Ek Chaal Tari Ek chaal mari - 3 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 3

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 3 )

ઢુંઢોગે અગર મુલ્કોં મુલ્કોં

મિલને કે નહીં નાયાબ હૈ હમ....

હોટેલ તાજના રાજપૂતાના સ્યુટના ખૂણે ખૂણે આબિદા પરવીનના કંઠનો જાદુ પ્રસરી ચૂક્યો હતો અને એમાં કેફ ભરી રહી હતી નફીસાની લાલિત્યપૂર્ણ અદા. અસામાન્ય રૂપ, બુદ્ધિપ્રતિભા અને ગરિમાભર્યા સોફિસ્ટિકેશનથી ગૌતમ અંજાઇ રહ્યો હતો. પાંચ ફીટ ચાર ઇંચ જેટલી ઓછી ઊંચાઇની કમી નફીસાના હિમમાં તરાશેલી કવિતા જેવાં ફીચર્સ ને ફિગર ઢાંકી દેતા હતાં.

નફીસાના બેકગ્રાઉન્ડની તપાસ કર્યા પછી ગૌતમે પ્રભાવિત કરવામાં કોઇ મણાં વર્તવી હોય એમ એક ખાસ સ્ટોરી સેશન મિટિંગ ગોઠવી દીધી હતી. એ ભલે ડેબ્યુ કરી રહી હતી, પણ આખરે તો વિરવાની માટે પણ પ્રેસ્ટિજનો પ્રશ્ન હતો ને ! ફાયદો માત્ર નફીસાને માટે નહોતો, ગૌતમની કારકિર્દી એક નવા ક્ષેત્રે ઘડાઇ રહી હતી. ઇન્ડ્રસ્ટ્રીની દિગ્ગજ લેખાતી લેખક બેલડી અને એક નામી ડિરેક્ટર પણ હાજર હતા. ગેરહાજરી વર્તાઇ રહી હતી હીરોની, જેનું નામ સુદ્ધાં ચર્ચાયું નહોતું.

ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝના વણલખ્યાં નિયમોનું પાલન થતું હોય એમ રાતનાં નવથી જામી રહેલી મહેફિલ બાર પછી પૂર્ણપણે ખીલી રહી હતી એ પણ રાઇટર, ડિરેકટરની એક્ઝિટથી.

ખરેખર તો રાજપૂતાના સ્યુટમાં હવે શરૂ થવાની હતી ગૌતમની એ જ જૂની રમત નવા શિકાર માટે. આવી મિટિંગમાંથી ગણતરીનાં કલાકમાં રાઇટર, ડિરેકટરનું વિદાય થઇ જવું સમજી ન શકે એટલી બાલિશ નફીસા નહોતી. નવા નિશાળિયા જેવી ભલે લાગતિ હોય, પણ પોતાનાં પત્તા શાતિર ખિલાડીની જેમ ઊતરી રહી હતી. સામેની વ્યક્તિને માપતાં માપતાં ચાલ બદલવાની કળા નફીસા ગળથૂથીમાં લઇને આવી હતી એ વાતથી ભલે દુનિયા અજાણ હોય, ગૌતમ નહોતો. નફીસા પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા રંગીન તબિયતના શાહબાઝખાનની ભાણી હતી. એ જન્મી ને ભણીગણી હતી લંડનમાં, પણ હિન્દુસ્તાની સંગીતથી લઇ ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધો પર ચર્ચા કરી શકતી હતી.

દરિયા પર ઝળુંબી રહેલી ચાંદની, સુફી સંગીત ને નફીસાના નૂરનો જાદુ ગૌતમના દિલ-દિમાગ પર હાવી થઇ ગયો હતો ને અચાનક ગૌતમના બ્લેઝરનાં અપર પોકેટમાં રહી ગયેલો મોબાઇલ રણક્યો.

ઓહ નો.... રિંગર મ્યુટ કેમ ન રાખ્યું ?

ગૌતમને પોતાની મૂર્ખતા પર જ ખીજ ચડી. એણે ફોન હાથમાં લઇ ડિસ્કનેક્ટ કરતાં નફીસા સામે જોઇ લીધું.

થોડીક ક્ષણોમાં ફરી મોબાઇલ રણકી ઊઠ્યો. ગૌતમ હજુ નફીસા તરફ જુએ એ પહેલાં.

‘અરે, કોઇ રાહ જોઇ રહ્યું હશે. !’ ગૌતમની ટીખળ કરતી હોય એમ શરારતી સ્મિત નફીસા વેરતી રહી.

એક તરફ, મોહક સ્મિત ને બીજી તરફ, કર્કશ રિંગ.

એક ક્ષણ ગૌતમને વિચાર આવ્યો કે સામે ઘૂઘવતાં દરિયામાં જઇ ખાબકે એવા જોરથી મોબાઇલનો ઘા કરી દે.

