Prem - Paryay Jindagi no - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - પર્યાય જીંદગીનો - ૪

“તમારા ઘરમાં તમે બે જ છો કે બીજું કોઈ....? મતલબ તમારા બાળકો.... આ તો ઘરમાં બે જણ દેખાયા તો.... મને થયું લાવ પૂછી લઉં, મતલબ શું તમારે કોઈ સંતાન છે?” અમીશ ખચકાતો - ખચકાતો રઘુવીરને પૂછી રહ્યો હતો.”

ત્યાં જ તો રઘુવીર અને મધુરિમા બંનેએ એક સાથે જવાબ આપ્યો, અને જે સાંભળતા જ અમીશ અને આયેશા બંને સ્તબ્ધ રહી ગયાં, અચંબાથી બંનેના મોં ખુલ્લા ના ખુલ્લા રહી ગયાં.

રઘુવીર: “ના.”

મધુરિમા: “હા.” ....

હવે આગળ:

રઘુવીર અને મધુરિમા બંનેના આ પ્રકારના તદ્દન અલગ અને વિરોધી જવાબ સાંભળી અમીશ અને આયેશા અચંબિત થઇ ગયાં, ખુબ જ અચંબા પૂર્વક બંનેના મોં માંથી એક જ પ્રશ્ન ઉદ્ભવ્યો “શું..?”

રઘુવીર કઈ જવાબ આપવા જઈ રહ્યો હતો, ત્યાં તેને અટકાવતાં મધુરિમા બોલી “હા! હા અમારે એક સંતાન છે, જે તમારા જેટલી જ ઉંમરનો હશે કદાચ, ભણવા ગયો છે. ખુબજ પ્રેમાળ છે અમારો દીકરો.”

રઘુવીરને કંઈક કહેવું હતું કદાચ, કંઈક ચાલી રહ્યું હતું એના મનમાં પણ અંતે એ મૌન જ રહ્યો. કંઈક હતું જે મધુરિમા અમીશ અને આયેશા થી છુપાવી રાખવા ઇચ્છતી હતી. અને “તો, ચાલો હવે જઈએ બાર ક્યાંય?” કહેતા મધુરિમા એ વાત ટાળી.

અને બીજી તરફ અમીશ અને આયેશા એમના ‘હા’ અને ‘ના’ નું રહસ્ય જાણવા ઇચ્છતા હતા, પણ અંતે તેઓ મૌન રહ્યા.

જ્યારે અમીશ પણ પોતાની મુઝવણ કોઈને જણાવવા ઈચ્છતો ન હતો અને એટલે જ તો એ ના ઇચ્છાવા છતાં બધા સાથે જંગલ સફારી માટે ગયો અને ત્યાં બધાએ ખુબ મજા કરી, ‘ને અમીશે મજા માં હોવાનું નાટક કર્યું.

દિવસના અંતે એ લોકો રઘુવીરના ઘરે પરત ફર્યા. અમીશ અને આયેશા એ ત્યાં થોડો આરામ કર્યા બાદ રજાની માંગ કરી, બંને પક્ષે સંબંધો જાણે લાગણીના બંધાઈ ગયાં હોય એમ, મન તો નહોતું વિખૂટાં પડવાનું પણ એમ છતાં ય ચારે ય એક બીજાને મોં હલાવી સહમતી આપી રહ્યા હતા, અંતે જતા – જતા બંને પક્ષ એકબીજા માટેના વિચારો સ્પષ્ટ કરી રહ્યા હતા જેમ કે “તમારી સાથે ખુબ જ મજા આવી”, અને “તમારી યાદ આવશે” જેવા લાગણી ભર્યા વાક્યો કહેવા લાગ્યા, રઘુવીર અને અમીશ બંને એ પોતાના મોબાઇલ નંબર એકબીજાને આપ્યા અને સમયાંતરે ફોન કરવાના વાયદા પણ કર્યા, અમીશે પોતાનું સરનામું આપતાં રઘુવીરને કહ્યું, “તમારે અમારા ઘરે જરૂરથી આવવાનું છે.” અને અંતે બંને યુગલે એકબીજાને લાગણી ભેર વિદાય આપી.

