Tran Laghukathao books and stories free download online pdf in Gujarati

ત્રણ લઘુકથાઓ.

1 - “ડોર બેલ”

મા આજે ખુબ ખુશ ખુશાલ દેખાઈ રહી હતી, તેના બંને દીકરા વિશાલ અને કિરણ એક વર્ષ પછી સાથે બેસીને રાત્રી ભોજન કરતાં કરતાં એક બીજા સાથે હસી હસીને વાતો કરી રહ્યાં હતાં.

ડોરબેલ વાગી, મા સ્મિત કરતી માથા ઉપર સાડલો ચડાવી દરવાજા તરફ જતા બોલી,

“ વિશાલના પપ્પા સવારના ગયેલ આવ્યા લાગે છે.”

પપ્પાએ અંદર આવતા જ વિશાલ અને કિરણને એક સાથે જમવા બેઠેલા જોઇ આશ્ચર્ય સાથે પૂછ્યું ..

“બને વહુ ક્યાં ગઈ?”

માએ હળવું સ્મિત કરતા કહ્યું..

“આજે સવારે બંને પિયર ગઈ છે!”

પપ્પા હળવું હસતા સોફા પર બેસી ટીવી ચાલુ કરતાં બોલ્યાં..

“વાહ રે પ્રભુ તારી માયા અપરંપાર છે! ”

“હવે તમે પણ બે-ચાર દા’ડા ગામના ઓટલા તોડવાનું બંધ રાખજો”

માએ વળતો જવાબ આપતા કહ્યું.

“મારું જમવાનું અહીજ લાવો હું ટીવી જોતા જોતા જમીશ.”

પપ્પાએ દરવાજો ખોલી ડોરબેલનું બટન બંધ કરી ક્રિકેટનું ચેનલ સેટ કરતા કહ્યું.

સમાપ્ત.

***

2 - “હક્ક.”

દરવાજો ખોલતા જ ગૌરીને જોઇને ભાભી ઔપચારિકતાથી બોલ્યા..

“આવો આવો ગૌરીબેન.”

ભાભી રસોડા તરફ જતા જતા સ્વગત બબડ્યા..

”આવી ગઈ મહારાણી, હવે ખબર નહી કેટલા દિવસ રોકાશે?”

ગૌરી તેનો સમાન ઉપાડી ઉપરના બેડરૂમ તરફ જતી રહી, ભાભીએ રમેશને ફોન લગાવી કહ્યું..

“તમારી બેન આવી ગઈ છે. કેટલા દિવસ રોકાવાની છે?”

“અરે હજુ તો આવી છે ને તારું કચકચ ચાલુ થઇ ગયું! દિવાળી વેકેશન કરવા આવી છે, થોડા દિવસમાં ચાલી જશે.”

ભાભી સટાકથી ફોન બંધ કરી રસોડામાં વાસણો ખખડાવવા લાગ્યા.

તહેવારો પુરા થતા ગૌરી સાસરે જતી રહી.

***

ઉનાળુ વેકેશન શરુ થઇ ગયું હતું, આજે ગૌરીબેન આવવાના હતા, ભાભીએ ગૌરીના સ્વાગતમાં શ્રીખંડ,પૂરી શાક, મીઠાઈઓ વગેરે બનાવીને રાખ્યા હતા. ગૌરી એકજ દિવસ માટે આવી હતી કારણ કે આજે ગૌરી ફક્ત તેના પપ્પાની મિલ્કતમાં પોતાનો હક્ક જતો કરવાના કાગળોમાં સહી કરવા આવી હતી..

***

3 - “ભિખારી.”

