...Ane off the Record - Part-16 books and stories free download online pdf in Gujarati

‘...અને..’ ઓફ ધી રેકર્ડ - પ્રકરણ ૧૬

પ્રકરણ ૧૬

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૬

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

...અને વહેલી બપોરથી મોડી સાંજ સુધી વિબોધની અંદર ઘૂંટાતી વાતો ઉત્તેજિત, ગળગળા, વિષાદયુક્ત અને બેચેન સ્વરે સત્યા સંગ ભાવનાશીલ રીતે ચર્ચાતી રહી. સત્યા ચહેરા પર અવિચળ ભાવ લાવ્યા વિના વિબોધને ટગરટગર નિહાળતી ધ્યાનપૂર્વક સાંભળતી રહી, સમજતી રહી. વિબોધ હાથ અને માથું હલાવતો પોતાના લાક્ષણિક અંદાજમાં દિલખોલી બોલતો રહ્યો.

સાંજ પડતાંની સાથે જ ઓછા ગળી ચટક વાદળી રંગ પર સૂર્યાસ્તનો સોનેરી રંગ આધીપત્ય જમાવતો આકાશી રંગ ઘેરો લાલ થઈ ચૂક્યો હતો. ધીરે-ધીરે છૂટા-છવાયેલા વિખરાયેલા વરસાદી વાદળો એકમેક થઈ બંધાવવાના શરૂ થયા. તડકાએ ગરમાવેલી હવા હવે તેનો અસર દેખાડવાની હતી.

ઘેટાં-બકરા ચરાવનાર ગોવાળિયા મૌસમનો મિજાજ પારખી પોતાના ઘર-વાડી તરફ ઝડપથી રવાના થવા લાગ્યા. માળામાં પરત ફરતા પક્ષીઓનો કલરવ જોરદાર બન્યો. સંધ્યાનું દ્રશ્ય બદલાઈ ધરાની વાસંતી ગંધ વેગથી ચોમેર લહેરાઈ.

ઢળતા ક્ષિતિજનો રંગ ઢોળાઈને લગભગ એક થઈ રહ્યો હતો. આથમતા અને વિરુદ્ધ તરફની દિશામાં ઊગતા રવિનો શણગાર દિલકશ હતો, થોડીવારનો આંછો ઉજાશ.. અને બસ પછી તો આખુ ગગન ગળગળાટ કરતું ગોરંભાઈને કાળુંમેશ થઈ ત્વરાથી ટપોટપ બુંદાબાંદી શરૂ થઈ. લીલા પડછાયાઓમાં પાણીની રેખા અને પહાડની ધારની કિનારી ઓગળી જતાં સાફ દેખાયા.

વિબોધ અને સત્યા વરસાદનાં પાણીથી બચવા, પલળી ન જવાય એ માટે નદી નજીકની એક ગુફામાં આવી ગયા. ગુફા નાની બખોલ જેવી ખુલ્લા મોઢાની હતી. વરસાદનું પાણી તેની અંદર આવતું ન હતું અને અંદરથી બહારની બાજુનો નજારો દૂર સુધી જોઈ શકાતો હતો. વરસાદની વધુ ત્રીવ્રતાને કારણે બહુ દૂર સુધી જોઈ શકતું ન હતું. ગુફામાંથી જૂની બંધિયાર રજકણની વાસ આવતી હતી.

‘વરસાદથી બચવા માટે આ જગ્યા કામચલાઉ સારી છે.’

‘વરસાદ કબ બંધ થશે? ક્યારે પરત ફરવાનો સમય આવશે?’ સત્યાએ મો પાસે બે હાથ લાવી ચીસ પાડી, ‘રા...જ..કોટ.. આઇ.. મિસ... યુ......’ વરસતા વરસાદમાં સત્યાની બૂમ ગુફામાં પડઘાઈ પરિવર્તિત થઈ સામો પડઘો પડ્યો, ‘રા...જ..કોટ.. આઇ.. મિસ... યુ......’

‘ગોડ નોવ્સ. ઈશ્વર જ જાણે.’ વિબોધે ગુફામાં આસપાસ નજર કરી.

