Agnipariksha books and stories free download online pdf in Gujarati

અગ્નિપરીક્ષા

'અગ્નિપરીક્ષા'

સંદીપ શોખથી તેયાર કરાવેલા 'મર્મર' બંગલાના બગીચામાં હીંચકા પર રાતની શીતલતા માણતો બેઠો છે, એ પોતે આર્કિટેક એન્જીન્યર હતો એટલે બંગલાનો પ્લાન એણે જ તેયાર કર્યો હતો. પરંતુ એનાથી ઘરમાં નિરાંતે રહેવાયું નહોતું, એ પાંચ વર્ષ માટે કંપની તરફથી ઓસ્ટ્રેલીયા ગયો હતો. બે વીક પહેલાં વતનમાં આવ્યો હતો, હવે ગામમાં જ પોતાનો બીઝનેસ કરવાનું વિચાર્યું હતું. પેસા કમાવા ઘર, કુટુંબ, વતનથી દૂર રહેવાનું એને જરાય દિલ નહોતું. એના બે મિત્રો આવવાની રાહ જોતો હતો. ચોકીદાર ખુરશી ટેબલ ગોઠવતો હતો, એની મા રસોડામાં શીલાને મદદ કરતી હતી.

ઉનાળાની રાત એટલે કુદરતી ઠંડકની 'હાશ', તેના તનમનમાં પ્રસન્નતાની લહેર દોડતી હતી. દિવસની એરકન્ડીશનની જેલમાંથી છૂટી બગીચામાં મુક્તિથી હરવાનું, ફરવાનું, તોફાની દીકરીઓ માયા -કેયા સાથે વુક્ષોની ઓથે સંતાકુકડી રમવાની. ક્યારેક મિત્રો સાથે પાર્ટી.

બગીચામાં ચંપો, પારિજાત, આસોપાલવના વુક્ષોની ડાળીઓ પવનમાં ઝૂલતી આકાશીદોસ્તી કરતી હતી. મધુરી સુવાસથી મહેકતા વાતાવરણમાં ચીઝપકોડાં અને સમોસાની સોડમથી સંદીપે ઊભો થઈ તેની પત્ની શીલાના હાથમાંથી બન્ને ડીશો લઈ ટેબલ પર મૂકી. હીંચકા પરની લાઈટ અને ચાંદનીના પ્રકાશે સેળભેળ થઈ શીલાના સોંદર્યને અનુપમ આભા આપી હતી. લાલસોનેરી ગાઉનમાં શોભી રહેલો શીલાનો લચકીલો દેહ સંદીપને બાહુમાં સમાવી લેવાનું મન થયું, એ શીલાનો હાથ સ્પર્શવા ગયો ત્યાં ગેટ ખૂલ્યો.

બન્ને દીકરીઓ દોડીને ગઈ, 'સિગ અંકલ આયે 'કહેતી તેમની પાસે પહોચી અને નાની કેયા અંકલને વળગી પડી. તે બોલી 'અંકલ આઈ મિસ યુ '

શીલાનો ચહેરો સ્મિતથી છલકાઈ ગયો, તે બોલી 'હમ સબ મિસ કરતે થે. 'તેના અવાજમાં ભીનાશ હતી.

બન્ને છોકરીઓ વહાલા સિગઅંકલના હાથને પકડી હીંચકા પાસે લઈ આવી, પોતાનો અમૂલ્ય ખજાનો બતાવતી હોય તેમ બોલી

'પાપા યે હમારે સિગચાચા '

જશપાલસિગ અને સંદીપે હાથ મિલાવ્યા. સંદીપે હસવાનો આયામ કરતા કહ્યું, 'હું આવ્યો ત્યારનો તમારી વાતો કેયાને મુખેથી સાંભળું છું. એની નજરમાં ઉચા, ગોરા જશપાલ માટે ઈર્ષા હતી. કે શું!!.

શીલા જરા મઝાકમાં બોલી, 'સિગ તો થોડા દિવસના મહેમાન હતા, 'તેણે કેયાને પોતાની ગોદમાં લેતા ચૂમી કરી.

'અરે, આજકાલ કરતે પાંચ સાલ થઈ ગયા. ' જશપાલસિગના ચહેરા પર આત્મીયતા હતી. તેમને થોડું ગુજરાતી આવડી ગયું હતું.

સંદીપના ગયા પછી ઉપરના માળનો એક્સ્ટ્રા રૂમ ભાડે દીધાની વાત શીલાએ ફોનમાં કરી હતી. આવડા મોટા બંગલામાં ઉપરના માળે પ્રોફેસર જશપાલના રહેવાથી શીલાને સથવારો રહેતો. ધીરે ધીરે છોકરીઓ સિગચાચા જોડે એવી ભળી ગઈ કે શીલાને બહાર જવાનું હોય ત્યારે પણ નિરાંત રહેતી.

સંદીપને ચોકીદાર પર ગુસ્સો આવ્યો તે ચીખી ઉઠ્યો, 'તને અત્યારે ધૂણી કરવાનું સૂઝયું ?'

