Sarnamu books and stories free download online pdf in Gujarati

સરનામું...

સરનામું

શામળાજી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ એટલે, સાહિત્ય, સંસ્કૃતિ અને શિષ્ટાચાર નો ત્રિવેણી સંગમ ત્યાંના શિક્ષકોને જ્ઞાન-ગણિત પછી પરંતુ આ ત્રણેયનો અભ્યાસ પહેલા કરાવવાનો આગ્રહ રખાવવામાં આવતો. ગાંધીનગરના ડભોડા ગામની કોઈ વેરાન જગ્યામાં ફૂટેલા રાફડાની માટી માંથી કુંભાર રાતાચોળ અને મજબુત માટલાઓ ઘડે એમ શામળાજીના વિદ્યાર્થીઓનું ઘડતર થતું. નવા વર્ષના એડમિશનો આવી ગયેલા અને શિક્ષકોની કામગીરી ધમધોકાર શરુ થઇ ગઈ. આવેલા નવા ઘાણ માં ઘણી બધી વેરાયટીઓ હતી. કોઈ હોશિયાર, કોઈ ઠોઠ, ઉપરાંત આવેલા નવા ઘાણ માં એક કલાકાર પણ હતો. કેશવ !

કેશવમાં નાનપણ થી જ વાંસ ના પોલાણમાંથી સુરો શોધી લાવવાની કળા હતી. નાનપણમાં ર્મા પાસે એનાં રમકડા ખરીદવાના પૈસા નહોતા. એટલે વાંસના કટકા માંથી વાંસળી જેવું રમકડું બનાવી દીધેલું, એમાં ફૂંકો મારી જુદા જુદા રાગ છેડતો. પણ આજે એ વાંસ ના ટુકડાને જ એણે પોતાની કલાકારી માની લીધેલી. હંમેશા સાથે વાંસળી રાખતો. મિત્રોની જુદા જુદા ગીતોની ફરમાઇશો પૂરી કરીને એણે ખુબ મોટું ફેન ફોલોવિંગ ઉભું કરેલું. અને સ્કુલનું નામ ઉજળું કરે એવા વિદ્યાર્થીઓની શિક્ષકોને પણ શોધ હતી. પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલે કેશવને ઉભો કર્યો, કેશવ ગામડાની શાળામાં ભણેલો અને ભોળો હતો એટલે હાઇસ્કુલ ના હાઈ શબ્દે જ ગભરાટમાં મૂકી દીધેલો. શરીરની ધ્રુજારી અને શાંત વાંસળી લઈને સ્ટેજ પર પહોચ્યો. પ્રિન્સિપાલે એનો પરિચય વિદ્યાર્થીઓને આપ્યો ખરેખર એનાં પરિચયની જરૂર પણ નહોતી. કેશવ વાંસળી વાદકના નામથી જ તાળીઓ પડતી. એક બાજુના વિભાગમાં છોકરીઓ અને બીજી બાજુમાં છોકરાઓ ગોઠવાયા હતા, હોશિયાર અને આત્મવિશ્વાસુ વિદ્યાર્થીઓ આગળ બેસતાં અને અભ્યાસે થોડા નબળા વિદ્યાર્થીઓ પાછળ બેસવાનું પસંદ કરતા. કેશવે માઈક ને નજીક લાવી ચકાસ્યું. નમસ્કાર બોલીને શ્રોતાઓની પરવાનગી માંગી. કેશવે વાંસળી વગાડવાનું શરુ કર્યું, એની ર્મા હંમેશા એક ગીત ગણગણતી “આજા રે મેંતો કબ સે ખડી ઇસ પાર કે અંખિયા થક ગઈ પંથ નિહાર..” એટલે કેશવે આ ગીતનો અભ્યાસ વધુ કરેલો અને આ ગીતના સુર પર તેને વધુ ભરોસો હતો. વાંસળી ના સૂરથી કેશવે બધાને મંત્ર મુગ્ધ કરી દીધેલા. જેમ મોગરાની સુગંધ આખાય બગીચામાં અલગ તરે એમ એનાં સુર બહાર બેઠેલા પટ્ટાવાળા ને પણ અંદર આવતાં ન રોકી શક્યા. શરુ વાંસળીએ અર્થશાસ્ત્રના શિક્ષક મનોહરભાઈ ઉભા થયા, કેશવને ડીસ્ટર્બન્સ થયું પણ આંખો બંધ કરીને એણે શરુ રાખ્યું! મનોહરભાઈ બીજી હરોળમાં બેઠેલી છોકરી કે જે સુઈ ગયેલી એને તપાસવા પહોચ્યા. મનોહર ભાઈએ એનાં માથે હાથ મુકતાની સાથે જ તે થોડી ડરી ગઈ, મનોહર ભાઈએ પૂછ્યું, ‘તબિયત તો ઠીક છે ને?’ છોકરીએ માથું ધુણાવ્યું. મનોહર ભાઈએ નામ પૂછ્યું તો તેણીએ કપાળની ચામડી ઉંચી કરી “મૈત્રી” જણાવ્યું.

