Be Pana - 1 books and stories free download online pdf in Gujarati

બે પાણા

બે પાણા : ડૉ.સાગર અજમેરી

‘બે પાણા’ સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર લખાયેલી નાનકડી વાર્તા છે, જેમાં કાનજી અને લખમીના પ્રેમનું આલેખન છે. સાથે સાથે પરિવારમાં મિલકત માટે રચાતા કાવતરા અને તેના દ્વારા ભેગ બનતા નિર્દોષ જીવની વાત પણ છે. હૃદય કંપાવી મૂકતી ઘટનાને પાનની પીચકારી મરવા જેવી સામાન્ય ગણનારા નિષ્ઠુર સમાજ પર વ્યંગ કરાયો છે. માનવી કરતા તો પથ્થર વધુ લાગણીશીલ તેવી વાત સાથે વાર્તાના કથાનકમાં કેટલાય ‘બે પાણા’ (સૌરાષ્ટ્રની ભાષામાં ‘પાણા’ એટલે પથ્થર) જોવા મળે છે.! વાર્તાની ભાષામાં સૌરાષ્ટ્રની લોકબોલી સ્પર્શે તેવી છે. આપને માટે આ પ્રથમ વાર્તા.... ‘બે પાણા’.

***

બે પાણા

ડૉ.સાગર અજમેરી

બજાર સોંસરવો ‘હેં ...હેં....હેં..’ કરતા કાનજી નીકળ્યો. તેના ફાટેલા કપડાંમાંથી તેના શરીર પર વાગેલા ઘા સાફ દેખાઇ જતા હતા. તેના લઘરવઘર વાળ અને શરીરની વાશથી દૂર ઊભેલી બાઇઓએ પણ મોં આડે સાડલો તાણ્યો, રખેને એની દુર્ગંધ ત્યાં સુધી ઉડી જાય એ બીકથી..! નાનકડા પૂંજાપાદર ગામની બજારમાં જ્યારે જ્યારે કાનજી આમ નીકળે તૈંય હંધાય માટે મફતિયું મનોરંજન થૈ પડે. કૈંક હાટડિયુંવાળા પોતાની હાટડી છોડીને કાનજીની પાછળ બૂમો પાડતા અને દાંત કાઢતા દોડ્યા જાય અને ગામનાં છોકરાઓ તો ‘કાનો ગાંડો...’ની બૂમોથી આખી બજાર ગજવી મૂકે, ને જો કાનજી ખીજાઇ જાય તો સૌ તેને પાણાના ઘા કરી ભગાડી મૂકે..!

ગામામાં હટાણું કરવા આવેલા માસ્તર આ જોઇ દુકાનદારને પૂછ્યા વિના ના રહી શક્યા, “અલ્યા, આ ગાંડીયાની શું વાત છે વળી?” બાજુમાં ઊભેલો કોઇ દાંત કાઢી બોલ્યો, “અરે માસ્તર, આ ગાંડીયાની વાતમાં શું દાટ્યું? ઇના તો આ રોજના નાટક થ્યા.!” મોંમાં ભરેલા પાનના માવાની પીચકારી રસ્તે છાંટી ખભાની ખીંટીએ કડીયાળી ડાંગ ભરાવી એ ભાઇ ઉપડી ગ્યા. આ બાજુ માસ્તરના મનમાં કાનજી વિશે જાણવા કૈંક કૂતુહલ હતુ અને વળી નિશાળ જવા વાર હતી એટલે એ તો ત્યાં જ ઊભા’ર્યા.પેલા હાટડીવાળાએ વાત માંડી, “આ જે કાનજી છે ને માસ્તર, એ પહેલા આવો ગાંડો ના હતો..!”

“તે આ ગાંડો થ્યો કેમનો.?”

“આ કાનજીના બાપાની ઘણી જાગીર, ગામમાં પેલા મેડીબંધ ખોરડા છે ને, ઇ હંધાય આના બાપ દાદાના જ. આ કાનજી ભગતબાપાનો હૌથી નાનો છોકરો, કામકાજ વ્યવહાર હંધાયમાં એક્કો જ..! પણ ઓલુ ક્યે છે ને કે પાચેય આંગળીયુ હરખી નો હોય, ઇમ આ કાનજીના બેવ ભાઇ લખો અને મંગો હાવ હલક્યા જ. કાનજી જેટલો હારો, એટલા જ આ બેવ ગઇગુજરેલા..! આ બંનેમાં દારુ, જુગાર અને કોઇ બદી બાકી નૈ એવા જ, અને આ બંનેના હંધાય કરતૂત ભગતબાપા જાણતા, પણ ‘પેટથી દુનિયા હેઠ’ એમ આમના કાળા કામ છાવરતા..!”

