Bathroom Singarni vyatha-katha books and stories free download online pdf in Gujarati

બાથરૂમ સિંગરની વ્યથા-કથા

બાથરૂમ સિંગરની વ્યથા-કથા

ક્યારેક તો છાપામાંથી સાપોલીયાની માફક એવું ફરફરિયું નીકળે કે, સૂંઠ વગર કેરીનો રસ ઝાપટી લીધો હોય, એવો વાયુ મગજે ભરાય જાય. ‘ મા ચામુંડાના મહાન ઉપાસક અને પ્રખર જ્યોતિષ હમણાં જ હિમાલયથી પધાર્યા છે....! દુઃખ દર્દ પ્રેમભગ્નના જટિલ પ્રશ્નોનો ચપટીમાં નિકાલ કરવા માટે એકવાર પધારો....! ‘ એના કપાળમાં નાળિયેર ફોડું, હિમાલય તો નામ, બાકી ચાર ગરનાળા ગોઠવીને કોઈ જગ્યાએ રહેતો હોય ત્યાંથી જ આવ્યો હોય....!

આપણા ઇલમ ઊપર આપણને નાઝ નથી, એટલે આવાં બાવા ઈમ્પોર્ટ થાય. દુઃખ દર્દને ભગાડવા હોય તો, બાથરૂમ સિંગર બનો...! આપણે ત્યાં આજે એવાં એવાં બાથરૂમ સિંગરોનો સ્ટોક પડ્યો છે કે, ઉંચી તક જો એને મળે, તો મોટા કલાકારની છતને પણ એ તોડી નાંખે. સરવે કરવા જેવું નથી, બાકી કોઇપણ ઘરનું બાથરૂમ કે શૌચાલય એવુંનાહી હોય કે, જ્યાં ન્હાવા/ધોવા સાથે સંગીતની તાન નહિ છેડાય હોય..! જેમ હસ્યા વગરનો એકપણ મનુષ્ય નહિ મળે, એમ ગીતગુંજન વગરનું કોઈ બાથરૂમ કે શૌચાલય નહિ મળે. દર્દ ઉભરે જ તો એ લોકો આપઘાત નથી કરતાં, બાથરૂમમાં જઈને ગળા ખંખેરી આવે. એટલે માઈન્ડ હોય તો ‘ ડાઈવર્ટ’ થઈ જાય....! એટલે તો કોઈએ કહ્યું છે, ( ચમનિયાએ....! ) કે બાથરૂમ અને શૌચાલય એ બાથરૂમ સિંગરનું બાલમંદિર છે....! હસવાની વાત નથી યાર....? જીવવા માટે લાયક બનવું હોય, એમના માટે તો આ રામબાણ ઉપાય છે....! જેને “મરી જાઉં... મરી જાઉં” જેવાં જીવલેણ વિચાર જ આવતાં હોય, એમણે તો ઘરમાં ચાર/પાંચ બાથરૂમ રાખી ગાવાનું ચાલુ જ કરી દેવાનું. એક તો આપઘાત કરવાનો વિચાર ટળી જશે, ને બાથરૂમ સિંગરમાંથી ક્યારે પોપ સિંગર બની ગયો એની એને ખબર શુદ્ધાં પણ નહી પડે...! અજમાવી તો જુઓ....? આજે કમર્શિયલ જમાનામાં મફતમાં આવી ટીપ આપે પણ કોણ....? એકવાર જો બાથરૂમ સિંગર ‘ મેરે રસ્કે કમર ‘ ગાતો થઈ ગયો તો, ચેલેઈંજ દોસ્ત, ફરી મરવાનું નામ શુદ્ધાં નહિ લે...! ડોક્ટરની પણ બોચી પકડીને કહેશે, ‘ અપુનકો કોઈપણ ભોગે જીના હૈ ડોક્ટર...! યે બંદા ટપકના નહિ ચાહિયે....! ‘

બારાખડી નહિ આવડે તો તેલ પીવા ગઈ, સારેગમપધનીસા જો આવડી, તો આખી દુનિયા તેરી મુઠ્ઠીમેં....! સંગીતના જેવી કોઈપણ કલાના રવાડે એકવાર ચઢજો સાહેબ, મૃત્યુની તાકાત નહિ કે, એ આજુબાજુ ફરકે. ને ધારો કે ગયો, તો પણ મર્યા પછી લોકહૃદયમાં જીવતો રહે....! ભૂત તો થાય જ નહિ મામૂ....!

