Prem - Paryay Jindagi no - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - પર્યાય જીંદગી નો - 3

ખુબજ દુઃખી અમીશ જંગલ તરફ દિશાહીન ચાલવા લાગ્યો, એની વેદના નો પાર ન હતો, એને ખબર જ ન હતી કે એ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે, બસ ચાલવા લાગ્યો. એ ચાલતો રહ્યો બસ ચાલતો રહ્યો અને ક્યાંય અજાણ જગ્યાએ ઠોકર વાગતાં માં ધરતીના ખોળામાં ભોમ કરીને પડ્યો...

હવે આગળ:

પડતાં જ તેને ભાન આવ્યું ને જોયું તો તેની આગળથી એક નદી પસાર થઇ રહી હતી અને એ અજાણતા એક વિશાળ નદીના કિનારે પહોંચી ગયો હતો, દુઃખી અને બેચેન અમીશ તેને કઈ ના સુજતા ત્યાં જ બેસી રહ્યો, રાત્રીની એ નીરવ શાંતિમાં પાણીના વહેવા નો આવાજ જાણે મધુર સંગીત કાને પડતું હોય એમ લાગી રહ્યું હતું, જેટલું મધુર સંગીત હતું એટલુંજ ભયાનક હતું રાત્રીના સમયે એનું ત્યાં બેસી રહેવું, પણ અમીશને આ બંનેનું ભાન ન હતું. એ બસ આખી રાત ત્યાં જ બેસી રહ્યો.

અને આ બાજુ સવાર થઇ સુરજના તાજા કિરણો બારીને પાર કરતા આયેશાના ચેહરા પર પડ્યા ‘ને આયેશા સ્વપ્નની દુનિયા માંથી પાછી ફરતા પોતાની આંખો ચોળતી, રજાઈને આમ ઉછાળતી મસ્ત આળસ ખાતી ઊભી થઇ. સવારનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું, પંખીઓની ચી-ચી, કુહુ-કુહુ ‘ને ટેહૂક-ટેહૂક સાંભળી લાગી રહ્યું હતું, ઈશ્વર જાણે સંગીતની કોઈ મધુર ધૂન વગાડી રહ્યો હોય. બારીથી બહાર નજર કરતાં એવું જ લાગી રહ્યું હતું કે કુદરત કોઈ ચિત્રકાર છે જેણે કોઈ એવું અદ્ભુત ચિત્ર બનાવ્યું છે કે જે જોઇને એમ જ થાય કે બસ જોયા જ કરીએ, બસ જોયા જ કરીએ. એ લીલી છમ ધારા, ‘ને ધરા ઉપર લીલા છમ તરુ, ‘ને એ લીલા તરુઓ પાછળ ડોકાયા કરતો જગતનો પ્રત્યક્ષ નાથ સૂરજ, ખરેખર અકલ્પ્ય, અદ્ભુત! આયેશાને તો કદાચ ખબર પણ નહિ હોય કે આવું દ્રશ્ય છેલ્લે ક્યારે જોયું હશે? ને ખબર પણ ક્યાંથી હોય, જન્મી ત્યારથી એ બિચારી શહેરમાં જ તો ઉછરી છે.

આયેશા બારીમાંથી આ કુદરતી નજરો માણી રહી હતી, ત્યાં જ તો બૂમ આવી “ઓ બહેન ચા લેશો કે કોફી?” ‘ને આયેશા હોશમાં આવી અને જવાબ કર્યો “બે કપ કોફી”, ‘ને એને જોયું તો અમીશ રૂમમાં હાજર ન હતો, એ અમીશને શોધતી રૂમની બાર આવી, અમીશ ઘરમાં પણ ન દેખાયો, આયેશાને નવાઈ લાગી કે કુંભકર્ણ આજે વહેલા નાહ્વા ગયો! એ તો ગજબ જ કહેવાય! એ અમીશના નાહ્વાના વિચાર સાથે તેની સાથે મજાક કરવાના આશયથી બાથરૂમ તરફ જઈ જ રહી હતી કે બાથરૂમ માંથી રઘુવીર નીકળ્યો! હવે? હવે આયેશાને થોડીક ચિંતા થવા લાગી, ટોઇલેટનો દરવાજો ખુલ્લો હતો, બાથરૂમ માંથી રઘુવીર નીકળ્યો.... તો અમીશ?? અમીશ ગયો ક્યાં??? આયેશાએ રઘુવીરને પૂછ્યું “આમીશને જોયો?”

“ના..., એ તો સુતો હશે ને.., બાર તો ક્યાંય જોવામાં નથી આવ્યો.” રઘુવીરે જવાબ કર્યો.

“અચ્છા, હું આ બાજુ જોઉં છું” આયેશા સહજ ભાવે બોલી અને અમીશની શોધ માં આગળ ચાલી,

“સાંભળ આયેશા, એ આટલામાં જ હશે, બહુ દૂર ના જતી, આવું દ્રશ્ય કદાચ પહેલી વાર જોયું હશે એને!” રઘુવીર આટલું કહી ઘરની અંદર તરફ ચાલ્યો ગયો.