વાતમાં રસ પડતા માસ્તર ધીમેથી હાટડીમાંની ઘઉંની ગુણીઉના ટેકે આડા થ્યા.

“તો પછી આ આટલો હુંશીયાર હતો, તે ગાંડો ક્યમનો થ્યો.?”

“અરે ઇ જ વાત કૌ છું માસ્તર...” બે છોકરાઓને બરણીમાંથી બે ત્રણ ગોળી ટીકડા દૈ તેના છૂટા બે રૂપિયા ગલ્લા પાસેની થાળીમાં નાખતા થયેલા ખખડાટ સાથે વાત આગળ વધારી, “આ કાનજીને બેવ હાથમાં લખમી હતી. એક તો બાપદાદાની મિલકત અને બીજી પશાકુંભારની છોડી લખમી. ગામ આખુંયે આ જાણતા. રોજ ગામના કૂવે જવાના મારગે કાનજી લખમીની નજરુંના છાંટણે ભીંજાવા હાટુ થૈને કલાકો હુધી ગામના પાદરે ટહેલ્યા કરતો..!”

મોંમાં માવાનો ફાકડો મારી ફરી આગળ વાત ધપાવી. “આ કાનજીની સામે લખમી પણ કાંઇ ઊણી ઉતરે એમ ક્યાં હતી.! જાણે રૂપરૂપનો અંબાર જોઇ લ્યો. ઇ કુંભારણ જ્યમ માટીના લોંદાથી ઘાટીલા માટલા ઘડે તેમ ઉપરવાળા કુંભારે આની કાયા ઘડી’તી.! ઇની નજર્યુના એક ઘાથી ભલભલો મરદ મૂંછળો એના પગમાં આળોટવા મજબૂર થૈ જાય.! એના પગમાં પોતાની ઝાંઝરી પેરાવવા ને પોતાના ઘરના પાણીડા ભરાવવા કૈંક જુવાનિયાના સોંણલા હતા, પણ કોઇની હિંમત કે લખમી આગળ કાંઇ બોલે..! આ લખમી અને કાનજી એક બીજાને ખૂબ જ ચાહતા, જાણે એક જીવ ને બે કાયા..!”

મોંથી પીચકારી મારતા વાત આગળ માંડી, “આ કાનજી અને લખમીના હગપણ વિશે ભગતબાપા પણ વિચારતા હતા. આ કાનજી આમ ઠરીઠામ થૈ જાય ઇનું ઓલ્યા બેવ કાળમુખાના પેટમાં તેલ રેડાયું, પણ આ બધાયથી અજાણ એવા કાનજી અને લખમી પોતાની જીંદગીમાં ખૂબ ખુશ હતા. આ ખુશી બવ ના ટકી. અંતે ઇ દિવાળીની કાળી રાત આવી. આ કોર ભગતબાપાએ કાનજી હારે લખમીના લગન માટે હા ભણી. આ આનંદના ખબર ભેળી નવી નક્કોર ચૂંદડી લૈ પોતાના મનની માણીગર લખમીને મળવા કાનજી ખેતરે જવા નીકળ્યો. તેને અધવચ્ચે ઇના ભાઇ મંગાએ રોકી ડાળા પાડવા ઘરેથી ધારીયુ લેવા મોકલ્યો. આ રાતે ડાળા ક્યાં પાડવાના હોય ઇ કાંઇ વિચાર્યા વના કાનજી ભાઇના કામ હાટુ ઘરે ગ્યો. આ કોર એની પાછળ કાનજીની વાટ જોતી લખમીને એકલી ભાળી કપાતર લખાએ ઇના આબરુના લીરેલીરા ઉડાડ્યા. પોતાનો ભવ બચાવવા લખમીએ કૈંક ઉધામા કર્યા, પણ લાકડીબંધ દસેક શિયાળવા હામે આ એકલી પારેવડી કેટલું ટકે.? કાળુ કામ કરી લખાએ જોડે રાખેલ ધારીયાના બે ઘા દેતા જ લખમી ઢગલો થૈ પડી અને પોતાના કાનજીની વાટે ખૂલી આંખે જ મરી પરવારી. આ કોર મંગાને ધારીયુ દૈ પોતાની વહાલસોયી લખમીના આ હાલ જોઇ કાનજી ફાટી પડ્યો. ઇ કાંઇ હમજે ઇ પહેલા જ લખો અને મંગો એના મળતીયા હારે પોલીસ લઇ ત્યાં પૂંગ્યા. પોલીસ લખમીની આબરુ લેવા અને એના ખૂનના ગુનામાં કાનજીને પકડી ગ્યા. પાછળથી પૈસાના જોરે લખા અને મંગાએ કાનજીના હાથની છાપવાળુ ધારીયુ સાબિતીમાં મૂકાવ્યું અને ખોટા સાક્ષી પણ ઊભા કરી કાનજીને જીવથી વહાલી લખમીના ખૂનના ગુનામાં જેલમાં નંખાવ્યો..!”

