Anath books and stories free download online pdf in Gujarati

અનાથ

અનાથ

રાકેશ ઠક્કર

આજે અનાથાશ્રમમાં શોકનો માહોલ હતો. પચીસ જેટલા નાના-મોટા બાળકો તેમના પિતા જેવા મનહરલાલના અવસાનના શોકમાં હતા. આમ તો મનહરલાલ અને અનાથાશ્રમને કોઇ વહીવટી સંબંધ ન હતો. મનહરલાલ આ અનાથાશ્રમના એક સંબંધ વગરના આત્મીય સભ્ય હતા. અનાથાશ્રમની કમિટીમાં તે કોઇ હોદ્દા પર ન હતા કે કોઇ મોટા દાતા ન હતા. તેઓ ફક્ત આશ્રમની સેવાના ઉદ્દેશ સાથે જ જોડાયેલા હતા. તેઓ બાળકો સાથે લાગણીના એવા તંતુથી જોડાયેલા હતા કે તેમના અવસાન પછી દરેક બાળકને ખુદના પિતા ગુમાવ્યા હોય એવી લાગણી થતી હતી. જાણે આજે બીજી વખત બાળકો અનાથ થયા હતા. તેમને લાગતું હતું કે તેમનું એક છત્ર છીનવાયું હતું. કેટલાક તોફાની બાળકો તેમના આવ્યા પછી વિવેકી બની ગયા હતા. દરેક બાળક તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું હતું.

અનાથાશ્રમના યુવાન મુખ્ય ટ્રસ્ટી દલપતને તો કલ્પના પણ ન હતી કે આ રીતે કોઇ મનહરલાલ નામની વ્યક્તિ શહેરથી દૂર એક નાના ગામડામાં આવેલા એમના અનાથાશ્રમમાં સેવા કરવા આવશે અને યાંત્રિક રીતે ચાલતા આશ્રમમાં લાગણીનો નવો સંચાર કરશે. દાતાઓના દાનથી ચાલતા અનાથાશ્રમના દ્વારે એક દિવસ અચાનક જ મનહરલાલ આવીને ઉભા હતા. તેમની પહેલી મુલાકાત સંચાલક ભરતભાઇ સાથે થઇ હતી. ભરતભાઇએ હેતુ જાણ્યા પછી તેમની મુલાકાત મુખ્ય ટ્રસ્ટી દલપત સાથે કરાવી હતી.

એ સમયે પિતાના આગ્રહથી યુવાન વયમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા દલપતને વીસ વર્ષ પહેલાંનો એ દિવસ આજે પણ એવો જ યાદ હતો.

પહેલી મુલાકાત વખતે મનહરભાઇએ સરળ ભાષામાં સ્પષ્ટ કહી દીધું હતું કે તેમને ફક્ત અને ફક્ત બાળકોના ઘડતરમાં રસ છે.

દલપતને એ વાત બહુ ગમી હતી. સરકારના પૈસા અને દાતાઓના દાનના સહારે કોઇ મુશ્કેલી વગર અનાથાશ્રમનું સંચાલન સુપેરે થઇ રહ્યું હતું. આર્થિક રીતે કોઇ સમસ્યા ન હતી. પણ નાનકડો છોડ જેમ નિયમિત ખાતર અને પાણીનું સિંચન માંગે એવા સંસ્કાર અને ધાર્મિક્તાનો અહીં અભાવ હતો. મનહરલાલે દલપત સમક્ષ સ્વેચ્છાએ સેવા આપવાની વાત કરી હતી. મનહરલાલે ટૂંકમાં પોતાનો પરિચય અને આગમનનું કારણ આપતા કહ્યું હતું કે હું જીવનમાં એકલો માણસ છું. મારી આગળ કે પાછળ કોઇ નથી. જો આ બાળકોને મારો પ્રેમ આપી શકીશ તો જીવન ધન્ય થયેલું માનીશ.

દલપતભાઇએ તેમને ચકાસવા એક પ્રશ્ન પૂછ્યો: "આ અનાથાશ્રમ પાસે આપની શી અપેક્ષા છે?"

ત્યારે મનહરલાલે કહ્યું: "મારી તો કોઇ જ અપેક્ષા નથી. આપની શું અપેક્ષા છે એ જણાવો."

દલપતભાઇ તેમની લાગણીને માન આપતા બોલ્યા:"જુઓ, તમારી વાતની કદર કરું છું. અમારી પણ કોઇ અપેક્ષા નથી. તમે અનાથાશ્રમમાં આપની જે પ્રકારની સેવા આપવા ઇચ્છો એ આપી શકો છો."

