Dhiraj books and stories free download online pdf in Gujarati

ધીરજ

નવલિકા

ધીરજ

યશવંત ઠક્કર

ઈશ્વરકાકાને લકવો થઈ ગયો. એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું. મગજને પણ થોડીક અસર થઈ ગઈ. એમના પરિવારને અમેરિકા જવાને એક મહિનાની વાર હતી ને આવું થઈ ગયું.

સુમનકાકી અને મહેશભાઈ બંને માદીકરાએ ઈશ્વરકાકાની સારવાર શહેરના જાણીતા ડૉકટર વસાણી પાસે કરાવી. માદીકરાએ પણ ઈશ્વરકાકાની સારી સેવા કરી. એમણે માનેલું કે એક મહિનામાં તો ઈશ્વરકાકાને ઘણોખરો ફેર પડી જશે અને એમના પરિવારને અમેરિકા જવામાં વાંધો નહિ આવે. પરંતુ એક મહિનો પૂરો થવા આવ્યો ત્યારે એમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને આખા પરિવારે અમેરિકા જવાનું બંધ રાખ્યું. ઈશ્વરકાકાના લકવા સામે અમેરિકા જવાનો કાર્યક્રમ હારી ગયો.

મહેશભાઈએ એમના પિતાજીની સારવારમાં કશી કચાશ રાખી ન હતી, છતાંય એમના પિતાજીને સંપૂર્ણ ફેર ન પડ્યો, તેથી મહેશભાઈ ખૂબ જ વ્યથિત થઈ ગયા. એમનું અમેરિકા જવાનું સપનું પૂતળું બનીને ઊભું રહી ગયું.

ડૉક્ટર વસાણીએ મહેશભાઈને આશ્વસન આપતાં કહ્યું હતું કે, ‘તમારા પપ્પાને સમયસર સારવાર મળવાથી તેઓ બચી ગયા છે. ભગવાનની એટલી કૃપા માનજો. હવે તમારા પપ્પાને ધીરે ધીરે સારું થતું જશે. આવાં કેસમાં દર્દીએ અને દર્દીના પરિવારે ખૂબ જ ધીરજ રાખવી પડે છે.’

મહેશભાઈને વિચાર આવ્યો: ‘ધીરજ રાખવાની સલાહ આપવી કેટલી સહેલી છે! પરંતુ ધીરજ રાખવી કેટલી અઘરી છે. અમેરિકા જવાનો પહેલી વખત વિચાર આવ્યો ત્યારથી તે આજસુધી ઓછી ધીરજ રાખી છે! સરકારી અધિકારીઓએ ઓછી ધીરજ રખાવી છે! ધીરજનાં ફળ ચાખવાનો સમય આવ્યો ત્યાં તો પાછી ધીરજ!’

ઈશ્વરકાકાને દવાખાનામાંથી રજા તો મળી ગઈ, પરંતુ એમને રેઢા રખાય એમ નહોતું. તેઓ ટેકા વગર ચાલી શકે એમ નહોતા, તેઓ જાતે ખાઈ શકતા નહોતા, કપડાં પણ મહેશભાઈની મદદ વગર બદલાવી શકતા નહોતા. તેઓ ક્યારે શું બોલે અને શું કરે એ નક્કી નહોતું. આ રીતે મહેશભાઈના પરિવાર પર સામટા બે આઘાત આવી પડ્યા. એક આઘાત એ કે એમનાં પિતાજીને લકવો થઈ ગયો અને બીજો આઘાત એ કે એમના પરિવારનું અમેરિકા જવાનું બંધ રહ્યું. પરિવારના બધા સભ્યોના દેહ ભારતમાં હતા, પરંતુ એમનાં મન અમેરિકામાં હતાં.

