Rani Laxmibai books and stories free download online pdf in Gujarati

Rani Laxmibai

રાણી લક્ષ્મીબાઈ

સિદ્ધાર્થ છાયા



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.રાણી લક્ષ્મીબાઈ

૨.લક્ષ્મીબાઈનું બાળપણ

૩.લગ્ન અને અંગ્રેજોની કુટિલતાની શરૂઆત

૪.જીવનમાં આવેલું પરિવર્તન તેમજ ભવિષ્ય માટે ભરેલો અગ્નિ

૫.બળવાનો વિસ્ફોટ

૬.મર્દાની લડત આપી પણ તેમ છતાં છેવટે શહીદી

૭.રાણી લક્ષ્મીબાઈનો વારસો

રાણી લક્ષ્મીબાઈ

ભારતના સ્વતંત્રતા સંગ્રામની પ્રથમ નાયિકા તરીકે આપણે રાણી લક્ષ્મીબાઈનું નામ ગર્વથી લઈએ છીએ. માત્ર અડાર વર્ષની ઉંમરે પોતાનો પતિ ગુમાવનાર લક્ષ્મીબાઈ માત્ર બાવીસ વર્ષની ઉંમરેજ શહીદ થઈ ગયા હતા. ઝાંસી નામના પોતાના એક નાનકડા રાજ્યને, જેને અંગ્રેજોએ પોતાની કુટિલ નીતિથી કબ્જે કરી લીધું હતું, તેની આઝાદી માટે એજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. ઝાંસીનું રાજ્ય ભલે નાનું હતું, પરંતુ લક્ષ્મીબાઈએ પોતાની શહીદીથી તેનું નામ પૂરી દુનિયામાં રોશન કર્યું છે.

લક્ષ્મીબાઈનું બાળપણ

એ સમયનાં અન્ય સ્વતંત્રતા સેનાનીઓની જેમ રાણી લક્ષ્મીબાઈની સાચી જન્મતારીખ પણ આપણી પાસે નથી. પરંતુ એવું કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈનો જન્મ ૧૯મી નવેમ્બર ૧૮૨૮ના દિવસે વારાણસીના એક બ્રાહ્‌મણ પરિવારમાં થયો હતો. જન્મ બાદ લક્ષ્મીબાઈનું નામ મણીકર્ણિકા રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના કુટુંબમાં તે ‘મનુ’ ના લાડકા નામે વધુ ઓળખાતી હતી. મનુના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથી સપ્રે અથવાતો ભાગીરથી બાઈ હતું. મનુનું પરિવાર હાલના મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતું હતું. લક્ષ્મીબાઈ જ્યારે માત્ર ચાર વર્ષના હતા ત્યારેજ તેમની માતાનું અવસાન થયું હતું. લક્ષ્મીબાઈના નાના બિઠુર રાજ્યના પેશ્વા બાજીરાવની કોર્ટમાં કાર્યરત હતા. લક્ષ્મીબાઈના માતાના અવસાન બાદ તેઓ તેમને પોતાને ઘેર લઈ આવ્યા અને એક પિતાની જેમજ તેમનો ઉછેર પણ કર્યો અને મોરોપંતને પણ પેશ્વાને ત્યાં નોકરી અપાવી. બિઠુરના પેશ્વા બાજીરાવ ખુદ મણીકર્ણિકા ઉર્ફે મનુને છબીલીને નામે બોલાવતા હતા. છબીલીનો મતલબ રમતિયાળ થાય છે.

