Lifestyle books and stories free download online pdf in Gujarati

લાઈફસ્ટાઈલ

લાઈફ સ્ટાઈલ

આ માંકડા જેવું મન ટાવર હાઈટ્સ ની આસપાસ ફર્યાં કરે છે. તીસ માળનું હવા સાથે વાત કરતું ટાવર. એને જોવા આપણી ડોક ખેંચી લાંબી કરવી પડે તો પણ ટાવર આંખોમાં ના સમાય. ટાવરને અડીને પથરાઈ હોય ઝૂપડપટ્ટી. એની બાજુમાં ગંદકીથી ઊભરાતી હોય ગંધાતી ગટર. આ મુંબઈનગરીનું જીવન ખરેખર અજીબોગરીબ લાગે છે. કોઈને કાંઈ ના પડી હોય! સૌ કોઈ સાપોલિયાની જેમ રસ્તો કાઢી સરકી જાય. આ ટાવરનો વોચમેન ટાવરમાં રહેનારાને જાણે. તે સિવાય ત્યાં રહેનારા ભાગ્યે જ એકબીજાને ઓળખતા હોય છે. હાય હલ્લો કરે પણ નામ ના જાણે!

અહીં બાવીસમે માળે ફ્લેટ નંબર 2202 ની વાત થઈ રહી છે. શાહ ફેમિલી તરીકે સૌ તેમને ઓળખે છે. કાન્તીભાઈ, તેમનાં પત્નીનું નામ સોનીકા. તેમના. પુત્રનું નામ પનુ બટકો. તેમની પુત્રીનું નામ ખ્યાતિ. પનુ બટકા સિવાય આ ટાવરનાં વોચમેનો બાકીના ત્રણને સારી રીતે ઓળખે !

વોચમેનોની એક ખાસિયત છે. એક નજર ઘડિયાળ તરફ હોય, બીજી નજર ટાવરમાં રહેનારાઓની અવરજવર પર. કોણ કેટલાં વાગે જાય છે, કેટલાં વાગે આવે છે અને કેવી હાલતમાં આવે છે , આ સધળી માહિતીઓનો ભંડાર એટલે વોચમેનો. કોઈ પણ નવો વોચમેન આવે શરૂઆતમાં આશ્ચર્ય પામે પછી ટેવાઈ જાય. આંખો બંધ કરીને પણ લખી શકે; 12. 40 pm,12. 46pm એટલે ખ્યાતિ અને સોનીકા અને ત્યારબાદ કાન્તીભાઈનો બહાર જવાનો સમય. સાંજે સાત વાગે સોનીકા, ત્યારબાદ કાન્તીભાઈ અને રાત્રે કોઈ પણ સમયે ખ્યાતિ આવે. ક્યારેક સુઘડ તો ક્યારેક કઢંગી અવસ્થામાં હોય.

સૌ મીઠી નીંદર માણતાં હોય ત્યારે વોચમેન ની નજર બાવીસમા માળે અટવાઈ હોય. ત્યાં લાઈટો ચાલુ હોય અને સમજાઈ જાય કે તે ઘરમાં ગડબડ ચાલે છે.

મા દીકરીનો કકળાટ ગૂંજતો હોય. રાત્રે એક વાગે ડોરબેલ વાગે દીકરીનો. ધૂઆપુવા થઈને રાહ જોતી બેસી હોય મા. દરવાજો ખોલતી ગુસ્સાથી લાલચોળ ચહેરો માનો જોઈ ખ્યાતિ ચૂપચાપ રૂમમાં પાણીનાં રેલાની જેમ ઘૂસી હોલમાં પડેલે સોફા પર ઢળી પડે. મા ત્રાડ પાડીને પૂછે, “ ક્યાં ગઈ હતી? ક્યાં રખડે છે?” પણ ખ્યાતિમાં જવાબ આપવાનાં હોંશ હોય તો ને?. બૂમબરાડા સાંભળી કાન્તીભાઈ આંખો ચોળીને કહે, “ આ અડધી રાતે શું માંડ્યું છે? શાંતિ સૂઈ જા ને સુવા દે… કાલે સવારે વાત. ”