પાંચ કંપનીના માલિક હર્ષવર્ધન એના બેડરુમમાં સુતા વિચારી રહ્યા. એને એક નવી કંપની ચાલુ કરવા નવા પ્રોજેક્ટ માટે તૈયારી કરી રાખેલી, પણ જે જમીન ઉપર એને એ પ્રોજેક્ટ ચાલુ કરવાનો હતો એ જમીન વિવાદાસ્પદ હતી. જો એ જમીનનો વિવાદ નહી ઉકેલાય તો તેની બધીજ મહેનત પાણીમાં જશે. બેંક મેનેજર સાથે પણ લોન માટે વાટાઘાટો થયેલી, બેંક મેનેજરે લોન આપવા બાહેધરી આપી દીધેલી. એ વિવાદાસ્પદ જમીનનો મુદ્દો ઉકેલી શકે એવો એકજ વ્યક્તિ હતો. એ હતો એના વિસ્તારનો નેતા એમ એલ એ જેની ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ હતી. એ છેલ્લા એક મહિનાથી એ નેતાજીના ઘરે ધક્કા ખાઈ રહ્યા, એમના વચેટીયાઓ મસ મોટી રકમની માંગણી કરી રહ્યા, એજ ચિંતા એને ખાઈ રહી હતી. આજે સવારમાં જ એમને નેતાજીની એપોઇન્ટમેન્ટ મળી હતી. એમના વિચારોમાં ડોરબેલે વિક્ષેપ પાડ્યો. તે રામુ હતો..

રામુ એના ઘરે દૂધ દેવા આવતો, રામુની પત્ની શેઠનું ઘરકામ, રામુની મમ્મી સેઠના ઘરે રસોઈકામ, અને રામુના પપ્પા શેઠની કંપનીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા, છેલ્લા પાંચ વર્ષથી એ પરિવાર ઈમાનદારીથી શેઠ હર્ષવર્ધનની નોકરી કરતું.

“આવ રામુ”

“હોવ સાહેબ”

એટલું કહી રામુ તેના નિત્યક્રમ મુજબ દુધની દોણી રસોડામાં લઈ ગયો અને દૂધ ગરમ કરીને ફ્રીજમાં મૂકી રસોડામાંથી બહાર નીકળતા શેઠને કહ્યું..

“શેઠ આપની થોડી મદદ જોઈતી હતી.”

ત્યાં સેઠના ફોનની રીંગ વાગી અને શેઠ વાતોએ વળગી ગયા. રામુ થોડીવાર ઉભો રહ્યો અને નિરાશ થઇ જતો રહ્યો.

શેઠ ફ્રેશ થઈ નેતાજીના ઘરે પહોંચ્યા, ગેટ ઉપર ચોકીદારે એમને આવકાર આપ્યો, કેમકે શેઠ ઘણા દિવસથી આવતા અને ચાલ્યા જતા, આજે શેઠને એપોઇન્ટમેન્ટ મળી હતી.

શેઠે ડોરબેલનું બટન દબાવ્યું. નેતાજીનો પટ્ટાવાળો દરવાજો ખોલતા જ ઔપચારિક આવકાર આપતા સ્વાગત બબડ્યો..

.”આવી ગયો સાલ્લો ભિખારી.”

“આવ આવ હર્શું બોલ કેમ આવવાનું થયું.” નેતાજી શેઠનું આવવાનું કારણ જાણતા હોવા છતાં નાટકીય ઢબે પૂછ્યું.

“જી સાહેબ પેલી જમીન બાબતે..”

“અરે હા! એજ ને! જો ભાઈ એ જમીન ઘણા સમય પહેલા શ્રી સરકાર થઈ ગયેલી, પણ પેલા ભીમાએ વિપક્ષના નેતા સાથે મળીને ખોટા કાગળિયાં બનાવી અને પોતાના કબજામાં લઇ લીધી છે. એ ભીમા સાથે કાલે વાત કરી તો એ પાંચ કરોડ રૂપિયા માંગે છે, ઉપરાંત જમીનની જે કિંમત થાય છે એ તો તારે અપવી જ પડશે.”

“જી નેતાજી, હું ગોઠવણ કરું છું, તમે ભીમા સાથે મુલાકાત ગોઠવી આપો.”

“અરે મુલાકાત ગોઠવવાની જરૂર નથી, તું પૈસાની વ્યવસ્થા કર, તારું કામ થઇ જશે.”

“જી નેતાજી, “ એટલું કહીને શેઠ ઉભા થતા સ્વાગત બબડ્યા.

“ભિખારી સાલ્લો.”

શેઠ જાણતા હતા કે આ નેતાજી ભૂમાફિયાઓ સાથે ભળેલા છે. તો પણ એને એ રકમ તો આપવી જ પડશે.

શેઠ ઘરે જાય છે ત્યાં રામુ તેની રાહ જોઇને બેઠો હતો..

“શેઠ એક મદદ જોઈએ.”