પેશ્વાને ત્યાં ઉછરવાને લીધે સામાન્ય કન્યાઓ કરતાં લક્ષ્મીબાઈનું શિક્ષણ અલગરીતે થયું હતું. અન્ય વિષયો સાથે લક્ષ્મીબાઈને બંદુક ચલાવતા, ઘોડેસવારી કરતાં તેમજ તલવારબાજી પણ શીખડાવવામાં આવી હતી. બાળપણથીજ લક્ષ્મીબાઈ ખુબ બહાદુર હતી. એક વખત ઘોડેસવારી કરતાં પેશ્વા બાજીરાવના દત્તક પુત્ર નાના સાહેબ ઘોડા પરથી પડી જતાં લક્ષ્મીબાઈએ જ તેને પોતાની પાછળ બેસીને રાજમહેલ સુધી લાવવામાં મદદ કરી હતી. આ સમયે પેશ્વાના અન્ય પુત્ર રાવસાહેબ પણ સાથે હતા. મોરોપંત કાયમ નાનકડી મનુને પેશ્વાના પુત્રો સાથે મર્યાદામાં રહીને વર્તવાનું કહેતા, પરંતુ જે મનુએ મોરોપંતને મુખેથીજ સીતાજી તેમજ જીજાબાઈની વાર્તાઓ સાંભળતી તેના પર આ સલાહની કોઈજ અસર નહોતી થતી. મનુ પિતા મોરોપંતની સાથેસાથે પેશ્વા બાજીરાવની પણ લાડકી બની ચુકી હતી.

લગ્ન અને અંગ્રેજોની કુટિલતાની શરૂઆત

મે ૧૮૪૨માં મણીકર્ણિકાના લગ્ન ઝાંસીના મહારાજા, રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે કરવામાં આવ્યા અને લગ્ન બાદ તે લક્ષ્મી માતાના નામે રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાવા લાગી. ૧૮૫૧માં રાજા ગંગાધર રાવ અને રાણી લક્ષ્મીબાઈને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. પરંતુ દામોદર રાવ માત્ર ચાર મહિનાની ઉંમરમાંજ અવસાન પામ્યો. આથી મહારાજાએ પોતાના પિતરાઈ ભાઈના પુત્ર આનંદ રાવને દત્તક લીધો અને તેનું નામ બદલીને દામોદર રાવ કર્યું. દત્તક લેવાની વિધિ કંપની સરકારના રાજકીય અધિકારીની હાજરીમાં થઈ. આ વિધિમાં ભાગ લેવા માટે રજા ગંગાધર રાવે ખાસ એક પત્ર પાઠવીને અધિકારીને નિમંત્રણ પાઠવ્યું હતું અને પોતાના અવસાન બાદ દામોદર રાવને એક રાજા તરીકેના તમામ માન સન્માન મળવા જોઈએ એવી તાકીદ પણ કરી હતી. બદનસીબે દામોદર રાવને દત્તક લીધો તેના બીજેજ દિવસે મહારાજા ગંગાધર રાવનું અવસાન થયું.

પરંતુ ગંગાધર રાવના અવસાન થયા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લોર્ડ ડેલહાઉસીની તે સમયે પ્રવર્તમાન ખાલસા નીતિનો અમલ કર્યો. ઝાંસીનું રાજ્ય ગંગાધર રાવના અવસાન બાદ હવે નધણિયાતું છે એમ જાહેર કરીને પોતાનાં રાજ્યમાં ખાલસા કરી દીધું. ગંગાધર રાવને એક સમયે સાત લાખ રૂપિયાનું સાલિયાણું ઈસ્ટ ઈન્ડિયા કંપની આપતી હતી, તેને સ્થાને તેમણે લક્ષ્મીબાઈને માત્ર ૬૦, ૦૦૦ રૂપિયાનું પેન્શન આપીને ઝાંસીનો મહેલ છોડી જવાનું કહ્યું. બરોબર આ જ સમયે લક્ષ્મીબાઈએ “મૈ અપની ઝાંસી નહીં દુંગી” એવું કહ્યા હોવાનું કહેવાય છે. પરંતુ લક્ષ્મીબાઈને બ્રિટીશરોની તાકાત અને હોશિયારીનો અંદાજ તો આવી જ ગયો હતો. આ જ સમયે દિલ્હી પર પણ બ્રિટીશરો કબ્જો જમાવી લેશે તેવી વાત પણ આવી હતી.