સવારે વાતાવરણ બદલાઈ ગયું હતું. પૂજા, રસોઈ, સાફસફાઈમાં વ્યસ્ત સોનીકાનો ગુસ્સો શાંત પડ્યો હતો. છતાં વિચારોનાં પ્રવાહમાં અટવાઈ ગઈ હતી. રાતના ક્યાં જતી હશે? અને ખ્યાતિને જોતાં જ પોતાનાં ગુસ્સાને નિયંત્રિત કરી પૂછયું, “ રાતે મોડે સુધી ક્યાં હોય છે?”

“ ઓફિસમાં”. વાળમાંની ગૂંચ કાઢતાં માને જવાબ આપ્યો.

“ ઓફિસમાં?” વેધક નજર ખ્યાતિ પર નાખીને પૂછયું

“ હા. મારી કલીગ તો બહું મોડું થાય તો ઓફિસમાં સૂઈ જાય છે. ” ચાનો કપ હાથમાં લેતાં મારકણી અદાથી કહ્યું.

“ વિશ્વાસ ના હોય તો ઓફિસમાં આવી જોઈ જજે. ખ્યાલ આવશે હું શું કરું છું. અને બીજી એક વાત સાંભળી લે બહુ ટેન્શનમાં હોઉં તો સ્મોકિંગ પણ કરી લઉં છું. ”

“ સ્મોકિંગ? તું શું બોલે છે એનું તને ભાન છે કે?”

“ લે એમાં તું આટલી કેમ ઉશ્કેરાઈ જાય છે? આજની લાઈફ સ્ટાઈલ છે મમ્મી. તું સાડલામાથી ડ્રેસમાં આવી ગઈ કે નહીં? તારી સાસુ કે તારી મા જીવતી હોત તો?”

“ તો શું?”

“ તો તારી જેમ તેઓની પણ આંખો ચાર થઈ જાત. . ”

“ સ્મોકિંગ સાથે ડ્રીંક કેમ ખરું ને”.

“ હા. જાણે બંન્ને જોડિયા. . ” કહી હસવા લાગી.

“ હા અને તમારી સમાજ સેવા ક્યાં સુધી પહોંચી?”

“ ચાલે છે હળવે હળવે. . બાકી જ્યાં જુઓ ત્યાં રમાતું હોય રાજકારણ. . ”

તો આ છે સોનાલી. ચાલીમાંથી ફ્લેટમાં રહેવા આવ્યા છે. સમય પસાર કેમ કરવો? આ પણ શહેરની એક સમસ્યા છે, સમસ્યા હોય તો ઉકેલ પણ હોય જ ને! સોનાલી બહેન કીટી પાર્ટીમાં જોડાયા. અઠવાડિયામાં એક દિવસ ભેગા થવાનું. પત્તા રમવાનાં. રમવામાં રસ જળવાઈ રહે તે માટે સાચું રમવાનું, એટલે પૈસા હોય. બીજું ગ્રુપ બનાવ્યું. સરસ મજાનું મુવી જોવાનું. એક દિવસ ગરીબખાનામાં જઈ જોઈતી કરતી સૌને મદદ કરવેની. આમ સોમથી શનિ સોનાલીબહેન બીઝી થઈ ગયાં! બુધ અને શુક્ર કૌટુંબિક કામકાજ માટે રાખ્યો. પતિ ખુશ, પોતે ખુશ અને દીકરી પણ ખુશ! સૌ ખુશ! એકબીજાને કોઈ નડે જ નહીં. ધીમે ધીમે સામાજિક કાર્યમાંથી રાજકારણમાં જોડાયાં. કીટી ગ્રુપમાંની તેની સહેલી અનામિકા નગરપાલિકાની ચૂંટણીમાં ઊભી રહી ગઈ. કારણ અનામિકાનો પતિ અશોક મહાજન જ્યાંથી ચુંટણીમાં ચુંટાઈને આવ્યો હતો તે ક્ષેત્ર મહિલા વોર્ડમાં બદલાઈ ગયો. પરિણામે પૈસા, વગ વાપરીને પોતાની પત્નીને ત્યાંથી ઊભી રાખવામાં તે સફળ થયો હતો. આમ સોનાલી રાજકારણમાં પ્રવેશી. એ સાથે સોનાલી સક્રિય રાજકારણમાં ખૂંપવા લાગી ધીરે ધીરે. આશા, અપેક્ષા,સાથે દિવાસ્વપ્નની પાંખો ફૂટવા લાગી અને ઘર તેનાં માટે બની ગયું જાણે ધર્મશાળા. ઘરમાં આવે ત્યારે ના હોય પતિ કે દીકરી. સાથે હોય હાજી હાજી કરનારાં ચપરાશી.