અલબત, બાજુવાળાનો ભરોસો નહિ. ઢંગધડા વગરના આપણા શરૂઆતના રાગડા સાંભળીને એ કદાચ આપઘાત કરવાનું વિચારે....! ક્યાં તો, પોતાના તબલા સારંગી ઊંચકીને, કોઈ નિર્જન ગુફામાં ચાલતી પણ પકડે....! જો કે, એ થઈ બે નંબરની વાત. બાકી આપણી વાતમાં શ્રદ્ધા બેઠી જ હોય, તો ૨૧ મી જૂનના દિવસે એક સુંદર યોગ આવે છે. જેમ સોના ચાંદીમાં પુષ્ય નક્ષત્ર આવે, એમ સંગીતની પીઠી ચઢાવવાનું મુહર્ત એટલે ૨૧ મી જૂન. આંતર રાષ્ટ્રીય સંગીતનો દિવસ. અને એક પર એક ફ્રી હોય તેમ યોગનો દિવસ પણ ખરો. સાથે વર્ષનો લાંબામાં લાંબો દિવસ એ બોનસ....! અધિક માસમાં જે લોકો ત્રિવેણી સંગમમાં ન્હાવા/ધોવાના રહી ગયાં હોય, તેમણે ૨૧ મી જુને આ ત્રિવેણી યોગમાં ન્હાય જ લેવું. કારણ સંગીત પણ એક યોગ છે. આટલા લાંબા થશો તો લાંબામાં લાંબા દિવસે લાંબા થયાની ઉજવણી કર્યાનું ફળ મળવાનું જ છે. શું કહો છો મામૂ....?

આ દિવસે બીજી કોઈ ખાસ ધાડ મારવાની નથી. કોઈનું પણ બાથરૂમ પકડીને ગાવા માટે માત્ર ગળું જ ખંખેરવા જવાનું. બાથરૂમ બને ત્યાં સુધી પોતાનું હોય તો, નૈસર્ગિક આનંદ આવે. ઘરમાં બાથરૂમ ના હોય તો, સરકારી શૌચાલયનો લાભ લઇ લેવાનો. પણ ડબલું પકડીને બહાર ઉભેલાનો સમય વીતી જાય ત્યાં સુધી ગળું નહિ ખંખેરવાનું. પરોપકારી પણ રહેવાનું. સંગીતનો ‘ સ્ટાર્ટ ‘ લેવા માટે, આના જેવો બીજો કોઈ ‘હોમ મેઇડ સ્ટુડીઓ’ નથી. એટલે કોઈપણ ભોગે ૨૧ મી જૂનને સંગીત વિના વ્યર્થ કાઢવી નહિ. બનવાજોગ છે કે, સંગીત સાંભળીને પાડોશી ગળું દબાવવા કદાચ આવે પણ ખરો, તો ગભરાવાનું મુદ્દલે નહિ. તમે શૌચાલયમાં હશો કે બાથરૂમમાં. તમારી સંમતી વિના એ અંદર ધસી તો આવવાનો નથી જ. બહુ અવાજ કરે તો કહી દેવાનું કે, આંતર રાષ્ટ્રીય સંગીત દિવસની ઉજવણી કરતાં રોકનારો તું કોણ....? બોલાવું કે નમો ને...?’ રાઉસ નહિ થાય તો કહેજો....! નહિ તો આ ગીત સંભળાવવાનું......