જીવનમાં આવેલું પરિવર્તન તેમજ ભવિષ્ય માટે ભરેલો અગ્નિ

મહેલ છોડયા બાદ ઝાંસીની રાણીનું જીવન જ બદલાઈ ગયું હતું. વહેલી સવારે ચાર કલાક રોજીંદી દિનચર્યા તેમજ પ્રભુ ભક્તિ કર્યા પછી, લક્ષ્મીબાઈ થોડો સમય ઘોડેસવારી, શૂટિંગ તેમજ તલવારબાજીનો અભ્યાસ કરતા. ત્યાર બાદ તેઓ ગરીબોમાં અનાજ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનું દાન કરતા. ત્યારબાદ લગભગ એમનો પૂરો દિવસ દામોદર રાવ સાથે રમવામાં તેમજ ધાર્મિક ગ્રંથો વાંચવામાં જતો. સવારે ઉઠ્‌યા પછી રાત્રે સુવા જાય ત્યાંસુધીનો એક સંપૂર્ણ કાર્યક્રમ લક્ષ્મીબાઈએ બનાવી દીધો હતો અને તેનો તેઓ એકદમ કડકાઈથી અમલ કરતાં.

અમુક લોકો પોતાને પડતા દુઃખોને નસીબ પર કે પછી ઈશ્વરની ઈચ્છા સમજીને તેનો સામનો કરવાથી દુર રહેતા હોય છે. તો અમુક લોકો દુઃખને ભૂલી જીને કોઈ અન્ય કાર્ય કે સ્થળે જતા રહીને એક નવું જીવન શરૂ કરતાં હોય છે. ઝાંસીની જેમજ ઘણાબધા એવા રાજવીઓ હતા જેમણે પોતે દત્તક પુત્ર હોવાને લીધે પોતાનું રાજ્ય લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ ને લીધે ગુમાવી દીધા હોય. આવા રાજવીઓને તેમાં અંગત સગા સંબંધીઓ, શુભેચ્છકો અને સૈનિકો પણ છોડીને જતા રહ્યા હતા. પરંતુ અમુક રાજવીઓ એવા પણ હતા જેમનાથી આ અપમાન સહન નહોતું થતું અને તેઓએ પોતાની આઝાદી પરત મેળવવાની કોશિશો આદરી દીધી હતી. આવા રાજા મહારાજાઓમાં લક્ષ્મીબાઈ ઉપરાંત તાત્યા ટોપે, રઘુનાથ સિંઘ અને જવાહર સિંઘનો સમાવેશ થતો હતો.

આ પૂર્વ રાજાઓ લક્ષ્મીબાઈને ખાનગીમાં મુલાકાત કરતાં અને તેને પ્રજામાં તેમજ સૈન્યમાં અંગ્રેજો પ્રતી વધી રહેલા ગુસ્સા અને અવિશ્વાસ અંગેની માહિતી પણ આપતા. રાણી લક્ષ્મીબાઈએ કોઈપણ પગલું ભરતા પહેલા આખા બ્રિટીશ સામ્રાજ્યના નકશાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. આ નકશામાં લક્ષ્મીબાઈએ કેટલાક વ્યુહાત્મક સ્થળોની પણ ઓળખાણ કરી. એટલું ઓછું હોય તેમ લક્ષ્મીબાઈએ પંજાબમાં શીખોનું લશ્કર કેવીરીતે બનાવવું અને તેમની મદદથી અંગ્રેજો સામે કેવીરીતે લડવું એ વિચાર પર પણ ખુબ મહેનત કરી. પોતાના માટે પણ લક્ષ્મીબાઈએ શસ્ત્રો તેમજ બખ્તર તેમજ અન્ય પોશાકોની પસંદગી કરી. આ ઉપરાંત ઘોડાઓ વિષેના પોતાના જ્જ્ઞાનનો ઉપયોગ કરીને લક્ષ્મીબાઈએ પોતાના માટે એક ખાસ કાઠીયાવાડી ઘોડાની પસંદગી કરી.

