Ek ramat ramiae sahune aapne gamiae books and stories free download online pdf in Gujarati

એક રમત રમીએ.. સહુને આપણે ગમીએ

નિવૃત થયા પછી

(૨૧)

એક રમત રમીએ.. સહુને આપણે ગમીએ…!!!

વિજય શાહ

જે રામ કાકા અને લલી કાકી વચ્ચે પાકો દસ વર્ષ નો ફેર. વળી લીલા કાકી બીજી ફેરનાં એટલે નજરું માં જ હેત છલકે. વર્તનમાં તો સંયમ છલકે. ખાસ તો લલીકાકી રસોડું કરતા હોય ત્યારે અંદરનાં રૂમમાં હીચકે ઝુલતા જેરામ કાકાને લલીકાકી ચાનો કપ ધરે ત્યારે હસુ હસુ થતી આંખમાં અમિ છલકાય.ચા થોડો સમય હીંચકે ઠંડી થાય અને મીઠા સબકારે પ્યાલો ખાલી થાય ત્યાં સુધી લલીકાકીની ચાનો સ્વાદ મણાય. છેલ્લે ઘુંટડે ટહુકો થાય ચા તો અદ્દલ ઘુંટાઇ છે. મઝા આવી ગઈ! બેબી.

પહેલા સંતાનમાં “બેબી” એટલે બંને જણા એક મેકને “બેબી” કહેતા.આમતો થોડુ અજુગતું લાગતુ પણ એ બેબી ટહુકારે એમની બપોર શણગારાતી.

આ લખાતુ હતુ ત્યારે જેરામ કાકા ૮૦નાં અને લલીકાકી ૭૦ના. દેખીતી રીતેજ તબિયત તો બંનેની સારી અને નિયમિતતા જબર જસ્ત. વસ્તાર મોટો પણ સૌના ઘરો એક જ ડેલીમાં એટલે સાંજે ભજનો જામે. જેરામ કાકા બધાને અવનવી વાતો કરે અને જે અકળાય તેની અકળામણ દુર કરવા એંમના અનુભવ ખજાનામાં થી રોજ નવી વાર્તા નીકળતી. તેઓ પાંચેય દીકરાઓની વહુનેઓ કહેતા.. મારે નસીબે દીકરી આવીજ નહીં..તેથી પ્રભુએ મને પાંચ દીકરીઓ જેવી વહુઓ આપીછે. તેઓને મારા ઘરમાં આવતાની સાથે એક ભેટ અપાય છે અને તે તેમનું ” ઇન લોનું “પદ છીનવી લેવાય છે અને એકલી ડોટર બનાવી દેવાય છે. સસરા તરીકે કોઇ આમાન્યા નહીં પણ બાપ તરીકેના એકલા લાડ અને દુલાર જ મળશે.

પણ જુદા જુદા ઘરેથી જુદા જુદા સંસ્કારો લઈને આવેલી વહુઆરુઓ એમ કંઈ દીકરી થાય? વળી આતો ભણેલી ગણેલી અને કમાતી ધમાતી. એટલે જેરામ કાકા અને લલી કાકીને નવી શાળામાં દાખલ થયેલા તોફાની છોકરાઓને સાચવવા જેવું થયું. વળી પોતાના સંતાનોને તો વહાલથી કે આંખ કાઢીને સમજાવી શકાય પણ પાંચ વહુ ઓ અને એક પછી એક કલ્લોલતાંને હસતાં પૌત્ર અને પૌત્રીઓને જણતી…નિવૃત્ત થયા પછી થોડા લાંબા સમયે આ તબક્કો આવેલ તેથી લલી કાકી થાકી જતી.

પાંચેય દંપતિને સાથે બેસાડીને જેરામ કાકાએ એક દિવસ ભાગલા પાડ્યા. સોમવારે મોટાનાં ઘરે રહેવાનું.. મંગળ વારે તેનાથી નાનાને ઘરે જવાનું બુધવારે તેનાથી નાનાને ત્યાં જવાનું એમ શુક્રવાર સુધી બધાની ખબર રાખીને શનીવાર લલીનો ને રવીવાર અમારો.ભગવાન નો દિવસ.

પુરા દસ વર્ષ અને એક પછી એક દસ પૌત્ર અને પૌત્રીઓનું લાલન પાલન માં થી મુક્તિ જેરામ કાકા અને લલી કાકી ને જ્યારે મળી ત્યારે તેમની લીલી વાડી હરી ભરી હતી. ક્યારેક હસતા હસતા જેરામ કાકા લલી કાકીને કહેતા ૧૪ વર્ષથી મારે ત્યાં આવી છે..૫૫ વર્ષોમાં મારૂં કેટલું ખાઈ ગઈ? હિસાબ કર્યોછે?

લલી કાકી કહે તમારી વાડીમાં કેટલા છોરાં છૈયા ઉછેરીને આપ્યા છે તેનો હિસાબ કરો ત્યારે ખબર પડે મેંં જેટલું ખાધું છે તેના કરતા વધુ વાળ્યુ છે. વળી તમે તો નિવૃત્ત થઈ શક્યા છો પણ અમારે તો છેલ્લાં શ્વાસ સુધી કામ અને કામ. લલીબા કહે “ચાલો એક રમત રમીએ આપણે સહુને ગમીયે”

ચાલ ને એક રમત રમીએમિત્રો તો ખરા જદુશ્મન ને પણ ગમીએ…

ભૂલ તો થાય સહુ થીઆપણી ભૂલ પરનિઃસંકોચ નમીએ….