જોકે ના, નફીસા સામે એવી અસભ્ય હરકત પોતાને જ બાલિશ પૂરવાર કરશે એવા કોઇક વિચારથી ગૌતમે ફિક્કું સ્મિત કરીને વાત વાળી લેતાં કહ્યું :

‘યેસ, યુ આર રાઇટ. એક્સક્યુઝ મી’

સ્યુટના બેડરૂમની એક બારી પાસે જઇ એણે ફોન લગાડ્યો.

‘સલોની... શું વાત છે ? હજી સામે છેડેથી હલો સંભળાય એ પહેલાં જ અધીરાઇથી ધુંધવાઇ રહેલા ગૌતમે પૂછી લીધું.

‘ગૌતમ, તું છે ક્યાં ? મારે તને કંઇક વાત કરવી છે.... મન બહુ બેચેન છે !’

સલોનીના અવાજમાંથી અજંપો નીતરી રહ્યો હતો.

પોતાની આ સિક્રેટ મિટિંગની માહિતી સલોનીને મળી ગઇ હશે ? ગૌતમને ક્ષણિક કુતુહલતાએ જકડી લીધો.

‘સોરી સલોની, કાલે વાત કરીએ ? હું એક મિટિંગમાં છું... ગૌતમ ગમે તે બહાને વાત ટુંકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

‘ગૌતમ અત્યારે દોઢ વાગ્યો છે અને તું મિટિંગમાં છે ?’ સલોનીના અવાજમાં રહેલો વ્યંગ ગૌતમને સ્પર્શ્યા વિના ન રહ્યો.

‘હા.. છું.... તો ? ‘ગૌતમ વાત ટુંકવવાના પ્રયાસરૂપે શુષ્કતા ઘોળીને બોલ્યો.

‘ના, બીજું તો કંઇ નહીં, પણ મારે ફ્કત એ જ જાણવું હતું કે બેકગ્રાઉન્ડમાં સુફી સોન્ગ્ઝ ચાલતાં હોય એવી તે કંઇ મિટિંગ છે ?

આટલું બોલતાં સલોનીનો અવાજ તરડાતો હોય એમ ફોન કટ થઇ ગયો.

નક્કી ડિસ્કનેક્ટ કર્યો એણે.... ગૌતમે મનોમન વિચાર્યુ : ગુડ ફોર હર... કહેતાં સલોનીના વિચાર હડસેલી દેવા હોય એમ બાર-ટ્રોલી પાસે જઇ એક હાથમાં રહેલા ડ્રિન્કના ગ્લાસમાં ત્રણેક આઇસ ક્યુબ્ઝ ઉમેરી હલાવ્યો.

‘એની પ્રોબ્લેમ ?’

કાઉચ પર આરામથી બેસી સંગીત માણી રહેલી નફીસાએ પૂછ્યું. ખરેખર તો એના સરવા કાન ગૌતમની ન સંભળાઇ રહેલી વાતચીત પર જ મંડાયેલા હતા.

‘યસ, પ્રોબ્લેમ હતો... ડ્રિન્કમાં આઇસ ઓછો હતો...’ ગૌતમે સિફતથી સવાલ ઉડાવી દીધો, પણ ગૌતમનો ચતુરાઇભર્યો જવાબ નફીસાના ચહેરા પર સ્મિત બની અંકાઇ ગયો.

* * *

રાત આખી અજંપામાં કાઢી હતી, છતાં સવારના સાડા નવના ટકોરે સલોને રેડી હતી.

રોજ મોડી ઉઠતી સલોનીનું આ નવું રૂપ અનીતાબાઇને માટે જરા વિસ્મયપૂર્ણ હતું. સુઝીના આવવાનો સમય હજી થયો નહતો. બાકી, સમયની પાબંદ એવી સુઝીની રાહ જોવી પડે એ શક્ય નહોતું. આખી રાતનો ઉજાગરો ને બેચેની આંખ અને તન-મન પર જાણે વર્તાતાં હોય એવું કળી ગઇ હોય એમ મેડમના ઓર્ડરની રાહ જોયા વિના અનીતા સ્ટ્રોન્ગ કોફી બનાવી લઇ આવી.

‘અનીતા, સવારના પહોરમાં નો કોફી. તને ખબર છે ને હજી લીંબુ - પાણી નથી પીધાં ?’

સલોનીનો પ્રશ્ન થયો કે અનીતા આજે આવી બેધ્યાન કેમ થઇ ગઇ ?

‘મેડમ, લીંબુ-પાણી આજે રહેવા દો. કોફી પી લો, સાથે સિરીઅલ્સ પણ ખાઇ લો. જુઓ તો ખરાં, તમારો ચહેરો. એવું લાગે છે કે કોઇ ફિકર તમને જંપવા નથી દેતી.’