કેશવે ગીત પૂરું કરી બન્ને હાથ વચ્ચે વાંસળી રાખીને, હાથ જોડી આભાર વ્યક્ત કર્યો. કેશવની વાંસળી, શિક્ષકો થી માંડીને પટ્ટાવાળા સુધીના લોકોનું વ્યસન બની ચુક્યું હતું. કેશવ જ્યાં ઉભો હોય ત્યાં વિદ્યાર્થીઓનું ટોળું હોય. કેશવ પણ પોતાની વાંસળીના સુર ને વારેવારે છેડીને વાંસળી નું મહત્વ ઘટાડતો નહિ, માત્ર પ્રાર્થના સભામાં જ વાંસળી વગાડતો. સંગીત અને સાહિત્યની દેવી ર્મા સરસ્વતીના ચરણોમાં પોતાની ધૂન દરરોજ પુષ્પોની જેમ અર્પણ કરતો. ક્યારેક કવિતાઓ, ક્યારેક ફિલ્મી ગીતોથી શાળાના વાતાવરણને વૃંદાવન બનાવી દેતો.પણ મૈત્રીને વાંસળી ના સુર સંભાળતા જ ઊંઘ આવવા લાગતી. જેવી કેશવ વાંસળીની ધૂન છેડે કે તરત જ મૈત્રીનું મસ્તક આગળ બેઠેલી છોકરીની પીઠ પર અથડાતું. વાંસળી અને એની ઊંઘ જાણે સમોવડી બહેનો થઇ ગયેલી. મનોહર સાહેબ દરવખતે એની પાસે જવાનું ટાળતા. એક સ્ત્રીને વારે વારે મેન્શન કરી શરમ માં પાડવાનું એને બરોબર ન લાગ્યું. કેશવને લાગતું કે આને મારી વાંસળીના સુર ગમતા નહિ હોય, શા માટે નહિ ગમતા હોય એ પૂછવા કેશવ શાળામાં એને શોધતો.