‘ને આયેશા અમીશને સાદ આપતી અમીશની શોધ માં જંગલ તરફ થોડેક દૂર સુધી ગઈ. ત્યાં તેને નદી જોઈ, નદી કિનારાનું દ્રશ્ય ખુબજ સુંદર અને મનોરમ્ય હતું. નદીનો એ વિશાળ પટ કોઈ દરિયા કિનારાથી ઓછો ઊતરે એમ ન હતો. પણ આયેશાના મનમાં તો બસ અમીશ જ દોડી રહ્યો હતો, ‘ને આયેશાએ થોડેક દૂર નજર કરી તો નદી કિનારે એક મોટા પથ્થર પર અમીશને બેઠેલો જોયો, અમીશને જોતા જ આયેશાના જીવમાં જીવ આવ્યો, અમીશ નદીને જોઈ પોતાની જાતમાં જાણે નીરવ શાંતિ ની અનુભૂતિ કરી રહ્યો હોય એમ એક ચિત થઇ નદી સામે જોતો પથ્થર પર બેઠો હતો. આયેશા કઈ પણ બોલ્યાં વિના અમીશની નજીક વાળા પથ્થર પર બેસી અમીશને આમ નદી નિહાળતો નિહાળવા લાગી. એ બિચારીને ક્યાં ખબર હતી કે અમીશની હાલની માનસિક પરિસ્થિતિ શું હતી? એ બંને એમ જ ચુપચાપ બેઠા રહ્યા.

અહી આટલા સમય બાદ પણ અમીશ કે આયેશા પરત ન ફરતાં રઘુવીર અને મધુરિમા પણ એમને શોધવા આયેશાની દિશામાં નદી તરફ ચાલ્યા.‌‌ ‍શોધતાં – શોધતાં તેઓ પણ નદી કિનારા સુધી પહોંચી ગયાં, ‘ને અમીશ આયેશાને આમ બેઠેલાં જોઈ એમના મનને પણ શાંતિ વળી. મનનો હાશકારો ખાતાં રઘુવીરે પાસે આવીને અમીશને પૂછ્યું “આવું દ્રશ્ય પહેલી વાર જોતા લાગો છો”.

રઘુવીરનો ઘેરો અવાજ કાને પડતા અમીશની એ અજાણી એકાગ્રતા ભંગ થઇ ‘ને એ ચમકી ગયો અને બોલ્યો “હા, કદાચ પહેલી વાર જ, આ બધું પહેલી જ વાર થયું છે મારી જોડે.”

રઘુવીરે પૂછ્યું “શું?”

“કઈ નહિ, કઈ નહિ, હું તો બસ એમ કહેતો હતો કે આ બધું મેં પહેલી વાર જ જોયું, અથવા તો જોયું હશે ક્યાંય ફોટો માં. અમીશે ખચકાતા સ્વરે કહ્યું.

અમીશના અટકતા સ્વરો સાંભળી રઘુવીરને શંકા તો થઇ પણ ત્યારે એ કઈ બોલ્યો નહીં. બોલ્યો તો બસ એટલું “કોફી તો ગઈ ગટર માં, હવે જમવાનું ય છે કે???”

“તો, ચાલો!” અમીશ ફરીથી દબાયેલા સ્વરે બોલ્યો”

ચારે ય વાતો કરતાં – કરતાં ઘેર પરત ફર્યા, અને થોડાક સમયમાં ડાઈનીંગ ટેબલ વાનગીઓ થી સજાવી દેવાયું. ચારે ય પોતાની જગ્યાએ ગોઠવાયા અને થાળી પીરસવામાં આવી. બધા સ્વાદિષ્ટ વાનગીઓ ની મજા માણી રહ્યા હતા, પણ રઘુવીરથી રહેવાયું નહિ, એ બોલી પડ્યો “અમીશભાઈ, એમ તો મારે ના પૂછવું જોઈએ, પણ મને એમ લાગે છે તમે કઈ મુંજવણમાં છો, શું ખરેખર કઈ છે કે પછી એમ જ? કઈ હોય જો અમારા લાયક તો આમને કહો”

થોડી આનાકાની કરતાં અમીશ જાણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરી રહ્યો હોય એમ બોલ્યો “યાર રઘુવીરભાઈ મારો એક મિત્ર છે, વર્ષો બાદ એનો કોલ આવેલો ગઈ કાલ રાત્રે, મને ‘કે ડોક્ટર ના રીપોર્ટસ આવ્યા, મારી પત્ની માં બની શકે એમ નથી, બિચારો ખુબ જ ડરી ગયેલો ‘ને ઊંડી ચિંતામાં હતો. મને એ નથી સમજાતું કે હું એનો આ પ્રશ્ન દૂર કરવા કેમ કરી મદદ કરું.