અનીતાની લાગણીભરી સલાહ સામે સલોની ભાગ્યે જ કંઇક બોલી શકતી. સાવ અભણ એવી આ બાઇ કેવી સમજી ગઇ કે પોતે કોઇક ચિંતામાં છે ને કહેવાતી લાગણી ધરાવતા લોકોએ પોતાના પર શું ગુજરી રહી છે એનો અંદાજ પણ નથી... એ વિચાર સાથે જ સલોનીએ દલીલ કર્યા વિના કોફીનો કપ હોઠે માંડ્યો ને ત્યાં ડો. આનંદની એન્ટ્રી થઇ.

‘અરે, યુ લુક પરફેક્ટલી ફાઇન... ! તો મને કેમ બોલાવ્યો ? એ પણ સવાર સવારમાં ?’

ડો. આનંદે લિવિંગરૂમમાં પ્રવેશતાં જ ટકોર કરી. કદાચ હળવા મેકઅપમાં સ્ટુડિયે જવા તૈયાર બેઠેલી સલોનીને જોઇને એવો વિચાર આવ્યો હોય એવી શક્યતા ખરી.

‘નો. ડોક... નથી કંઇ બરાબર લાગતું. કંઇ સમજાતું નથી. બેચેની લાગે છે ને સાથે વિક્નેસ પણ...’

સલોનીના અવાજમાં કંપ સાથે રહેલી ઢીલાશ ડો. આનંદે પારખી લીધી.

‘તો પછી પ્રેશર જોઇ લઇએ. આમ પણ તારી વિના કારણે વિચારવાની ને ચિંતા કર્યા કરવાની આદત ક્યારેક ને ક્યારેક તો પ્રેશરની ઉપાધિ કરાવવાની જ છે ને !’

પોતાની બેગમાંથી બ્લડપ્રેશર મોનિટર કાઢીને ટેબલ પર મૂક્તાં ડો. આનંદે મજાક કરી વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અડધું સ્મિત ફરકાવી સલોનીના હોઠ અડધો સેન્ટિમીટર વંકાઇ ફરી ચસોચસ ભીડાઇ ગયા.

‘ડોક્ટર, મેં પોતે જ બીપી માપી લીધું હતું... તમારી રાહ જોયા વિના...’સલોનીએ સપાટ સ્વરે કહ્યું :

‘બ્લડપ્રેશરમાં કોઇ પ્રોબ્લેમ જ નથી....’

‘એ છતાં પણ જોઇ લેવામાં શું ? હા, આજકાલ તેઓ દરેક પેશન્ટ ઓટોમેટિક બ્લડપ્રેશર મોનિટર વાપરતા થઇ ગયા છે,પણ મેન્યુઅલ એ મેન્યુઅલ...’ કહેતા ડો. આનંદે સલોનીનો ડાબો હાથ લઇ બ્લડ પ્રેશર માપવાની તૈયારી કરી એ જ વખતે સુઝીની એન્ટ્રી થઇ.

‘રિલેક્સ, સલોની...’ ડોક્ટરે નાના બાળકોને આદેશ આપતા હોય એમ કહ્યું ને સલોની કાઉચ પર લેટી ગઇ,પણ ડોક્ટરને સવારના પહોંરમાં સલોનીનું બ્લડપ્રેશર માપતા જોઇને સુઝી ખરેખર ગભરાઇ ગઇ હતી.

‘નો પ્રોબ્લેમ, હન્ડ્રેડ એન્ડ થર્ટી, એઇટી છે... સ્લાઇટ વધારે, પણ ચિંતાનું કારણ નથી એટલે જે કંઇ ચિંતા મગજમાં હોય એને દરિયામાં નાંખી આવજે... ઓકે?’ ડોક્ટરે ફરી એકવાર સલોનીનું મન હળવું કરવાના આશયે મજાક કરી.

‘કદાચ ઓવર એક્ઝર્શનને કારણે પણ આ થાક કે સ્ટ્રેસ હોઇ શકે, તું વિટામિન્સ લે છે ને ?’

સલોનીએ માથું ધૂણાવીને ના પાડી એટલે ડોક્ટરે દવાઓ લખી અને પાસે ઊભેલી સુઝીના હાથમાં પ્રિસ્ક્રિપ્શન થમાવતાં કહ્યું :

‘મારું માને તો જરા રેસ્ટ જરૂર છે. બાકી, ઓલ ઇઝ વેલ.... ટેક રેસ્ટ ટુડે... નહીં તો પછી યુ નો ધ બેસ્ટ...’

ડોક્ટર આનંદને પૂરેપૂરો ખ્યાલ હતો હતો કે પોતે સલાહ-સૂચન ગમે એટલા આપે આખરે તો સલોની પોતાની મનમાની જ કરવાની છે.