ગુફામાં વિબોધને નાના-મોટા બેસી શકાય તેવા સ્ટુલ જેવા ચોરસ પથ્થરો, નાસ્તાના ખાલી રેપર, સૂકાયેલા ઘાસના તણખલાઓનો કચરો અને ઝાડનાં ઉડીને આવેલા પાન સિવાય કશું ન દેખાયું. ખુણાની કિનારીઓ જીવજંતુનું આશ્રયસ્થાન બની રહ્યા હતા.

ગુફામાં સાંજ નમતા સાથે અમાસી રાતનું અંધારું વધી કર્ણપ્રિય સૂરો શાંત થઈ નિશાનાં અજીબોગરીબ અવાજો ગૂંજવા લાગ્યા. ઘનઘોર અંધકારમાં સ્થિરતાથી પ્રકાશ પાથરતી સ્ટ્રીટ લાઇટ અને દૂરદૂરથી વાહનોની હેડલાઈટ્સ ઈલેકટ્રીક સૂર્ય બની તેજીથી ચમકવા લાગી. બે ચમચીડિયાં ચીસો પાડતાં ઊડ્યાં. વિબોધે થોડો કચરો અને લાકડા ભેગા કરી લાઈટરથી મહામહેનતે આગ ચાપી.

ગુફામાં પીળો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. વિબોધ અને સત્યા આગનાં પ્રકાશમાં પોતાના કાળા લાંબા પડછાયા જોઈ થોડા ડર્યા અને પછી પરિસ્થિતિને આધીન ન બની હિમ્મત દાખવી ચહેરા પર કરૂણ સ્મિત ઝલકાવ્યું.

‘આજે રાત અહિયાં જ પસાર કરવી પડશે.’

‘ઓહ.. ગોડ.. નહીં.’

‘રાત અહિ પસાર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.’

સત્યા નિરાશ થઈ. ‘નાસ્તો બધો ખતમ થઈ ગયો છે. પીવાનું પાણી પણ હવે બે-ત્રણ ઘૂંટથી વધુ નથી.’ સત્યાએ પર્સ ચેક કર્યું. હાથમાં બે ચોક્લેટ્સ આવી. તેણે વિબોધને હથેળીમાં ચોક્લેટ્સ મૂકી ખાવા કહ્યું. વિબોધે બંને ચોક્લેટ્સનું પેકીંગ ઉખેડી વારાફરથી એક પછી બીજી તેમ બંને ચોક્લેટ્સ સત્યાને ખવડાવી આપી.

વધતાં જતાં વરસાદની સાથોસાથ હવામાં ઠંડી આને ડરનો માહૌલ આકસ્મિક રીતે બંધાયો. વરસાદનો બેરહમીથી ચટ્ટાનો પર પછડાવવાનો ધ્વનિ, જોરથી ફૂંકાતા પવનમાં હલબલીને સૂકાયેલી ડાળી-પાન તૂટવાનો અવાજ, પક્ષીઓની ચહચહાટ, પ્રાણીનો સરવરાટ, જીવજંતુઓની બડબડાટ, વાદળોનો ગળગળાટ, થર્રાઈને રહી જતો સન્નાતો.. જામતી રાત્રિએ અંધારાની ભયંકરતા ફૈલાતી ગઈ.

ખરેલા કડક પાંદડા પરથી કોઈ ડગ માંડતું ગુફા તરફ આવતું હોય તેવો અવાજ આવ્યો. સત્યા વિબોધની નજીક આવી ગઈ. વરસાદી હવા અને વિજળીનો જોરદાર ચમકારો થયો. ઠંડક અને ભયજનક માહોલમાં સત્યાની રુંવાટી ઊભી થઈ ગઈ.

વિબોધે સત્યાને પૂછ્યું, ‘ઠંડી લાગે છે?’

સત્યાએ હકારાત્મક રીતે માથું ધુણાવ્યું.

‘સિગારેટ પીશે?’

સત્યા વિબોધની સામે જોઈ રહી.

‘ઠંડી ભાગી જશે.’

સત્યા ચહેરા પર કોઈ પ્રકારનાં હાવભાવ લાવ્યા વિના સ્થિર મૌન રહી.

વિબોધને સત્યાનાં મૌનમાં સિગારેટ પીવાની મરજી લાગી. તેણે ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢી લાઈટરથી સિગારેટ જલાવી બે-ત્રણ ઊંડા કશ લઈ સત્યાને સિગારેટ પીવા આપી.