મહેશભાઈના મોટાભાઈ રાવજીભાઈ વર્ષોથી અમેરિકામાં હતા. એમણે જ મહેશભાઈના પરિવારને અમેરકા તેડાવ્યું હતું. ઈશ્વરકાકાની તબિયત બગડી એ દિવસોમાં રાવજીભાઈ રોજ મહેશભાઈને ફોન કરતા, પરંતુ સમય જતાં તેઓ અઠવાડિયે એકાદ વખત જ ફોન કરવા લાગ્યા. પહેલાં રાવજીભાઈ મહેશભાઈને ફોન કરતા ત્યારે એમનો મુખ્ય પ્રશ્ન એ રહેતો કે, ‘ક્યારે આવો છો?’ ઈશ્વરકાકાની તબિયત બગડ્યા પછી એમનો મુખ્ય એ રહેવા લાગ્યો કે, ‘પપ્પાને કેમ છે?’ એ પ્રશ્નનો જવાબ આપતી વખતે મહેશભાઈ રડી પડતા. રાવજીભાઈ આશ્વાસન આપતા કે: ‘ધીરજ રાખો. બધું બરાબર થઈ જશે. દરેક વાતમાં આપણી ઉતાવળ કામ ન લાગે.’

એક દિવસ મહેશભાઈની ધીરજ ખૂટી ગઈ. એમણે સુમનકાકીને કહી દીધું કે: ‘મમ્મી, મારા પપ્પાને જલ્દી સારું થાય એવું લાગતું નથી. હું, કુસુમ અને છોકરાં અમેરિકા જતાં રહીએ. તું અહીં મારા પપ્પા પાસે રહે.’

‘મહેશ દીકરા, તને આવું કહેતાં શરમ નથી આવતી? હું એકલી તારા પપ્પા પાસે રહું? મને તો વાંધો નથી, પણ તારા પપ્પાને કશું થઈ જશે તો હું એકલી શું કરીશ? મારી પાસે કોઈ તો જોઈએને? આમ, માબાપને એકલાં મૂકીને જતા રહેશો તો દુનિયા શું કહેશે?’

‘પણ અમારે ક્યાં સુધી અહીં પડ્યા રહેવું? મહેશભાઈએ કહ્યું.

‘ધીરજ રાખ. જયારે જે થવાનું હશે એ થશે. આપણી ઉતાવળ કામ લાગવાની નથી. અમેરિકા જવાનું થાય ત્યારની વાત ત્યારે. ત્યાં સુધી તું કશો કામધંધો કર. બેઠાં બેઠાં તો જેટલા રૂપિયા હશે એટલા વપરાઈ જશે.’ સુમનકાકીએ જવાબ આપ્યો.’

મહેશભાઈનું મન કોઈ કામમાં પરોવાતું નહોતું. ખેતર વેચી નાખ્યું હતું. એ પૈસામાંથી ઘર ચાલતું હતું. એમની ગણતરી એવી હતી કે, ‘પૈસા ખલાસ થતાં પહેલાં આપણે અમેરિકા પહોંચી જઈશું.’ એમની ગણતરી ખોટી પડે એવા સંજોગો ઊભા થયા હતા.

મહેશભાઈનાં છોકરાંને પણ દેશની માયા રહી નહોતી. ‘આપણે તો અમેરિકા જવાનું છેને.’ એમ માનીને બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવા લાગ્યાં હતાં. સુમનકાકી પણ ઘરની બહાર બહુ નીકળી શકતાં નહોતાં. એમનું દેવદર્શને જવાનું ઓછું થઈ ગયું હતું. ઈશ્વરકાકાની ખબર કાઢવા માટે કોણ ક્યારે આવી ચડે એ નક્કી નહોતું. જાણે લકવો માત્ર ઈશ્વરકાકાને જ નહિ. અખા પરિવારને થઈ ગયો હતો.

એક દિવસે સુમનકાકી રસોડામાં કુસુમને મદદ કરતાં હતાં અને મહેશભાઈ બેંકમાં ગયા હતા ત્યારે ઈશ્વરકાકા દીવાલના ટેકે ઘરની બહાર નીકળી ગયા. સોસાયટીના નાકા સુધી પહોંચીને તેઓ પડી ગયા. એ દરમ્યાન સુમનકાકી ઈશ્વરકાકાના ઓરડામાં ગયાં અને ઈશ્વરકાકાનો પલંગ ખલી જોઈને ગભરાયાં. એમણે બૂમ પાડીને કુસુમને બોલાવી. તેઓ બંને બાથરૂમ અને વરંડામાં તપાસ કરતાં હતાં ત્યાં તો કેટલાક છોકરાઓ ખબર લાવ્યાં કે, ‘ઈશ્વરકાકા સોસાયટીના નાકે પડી ગયા છે.’ સાસુવહુ ઘર ખુલ્લું મૂકીને દોડ્યાં.