ડોક્ટરને લિફ્ટ સુધી વળાવી સુઝી પાછી આવી ત્યાં સુધીમાં તો સલોની ઘરની બહાર જવા ઉતાવળી થઇ ગઇ હતી.

‘સુઝી લેટ્સ ગો... આઇ એમ રેડી.... અંદરથી મારી હેન્ડ્બેગ લઇ લે અને અનીતાને કહે કે ડ્રાઇવર સાથે લન્ચ સેટ પર મોકલી દે..

સલોની એક જ શ્વાસે બોલી ગઇ.

‘મેમ, ટેક ઇટ ઇઝી.... ‘આગળ બોલવા જતી સુઝીની વાત સલોનીએ વચ્ચેથી જ કાપી :

‘સુઝી પ્લીઝ, આઇ સે લેટ’સ ગો’

સલોનીના સ્વરમાં કંઇ અલગ જ રૂક્ષતા છંટાયેલી હતી.

સુઝી અવઢવમાં સલોનીનો ચહેરો તાકતી ઊભી રહી.

‘મેમ, આજે તમારો શોટ દોઢ પછી છે.... ભૂલી ગયા ? ‘

સલોનીને હાણે સુઝીની વાત પણ સાંભળવી નહોતી. સુઝીએ કમને સલોની સાથે કારમાં બેસી જવું પડ્યું.

બાન્દ્રાથી મલાડ આવેલા સ્ટુડિયો સુધી પહોંચતા કોઇ કંઇ જ ન બોલ્યું. સુઝી સમજી શકતી હતી કે મેડમનો મૂડ બગડ્યો છે. સફર દરમિયાન સલોની સતત ટેક્ષ્ટ મેસેજ કરતી રહી. એના ચહેરા પર અંકાતી રેખાઓથી સુઝી મેડમનાં મનને વાંચવાની નાકામ કોશિશ કરતી રહી. વારે ઘડીયે કપાળ પર અંકાતી રેખાઓ. ક્યારેક સખત રીતે ભીડાતાં હોઠ, એક ઊંડો શ્વાસ... કશુંક તો નિર્દેશ કરી રહ્યા હતાં.

સેટ પર પહોંચ્યા ત્યારે બીજો ટેક લેવાઇ રહ્યો હતો. સલોનીના આગમનથી એપિસોડ ડિરેક્ટર સુલેમાન ચૌધરી મલકાઇ ઊઠ્યો. સામાન્યપણે સલોનીના વર્તનથી બધાં ત્રાસી જતા અને નવા નિશાળિયા જેવા આ આસિસ્ટન્ટ ડિરેક્ટરના નસીબ એટલા પાધરાં કે એ જ્યારે એપિસોડ ડિરેક્ટર બન્યો એ જ દિવસે મેડમની પધરામણી વહેલી થઇ, પણ આશુતોષ ક્યાંય દેખાતો નહોતો.

સલોની આવીને સીધી જ ગ્રીનરૂમમાં પહોંચી. એની મેકઅપ આર્ટિસ્ટ પહોંચી જ રહી હતી. ગ્રીનરૂમમાં પડેલા કાઉચ પર સલોનીએ લંબાવ્યું.

આખા શરીરમાં અજબ પ્રકારનો ખાલીપો અનુભવાઇ રહ્યો હતો. જાણે શરીરનું કોઇ અંગ મગજનો હૂકમ માનવા તૈયાર જ ન હોય !

‘મેમ,આર યુ ઓકે ?’

સુઝી હવે ખરેખર મુંઝાઇ હતી. આવી પરિસ્થિતિ પહેલાં કદીયે ઉદ્દભવી જ નહોતી એટલે કઇ રીતે રિએક્ટ કરવું એની અવઢવમાં હતી એ....

એટલી વારમાં જ મેકઅપ સ્ટાફને હેરડ્રેસરની એન્ટ્રી થઇ. સલોનીના શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નહોતી, છતાં પ્રયત્ન કરી એ ઊભી થઇ ડ્રેસિંગ ટેબલ સુધી આવી પહોંચી.

ડ્રેસિંગના મિરરમાં કોઇ અલગ જ સલોની ઊભી હતી. ગોરી, ગુલાબીવર્ણી, તેજસ્વી ત્વચા પર જાણે કોઇ શ્યામલનું પીછું ફર્યું હોય એમ ચહેરો લેવાઇ ગયેલો પીળો, નિસ્તેજ લાગતો હતો. કદાચ આંખમાં છવાયેલા ઉજાગરાનો થાક ચહેરા પર છતો થઇ આખા ચહેરાને મ્લાન કરી દેતો હતો.

શરીરમાં સ્ફૂર્તી નહોતી છતાં ચહેરા પર મેકઅપનો કૃત્રિમ રંગ ચડતો રહ્યો.

