Chhapparpagi books and stories free download online pdf in Gujarati

Chhapparpagi

છપ્પરપગી

હેમલ વૈષ્ણવ

henkcv12@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

છપ્પરપગી

"વહુ.. ઉષલીના ઓરડામાંથી વાસીદું કાઢી લેજે..."

મહાકોર બા નો સત્તાવાહી અવાજ તેજુની પીઠ પર અથડાયો અને તેજુએ પોતાનો મેલો કધોણીયો સફેદ સાડલો સંકોરતા ઝટ દઈને સાવરણી ઉપાડતાં નણંદ ઉષાના ઓરડા તરફ પગ ઉપાડયા. પોતાનાથી બે જ વર્ષ નાની ઉષાના ખંડ તરફ જતાં જતાં વચ્ચેના ઓરડાનાં બંધ બારણાં પર, લાખ પ્રયત્નો છતાં તેજુ નજરને જતાં રોકી શકી નહી. પતિ મહેન્દ્રના પાછા થયા પછી એમના આ શયન ખંડના બારણાં પણ તેજુના ભાગ્યના બારણાંની જેમ ચસોચસ વસાઈ ગયા હતાં .

સાસરાંના ગામથી પણ નાના ગામમાં ગરીબ વિધૂર બાપ સાથે રહેતી તેજુ માંડ ચાર ચોપડી ભણવાને પામી હતી. માં તો નાનપણમાં જ એને છોડીને મોટા ગામતરે ઉપડી ગઈ હતી. એમાં જયારે તેના માટે એનાથી મોટા ગામમાં રહેતાં મેટ્રિક પાસ અને કારખાનામાં કામ કરતા મહેન્દ્રનું માગું આવ્યું ત્યારે ગામ આખાને એમ લાગેલું કે તેજુનાં ઉઘડી ગયાં. તેજુના બાપ ઉકા ભાઈને હરખ કરતાં ગામનાં બૈરાઓ એ ત્યાં સુધી કહેલું કે "ઉકાભા... તેજુની નણંદ તો કાલે સવારે પરણીને જાતી રેશે. પછી તો તેજુનો વર અને સાસુ જ ઘરમાં રયાને?.. મહાકોર બા ને રાંડયે તો આજે કેટલા વરહ થઈ ગયાં ,એમને તેજુ જેવો હાથ વાટકો મળી જાય પછી બીજું શું જોઈએ..?" ઉકાભા સંતોષથી બધું સાંભળી રહેતા...અને તેજુ પણ મિશ્ર લાગણી અનુભવી રહેતી. એક તરફ વૃદ્ધ પિતાને એકલા છોડવાનો રંજ તો બીજી બાજુ મા ના પ્રેમથી વંચિત રહેલી તેજુ વિધવા સાસુજીમાં "માતા"ની છબી નિહાળી રહેતી.

તેજુ એ મહેન્દ્ર સાથે ઘર સંસાર માંડયાના ત્રણ જ મહીના બાદ પોતાનું કર્તવ્ય પૂરૂં થયાની ભાવનાને કારણે હોય અથવા તો દીકરીના અસાંગળાને કારણે હોય, પણ ઉકાભા મૃત્યુ પામ્યા. બાળપણથી પિતા પાસેથી જ મા અને બાપ બન્નેનો પ્રેમ પામેલી તેજુએ પિતાના મૃત્યુના સમાચારથી જાણે ધરતીકંપનો આંચકો અનુભવ્યો. હવે તેજુ પાસે સાસરીના ઘર સિવાય બીજું કોઈ ઠેકાણું હતું નહી, પણ પતિ મહેન્દ્રના લાગણી ભર્યા વહેવારને કારણે તેજુ પિતાના નિધનના દુખને ધીરે ધીરે વિસારે પાડવા લાગી. મહાકોર બા સાથે પણ તેજુ આદર ભર્યો વ્યવહાર રાખતી પણ લાગણીનો સેતુ બંધાવાને હજી વાર હતી. હવે તો પેટમાં એનો અને મહેન્દ્રની અંશ પણ વૃદ્‌ધિ પામી રહ્યો હતો. તેજુની સગર્ભા અવસ્થા વિશે જાણ્‌યા પછી મહાકોર બા પણ પૌત્રની ઈચ્છાએ તેજુનું કાંઈક વિશેષ ધ્યાન રાખતા થયા. અને તેજુને બા સાથે લાગણીનો સેતુ બંધાતો હોય એવું લાગવા માંડયું. આ સેતુ બંધાઈ રહે તે તે પહેલાં જ તેજુના જીવનમાં ફરી એક વાર બેવડો ઉલ્કાપાત સર્જાયો. કારખાનેથી સાઈકલ પર ઘરે આવતાં મહેન્દ્ર ટ્રકની અડફેટમાં આવીને મૃત્યુ પામ્યો. આ સમાચાર સંભાળતાં જ બેહોશ થઈ ગઈ તેજુ... જયારે હોશ આવ્યા ત્યારે ,જીવન જ નહી, કુખમાં પણ ખાલીપો અનુભવ્યો તેજુ એ.. ભગવાને એક જ ઝાટકે જાણે બધું જ છીનવી લીધું હતું. ખાટલામાં પડેલી તેજુએ અસહાય નજરે સાસુમા જોયું . આજે સાસુજીની નજર કેમ બદલાયેલી લાગી ..?