સોનાલીના પતિ સેલ્સ ટેક્ષ ઓફિસમાં કામ કરે. એટલે તેમનાં પગ જમીનને અડકીને ના ચાલે. સૌ ગૂપચૂપ કર્યાં કરે . તેમની બે નંબરની આવકની ધણી મોટી છે. એટલે વારતહેવારે છૂટાં હાથે પૈસા ખર્ચે . કોઈ દાઢમાં બોલે પાણીનાં પૈસા પાણીમાં. આદત પ્રમાણે કેસ પતાવવા મોટી રકમ માંગી અને રંગે હાથે પકડાઈ ગયાં. સજા કાપી જેલમાંથી બહાર આવ્યા અને ક્લબમાં જઈ પત્તા રમવાની પ્રવૃત્તિ ચાલુ કરી. ધણીવાર બબ્બે દિવસ સુધી ઘરે ના આવે. સોનાલીને દારૂની વાસ પસંદ ન પડે. તે કારણે ઝગડા થાય. શય્યા સુખ ન મળતાં કાન્તીભાઈને સોનાલીની ગરજ ના રહી. એક વાર તો આ બાબતે ઝઘડો થતાં કાન્તીભાઈએ કહી પણ દીધું, “ માણસને ભૂખ લાગે તો હોટલમાં જાય જો ઘરમાં ખાવાનું ન હોય તો. માટે આંગળી ચીંધે ત્યારે સો વાર વિચાર કરજે. “ પરિણામે બંને વચ્ચે નફરતની અદ્રશ્ય દીવાલ રચાઈ ગઈ.

એક સીધી સાદીગૃહસ્થી શાહ ફેમીલીની આડે પાટે ફંટાઈ ગઈ. સોનાલી રાજકારણમાં ગળે સુધી ડૂબી ગઈ હતી. પાર્ટીનાં પ્રચાર અર્થે નાના મોટા ગામડામાં, શહેરમાં જાય છે. પાર્ટી પ્રમુખ મખ્ખીજા સોનાલીનાં કામથી પ્રભાવિત છે . ધીમેધીમે બંને વચ્ચે આત્મીયતા વધવા લાગી. વાતવાતમાં મખ્ખીજાએ સોનાલીને ચૂંટણી લડવાનું કહ્યું. અને સોનાલી મખ્ખીજાની બાહુપાશમાં સરકવા માંડી. પણ હવે તેને કોઈ જાતનો ડર કે ફિકર નથી. રાજકારણનાં પાઠ આત્મસાત કરી લીધા છે. પૈસો ક્યાંથી લાવવો ને પાર્ટીને કેવી રીતે આપવો તેની રમત શીખી લીધી છે. સામાજિક સંસ્થામાં પોતાની હોંશિયારીથી પ્રમુખ પદ શોભાવી પોતાનું નામ ગાજતું કર્યું છે.