‘સુઝી, બહાર જઇ કોઇકને પૂછને આશુતોષ આવ્યો છે નહી ? આવશે તો કેટલા વાગે આવશે ? ‘

સુઝીને બહાર મોકલી, પણ સલોનીનું મગજ પહેલેથી બહાર ચાલી રહેલા રાજકારણને પામી રહ્યું હતું.

આશુતોષ આપણા હાથમાંથી નીકળી જાય એ કોઇ રીતે પાલવે તેમ નહોતું. સુઝીની વાત સાચી હોય તો પોતાની એક્ઝિટ નક્કી આશુતોષે જ પ્લાન કરી હોવી જોઇએ, જેથી મેઘાની એન્ટ્રી સરળ બને.... સલોનીનું મગજ શતરંજના પ્યાદાની ચાલ વિચારી રહ્યું હતું.

‘મેમ, આશુતોષ સર તો આવી ચૂક્યા છે, પણ કદાચ આવીને બહાર ગયા છે. ક્યારે આવશે નક્કી નહીં....’

સુઝીએ બહારથી મેળવેલા સમાચાર કોઇપણ સુધારા-વધારા-ઉમેરા વગર કહી દીધા.

‘સુઝી, તે સૌને કહી તો રાખ્યું છેને કે આશુતોષ જેવો આવે કે મને મળે. મારે અર્જન્ટ કામ છે !’ સલોની બોલી ઊઠી.

સલોનીનું મગજ આ આખી રમત સમજવા મથી રહ્યું હતું.

‘જી, મેમ’

સુઝી ચિઠ્ઠીના ચાકરની ભૂમિકા ભજવી રહી હતી. હેરડ્રેસર ને મેકઅપમેનને પોતાનું કામ કરતા રહ્યા ને ડ્રેસિંગ પર લાગેલા સો વોટના પંદર બલ્બના પ્રકાશમાં સલોની સ્પેગેટી ટોપ, જીન્સ ને વિખરાયેલા વાળવાળી છોકરી જાજરમાન સ્ત્રીમાં પલટાઇ રહી હતી.

કલાકેક પછી આશુતોષ સેટ પર આવ્યો એવો જ મળવા અંદર આવ્યો.

‘સલોની.. એનીથીંગ રોંગ ? તેં મળવા માટે ત્રણ-ચાર મેસેજિસ મોકલ્યા છે ને !’

‘હા... આશુતોષ, મને થયું કે અવારનવાર થોડાં ચેન્જિસ વિશે હું જાણી શકું તો મેં સાંભળ્યું છે કે સિરિયલમાં લીપ આવે છે. મારી ઉંમર કેટલી થઇ જશે ? પચાસ કે પાંસઠ ?’

ટીખળી કરતી હોય એમ સલોની બોલી, પણ આશુતોષે એ પ્રશ્નની પાછળ રહેલી ગંભીરતા બરાબર પકડી પાડી.

‘આશુતોષ, લીપ પાંચ - સાત વર્ષની હોય તો ઠીક છે. દસ - વીસ વર્ષની હોય તો પ્રેબ્લેમ થશે. યુ નો, આઇ કાન્ટ પ્લે, રાધર ડોન્ટ વોન્ટ ટુ પ્લે મિડલ એડ્જ વુમન કેરેક્ટર....’

સલોનીએ ગંભીર વાત ભારે હળવાશથી કરી દીધી અને આશુતોષ જોતો રહી ગયો. એક જ વાતને સલોનીએ કેટલાય રંગ આપી રજૂ કરી દીધી.

આ બાઇ પણ પૂરેપૂરી ચેપ્ટર છે.

મનોમન બોલ્યો આશુતોષ, એ વિચારી રહ્યો કે જે થાય એ સારા માટે, સારું થયું કે સલોની સાથે પોતાની લવસ્ટોરી શરૂ થાય એ પહેલાં જ ધી એન્ડ થઇ ગઇ. નહીંતર આ મહત્વકાંક્ષી, સ્વાર્થી સ્ત્રી ગર્લફ્રેન્ડ જ બની શકે, એને પત્ની કે પોતાના સંતાનોની માતાનો દરજ્જો હરગિજ ન આપી શકાય.

આશુતોષ આ. શુ.. તો ષ

પોતાના નામના અવનવા ઉચ્ચારો કરી સલોની એનું ધ્યાન ખેંચી રહી છે એ વાત આશુતોષને થોડી ક્ષણ પછી ધ્યાનમાં આવી. આજકાલ મેડમ જરા વધુ પડતાં જ મહેરબાન થઇ રહ્યાં હોવાની વાત આશુતોષ સમજી ન શકે એટલો ભોટ હવે નહોતો રહ્યો.

આવુ કંઇ પહેલી વાર થઇ રહ્યું હતું એવું થોડું હતું ?