'મચ્છર ભાગી જશે ' તેના મિત્રો વિનુ અને સમીર આવતાવેંત હસીને બોલ્યા.

સંદીપને ધુમાડાથી ગુંગળામણ થતી હતી. એને ભાગી જવાનું મન થતું હતું. આ બધા વચ્ચે તે પૂતળા જેવો બેઠો હતો. બધાં હસી ખુશીથી ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. જશપાલ એમનો ખાસ ગોઠીયો હોય તેમ સમીર હાથ મિલાવતા બોલ્યો, 'ક્યાં ગુમ થઈ ગયા હતા?'

'મુઝે યુનીવર્સીટીમે પોસ્ટ મિલ ગઈ, આજ થોડા સામાન લેને આ ગયા. ' જશપાલે કહ્યું

'વાહ, બહુત ખુશી હુઈ ' વિનુએ અભિનન્દન આપતા કહ્યું

'ચલો આજકી પાર્ટી મેરી ઓરસે 'જશપાલ બોલ્યો

સંદીપના પગને અંગુઠે સાપ કરડ્યો હોય તેમ 'બાપરે ' કરતો ઉછળ્યો

'શું થયું, શું થયું 'કરતા બધા એના પગ પાસે જોવા લાગ્યા

જ્શપાલે કીચેનની બેટરીથી નીચે જોયું, 'કુછ નહી, શાયદ મકોડા હોગા '

બધાંને હસતા જોઈ સંદીપને પગથી માથા સુધી ઝેર ચઢ્યું, જશપાલની દાઢી ખેચી નાખવાનું મન થયું.

શીલાને હુકમ કરતો હોય તેમ કહ્યું, 'મારી વિસ્કીની બોટલ લઈ આવ ને'

શીલા નામરજી ઘરમાં ગઈ.

જશપાલે 'મુઝે રાતકી ટ્રેનસે જાના હે ' કહી 'ગુડનાઈટ કરી બધાની રજા લીધી.

સંદીપ છોકરીઓને બોલાવતો હતો પણ કેયા સરકીને ઉપર જતી રહી.

વિનુ કહે, 'જન્મી ત્યારની જ્શપલને જુએ છે, એટલે મમતા બંધાઈ છે. '

સંદીપે કહ્યું, 'ઓહ, તો કેયાના જન્મ વખતે શીલાને હોસ્પીટલમાં જશપાલ લઈ ગયા હતા!'

બોટલ ટેબલ પર મૂકી શીલા ભાવભર્યા અવાજે બોલી 'આવી જ ઉનાળાની રાત હતી, મોડી રાતે રોડ પર કોઈ વાહન દેખાતું નહોતું સિગ એમના સ્કુટર પર જઈ ટેક્ષી લઈ આવ્યા હતા. '

'અમારે તે અરસામાં ગામડે જવું પડેલું. ' વિનુએ વિસ્કીના ગ્લાસમાં બરફના ટૂકડા મૂકતા કહ્યું.

સમીર અને વિનુએ 'ચીઅર્સ ' કર્યુ પણ સંદીપની નજર ઉપલા માળે લટકેલી હતી.

શીલાને પેટમાં અસહ્ય દર્દ ઉપડ્યું હશે. ઘરમાં બીજું કોઈ નહિ હોય, શીલાની દર્દીલી બૂમોથી ઉધમાંથી જાગી ગયેલો જશપાલ નીચે આવ્યો હશે, શીલા એના ખભે ઢળી પડી હશે. ટેક્ષીમાં જતા જશપાલે શીલાને હિમત આપતા તેને બરડે હાથ ફેરવ્યો હશે. કદાચ શીલા

એને વળગીને બેઠી હશે!એણે સંદીપને યાદ કર્યો હશે?

શીલા સંદીપનો હાથ પકડી બોલી 'આઈ મિસ યુ લોટ' પણ જશપાલે મારી ખૂબ સંભાળ રાખી હતી'.

ચોકીદાર આઈસની બકેટ મૂકતા બોલ્યો, 'હું ને સિગસાહેબ આખી રાત હોસ્પીટલમાં બેઠા હતા, સિગસાહેબ વારેવારે ડોક્ટરને પૂછી આવતા. '

શીલાના માનસપટ પર અંકાયેલી કેયાનાં જન્મની ઘટના તાજી થતાં તે બોલી, 'સીસેકશન કરવું પડેલું, પણ જ્શપાલે માની, બહેનની

પતિની બધાની ખોટ પૂરી હતી. '

'સગા બાપની ગરજ સારી ' વિનુ બોલ્યો

સંદીપને કોઈકે ગાલ પર તમાચો માર્યો હોય તેવું લાગ્યું, એ મનમાં ઊકળી રહ્યો પણ સમસમીને બેસી રહ્યો, 'સગો બાપ---સગો બાપ

કોણ ?, સગો બાપ તો હું છું, 'પાર્ટીની મઝા દૂધપાકમાં પડેલી ખટાશની જેમ બેસ્વાદ થઈ ગઈ, તેણે હાથમાં પકડેલો ગ્લાસ છટકી ગયો, જ્શપાલના નામની કરચો એના રુંવેરુંવે ભોકાતી હતી.