જુવાનીમાં જ પતિ ગુમાવી ચૂકેલા મહાકોર બા નો બધો દારોમદાર મહેન્દ્ર પર હતો . મહાકોર બા ના જીવનની કટુતા જાણે બેવડાઈ ગઈ , અને આ કટુતાના અજગરે અસહાય તેજુને ફરતે ભરડો લઈ લીધો . પતિના મૃત્યુ ને નસીબનો દોષ સમજનારા મહાકોર બાને પૂત્રના અપમૃત્યુમાં તેજુનો ભારોભાર દોષ દેખાવા લાગ્યો . આ દોષ બાના મગજમાં પૂરેપૂરો વસી જાય એ માટે મહાકોરની આજુ બાજુના "પરોપકારી" સમાજે પણ કંઈ કસર નાં છોડી .સાંત્વન આપવાને બહાને ભેગી થતી સ્ત્રીઓ પણ બા ના કાનમાં ગુસપુસ કરતી રહેતી..."આના કરતાં મહેન્દ્રને બીજે ઠેકાણે પરણાવ્યો હોત તો આ દિ જોવાનો નાં આવતે " .

."છપ્પરપગી પહેલાં બાપને ખાઈ ગઈ, પછી વરને,...અરે પેટમાંના છોકરાને પણ નાં છોડયો , બાકી વંશવેલો તો ટકી રહ્યો હોત..."

"આ ઉષલીના વિવાહ થઈ ગયા છે ,એની પર ક્યાંક નજર નાં લાગે કાળમુખીની..."

...નિરાધાર તેજુ બસ સાંભળી જ રહેતી... અને આ "દોષ્િાણી" ને સજા કરવા સાસુએ વૈધવ્યનાં જે બંધનો પોતે આજીવન પાળ્યા હતાં, એ બમણી તીવ્રતાથી તેજુ પર લાદયા .નણંદે તો ગામ લોકની વાતમાં આવી જીને ભાભી સાથેનો સંબંધ લગભગ નહીંવત જ કરી નાખ્યો હતો.

સવાર સાંજ ઘરનું વૈતરૂં કરતી તેજુ થોડી વાર પણ પગ વાળીને બેસી નાં રહે એ જોવામાં મહાકોર વ્યસ્ત રહેવા લાગી. પોતાની સાથે કાચી ઉમરની તેજુને પરાણે ધરમ ધ્યાનમાં બેસાડીને મહાકોર એક વિધવામાં સંયમ અને સંસ્કારનું સિંચન કર્યાનો મિથ્યા ગર્વ અનુભવતી. ધીરે ધીરે તેજુએ પણ મુળ થઈ જીને આ જીવન સ્વીકારી લીધું હતું. બે કધોણીયા સફેદ સાડલા, દિવસ રાતનો સડબોળો, કપાળ ઉપર કંકુને બદલે ક્યારેક મહાકોરના માની લીધેલા ગુરૂજી એ આપેલી ભભૂતિનો લસરકો.. આ બધા પાછળ મહેન્દ્ર સાથે ગાળેલા પ્રસન્ન દામ્પત્યના થોડા મહિના તો ક્યાય વિલુપ્ત થઈ ગયા હતા. પતિ માટે નીખરતું રૂપને કાળના ઝાટકે હવે "ગંગા સ્વરૂપ" કરી નાખ્યું હતું. પિયરથી આવેલી ચીજો તો "વિધવાને આ ના શોભે " ના ફરમાન હેઠળ ક્યારની ઉષાને આપી દેવાઈ હતી.