કેશવ લાઈબ્રેરીમાં પોતાનું નવું ખાતું પડાવવા પહોચ્યો. શાળાનું પુસ્તકાલય નવા જુના લેખક-કવિઓના પુસ્તકોથી ભરચક હતું. ખાતું ખોલનાર વિદ્યાર્થીનીએ ચહેરો જોઇને જ નામ નોંધી લીધું. કેશવને આ વાતનો ગર્વ હતો.પહેલું પુસ્તક કનૈયાલાલ મુનશી નું ખેંચ્યું. ત્યાં જ પાછળની તરફ ગીતાજીમાં પોતાના પ્રશ્નોના જવાબ શોધતી મૈત્રી ને જોઈ. કેશવે મૈત્રીનો ચહેરો પૂરો દેખાય એ માટે મુનશીજી નું બીજું પુસ્તક ખેંચ્યું. કેશવે કરેલી જગ્યા માંથી ઉત્સુકતાથી મૈત્રીને પૂછ્યું,” શા માટે હું વાંસળી વગાડું ત્યારે જ સુઈ જાવ છો? પણ મૈત્રી હજી કાઈ જવાબ આપે એ પહેલા જ રીસેસ પૂરી થયાનો બેલ પડી ગયો. મૈત્રી ત્યાં થી ચાલી જાય છે. કેશવને એનો વર્તાવ થોડો અજુગતો લાગતો, એનું જવાબ આપ્યા વગર જવું કેશવને ખૂંચ્યું. કેશવને મૈત્રી બીજી છોકરી કરતા અલગ લાગેલી, એટલે જ મૈત્રી ગમવા લાગેલી. એની વાંસળીની ધૂનમાં બીજાની કેટલી તાળીઓ પડે છે, એનાં કરતા મૈત્રીના રીએક્શનમાં વધુ રસ હતો. દિવસો વીતવા લાગ્યા અને એચ.એસ.સી ની પરીક્ષા પણ નજીક આવવા લાગી. પરીક્ષા નો માહોલ શરુ થતા પ્રાર્થના સભામાં મનોરંજન પણ ઘટવા લાગ્યું. વિદ્યાર્થીઓ પરીક્ષા જવાની અને વેકેશન આવવાની રાહ જોવા લાગ્યા. વિદ્યાર્થીઓની આકરી તપસ્યા ની સાથે વિષયોની સાત પ્રદક્ષિણા પણ પૂર્ણ થઇ. શિક્ષકો એ વિદ્યાર્થીઓનો વિદાય સમાંરભ પણ ગોઠવ્યો હતો. શાળાનો આ એકમાત્ર પ્રસંગ હતો, જેમાં વિદ્યાર્થીઓ ના ચહેરા પડી ગયેલા હતા. કેશવ ને પણ કૈક અધૂરું મૂકી ને જતો હોય એવું લાગતું હતું. મૈત્રીને હવે ફરી પાછી નહિ જોવાનો વસવસો હતો. કેશવ વાંસળીના છિદ્રો પર આંગળીઓ ફેરવતો ફેરવતો સભામાં બેસી ગયો. દરેક શિક્ષકો પોતાના અનુભવો વર્ણવ્યા. જોક અને મોટીવેશનની વાતો કરીને વિદ્યાર્થીઓ ને ઉત્સાહમાં લાવવાનો પ્રયાસ કરતા હતા, જેમ ફૂલોના વેપારી ફૂલો પર પાણી છાંટે એમ.!

અંતે વાંસળી વાદક કેશવના નામની ઘોષણા થઇ, કેશવ સ્ટેજ પર પહોચ્યો અને ફિલ્મ પતિતા નું ગીત “યાદ કિયા દિલને કહા હો તુમ..” ની ધૂન વગાડી. ગીત પૂરું થાય અને તાળીઓ પડે એટલે તરત જ બીજું ગીત, ત્રીજું ગીત વગાડતો ગયો. પ્રાર્થના હોલમાં જાણે સુરોનો સ્ટોક થઇ ગયેલો. મૈત્રી તો દરવખતે ની જેમ એની ઊંઘમાં મસ્ત હતી. મૈત્રી માટે તો પ્રાર્થના સભાની ઊંઘ અને સુર નું મિલન છેલ્લું હતું. ગીત પૂરું થતા જ આગળ બેઠેલી છોકરીએ તાળી પાડી એટલે એનાં થડકા થી મૈત્રી જાગી. કેશવે સ્ટેજ છોડતી વખતે મૈત્રી પર ત્રાસી નજર કરી, એની નજર સૂચવતી હતી કે આજ પછી મારી વાસળી તને ક્યારેય નહિ સતાવે. શાળાના પ્રિન્સિપાલે આભારવિધિ માટે વક્તવ્ય શરુ કર્યું. એ અરસામાં કેશવે નોટપેન લઈને મૈત્રી માટે પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે, “ મારી વાંસળીના સુર તને કેમ પસંદ નથી એ તો ખબર નથી પણ વાંસળી વગાડનાર ને તું ખુબ જ પસંદ આવી છો, શરુ વાંસળીએ તને હંમેશા પ્રશ્નો કર્યા છે, તારી ઊંઘે તને એ પ્રશ્નો સંભળાવા નથી દીધા. હું તને મારી વાંસળીની જેમ જીવન સંગીની બનાવવા માંગું છું.-કેશવ.

