Risan Jack Island - 04 books and stories free download online pdf in Gujarati

રીસન જેક આઈલેન્ડ - ૦૪

રીસન જેક આઇલેન્ડ - 04

(રહસ્યમય રોમાંચક પ્રેમસફર)

રહસ્યમય ધાતુની પેટી વર્ષોના મારથી કાળી પડી ગયેલી જણાતી હતી. કાળની થપાટમાં દળાઈ ગયેલો તેનો સાચો રંગ ઓળખવો શકય નહોતો. ચાર નાના ટાયર ધરાવતી પેટીની સાથે એક મજબૂત સાંકળ જડેલી હતી. પેટીના ઉપરના ઉપસેલા ગોળાકાર ભાગના ખૂણે ફિંગરપ્રિન્ટ રીડર લગાવેલું હતું. ભાર્ગવ આશ્ચર્ય અને આઘાતના મિશ્ર ભાવ સાથે પેટીને જોઈ રહ્યો. તેને સમજમાં નહોતું આવતું કે તેમાં શું હોય શકે છે. કોઈ કિંમતી ખજાનો કે પછી કોઈ ખૂબ જ મહત્વની વસ્તુઓ હશે - એવું અનુમાન લગાવ્યું તેણે. તેને લાગ્યું કે આ પહેલાં પણ તેણે ઘણીવાર આ પેટીનો ઉપયોગ કરેલો છે. તે હંમેશા આ પેટીને ઘરના મુખ્ય ઓરડામાં લાવીને જ ખોલતો એવું પણ તેને યાદ આવ્યું. તેણે પેટીને બંને હાથોથી પકડીને હલાવી જોઈ. પેટી ઘણી વજનદાર હતી. ભાર્ગવ તેને ધક્કો લગાવીને મોટા હોલમાં લઈ ગયો. પેટી જેવી હોલના મધ્ય ભાગમાં ટેબલની આગળ સુધી પહોંચી કે સાંકળ ખેંચાવાની બંધ થઈ ગઈ. પેટી આનાથી વધારે આગળ લઇ જવી શક્ય નહોતી. ભાર્ગવ પેટીની સામે ગોઠણભેર બેસી ગયો. તેણે પેટીના જમણાં ખૂણા પર લગાવેલ ફિંગરપ્રિન્ટ રીડર પર પોતાનો અંગુઠો મુક્યો કે તરત જ પેટી ખુલી ગઈ ! એ આશ્ચર્ય સાથે ખુલી ગયેલી પેટીને જોઈ રહ્યો. જે પેટી બહારથી જૂની લાગતી હતી એ જ પેટી અંદરથી એકદમ નવી નક્કોર અને વ્યવસ્થિત હતી. તેની અંદર રહેલી દરેક વસ્તુ ચુસ્ત રીતે ગોઠવાયેલી હતી. તે એક પછી એક દરેક વસ્તુઓને બહાર કાઢવા લાગ્યો.

એક જાડી ડાયરી, લાલ રીબીન વીંટાળેલો જાડો વાળેલો કાગળ, કાંડા ઘડિયાળ, પ્લાસ્ટિકનાં સેટ્સ સ્ક્વેર અને બીજા ન ઓળખી શકાય તેવાં નવીન પ્રકારના નાના મોટા ધાતુના સાધનો!

"આમાં તો વળી નવું શું છે કે તેને આમ પેટીમાં સંઘરી રાખવાની જરૂરિયાત ઊભી થઈ હશે?" ભાર્ગવ વધારે મૂંઝાયો.

તેણે ડાયરી ઉપાડી અને વાંચવાનું શરૂ કર્યું. તેને સમજાયું કે આ ડાયરી કોઈ સ્થળનાં અનુસંધાનમાં લખવામાં આવી છે. તેમાં ખાસ સૂચનાઓ અને પ્રતીકો પણ દોરેલાં હતાં. તેણે ડાયરીને પેટીમાં પાછી મૂકી દીધી અને રીબીન વીંટાળેલું ગોળાકાર કાગળનું ભૂંગળુ ખોલ્યું.

ઓહ... આ તો નકશો હતો. તેની ઉપર "રીસન જેક આઇલેન્ડ" એવું લખ્યું હતું. અર્થાત આ કોઈ આઇલેન્ડ/ દ્વિપનો નકશો હતો. પણ આટલો વિચિત્ર!? તેનાં પર દર્શાવેલા સ્થળોનાં નામ પરથી લાગતું હતું કે એ કોઈ આઇલેન્ડ નહીં પણ મોતનું દ્વાર હતું. - બ્લ્યૂ હોલ, સ્યુસાઈડ પોઈન્ટ, સાપોનું નગર, પથ્થરોનું જંગલ, ડેથ વેલી, હેવિંગ્સ વોક, રીંગ ઓફ ફાયર, સીબાલો પર્વત અને આજુબાજુ બધે જ જંગલ !!"