બ્રિટીશ કંપની સરકારથી નારાજ એવા પોતાના જેવાજ અન્ય રાજા તેમજ બાદશાહોને મળવાની લક્ષ્મીબાઈને ખુબ ઈચ્છા હતી. આથી તેણે મરાઠીઓમાં વિધવા થયા પછી પોતાના વાળ કપાવવાની વિધિનું બહાનું બનાવ્યું. તેમણે અંગ્રેજો સમક્ષ આ વિધિ બનારસમાં કરવાની મંજુરી માંગી. પરંતુ અંગ્રેજોને લક્ષ્મીબાઈના ઈરાદાઓની ગંધ આવી ગઈ હતી આથી તેમણે આ મંજુરી આપવાનો ઈનકાર કર્યો. આ સમયે લક્ષ્મીબાઈએ જ્યાંસુધી તે પોતાની ઝાંસીને આઝાદી નહીં અપાવે ત્યાંસુધી તે પોતાના કેશ નહીં કપાવે તેવી પ્રતિજ્જ્ઞા લીધી. એકતરફ અંગ્રેજો પ્રત્યે લોકોનો ગુસ્સો વધી રહ્યો હતો તો બીજી તરફ નાના સાહેબ, બહાદુર શાહ ઝફર, અવધના નવાબ વાજીદઅલી શાહ પણ કોઈક નવાજુની કરવાની ફિરાકમાં હતા. કોઈ એવો ધાર્મિક અવસર આવે તો જ આ તમામની મુલાકાત શક્ય હતી.

લક્ષ્મીબાઈએ પોતાના પુત્ર જે હવે છ વર્ષનો થઈ ગયો હતો તેના રાજ્યાભિષેક માટે કંપની સરકારને અરજી કરી અને આ વિધિમાં લોકોને બોલાવવા ની પરવાનગી સહિત, રાજ્યના ખાતામાંથી એક લાખ રૂપિયા ખર્ચ માટે માંગ્યા. કંપનીએ આનીસામે માત્ર ચાર જ સાક્ષીઓની હાજરી રાખવાની પરવાનગી આપી અને માત્ર રકમ આપવાની હા પાડી. લક્ષ્મીબાઈ આ અપમાન ગળી ગયા. બ્રિટીશ સેનામાં હિંદુ અને મુસ્લિમ સૈનિકોને પોતાના ધર્મના પ્રતીકોના અપમાનને લીધે થઈ થઈ રહેલા અસંતોષની વાત પણ હવે સામે આવી રહી હતી. પરંતુ તેમછતાં અત્યારે ઉતાવળ ન કરવી તેવું લક્ષ્મીબાઈનું માનવું હતું.

