Ek Chaal Tari Ek chaal mari - 4 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 4

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 4 )

‘સલોની.... શું છે આ બધું ?’

સેલફોનના સામા છેડેથી ગૌતમનો સ્વર ચિંતાભર્યો હતો, પણ સલોનીને લાગ્યું કે એમાં ચિંતા ઓછી ને ઔપચારિકતા અને રોષની માત્રા વધુ હતી.

‘ઓહ, જરા તબિયત શું ખરાબ થઇ.... આ મિડીયા’ ગૌતમનો પ્રતિભાવ જાણવા સલોનીએ વાક્ય અધૂરૂં ક છોડ્યું.

ક્ષણભર માટે બંને વચ્ચે મૌન પથરાઇ ગયું.

‘... પણ ગૌતમ, યુ ડોન્ટ વરી પ્લીઝ, જેવું બધું છપાયું છે એવું હરગિજ નથી.’સલોની બોલી તો હતી સપાટ સ્વરે, પણ મગજમાં હવે શું સ્ફોટ કરવો એની મથામણ ચાલી રહી હતી.

‘ખરેખર તો ગૌતમ, સમાચારમાં જે છપાયું એના કરતાં ન છપાયેલી વાત વધુ મોટા સ્કૂપ જેવી છે...’ હળવું હસીને સલોની ક્ષણ વાર માટે અટકી, ફરી એકવાર ગૌતમનો પ્રતિભાવ જાણવા.

‘એટલે ? વ્હોટ ડુ યુ મીન... ?’ ગૌતમના સ્વરમાં રહેલો ઉચાટ વર્તાયો.

‘એટલે એ જ... જે તું સમજ્યો...’ ફરી એક ખિલખિલાટ કરતું હાસ્ય. એમાં કિશોરીસહજ અલ્લડતા હતી કે પછી એક શિકારી પોતાના શિકાર સાથે આદરે એવી રમત.... એ ગૌતમ નક્કી ન કરી શક્યો.

‘સલોની, લિસન કેરફુલી... જો એવું કંઇ પણ ન કરતી, જે તારી કરિયર ને મારી રેપ્યુટેશન માટે પ્રોબ્લેમ બની જાય...’ ગૌતમના અવાજમાં હળવી આજીજી ભળી હોય એવું સલોનીને લાગ્યું.

‘ગૌતમ, એક સ્ત્રી જે ઝંખે એવા સંજોગોને તું પ્રોબ્લેમ ગણે છે ?’ સલોનીને ખબર હતી કે પોતાની આ ગુગલી પછી પછી ગૌતમનો જવાબ શું હશે !

‘સલોની... પ્લીઝ નો મોર ઓન ફોન... આપણે પછી વાત કરીએ તો.. ?

ગૌતમના અવાજમાં સમજદારી હતી કે દહેશત એ સમજવાનો સલોની પ્રયત્ન કરી રહી હતી. પોતાને જેની અપેક્ષા હતી એમ જ બની રહ્યું હતું. એ વાત સલોનીને અંદરથી હચમચાવતી રહી.

શા માટે આ વાત ફોન પર સાંભળે ગૌતમ ? રખે ને ફોન ટેપ થતો હોય તો? આમ પણ વ્યવસાયિક શત્રુઓની કમી ક્યાં હતી વિરવાનીઝને ? બાકી હોય તેમ પોતે એક્ટ્રસ જો આ વાત લીક થાય તો જેવું તેવું સ્કેન્ડલ થોડું થાય ?

-કે પછી ગૌતમ પોતે જ આ જવાબદારીથી હાથ ધોઇ નાખવા માગતો હશે?

સલોનીના મનમાં કોઇક અજબ ખારાશ ઘોળાતી રહી :

ક્યાંક ગૌતમ.... ?

આગળ વિચારવું જ ન હોય એમ સલોની ક્યાંક સુધી બારીમાંથી નજરે ચઢતા દરિયાને તાકતી રહી. ન જાણે આ દરિયો કેટલીય અવહેલનાની ખારાશ પોતાનામાં સમાવીને નિજાનંદમાં મહાલતો રહ્યો છે. કદાચ પોતાની જેમ જ ને !

‘મેમ, કેટલા વાગ્યે નીકળશું ?’ સુઝીએ નિયત સમય પર આવીને પોતાની ડ્યૂટી બજાવી દીધી હતી.

‘નો સુઝી, આજે જરા આરામ કરવો પડશે, કંઇક બરાબર નથી લાગતું.’ સલોનીનો અવાજ ક્ષીણ હતો.

નવાઇ પામવાનો વારો સુઝીનો હતો. ગઇ કાલે ડોક્ટરને બોલાવવા પડે એવી પરિસ્થિતિમાં મેડમે સેટ પર પહોંચી પાંચ કલાક એકધારું કામ કર્યુ ને આજે અચાનક આ શું ?

