Avnava Nasta - 2 books and stories free download online pdf in Gujarati

અવનવા નાસ્તા ૨

અવનવા નાસ્તા

મિતલ ઠક્કર

ભાગ-૨

આ બુકમાં પણ આપના માટે અવનવા નવા નાસ્તાની નવી રીતો શોધીને લઇ આવી છું. બ્રેકફાસ્ટમાં આવા નાસ્તાથી મજા આવી જાય છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ દરરોજ સવારે બ્રેકફાસ્ટ લે છે તે આખા દિવસ દરમિયાન પોતાને સ્ફૂર્તિમય અને સક્રીય અનુભવે છે. સવારના થોડો નાસ્તો કરવો જોઈએ. તે સમયે જો કાંઈ ખાવામાં ન આવે તો લોહીમાં સાકરનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે. બાળકોમાં દરરોજ બ્રેકફાસ્ટ લેવાના કારણે બુદ્ધિ અને સ્મરણશક્તિમાં વધારો થાય છે. અનેક સંશોધન દ્વારા એ સાબિત થયું છે કે જે લોકો સવારના સમયે બ્રેકફાસ્ટ નિયમિત કરે છે તેમને હૃદયરોગની તકલીફ થતી નથી. કદાચ હૃદયની તકલીફ થાય તો પણ તે વધુ પડતી ગંભીર જોવા મળતી નથી. સંશોધન દ્વારા સાબિત થયું છે કે જેમને નિયમિત સવારના સમયે બ્રેકફાસ્ટ કરવાની આદત હોતી નથી, તેમને ડાયાબિટીસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે. ભૂખ્યા પેટે લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટવા લાગે છે. બ્રેકફાસ્ટ કરવાનો આદર્શ સમય છે સવારના આઠ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીનો. અમુક સંશોધનોમાં સાબિત થયું છે કે બ્રેકફાસ્ટ લેવાથી સ્થૂળતા અટકે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેથી હૃદયરોગ થતાં અટકે છે. બ્રેકફાસ્ટ લેવાથી ભૂખ ઓછી લાગે છે તથા એકસાથે ભરપેટ ખાવાની ટેવ ઘટે છે. આખી રાત દરમિયાન કંઈ ન ખાવાથી શરીરમાં એનર્જીનું પ્રમાણ ઘટે છે. પરિણામે સવારે પૌષ્ટિક સંતુલિત નાસ્તો જે ૨૦ થી ૨૫ ટકા જેટલી કેલરી આપતો હોય તેવો હોવો જોઈએ. એટલે જ સ્વસ્થ જીવન માટે કોઈએ સાચું જ કહ્યું છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ, લંચ રાજકુમારની જેમ અને ડિનર ભિખારીની જેમ કરવું. પહેલા ભાગમાં આપણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, ચના જોર ગરમ, બ્રેડનો નાસ્તો, લીલી મેથીના શક્કરપારા, કોબી પરાઠા, પૌઆની કટલેસ, રાજસ્થાની હાંડવો, પોટેટો સ્માઇલી, આલુ ટિક્કી, ચિલી પાસ્તા, લાલ- લીલા દલિયા અને કાકડીના થેપલાની રીત જાણી હતી. ચાલો ફરી બીજા કેટલાક અવનવા નાસ્તાને ટ્રાય કરી જુઓ.

લસણિયા બટેટાના ભજીયા

સામગ્રીઃ નાની સાઈઝના બટેટા – 8-10 (દમ આલૂ), લસણની પેસ્ટ-2-3 ચમચી, આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી, લાલ મરચાં પાવડર – 2 ચમચી, લીંબુનો રસ – 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ½ ચમચી તલ.

ખીરાં માટેઃ ચણાનો લોટ-2 કપ, ½ ચમચી અજમો, મીઠું સ્વાદ પ્રમાણે, ½ કપ કોથમીર ધોઈને ઝીણી સમારેલી, પાણી

રીતઃ બટેટા ધોઈને બાફીને ઠંડા થવા દો. ભજીયા માટે ઉપર આપેલી સામગ્રી તેમજ પાણી નાખીને ચણાના લોટનું ખીરૂં બનાવી લેવું. લસણની પેસ્ટ સાથે આદુ-મરચાંની પેસ્ટ, લાલ મરચાં પાવડર, લીંબુનો રસ, તલ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લો (પેસ્ટ બહુ ઢીલી ના થવી જોઈએ, ઢીલી થાય તો એમાં લાલ મરચાં પાવડર ઉમેરી દો). હવે ઠંડા થયેલા બટેટાને છોલી લો. દરેક બટેટામાં ક્રોસમાં ઉભા બે ચીરા કરીને એમાં તૈયાર કરેલી પેસ્ટ વચ્ચે લગાડીને બટેટાને દાબી દો (રીંગણા ભરીએ તે રીતે). અથવા બટેટાને બે ભાગમાં કટ કરીને વચ્ચે સેન્ડવિચની જેમ પેસ્ટ ભરીને બંને ભાગ જોડી દો. આવી જ રીતે બધાં બટેટા તૈયાર કરીને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં તળી લો.