મનહરલાલે કહ્યું:"હું બાળકોને સંસ્કાર અને શિક્ષણમાં ફાળો આપવા માગું છું. મારી આર્થોક સ્થિતિ સામાન્ય છે. પેન્શથી મારો ખર્ચ નીકળી જાય છે. હું આર્થિક તો કોઇ યોગદાન આપી શકીશ નહીં. પણ મારો ફ્લેટ આ અનાથાશ્રમના નામ પર લખી જઇશ. મારું વસિયતનામું અહીં જોડવાની સાથે જ આપી દઇશ."

અને મનહરલાલે એમ જ કર્યું. બીજા જ દિવસથી તે સવારથી સાંજ સુધી અનાથાશ્રમમાં સેવા આપવા લાગ્યા. બાળકોની નાની-નાની વાતોનું ધ્યાન રાખવા લાગ્યા. અને તેમની વ્યવસ્થા સંભાળવા લાગ્યા. પણ એવી સાવચેતી સાથે કે બાળકો પરોપજીવી બની ના જાય. મનહરલાલ તેમને નવું નવું ઘણું શીખવતા હતા. બાળકો પણ તેમની સાથે હળીભળી ગયા હતા. તેમને લાગતું હતું કે એમને ત્યાં આ ઉંમરે મનહરલાલના રૂપમાં એક પિતાનો જન્મ થયો હતો. દલપતભાઇને ઘણી વખત એમ લાગતું હતું કે કોઇ પથ્થરની અડચણ હટી જાય અને નાનું ઝરણું મુક્ત રીતે વહેવા લાગે એમ મનહરલાલની લાગણીઓનું ઝરણું અનાથાશ્રમમાં વહી રહ્યું હતું. કોઇ બાળક માંદું પડે ત્યારે તો તેઓ વિશેષ કાળજી રાખતા. ક્યારેક તો રાત્રે રોકાઇ જતા.

દલપતભાઇએ તેમના જીવન અંગે જાણકારી મેળવવા તપાસ કરાવી તો તેમના ઘરના પડોશીઓ પાસેથી એટલું જ જાણવા મળ્યું કે આ શહેરમાં એકલા જ આવ્યા હતા. ક્યારેય તેમના પરિવાર બાબતે કોઇ વાત કરી નથી. જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે પ્રેમથી જવાબમાં "એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના, સાથી વિના, સંગી વિના, એકલાં જવાના..." ગીત ગાઇ સંભળાવે. હંમેશા એમની મસ્તીમાં મસ્ત રહે છે.

આમ તો એમને કોઇ રોગ ન હતો. પણ એ દિવસે કોણ જાણે શું થયું કે અનાથાશ્રમમાં જ અચાનક બેઠા હતા અને જીવ ખોળીયું છોડી ગયો. અનાથાશ્રમ સાથેનો એમનો નાતો એવો મજબૂત હતો કે અંતિમ શ્વાસ અહીં જ લીધા. દલપતભાઇને થયું કે એમની ખોટ અનાથાશ્રમને ઘણો સમય સાલશે. અનાથાશ્રમમાં આવતા કેટલાક બાળકો તો એમની હયાતિમાં ઉછરી ભણીગણીને પોતાના પ્રગતિના માર્ગે જતા રહ્યા હતા. નવા આવતા અનાથ બાળકો પણ તેમના માર્ગદર્શનમાં ઉછરી રહ્યા હતા. ત્યારે અનાથોના આ નાથને ભગવાને ઉપાડી લીધા. પ્રભુને ગમ્યું એ ખરું એમ કહી દલપતભાઇ અનાથાશ્રમના બાળકોને સાંત્વના આપતા હતા.

મનહરલાલના મૃત્યુના દસ દિવસ પછી એક આધેડ વ્યક્તિ અનાથાશ્રમની મુલાકાતે આવી. અને મુખ્ય ટ્રસ્ટી સાથે મળવાની વાત કરી. ભરતભાઇએ તેમને બેસાડ્યા અને દલપતભાઇને કહેણ મોકલ્યું. થોડીવારમાં જ દલપતભાઇ આવી ગયા.

આવનાર ભાઇએ પોતાના આગમનની વાત કરતા કહ્યું:"સાહેબ, બે દિવસ પહેલાં અખબારમાં આપના અનાથાશ્રમની એક શ્રધ્ધાંજલિની જાહેરાત વાંચી. તેમાં વાંચ્યું કે અનાથાશ્રમમાં નિસ્વાર્થ સેવા આપતા મનહરલાલ આ દુનિયા છોડી ગયા...."