ફોનની રિંગ સતત રણકતી રહી. એક ન્યૂઝ આઇટમે ઘણાંને દોડતાં કરી દીધા હતા.

‘મેમ. સ્ટાર ચેનલને બાઇટ જોઇએ છે. કહે છે, ટેલિફોનિક પણ ચાલશે... શું કહું ?’ સુઝીએ પોતાના મોબાઇલ હેન્ડસેટને દૂર કરતાં દબાતાં સ્વરે સલોનીને પૂછ્યું.

સ્ટાર ચેનલનુ નામ પડ્યું છતાંય ન તો સલોનીના હાવભાવ બદલાયા કે ન કોઇ પ્રતિભાવ વર્તાયો ત્યારે સુઝીને લાગ્યું કે નક્કી કોઇ ગડબડ તો છે જ.

ન ચેનલોના પત્રકારોને જવાબ મળ્યા, ન પ્રચાર માધ્યમોને પ્રેસ;રિલીઝ મળી. માત્ર રણકતી રહી લેન્ડલાઇન.

‘મેમ, મિસ્ટર સામાણીનો ફોન છે. એમને તમારી સાથે વાત કરવી છે. કહે છે કંઇક અર્જંન્ટ કામ છે.’ સુઝી એકસરખા રણકી રહેલા ફોનના હલ્લાથી ત્રાસી હતી અને આ તો હતા પ્રકાશ સામાણી, સલોનીના પબ્લિક રીલેશન કન્સલ્ટન્ટ, એમની સાથે વાત કરવી જરૂરી હતી એવું તો સલોનીને પણ લાગ્યું હશે એટલે એ ફોન પર આવી.

‘હલો મેમ, હું તો લોનાવાલા ગયો હતો, પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે સંપર્ક ન કરી શક્યો. આવ્યો ત્યારે આ બબાલ જાણી. આવું કઇ રીતે થયું ? મને જો જરા હિન્ટ પણ આપી હોત તો હું મામલો સંભાળી લેત ને !’

સામે છેડેથી પ્રકાશ સામાણી એક શ્વાસે બોલી રહ્યો હતો. કદાચ એને ચિંતા એ સતાવતી હતી કે પોતે ઇન્ડ્રસ્ટ્ર્રીનો ટોચનો મિડીયા મેનેજર ને આ છબરડો કઇ રીતે થઇ ગયો ? ક્યાંક પોતાની મિડીયા મેનેજ કરવાની ક્ષમતા પર મેડ્મને શંકા ન થાય. આમ પણ ફિલ્ડમાં ચાલતી ગળાકાપ સ્પર્ધામાં હરીફો એકબીજાને પછાડવા ઓછા ઉધામા નથી મચાવતા.

‘સામાણી... તમે નાહકનું ટેન્શન ન લો. એ કોઇ ટેન્શન કરવા જેવી વાત નથી...’ સલોનીનો હળવાશભર્યો જવાબ સામાણીને વધુ ચિંતા કરાવી ગયો : એ સાચે જ આવું માને છે કે ટોણો મારે છે ?

સામાન્ય પરિસ્થિતિમાં જો આવી કોઇ બેડ પ્રેસ જેવી ઘટના બની હોત તો સલોનીએ આખી દુનિયા માથે લીધી હોત. સલોનીના જવાબથી અવઢવમાં પડી ગયેલા સામાણીને થોડાં સમય પૂર્વે સલોનીના સિલાઇમાંથી તરડાઇ ગયેલા ડ્રેસનો પ્રસંગ તાજો થઇ આવ્યો. કોઇક પાર્ટીમાં સલોનીના સ્કિનટાઇટ સ્પગેટી ડ્રેસની સિલાઈ થોડી નીકળી ગઇ હતી ને ગોસિપ માટે પ્રખ્યાત એવા એક ટેબ્લોઇડ એ ફોટોગ્રાફને એન્લાર્જ કરી રેડ સર્કલ કરી ચમકાવ્યો હતો એમાં સલોની કેવી વરસી પડી હતી સામાણી પર.

‘તમે મિડીયા મેનેજ કરી નથી શકતા ? તમે મિડીયા મેનેજર છો કે ડેમેજર? ‘સલોની ગર્જી હતી.

‘અરે, પણ મને કઇ રીતે જાણ થાય કે રાત્રે સાડા ત્રણ વાગ્યે તમારા આ ડ્રેસનું પિક્ચર કોઇએ ક્લિક કર્યુ હશે ? અને એ પણ ગોસિપ કોલમમાં આ રીતે ચમકાવશે

સામાણીએ પાંગળો બચાવ કરેલો. સલોનીને પોતાના જવાબથી કોઇ સંતોષ નહોતો થયો એ સામાણી પણ સમજતો હતો. તે વખતે પોતાના ગ્રહ બળવાન માનીને બચી ગયા હોવાનો હાશકારો અનુભવ્યો. એ વાત પતી ને ત્યાં આ નવો ફણગો !