દૂધી-દાળના પુડલા

સામગ્રી: 300 ગ્રામ દૂધી, 100 ગ્રામ મગની દાળ, 100 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ અડદની દાળ, 1 ચપટી હિંગ, 3 થી 4 નંગ લીલા મરચાં, 2 ઈંચનો આદુંનો ટુકડો, 1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર, 3/4 ટી સ્પૂન બેકિંગ સોડા, 2 ટી સ્પૂન જીરૂં, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.રીત: સૌપ્રથમ બધી જ દાળને બરાબર સાફ કરીને ધોઈ લો. ત્યાર બાદ દરેક દાળને અલગ-અલગ પાંચથી છ કલાક માટે પલાળીને રાખો. હવે દાળમાંથી પાણી કાઢીને તેને મિક્ષરમાં પીસી લો. હવે દૂધીને છીણી લો. હવે દાળની પેસ્ટમાં દૂધીની છીણ, લીલા મરચાં, આદું, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે બેકિંગ પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક પુડલો ઉતરે એટલું ખીરૂં ઉમેરીને તૈયારીમાં પુડાલાને પાથરી દો. પુડલાને ઢાંકીને બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગનો શેકી લો. ત્યાર બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરો.

પૌંઆ વડા

સામગ્રીઃ 1 કપ પૌંઆ, 2-3 ચમચા ચોખાનો લોટ, 2-3 ચમચા ચણાનો લોટ, લીલા કાંદા ½ કપ, આદુ ખમણેલું ¼ ચમચી, 3-4 મરચાં ઝીણાં સમારેલા, 1 ચમચી વરિયાળી, મીઠું સ્વાદાનુસાર, ચપટી હિંગ, કોથમીર ઝીણી સમારેલી 2 ચમચી, ખમણેલું લીલું નાળિયેર.

રીતઃ પૌંઆને બે વખત પાણીથી ધોઈને 5-10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી એમાંથી પાણી નિતારી લો. અને 10-15 મિનિટ સુધી પૌંઆ નરમ થાય ત્યાં સુધી રહેવા દો. જો પૌંઆ સૂકા થઈ જાય તો થોડું પાણી લઈને પૌંઆ પર છંટકાવ કરો. હથેળીમાં થોડાં પૌંઆ લઈને વડાની જેમ વાળો, જો આકાર બરાબર વળે તો બધા પૌંઆમાં ઉપર આપેલી બધી સામગ્રી મેળવી દો અને એના ગોળા વાળીને તેલમાં તળી લો. (પુરણ નરમ લાગે તો એમાં લોટ ઉમેરી શકો છો.)

કોબી પાલખના મૂઠીયા

સામગ્રી: ૧ કપ સમારેલી કોબી, ૧ કપ સમારેલી પાલખ, ૧ કપ ઘઉંનો જાડો લોટ, ૧ ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ, ૧ કપ ખાટું દહીં, ૪ – ૫ લીલા મરચા, ૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો), મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો), ૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર, ૧ ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજીરુ, ૧ ટી સ્પૂન ખાંડ, ૧ ટેબલ સ્પૂન તલ, ૧ ટી સ્પૂન રાઈ, ૧ ટેબલ સ્પૂન જીરુ, ૧/૨ ટેબલ સ્પૂન તેલ, હિંગ.

રીત: ઘઉંના લોટમાં પાલખ કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો.ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો.

બ્રેડ હલવો

સામગ્રી: ૭ બ્રેડની સ્લાઇસ, અડધો કપ ઘી, બે કપ દૂધ, અડધો કપ સાકર, આઠ થી દસ બદામ, કાજુના ટુકડાં.

રીત: બ્રેડના નાના નાના ટુકડા કરો. એક કડાઇમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં બ્રેડના ટુકડા નાખી આછો ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી સાંતળો. બ્રેડ કડાઇમાં ચોંટી ન જાય એ માટે એકસરખું હલાવતાં રહો. બીજા ગૅસ પર દૂધ ગરમ કરવા મૂકી દો. દૂધમાં સાકર ભેળવી દો. ત્યારબાદ દૂધને બ્રેડવાળી કડાઇમાં ઉમેરી હલાવો. કાજુ-બદામના નાના ટુકડાં કરો અથવા તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ઘી છૂટુ પડે એટલે ગૅસ બંધ કરી દો. તેમાં કાજુ-બદામની પેસ્ટ ઉમેરો. ઉપર સૂકોમેવો ભભરાવી સજાવો.

