Manasvi - 4 books and stories free download online pdf in Gujarati

મનસ્વી

"સર અમારી વાત તો સાંભળો"

આગળ સર અને પાછળ માનસ અને મનસ્વી દોરવાતા જતા હતાં.

"નાલાયકો.. તમને શરમ નથી આવતી? કોલેજનું નામ બોળવા બેઠા છો."

"સર વી આર રિયલી વેરી સોરી."

"શું સોરી? સોરી? તમે અહીંયા આવું કરવા માટે આવ્યા છો? તમારા પેરેન્ટ્સ ને ખબર છે તમારી આ હરકતોની?"

"પેરેન્ટ્સ? ના સર પ્લીઝ મનસ્વીના પેરેન્ટ્સને આ બાબતની જાણ નહિ કરતાં. અમે તમે જે કહો એ સજા માટે તૈયાર છીએ."

"પેરેન્ટ્સને તો જાણ કરવી જ પડે ને? એમને પણ તો ખ્યાલ આવે કે એમની પીઠ પાછળ તમે શું કરી રહ્યા છો?"

"સર તમે કહો તો હું મારા પેરેન્ટ્સને બોલાવીશ પણ પ્લીઝ તમે મનસ્વીના ઘરે જાણ નહિ કરતાં. છોકરી છે સર. પ્લીઝ એને માફ કરી દો."

પણ સર એક ના બે ન જ થયાં. એમને માનસ અને મનસ્વીના ઘરે ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી. મનસ્વીના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમને તો મનસ્વીએ એવું કીધું હતું કે તે ટેક્નિકલ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. તો પછી આ ડાન્સ કોમ્પિટિશન? અને સાથે સાથે કોઈ છોકરા સાથે આવું?

અને મનસ્વીના માતા-પિતાએ બીજા દિવસે એમના પાછા ફરવાની રાહ પણ ના જોઈ. રાત્રે જ સાપુતારા જઈને તેઓ મનસ્વીને ઘરે લઇ આવ્યાં. મનસ્વી રડતી રહી માફી માંગતી રહી પણ એનું કોઈએ ન જ સાંભળ્યું. બીજા દિવસથી મનસ્વીનું ઘરની બહાર નીકળવાનું બંધ થઇ ગયું. શિખા સિવાય કોઈને મળવાનું પણ બંધ થઇ ગયું. રાતોરાત મનસ્વી પર જાણે એક પહેરો લગાવી દેવામાં આવ્યો. ફક્ત પરીક્ષા આપવા એ કોલેજ ગઈ પણ ત્યારે પણ એની મમ્મી એની સાથે જ ગઈ. આથી એ માનસને મળવાનો વિચાર સુધ્ધાં ન કરી શકી. માનસ અને મનસ્વીએ એકબીજાને જોયા અને બંનેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પણ હવે પરિસ્થિતિ માનસ કે મનસ્વીના હાથમાં ન હતી.

તે દિવસની ઘટના પછી અનેક રીતે માનસે મનસ્વીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા. પણ માનસના એ પ્રયાસો મનસ્વીની ફરતે પરિવારે બનાવી દીધેલી દીવાલોને ન ભેદી શક્યાં. હજુ છેલ્લી પરીક્ષાનું પરિણામ આવે એ પહેલાં જ મનસ્વીની સગાઇ પ્રજય સાથે કરી દેવામાં આવી. મનસ્વીએ પણ ઘણાં પ્રયત્નો કર્યા એના માતા-પિતાને મનાવવાના પણ એ સફળ ન થઇ શકી. કમનસીબે શિખા પણ પોતાના અથાગ પ્રયાસ છતાં બંનેને જોડતી કડી ન બની શકી. અંતે મનસ્વીએ શિખા સાથે માનસને પોતાનો અંતિમ સંદેશો મોકલ્યો.

"મારા પ્રિય માનસ,

આપણે સપના શું જોયા હતાં અને થઇ શું ગયું? મેં મારા માતા-પિતાને મનાવવાના તમામ પ્રયત્ન કર્યા પણ તેઓ મારી એક પણ વાત સાંભળવા તૈયાર નથી. તેમણે મારા લગ્ન પ્રજય નામના છોકરા સાથે નક્કી કરી દીધા છે. બની શકે તો મને ભૂલી જજે માનસ. હું હંમેશા તને યાદ રાખીશ મારા પ્રથમ પ્રેમ તરીકે અને કદાચ અંતિમ પણ. પ્લીઝ મને માફ કરી દેજે માનસ.

લિખતિંગ,

તારી હોવા છતાં તારી નહિ બની શકેલી મનસ્વી."

અને મનસ્વીનાં લગ્ન એનાં માં-બાપે પ્રજય સાથે કરી દીધાં. મનસ્વીને પૂછવામાં પણ ન હતું આવ્યું કે તને આ છોકરો ગમે છે કે કેમ? બસ એને કહી દેવામાં આવ્યું કે છોકરો ખુબ સરસ છે, સારું કમાય છે અને એનાં મહેલ જેટલાં મોટા ઘરમાં તને રાણીની જેમ રાખશે. પણ મનસ્વી તો માનસને પોતાનું સર્વસ્વ માની બેઠી હતી. જે ઘરમાં એનો માનસ હોય એ જ ઘર એનાં માટે મહેલ હતો. પ્રજયનાં આ મોટા મકાનમાં એને જરા પણ રસ ન હતો. પણ એનાં માં-બાપની સામે એ લાચાર હતી

લગ્નનાં પહેલાં થોડા મહિના દરમ્યાન તો પ્રજય નજીક આવે અને એને ચીડ ચડતી. પણ ધીમે ધીમે આ જ પોતાનું જીવન છે એમ માની એણે સમય સાથે સમજૂતી કરી લીધી હતી. છતાં પ્રજય સાથેની નિકટતા ફક્ત એનાં શરીર સુધી મર્યાદિત થઈને રહી જતી. પ્રજય કદી એનાં હૃદયની નિકટ ન આવી શક્યો. કદાચ પ્રજયે એવા પ્રયત્નો પણ ન કર્યા. પ્રજયની બિઝનેસ મિટિંગ માટે જયારે એમણે પોતાનું હનીમૂન કૅન્સલ કરવું પડ્યું ત્યારે મનસ્વીએ દુઃખના બદલે છુપી ખુશી અનુભવી હતી.