જો કે આ વખતે સલોનીની વાત સાંભળીને હળવાશ અનુભવતા પ્રકાશ સામાણીએ સિગારેટ જલાવી ને એક કશ લીધો ત્યાં મોબાઇલ ફોન રણક્યો. અનુમાન પ્રમાણે સામે છેડે સલોની જ હતી.

‘સામાણી, આજની વાત તો ઠીક છે. પણ મને લાગે છે કે મારે કદાચ પ્રેસની જરૂર પડશે. તમારા પે રોલ પર હોય એવા ગણતરીના લોકોને એલર્ટ પર રાખજો.’ સલોનીએ જાણે સૂચના આપતી હોય એવા સ્વરમાં કહ્યું :

‘યેસ મેમ, ડોન્ટ વરી... પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો પણ વાંધો નહીં. આપ માત્ર હૂકમ કરો...’ સામાણીએ નમ્રતાપૂર્વક પોતાનો સુઝાવ આપ્યો.

‘ના. સામાણી કદાચ એવી તો જરૂર નહીં પડે... મેં જેમ કહ્યું એ પ્રમાણે ગણતરીમાં ત્રણ અખબાર અને સ્ટારના કોઇને મેનેજ કરી લેજો. શું ખબર એમને સારી ફોટો ઓપોર્ચ્યુનિટી મળી જાય ! ઓ. કે. ?’ સલોનીએ એકએક શબ્દ સમજાયા વિના ન જાય એવી સ્પષ્ટ સૂચના આપતા કહ્યું.

સામાણીની નજર સામે સલોની નહોતી. છતાં સલોનીના આ શબ્દોનો ભાવાર્થ એની આંખમાં રહેલાં તિખારા સાથે એ કલ્પી શકતો હતો.

સામાણી સાથે વાત કર્યા પછી સલોની શાંતચિત્તે બેસી રહી. બહાર ઝરમર-ઝરમર વરસાદ વરસવો શરૂ થયો હતો, પણ સલોનીનાં દિલ-દિમાગમાં ઝંઝાવાત સર્જાઇ ચૂક્યો હતો.

દિલ-દિમાગ વચ્ચે ચાલી રહેલું તુમુલ યુદ્ધ કોણ જીતે ? કોણ હારે ?

વધુ વિચારવાનું છોડી સલોનીએ પોતાનો સેલફોન હાથમાં લીધો. સ્પીડ ડાયલ પર જી નામે સ્ટોર થયેલા નંબર પર રિંગ વાગતિ હતી.

એ હતો ગૌતમનો ખાનગી નંબર. ગૌતમ-સલોની વચ્ચેની હોટલાઇન, જે નંબર દર છ મહિને બદલાઇ જતો હતો.

સલોનીને યાદ આવી ગયો એ દિવસ, જ્યારે એણે ગૌતમનો મિસ્ડ કોલ જોઇને નહીં નહીં તોય અગિયારવાર ફોન કર્યા હતા અને છતાં ગૌતમે ફોન ઉપાડ્યો નહોતો ને પછી સામેથી ફોન કરીને ગૌતમે કહ્યું હતું :

‘ઓહ... ઓહ... મેડમ, મિસ મોડમાં છે... લવ મોડમાં છે કે ફાઇટ મોડમાં ?’ ને પછી ટીખળભર્યું અટ્ટહાસ્ય.

‘કોઇ એક મિસ્ડ કોલના જવાબમાં અગિયાર અગિયાર કોલ કરે ને કોઇ રિસીવ સુદ્ધાં ન કરે એવા લોકોને શું કહેવું ?’ પોતે રિસાવાનો ડોળ કરતાં બોલી હતી, ને ગૌતમ? સામે છેડે ખડખડાટ હાસ્યને રોકવાનો પ્રયત્ન કરતો હોય એમ બોલેલો.

‘એને કહેવાય પ્રેમ... મારા મિસ્ડ કોલ માટે તું કેટલા ફોન કરે છે એ જ મારે ગણવા હતા !’

એ શું માત્ર બનાવટ હતી? સલોની પોતાના મગજને મનાવાવું હોય એમ મનોમન દલીલ કરતી રહી.

* * *

પોતાના ડબલ બેડના સાઇડ્ટેબલ પર પડેલા મોબાઇલ પર એક નામ ચમક્યું ને ફરી મોબાઇલનો ડિસ્પ્લે ઓફ્ફ થઇ ગયો. હંમેશ સાઇલન્ટ મોડ પર રહેતા મોબાઇલ વાઇબ્રેશન આ નામના ઝળકવાથી રોમાંચ ઉપજાવતું.