ટોમેટો ઉપમા

સામગ્રી: 1 કપ સોજી, 1/2 કપ ટોમેટો પલ્પ, 1/4 કપ દહીં (મોળુ), 2 ટેબલસ્પૂન તેલ, 1/2 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 2થી 3 લીલાં મરચાં ઝીણા સમારેલા, 10થી 12 લીમડાના પાન, 11/2 કપ પાણી, 1 ડુંગળી ઝીણી સમારેલી, મીઠું સ્વાદનુસાર, કોથમીર. રીત: સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી રાઈનો વઘાર કરો. તેમાં લીમડો, અડદની દાળ અને કાજુના ટુકડા અને લીલા મરચાં સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં સોજી નાખી તેને પણ આછી બદામી શેકી લો. હવે એક કપમાં ટોમેટો પલ્પ, દહીં, પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું લઇ બિટર વડે બીટ કરી લો. ત્યાર બાદ તેને શેકી રાખેલી સોજીમાં નાખી, પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. પાણી બળી જાય એટલે તૈયાર ઉપમાને એક બાઉલમાં કાઢી બરાબર પ્રેસ કરી બીજી ડીશમાં અનમોલ્ડ કરી લો. ત્યાર બાદ તેને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેરની ચટણી સાથે સર્વ કરો.

ક્રન્ચી બ્રેડ ટીક્કી

સામગ્રી: 1 કપ ફ્રેશ બ્રેડક્રમ્સ, 1/2 કપ મિક્સ બોઈલ્ડ શાક (ગાજર, ફણસી, વટાણા), 1/2 કપ સમારેલી કોથમીર, 1/4 કપ ખમણેલું નાળિયેર, 1/2 કપ સમારેલી ડુંગળી, 1 ટેબલ સ્પૂન સમારેલું લસણ, 2 ટી સ્પૂન સમારેલા લીલાં મરચાં, તેલ તળવા માટે, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ કોથમીર, નાળિયેર, ડુંગળી, લસણ તથા મરચાંમાં બેથી ત્રણ ચમચી પાણી નાખી તેની સ્મૂધ પેસ્ટ બનાવી લો. ગાજર-ફણસી ઝીણા સમારી લો. વટાણાને સહેજ ક્રશ કરી લો. હવે બ્રેડક્રમ્સમાં બોઈલ્ડ શાક, વટાણા, નમક, તૈયાર કરેલી પેસ્ટ મિક્સ કરી તેને સારી રીતે મિક્સ કરીને કણક બાંધો. હવે તેમાંથી નાનાં બોલ બનાવી તેને હાથેથી થેપી ચપટા કરી લો અને તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. પછી કિચન પેપર પર કાઢી લો. હવે ગ્રીન ચટણી તથા ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

મેગી નૂડલ્સના પકોડા

સામગ્રી: ભજીયાનું ખીરુ, મેગી નૂડલ્સ, કાંદા, સિમલા મરચાં, તેલ તળવા માટે, મીઠું સ્વાદાનુસાર

રીત: કાંદાના ભજીયાના ખીરામાં અથવા તમને ભાવે એ ભજીયાના મિશ્રણમાં રાંધેલા મેગી નૂડલ્સ મિક્સ કરી દો અને પકોડા ઉતારો. અને હાં, જો મરચાં ભાવતા હોય તો ભાવનગરી અથવા સિમલા મરચાં બારીક સુધારીને ઉમેરી દો. ટેસ્ટી પકોડા તૈયાર છે.

મિક્ષ વેજ પરોઠા

સામગ્રી : 1/2 કપ મેંદો.1/2 કપ ઘઉં નો જીણો લોટ. 2 ચમચા તેલ, મીઠું જરૂર મુજબ. સ્ટફિંગ માટે: 2 ચમચા બારીક ખમણેલી કોબી, 1 ચમચો બારીકખમણેલી ડુંગળી, 1 ચમચો બારીક ખમણેલું ગાજર, 1 ચમચો બારીક કાપે લુ કેપ્સીકમ, 1 ચમચી બારીક કાપેલી ફણસી, 1 ચમચો નુડલ્સ, 1 ચમચો સોયા તેલ, 1 ચમચી વિનેગર, 2 ચમચી ચીલી સોસ, 1 ચમચી આજીનો મોટો, મીઠું જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ પરાઠાની સામગ્રી મિક્ષ કરી પરાઠાનો લોટ બંધો. તેમાંથી રોટલી વણો. સ્ટફિંગ માટે તેલ ગરમ કરો. તેમાં બધા વેજીટેબલ સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું તથા આજીનોમોટો નાખી મિક્ષ કરો. તેમાં વિનેગર અને ચીલી સોસ મિક્ષ કરો. બાકીની બધી સામગ્રી તેમાં નાખી મિક્ષ કરો. એક રોટલી પર સ્ટફિંગ સ્પ્રેડ કરી, બીજી રોટલી ઉપર મૂકી હલકા હાથે સહેજ થેપો. રોટલીની કિનાર કાંટા ચમચીથી પ્રેસ કરો. તવીમાં તેલથી બદામી શેકો. પરોઠા ગરમ-ગરમ પીરસો.