“કેવી મદદ? અને અત્યારે નહી પ્લીઝ કાલે વાત કરીશું,”

એમ કહીને શેઠ અકળાઈને ઘરમાં જતા રહ્યા. રામુને થયું આજે સેઠનું મુડ નથી કાલે વાત કરીશ.

સતત ત્રણ દિવસ સુધી રામુ શેઠ સાથે વાત કરવા કોશિષ કરી રહ્યો, પણ શેઠ પાસે એક મિનીટ પણ વાત કરવાનો સમય ન હતો..

આજે શેઠ ખુબ ખુસ હતા, કેમકે એ રૂપિયાની વ્યવસ્થા કરીને જમીનનો મુદ્દો ઉકેલી આવ્યા. એમના નવા પ્રોજેક્ટનું ટૂંક સમયમાં ખાતમહુરત થવાનું હતું. આજે રામુ એમના ઘરના ગેટ પાસે રાહ જોઈને ઉભો હતો.

શેઠને ખુશ જોઈને રામુએ એમને ગેટ પાસેજ રોકીને કહ્યું.

“શેઠમેં તમને કાલે વાત કરેલીને? તમારી મદદ જોઈએ.”

શેઠ કારમાં બેઠાબેઠાજ બોલ્યા..

“હા બોલો રામુ શું કામ હતું.?”

રામુએ ખુશ થતા તેના હાથમાં રહેલી થેલી કાઢીને દસ્તાવેજો શેઠને બતાવતા કહ્યું..

“જુઓ શેઠઆ કાગળો, આ મારા બાપદાદાની જમીનના કાગળો છે. કાયદેસર મારા પપ્પા જમીનના માલિક થાય છે. તમારી પેલા નેતાજી સાથે ઓળખાણ છે ને? આ મુદ્દે તમે જરા ભલામણ કરોને! તો મારું કામ થઇ જાય, છેલ્લા એક મહિનાથી મામલતદાર ઓફીસના ધકકા ખાઈ રહ્યો છું પણ મને કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતું.

“શેઠએ વીસ વર્ષ જુના સડી ગયેલા અને ફાટી ગયેલા કાગળોમાં રહેલા સાતબારના ઉતારા, હક્ક પત્રકો અને અન્ય કાગળો ફાટી આંખે જોઈ રહ્યા.

શેઠ કૈંક વિચારીને બોલવા જઈ રહ્યા, ત્યાં એમની વાતમાં વચ્ચે વિક્ષેપ પાડતા એક હૃષ્ટપૃષ્ઠ ભિખારી લઘર વઘર વેશે આવી પહોંચ્યો.

“શેઠ કૈંક આપોને, ત્રણ દિવસથી ખાધું નથી,”

“ચલ હટ સાલ્લા ભિખારી, આગળ જા.”

એટલું કહીને શેઠ રામુ સામે જોતા જવાબ આપવા ગયા ને ફરી પેલ્લો ભિખારી.

“શેઠ કાંઇક આપોને. ત્રણ દિવસથી ખાધું નથી.”

રામુ એ ભિખારીને તિરસ્કારની નજરે જોતો રહ્યો, વિચારતો રહ્યો કે સાલ્લો આટલો તંદુરસ્ત ભિખારી ભીખ માંગે છે! અને એ ભિખારી સતત બોલતો રહ્યો શેઠ કાંઇક આપોને ત્રણ દિવસથી ખાધું નથી..

“ રામુ અત્યારે મારે બીજું કામ છે, અને અત્યારે આપણી વાતોમાં આ ભિખારી વચ્ચે આવે છે. આપણે પછી વાત કરીશું.”

રામુ કાગળો થેલીમાં નાખી પેલ્લા ભિખારીને દસ રૂપિયા આપી તેના ઘર તરફ ચાલતો થયો.

બે દિવસમાં રામુ જમીન કૌભાંડ અને ભુમાંફીયાઓની વિગતે જાણકારી મેળવી આવ્યો.

ત્રીજા દિવસે રામુ શેઠના ઘરે દૂધ આપવા ગયો. ત્યારે શેઠને એકજ વાક્યમાં કહ્યું.

“શેઠ આપની વાત સાચી છે. આપણી વચ્ચે જમીન બાબતે વાતચીતમાં એક નહી પણ ત્રણ ચાર હ્રુષ્ઠપૃષ્ઠ ભીખારીઓ વચ્ચે આવે છે.

સમાપ્ત..