હજી ગૌતમ હાથમાં ફોન લે એ પહેલા બાજુમાં પડેલો બીજો મોબાઇલ ફોન રણકી ઉઠ્યો. ગૌતમને થયું સ્વીચ ઓફ્ફ જ કરી દે એ ફોન, પણ ના.... આ તો સલોની સાથે વાત કરવા માટે સ્પેશિયલ લીધેલો બેનામી નંબર હતો. સલોની સાથેના રોમાન્સના શરૂઆતના દિવસો. આ તારી-મારી વચ્ચે હોટલાઇન... એવું કહી જાણે પોતે શું ભૂલ કરી નાખેલી કે સલોનીને દિવસમાં ચાર-છ વાર લાંબી વાત ન થાય તો ધરવ જ ન થતો. ફોનની રિંગ બંધ થઇ ગઇ હતી, પણ હાશકારો થોડો લાંબો ચાલવાનો હતો ?

એ વિચારનો પડઘો હોય એમ ફરી રિંગ રણકવા માંડી.

જ્યાં સુધી રિપ્લાય નહીં કરું ત્યાં સુધી એ જીવ ખાતી રહેશે...

ગૌતમના મનમાં ચીડ, ગુસ્સા, કંટાળાના સરવાળા-ગુણાકાર જ થતાં રહ્યા, એક વાર ફોન ઉપાડી લેત તો ? શું બગડી જવાનું હતું ? જાણે અંદરથી કોઇકે ગૌતમને કહ્યું. ગૌતમના મસ્તક પર રીસ કરી સવાર થઇ ગઇ.

આ બે બદામની છોકરી જાણે મારી માલિક હોય એવું સમજી બેઠી છે !

... એક અપશબ્દ ગૌતમની જીભ પર આવી ગયો.

ફોન ઉઠાવીને જોયું તો ડિસ્પ્લે સ્ક્રીન પંદર મિસ્ડ કોલ દર્શાવતી હતી.

‘આ ઘેલીઓની આ જ તકલીફ.... જરા ભાવ શું આપો, ગળે પડવાની જ વાત. હંહ. !’ કહેતા જ તુચ્છકારભર્યા પ્રતિભાવ રૂપે ગૌતમે મિસ્ડ કોલ ડિલિટ કરી નાખ્યા, જાણે પોતાની જિંદગીમા વણાયેલાં સલોનીનાં સાયુજ્યની બધી ક્ષણ ડિલિટ કરી નાખવી હોય એમ !

સલોનીવાળો હોટલાઇન ફોન નીચે મૂકી ગૌતમે મ્યુટ પર રાખેલો બીજો મોબાઇલ હાથમાં લીધો. દસ મિનિટ પહેલાં જ વોટ્સએપ પર અપડેટ થયેલાં મોહક ડિસ્પ્લે પિક્ચર અને સ્ટેટસને ચાતકપ્યાસથી પીતો રહ્યો.

નફીસાની આંખમાં જ કંઇક જબરો કરિશ્મા હતો. જાણે મધદરિયે રચાતું વમળ, એક વાર એના આ વમળમાં આવનાર તો ગયો કામથી... આટલી નાની ઉંમરમાં પણ શું એની અદા. એનું ઉર્દુમિશ્રિત હિન્દી, ક્વિન્સ ઈંગ્લિશ... બોલવા, ચાલવાથી માંડીને ડ્રેસિંગ સેન્સ તો આ... હા !

ચહેરા પણ જાણે કોઇએ ફલડ લાઇટ નાખી હોય એમ ગૌતમનો ચહેરો ઝગમગી રહ્યો.

સલોની જેવી છોકરી જોડે પોતે આટલો બધો નિકટ કઇ રીતે પહોંચી ગયો ? નફીસા એને કેમ પહેલા ન મળી...

એ વિચારમાત્ર ગૌતમના શરીરમાં રહેલા પૂરૂંષને જગાડી રહ્યો હતો... પણ દર વખતની જેમ એ રસભંગ કરવા કટિબદ્ધ હોય એમ સલોનીનો ખ્યાલ પગેરું દબાવતાં આવી જ જતો... હવે એનું કરવું શું ?

સલોનીનો વિચાર ફરી આવતા ગૌતમનું મોં જાણે કડવાશથી ભરાઇ ગયું.

હવે એનું કંઇક તો કરવું પડશે...

ગૌતમ થોડી ત્રસ્તતાથી, કંઇક વ્યગ્રતાથી વિચારી રહ્યો. સલોનીનું આ ફ્રેમમાંથી દૂર જવું જરૂરી હતું... એ સમજીને જાય તો બહેતર, નહીંતર... ગૌતમે આગળ વિચારવા માટે સિગારેટ સળગાવી.