નીચી મુંડીએ કચરો વાળી રહેલી તેજુનો હાથ અજાણતાં જ ઉષાના કબાટને વાગ્યો અને કબાટનું ઠાલું વાસેલું બારણું ખુલી ગયું. કબાટની ઉપલી છાજલી પરથી લેટેસ્ટ ફેશનનાં સ્ટીકી ચાંદલાઓનું પેકેટ નીચે પડયું. ગામડા ગામની તેજુએ આના વિશે સાંભળ્યું જ હતું. "અરે .. આ તો પેલા જાદુઈ ચાંદલા..!!" ઓછું ભણેલી તેજુ મનોમન બોલી ઉઠી. સુંવાળા મખમલી ચાંદલા ઉપર એની આંગળી અવશ પણે ફરી રહી. આંગળીએ ચોંટેલો ચાંદલો ક્યારે લલાટ સુધી પહોંચી ગયો એનું એ બિચારીને ભાન સુદ્ધાં ના રહ્યું .કબાટ પર લાગેલા અરીસામાં અમસ્તું જ જોવાઈ ગયું. આ શું..? પાછળ પ્રતિબિંબમાં "એ" ક્યાંથી..?.. ગાલ પર શરમના શેરડા સાથે એનાથી પતિનાં પ્રતિબિંબને પૂછાઈ ગયું... "તમને ગમ્યું..?, મને ...મને આવા ચાંદલા લઈ દેહો ..?"

મહેન્દ્ર જાણે લાડથી નવોળાને કહી રહ્યો હતો.."આ ચાંદલા હારે જાય એવી સાડી તો પહેર ..ચાંદલા શું ..હોઠે લગાડવાની લાલી પણ લઈ આપીશ " બસ ..મનના માણીગર સાથે કેટલા વખત પછી , મનોમન સંવાદો ચાલતા જ રહ્યા અને ઉષાના કબાટમાંથી રંગીન સાડી ,બંગડી,બુટીયા ,ચૂંક ...તેજુના શરીર પર અનાયાસે ચડતું રહ્યું .આયનાના પ્રતિબિંબમાંથી મહેન્દ્ર તરસી આંખોથી તેજુનું રૂપ ઘટક ઘટક પી રહ્યો હતો . અચાનક મહેન્દ્ર બોલ્યો ..."નાનકો પણ તારી જેવો રૂપાળો થશે હો... બહુ રૂપાળો...

બહુ જ... બહુ... બહુ..."

વહુ.... વહુ.... ના , આ મહેન્દ્રનો અવાજ ન હતો... બહુ નહી..."વહુ ".. એ પણ "વિધવા વહુ..!!" આયનામાંથી મહેન્દ્ર ગાયબ... મહાકોર નો અવાજ ઉષાના ઓરડા સુધી પહોંચી ગયો હતો અને એની પાછળ મહાકોર પણ...

લાલ સાડીમાં વીંટળાયેલી તેજુને જોઈને મહોકોરને પોતાના રંડાપાનાં પીંજરામાંનું કેદ પંખી, બગાવત કરીને ઉડી જતું લાગ્યું ..

"છપ્પર પગી... હવે ઉષલીને પણ ભરખી જાસ..." ત્રાડ પાડીને ધસી આવતી મહાકોરનું રૌદ્ર સ્વરૂપ તેજુથી જીરવી ના શકાયું. બારણામાં ઉભેલી મહાકોરને એક પ્રચંડ ધક્કો મારીને તેજુ એને બારણામાં જ પડતી રહેવા દઈને શૃંગાર સહીત આંગણામાં ભાગી... મહાકોર ઉભીથાય એ પહેલાં એણે આંગણામાંના કુવામાં પડતું મૂકી દીધું... કુવાના તળીયે એને પ્રેમથી બોલાવી રહ્યા હતાં... એની બાળપણમાં જ વિખુટી પડી ગયેલી માં... પ્રેમાળ ઉકાભા... જન્મ જન્મનો સાથી મહેન્દ્ર... જન્મવા ના પામેલું બાળક... બસ... હવે શાંતિ હતી... નીરવ શાંતિ....

કુવાના થાળે ગામ ટોળે વળ્યું હતું.

મહાકોર કાળો કકળાટ કરી રહી હતી... કમજાત... છપ્પરપગી... જાતા જાતા કુવો અભડાવતી ગઈ... દીકરાને તો ખાઈ ગઈ... દીકરીને પણ ખાવા જાતી હતી.. છિનાળ.. છપ્પરપગી...

સ્વજનના વિરહમાં તડપતી વિરહિણી તો કુવાના જીવંત ઊંંડાણમાં વૈધવ્યના ભારથી મુક્ત થઈને ઉતરી ચુકી હતી... પાણી ઉપર તરતું હતું માત્ર... દોષ્િાણીનું નિશ્ચેતન શરીર...

હેમલ વૈષ્ણવ

henkcv12@gmail.com