બળવાનો વિસ્ફોટ

રાણી લક્ષ્મીબાઈની યોજના પ્રમાણે હોળીના અવસરે હોળીમાં ગવાતા ગીતોમાં અંગ્રેજો વિરૂદ્ધની લાગણીઓ ભેળવીને પ્રજામાં તે ગીતોને ગાવા. ભાષા સમજવામાં તકલીફ હોવાથી અંગ્રેજો તેને સમજી નહીં શકે. આ ઉપરાંત કેટલીક મહિલાઓને પણ કંપની સરકારના લશ્કરમાં હોળી મનાવવા મોકલવામાં આવી જેમણે સૈનિકો સામે આ ગીતો ગયા. થોડા સમયબાદ તાત્યા ટોપે લક્ષ્મીબાઈને મળ્યા. તેમની પાસે પ્રજાની તકલીફોની ફરિયાદ ભરેલો ટોપલો હતો. પરંતુ લક્ષ્મીબાઈ હજીપણ રાહ જોવા માંગતા હતા. તાત્યા ટોપેએ તેમને સમજાવ્યા કે જો પ્રજાની તકલીફો અને લશ્કરમાં રહેલા ગુસ્સાનો ફાયદો અત્યારે નહીં ઉઠાવવામાં આવે તો ફરીથી આવો મોકો ક્યારેય નહીં મળે. આથી ૧૮૫૭ની ૩૧મી મે એ સમગ્ર ભારતમાં પ્રજા અને લશ્કર કંપની સરકાર સામે એકસાથે બળવો પોકારે એવો નિર્ણય લીવામાં આવ્યો. આ સંદેશો ભારતના ખૂણેખૂણે પહોંચાડવા માટે માટે કમળ અને રોટીને સંકેત બનાવવામાં આવ્યા. બહાદુર શાહ ઝફરને ભારતના આવનારા પ્રથમ બાદશાહ તરીકે નિમણુક પણ કરવામાં આવી. કાનપુર અને બરાકપોરમાં સૈનિકોએ બળવો પોકારી દીધો. કંપની સરકારને અધિકારીઓની પત્નીઓ તેમજ બાળકોની ચિંતા થઈ. આથી તેમણે લક્ષ્મીબાઈને ઝાંસીની આસપાસના વિસ્તારોમાં રહેતા અધિકારીઓની પત્નીઓની સુરક્ષા માટે વિનંતી કરી. જવાબમાં લક્ષ્મીબાઈએ કહ્યું કે તેમની પાસે તો કોઈ સેના છે જ નહીં. આથી કંપનીએ આ તમામને ઝાંસીના કિલ્લામાં સુરક્ષા આપવાની વાત કરી જેને લક્ષ્મીબાઈએ એમના અધિકારીઓના વિરોધ છતાં સ્વીકારી લીધી. આ જ સમયે કંપની સરકારના નેતાવિહોણા લશ્કરે એક પછી એક નાના નાના શહેરો જીતવા લાગ્યા. તેઓ ઝાંસી પણ આવી પહોચ્યા. તેમને ઝાંસીને લૂંટવું હતું પરંતુ લક્ષ્મીબાઈએ તેની બદલે પોતાના ઘરેણા આપી દીધા.

હવે ઝાંસીની આઝાદી હાથવેંતમાં જ હતી. ઝાંસીના કિલ્લા પર ફરીથી પેશ્વાનો ઝંડો ફરકવા લાગ્યો હતો અને ત્યાંજ સદાશિવ રાવ નામના એક વ્યક્તિએ બળવો પોકાર્યો અને લક્ષ્મીબાઈને પહેલા તેની સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. સદાશિવ રાવને હરાવીને લક્ષ્મીબાઈએ ફરીથી ઝાંસીને પોતાના હાથ નીચે મુક્યું. લગભગ દસેક મહિનાના કાર્યભાર પછી સર હ્યુજ રોસના વડપણ હેઠળ કંપનીની સેના ઝાંસી આવી પહોંચી અને તેણે લક્ષ્મીબાઈને શસ્ત્રો વગર એકલા આવવાનું કહ્યું, પરંતુ લક્ષ્મીબાઈ પોતે એકલા નહીં આવે તેવું સાફ કહ્યું. આથી સર હ્યુજ રોસે ઝાંસી વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું. નાનું રાજ્ય હોવા છતાં રાણી લક્ષ્મીબાઈએ જે રીતે છેલ્લા દસ મહિનામાં પોતાનો ખજાનો વધાર્યો હતો, તેમજ પોતાની સેનાને શસસ્ત્ર બનાવી હતી તેને લીધે લગભગ દસેક દિવસ ઝાંસીની સેનાએ અંગ્રેજો સામે બરોબરની ઝીંક ઝીલી. આ દસ દિવસમાં એવી કેટલીયે પળો આવી જ્યારે લક્ષ્મીબાઈની સેનાનો વિજય નજીક દેખાતો હતો, પરંતુ તેના એકપછી એક સેનાપતિઓ મરાતા જતા હતા. છેવટે લક્ષ્મીબાઈને ત્યાંથી ભાગવું પડયું.