આ બધી વાત જાણે માસ્તર નજર સમક્ષ જોઇ રહ્યા હતા. “પોતાની લખમીથી વિદાયનો ઘા કાનજી જીરવી નો શક્યો અને જેલની કાળકોટડીમાં જ ગાંડા જેવો થૈ ગ્યો. એના આ હાલ જોઇ સરકારે એની સજા ઘટાડી. એ બાપડો સાત વરહે જેલ બહાર નીકળ્યો ત્યાં અહીં તો હંધુયે હગેવગે થૈ ગ્યું’તુ. ભગતબાપાના ગ્યા પછીથી પેલા બંને કપાતરે હંધીયે મિલકત લૈ લીધી અને પોતાની હગી માને ઘર ભાર તગેડી મૂકી. એ ડોશી આમ તેમ માંગી કારવી પેટિયુ પૂરુ કરતી. પોતાના કાનાની નિર્દોષતા માટે ખૂબ બૂમો પાડી એ હંધાય કે’તી, પણ આ હૌના કાન એના હાચા શબ્દો હાંભળવા બેરા થૈ ગ્યા’તા..! કાનજીએ પાછા આવી એની મા સાથે સીમાડે નાની ખોલકી બનાવી રહેવા માંડ્યુ. ભલે ને હંધાય આને ગાંડો કે, પણ આજના આ કળજુગમાં આ એક જ હાચો સરવણ નીકળ્યો.! ગાંમમાં કોઇને ત્યાંથી કાંઇ માંગી કે કાંઇ છૂટક મજૂરી કરી આપી એની મા હાટુ કાંઇ ખાવા લૈ જાય, અને જુઓ....આવાને આ બધા આમ ‘ગાંડીયો ગાંડીયો’ કહી કનડ્યા કરે.!”

“તે આના ન્યાય માટે કોઇએ કાંઇ ના કર્યું?”

“માસ્તર સાહેબ, જ્યાં ભગવાને જ આંખ બંધ કરી હંધુંયે જોયા કર્યું, ત્યાં સામાન્ય મનેખનું શું ચાલે.?”

બે બાઇઓ આઘું ઓઢીને આવી, “આ પાંચનો લોટ આપજો ને.” લોટ આપી માસ્તર સામે જોઇ બોલ્યો, “માસ્તર સાહેબ, આ હંધુંયે આંઇ જ ખંખેરી કામે વળગો, હાલ્યો હવે..!”

માસ્તરે આળસ મરડી ઘડિયાળ સામે જોયું. નિશાળનો સમય થઇ ગ્યો. “હશે તંઇ....આપણે આપણું કરીએ..! આજે મારે મંગાશેઠને ત્યાં જ નિશાળ માટે દાન માંગવા જવાનું છે, બહુ દયાળુ.....” હાટડીવાળાની વેધક નજર પડતા માસ્તરે અધૂરી વાતે નજર ફેરવી હાલવા માંડ્યુ. કોઇને કાંઇ ફેર ના પડ્યો, પણ હાટડી આગળ પડેલા બે મોટા પાણા આ બધું સાંભળી ધ્રુજી રહ્યા..!

***