આશુતોષને લાગ્યું જાણે એક અજબ કડવાશ દિમાગમાં વ્યાપી રહી છે. પોતે બધું જાણવા છતાં કેટલો અજાણ બની રહ્યો હતો.... ને સલોની ? ફૂટડી-ખૂબસૂરત કાયાને સાથે ગણતરીબાજ મગજ ધરાવતી સલોનીએ એ વાતનો કેટલો લાભ લીધો ને પોતે અત્યાર સુધી આખી પરિસ્થિતિમાં હાથો જ બનતો રહ્યો...

જરૂર પડે ત્યારે અડધી રાત્રે ફોન કર્યા વિના ઘરે એ ટપકી પડતી ને નિર્દોષ મિત્રોમાં હોય એવી ઘનિષ્ઠતા દેખાડીને એ કોઇક ગિવ એન્ડ ટેકની ગેમ રમી જતી. પોતાને હાથો બનાવી તગડો રોલ પડાવી જઇ સલોની પછી દિવસો સુધી ગાયબ થઇ જતી. સેટ પર સામસામે ભટકાઇ જતાં હોવા છતાં તદ્દન નિર્લેપ... જાણે કે એ પ્રોફેશનલ હોય એ રીતે મળતી હળતી.... એક, બે, પાંચ વાર સુધી તો એનું આ વર્તન સ્પષ્ટ પણ નહોતું થયું, પરંતુ હવે ? હવે આંખ ખોલીને દુનિયાને જોતાં જ નહીં, સમજવાની સંજયદ્રષ્ટિ પણ મેઘાના સહવાસમાં આશુતોષે કેળવવા માંડી હતી.

આ વખતે સલોનીનું બદલાયેલું વર્તન પોતાને પીગળાવી શકવાનું નહોતું એવું અનુભવાતાં જ આશુતોષને લાગ્યું કે હ્રદય પરથી કંઇક વજનદાર ચીજ ખસી ગઇ છે, પણ્ર એક વાત તો નક્કી હતી - સલોનીનું આ વર્તન જ કહી દેતું હતું કે કંઇક વાત તો જરૂર છે, ક્યાં તો સલોની અને ગૌતમ વચ્ચે કોઇક દરાર પડી ચૂકી છે અને જો ન પડી હોય તો એ પડવાની શરૂઆત તો જરૂર થઇ ચૂકી છે અને કદાચ એટલે જ ગૌતમ સાથેના એના સંબંધના અંતના આરંભનો અંજામ બીજી દિશામાં વળી જાય એવા કોઇ પ્રયાસ સલોની કરી રહી હતી. એ ફરી એક વાર પેલી ઉષ્માભરી દોસ્તીને પુન:જીવિત કરવાનો પ્રયાસ શક્ય છે. સલોની એના તૂટેલા સંબંધની મલમપટ્ટી કરવા એના હુંફાળા એકાંતનો આશરો લેશે, જેનો ઉપયોગ એણે અગાઉ માત્ર સફળતાની સીડીની જેમ કર્યો હતો

આશુતોષે આ વિચારમાં માથું ધુણાવ્યું :

ના, હવે એ હરગિજ શક્ય નહોતું કારણ કે સલોનીને ફરી આવકારવી એટલે મેઘાને સદા માટે ગુમાવવી.

જાણે મનોમન થયેલા આ સંવાદ પછી કોઇ નક્કર નિર્ણય લઇ લીધો હોય એમ આશુતોષે મેકઅપ રૂમની બહાર પગલું મૂક્યું ને સલોની પોતાનું તીર નિશાન પર લાગ્યું કે નહીં એ જાણવાનો નાકામ પ્રયાસ પડતો મૂકી પોતાની સ્ક્રીપ્ટ વાંચવા માંડી.

સરખું હિન્દી લખી - વાંચી ન શકતા એવા અભણ સ્ક્રીપ્ટ – રાઇટરે રોમન-અંગ્રેજી લિપિમાં લખેલાં ડાયલોગ્ઝ સલોનીએ યાદ કરવા માડ્યાં :

ન મૈં કભી આપ પર બોજ બનુંગી, ન મેરા આનેવાલા બચ્ચા... હાં,... આપ તો કભી નહીં ચાહોગે કિ યે નન્હીં જાન ઇસ જહાં મેં સાંસ લે.... પર વો આયેગા.... મૈં લાઉંગી ઉસકો ઇસ જહાં મેં, ઉસકો દુનિયા કી કોઇ તાકત નહીં રોક પાયેગી... આપ ભી અપની તાકત આજમા કે દેખ લેના

કુંવારી માતાનો રોલ જેટલો બળકટ હતો એટલો જ કલરફુલ હતો. અચાનક જ સલોનીને આ રોલ ગમવા માંડ્યો હતો. બે દિવસ પૂર્વે આ જ ડાયલોગ વાંચીને એમાં રહેલી નાટકીયતા પર સલોનીને હસવું આવી ગયેલું એ જ ડાયલોગ અચાનક સલોનીને આજે - સ્પર્શવા લાગ્યા હતાં.

