગજ ફુલાય ! આવા દીકરાને જોઈને કોઈ પણ બાપને ભગંદરનું દરદ ભુલાય જાય એમાં નવાઈ શું? એમને તો ગર્વ હતો મોહન પર અને એટલે જ તો એ કોઈ પોતાને ત્યાં ખબર અંતર પૂછવા આવે તો ગર્વથી મોહનની વાત કરે "મારો મોહન છે પછી મને ક્યાં કંઈ ચિંતા કરવાની છે."

મોહનને પિતાજીનો આ પ્રેમ ખબર હતો અને સાથે સાથે પિતાજીનો ગુસ્સો પણ. કોઈનાથી સિદ્ધાંતો વિરુદ્ધ કંઈ થાય તો એ બિલકુલ ના સાખી લે. એટલે તેમના ગુસ્સાનો જ ડર હતો. પણ આજે તો મોહને નક્કી જ કરી રાખ્યું હતું કે કેમેય કરીને પિતાજી પાસે ગુન્હાની કબૂલાત તો કરવી જ છે.

"અરે ! હજી ત્યાં ઉભો શું વિચાર કરે છે, અહીં આવ, મારી પાસે બેસ. તને જોઈને આ દરદ ભુલાય જાય છે." મોહનના પિતાજીએ મોહનનું વિચાર મંથન તોડ્યું. મોહને પણ હિંમત ભેગી કરીને આજે ગુન્હો કબુલવાનો એક નવીન રસ્તો પસંદ કર્યો હતો કેમકે પિતાજી સામે એ ગુન્હો કર્યો છે એવું કબુલતા જીભ ઉપડે જ નહીં!

....મોહન ઓરડામાં આવે છે. સંધ્યાનો સમય છે. ઓરડામાં આછું-પાતળું આજવાળુ છે. દીવા તો નો'તા બળતા ત્યાં પણ હાથમાં ચીઠ્ઠી લઈને જતો મોહન બળતો હતો. શું હતું તે ચિઠ્ઠીમાં?

તે ચિઠ્ઠીમાં તેણે બધો દોષ કબુલ કર્યો હતો, તેની સજા પણ માંગી હતી. પિતાજી આ દુઃખ પોતાના પર ન વહોરી લે તેવી આજીજીપૂર્વક વિનંતી કરી હતી અને ભવિષ્યમાં ફરી એવો દોષ ક્યારેય નહી કરવાની પ્રતિજ્ઞા કરી. મોહન આવીને ઉભો રહે છે.

"કેમ મોહન આજે ઉદાસ દેખાય છે? શું વાત છે?' પિતાજી મોહનના ચહેરાના ભાવ ઓળખી જાય છે. મોહન કંઈ પણ જવાબ આપ્યા વગર પિતાજીના હાથમાં ચિઠ્ઠી આપીને પિતાજીના પગ પાસે બેસે છે. પીતાજી તે વાંચવા સારું બેઠા થયા. મોહનની નજર ઉંચી થતી નહતી પણ પિતાજીના મુખની રેખાઓ જોવા સ્હેજ આંખ ઉંચી કરે છે. ત્યાં જુએ તો આ શું! ઉગ્ર સ્વભાવના પિતાજી ચિઠ્ઠી વાંચ્યા પછી પણ મુક હતા. ભગંદરના દરદની પીડા છતાં જે ઢીલા નથી થયા તે પિતાજીની આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. એ જોઇને મોહન ચોધાર આંસુએ રડી પડ્યો. થયું કે જો અત્યારે ધરતી મારગ આપે તો સમાઈ જાઉં. આંખો બંદ કરી પિતાજીએ તે ચિઠ્ઠી ફાડી નાખી 'ને પિતાજી ફરી સુતાં.

...હવે ઓરડામાં ગમગીન વાતાવરણ છે. ઓરડામાં માત્ર પિતાજી 'ને પુત્ર છે. ત્યાં ખૂણામાં એક દીવો બળતો હતો 'ને તેનું તેલ દીવામાંથી નીચે ટપકતું હતું. લાગે કે જાણે દીવો જ બળે છે અને દીવો જ રડે છે. રૂની વાટ અને કોડિયું અલગ નો'તા લગતા. મોહન મોતીબિંદુના પ્રેમબાણે વિંધાયો. શબ્દો મૌન બન્યા છે. બંનેની આંખમાંથી દડદડ આંસુ વહે છે. મોહનના પશ્ચાતાપના - પિતાજીના ક્ષમાના.

ત્યારથી જ પિતાજી પાસેથી અહિંસા ના બીજ મોહનમાં રોપાયા જે પાછળથી મોહનના જીવનમંત્રમાંનો એક બન્યો - સત્ય અને અહિંસા.

તે એટલે બીજું કોઈ નહી પણ આપણા બાપુ-એક પોતડી, એક ચાખડી 'ને એક લાકડી અથવા સત્યના પ્રયોગ કરનાર અથવા અહિંસક ક્રાંતિનો પ્રણેતા અથવા સાબરમતીનો સંત અથવા મહાત્મા અથવા કહો કે 'મોહનદાસ કરમચંદ ગાંધી'.

"હજી મને જીવતો દાટ્યો નથી, પણ જ્યાં સુધી મારી શ્રદ્ધાની જ્યોત જેવી ને તેવી ઝળહળટી રહેશે, મને આશા છે કે હું એકલો પડી જાઉં તોયે એ ઝળહળતી રહેશે, ત્યાં સુધી પડ્યો પડ્યો હું જીવતો રહીશ અને વિશેષ તો એ કે ત્યાંથી બોલતો પણ રહીશ."

-- ગાંધીજી