Tran Laghukatha books and stories free download online pdf in Gujarati

ત્રણ લઘુકથા

અનુક્રમણિકા:

૧. જન્મદિવસની અદભુત સોગાદ

૨. અને વ્યાજનું શું???

૩. વાર્તાલાપ લાગણીઓ સાથેનો

***

જન્મદિવસની અદભુત સોગાદ

કાજલના લગ્ન ઘરવાળાની મરજી વિરુદ્ધ થયા ને એ જ દિવસથી રાકેશે મોટીબેનને બોલવાનું બંધ કર્યું. મન તો હજી મોટીબેનની લાગણીઓ સાથે વીંટળાયેલું હતું પણ જે રીતે કાજલે ઘરવાળાને દુઃખી કર્યા અને ખાસ પપ્પાને, એટલે રાકેશનું મન અને મગજ બંને એને સાથ નહોતા આપી રહ્યા મોટીબેન સાથે ગાઢ સંબંધો બાંધવા માટે. કાજલ પણ ભાઈ ને ખુબ યાદ કરતી પણ વાત કરવાની હિમ્મત ના થતી પણ કાજલનો જન્મદિવસ એને આટલી ખુશીઓ આપશે એ એને પણ ક્યાં ખબર હતી.

ફોન લઇને ક્યારનો રાકેશ બેઠો છે અગાસી પર અને રાહ જોવે છે ૧૨ ના ટકોરાની અને જેવા ૧૨ વાગે છે ફોનમાંથી કાજલનો નંબર શોધે છે છેલ્લા ૫-૫ વરસ સુધી વાત ના થયાનો અફસોસ કર્યા વગર ફોન લગાવે છે. રિંગ જાય છે......

કાજલ ફોનમાં રાકેશનું નામે જોઈ તરત ફોન ઉપાડે છે, હૅલો, "રાકેશ, મારા ભાઈ.!"

"રાકેશ મારા ભાઈ!" "બેન"ના મોઢેથી સાંભળવા આતુર એવો "ભાઈ" કાંઈ બોલે એ પહેલા જ ૫-૫ વરસની વેદના અને પ્રેમ આંખોમાં ભરાઈ આવે છે અને બંને રડી પડે છે. પછી તો જીવનની બધી જ ખુશીઓ મળી ગઈ હોય એમ આજે ભાઈ-બેન વાતોએ ચડ્યા છે, એમાંને એમાં સવાર પડે છે. બેનને આટલી ખુશ જોઈ આજે તો રાકેશ પણ દિલથી બહુ જ ખુશ છે અને બેનના જન્મદિવસને કેવી રીતે વધુ સારો બનાવે એની તૈયારીમાં લાગી જાય છે.

" શબ્દો સુકાય પણ લાગણીઓ નહિ,

સંબંધો હોય મનનાં, શબ્દોના નહિ."

***

વ્યાજનું શું?

દિવસની શરૂઆત મઝાક મસ્તી સાથે કરતો, હસતો રમતો પરિવાર અને એમાં પણ ૨૧મી સદીમાં દિલથી ખુશ રહેતો પરિવાર જોવો એટલે ગર્વની વાત કહેવાય. સવાર પડી એટલે બધા જ પોતપોતાના કામે લાગી જતા. લીલાબેન અને લાલજીભાઈ એમના સંતાનો પાયલ અને પિંકુ સાથે પ્રેમભરી જિંદગી વિતાવે એ જોઈને કાનજીકાકા (લાલજીભાઈના પપ્પા) મનથી ખુબ ખુશ રહેતા. નાનો પરિવાર સુખી પરિવાર એ વાત સાર્થક થતી આ પરિવારને જોતા. સમય વીતતા ક્યાં વાર લાગે છે.

પાયલ ને પિંકુ બંને ભાઈ-બહેન વચ્ચે ઝગડા તો થતા જ રહે અને એમાં પણ બંને વચ્ચે પ્રેમ અપાર હતો. કહેવાય છે ને કે સમય પરીક્ષા લેવા આવે ત્યારે સાવચેતી રાખી સમય-સંજોગોને માન આપવું જોઈએ. પાયલ-પિંકુ સાથે પણ આવું જ કાંઈક થયું.

સવારનો સમય હતો પાયલને ઓફિસ જવાનું મોડું થતું હોય એમાં સમયે આ ડિજિટલ મનીના જમાનામાં કૅશની જરૂર પડી ગઈ અને સવારમાં ATM માં પણ કૅશ ના મળ્યા, નોટબંધીનો સમય ખરોને! ઉતાવળે પગલે પાયલ પીન્કુના રૂમમાં ગઈ અને એને ૧૦૦ રૂપિયા આપવા કહ્યું. પીંકુએ મઝાક મસ્તી કરી અને કૅશ આપ્યા એટલે પાયલનું કામ થઇ ગયું.

સાંજે કામકાજ પતાવી પાયલ ઘરે આવી અને આરામ કરવા રૂમમાં જાતની સાથે જ પીંકુએ સવારે આપેલા ૧૦૦ રૂપિયા માંગ્યા એટલે પાયલે પણ કાંઈ વધારે બોલ્યા-ચાલ્યા વગર પૈસા આપ્યા પછી તરત જ પિંકીએ એક શબ્દનો ઉપયોગ કર્યો કે, "વ્યાજ ક્યાં?"

સવારે આપેલા ૧૦૦ રૂપિયાનું પીંકુએ વ્યાજ માંગ્યું, આ શબ્દ પાયલના દિલ પર ઉઝરડા કરી દીધા. વાત ભલે મઝાકમાં કીધી હોય કે હકીકતમાં પરંતુ સગા ભાઈએ સવારે આપેલા ૧૦૦ રૂપિયાનું વ્યાજ માંગ્યું એ સાંભળીને જે અનુભવ પાયલને થયો એ અનુભવની કલ્પના માત્ર આપણને હલાવી મૂકે છે.