આખરે કેરેક્ટરમાં દમ હતો. આ જ ડાયલોગને જો ગહેરાઇથી શુટ કરવામાં આવે તો એના કેરેક્ટરને ઓડિયન્સની જબરજસ્ત સહાનુભૂતિ મળી જવાની એટલે ટીઆરપીમાં ઉછાળો ને એનાથી કદાચ લીપને રોકી તો ન શકાય, પણ કેરેક્ટરને મારી પણ ન શકાય!

ડાયલોગ્ઝની ગોખણપટ્ટી સાથે સાથે સલોનીના મગજમાં આ તમામ પરિસ્થિતિનાં સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર થઇ રહ્યાં હતાં.

‘સુઝી... આઇ એમ રેડી ટુ ફેસ ધ વલ્ડૅ...’

સલોની ઊભા થતાં આયનામાં પોતાના પ્રતિબિંબને તાકી રહેતા બોલી ઊઠી...

સુઝી જરા સ્તબ્ધ રહી ગઇ. છેલ્લાં થોડાં દિવસથી મેડમનું બદલાયેલું વર્તન એને માટે વિસ્મયનું કારણ બની રહ્યું હતું.

* * *

બપોરના સાડા અગિયારથી કાર્યરત યુનિટ્ને ત્રણેક વાગે એક બ્રેક આપવો જરૂરી હતો.

‘એક બ્રેક આપી દે, કલાકમાં પાછું શરૂ કરીએ’

સેટ પર આવીને સિદ્દીકીએ પહેલી સૂચના આપી. એનો વિચાર કદાચ એવો હતો કે જો આ રીતે સલોનીનો પરફોર્મન્સ રહ્યો તો એક મેગા એપિસોડ્વાળી વાત શક્ય બને ખરી, જેને માટે ચેનલહેડ ત્રણ-ચાર વાર તાકીદ કરી ચૂક્યા હતા.

લાગતું હતું કે બધું જ એકદમ સરળતાથી આટોપાઇ જશે. ત્યાં તો સ્પોટબોય દોડતો આવ્યો :

‘સા’બ, પ્રોબ્લેમ હો ગયા. સલોની મેમ બેહોશ હો ગઇ !’

‘અબે, ક્યાં બાત નિકાલે જા રહા હૈ...’ સિદ્દીકીના હાથમાંથી ચાનો ગ્લાસ છૂટતાં બચ્યો. બીજી જ ક્ષણે સિદ્દીકી છલાંગ મારતો ઊભો થઇ ગ્રીનરૂમની દિશામાં ઘસ્યો.

ઇન્ટેન્સ સીનમાં લોચો પડ્યો તો ?

પોતાની જ અટકળ સિદ્દીકીને થથરાવી મૂકવા પૂરતી હતી. ગ્રીન રૂમમાં સલોનીને કાઉચ પર સુવાડી સુઝી ભીનું ટીશ્યુ એના ચહેરા પર હળવેકથી ફેરવી રહી હતી.

રૂમમાં થઇ ગયેલા જમાવડાને કારણે ફૂલ બ્લાસ્ટ એરકન્ડિશનની ઠંડક પણ જાણે ઓછી પડી રહી હતી.

‘અરે ! કોઇ ડોક્ટર કો બુલાવ.... ” સિદ્દીકી અકળાયેલો હતો :

‘અરે, ઇધર કોઇ તમાશા હો રહા હૈ ક્યાં ? જાવ સબ અપના કામ કરો....’

સિદ્દીકીને ડર સલોનીની તબિયત કરતાં પોતાની સિરિયલનો એપિસોડ એર ન થાય તો ? એ હતો.

‘સર, ઉન્કે મેઇન શોટ્સ હો ગયે હૈ, સ્ક્રીપ્ટમેં થોડાં ચેન્જિસ કર કે ફાઇનલ કર દેતા હું....’ સિદ્દીકીના સિનિયર આસિસ્ટન્ટ ચૌધરીએ હળવાશ થાય એમ ધરપત આપતાં કહ્યું.

અને ખરેખર એ બે વાક્યથી સિદ્દીકીનું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં આવ્યું હોય એમ એનો ચહેરો થોડો ખીલ્યો.

સલોનીની આંખો બંધ હતી, પણ લાગી રહ્યું હતું કે જાણે એ આ ભજવાઇ રહેલો તમાશો પામી શકતી હતી.

‘ડોક્ટર આ રહે હૈ ?’ સિદ્દીકીએ ફરીને સુઝીને પૂછ્યું.

‘ડોક્ટર આનંદ અહીં આવવા નીકળી ચૂક્યા છે.’ સુઝીએ ધરપત આપતાં કહ્યું.