ગૌતમે વધુ વિચારતાં સિગરેટનો એક લાંબો કશ લઈને બીજે હાથે નંબર ડાયલ કર્યો. સામે છેડે રિંગ જઈ રહી હતી.

ક્યાં મરી ગયો અત્યારે આ વિકી ?

ગૌતમને હવે પળભરનો વિલંબ પણ કઠી રહ્યો હતો.

‘યસ, માલિક, હૂકમ કરો...’ સામે છેડેથી જવાબ મળ્યો.

‘વિકી... વાત સિરિયસ છે. ક્યાં બેઠો છે અત્યારે ? દુબઇ કે પછી... ?

‘સર, આપ ફરમાવો.... બંદા ખિદમત મેં હૈ....’

આ ઉત્તર સાથે ગૌતમને સવારના અખબારમાં વાંચેલી ન્યૂઝ આઇટમની એક લીટી તાજી થઇ ગઇ. જાણીતા ઉદ્યોગપતિએ પોતાની ગર્લફ્રેન્ડને આપેલી ધમકી.

‘વિકી... તું બધું જ જાણે છે... પણ હવે આ માથાના દુ:ખાવાને દૂર કરવાનો છે. ગુમ કર, યાર... દફા કર એને પિક્ચરમાંથી....’

બે મિનિટની વાતચીતમાં ગૌતમે એક પાસો નાખ્યો હતો. હવે ગેમ કેમ કરવી એ વિકી જાણે ને એનું કામ જાણે

વિકી છે તો ચાલુ ચીજ. જે કામ કોઇ ન કરી શકે એને વિકી જ કરી શકે... ગૌતમ ફરી એક વાર પોતાના મનને ખાતરી આપતો હોય એમ વિચાર્યુ.

છેલ્લાં કેટલાય સમયથી વિકી એનો મેન ફ્રાઇડે બની ગયો હતો. જ્યારે પણ એનો ડ્રગ સ્નોનો સ્ટોક ખૂટી ગયો હોય કે જૂનાં પતંગિયાંથી મન ઊબકી ગયું હોય તો સબ મર્જ કી એક દવા.... એક ગાફેલગીરી વિકીએ ન કરી હોય તો આમ એને ઠેઠ મલેશિયાનાં જંગલમાં ઠેબાં ખાવા ન મોકલેત, પણ એની વે.... આ ગુપ્તવાસ ઝાઝો વેઠવો પડે એવું પણ નહોતું. સલોનીને હવે ફ્રેમમાંથી આઉટ કેમ કરવી એનું પ્લાનિંગ પોતે કરવું એના બદલે વિકીને સોપવું સારું. આમ પણ વિકીને સામ-દામ-દંડ-ભેદ જેવી તમામ કૂટનીતિની ફાવટ હતી. જો એમ ન હોત તો પેલી મોહના વર્માનાં ચક્કરમાંથી બહાર નીકળતાં એના બાર વાગી જાત...

ગૌતમને યાદ આવી ગઇ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની જાણીતી એક્ટ્રસ મોહના. મિસ યુનિવર્સ બની ત્યારે આ વિકી જ હતો પોતાની પિચ તૈયાર કરી આપવાવાળો... ને પછી અચાનક મોહનાને મિસિસ વિરવાની બનવાના ઓરતાં જાગ્યા, જે એના કદ પ્રમાણે વેતરી કાઢવાનું ઓપરેશન - પ્લાનિંગ પણ વિકીનું જ હતું. બ્લુ બર્ડ ઇન્ડ્રસ્ટ્રીઝ્ના વિરવાનીઝ પર રાજ કરવાના મોહનાના કોડને માત્ર આઠ કેરેટના ડાયમંડ અને કફ પરેડના પેન્ટહાઉસ સાથે સરભર કરીને મામલો વિકીએ વચ્ચે પડીને પતાવી દીધો હતો. બાકી, મોહના એમ કંઇ માને એવી નહોતી જ.

વિકીનું અદૅશ્ય રહેતું અન્ડર વલ્ડૅનું કાર્ડ હવે ફરી વાપરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઇ ચૂકી હતી. ગૌતમે સાઇડ ટેબલ પર પડેલા પાણીના ગ્લાસમાંથી બે-ચાર ઘૂંટડા સાથે એક પિલ લઇ લેવી જરૂરી માન્યું.

થોડી જ વારમાં ગૌતમને લાગ્યું તમામ ફિકર, ચિંતા, ઉચાટ વરાળ થઇ ઊડી ગયાં છે શરીર રૂ જેવું હળવુંફૂલ થઇ રહ્યું છે. એની આંખોમાં છવાઇ રહ્યાં છે મદહોશીના વાદળ, જેની આગોશમાં હતી માત્ર શાંતિ

***

મોબાઇલ ફોન પર વાત પતાવી ત્યારે વિક્રમના હાથમાં રહેલા ફિશિંગ રોડ પર ભાર વાર્તાયો. લાગતું હતું કે મોટું માછલું સપડાયું હતું.