મર્દાની લડત આપી પણ તેમ છતાં છેવટે શહીદી

બોકર નામના એક બ્રિટીશ સેનાપતિએ લક્ષ્મીબાઈનો તેની સેના સાથે પીછો કર્યો. લક્ષ્મીબાઈ કલ્પી પહોચ્યા અને તાત્યા ટોપે સાથે જોડાઈ ગયા. જોકે અહીં પણ સર હ્યુ રોઝનું સૈન્ય પહોંચી ચુક્યું હતું. રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે હવે ગ્વાલિયર તરફ ભાગ્યા. સર હ્યુ રોઝે અહીં એક રમત રમી. ગ્વાલિયરના મહારાજા જે આગ્રામાં નજરકેદ હતા તેમને રોઝે ફરીથી ગ્વાલિયરની ગાદી પર બેસાડી દીધા. આથી ગ્વાલિયરથી પણ લક્ષ્મીબાઈને ભાગવું પડયું. લક્ષ્મીબાઈ સાથે કેટલાક લડાયક સેનાપતિઓ જરૂર હતા, પરંતુ તેમનું લશ્કર નાનું હતું. છેવટે અંગ્રેજ સેનાએ તેમને ઘેરી લીધા. એકથી વધુ બ્રિટીશ સૈનિકો સાથે લડીલડીને ઘાયલ થવા છતાં લક્ષ્મીબાઈ લડતા રહ્યા. ઘાયલ લક્ષ્મીબાઈને તેમના અંગરક્ષક ગુલ મોહમ્મદ, રઘુનાથ સિન્હા બાબ ગંગાદાસના આશ્રમે લઈ ગયા. ગંગાદાસના અથાગ પ્રયત્નો છતાં લક્ષ્મીબાઈનો જીવ બચાવી ન શકાયો અને તેમનું અવસાન થયું. ગંગાદાસના આશ્રમ સમીપેજ લક્ષ્મીબાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

રાણી લક્ષ્મીબાઈનો વારસો

રાણી લક્ષ્મીબાઈએ ભારતીય સ્ત્રીને ગૌરવ અપાવ્યું છે. હિંમત, સાહસ અને મૃત્યુપર્યંત દેશસેવાની ભાવના એક સ્ત્રીમાં પણ હોઈ શકે તેને રાણી લક્ષ્મીબાઈએ પુરવાર કર્યું છે. આટલુજ નહીં જો જરૂર પડે તો એક સ્ત્રી પોતાના રાષ્ટ્ર માટે લડતા લડતા શહીદી પણ વહોરી શકે છે એ વાત પણ લક્ષ્મીબાઈએ કરી બતાવી છે. લક્ષ્મીબાઈ શરીરે નાજુક હતા પરંતુ તેમનામાં એક સિંહણ જેવી તાકાત હતી. માત્ર શક્તિજ નહીં પરંતુ તેમનામાં ભરપુર મુત્સદીગીરી પણ હતી, જે ધીરેધીરે ભારતીય સ્ત્રીઓમાં આવવા લાગી. એકદમ નાની ઉંમરમાં લક્ષ્મીબાઈએ જે પરિપક્વતા દર્શાવી હતી તેનું કોઈ બીજું ઉદાહરણ ભાગ્યેજ ભારતના ઈતિહાસમાં જોવા મળશે. માત્ર બાવીસ વર્ષ અને સાત મહિનાની જિંદગી લક્ષ્મીબાઈ જાણેકે આકાશમાં વીજળી થઈ હોય અને જતી રહી હોય એમ જીવી ગયા.

લક્ષ્મીબાઈ સાથે એકથી વધુ યુદ્ધો કરનાર બ્રિટીશ જનરલ સર હ્યુ રોસે પણ એક જગ્યાએ લખ્યું છે કે, “બળવાખોરો બહાદુર જરૂર હતા, પરંતુ લક્ષ્મીબાઈ જેવો કોઈ મહાન સેનાપતિ ભાગ્યેજ જોવા મળશે.”