વાત અહીંયા પૈસાની નથી દોસ્ત, વાત અહીંયા શબ્દની છે, લાગણીઓની છે. મઝાકમાં બોલાયેલા એ શબ્દ સામે વળી વ્યક્તિના મન પર બહુ ખરાબ અસર છોડી દે છે અને પાયલને સમજાતું નહતું કે એનો નાનો ભાઈ એટલો મોટો થઇ ગયો છે કે સવારે આપેલા ૧૦૦ રૂપિયાનું પણ વ્યાજ વસુલ કરે છે! વાતમાં જોવા જોઈએ તો કાંઈ ખાસ લાગે નહિ આપણને. પાયલના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ઘણું બધું છે દોસ્ત!

ભાઈ-બહેનનો સંબંધ એવો જ હોય જેમાં ઝગડા ના થાય તો મઝા જ ના આવે પરંતુ અમુક વાર મઝાકની વાત વધારે દિલ પર લાગી આવે ત્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય છે અને પાયલ-પીન્કુના કેસમાં પણ આવું જ થયું. પીંકુએ ઘણું સમજાવ્યું પાયલને જે થયું એ મઝાક હતી દિલ પર લઈને ના બેસે તો વધારે સારું. પછી તો શું થાય? છેવટે પીંકુએ પાયલને એક ચૉકલૅટ આપીને માનવી જ લીધી.

અહીંયા કહેવાનો ભાવાર્થ બસ એક જ છે કે,

શબ્દ શબ્દમાં ફેર હોઈ શકે,

શબ્દ તો તીરથી પણ ઘાતક,

ભરાઈ જાય તીરના ઘાવ, ના ભરાય શબ્દના,

કોતરાઈ જાય દિલ પર ને પડી જાય ઉઝરડા,

મટી જાય એ ઘાવ પણ રહી જાય નિશાન એના,

તાકાત ઘણી શબ્દમાં,

વરસે શબ્દ પ્રેમે તો ચારેઓર ઉજિયારો,

કટુમાં છે તાકાત ઘણી, કરી નાખે કજિયારો,

સાચો શબ્દ સાચા સમયે, ખોલી નાખે દરવાજો,

સાચો શબ્દ ખોટા સમયે, પીંખી નાખે માળો."

***

વાર્તાલાપ લાગણીઓ સાથેનો...

"લાગણીઓને પ્રેમના તાંતણે બાંધીને રાખીએ અને એજ પ્રેમના તાંતણામાં સપનાઓના મોતી પરોવીને કોઈકના આવવાની રાહ જોતો એ ઓરડો અને એ ઓરડાની નિર્જીવ વસ્તુઓ જાણે સજીવ થઇને બોલી ઉઠી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. ચોવીસ-ચોવીસ વરસથી જે ઓરડામાં રહીને એને સજીવન રાખ્યો અને આજે એ જ ઘર અને એજ ઓરડાથી સાત સમુંદર દૂર ગયેલી પ્રિયાથી વિખુટા પડયાનું દુઃખ ખાલી મમતાબેનને નહિ પણ એ ઘરના દરેક ખૂણે-ખૂણે હતું. ખાસ તો એ ઓરડો! દરવાજે ઢીંગલીનું કિચન જે એની માસુમ પ્રિયાને યાદ કરે છે, અરીસો પ્રિયાને ફરી સુંદર તૈયાર થતી જોવા થનગની રહ્યો છે, કબાટમાં રહેલા એના નવા-જુના કપડાઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ અને ખાસ તો એનું "કાજળ", "કાજળ" વગર પ્રિયા રુમની બહાર ગઈ હોય એવું યાદ નથી આવતું, અને પલંગમાં બિછાવેલી એ સુંદર શાલ જેને ઓઢ્યા વગર પ્રિયા સુવે જ નહિ, પ્રિયાની યાદોમાં રુમના દરવાજે લટકતી ઢીંગલી, અરીસાનો સુંદર કાચ, કબાટમાં રહેલી એની મોંઘેરી (પૈસાથી નહિ પણ લાગણીઓથી) કાજળ અને એને રાત્રીના સપનાઓમાં સુંદર મજાની લટાર મારવા લઇ જતી એ મસ્તમજાની શાલ બધું જ જાણે પ્રિયાને મળવા અને એની રાહમાં ફૂલો બિછાવી બેઠું છે, જાણે બધું જ પ્રિયાના વિચાર કરતાંની સાથે જ સજીવન થઈને બોલી ઉઠશે.

દીકરીને વિદાય આપવી જેટલી મમતાબેન માટે અઘરી થઇ પડી હતી એટલી જ એ ઘર માટે અને ખાસ એ ઓરડાની એક-એક દીવાલો અને વસ્તુઓ માટે પણ. આજે પણ એ ઘર, ઓરડો અને મમતાબેનની આંખો સાત સમુંદર પાર, સાસરે સુખેથી રહેતી પ્રિયાની યાદમાં વાટ જોઈને નજરો બિછાવી બેઠું છે....પ્રિયાના ના હોવાથી એનો એહસાસ ચારેઓર ફરીને બધું સજીવન રાખી રાખી રહ્યો છે.

સાહેબ, વસ્તુઓને સજીવન રાખતી એ જ લાગણીઓ છે જેને આપણે અંતર મનના માળામાં સંતાડી દઈએ છે જે લાગણીઓ માણસના ભૂતકાળને સજીવન રાખે છે. લાગણીઓને બાંધશો નહિ એને વહેવા ડો મનભરીને...

આપના અભિપ્રાયની રાહમાં..

-બિનલ પટેલ

8758536242