પત્ર લખી મૈત્રીને જોતા જ આપી શકે એ રીતે શર્ટના ખિસ્સા માં મુક્યો. કાર્યક્રમ પૂરો થયો વિદ્યાર્થીઓ એ શાળા માંથી વિદાય લીધી. કેશવની નજર રંગ-બેરંગી ટોળામાં પોતાની રાધાને શોધતી રહી. પણ મૈત્રી ક્યાંય ન દેખાઈ. કેશવે એ પત્ર એની બહેનપણી દ્વારા મૈત્રી સુધી પહોચાડવાનો અવિશ્વાસુ પ્રયાસ કર્યો. એ સીવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. કેશવે શાળાનું કેમ્પસ છોડી દીધું, કેશવ પાસે હવે વાંસળી વગાડવાનું કારણ પણ નહોતું બચ્યું. કોલેજમાં એડમીશન લઇ ડીગ્રી મેળવવાની દોડ માં લાગી ગયો. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતો ગયો. વર્ષો થી આટલા બધા લોકો નું મનોરંજન કર્યું હતું એનાં પુણ્યફળ રૂપે એને ગાંધીનગર મ્યુનીસીપલ માં કલાર્કની નોકરી મળી ગઈ. કેશવને નોકરી મળતા એની ર્મા ખુબ ખુશી થઇ. એની ચિંતા અને ગરીબી દુર થઇ ગઈ. કેશવના પિતાનું કેશવના જન્મના બે વર્ષ બાદ જ અસ્થમાં લીધે અવસાન થઇ ગયેલું. ર્મા એ પેટે પાટા બાંધીને કેશવને ઉછેર્યો હતો. હવે ખાલી કેશવના લગ્નની ચિંતા હતી. કેશવ માટે કન્યા શોધવા કેશવને જ્ઞાતિના મેળાવડા માં લઇને ફરતી. જાણ્યા-અજાણ્યા લોકો સાથે કેશવની સિદ્ધિની ઓળખાણ કરાવતી. છાપામાં પણ વર-કન્યા જોઈએ છે વિભાગમાં દરેક જાહેરાતમાં ફોન કર્યા કરતી. એકવાર કન્યા પક્ષે કેશવને ફોન પર રીજેક્ટ કર્યા પછી પણ ઘરે આવીને છોકરી જોવા માટે સહ પરિવાર આમંત્રણ આપ્યું. પરિવાર તો માત્ર બે જણાનો હતો એટલે સજી ધજીને નોંધેલા સરનામે પહોચ્યા. કુટુંબ પૈસે ટકે સારું છે એમ બતાવા દીકરી પક્ષે આગતા સ્વાગતા માટે ઘણી બધી તૈયારીઓ કરી નાખેલી. દસ ના ટકોરે મા-દીકરાએ ભાવી વેવાય નો ડોરબેલ વગાડ્યો. દીકરીના બાપે બન્ને ને અંદર બોલાવ્યા, અને ઘરની બહાર નજર કરી પણ ત્રીજું કોઈ દેખાયું નહિ. દુર દૂરની ઓળખાણોના સરવૈયા સામે સામે મેળવી ને એકબીજાએ સંતુષ્ટિ મેળવી. કેશવ માટે પહેલી વાર હતું એટલે ક્યારેક ટીપોઈ પર અને ક્યારેક દરવાજાની ઉપર ટાંગેલી ઘડિયાળ ને ઘૂર્યા કરતો. દીકરીના બાપે દીકરીને બોલાવવાના યોગ્ય સમય નું ભાન થતા દીકરીને ચા આપવા સાદ પાડ્યો, “ બેટા મૈત્રી..”