સોસાયટીના નાકે લોકો ભેગા થઈ ગયા હતા. તેઓ ઘરના વડીલની સંભાળ કેવી રીતે રખાય એ વિષે વાતો કરી રહ્યા હતા. એમનાં એક બે આકરાં વેણ સુમનકાકીના કાને પણ પડ્યાં. સુમનકાકીને ઈશ્વરકાકા પર ઘણો ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ બધાની વચ્ચે ચૂપ રહ્યાં.

ઈશ્વરકાકાને ઘરે લાવીને પલંગ પર સુવડાવ્યા પછી સુમનકાકીએ એમને ઠપકો આપ્યો: ‘આવું કેમ કરો છો? તમને કશું થઈ જશે તો?’

‘મને ક્યાં કશું થાય છે? મને કશું થાય તો તો હું પણ છૂટું અને તમે બધાં પણ અમેરિકા ભેગાં થઈ શકો. મારે લીધે તમારાં બધાંનું અટક્યું છે એ હું જાણું છું. પણ મારી તમને રજા છે. જાઓ બધાં અમેરિકા ભેગાં થઈ જાઓ. મને આ દેશમાં એકલો પડ્યો રહેવા દો. મોત આજે નહિ તો કાલે આવશે જ ને?’ ઈશ્વરકાકા ત્રૂટક ત્રૂટક બોલ્યા.

ઈશ્વરકાકાનાં વેણ સાંભળીને સુમનકાકી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. મહેશભાઈ ઘરે આવ્યા, આખા બનાવ વિષે સાંભળીને તેઓ ઈશ્વરકાકા પર ગુસ્સે થયા. કુસુમે એમને શાંત પાડ્યા.

સુમનકાકીએ ઈશ્વરકાકાને સમજાવ્યા કે: ‘અમારા માટે તમારાથી વિશેષ શું છે? હવેથી આડુંઅવળું બોલશો નહિ. અમને કેટલું દુઃખ થાય છે એનો વિચાર તો કરો.’

‘આડુંઅવળું નહિ બોલું, પણ ડૉક્ટરને કહો કે, મને કાં તો જિંદગી આપે કાં તો મોત આપે. આ લાચારી મારાથી સહન નથી થતી.’ બોલતાં બોલતાં તો ઈશ્વરકાકા પણ રડી પડ્યા. ક્યારેક વાડી અને ખેતરમાં મહેનત કરનારા અને કરાવનારા ખેડૂત માણસને શહેરની એક ઓરડીમાં ઢગલો થઈને પડી રહેવાનો વખત આવ્યો હતો.

એ દિવસથી મહેશભાઈના પરિવારે ઈશ્વરકાકા સાવ એકલા છોડવાનું બંધ કર્યું. પરિવારના સભ્યોએ ઈશ્વરકાકાની હાજરીમાં અમેરિકાનું નામ લેવાનું પણ બંધ કર્યું.

થોડા દિવસો પછી ઈશ્વરકાકાની તબિયત વધારે બગડી. તેઓ બેભાન થઈ ગયા. મહેશભાઈ અને સુમનકાકી એમને તાત્કાલિક દવાખાને લઈ ગયાં. ડૉક્ટર વસાણીએ સારવાર શરૂ કર્યા પછી કહી દીધું: ‘કેસ સીરિઅસ છે. બને એટલી કોશિશ કરીશું. પછી તો જેવી ભગવાનની મરજી.’

‘ભગવાનની મરજી શું હશે?’ મહેશભાઈ વિચારવા લાગ્યા. સુમનકાકીએ કહ્યું: ‘મહેશ, તારા પપ્પાની તબિયત આ વખતે દગો દઈ દેશે એવું લાગે છે. તું સગાંવહાલાંને ફોન કરીને તેડાવી લે.’