ભારતમાં ઠેરઠેર રાણી લક્ષ્મીબાઈના પુતળાઓ જોવા મળે છે. જેમાં તેમની પીઠ ઉપર તેમના પુત્રને બાંધેલો પણ જોવા મળે છે. ગ્વાલિયરમાં લક્ષ્મીબાઈ નેશનલ યુનિવર્સીટી ઓફ ફીઝીકલ એજ્યુકેશન આવેલી છે તો, મહારાણી લક્ષ્મીબાઈ મેડીકલ કોલેજ ઝાંસીમાં સ્થિત છે. આ ઉપરાંત રાની લક્ષ્મીબાઈ નેશનલ એગ્રીકલ્ચર યુનિવર્સીટી પણ ઝાંસીમાં જ આવેલી છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલા મરીન નેશનલ પાર્કને પણ લક્ષ્મીબાઈનું નામ આપવામાં આવ્યું છે. ભારતની સેનાની મહિલા પાંખને પણ રાણી ઝાંસી રેજીમેન્ટ નામ અપાયું છે. આ ઉપરાંત લક્ષ્મીબાઈ પર પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડી છે. અમદાવાદ શહેરની પ્રસિદ્ધ બી આર ટી એસ બસ સર્વિસના એક સ્ટેન્ડને પણ ઝાંસી કી રાની નામ આપવામાં આવ્યું છે.

રાની લક્ષ્મીબાઈના પાત્રને ધ્યાનમાં લઈને અંગ્રેજી તેમજ ફ્રેંચમાં કેટલીયે ઐતિહાસિક કથાઓ તેમજ નવલકથાઓ પણ લખાઈ ચુકી છે. ‘ધ ટાઈગર એન્ડ ધ ફ્લેમ’ ને નામે સોહરાબ મોદીએ રાણી લક્ષ્મીબાઈના જીવન પર એક ફિલ્મ બનાવી હતી. આ ઉપરાંત કેતન મહેતાની ફિલ્મ ‘મંગલ પાંડે’માં પણ લક્ષ્મીબાઈનું પાત્રાલેખન કરવામાં આવ્યું હતું. થોડા વર્ષો અગાઉ ઝી ટીવી પર લક્ષ્મીબાઈના સંપૂર્ણ જીવન પર એક ટીવી સિરિયલ પણ પ્રસારિત કરવામાં આવી હતી. શ્રી. જી સી તાંબે જે લક્ષ્મીબાઈના પ્રપૌત્ર છે તેમની પાસે રહેલા કેટલાક પત્રો અને દસ્તાવેજોને આધારે મહાશ્વેતા દેવીએ પણ ‘ધ ક્વીન ઓફ ઝાંસી’ નામનું પુસ્તક લખ્યું છે.

આમ, એક મહિલા વોરિયર તરીકે તેમજ દેશમાટે શહીદી વહોરી લેનાર પ્રથમ મહિલા તરીકે રાણી લક્ષ્મીબાઈ એટલેકે ઝાંસીની રાણીનું નામ સદાય અમર રહેશે અને ભારતની મહિલાઓ કાયમ લક્ષ્મીબાઈના જીવન પરથી પ્રેરણા લેતી રહેશે. એક એવા સમયમાં જ્યારે મહિલાઓનું સ્થાન સમાજમાં બિલકુલ નીચે હતું, ત્યારે લક્ષ્મીબાઈએ ફક્ત પોતાની હોશિયારીથી તેને આગળ લાવવામાં મદદજ ન કરી પરંતુ તેમણે પોતે આ લડતનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૫૭ની લડાઈમાં ઘણા પુરૂષ રાજાઓની સમજશક્તિ જવાબ આપી ગઈ હતી, ત્યારે લક્ષ્મીબાઈની જ મુત્સદીગીરી કામમાં આવી હતી. એટલુજ નહીં તે પોતે જીવનના છેલ્લા શ્વાસ સુધી દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડતા રહ્યા હતા.

ભારત દેશ આવી બહાદુર મહિલા સામે સદાય નતમસ્તક રહેશે અને તેમના જીવનમાંથી સતત પ્રેરણા લેતું રહેશે.