"આટલી વિચિત્ર જગ્યા..! અને એ પણ એક આઇલેન્ડ પર ?! " ભાર્ગવના ભવાં અધ્ધર ચઢી ગયાં. તેની પાસે આ નકશો કેવી રીતે અને શા માટે આવ્યો ? વળી તેણે આમ ગુપ્ત રીતે શા માટે સાચવી રાખ્યો ? તેની પાસે એકપણ પ્રશ્નનો જવાબ નહોતો.

તેણે પેટી માંથી ડાયરી કાઢી અને ધ્યાનથી વાંચવા લાગ્યો. આ ડાયરી "રીસન જેક આઇલેન્ડ" વિશે જ લખાયેલી હતી. ડાયરીમાં એક પાનાં પર અલગથી લખેલી નોંધ પર તેનું ધ્યાન અટક્યું :

"ખાસ નોંધ : સુંદરવનનાં ડેલ્ટા પ્રદેશ માંથી દરીયામાં જતું પાણી તણાવ સાથે ફક્ત ઉત્તરથી દક્ષિણ દિશામાં જ વહે છે. આથી સુંદરવનનાં 'હલ્દીમારી' અથવા 'ચાયમારી' પોઇન્ટ પરથી રીસન જેક આઇલેન્ડની પ્લેટ સુધી પહોંચી શકાય છે. પરંતુ એ જ રસ્તે પરત ફરી શકાતું નથી. મતલા નદીનું આ એક માત્ર વહેણ રીસન જેક આઇલેન્ડ સુધી જાય છે. બાકીના તમામ વહેણ બંગાળની ખાડીમાં દફન થઈ જાય છે. આથી "રીસન જેક" સુધી પહોંચવાનો સુરક્ષીત રસ્તો માત્ર મતલા નદીનું વહેણ છે. પણ આ વહેણમાં સફર કરીને રીસન જેક પહોંચવું હોય તો "બ્લ્યૂ હોલ" માંથી ફરજિયાત પસાર થવું પડે છે. બ્લ્યૂ હોલની માયાજાળ માંથી બચવાની રીત પાછળના પાનાં...."

ભાર્ગવે ડાયરી સિવાયની તમામ વસ્તુઓ પેટીમાં ગોઠવી અને પેટી બંધ કરી દિધી. એ ડાયરી લઈને સોફા પર ગોઠવાયો. તેને આવું વાંચવામાં મજા આવી રહી હતી અને સાથોસાથ અજાણ્યો ડર પણ લાગી રહ્યો હતો. રાત પોતાના નશામાં ચૂર હતી. તોફાની પવન પણ શાંત થઈને, પડખું ફેરવીને સૂઈ ગયો હતો. દૂર દૂરથી આવતો કુતરાઓનો ભસવાનો અવાજ ભાર્ગવને યાદ અપાવતો હતો કે એ હજું માનવ વસાહતમાં જ છે. તેનો ડર પીગળ્યો અને ડાયરીમાં દર્શાવેલા રોમાંચક ટાપુ પ્રત્યે આકર્ષણ જન્મ્યું. તે સ્થળ, કાળનું ભાન ભૂલીને બસ વાંચતો જ રહ્યો.

બ્લ્યૂ હોલમાં પાણીનો પ્રવાહ; રીસન જેક આઈલેન્ડના દ્વારપાળ જેવી મહાકાય, આગળની તરફ ઝુકેલી રાક્ષસી દિવાલ કે જેના પર ચઢી શકાય પરંતુ જીવ નાં ભોગ સિવાય ઉતરી ના શકાય; હાઇડ્રોજન સલ્ફાઇડનું ઝેરી તળાવ; ગોલ્ડન લેન્સહેડ સાપોનું ખતરનાક જંગલ; પાંચથી પચાસ ફીટની ઉંચાઈ ધરાવતા શૂળી અને ચપ્પા આકારના ધારદાર પથ્થરોનું જંગલ; મોતની કબર જેવી 'ડેથ વેલી' અને તેના પર રાક્ષસની જેમ પડખાં ફેરવતો જર્જરીત 'હેવિંગ્સ વોક' પુલ; પ્રકૃતિની ક્રુરતાની કસોટી કરતી રીંગ્સ ઓફ ફાયર; સ્વર્ગની અનુભૂતિ કરાવતો સમાધી મગ્ન 'સિબાલો પર્વત' અને એવાં કેટલાંય અજીબોગરીબ હાડ ધ્રુજાવી દેતાં ખતરનાક સ્થળો. દરેક જગ્યાની સચોટ માહિતી અને તેની પ્રતિકૂળ પરિસ્થિતિની ગહન સંશોધનાત્મક નોંધ. સાથોસાથ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બે થી ત્રણ કારગર ઉપાયો. આમ છતાંય એક વાક્ય ભારપૂર્વક લખેલું હતું, - "આ તો પળનો ખેલ છે! "