“જો ભાઈ પહેલી વાત હું હજુ યુવાન છું, તો ભાઈ નહિ, ખાલી રઘુવીર, બરાબર? અને બીજી વાત, તો આમાં ડરવા જેવું શું છે? એ વિજ્ઞાનનો સહારો લઇ શકે” રઘુવીર બોલ્યો.

“ઓ. કે. રઘુવીર! પણ બધા જ રીપોર્ટસ થઇ ચૂક્યા છે, અને આમાં વિજ્ઞાન પણ કઈ કરી શકે એમ નથી” અમીશે કહ્યું.

“તો આપણે તેને હિમ્મત જ આપી શકીએ?” રઘુવીરે ધીમા સ્વરે જવાબ આપ્યો.

“શું એ બીજા લગ્ન કરી શકે? આ તો એના મમ્મીની એવી ઈચ્છા છે તો..????” અમીશે ફરી પ્રશ્ન કર્યો.

“હા, હા, બિલકુલ કરી શકે, એની પ્રથમ પત્નીની સહમતી હોય તો એ ચોક્કસ બીજા લગ્ન કરી શકે.” રઘુવીરે ફરીથી જવાબ આપ્યો.

વાતો વાતોમાં જમવાનું પરું થઇ જતા મધુરિમા અને આયેશા વાસણ માંજવા બાર ગયાં. અને અમીશ - રઘુવીરની વાતો આમ જ ચાલુ રહી...

અમીશ: “પણ એ સહમતી આપે ખરી?”

રઘુવીર: “એ તો એના પર જ નિર્ભર કરે ને!”

અમીશ: “અને જો એ સહમતી ન આપે તો?”

રઘુવીર: “તો પછી બંને એ મળીને કોઈ ત્રીજો ઉપાય વિચારવો જોઈએ.”

અમીશ: “ત્રીજો ઉપાય? એ તે વળી શું હોઈ શકે?”

રઘુવીર: “શું યાર તમે પણ? આટલા ભણેલા ગણેલા મોટા બીઝનેસમેન થઈને આવા પ્રશ્નો પૂછો છો? ડૉક્ટરે એમ કહ્યું છે કે એની પત્ની માં નથી બની શક્તિ, તમારો મિત્ર બાપ નથી બની શકતો એમ થોડું કહ્યું છે? સેરોગેસી કરી શકાય, બાળક દત્તક લઇ શકાય”

અમીશ: “હા, એ તો છે... પણ એની માં ન માને તો?

રઘુવીર: “યાર તમને બહુ ખબર છે એની માં વિશે!”

અમીશ: “હું એમને બહુ નજીકથી ઓળખું છું એટલે, પણ હશે... જોઈએ, શું થઇ શકે એમ છે?”

એમ બોલતા અમીશે વાતને અહી જ થંભાવી અને વાત બદલી, આમ બીજી ગણી વાતો થઇ બંને વચ્ચે, અને આ બધાની વચ્ચે અમીશ બસ એ જ વિચારી રહ્યો હતો કે, શું એની માં ખરેખર બીજા લગ્ન માટે જ કહેતી હતી? શું બીજા લગ્ન માટે આયેશા માને ખરી? અને જો એ માને તો પણ બીજા લગ્ન કરાય ખરા? આ વિચારો વચ્ચે એ ખુબ જ ગૂંચવાયો હતો, અને એ પોતાના પ્રશ્નો નું સમાધાન એ રઘુવીરના જીવનમાં શોધતો હતો, કદાચ એટલે જ એને પોતાની પ્રશ્નોત્તરી બદલી અને એ વાત શરુ કરી જ રહ્યો હતો ત્યાં બીજી બાજુ આયેશા અને મધુરિમા એ ઘરમાં પ્રવેશ કર્યો.

“તમારા ઘરમાં તમે બે જ છો કે બીજું કોઈ....? મતલબ તમારા બાળકો.... આ તો ઘરમાં બે જણ દેખાયા તો.... મને થયું લાવ પૂછી લઉં, મતલબ શું તમારે કોઈ સંતાન છે?” અમીશ ખચકાતો - ખચકાતો રઘુવીરને પૂછી રહ્યો હતો.”

ત્યાં જ તો રઘુવીર અને મધુરિમા બંનેએ એક સાથે જવાબ આપ્યો, અને જે સાંભળતા જ અમીશ અને આયેશા બંને સ્તબ્ધ રહી ગયાં, અચંબાથી બંનેના મોં ખુલ્લા ના ખુલ્લા રહી ગયાં.

રઘુવીર: “ના.”

મધુરિમા: “હા.” ....

નોંધ:મિત્રો આગળ વાંચવા માટે વધું એક અંકની રાહ જુઓ / ડાઉનલોડ કરો અને વાંચો.

  • આભાર!