પૂર્વ મલેશિયાનું ખોબા જેવું શહેર કોટા કીના બાલુ... શાંત, સદા ઊંઘતું હોય એવું આ શહેર હવે પોતાનું ધામ હતું. એની નિ:શબ્દતા ક્યારેક વિક્રમને એટલી હદે અકળાવનારી લાગતિ કે લાગતું, પોતે કોફિનમાં જ દટાઇ મર્યો છે, પણ ઇન્ટરપોલના સકંજામાંથી બચવા આમ લપાવા સિવાય કોઇ છૂટકારો પણ નહોતો. જ્યારે જ્યારે ખતરાની ઘંટડી વાગતિ વિક્રમને લપાવા માટે જરૂર પડતી સાબાહ પ્રદેશની જંગલ લોજ ને રેઇન ફોરેસ્ટની કૃપાથી વિક્રમને ઊની આંચ ન આવતી. જો તવાઇનો તાપ વધુ લાગે તો પ્રાઇવેટ યોટ્માં બેસીને રાતોરાત નોર્થ કોરિયા તરફ સરકી જવા માટે છ કલાક પૂરતા હતા.

ગૌતમ વિરવાનીના એક કોલે વિક્રમના તન-બદનમાં ગરમાટો લાવે દીધો હતો ને ગૌતમ વિરવાનીએ કામ પણ શું પસંદગીનું સોપ્યું હતું.... પોતાની જાતને સોપક્વીન માનતી સલોનીની ગેમ કરવાનું.

વિકીએ પાણીમાં ડૂબેલાં ફિશિંગ રોડનાં રીલને ઉપર ખેંચવા લપેટવા ખેંચવા માંડી. હૂકમાં ફસાયેલી કદાવર માછલી છટપટાતી ઉપર ખેંચાઇ આવી. માછલી જેમ જેમ ઉપર આવતી ગઇ એમ એનો તરફડાટ વધતો ચાલ્યો.

મિસ સલોની, તમારા પણ આવા જ હાલ થશે.

જસ્ટ, વેઇટ એન્ડ વોચ.... મનોમન સંવાદ કરી રહેલા વિકીનાં દાંત હોઠ પર એટલી સખ્તાઈથી ભીડાયા કે લોહીનો ટશિયો ફૂટી આવ્યો. એક જ ફોન કોલ વિક્રમના મગજમાં સુષુપ્ત પડેલા હજારો વીંછીઓને જગાડી ગયો હતો.

પુણેની ફર્ગ્યુસન કોલેજની યાદ તાજી થઇ ગઇ. કોલેજની બ્યુટી ક્વીન હતી સલોની, છતાં ક્યારેય સ્ફૂલની દોસ્તીને ઊની આંચ નહોતી આવી.

‘વિકી, જો જે ને એક દિવસ તો વર્લ્ડ ક્લાસ ફોટોગ્રાફર તરીકે તું જરૂર પંકાવાનો. દુનિયાભરની મોડેલો તારી સાથે કામ કરવા મરી પડશે……. સમજ્યા, મિસ્ટર વિક્રમ પાલેકર !’

મોટાં સપના જોવાનું નહોતું ગમતું એવું તો નહીં, પણ સલોની જેવાં લાર્જર ધેન લાઇફ સપનાં જોવાં ને એને સાકાર કરવા જે મહેનત જે આટાપાટા રમવા પડે તે બધું જ એણે સલોની માટે કર્યું. વિક્રમને પોતના ભોળપણ પર ચીડ ચડી. પોતે ભોળો હતો કે બેવકુફ ? કોલેજમાં બ્યુટી ક્વીનનું ટાઇટલ જીત્યા પછી સલોનીએ મિત્રતા શું કામ ટકાવી રાખી હતી એનું કારણ તો સલોનીએ એક ઝટકે એ મિત્રતા તોડી નાખી ત્યારે સમજાયેલું.

સલોનીના પોર્ટફોલિયો બનાવવાથી માંડીને એના પેઈંગ ગેસ્ટ તરીકે એકોમોડેશન શોધવા માટે પોતે મુંબઇ-પુણે ઓછા ધક્કા ખાધા હતા ?

‘સલોની, તું જો ઇન્ડ્રસ્ટ્રીમાં જામી જાય ને પછી મને ભૂલી જાય તો મારી પાસે એનો એક વિકલ્પ છે.’

