Kuchhto log kahenge logoka kaam hai kahena books and stories free download online pdf in Gujarati

કુછતો લોગ કહેંગે..લોગોકા કામ હે કહેના

તાન્યા. અમદાવાદનાં એક ધનાઢય કુટુંબની એકમાત્ર લાડકવાયી દીકરી. દેખાવમાં એવી કે રૂપની રાણી રંભાને પણ બાજુમાં બેસાડે. તેનો અવાજ સાંભળવા સ્વર્ગની અપ્સરાઓ ધરતી પર પધારે. શરીરનો મખમલી બાંધવ એવો કે હાથ એની મેળે સરી જાય. એનાં એક-એક પગલે કેટલાય જુવાનિયાઓના હાર્ટબીટ સેન્ચુરી પાર કરી જાય. એના વાળની મહેક આખી કોલેજ માં પ્રસરાતી. તાન્યાને ગીતો ગાવનો અદ્ભૂત શોખ. કોલેજનાં ફંક્શનમાં જે દિવસે તાન્યાના ગીતો ગુંજવાના હોય તે દિવસે હોલ આખો જુવાનિયાઓની જનમેદનીથી ઉભરાઈ જાય. હોલમાં "તાન્યા..તાન્યા" નામનાં શબ્દોનો વરસાદ વરસતો. તાન્યાનો એક-એક શબ્દ મુખરૂપી બાણ માંથી છૂટી તીરની માફક હજારો જુવાનિયાઓના દિલ વેધી નાંખતો. વાળની મહેક, સુરીલો કંઠ, પગની ઝાંઝર, કોમળ કાયા, નાજુક કમર અને આંખોતો એવી કાતિલ કે પળવારમાં જુવાનિયાઓના દિલને હાઇજેક કરી દે. તાન્યા જ્યાં બેસતી ત્યાં બગીચામાં જુવાનિયાઓની ત્રણ લેયરની Z સિક્યોરિટી ગોઠવાઈ જતી. 

          એક રાત્રે તાન્યા કોલેજનું મેગેઝીન 'પ્રતિભા' વાંચી રહી હતી. ત્યાંજ અચાનક તેનું ધ્યાન સુંદર કવિતાઓ પર ગયું. તાન્યા દંગ રહી ગઈ. અંતમાં ફક્ત 'સોરઠીયો' ઉપનામ લખ્યું હતું.

"આવી સુંદર કવિતાઓ કોણે રચી હશે ?"

"તે મારી કોલેજમાં ભણે છે ને મને ખબર પણ નહીં ?"

"આખરે આ સોરઠનો લાલ છે કોણ?"

"મને કેમ ન મળ્યો ?"

બસ આખી રાત તાન્યા સોરઠીયાને જ યાદ કરતી રહી. બીજા દિવસે સૌથી પહેલાં મિત્રોને ફોન કરીને સોરઠીયાની ભાળ લીધી. ખબર પડી કે તેનું નામ તનુજ છે. પરીક્ષા આપવા જ કોલેજ આવે છે. તાન્યાએ તેનો નંબર મેળવી ફોન કર્યો. 
લૉ-ગાર્ડનમાં મુલાકાત નક્કી થઈ. 

              રવિવારનો દિવસ. લૉ-ગાર્ડન જેવો પ્રેમી-પંખીડાઓ એ હાઇજેક કરેલો વિસ્તાર. મનોરંજક વાતાવરણ. ગુલાબી સાંજ. તાન્યા તનુજની વાટ જોઈ રહી હતી. બંનેએ એકબીજાનો ચહેરો પણ જોયો નહતો. કેટલાયની ભીડ માં તાન્યા તનુજ ને ઓળખી ગઈ ને કહ્યું:

"ચાલો ત્યાં બેસીએ."
તનુજ તાજુબ થઈને તાન્યા ને એકચિત્તે જોઈ રહ્યો પછી બોલ્યો,

"તમે મને..."

તાન્યા તનુજને વચ્ચેથી જ અટકાવીને બોલી કે,

"તમારી કવિતાઓના આધારે હું તમારો ચહેરો પામી ગઈ."

તનુજને પણ પહેલી જ નજરમાં તાન્યા થી પ્રેમ થઈ ગયો. બંને મળ્યા. મુલાકાત થઈ. પરિચય થયો. હસી-મજાકમાં તો રાત પડી ગઈ. લોકો જવા લાગ્યા પણ આ બંને હજુ વધુ સમય સાથે વિતાવવા માંગતા હતાં. છેવટે આજ જગ્યાએ બીજી મુલાકાતનું વચન આપી બંને છુટા પડ્યા. તનુજ પ્રથમ મુલાકાતમાં જ તાન્યા શબ્દનો પર્યાયી બની ગયો ને તાન્યા તનુજ ની કલમ. તાન્યાનાં દરેક ગીતો માં તનુજ છુપાયેલો હતો તો તનુજનાં દરેક લેખો, નાટકો, કવિતાઓ તાન્યાને સમર્પિત હતી. બંને રોજ આજ સ્થળે મળતાં. તનુજ કવિતા લખતો અને તાન્યા તનુજનાં ખોળામાં માથું રાખી તે કવિતા પોતાના અંદાજમાં ગાતી. બંનેનો પ્રેમ ઘનિષ્ટ થઈ રહ્યો હતો.