ખ્યાતિ સ્મોકિંગનાં સ્મોકમાં જોયા કરે છે મુંબઈની લાઈફ સ્ટાઈલ. સરસ મજાનો ફ્લેટ, ગાડી,વિદેશી સફર, હોટલમાં પાર્ટી આ બધું ક્યારે એનાં નસીબમાં પ્રાપ્ત નશે? પોતાની પાસેપોતાનું રૂપ સિવાય કશું જ નથી. સવારસાંજ કે નવરાશની પળોમાં પોતાને જોયા કરે છે દર્પણમાં. આ રૂપ પણ ભણતર ઓછું હોવાને લીધે ઝાંખું પડી જાય છે.

અચાનક એક બપોરે સ્વાતિને જોતાં જ ખ્યાતિ આભી બની ગઈ. એનો ફ્લેટ ફાઈવ સ્ટાર હોટલ જેવો. જુહૂનાં દરિયા કિનારેથી આવતી લહેરમાં ખ્યાતિ પોતાના ઊડતાં ઝૂલ્ફોને જોઈ રહી હતી. અને એ પણ વિચારી રહી હતી કે સ્વાતિની જેમ તે પણ બત્રણ મહિને હવાઈ સફર કરતી રહે. વારંવાર ખ્યાતિએ પૂછયું કે તે કેવી રીતે પૈસાદાર બની? અને તે પણ ટૂંક સમયમાં!

ખ્યાતિ આશ્ચર્યથી જોઈ રહી સ્વાતિને. વાત જાણે આમ હતી. સ્વાતિએ ડરતાં ડરતાં તેનાં મેનેજરને કહ્યું,

“ સર, મારી મધરને કેન્સર છે. ”

“ ઓહ. . હું દિલગીર છું. ઈશ્વર ની અમી દષ્ટિ થી તેઓ જલદીથી સારાં થાય એવું ઈચ્છું છું. ”

“ આભાર. પણ થોડી પૈસાની જરૂર છે એટલે કે. લોન. . ”

“ જરૂર જરૂર લોન માટે અપ્લાય કરો. હું શેઠને આ માટે વાત કરીશ. લોનની રકમ હું જાણી શકું?”

“ સર, છ થી સાત લાખ. ”

ખ્યાતિ મેનેજરનાં ચહેરાના હાવભાવ જોઈ સમજી ગઈ કે અહીં દાળ ગળવાની નથી. તે ઊભી થઈ કેબિનમાંથી બહાર નીકળી ગઈ.

“પછી?” ખ્યાતિએ આશ્ચર્યથી પૂછ્યું.

“ પછી બહુ રખડી,બહુ ભટકી, પૈસાનો મેળ ના પડ્યો અને શોર્ટકટમાં ફસાઈ ગઈ. ”

“ એટલે?”

“ એટલે એક અંકલે મદદ કરવાનું વચન આપ્યું, જો હું તેને તેનાં ધંધામાં મદદ કરું તો. . ” ખ્યાતિ ચૂપ રહી. સ્વાતિએ ઊભા થઈ ફ્રીજમાંથી બીયરની બોટલ ને બે ગ્લાસ ટીપોય પર મૂકી ખ્યાતિને પૂછયું, “ તું તો પીતી હશે. ”

“ હા. ક્યારેક ક્યારેક. . ”