છેલ્લું વાક્ય બોલતાં એ ભાઇની આંખ ભીની થઇ ગઇ. તેમણે હાથરુમાલથી આંખની કિનારી પરના આંસુ લૂછી કહ્યું "મારું નામ અશોક છે. મનહરલાલ મારા પિતા હતા..."

દલપતભાઇને નવાઇ લાગી. મનહરલાલ તો એકાકી હતા. એમને પરિવાર અને સંતાન હોય એવી વાત તેમણે ક્યારેય કરી ન હતી. અને આટલાં વર્ષોમાં કોઇ એમને મળવા પણ આવ્યું ન હતું. પછી થયું કે તેમણે શ્રધ્ધાંજલિમાં મનહરલાલના વસિયતનામાની વાત લખી લાગતા વળગતાને હાજર રહેવું હોય તો રહેવા વિનંતી કરી હતી.

તેમનો પુત્ર વારસો મેળવવા આવ્યો હોવાનું અનુમાન કરી તેમણે કહ્યું:"અશોકભાઇ, સારું થયું તમે આવી ગયા. તમારી હાજરીમાં જ અમે વસિયતનામું ખોલી કાઢીએ એટલે કોઇ વિવાદને સ્થાન ના રહે."

અશોક તરત જ બોલી ઉઠ્યો:"સાહેબ, હું વસિયતનામું જાણવા આવ્યો નથી. એમણે વસિયતનામામાં મને કંઇ આપ્યું હોય તો પણ હું એ આ અનાથાશ્રમને આપવા માગું છું. પરંતુ તેમના સ્થાને સેવા આપવાનો વિચાર વ્યક્ત કરવા આવ્યો છું. મારી આગળ કે પાછળ હવે કોઇ નથી. મારું જીવન આ અનાથાશ્રમની સેવામાં પૂર્ણ થશે તો તેમને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે."

"મનહરલાલ પણ કંઇક આવું જ કહેતા હતા. તેમને કોઇ પરિવાર ન હતો. ખુદ એમણે જ કહ્યું હતું."

અશોકની આંખો બે ઘડી શરમ અને પશ્ચાતાપથી ઝૂકી ગઇ. પછી સહેજ સ્વસ્થ થઇ બોલ્યો:"સાહેબ, બહુ લાંબું નહી કહું. ટૂંકમાં કહું તો મારા લગ્ન પછી થોડો સમય ઘરમાં બધું બરાબર ચાલ્યું. પણ પત્ની કર્કશા હતી એટલે તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા. ત્યારે મારો પુત્ર પાંચ વર્ષનો હતો. તેમણે જતાં જતાં આશીર્વાદ આપ્યા હતા કે ભલે મને મારો પુત્ર સાચવી શકતો નથી પણ તને તારો પુત્ર સાચવે એવી ભગવાનને પ્રાર્થના કરતો રહીશ. અમારા ઘરેથી નીકળ્યા પછી તે ક્યાં ગયા અને શું કર્યું તેની મને ખબર નથી. પણ કાળનું ચક્ર ફર્યું અને મારા પુત્રના લગ્ન કર્યા પછી હું દાદા બન્યો અને ઇતિહાસ દોહરાઇ ગયો. મારી પત્ની પણ મૃત્યુ પામી હતી. મને બોજ માનીને એકલો પાડી દેવામાં આવ્યો. મેં પણ મારા પુત્રને મારા પિતાના આશીર્વાદ આપ્યા. અને અલગ જીવન જીવવા લાગ્યો. આજે મેં અનાથાશ્રમની શ્રધ્ધાંજલિ વાંચી અને થયું કે હવે મારે મારું જીવન પણ પિતાના પગલે સમર્પિત કરી દેવું છે...."

દલપતભાઇને ખ્યાલ આવી ગયો કે પિતાનો વારસો મેળવવા નહીં પણ પિતાનો સેવાનો વારસો સાચવવા અશોકભાઇ આવ્યા છે. તેમણે કહ્યું:"આપ અનાથાશ્રમમાં સેવા આપશો તો અમને ગમશે. અમારા અનાથ બાળકોને ફરી પિતા મળશે..."

"પણ હું તો અનાથ જ રહીશ....'' આભાર વ્યક્ત કરવા બે હાથ જોડી રહેલા અશોકભાઇના હોઠ પર શબ્દો આવી ગયા પણ તે બોલી શક્યા નહીં. અશોકભાઇએ એ રૂમમાં રહેલી મનહરલાલની તસવીર સામે માફી માગતા હોય એમ હાથ જોડ્યા.

***