મુસીબત ને માત કરવાસામી છાતીએસામા પ્રવાહ એ તરીએ….

જીવન જીવવું છે ?ચાલ તો પછીમિત્રો સાથે ભમીએ….

થોડી કાળજી જરૂરી છેશરીર સારું રાખવાઘરનું ભોજન જમીએ….

મીઠા સંબંધ રાખવો છે ?દિલ ચોખ્ખું ચણાક નેજીભે સાકાર મૂકીએ….

ચાલ એક રમત રમીએસહુને આપણે ગમીએ…!!!

અજ્ઞાત

(ઈલા ભટ્ટ દ્વારા મળેલ વોટ્સ અપ સંદેશો)

મોટી વહુ ક્યારેક ગમ્મતમાં કહે. બા. મારી તો તાકત જ નહીં આટલો મોટો વસ્તાર જાળવવાનો.

લલીબા કહે “પંડનું લોહી અને તેમની સુખાકારી માટે કરાતા કામનો કોઇ ભાર જ નહીં. વળી એમના જેવો રક્ષક હોય ત્યારે મજાલ છે કે ઘરમાં તારું અને મારું આવે. ઘરનાં મોભીઓનું કામ છે ઘરની મુઠ્ઠિઓ બંધ રાખવાની.”

જેરામ ભાઇ ત્યારે બોલ્યા “ખરું રોકાણ તો આ નવી પેઢી છે. અમારા માબાપે અમને ઉછેર્યા, ભણતર આપીને જીવન જીવવા જેવું બનાવ્યું. એમનો એ ઉપકાર અમે અમારા વંશજોને ઉછેરી પુરો કરીયે છીએ. વળી ત્રણ ફેક્ટરી અમે બાંધતા શીખવી. મગજમાં આઇસ ફેક્ટરી..જીભમાં સુગર ફેક્ટરી અને દિલ ચોખ્ખું ચણાંક એટલે મિત્રો વધુ અને ગેરસમજણો નહીંવત.”

નિવૃતજીવન માટે કદીક લલીબા કહેતા જીંદગી ભર કામ કરવું અને ગમતું કામ કરવું એ બે વાત જુદી છે. પૌત્રોમાં મને મારુંં કે મારાસંતાનોનું લોહી દેખાય ત્યારે તેમનો ઉછેર કરવો તે આનંદ પ્રદ બને..પણ તેમાં વહુ કે જમાઇનું લોહી દેખાય તો તે કંટાળા જનક બની જાય.બસ એમજ પાછલી ઉંમર સહ્ય બનાવવી હોય તો નદી નાવ અને સંજોગો અનુસાર આજમાં રહેતા થઈ જવું એ ઉત્તમ ઘટના છે.

જ્યાં જ્યાં મારો ભૂતકાળ આવે ત્યાં ત્યાં આજ સાથે નો સંઘર્ષ આવે જ. ભૂતકાળ તો ગાડીનાં રીવર્સ મીરર જેટ્લો નાનો હોવો જોઇએ અને તેની જરૂરિયાત ક્યારેક જ હોય જ્યારે વર્તમાન કાળ ફ્રંટ વીંડ શીલ્ડ જેટલો મોટો હોવો જોઇએ અને સતત જોતા રહેવું જોઇએ.

જેરામભાઇ ને ઘર આખુ માન આપે લલીબાને ઘર આખુ વહાલ કરે કારણ તો સ્પષ્ટ છે તેઓએ સંસારમાં કરવાનાં સમયે બધુ કર્યુ અને પોતે જીવેલ જિંદગીનાં આધારે સૌને એક વાત સ્પષ્ટ શીખવાડી જેમ ઉંંમર વધે તેમ સૌને આપતા રહો. વર્ષોથી ભેગું કરેલ જ્ઞાન, અનુભવ, પૈસો અને વહાલ જેમ વહેંચશો તેમ આદર, માન અને સદભાવ વધશે જ.

પાછલી ઉંમરે આ આદર અને સદભાવ જ તમને શાંતિ અને તૃપ્તતા આપે છે. ક્યારેક ઉંમર તબિયત અને થાકનો અહેસાસ થાય પણ પૌત્ર અને પૌત્રીનાં સન્માને તે થાક શમી જતો હોય છે.

જેરામ બાપાનાં ગુણોનો ગુણાવાદ કરતા નાના દીકરાનાં સૌથી નાના દીકરા એ કહ્યું કે દાદા એ કદી પૈસો ભેગો કર્યો નથી પણ તેમને પૈસાની કદી ખોટ પડી નથી. તેમણે જ અમને શીખવ્યું કે હકારે જીવવું, આશાવાદી રહેવું, થાયતો દિલને ચોખ્ખુ રાખવું, કદીક ઘસાઇ છુટવું અને સાદું જીવવું અને આજમાં જીવવું. વૈષ્ણવજન જે રીતે જીવે તે રીતે જીવવું અને પોતાના વર્તન દ્વારા સંસ્કારોનું વહન તેમણે કર્યુ.

જેરામ કાકાએ જ્યારે દેહ છોડ્યો ત્યાર પછી મહીનાનાં ટૂંકા ગાળામાં લલીકાકીએ પણ દેહ છોડ્યો.

ચાલ એક રમત રમીએ સહુને આપણે ગમીએ…!!!

સીધી સરળ અને યાદ રહે તેવી રમત આપણે રમીયે

આપણી પાસે હોય તે આપીયે અને પાછુ કદી ના માગીએ…

ભુલ થાય તો નમીએ, માફી માગીયે.

સૌને આપીયે આદર માન, સન્માન અને સહુને આપણે ગમીએ

***