મૈત્રી શબ્દ સાંભળતા જ કેશવની અંદર નું વાતાવરણ ગરમાયું, ઘડિયાળથી નજર હટીને રસોડાના દરવાજા પર અટકી. ભીતરમાં ચુપ થઇ ગયેલી એ વાંસળીની ધૂન અને ઊંઘતો ચહેરો, સ્લાઈડ શો ની માફક ફરવા લાગ્યા. ઝાંઝરના છમ છમ અવાજ સંભળાવા લાગ્યા. રસોડા માંથી એજ મૈત્રી બહાર આવી જે ભૂતકાળમાં છુટી ગયેલી.! કેશવ ને જોતા જ મૈત્રીના પગ થંભી ગયા, એની ર્મા એ સહેજ પાછળ હાથ આપને આગળ જવા અપીલ કરી. મૈત્રીએ બન્ને ને ચા આપીને સામે બેઠી. કેશવને ચિંતા થઇ કે અભિમાની મૈત્રી મારું અને મારી ર્મા નું અપમાન ન કરે તો સારું. પણ મૈત્રી કઈ બોલી નહિ. કેશવની ર્મા દ્વારા પુછાયેલા પ્રશ્નો માત્ર એની ગરદન જ આપતી હતી.

મૈત્રીના પિતાએ બન્ને ને એકાંતમાં વાતો કરવા પરવાનગી આપી. એક રૂમમાં પહેલે થી જ બે સામે સામે ખુરશીઓ ગોઠવેલી હતી. કેશવ અને મૈત્રી આજે ફેસ ટુ ફેસ હતા. કેશવે બોલવાનું શરુ કર્યું, “ મને સહેજેય અંદાજ નહોતો કે આ તારું જ ઘર હશે, મને થોડી વાર માટે લાગ્ય કે તું હમણાં અમારું અપમાન કરીશ. કારણ કે હું તને પસંદ જ નહોતો.. તને મારી વાંસળી ના સુર ગમતા જ હોત તો મારા પત્રનો..

“ક્યાં સરનામે જવાબ આપું?” મૈત્રી એ કેશવ ને અટકાવીને પૂછ્યું.

મૈત્રીના આ સવાલે કેશવને ફ્લેશ બેક માં સેરવી દીધો, પોતાની જાતને તપાસવા લાગ્યો, પત્રના શબ્દે શબ્દને પૂછવા લાગ્યો કે શું પત્રમાં મેં સરનામું લખેલુ? મૈત્રી એ કોને ક્યાં જવાબ આપવાનો હતો.! મૌનથી થીજેલા વાતાવરણને તોડી મૈત્રીએ ફરી પૂછ્યું, “ તે મારા જવાબની વાટ ક્યાં જોઈ છે? તે મને પ્રશ્ન પૂછેલો કે મને વાંસળીની ધૂનમાં ઊંઘ કેમ આવી જાય છે, હું નાની હતી ત્યારે મારી ર્મા મને મીઠા હાલરડાં સંભળાવતી ત્યારથી જ મને સુર સાથે પ્રેમ થઇ ગયેલો. હું તારી ધૂનમાં ખોવાયેલી હતી, નહી કે નિંદ્રામાં !

કેશવ મૈત્રીને ગરમ ‘લુ’ જ સમજતો પણ એતો વરસતી ઝાંકળ નીકળી, અને ભરાયેલા મન થી માત્ર સોરી જ બોલી શક્યો. કેશવે મૈત્રીની આંખોમાં હંમેશા ઊંઘ જ જોયેલી, આજે આંસુનું ચોમાસું હતું. અને કેશવનું એજ સાચું સરનામું હતું.

- દિપક દવે