“ વાહ. હું તો પાણીની જેમ. . ઠીક છે. ”કહીબે ગ્લાસ બનાવી શેર કરતાં કહ્યું, “ લાલચ, જરૂરિયાતે મને બાંધી. મેં હા પાડી. એક લાખનું બંડલ મને એડવાન્સમાં આપ્યું અને કહ્યું કે આ પેકેટ આપીને આવ . સરનામું સમજાવી દીધું. હું ખુશ હતી મારા કામથી. બીજે અઠવાડિયે ફરી મેસેજ આવ્યો. એક લાખ રૂપિયા અને પેકેટ આપ્યું. પેકેટ બાય પ્લેન દિલ્હી પહોંચાડવાનું હતું રૂપિયાનું બંડલ ઘરે મૂકી મારા કામને અંજામ આપ્યો. પણ એરપોર્ટ પર મારી તલાશી થઈ. ત્યારે મને ખબર પડીકે હું ગેરકાનૂની કામ કરતી હતી. પકડાઈ અને છૂટી. છૂટવા માટે મેં મારા શરીરનો સોદો કર્યો અથવા એમ કહે મારે કરવો પડ્યો. કારણ આ કેસમાં ઓછામાં ઓછી સાત વરસની સજા છે. અને હું બદનામ થવા નહોતી માંગતી. એક વાર પોલીસ ચોકીનાં પગથિયાં ઘસ્યા પછી મને ખબર પડી કે પૈસા શું ચીજ છે અને છોકરી એટલે કે આપણું શરીર શું ચીજ છે અને આ બે હોય તો નફટાઈ શું છે એની ખબર પડી. આ ત્રણે જેનામાં હોય તે આ શહેરની લાઈફ માણી શકે છે. અહીં ન રાત છે, ન દિવસ. આંખ ખોલો તો સવાર, આંખ મીંચો તો રાત, અને બારીબારણાંનાં પડદે લહેરાતી હોય બપોર!સૌ પોતપોતાની રીતે જીવે છે. તારી ઈચ્છા હોય તો મારી સાથે આવ. મારી નવી લાઈનમાં ના કોઈ રીસ્ક છે. ”

“ નવી લાઈન?”

“ હા. શરીર સાથે શરીર . ”

“ એટલે”?

“એટલે. . તું તો સાવ લલ્લુ છે. . !”

“એટલે કોલગર્લ?”

“ વેરી સ્માર્ટ!. પણ તું ધારે છે એટલું ખરાબ નથી, એવું પણ નથી. મસાજ જેવું. શરૂઆત અહીંથી કરવાની પછી જેવી જેની હોંશિયારી. . ચલ આજે. . જોઈ લે અમારા ધંધાનો નજારો. . પછી પૈસા પૈસા છે. . ”ખ્યાતિએ વિચારીને કહ્યું, “ ચલ જોઈ તો લઉં. ”

***

ખ્યાતિ તો આભી બની ગઈ. મંગલમ્ એપાર્ટમેન્ટનો ઠસ્સો જોઈને. સ્વાતિનો રૂમ જોઈ આભી બની ગઈ. મસાજથી લઈને શય્યાસુખનો વૈભવશાળી મસાલો જોઈ. મોટા ભાગે અહીં આવનાર સ્પર્શ સુખ માણવા આવે છે. માલીશ કરતાં અડપલાં પણ કરે અને આ બાણે આપણને ટીપ મળે જે આપણી. ખ્યાતિ રસપૂર્વક સ્વાતિનાં અનુભવ સાંભળી જાતજાતની કલ્પનામાં ખોવાઈ ગઈ. સ્મોકિંગનાં સ્મોકમાં ગીત ગાવા લાગી,

“ પરી હૂં મૈં પરી હૂં. . ”

ત્યાં જ ડોરબેલ વાગી. ખ્યાતિ ગભરાઈ ગઈ. સ્વાતિ પોતાની દુનિયાની સજાવટ કરી રહી હતી. અર્ધનગ્ન પારદર્શક શણગાર જોઈ ખ્યાતિ સમસમી ઊઠી. પાછી ખુદ પર હસી પડી. વળી પાછો ડોરબેલ વાગ્યો. સ્વાતિએ ખ્યાતિને ડોર ખોલવા મજબૂર કરી. ડરતાં ડરતાં દરવાજો ખાલ્યો અને ચીસ પાડી ઊઠી, “ પપ્પા તમે અહીં?” બંને જણ એકબીજાને જોતાં રહ્યાં અનિમેષ દ્રષ્ટિથી.

***