ટોમેટો દલિયા ઉપમા

સામગ્રી: 1 કપ દલિયા(ઘઉંના ફાડા), 1 ટામેટું સમારેલું, 1 ડંગળી સમારેલી, 2 લીલા મરચાં સમારેલા, 1 કેપ્સિકમ સમારેલું, 1/2 ઝૂડી કોથમીર સમારેલી, 1/2 ટીસ્પૂન જીરું, 1 ચપટી હળદર, 1/2 ટીસ્પૂન ખાંડ, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને મધ્યમ તાપે લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરીને સાંતળો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં બાકીની બધી જ સામગ્રી ઉમેરીને બેથી ચાર મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં ફાડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બેથી ત્રણ મિનિટ માટે ફાડાને સાંતળ્યા બાદ તેમાં બે કપ પાણી ઉમેરીને ચઢવા દો. કડાઈને ઢાંકીને ફાડાને ચઢવા દો. લગભગ દસથી પંદર મિનિટ લાગશે ફાડાને ચઢવામાં અને પાણીને બળવામાં. પાણી બળી જાય એટલે ગરમા-ગરમ ટોમેટો દલિયાને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

પૌંઆ કટલેસ

રીત: પૌંઆને બે વખત પાણીથી ધોઈને પાંચેક મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી ચાળણીમાં પાણી નિતારી લો. હવે નિતારેલા પૌંઆમાં એક બાફેલું બટેટું છુંદીને તેમજ ઝીણાં સુધારેલાં મિક્સ વેજીટેબલ્સ (ફણસી તેમજ લીલાં વટાણાં બાફી લેવા), એક કાંદો ઝીણો સમારેલો (જો નાખવો હોય તો), ગરમ મસાલો, લાલ મરચાંનો પાવડર, આદુ-મરચાંની પેસ્ટ, આમચૂર પાવડર, ઝીણી સમારેલી કોથમીર તેમજ મીઠું સ્વાદાનુસાર ઉમેરીને મિક્સ કરી દો. અને કટલેસનો આકાર આપીને પેનમાં થોડું તેલ નાંખીને કટલેસ સાંતડી લો.

રાજસ્થાની કાલમી વડા

સામગ્રી : ૧/૨ કપ ચણાની દાળ , ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારેલી, ૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા કાંદા, ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર, ૧/૨ ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલા ધાણા, ૧ ટીસ્પૂન વરિયાળી, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.પીરસવા માટે: લીલી ચટણી

રીત: ૧/૪ કપ પાણી સાથે ચણાની દાળને મિક્સરમાં ફેરવી કરકરું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”) વ્યાસના ગોળકાર બનાવીને તેને દબાવીને વડા તૈયાર કરો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, એક સાથે થોડા-થોડા વડાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તરત જ લીલી ચટણી સાથે પીરસો.

પાલખના પકોડા

સામગ્રી: પાલખના પાન, ચણાનો લોટ, અજમો, થોડા સફેદ તલ, ચપટી હીંગ, આદુ-મરચાંની પેસ્ટ, સોડા ખાર, ચાટ મસાલો, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત: પાલખના પાનની દાંડીઓ તોડી લો. બધાં પાનને સરખાં પાણીમાં ધોઈને પેપર પર મૂકીને પાણી નિતારી લો. પકોડા માટે ખીરૂં બનાવવા માટે ચણાના લોટમાં થોડો અજમો, થોડા સફેદ તલ, ચપટી હીંગ, આદુ-મરચાંની પેસ્ટ (તમે ઈચ્છો તો લાલ મરચાં પાવડર પણ ઉમેરી શકો છો), મીઠું સ્વાદાનુસાર, ચપટી સોડા ખાર લઈ બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી ખીરૂં બનાવો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પાલખનાં એક-એક પાન લઈ ખીરામાં બોળીને તેલમાં તળી લો. બધાં ભજીયા તૈયાર થાય એટલે પ્લેટમાં મૂકતી વખતે દરેક ભજીયા પર ચાટ મસાલો છાંટી દો. આ ભજીયા લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

***