સિદ્દીકી અને ચૌધરીએ ત્યાં જ બેઠાં બેઠાં સિરિયલના સાઇડ કેરેક્ટરને હાઇલાઇટ કરી થોડાં દિવસ કઇ રીતે મેનેજ કરી શકાય એની સ્ટ્રેટેજી બનાવતા હતા ને ડો. આનંદનું આગમન થયું.

‘કેન યુ પ્લીઝ વેઇટ આઉટસાઇડ ?’

સૌમ્યભાષી ડો. આનંદે સિદ્દીકી અને ચૌધરીને નમ્ર ભાષામાં બહાર જવાનો આદેશ આપી દીધો. ખરેખર તો એની જ તાકમાં હતાં એ બંને... ડો. આનંદની આજ્ઞા માનતા હોય એમ બંને બહાર નીકળતાં સુઝીને તાકીદ કરતા ગયા :

‘ડોક્ટર સાહેબ એક્ઝામિન કરી લે પછી બોલાવી લેજો...’

‘સલોની. સલોની’

ડો. આનંદ સલોનીના ગાલ પર હળવેકથી ટપલી મારી એને પૂછી રહ્યા હતાં. મુંબઇ આવી ત્યારથી, સ્ટ્રગલર હતી ત્યારે પણ ડો. આનંદે ક્યારેક સલોનીની સાથે ગરીબ મધ્યમવર્ગી પેશન્ટ સાથે સામાન્યપણે કરવામાં આવતો વ્યવહાર નહોતો કર્યો. ટેલિવિઝનની સ્ટાર બની ગઇ ત્યારે પણ ડો. આનંદનો વ્યવહાર તો એવો જ રહ્યો હતો. કદાચ આ જ ખૂબી હતી ડોક્ટરના વ્યક્તિત્વની.

‘શું થયું’ તું ? હવે કેવું લાગે છે ?’ ડોકટર કોઇ બાળકીને પૂછતાં હોય એમ સલોનીને પૂછ્યું.

સલોની કંઇ પણ બોલવાના બદલે ડો. આનંદનો ચહેરો તાકતી રહી.

‘જો, આમ તો ન ચાલે... યુ નીડ સમ રેસ્ટ, પણ વહેલી તકે આપણે બધા ટેસ્ટ કરાવવા જોઇએ’ ડો. આનંદ બોલ્યા તો પણ સલોનીના ચહેરાના હાવભાવ તો સ્થિર રહ્યાં.

‘સલોની, એક વીકએન્ડ આવે છે, સાથે એક-બે પબ્લિક હોલિ-ડે પણ છે... બહેતર છે, કાલે ને કાલે આપણે બધા ટેસ્ટ કરાવી લઇએ... ઓકે ?’

સલોનીને ઇન્સ્ટન્ટ રાહત મળે એ માટે ડો. આનંદે એક ઇન્જેક્શન તૈયાર કરતાં કહ્યું.

સલોની નાની બાળકીની જેમ માથું ધુણાવીને ડોક્ટરની હા માં હા પરોવતી રહી.

‘ડોક્ટર સા’બ, પેકઅપ કર લેતે હૈ, આજ તો ? ‘સુઝીએ પરિસ્થિતિ પામીને કહ્યું.

સલોનીએ પણ આંખથી જાણે સહમતિ આપી ને સુઝી બહાર સિદ્દીકી અને ચૌધરીને જાણ કરવા ગઇ.

વહેલું પેકઅપ કરીને સલોની જ્યારે કારમાં બેસવા જઇ રહી હતી ત્યારે જ કોઇક ફ્લેશનો ચમકારો થયો. કોઇ ખણખોદિયો, ગોસિપ પત્રકાર - ફોટોગ્રાફર જ હશે એવો સલોનીએ તર્ક કર્યો, જે વાત તર્ક નહીં નક્કર હકીકત હતી.

બીજી સવારે પોતાના બેડરૂમની ફ્રેન્ચ વિન્ડોઝ પાસે બનાવેલી બેઠક પર કોફીની ચૂસકી સાથે સલોની એક અખબારના સમાચારની લહેજત લેતી રહી.

સ્કૂપભૂખ્યા ટેબ્લોઇડ અખબારમાં સલોનીની માંદગીની ન્યૂઝ આઇટમ, કારમાં બેસતી સલોનીની તસવીર સાથે એવી રીતે છપાઇ હતી કે જાણે એ કેન્સરના છેલ્લાં સ્ટેજમાં હોય... !

સમાચારમા જણાવ્યાં પ્રમાણે સલોનીની તબિયત એટલી બધી બગડી હતી કે એને તાત્કાલિક સારવાર માટે વિદેશ લઇ જવાની વિચારણા ચાલી રહી છે !

સલોનીના ચહેરા પર એક નાનકડું સ્મિત રમી ગયું :

હમ્મ, હવે બધું પોતાના પ્લાન પ્રમાણે જ થઇ રહ્યું હતું...

***