મહેશભાઈએ નજીકનાં સગાંવહાલાંને ફોન કરીને જાણ કરી દીધી. એમણે અમેરિકા રાવજીભાઈને પણ ફોન કરી દીધો. સગાંવહાલાં એક પછી એક દવાખાને આવવા લાગ્યાં. ડૉક્ટર અને નર્સોની દોડધામ થતી રહી. દવા અને ઇન્જેકશનો મંગાવાતાં રહ્યાં. આશ્વાસન અને હિમ્મત અપાતાં રહ્યાં. ટિફિન આવતાં રહ્યાં. સગાંવહાલાં અને મિત્રો ટોળે વળતાં રહ્યાં. ચાનાસ્તો થતાં રહ્યાં અને ચર્ચાઓ પણ થતી રહી. આવી રીતે બે દિવસ પસાર થઈ ગયા પછી ડૉક્ટર વસાણીએ મહેશભાઈને શુભ સમાચાર આપ્યા કે: ‘મહેશભાઈ, તમે નસીબદાર છો. તમારા પપ્પા બચી ગયા છે.’

મહેશભાઈ ડૉક્ટરનો આભાર પણ ન માની શક્યા. એમના મનમાં અમેરિકા જવાની ઇચ્છાએ ફરીથી ઉછાળો માર્યો હતો. સુમનકાકીએ પણ મહેશભાઈને થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે: ‘મહેશ, મને લાગે છે કે આ વખતે તારા પપ્પા મુકત થઇ જશે. બહુ પીડાયા, હવે છૂટે તો ભાગ્યશાળી.’

પરંતુ ઈશ્વરકાકા ભગ્યશાળી ન થયા. તેઓ ભાનમાં આવ્યા પછી બોલ્યા: ‘મને શા માટે બચાવ્યો? મારે લીધે આ બધાનું અમેરિકા જવાનું અટક્યું છે.’

ડૉક્ટરે કહ્યું: ‘કાકા, બધાંની સાથે તમારે પણ અમેરિકા જવાનું છે. તમે મનથી નક્કી કરશો તો તમે પણ જલ્દી સારા થઈ જશો અને અમેરિકા પણ જશો. બધો આધાર તમારા પર છે. હવે પછી આવી વાત કરશો નહિ. તમે આવું બોલો છો તો તમારા પરિવારને તો દુઃખ થાય જ છે, એક ડૉક્ટર તરીકે મને પણ દુઃખ થાય છે.’

ડૉક્ટરે મહેશભાઈને એકાંતમાં સલાહ આપી: ‘મહેશભાઈ, તમારા પપ્પાને એમ લાગે છે કે એમને લીધે તમારા બધાનું અમેરિકા જવાનું અટક્યું છે. એમના મનમાંથી આ વાત નીકળી જવી જોઈએ. એ કામ તમે લોકો જ કરી શકો. તમે જ એમનો આત્મવિશ્વાસ વધારી શકો. એમનો આત્મવિશ્વાસ વધશે તો દવા અને સારવારની પણ ઝડપી અસર થશે. બાકી, તમારા પપ્પાને ખાતર તમારે અમેરિકા જવાનું બંધ રાખવું પડે તો એ પણ તમારી ફરજ છે.’

મહેશભાઈને લાગ્યું કે: ‘ડૉક્ટર મારા પપ્પાની સાથે સાથે મારી પણ સારવાર કરી રહ્યા છે.’

ડૉક્ટરના ગયા પછી મહેશભાઈ ક્યાંય સુધી એકલા બેઠા બેઠા વિચારતા રહ્યા અને છેવટે એક મજબૂત ઇરાદા સાથે ઊભા થયા. તેઓ દવાખાનાની બહાર નીકળ્યા.

તેઓ દવાખાનામાં પાછા ફર્યા ત્યારે એમના હાથમાં એક ગુલદસ્તો હતો અને એમના ચહેરા પર પ્રસન્નતા હતી. તેઓ ઈશ્વરકાકાના હાથમાં ગુલદસ્તો મૂકીને બોલ્યા: ‘પપ્પા, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી તબિયતમાં ઝડપથી ફેર પડી રહ્યો છે. બધું સારું થશે. તમે ચિંતા ન કરશો. તમે ખુશ હશો તો અમે બધાં ખુશ રહીશું. અમારી ખુશીનો આધાર તમારા પર છે.’ મહેશભાઈ વધારે બોલી ન શક્યા.

ઈશ્વરકાકાની આંખોમાં આંસુ છલકાયાં, ખુશીનાં!