અમીશ અને આયેશા પોતાના આગળના સફર તરફ જઈ રહ્યા હતા, થોડાક કિલોમીટર સુધી બંને બિલકુલ ચુપચાપ રહ્યા, પણ આગળ જતા અમીશે ગાડી ખોટા રસ્તે વાળી, ‘ને તરત જ આયેશાએ તેને રોકતા કહ્યું “અમીશ, આ ખોટો રસ્તો છે, આપણે પેલી તરફ જવાનું છે”,

અમીશે ના પડતા કહ્યું “આજ સાચો રસ્તો છે, આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ”,

“પણ કેમ? શું થયું? બધું બરાબર તો છે ને?” આયેશાએ ચિંતાતુર થઇ પૂછ્યું,

આયેશાની વાત કાપતાં અમીશે જવાબ આપ્યો “હવે મને મન નથી.”

“શું? મન નથી મતલબ? મને પૂછ્યું પણ નહિ?” આયેશા નારાજ થઈને પૂછવા લાગી

“એમાં શું પૂછવાનું?” અમીશે બોલ્યો, હવે અમીશના સ્વરો ધીરે - ધીરે કડકાઈ પકડી રહ્યા હતા,

“આ ખોટું કહેવાય, આમ ના ચાલે અમીશ.” આયેશાએ આમ જ દલીલો ચાલુ રાખી.

‘ને આયેશાની દલીલો ના સાંભળવા ઈચ્છતો અમીશ અચાનક જ ગુસ્સે થઈને બોલ્યો “ચુપચાપ બેસી ‘રે, એક જ વાત કેટલી વાર ‘કે ‘કે કરવાની, એક વાર માં સમજ નથી આવતું?”

આયેશા નવાઈ પામી, આમ તો આગળ ક્યારેય આવું વર્તન નથી કર્યું, તો આજે એવું તો શું થયું કે અમીશ આમ કરે છે? એ જાણવા ખાતર આયેશા એ કહ્યું “ઓ કે, આપણે ઘરે જઈ રહ્યા છીએ, બસ? પણ થયું શું? એ તો કહો.”.

“કઈ નહિ, કહ્યું ને! મન નથી મારું. બીજું કઈ જ નહિ.” અમીશે જવાબ આપ્યો.

અમીશના મનમાં કઈ તો ચાલી રહ્યું છે એવી આયેશાને શંકા થવા લાગી, અને થાય પણ કેમ નહિ, અમીશ વર્તન જ કંઈક એવું કરી રહ્યો હતો, ને આમ જોવા જઈએ તો આયેશાને ખબર ન હતી, પણ એની શંકા તો સાચી જ હતી ને.

આયેશા એ અમીશના મનની વાત જાણવા ઘણા નુસખા વાપરી જોયા, પણ અંતે આયેશાને અમીશનો ગુસ્સો જ મળતો, જવાબ નહિ. આમ છતાં આયેશાએ પ્રયત્નો ચાલુ રાખ્યા, અને દરેક પ્રયત્નને અંતે મળ્યું તો બસ હતાશા જ. અંતે તેને હાર માની અને પોતાની સાસુને ફોન કર્યો એ જણાવવા કે તેઓ ઘરે પાછા આવી રહ્યા છે, બે ત્રણ વાર ફોન લગાડ્યા બાદ સીમાબેને (અમીશના મમ્મી) ફોન ઉપાડ્યો,

“હલો... મમ્મી? જાગો છો કે સૂઈ ગયાં?” આયેશા બોલી.

“ના – ના બેટા જાગીએ છીએ, બોલ, કેમ ચાલે છે તમારો પ્રવાસ?” સીમાબેન રોજ કરતાં થોડા ઢીલા સ્વરે બોલ્યાં,

સીમાબેનનો આમ ઢીલો સ્વર સાંભળી આયેશાની ચિંતા વધી ગઈ, અને તેને એમ લાગવા લાગ્યું કે અહી થી તેને કંઈક માહિતી ચોક્કસ થી મળશે અને આવી આશા સહ આયેશા બોલી “મમ્મી? કઈ થયું છે? મહેરબાની કરીને મને કહો.”

“ના તો, કઈ નથી થયું, પણ તું કેમ આમ પૂછે છે?” સીમાબેન થોડાક ખોખારીને બોલ્યાં.

સીમાબેનનો આમ સ્વસ્થ આવાજ સાંભળી આયેશા એમ માનવા લાગી કે ઘરે બધું બરાબર છે અને તે વાત ને વાળતાં બોલી “બસ એમ જ, તમે આમ ઢીલા સ્વરે બોલી રહ્યા હતા તો મને લાગ્યું કે કઈ હશે.”