અને હવે જયારે શિખાનો ફોન આવ્યો ત્યારે અચાનક એને ફરી બધું યાદ આવી ગયું . ક્યાં હશે મારો માનસ? શું કરતો હશે? મને યાદ કરતો હશે કે ભૂલી ગયો હશે? એનાં લગ્ન તો હવે થઇ જ ગયા હશે ને? હવે તો એ બીજા કોઈકનો પતિ થઇ ગયો હશે. અને એણે ફરી શિખાને ફોન જોડ્યો.

"હાય શિખા.. કેમ છે?"

"તમે કેમ છો મનસ્વી મેડમ? આજે કંઈક અચાનક જ મને ફોન કર્યો ને?"

"મજામાં છું શિખા. મારે માનસ વિશે વાત કરવી છે."

"એ બધું તું છોડ મનસ્વી. હું બે-ત્રણ દિવસ માટે સુરત આવી રહી છું."

"અરે વાહ શિખા. મજા આવશે. કેટલા લાંબા સમય પછી મને તારી સાથે રહેવાનું મળશે. સાંભળ તું અહીં આવે ત્યારે તારે મારા ઘરે જ રહેવાનું છે."

"હા ઠીક છે મેડમ. તો હું આવું પછી આપણે વાત કરીશું બધી શાંતિથી."

"ઓકે શિખા. હું રાહ જોઇશ તારી."

મનસ્વીનું બાકીનું અઠવાડિયું શિખાની રાહ જોવામાં ક્યાં જતું રહ્યું એ ખબર જ ન પડી. અને અંતે શિખા સુરત આવી પહોંચી. કઈ કેટલા સમય બાદ મનસ્વીને સારું લાગ્યું. શિખાના આવવાથી એના હૃદયને ઠંડક પહોંચી.

શિખા અને મનસ્વી બને પ્રજયનાં જતાં જ અવનવી વાતોએ વળગી પડ્યાં. નાનપણમાં કરેલી ધમાલો, સ્કૂલ-કોલેજની મસ્તી બધું યાદ કરીને બંને ખુબ હસ્યાં. અને હસતાં-હસતાં જ મનસ્વી રડી પડી. કેટલાય સમયથી બાંધી રાખેલો બંધ આજે તૂટી ગયો અને મનસ્વી નાના બાળકની જેમ શિખાને ભેટીને રડી પડી. શિખાએ એને શાંત કરવાનો પ્રયાસ ન કર્યો. એ જાણતી હતી કે મનભરીને રડી લેવાથી જ મનસ્વીને રાહત અનુભવાશે. અંતે જયારે એણે લાગ્યું કે મનસ્વી સ્વસ્થ થઇ રહી છે ત્યારે એણે મનસ્વીને ભેટીને કહ્યું,

"હું છું ને મનસ્વી? તું કોઈ પણ વાત મારી સાથે શેર કરી શકે છે."

અને મનસ્વીએ શિખાને તમામ વાત કરી. પ્રજયનો સતત પરફેકશન નો આગ્રહ, આટલાં મોટા ઘરમાં પોતાને અનુભવાતી ગૂંગળામણ દરેક વાત થી શિખાને વાકેફ કરી. શિખા શાંતિથી મનસ્વીની વાત સાંભળતી રહી. અચાનક મનસ્વીએ શિખાને પૂછ્યું,

"શિખા.. માનસ?"

"માનસ?"

"હા શિખા, માનસ મળ્યો હતોને તને? એ ક્યાં છે? શું કરે છે? સુખી તો છે ને? એની પત્ની કેવી છે?"

"એણે લગ્ન નથી કર્યા મનસ્વી."

"શું? માનસે લગ્ન નથી કર્યા? પણ કેમ શિખા?"

"ખબર નહિ મનસ્વી. કદાચ તારું સ્થાન એ જીવનમાં કોઈને આપી ન શક્યો હોય."

"ઓહ માય ગોડ શિખા. પણ એ છે ક્યાં? શું કરે છે?"

"એણે મોટી કંપની ખોલી છે ટેક્સટાઇલ એક્સપોર્ટ કરવાની.! એ મુંબઈમાં રહે છે પણ ટેક્સટાઈલના કામ માટે અવારનવાર સુરત આવતો રહે છે મનસ્વી."

થોડી વાર બંને કંઈ ન બોલ્યા. થોડું વિચારીને શિખાએ કહ્યું,

"મનસ્વી, તે દિવસે જો તેં હિંમત કરીને પરિવારનો વિરોધ કર્યો હોત તો આજે તું માનસની સાથે હોત. મનસ્વી જિંદગી એક જ વાર મળે છે અને એને આ રીતે અણગમતા માણસની સાથે વેડફ નહિ. ભગવાને આપેલી દરેક અનમોલ પળને ગમતા માણસનાં સંગમાં ગાળવાનું નામ જ જિંદગી છે."

***