શીલા બોલી, 'હું કેયાને લઈ આવું '

સંદીપે શીલાને હાથ ઝાલી ખુરશીમાં બેસાડી દીધી, પોતાનો હક્ક કરતો બોલ્યો, 'હું લઈ આવું છું, તું ચિતા ના કરીશ. '

સંદીપે દાદરો ચઢતા સાભળ્યું, 'ભાભી, તમે ખુશકિસ્મત કે જશપાલ જેવા ભાડવાત મળી ગયા, સંદીપની ગેરહાજરીમાં પણ કોઈ ચિતા નહોતી.

સંદીપના શરીરે શબ્દોના ચાબકા વિઝાતા હતા, ખભે સૂતેલી કેયા પારકાનું સંતાન હોય તેમ તેનાથી એનો બોજ ઉપાડતો નહોતો, એના પગ ડગુમગુ થઈ ગયા, શીલાએ દોડીને સહારો આપ્યો, બોલી 'તમને છોકરાં ઉચકવાની પ્રેક્ટીસ નથી ને !' તે કેયાને ફૂલની જેમ ઉપાડી ઘરમાં ગઈ.

બે મિત્રો અને સંદીપ વચ્ચે સન્નાટો પથરાયો. સંદીપના મનમાં સાપની ફેણ સમાન અનેક પ્રશ્નો જશપાલ અને શીલાના સબંધ અંગે

ફુંફાડા મારતા હતા પણ મિત્રોને પૂછે તો હાંસીપાત્ર બને, લોકો એને વહેમી ગણે કે પછી કાયર માનતા હશે! બેધડક જશપાલની વાતો મને સભળાવે છે, ગામમાં પણ લોકો ચળભળ કરતા હશે.

'ચાલ, અમે રજા લઈએ ' વિનુ ઉભો થયો. 'તું ય અમારા ઘર તરફ આવજે'.

સંદીપ બોલ્યો, 'બે ઘડી બેસો, મારે આ વાતનો નિવેડો લાવવો છે, '

'શું વાત છે?' બન્ને મિત્રો એકસાથે બોલી ઉઠ્યા

સંદીપ ઝેરને ગળી જતા બોલ્યો, 'હું ગામમાં બીઝનેસ કરીશ તો સફળ જઈશ ને?'

'એમાં જરા ય શંકા રાખીશ નહિ, યુ વિલ બી ફાઈન, ગુડ લક એન્ડ ગુડ નાઈટ '.

એકલો પડેલો સંદીપ શંકાના અગ્નિથી શેકાતો હતો, અગ્નિનો સ્વભાવ છે, બીજાને જલાવવાનો, દઝાડવાનો, બાળીને રાખ કરવાનો.

સંદીપ ધુવાંફુવાં થતો ઘરમાં આવ્યો, 'કેયા ક્યારે જન્મી?મારા ગયા પછી કેટલા મહીને?મારો વંશજ છે કે બીજાનો?એની બહેન કરતા વધારે ગોરી છે, ગુજરાતી છોકરી આટલી મજબૂત અને રૂપાળી હોય ખરી?એમ તો શીલાનો રૂપનો વારસો કહેવાય?

એને લાગ્યું એ પાગલ થઈ જશે. ઘરમાં સૌ મઝેથી પોઢેલાં હતાં, જશપાલ ઉપર નિરાંતે સૂતો હતો, એક સંદીપને ચેન નથી.

ઘડી ઘડી એક જ વાતનું રટણ ચાલે છે, 'કેયા કોનું સંતાન?'શીલાને પૂછે તો? એ તો શક્ય જ નથી કે સત્ય બહાર આવે, આ ઘર લાખનું શંકાથી ભડ ભડ બળી જવાનું, એ એના ડેસ્ક પર માથું ઢાળી બેસી ગયો, એક પેપર પર અભાનતાથી લખી રહ્યો,

'મારે કેયાનું ડી. એન. એ. જાણવું છે' એ જ હાલતમાં તેને કોણે બેડરૂમમાં સૂવાડ્યો તેની એને જાણ થઈ નહોતી,

બીજે દિવસે શીલા બહાર ખૂબ કામમાં રોકાયેલી હતી, ઢળતી રાત્રે તે ઘેર આવી. તેણે કેયાના ડી. એન. એ. નું સર્ટીફીકેટ સંદીપના ડેસ્ક પર મૂકી, જવાની તેયારી કરી. ઉનાળાની કાળઝાળ ગરમી તો હતી પણ શીલાનું શરીર પતિની આશંક નજરથી અગ્નિપરીક્ષામાં બળતું હતું, શીલાના સત્યના તેજથી ચમકતા તાંબા જેવા લાલચોળ ચહેરા તરફ જોવાની સંદીપની હિમત નહોતી, પસ્તાવો, હા પસ્તાવો તેને કોરી ખાતો હતો પણ બે દીકરીઓને લઈને જતી સ્વમાનભંગ માનુની શીલાને રોકવા તેના પગમાં જો મ નહોતું.

'હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. '

શું આ વાર્તાના નાયક સંદીપ માટે સાચું થશે?

તરુલતા મહેતા