“ના, ના, તું કેમ ફોન કર્યો હતો એ કહે.” સીમાબેને પૂછ્યું

“હા, એ તો, અમે ઘરે આવી રહ્યા છીએ, બસ એટલા સમાચાર આપવા જ ફોન કર્યો હતો.” આયેશા એ કહ્યું.

“સારું, આવો, અમે રાહ જોઈ રહ્યા છીએ.” સીમાબેને કહ્યું.

“ના, ના, તમે સૂઈ જજો, અમારે આવતાં મોડું થશે, મેં તો બસ સમાચાર આપવા જ ફોન કરેલો.” આયેશાએ કહ્યું.

થોડી વાર વિચાર્યા પછી સીમાબેન બોલ્યાં “સારું, નિરાતે આવો તમે તારે, ને સવારે ઉતાવળ ના કરતા, શાંતિથી જ જાગ જો, ઓફિસનું તો બધું થઇ જશે, કાલે ઓફિસની છુટ્ટી બંનેની, બરાબર?”

“બરાબર.” કહી આયેશાએ ફોન મૂકી દીધો.

ત્યાર બાદ બંને એ કોઈ એક જગ્યા એ રસ્તા ના કિનારા પર એક ચા ની કીટલી પર કોફી પીધી અને હળવાશ ની પળો માણી, ‘ને ઘર તરફ રવાના થયા.

બંને બહુ મોડી રાતે ઘરે પહોંચ્યા, ઘરમાં બધાં સુતા હતા, જોકે ઘરનો મુખ્ય દરવાજો બાયોમેટ્રિક વાળો હતો, એટલે કોઈને જગાડવાની જરૂર ના પડી, અને બંને ચુપચાપ પોતાના રૂમમાં જઈ સૂઈ ગયાં.

બંને ભરપૂર નિદ્રામાં હતા ‘ને રૂમ નો દરવાજો ખખડવાનો આવાજ આવ્યો, “અમીશ..! ઓ બેટા અમીશ..! આયેશા..” સીમાબેને બાર ઊભા – ઊભા બૂમ પાડી. આ બાજુ આયેશા આંખો ચોળતી ઊભી થઇ અને તેને આંખ ખોલીને જોયું તો દસ વાગી ગયાં હતા. “એ હા મમ્મી.” આયેશાએ જવાબ કર્યો.

“એ જલદી થી તૈયાર થઇ જાઓ બંને ધીરુભાઈ ને ત્યાં જવાનું છે.” સીમાબેને કહ્યું.

“એ હા મમ્મી” આયેશાએ જવાબ આપ્યો.

આ ધીરુભાઈ એટલે સીમાબેન અને કરશનભાઇના એકદમ નજીકના મિત્ર. અને આ કરશનભાઇ એટલે સીમાબેનના પતિ, અમીશના પપ્પા અને આયેશાના સસરા, હા!, ધીરુભાઈ બિચારા પૈસે ટકે મધ્યમ પણ સંસ્કારો ખુબ મેળવેલા અને પરિવારમાં કેળવેલા ય, ધીરુભાઈ અને કરશનભાઇ બંને ભેરુઓ એકબીજાને ખુબ માને.

અને હવે કરશનભાઇ અને પરિવાર તૈયાર થઇ ધીરુભાઈને ત્યાં જવા રવાના થયા, ધીરુભાઈને ત્યાં એમનો ખુબ આદર પૂર્વક સત્કાર થયો, એમની ગરિમા પ્રમાણે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું. અમીશ અને આયેશા પોતાના આગમન નો આટલો તામજામ જોઇને ચોકી જ ગયાં હતા જાણે. એટલામાં જ સીમાબેન બોલ્યાં “ક્યાં છે અમારી થનાર વહુ જરા બાર બોલાવો અમીશ પણ એને જુએ...”

આટલું સાંભળતાં જ અમીશ અને આયેશા બંનેની આંખો એકદમ ફાટી જ ગઈ હતી જાણે, મોં ખુલ્લા રહી ગયાં, આયેશાને તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી, ‘ને આ એક જ પળ માં બિચારીનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું જાણે, પળ ભર માં તો એના મન માં વિચારોનું પુર ઉમટી પડ્યું હતું, અનેકો સવાલો ચાલી રહ્યા હતા, આયેશા જીવનની સૌથી ખરાબ ઘડીઓ માંથી પસાર થઇ રહી હતી....

નોંધ: મિત્રો આગળ વાંચવા માટે વધું એક અંકની રાહ જુઓ / ડાઉનલોડ કરો અને વાંચો.

  • આભાર!