એક વાર મુંબઇથી પાછાં ફરતા ડેક્કન ક્વીન સેકન્ડ ક્લાસની ભીડથી બચવા બોગીના ખુલ્લા ડોર પાસે ફુટબોર્ડ પર બેઠેલી સલોનીને વિક્રમે કહેલું.

‘અચ્છા, શું છે એ વિકલ્પ ? કહે જોઇએ.... ‘

સલોનીના ગોરા, રતુમડા ચહેરાએ થોડી વધુ રતાશ પકડી હતી. આંખોમાં ચમક તો હતી જ ને વળી એમાં સ્મિત અંજાયું હોય એમ કિશોરી સહજ નિર્દોષતા નીતરી રહી હતી. વિક્રમને ઘડીભર થયું હતું કે આ જ ક્ષણે એ સલોનીના ચહેરાને પોતાની બે હથેળી વચ્ચે લઇને કહી દે કે સલોની, છોડ બધું... મને આ નથી ગમતું. માત્ર તારી ખુશી માટે મન મારીને ધમાલ કરી રહ્યો છું.. પણ ન કહી શક્યો, બલકે વિક્રમે કૃત્રિમ ગંભીરતા ચહેરા પર લાવીને કહેલું: ‘તો હું ડેક્કન ક્વીનમાં સલોની સ્પેશિયલ બટાટાવડાં વેચીશ...’ ત્યારે એ બંને એવાં જોરથી ખડખડાટ હસ્યા હતાં કે આજુબાજુ સહપ્રવાસીઓ થોડાં અચરજથી- થોડી સખતાઇથી કેવા જોતા રહેલા !

ઊંડે ઊંડે વિકીને હતું કે નહીંવત સમયમાં જ સલોનીના સપનાં ચૂર ચૂર થઇ જશે. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી સફળ થવું એ કંઇ માખણમાં છરી ફેરવવાનું કામ નહોતું.

-અને પછી તો પોતે હતો જ.... સલોની ખભે માથું નાખીને રડી શકે અને પોતે એને સાચવી શકે એટલા પગભર થવું જ રહ્યું.

મિત્રતા ઘરોબામાં કેળવાઇ ગઇ. સલોનીના પિતાને પણ વિક્રમ માટે અહોભાવ થતો રહ્યો. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કર્જ કરી, વિધવા માના ઘરેણાં ગીરવી મૂકીને પણ સમય સાચવી લીધેલો ને એ જ સ્વાર્થી છોકરીએ તમામ સંબંધ એક ક્ષણમાં તોડી નાખ્યાં હતા !

‘આખરે તું છે કોણ, વિક્રમ ? ભૂલ નહીં, આપણે મિત્રોથી વિશેષ કંઇ જ નથી’ સલોનીના શબ્દોની ધારથી થયેલા એ ઘા ક્યારેય ન રુઝાયા.

‘બીચ...’ વિક્રમના મોઢાંમાં કડવાશ જામી રહી. એ મક્કાર છોકરીને પાઠ ભણવવો જરૂરી હતો- જિંદગીભર ન ભૂલાય એવો પાઠ

બદલો.. બદલો.... બદલો.

શરીરના રોમરોમમાં વ્યાપ્ત બસ આ એક જ ભાવનાએ એને જીવતો રાખ્યો હતો. વિક્રમના મનની હાલત જાણે અગ્નિ પર તપી રહેલા લોખંડ જેવી હતી. મોડેલિંગ ક્ષેત્રે ચાલતા બોડી શોપિંગનો વેપાર હવે ગંદકી નહોતો લાગતો. એ ગંદકીથી અન્ડરવર્લ્ડની ક્રૂર દુનિયા સુધી દોરી ધકેલનાર કોણ ? પોતે સ્મશાનમાં સબડે અને એ પબ્લિસિટીનાં ધોધમાં તરબોળ થતી રહે ?

અન્ડરવર્લ્ડના કારનામાં પછી ભલે કોટા કીના બાલુનો અજ્ઞાતવાસ સ્વેચ્છાએ સ્વીકાર્યો, પણ હવે વિકીને મુંબઇ સાદ દઇ રહ્યું હતું. જે તક માટે વર્ષો રાહ જોઇ એ તક હવે અચાનક સામે અવી ગઇ હતી.

સલોની, તેં જે કર્યું એ ઠીક ન કર્યું... ને હવે જે હું કરીશ એ ઠીક નહીં હોય... હિસાબ બરાબર..

વિક્રમે એક નજર નીચે પડેલી બાસ્કેટ પર નાખી. થોડી વાર પહેલા જ પકડેલી માછલી ખુલ્લી આંખે, તરફડાટ વિના શાંત પડી હતી.... નિશ્વેતન..

* * *

વિકી સાથે વાત કર્યા પછી ગૌતમને કંઇક હાશ થઇ હોય એમ એણે સલોનીનો નંબર ડયલ કર્યો.