વાંચતા વાંચતા ભાર્ગવની આંખ ક્યારે લાગી ગઈ એનું એને ભાન જ ના રહ્યું. તેની આંખ ખુલી ત્યારે રૂમમાં તડકો આંટા મારી રહ્યો હતો. તેણે સૌથી પહેલાં ડાયરીને તેનાં સુરક્ષીત સ્થાને મુકવાનું કામ કર્યું. એ સમજી ચુક્યો હતો કે આ ડાયરી તેની પાસે શા માટે છે અને કેવી રીતે આવી. તેને મોટા ભાગના પ્રશ્નોના જવાબ પણ મળી ચુક્યા હતાં. તેના પર હુમલો જ થયો હતો અને એ પણ આ ડાયરી અને નક્શાના લીધે એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું.

ડાયરીને પેટીમાં ગોઠવતી વખતે તેણે તેમાં રહેલી કાંડા ઘડિયાળ નીકાળી અને પોતાના હાથમાં પહેરી લીધી. એ ઘડીયાળ તેને ભવ્યાએ જાતે બનાવીને આપી હતી. હા, એ સ્પેશિયલ ડિઝાઈન કરેલી ઘડીયાળ હતી. તેની ખાસિયત એ હતી કે તે જે તે સ્થળનું સચોટ સ્થાન દર્શાવતી હતી અને 'મોર્સ કોડ' ની મદદથી ગમે તે સ્થળેથી સિગ્નલ મેળવી શકાતા અને મોકલી પણ શકાતા. એ સિવાય પેટીમાં રહેલા બીજા સાધનોના ઉપયોગ વિશે પણ ડાયરીમાં લખેલું હતું.

ભાર્ગવને ખુશ થવું જોઇએ કે દુ:ખી થવું જોઇએ એ જ નહોતું સમજાતું. એ જેમ જેમ તેનાં ભૂતકાળમાં ઉતરતો જતો હતો, તેમ તેમ તેના પર વધારે ખતરાઓ ઘેરો ઘાલતાં જતાં હતાં. તેની સામે હજુ પણ ઘણાં બધાં પ્રશ્નો મોં ફાડીને બેઠા હતા: તેના પર હુમલો કરનાર કોણ હતા? આયુષ અને મોનાર્થ કોણ છે? તેના ઘરમાંથી શેનો અવાજ આવ્યો હતો ? રીસન જેક આઇલેન્ડની ડાયરી ભવ્યાએ લખી હતી. તો એ ક્યાં છે અત્યારે? તેની સાથે કંઈ ખોટું તો નહીં થયું હોય ને!?

ભાર્ગવે આઈલેન્ડનો નકશો ટેબલના ડ્રોઅરમાં સાચવીને મુક્યો. પેટી પેક કરી અને પાણી પીવા માટે કિચન તરફ ગયો. તેણે ડાયરી અને નકશાનું હવે શું કરવું જોઇએ એ વિશે વિચારતો હતો. કેમકે એ સમજી ચૂક્યો હતો કે આ નકશો અને ડાયરી જ્યાં સુધી તેની પાસે છે, ત્યાં સુધી તેનાં પરથી મોતનો છાયો હટવાનો નથી. એ જ્યારે હોલમાં પરત આવ્યો ત્યારે તેણે જોયું કે પેટી એક ઝાટકા સાથે લેબવાળા હોલ તરફ ખેંચાઈ. "ધડામ...!!" -અને લેબનું તળિયું પેટીને ગળી ગયું. ગઈકાલે સાંજે આવ્યો હતો એ જ અવાજ! અને તે જ સમયે ડૉરબેલનો અવાજ સંભળાયો....

(રીસન જેક આઈલેન્ડનો નકશો મારી ફેસબુક વોલ પર મુકવામાં આવ્યો છે એ જોઈ લેવો. તેમાં પ્રવાસનો માર્ગ દર્શાવેલો નથી. સંભવિત બે માર્ગ જરુર પડ્યે રજૂ કરીશ. બાકી તો કથાના પાત્રો જાતે જ માર્ગ પસંદ કરશે. વાચકમિત્રોના સલાહ સુચનો સદાય આવકાર્ય...... આભાર...)

(ક્રમશ:....)

લેખક: ભાવિક એસ. રાદડિયા