“ સંગીત હૈ શક્તિ ઈશ્‍વર કી, હર સુર મેં બસે હૈં રામ,

રાગી તો ગાએ રાગિની, ઔર રોગી કો મિલે આરામ

જો મામૂ....! આપણો દેશ તો ફળદ્રુપ દેશ છે. ને તે પણ માત્ર ઝાડપાલાનો કે ખેતીનો નહિ, ભેજામાં પણ ફળદ્રુપ. અહીના લોકોનું ભેજું માત્ર ચાલે જ નહિ, દૌડે પણ ખુબ ....! એટલે તો મોટાભાગના લોકો, ગાયક બનવા માટે, કોઈપણ ગુરૂની કંઠી બાંધતા પહેલાં, બાથરૂમ કે શૌચાલયમાં જ નેટ પ્રેક્ટીશ કરી જુએ. એમના બાથરૂમ/શૌચાલય એટલે, સાક્ષાત બાથરૂમ સિંગરનો હોમ મેઇડ સ્ટુડીઓ...! ધીરજ એ વાતે રાખવાની કે, પૃથ્વીના પટ ઉપર એવો કોઈ બાથરૂમ કે શૌચાલય નથી કે, જ્યાં કોઈએ એના ગળામાંથી કોઈ તાન ના છેડી હોય...! અમુક તો આપણને એવાં લાગે કે, જાણે ન્હાવા/ધોવા કરતાં, ગાવા માટે જ ધામા નાંખવા નહિ જતાં હોય....? એ લોકોને અગત્યનું ખંખેરવા કરતાં, ગળું ખંખેરવામાં જ જાણે નિજાનંદ આવે....! મારી આટલી વાત પછી કોઈ એવું રખે માને કે, ગામેગામ બાથરૂમ સિંગરો પેદા કરવા માટે જ સરકાર મફતમાં શૌચાલય બનાવી આપે છે. ચોખવટ કરવી સારી મામૂ....!

વાત પણ લાખ રૂપિયાની ને...? ગાવાની જેને ઉપડતી જ હોય એ માણસ બીજે જાય પણ ક્યાં ? વોશબેઝીન આગળ ઉભાં રહીને ભેંકડા થોડાં કઢાય...? ઉભાં રસોડા ઊપર બેસીને પણ નહિ ગવાય. બાથરૂમમાં સાબુ લઈને સ્નાન કરો કે ગીત ગાતાં સ્નાન કરો, શું ફરક પડવાનો...? મૂળ મુદ્દો તો એટલો જ ને કે, શરીર ચોખ્ખું થવું જોઈએ. ગાયન પૂરું નહિ થાય ત્યાં સુધી શરીર ઘસ બે ઘસ કરતાં જ હોય, પછી તાકાત છે મેલની કે તે ચામડી સાથે ચોંટેલો રહે ? પછી તો જેવું જેવું ગીત...! સાયગલના ગીત લલકારતો હોય તો, મેલ ઘીમે ધીમે પણ નીકળે. ને ફાસ્ટ સોંગ ગાતો હોય તો, એક જ બાલદીમાં બાર જણા પણ ન્હાય લે....!

રેડિયો કલાકારના નસીબમાં શ્રોતાના મોઢાં જોવાના આવતાં નથી. એવું જ બાથરૂમ સિંગરને...! એ જ શ્રોતા ને એ જ ગાયક. ગાતાં ગાતાં કદાચ કોઈનું મોઢું જોવાઈ પણ ગયું, તો ન્હાવાનું ચાલુ રાખે, ને ગાવાનું બંધ....! જયારે આંતર રાષ્ટ્રીય સંગીત દિવસ આવ્યો છે ત્યારે એક વાત કબૂલવી પડે કે, બાથરૂમ અને શૌચાલય શિખાઉ સિંગરનો મેનમેઇડ ટેમ્પરરી સ્ટુડીઓ. ને એમનું બાલમંદિર છે. એમની પ્રીમીલરી ટેસ્ટનું એ ઉતમ સ્થાળ છે.

સંગીત એ લોકજીવનનો શ્વાચ્છોશ્વાસ છે. જેમ શ્વાસ વિના જીવી ન શકાય, એમ સંગીત વિના જિંદગીને જીરવી ના શકાય. સંગીત તો જીવન જીવવાની બ્લ્યુ પ્રિન્ટ છે. દેશ વિદેશનાં ને પ્રદેશ પ્રદેશ પાસે સંગીતનો એવો માતબર ખજાનો છે કે, એના વિષે ગ્રંથ નહિ મહાગ્રંથ લખી શકાય. એના વિષે કહેવું એટલે, અગાશીમાં ઘોડા દોડાવવા જેટલું વિકટ અને બાથરૂમમાં બુલેટ દોડાવવા જેટલું કઠણ કામ છે. ઘાયલ સાહેબના શેરનું સાંધણ ટાંકીને છેલ્લે કહું તો,

સારા નરસાની ખબર નથી પણ, એટલું જણાવી દઉં `ઘાયલ’ કે જે આવે ગળામાં ઉલટથી, એ ગાઈ જવામાં લિજ્જત છે.

***