સત્યા ચૂપ રહી વિબોધ સામે એક નજરે જોતી હતી.

‘શું જુએ છે? કમોન...’

સત્યાએ વિબોધના હાથમાંથી ઠંડીથી ધ્રૂજતા હાથે સિગારેટ લઈ પોતાના કોમળ ગુલાબી હોઠો વચ્ચે દબાવીને અંદરની તરફ શ્વાસ લીધો. પછી ધુમાડો વિબોધનાં ચહેરા તરફ ફેકયો.

‘ગમ્યું?’

સત્યા એકપણ શબ્દ ન બોલી. તેણે ફરી સિગારેટ પોતાના નાજુક હોઠોમાં દબાવી ઊંડો કશ લીઈ વિબોધને પીવા આપી. વિબોધે એક કશ લઈ સિગારેટ સત્યાને આપી દીધી. આ રીતે એક પછી એક સિગારેટનાં ફિલ્ટર થકી વિબોધ અને સત્યા વચ્ચે આડકતરી રીતે ચુંબનોનો પુન:જન્મ થતો ગયો. સિગારેટનો ગરમાવો ઠંડી ભગાડવામાં કારગર નિવડ્યો.

ગુફાની બહાર વરસાદ જોર પકડી રહ્યો હતો. વરસાદી પાણી નદીની નહેરમાં વહીને ખુલ્લા પટમાં જમા થવા લાગ્યું. કલાક ઉપરથી ચાલતા વરસાદને કારણે તળાવ છલકાઈ પાણી આસપાસના વિસ્તારમાં પ્રવેશી પાણી ભરાયા. વરસાદ વિકરાળ બન્યો.

ગુફાની અંદર પાસપાસે બેઠેલા વિબોધ અને સત્યા કુદરતનું ફાટતું સૌંદર્ય જોઈ રહ્યાં. આભએ જાણે પાણીનાં માધ્યમથી ભૂમિ સાથે હસ્તમેળાપ સાધ્યો હતો. વિબોધને પણ સત્યનો હાથ પકડી લેવાની ઈચ્છા થઈ. સત્યા શું વિચારશે? જગ્યા અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ? ના. વિબોધે પોતાની જાતને મજબૂત બનાવતા સત્યાને સ્પર્શ ન કર્યું.

એક ગોળ પીળાં તણખલાની સળીથી બનેલા માળામાં બે કબૂતરો સંવવન કરતાં હતા. સત્યા વિબોધના ભૂખરા હોઠ જોઈ રહી. વિબોધે સત્યાની આંખથી આંખ મેળવી, સત્યાએ શરમાળ બની નજર ઝૂકાવી લીધી. તેના ચહેરા પર છૂટા વાળ ઘસી આવ્યા. ઉત્તેજના અને આવેશ શારીરિક અને માનસિક રીતે વધુ પકડ ન બનાવે આથી બંને મજબૂત મનોબળ બનાવી એકબીજાથી થોડા દૂર જઈ બેસ્યા.

વિબોધ અને સત્યા દૂર બેસીને પણ એકબીજાનો શ્વાસ અનુભવી રહ્યાં હતા. એકબીજાની સન્મુખ જોતજોતામા પથ્થરના ટેકે બેસી આંખોનાં પોપચાં ક્યારે ઢળી રાત પસાર થઈ જાણ ન રહી.

કાતિલ, જીવલેણ, અને તોફાની વરસાદી અમાસની રાત બાદ પૂર્વમાં વ્યાધનો ઉદય થઈ પરોઢનો પ્રકાશ ખૂલ્યો. ગરમાવો આપતો સુંવાળો તડકો વાતાવરણ અને જમીની ભેજ ચૂસવા લાગ્યો. શાંત સડકો જીવંત બની રસ્તા પરનાં પાણી ઓસરી વાહનોની આવાજાહી શરૂ થઈ. ઊતરતી રાત અને ઊગતી સવારે વિબોધ અને સત્યા ભૂતનાથ પરથી યાદગાર પ્રવાસ કરી રાજકોટ તરફનાં પ્રવાહમાં પરત થયા.

ઘનશ્યામ વાદળાં પૃથ્વી અને આકાશ પરથી હટી ગયા. તેજસ્વી, પ્રશાંત અને નિર્મળ સોનેરી સવારનો ઉદય થયો. અને..

ક્રમશ: