Ane hu C.A. bani gayo books and stories free download online pdf in Gujarati

અને હું C.A.બની ગયો.!!!

અને હું C. A. બની ગયો.. !!!

“મેહુલ તું ડિપ્લોમાં ફાર્મસી કરી લે”મારા રાજકોટવાળા અંકલે સલાહ આપી. મારા અંકલના પાપાને ગવર્મેન્ટ જોબ હતી જેણે ફાર્મસીનો કોર્સ કરેલો હતો, મારે દસમાં ધોરણમાં ડિસ્ટ્રીકશન આવ્યું હતું એટલે મારા પાપા મારા ભવિષ્યની ચિંતા કરતા હતા.

ઘણાબધા શિક્ષકોની સલાહ લીધી, કોઈએ સાયન્સ લેવા સલાહ આપી તો કોઈએ ડિપ્લોમાં કરવા સલાહ આપી અરે કોઈએ તો દસમાં ધોરણ પછી જ Gpscની તૈયારી કરવા કહ્યું, મારા પાપાએ ડિપ્લોમાં ફાર્મસીમાં મારું એડમિશન કરવા મને મનાવ્યો, હવે પંદર વર્ષના છોકરાને ત્યારે કેરિયરની શું ખબર હોય??, એતો પોતાની જ ધૂનમાં રમતો હોય છે, મેં પણ મારા પપ્પાના નિર્ણયને સરઆંખો પર લઈ વધાવી લીધો.

એડમિશનની તૈયારી થવા લાગી, સાત દિવસની જદ્દો મહેનત પછી, જાતિનો દાખલો અને નોન્ ક્રિમિલીઅર નિકળ્યું, પોલીસ સ્ટેશનમાંથી હું ગુનેહગાર નહિ તેનું સર્ટિફિકેટ પણ કઢાવ્યું. હવે એક જ કામ પેન્ડિંગમાં હતું, Pnb બેંકમાં ખાતું ખોલાવી ઓનલાઈન ફોર્મ ભરવાનું.

આ સમયગાળા દરમિયાન મારા દાદાની દીકરીની ડિલિવરી ટાઈમ આઠ મહિને આવી ગયો, આચનક આવેલી મુસીબતમાં મારા પાપાએ બીજા આઠ દિવસ દોડાદોડી કરી. બસ અહીંથી જ મારી એજ્યુકેશન લાઈફમાં વળાંક આવ્યો. આઠ દિવસની દોડધામમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પુરી થઈ ગયી અને મારું ફોર્મ ન ભરાયું.

‘હવે કઈ ફિલ્ડમાં આગળ વધવું??, એન્જિનિયરિંગ કરવું, આઈ. ટી. આઈ કરવું કે પછી કોમર્સ??’ દસમાં ધોરણ પછી શું કરવું તેનો એક સેમિનાર હું જે કલાસીસમાં જતો ત્યાં થયો હતો. તે સર કોમર્સના જ કલાસ કરાવતા એટલે તેણે કૉમર્સ પર ભાર મુકતા કહ્યું, “તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોમર્સના સ્ટુડન્ટની જરૂર પડશે, મોટા હોસ્પિટલમાં મેનેજમેન્ટ કોમર્સનો સ્ટુડન્ટ કરતો હશે, કોઈ પણ સંસ્થાનું મેનેજમેન્ટ કોમર્સનો સ્ટુડન્ટ કરતો હશે. ”આવા ઘણાબધા ઉદાહરણથી અમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

બીજી બાજુ એવી વાતો પણ સાંભળવા મળી કે એકવાર C. A. બની જાઓ પછી માત્ર એક સિગ્નેચર કરવાના લાખ-દોઢ લાખ રૂપિયા મળે, હવે આવી વાતો પંદર વર્ષના બાળકોને કહો તો કેમ પ્રોત્સાહિત ન થાય? બસ વિચારી લીધું કોમર્સ જ કરવું છે. તેમાં મારા સારા નસીબે જોર કર્યું, જે કલાસસીમાં હું ગયો ત્યાં એકાઉન્ટ ભણાવવા મારા મામા જ આવ્યા જે એકાઉન્ટમાં માસ્ટર હતા, તેણે મને સલાહ આપતા કહ્યું, “કોમર્સનો મતલબ જ એકાઉન્ટ થાય છે, જો તને એકાઉન્ટ ફાવી ગયું તો તું સફળ થઈ જઈશ. ”

પછી તો એકાઉન્ટને હૉબી બનાવી લીધી, આમનોંધ, ખાતા, ખતવણી, કાચું અને પાકું સરવૈયું બધું જ શીખી લીધું. પહેલાં જ્યારે મને કંટાળો આવતો ત્યારે હું ક્રિકેટ રમતો, મૂવી જોતો અથવા બીજી કોઈ પ્રવૃત્તિ કરતો પણ જ્યારથી એકાઉન્ટ શિખવા લાગ્યો ત્યારથી જ્યારે પણ કંટાળો આવતો ત્યારે દાખલા ગણવા બેસી જતો. એકાઉન્ટ મને એક રમત જેવું લાગવા લાગ્યું. જે એકાઉન્ટના સ્ટુડન્ટ છે અથવા રહી ચૂક્યા છે તેને નામાંની એક વાત ખબર હશે કે એક હવાલાની બે અસર થાય અને એ અસર એવી રીતે થાય જેથી રકમ સામસામે મળી જાય, ટૂંકમાં બંને બાજુનો સરવાળો એક જ થાય અને આ સરવાળા સુધી પહોંચવાની રમત હું રમવા લાગ્યો.

હવે એ રમતનો નશો એટલી હદ સુધી ચડી ગયો હતો કે બારમાં ધોરણમાં સાત ફૅરબુક અને રફબૂક નવ એમ મળી માત્ર એકાઉન્ટની જ સોળ બુક થઈ હતી. હું કંઈ ભણેશ્વરી નહિ હો પણ એકાઉન્ટ પ્રત્યે લગાવ જ એટલો હતો કે આટલું બધું થઈ ગયું, નક્કી જ કરી લીધું હતું કે એકવાર એક સિગ્નેચારના લાખ રૂપિયા લેવા જ છે. કલાસમાં પણ ટીચર દાખલો ગણાવે તે પહેલાં દાખલો ગણી નાખતો.

ઘણીવાર ઑવરકોન્ફિડન્સ આપણને નિષ્ફળતા અપાવે છે. દિવાળીના વેકેશન પછી મારી સાથે કંઈક આવું જ થવાનું હતું, સ્કૂલમાં જે એકાઉન્ટના મેડમ હતા તેની નજરોમાં પહેલા છ મહિના સુધી મારી છાપ સારા વિદ્યાર્થી તરીકેની હતી પણ દિવાળી પછી હું એકાઉન્ટમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો અને તેથી તેણે મને ટોક્યો, “મેહુલ ઑવરકોન્ફિડન્સમાં ના રહે, હવે નહિ શિખને તો તું એવરેજમાં જ રહી જઈશ. ”

“મેમ, એવું નહિ થાય. ”મેં વિશ્વાસ સાથે કહ્યું.

“અરે પણ તું હવે ધ્યાન જ નહિ આપતો તો કેવી રીતે માર્ક લાવીશ?”મેડમે થોડું ગુસ્સામાં કહ્યું.

“મેમ તમારે એકાઉન્ટમાં કેટલા માર્ક જોઈતા છે એમ કહો ને?”મેં હવે આત્મવિશ્વાસથી કહ્યું.

“જો તારે 90+ આવશે તો મારા તરફથી તને એક ગિફ્ટ મળશે. ”મેડમે કહ્યું.

“મેમ ગિફ્ટ તૈયાર રાખજો. ”આટલું કહું લેક્ચરમાંથી બહાર નીકળી ગયો, હવે મેડમને કોણ સમજાવે હું માત્ર સ્કૂલમાં જ ધ્યાન નહિ આપતો, ક્લાસિસમાં અને ઘરે તો એકાઉન્ટના દેવતાની પૂજા કરું છું.

છેલ્લે આવી બારમાં ધોરણની પરીક્ષા અને પહેલું એકાઉન્ટનું પેપર. મેડમે બેસ્ટ ઑફ લક કહ્યું, ક્લાસિસમાંથી પણ શુભકામનાઓ મળી. કપાળે કંકુનો ચાંલ્લો કરી સૌનું મોં મીઠું કરાવ્યું અને અમે પહેલું પેપર આપવા નીકળી ગયા. મગજમાં ઘણાબધા વિચાર આવતા હતા, એકવાર દસમાં ધોરણની પરીક્ષા આપી દીધી છે તો ભી અત્યારે બેચેની થતી હતી. કલાસમાં પહોંચ્યો ત્યારે હું જરા પણ નર્વસ ન હતો, જ્યારે પેપર વાંચવા આપ્યું ત્યારે હું પૂરેપૂરો નર્વસ થઈ ગયો, હજી તો સિલ ભી નો’તું તોડ્યું, તો પણ આટલી ગભરામણ??

પાંચ મિનિટ માટે આંખો બંધ કરી, માથું બેન્ચ પર ઢાળી દીધું અને ઊંડા શ્વાસ લેવા માંડ્યો. પાંચ મિનિટ પછી જય ભોળાનાથ કરી સિલ તોડ્યું, આજુબાજુ જોયું તો સૌ લખવામાં મગ્ન હતા, મેં પેપર વાંચ્યું જ નહી, મારું એવું માનવું હતું કે જો પહેલેથી જ પૂરું પેપર જોઈ લઈએ તો કદાચ પાછળના પ્રશ્નોના વિચારમાં એક-બે સવાલ ભુલાઈ જાય…એક પછી એક વિભાગ હું લખતો ગયો. બરોબર બે કલાક અને પંચાવન મિનિટે મારું પેપર પૂરું થયું, પાંચ મિનિટમાં પેપર ફરીવાર ચેક કર્યું અને બધું ઠીક લાગતા પેનનું કૅપ બંધ કર્યું.

હું ક્લાસની બહાર નીકળ્યો તો મને એવું લાગ્યું જાણે મને ત્રણ કલાક એક રૂમમાં પુરી રાખ્યો હતો, જેમાં કોઈ બારી ન હતી, બારણું ન હતું અરે પ્રકાશનો પણ અવકાશ ન હતો. હતી તો મારી બે માશૂકા. પેન અને એકાઉન્ટની આન્સરશીટ, જેની સાથે આવા ગૂંગળામણ ભર્યા વાતાવરણમાં પણ ત્રણ કલાક વાતો કરી. બહાર આવી મેં ફરી ઊંડા શ્વાસ લીધા. પેપર કેવું ગયું એ મેટર નહિ કરતું, પેપર પૂરું થયું એ અત્યારે વધુ મેટર કરે.

પછીના છ પેપર સાવ સરળતાથી આપ્યા, કોઈપણ ગૂંગળામણ વિના. તો આ એકાઉન્ટના પેપર સમયે જ કેમ આવું થયું હતું, ત્રણ વર્ષ પહેલાં થયેલા સવાલનો જવાબ અત્યારે મને મળ્યો. તમે તમારા પ્રિય પાત્રને પહેલીવાર ડેટ પર લઈ જાઓ, જ્યારે પહેલા એવી નૉર્મલ વાત જ ના થઇ હોય અને ઓચિંતા લગ્નની વાત થાય તો કેવી મુંઝવણ થાય?, બસ આ જ થયું. મનમાં બધી વાત વિચારી લીધી હતી પણ જ્યારે એ સામે આવી (એકાઉન્ટનું પેપર) ત્યારે હું નર્વસ થઈ ગયો. ઘણા લોકો એવા હોય છે જે મુશ્કેલીમાં જ ઉપર આવતા હોય છે. જેમાં મારું નામ પણ આવી શકે હો.

પરીક્ષા પુરી થયાને બે મહિના પુરા થઈ ગયા, આજકાલમાં રિઝલ્ટ આવવાનું છે તેવી ચર્ચાઓ થવા લાગી અને અંતે રિઝલ્ટની તારીખ આવી ગયી. સવારે આઠ વાગ્યે ઓનલાઈન રિઝલ્ટ મુકાશે તેવી જાહેરાત વાંચી. હું સૂતો અને સવારે છ વાગ્યે મારા દોસ્તનો કૉલ આવ્યો.

“મેહુલ રિઝલ્ટ મુકાઈ ગયું. ”મારા દોસ્તે કહ્યું.

“હે?, શું આવ્યું તારું રિઝલ્ટ?”મેં ઉત્સાહથી પૂછ્યું.

“મારું રિઝલ્ટ તો મેં નહિ જોયું, પહેલા તારું રિઝલ્ટ જોયું. ”મારા બેસ્ટ ફ્રેન્ડે કહ્યું.

“મને નહિ કહેતો હું જાતે જ જોઈ લઉં છું. ”મેં તેને અટકાવતા કહ્યું.

“હા, તું જોઈ લે. ”ઉદાસ હોય તેવા અવાજમાં નિસાસો લેતા તેણે કહ્યું. મારા હૃદયની ધડકન ચુકાઈ ગયી જ્યારે મેં તેનો આ ઉદાસી ભર્યો અવાજ સાંભળ્યો. મારી પાસે ત્યારે નોકિયાનો સાદો કી-પૅઇડ વાળો મોબાઈલ હતો. મેં બ્રાઉસર ઓપન કર્યું અને વેબસાઈટ સર્ચ કરી. મારો નંબર દાખલ કરી અને રિઝલ્ટનું પેઈઝ ઓપન થયું.

75… 79… 76… 75…. 96…. ઓહોહોહો…. આ 96 માર્ક ક્યાં વિષયમાં છે, હવે મને લાગે છે મારે કોઈને કહેવાની જરૂર નહિ કે મારે 96 માર્ક ક્યાં વિષયમાં આવ્યા હશે. હું બેડમાં ઉછળી પડ્યો. દોસ્તને ફોન કર્યો તો તે હસવા લાગ્યો, સવાર સવારમાં મારી સાથે મજાક કરી ગયો.

આઠ વાગ્યે એકાઉન્ટના મેડમનો કૉલ આવ્યો, તેણે જ્યારે 96 માર્ક સાંભળ્યા ત્યારે તેને કદાચ વિશ્વાસ ન થયો એટલે મેં મારો સીટ નંબર આપ્યો અને તેઓએ જાતે જ ચેક કર્યું ત્યારે તેને વિશ્વાસ થયો.

“મેહુલ સ્કૂલે ક્યારે આવે છો, તારું ગિફ્ટ તૈયાર છે. ”મેડમે ખુશ થઈ કહ્યું.

“હા મૅમ, હું રિઝલ્ટ લેવા આવીશ ત્યારે તમને મળીશ. ”મેં કહ્યું.

હું રિઝલ્ટ લેવા ગયો ત્યારે તેના ચરણ સ્પર્શ કર્યા, તેઓએ પર્સમાંથી ₹500 ની નોટ કાઢી અને મને ધરી.

“આ શું છે મૅમ?” મેં પૂછ્યું.

“તારું ગિફ્ટ!!!” તેણે કહ્યું.

“ના મૅમ હું ના લઈ શકું. ”મેં પ્રામાણિકતાથી કહ્યું. (અત્યારે એમ થાય છે, જો લઈ લીધા હોત તો દિવની ટ્રીપ થઈ જાત..;) )

“મેં કહ્યું હતું ને તારે 90+ આવે તો હું ગિફ્ટ આપીશ. ”મેડમે ફોર્સ કર્યું.

“આ ગિફ્ટ તો ના જ કહેવાય ને મૅમ”મેં કહ્યું.

“અત્યારે ગિફ્ટ લેવા માટે સમય નહિ, તું જ કંઈક સારું વસ્તુ લઈ લેજે. ”મેડમે કહ્યું.

“ના મૅમ, આ રૂપિયા બીજે વપરાય જાય તમે કંઈક એવું વસ્તુ આપો જે હું ભવિષ્યમાં પણ યાદ કરું તો મને ખુશી મળે આ ₹500 મારા માટે મહત્વના નહિ. ”મેં કહ્યું.

“બોલ શું જોઈએ તારે?”મેડમે કહ્યું.

મેં બીજીવાર મેડમના ચરણ સ્પર્શ કર્યા અને ડાયલોગ માર્યો, “હું લાઈફમાં ખૂબ આગળ વધુ તેવા આશીર્વાદ આપો મૅમ. ”

મેડમે મારી પીઠ થાબડી, મારું મનોબળ વધ્યું, હવે બારમાં ધોરણ પછી???, કોઈ B. A. કરતા હતા તો B. Com કરતા હતા, અમને એટલું શીખવવામાં આવ્યું હતું કે એકાઉન્ટ એટલે B. Com અને સાહિત્ય એટલે B. A. ;મેં B. Com પસંદ કર્યું, વિચાર એવો હતો કે B. Com પૂરુંને C. A. કરવું અને એટલા માટે જ કૉલેજમાં પણ એ જ એકાઉન્ટની બુક્સને માશૂકા બનાવી લીધી. પહેલા વર્ષની ઇન્ટરનલ એક્ઝામમાં એક નવો વિક્રમ સર્જાયો, 100 માંથી 100….. ઓહોહો…. બધું જ સાચું? કોઈને વિશ્વાસ ન આવે પણ મેં જ્યારે પેપર પૂરું કર્યું ત્યારે જ મને ખબર પડી ગયી હતી કે બધા જ દાખલા સાચા છે અને તેટલા માટે જ મેં મૅમને અગાઉથી જણાવી દીધું હતું. 20 માર્કના પાંચ દાખલા હતા યાર.

હવે આવ્યો ટ્વિસ્ટ, F. Y. B. comની એક્ઝામ લેવાઈ અને તેનું રિઝલ્ટ આવ્યું…. 60… 56… 45… 65… 70.. અને એકાઉન્ટમાં?, એકાઉન્ટમાં માત્ર 51 જ માર્ક?, મારું મનોબળ તૂટી ગયું કારણ કે મહેનત પણ કરી હતી અને પેપર પણ સારું ગયું હતું. હવે તમારું પાત્ર તમે ઇચ્છતા ના હોય તેવું ઉદ્દવંદ વર્તન તમારી સાથે કરે, તો તમેં કેટલા તરછોડાવ?, અથવા કેટલું દુઃખ થાય ?. મારે તો છેલ્લા ત્રણ વર્ષથી આ સંબંધ હતો તો પછી કેમ આવું થયું?

પાછળથી જાણવા મળ્યું કે યુનિવર્સિટીવાળા એવરેજ માર્ક આપે છે. ગમેતેટલી મહેનત કરો વધુ માર્ક નહિ આપે અને સાવ મહેનત નહિ કરો તો પણ પાસ તો કરી જ દેશે. આવી ધારણ રાખી બીજા વર્ષથી એકાઉન્ટના લેકચર પણ બંક કરવાનું શરૂ કર્યું. જોકે તેમાં આ યૌવન પણ જવાબદાર હતું, બહાર ફરવું, દોસ્તો સાથે મસ્તી કરવી, મૂવી જોવા જેવું, પ્રોફેસરને હેરાન કરવા જેવા ઘણાબધા કારણો મને એકાઉન્ટથી દૂર લઈ જવા માટે જવાબદાર હતા.

ભણવામાં ધ્યાન ન હોવા છતાં બીજા વર્ષમાં એકાઉન્ટમાં 70 માર્ક આવ્યા, આતો તેના જ જેવું થયું ને પહેલા તમે તમારા પ્રિય પાત્ર તરફથી તરછોડાયા ત્યારબાદ તમારા અહમને કારણે તમે તેનાથી દૂર થયા અને હવે તે તમને મનાવવાના પ્રયાસ કરે છે. હવે મને વિશ્વાસ થઈ ગયો હતો કે યુનિવર્સિટીમાં આવું જ થાય, જો પ્રોફેસર ચા પીધા બાદ પેપર ચેક કરવા બેઠા હોય તો ખોબે-ખોબે માર્ક આપે અને જો ચા ન મળી હોય તો ચપટી-ચપટી માર્ક આપે.

હવે ફરી મારી માશૂકા મળી ગયી હતી, ફરી તેની સાથે વાતો કરવી, તેના દાખલામાં જ મશગુલ રહેવું મને પસંદ આવવા લાગ્યું હતું.

થોડા દિવસ પહેલાની વાત છે, અમારી ત્રીજા વર્ષની એકઝામને હજી દસ દિવસની વાર છે એટલે બધે ભણવું ભણવું જ થાય છે, હું અને મારો એક દોસ્ત ભાવનગરથી સિહોર તરફ આવી રહ્યા હતા. હું તેને શેરમૂડીના દાખલા સમજાવતો હતો. પેપરમાં કેટલા માર્કના દાખલા અને કેટલા માર્કની થિયરી આવે તે બધું જ સમજાવતો હતો. મારી સામેની સીટમાં એક લૅડી બેઠા હતા, ઉંમર લગભગ 27-28 વર્ષની હશે, તેના હાવભાવ જોતા મને લાગ્યું કે તેઓને અમારી વાતોમાં રસ છે.

મેં મારા દોસ્તને કહ્યું, “સારું છે આપણે સેમેસ્ટરની પદ્ધતિ નહિ નહિતર આ એસ. વાય. વાળાઓની જેમ જ આપણે પણ પ્રોજેક્ટ અને એસાઈમેન્ટના ચક્કરમાં ફસાઈ જાત. ”

“અમે પણ તમારી જેમ જ તૈયારી કરી હતી હો!!” તે લેડી બોલ્યા.

“એટલે તમારે પણ કૉમર્સ હતું” સહજતાથી મેં પૂછી લીધું.

“ના, આર્ટ્સ હતું પણ તમે લોકો જેમ કરો છો તેમ જ અમે કરતા. ”તેણીએ કહ્યું.

“અત્યારે તમે શું કરો છો?” મારા દોસ્તે વાત આગળ ધપાવી.

“ગયા રવિવારે TETની એક્ઝામ આપીને આવી અને હું શિક્ષક છું. ”તેણીએ કહ્યું.

“તમે પહેલેથી જ શિક્ષક બનવા ઈચ્છતા હતા?”મેં પૂછ્યું.

“ના, B. A. પછી મારે M. A. કરીને Ph. d કરવું હતું પણ હવે લગ્ન થઈ ગયા તો શિક્ષક બની ગયી અને જે થાય તે સારા માટે જ થાય, અત્યારે મને મજા આવે છે. ”તેણીના ચહેરાના હાવભાવ પરથી હું તેણીની સંતોષની લાગણી સમજી શકતો હતો, મને પણ લાગ્યું હું કોમર્સની ફિલ્ડમાં આવ્યો તે મારા માટે સારું જ હશે. મેં હકારમાં માથું ધુણાવ્યું.

“તને એકાઉન્ટ સારું ફાવે છે ને?”તેણીએ પૂછ્યું.

“હમમ, થોડો વધારે રસ છે તેમાં. ”મેં કહ્યું.

“તો C. A. કરી લે ને???” છેલ્લા બે વર્ષથી લુપ્ત થયેલો સવાલ ફરી મારી સામે આવ્યો. હું ગુંચવાયો અને કંઈ કહી ના શક્યો.

“મારા ભાઈને પણ કૉમર્સ હતું, 12th પાસ કર્યા પછી ગલત કામમાં ધ્યાન ન જાય એટલે માત્ર કહેવા માટે C. A. કરાવ્યું અને છેલ્લા 5 વર્ષથી તે C. A. છે. ”તેણીએ કહ્યું.

આવું કેમ થતું હશે યાર?, આપણે જે જોઈતું હોય તે મળતું નહિ અને જે મળે છે તે શ્રેષ્ઠ જ હોય છે…. શ્રેષ્ઠ હોય છે કે પછી આપણે માની લઈએ છીએ?, વિચારવા જેવું છે ને.

હવે ફરી C. A. બનવાનું ભૂત ચડ્યું છે, આ ભૂત જૂનાગઢ ના ચાલ્યું જાય તો સારું. જો કે જૂનાગઢ જાય તો વચ્ચે જેતપુર આવે છે, ત્યાં થઈને જાય તો વધુ સારું…હાહાહા…

બસ આવી રીતે પાંચ વર્ષના એકાઉન્ટ સાથેના સંબંધોને સાચવીને બેઠો છું, કોઈએ મને કહ્યું હતું, “સાચું બોલશો તો ક્યારેય સંબંધ નહિ તૂટે. ”મારો આ સંબંધ C. A. બનવા સુધીનો નહિ, ત્યાંથી પણ આગળનો છે. કારણ કે એકાઉન્ટના લીધે મને એક ઓળખ મળી છે. જેમ મારી સ્ટોરીમાં હું મારો પૂરો પ્રયાસ આપું છું તેમ જ એકાઉન્ટ પણ મારો એક હિસ્સો છે.

એ તો વાત રહી એકાઉન્ટની પણ આપણે હજી એક લાખ વાળી સિગ્નેચર કરવાના બાકી છે હો… કોઈને આવી સિગ્નેચર જોવી હોય તો મારો સંપર્ક કરવો…. નામ- C. A. – Mer Mehul (પર્સનલ ડાયરીમાંથી)

***