‘શું વાત છે, સ્વીટ હાર્ટ.... હવે શાંતિથી કહે.’

અરે, અચાનક જ ગૌતમ પોતાની આટલી ખેવના કરતો કઇ રીતે થઇ ગયો? આ ખરેખર ખેવના છે કે પછી... ડરમિશ્રિત કુતુહલતા ?

‘ગૌતમ, આજે આપણે મળી શકીએ ? ‘

સલોનીએ સીધું પૂછી લીધું. સામે છેડેથી ચૂપકીદી સલોનીના ધીરજની કસોટી કરતી હતી.

‘પ્લીઝ, મારે તને કંઇક કહેવું છે.... એન્ડ ઇટ’સ ઇમ્પોર્ટન્ટ.... મે બી નોટ ફોર યુ.... પણ મારા માટે... પ્લીઝ...’ સલોનીના સ્વરમાં ભીનાશ વર્તાતી હોય એમ એ સ્વર તરડાયો.

ગૌતમ પરિસ્થિતિની ગંભીરતા સમજવાનો પ્રયત્ન તો જરૂર કરી રહ્યો હતો એટલો અંદાજ સલોનીને આવી ગયો.

‘હં.... ઓકે, ડન...’ થોડી ક્ષણ વિચાર કર્યા પછી ગૌતમે ઉમેર્યું :

‘પણ, સલોની... એક રિક્વેસ્ટ કરું ? ઇફ યુ ડોન્ટ માઇન્ડ ?’

એના સ્વરમાં અજબ આર્જવતા હતી. હવે એને એકએક ચાલ જાળવીને રમવાની હતી. :

'આજે એકદમ અશક્ય છે, તને ખબર છેને ચીફ આજકાલ કેટલા ટચી થઇ ગયા છે... એવું ન બને કે જરા માટે આપણે બધું બગાડી નાખીએ...’

ગૌતમ હવે સલોનીના પ્રતિભાવ જાણવા આતુર હતો.

થોડીક ક્ષણ મૌન પછી ખુદ ગૌતમે જ વાત આગળ વધારી :

‘લિસન, આવતી કાલે હું જાઉં છું લંડન, એક ઇમ્પોર્ટેન્ટ મિટિંગ છે. ચીફ જોડે છે એટલે તું એ મિટિંગની ઈમ્પોર્ટન્સ સમજી શકે છે ને !’

સામે છેડે પોતાની વાત શાંતિથી સાંભળી રહેલી સલોનીનો ચહેરો ગૌતમે કલ્પી લીધો. પોતાની કેફિયત સલોનીના દિમાગ સાથે દિલમાં પણ ઊતરી રહી છે એવો અંદેશો આવી જતાં એ બોલ્યો :

‘આપણે ચાર દિવસ પછી મળીએ તો કંઇ વાંધો છે ? ચાર દિવસમાં આકાશ નથી તૂટી પડવાનું...

ગૌતમના છેલ્લાં વાક્યથી સલોનીના કાન ચમક્યા.

ગૌતમે કોઇ રમત તો નથી આદરી ને !

‘જાનુ... પ્લીઝ...’ ગૌતમ એટલી સલુકાઇથી બોલ્યો કે સલોનીને લાગ્યું કે જાણે એ પોતાના વાળ પર હાથ પસવારી સાંત્વન આપી રહ્યો છે.

‘ઓકે, પણ ગૌતમ, હવે બહાર કે બહારગામ નહીં. મળીશું તો અહીં જ, મારા ઘરે.... છે મંજૂર ?’

સલોનીના આ નિર્ણય પર ચોંકવાનો ગૌતમનો હતો. ફોન પર છવાયેલી થોડી પળની ખામોશી તોડી નાખતાં સલોની સહેજ સમજાવટના સૂરમાં બોલી :

‘સી, એઝ ઇટ ઇઝ આયમ નોટ ફીલિંગ વેલ...’

એના અવાજની ક્ષીણતા કે પછી મક્કમતા ગૌતમને સ્પર્શી ગઇ હોય એમ કોઇ સંજોગમાં પણ સલોનીના ઘરે મળવા રાજી ન થનારો ગૌતમ તૈયાર થઇ ગયો સલોનીના ફ્લેટ પર મળવા.

આ વખતે મામલો જરા જરૂર કરતા વધારે ગંભીર લાગ્યો. જો પોતાની અટકળ સાચી હોય તો સલોનીને કઇ રીતે પટાવવી એના આટાપાટા ગૌતમે મનોમન ગોઠવવા માંડ્યાં :

આખરે આ બધો ખેલ બે-પાંચ પુચકાર, એકાદ બે ફોરેન ટ્રીપ અને થોડી બેન્ક બેલેન્સ વધારતી એન્ટ્રીઓનો જ હતો ને !

***