Tenu Sapnu books and stories free download online pdf in Gujarati

તેનું સપનું...

1 – તેનું સપનું...

રાતના સવા બે વાગ્યા હતા, પણ કંચનની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહતું. તેનું મન વ્યગ્ર હતું. આવતી કાલે તેની બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થવાનું હતું. અંધારા રૂમમાં તે બેડમાં આડી પડી હતી. ગુડ નાઈટની બત્તીનું આછું નારંગી અજવાળું આખા રૂમમાં પથરાતું હતું. ખુલ્લી આંખે તે છત પર ફરતા પંખાને તાકી રહી હતી. તેનું મન કશાક વિચારમાં ખોવાયેલું હતું. પરિણામ કેવું આવશે એના ફફડાટ કરતાં તો તેણે મનમાં દબાવી રાખેલી એક વાત પપ્પાને કહેવાનો ડર તેની છાતીમાં સતત ઘૂંટાયે જતો હતો.

બેડમાં તે પડખા ઘસતી રહી પણ ઊંઘનું ઠેકાણું પડતું નહતું. તેણે બાજુમાં ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. અઢી વાગ્યા હતા. ઊંડો શ્વાસ ફેફસામાં ભરીને તે ધીમા અવાજે બબડી: “સાડા દસે વાગ્યે તો રિઝલ્ટ જાહેર થઈ જશે. રિઝલ્ટ તો જે આવવું હોય તે આવે, પણ પપ્પાને હું ગમે તે કરીને મનાઈ જ લઇશ. એ મારી વાતની બિલકુલ ના નહીં પાડે...”, તેણે બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને આંખો મીંચી, “…પ્લીઝ ગોડ! મારી પ્રાર્થના સ્વીકારી લેજો...”

બીજા દિવસે સવારે તે સાડા સાતે ઉઠી ગઈ. ફટાફટ તૈયાર થઈને કાગડોળે સાડા દસ થવાની રાહ દેખવા લાગી. પાડોશના ઘરે જઈને તેણે કોમ્પ્યુટરમાં બોર્ડની વેબસાઇટ ઓપન કરી. દસમાં ધોરણનું પરિણામ જાહેર થઇ ગયું હતું. એક્ઝામ નંબર ટાઈપ કરીને એન્ટર પ્રેસ કર્યું. સ્ક્રીન પર રિઝલ્ટનું વેબપેજ લોડ થયું. રિઝલ્ટ દેખીને તેના ચહેરા પર ખુશીના ભાવ ઉમટી પડ્યા. 94.7% દેખીને તેની આંખો ખુશીથી હસી પડી. ઉત્સાહિત ચહેરે દોડતી ઘરે જઈને તેણે ખુશખુશાલ સ્વરે રિઝલ્ટ જણાવ્યું. ખૂબ જ સરસ પરિણામ આવ્યાની ખુશાલી ઘરમાં બધાના ચહેરા પર વ્યાપી ગઈ. કંચને આડોશ-પાડોશમાં મીઠાઇ વહેંચી દરેકનું મોં ગળ્યું કરાવ્યું. અને બધાએ તેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી આર્શીવાદ આપ્યા. પણ કંચનના ચહેરા પર પેલી વાત પપ્પાને કહી દેવાનો ડર લીંપાઈ રહ્યો હતો.

કંચન ઘરે આવી. બપોરનું ભોજન જમી લઈ, તેણે એ વાત સોફામાં બેઠેલા પપ્પાને કહી દેવા હિંમત જૂટાવી. તેણે થોડાક ખચકાટભર્યા સ્વરે કહ્યું,

"પપ્પા, મારે મારું કરિયર મેડિકલ લાઇનમાં બનાવવું છે. હું વિજ્ઞાન પ્રવાહ પસંદ કરીશ..."

"વિજ્ઞાન પ્રવાહ...?? તને ખબર છે ડૉક્ટર બનવા કેટલા રૂપિયા ભરવા પડે છે!?" એમના અવાજમાં ચોખ્ખી ના હતી.

"પણ પપ્પા, મેડિકલ લાઇન માત્ર ડૉક્ટર બનવા માટે જ નથી હોતી, એમાં બીજા પ્રોફેશન પણ હોય છે, જેમકે...."

"હા હવે...! ખબર છે...!" હાકોટો પાડી તેને બોલતી અટકાવી દીધી, "મારે તારી કોઈ વાત સાંભળવી નથી. લાખો રૂપિયા ખર્ચી તારી કોલેજની ફી અને એડમિશન લેવાની આપણી ક્ષમતા નથી. ચાદર જોઈને પગ પહોળા કરાય, બેટા. પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા...!"

"પણ પપ્પા, હું ખૂબ મહેનત કરીને ગવર્નમેન્ટ કોલેજમાં..."

"કહ્યુંને મારે એ બાબતે કશુંયે નથી સાંભળવું...! તારે આર્ટ્સ કે કોમર્સ લાઇનમાંથી જે પસંદ કરવી હોય એ કરી દે! આ મારો ફાઇનલ નિર્ણય છે, સાંભળ્યું કે નઇ!?" ઊંચા કડક અવાજમાં ફેંસલો સંભળાવી દીધો.

"મમ્મી પ્લીઝ, તું તો કંઈક બોલ પપ્પાને..." તેણે આજીજીભર્યા સ્વરે કહ્યું.

"પણ બેટા, આર્ટ્સ કે કોમર્સ લાઇન લેવામાં તને વાંધો શું છે?"

"પણ મારે એમાં કરિયર બનાવવાની બિલકુલ ઈચ્છા જ નથી. મારે મેડિકલ લાઇનમાં જવું છે... પ્લીઝ મમ્મી...! તું પપ્પાની સાઈડ ના લઇશ...!" દુ:ખદ મુખભાવ સાથે કહ્યું.

"તારા પપ્પાનો એ નિર્ણય છે. એમાં હું શું કહું?" કહીને તે રસોડામાં ચાલી ગયા.

એ રાતે તે એના રૂમમાં દિલ ખોલીને રડી... એની તેજસ્વી આંખોમાં પનપતા સપનાઓ આંસુ બની વહી ગયા.

***

5 વર્ષ બાદ કંચનના લગ્નની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી હતી.

"તો... ટોટલ ફિગર કેટલું થાય છે? ગોલ્ડ અને દહેજ બંને ગણીને?" મમ્મીએ પૂછ્યું.

"અંદાજિત ફિગર 47 લાખ જેવુ થાય છે." તેમણે જવાબ આપ્યો.

"સરસ! લોન લઈને આટલા રૂપિયાની ગોઠવણી તો આપણાથી આસાનીથી થઈ જશે." આછા સ્મિત સાથે કહ્યું.

કંચન સોફામાં બેસી એમની વાતચીત સાંભળી રહી હતી. તેના લગ્નની ખુશીના ભાવ તેના ચહેરા પરથી ખોવાયેલા હતા. તેણે રોષે ભરાઈને દાંત ભીંસ્યા, અને મનમાં ગણગણી : ‘જો આટલા રૂપિયા મારા કરિયરમાં તમે ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે મેં આસાનીથી મારી મેડિકલની સ્ટડી પૂરી કરી દીધી હોત! પણ તમને મારું સુખી ભવિષ્ય માત્ર લગ્ન-જીવનમાં જ દેખાતું હતું, એનાથી આગળ કરિયર બનાવી સ્વનિર્ભર થવામાં નહીં!’

ખાળી ન શકાતા આંસુનો પ્રવાહ વહાવવા તે ઊભી થઈ બહાર ગાર્ડનમાં દોડી ગઈ...

***

2 – અગત્યના પેપર્સ

ભોંયતળિયે અગત્યના પેપર્સ અહીં-તહીં વિખરાયેલા હતા. પિતા એમના કામમાં વ્યસ્ત હતા. એમની નાની દીકરી ખુશખુશાલ ચહેરે હસતાં-કુદતાં એમના રૂમમાં પ્રવેશી.

“ડેડી, હું તમારા રૂમમાં રમુ?“ હાથમાં બાર્બી ડોલને તેડી તેણે પૂછ્યું.

“ના, ડેડી બીઝી છે. જાવ... બહાર જઈને રમો...” એની સામું જોયા વિના કામમાં ધ્યાન પરોવેલુ રાખ્યું.

“પણ ડેડી, હું તમને જરાયે ડિસ્ટર્બ નહીં કરું... આઈ પ્રોમિસ…!” પ્યારું મોઢું ફુલાવીને કહ્યું.

“ઓકે...! પણ કશું અડતી નહીં, શું કહ્યું...?”

“ઓકે ડેડી...”

કહીને તે એક ખૂણામાં બાર્બી ડોલને ખોળામાં લઈ, એને રમાડવા બેસી ગઈ. રમતા રમતા તે બાજુમાં પડેલા કાગળ પર કશુંક દોરવા-લખવા તે એના સ્ટડી રૂમમાંથી કલર પેન્સિલ ચૂપચાપ લઈ આવી. ડેડીએ કહેલાં શબ્દો તેનું બાળમન વિસરી ગયું હતું. એટ્લે એતો પેન લઈને કાગળના કોરા ભાગમાં મનમાં રચાયેલ દ્રશ્ય કે ભાવ પેન્સિલ થકી ઉતારવા લાગી...

કામ કરી રહેલા પિતાએ પંદરેક મિનિટ બાદ ગરદન રિલેક્સ કરવા ડોક ગુમાવી...અને દીકરીને કાગળ પર પેન્સિલ્સથી કશુંક ઘૂંટતા જોઈને ભડકી ઉઠ્યા!

“જીયા...!!” બૂમ પાડી તરત ઊભા થઈ ગયા.

દીકરીને એમનો ભારે અવાજ અને કડક મુખભાવ જોઈને તરત આંખમાં આંસુ આવી ગયા.

તેના પાસેથી કાગળ ખેંચી લઈ એક થપ્પડ તેને ચોડી દીધી, “તને કીધું હતું ને કોઈ વસ્તુને હાથ નહીં લગાડવાનો...! ખબર નથી પડતી તને...!”

તે મોં પહોળું કરી જોરથી રડવા લાગી. મમ્મી તરત જ દોડતી અંદર ધસી આવી. દીકરી તરત જ મમ્મીની સોડમાં ભરાઈ બંને હાથ તેની ફરતે વીંટી દીધા.

“જો અગત્યના પેપર્સ પર આને આ...” હાથમાં પકડેલા પેપરને જોઈ તે આગળ બોલતા અટકી ગયા. દીકરીએ એ કાગળમાં પપ્પાનો કાર્ટૂન જેવો ફોટો દોરી, બાજુમાં લખ્યું હતું :

“I LOVE MY DADDY VERY MUCH”

આ દેખીને તેમના ક્રોધિત મુખભાવ ક્ષણભરમાં બદલાઈ ગયા. મમ્મીની સોડમાં લપાઈને રડતી દીકરીને દેખી એમનું હૈયું ભાવુક થઈ ગયું. થપ્પડ મારી એ વાતનો પસ્તાવો મનમાં ડંખ દેવા લાગ્યો...

***

3 – ટાઈપ કર્યું, I Love You

એણે એની પત્ની માટે બ્રાન્ડ ન્યુ સ્માર્ટ ફોન ખરીધ્યો. પોતે ક્યારેક બહાર હોય ત્યારે કેવી રીતે મેસેજ કરવો, ફોન કરવો એ બધા બેઝિક ફીચર્સ તેની પત્નીને શીખવાડ્યા. થોડાક દિવસોમાં તે સ્માર્ટ ફોનના ફીચર્સ શીખી ગઈ.

સાંજનું ભોજન કર્યા બાદ, બંને ટીવી દેખતા હતા. તેણીની તેનો ફોન હાથમાં લઈ, કીબોર્ડ પર પહેલીવાર ટાઈપ કર્યું : ‘I Love You’. – મલકાતા હોઠ પર હથેળી દાબી દઈ તેણે સેન્ડ બટન પ્રેસ કરી દીધું...

બીજી જ સેકન્ડે તેના ફોનમાં મેસેજની ટોન રણકી...!

તે ચોરીછૂપી આંખના ખૂણેથી એમને જોઈ રહી હતી, અને બંધ હોઠમાં મલકાઈ રહી હતી.

તેણે તેનો ફોન લઈને મેસેજ વાંચ્યો. પત્ની તરફથી ‘I Love You’નો મેસેજ જોઈને તેના હોઠ પર પણ મીઠું સ્મિત મલકી પડ્યું. તેણે ‘I Love You too’ની સાથે ચૂમ્મી છોડતા હાર્ટ શેપનો ઇમોજી સેન્ડ કરી, તેની તરફ દેખીને બંને ભ્રમરો રોમેન્ટિક અંદાજમાં ઉછાળી...

તેણીના ચહેરા પર મલકાતા અને શરમાતા મુખભાવ રમી રહ્યા હતા.

તે તેની પત્નીની બાજુમાં જરાક સરકી, એનો કરચલીવાળો હાથ બંને હથેળી વચ્ચે સ્નેહથી દબાઈ લીધો. એંસીની ઉંમરનો ઉંબરો વટાવી ચૂકેલા બંને વૃદ્ધ હૈયા એ પળમાં યુવાન બની, શુદ્ધ પ્રેમના સમુદ્રમાં ગરકાવ થઈ ગયા.

સમય જરૂર બદલાયો હતો, પણ એ વૃદ્ધ યુગલનો પ્રેમ નહીં...

***

લેખક – પાર્થ ટોરોનીલ

‘101 માઇક્રો-ફ્રિક્શન વાર્તાઓ’ ebook એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ છે.