                 હવે બંને જણાએ ઘરે વાત કરવાનું વિચાર્યું. તનુજનાં ઘરેથી હાં માં હાં ભળી. તાન્યાએ પિતા નિર્મલભાઈને વાત કરી. નિર્મલભાઈ માત્ર નામનાં જ નિર્મલ બાકી નારિયેળ જેવા કઠોર હતાં. તેમનો પરિવાર જુનવાણી પરંપરામાં માનતો હતો. નિર્મલભાઈએ ચક્રો ગતિમાન કર્યા. સંદેશ મળ્યોકે તનુજ નીચી જ્ઞાતિનો છે. પૈસે-ટકે પણ પોતાની સમકક્ષ નથી. નિર્મલભાઈ ની જ્ઞાતિમાં સારી પ્રતિષ્ઠા અને ઈજ્જત હતી. તેમણે નીચી જ્ઞાતિનાં આધારે તાન્યાને ના પાડી દીધી. તાન્યા જવાબ સાંભળી દંગ રહી ગઈ. તાન્યા આજ સુધી જ્ઞાતિ નામનાં કડવા બંધનોથી પરિચિત ન હતી. તે મનોમન વિચાર કરતી હતી કે,

" મુરતિયાની યોગ્યતા જોયા વગર ફક્ત જ્ઞાતિનાં આધારે લગ્ન ફોક કરવા કેટલા યોગ્ય? "

" શુ જ્ઞાતિ યોગ્યતા કરતા વધુ જરૂરી છે?"

તાન્યાએ પણ કહ્યું કે તે તનુજ શિવાય બીજા કોઈની સાથે સાત ફેરા નહીં ફરે. તાન્યા પોતાનાં પરિવારને ખુબજ પ્રેમ કરતી હતી તો બીજી તરફ જ્ઞાતિનાં બંધનો આગળ ઝુકી જવાનું તેને કબૂલ ન હતું. 

                એક દિવસે બંને મુંબઈ જતા રહ્યા. લગ્ન બાબતે તાન્યાની જીદ હતી કે પરિવારની સહમતીથી જ કરીશું. બંને 'લિવ ઇન રિલેશનશિપ'માં રહ્યા. નિર્મલભાઈએ સમાજમાં બહાનું કાઢ્યું કે તાન્યા મુંબઇ ભણવા ગઈ છે. નિર્મલભાઈ મુંબઇ ગયા. પોલીસની સલાહ લીધી પણ કંઈ થઈ શક્યું નહીં. બને પુખ્ત હતાં અને કાયદેસર સાથે રહી શકતા હતાં. નિર્મલભાઈને બંનેને સમજાવવા માટે આ સમય યોગ્ય ન લાગ્યો તેથી મામલો થોડો શાંત થાય પછી આવીશ એમ વિચારી પાછા અમદાવાદ ચાલ્યા ગયા.

                તનુજને અખબારમાં કોલમ લખવાનું કામ મળી ગયું. થોડા જ દિવસોમાં તેની કોલમ ઘર ઘર માં વંચાતી થઈ. ડિમાન્ડ વધી. તનુજને નાટકો લખવાના પણ ફોન આવા લાગ્યા. તનુજ લેખનકલાનો બેતાજ બાદશાહ હતો. તેની આવડતે ટૂંક જ સમયમાં તેનું કદ વધારી દીધું. ફિલ્મજગતમાં પણ ઓળખાણો થવા લાગી. ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવાનું કામ મળ્યું. પ્રથમ બે-ત્રણ સ્ક્રિપ્ટ નિષ્ફળ ગયા બાદ તો જાણે સફળતાનો નવો યુગ શરૂ થયો. તેની લખેલી ફિલ્મો બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. એક્ટર, એકટ્રેસ, પ્રોડ્યૂસર, ડિરેક્ટરની તેના ઘરે આવ-જા થવા લાગી. તનુજે તાન્યાને પણ તેના સપનાં પુરા કરવામાં સાથ આપ્યો. તનુજની ઓળખાણના કારણે તાન્યા ખુબજ વહેલા એક બ્રાન્ડ બની ગઈ. એના મ્યુઝિક કોન્સર્ટ સફળ થવા લાગ્યા. ફિલ્મજગતમાં તનુજ-તાન્યાની જોડી એક પછી એક શિખરો સર કરી રહી હતી. ભારતભરમાં તેની ચર્ચા થવા લાગી. અમદાવાદની ચાની કિટલીઓ પર પણ તનુજ-તાન્યાની ચર્ચા થતી.

                   બંનેએ પોતાની અભૂતપૂર્વ સફળતા બદલ એક વિશાળ યાદગાર સમારંભનું આયોજન કર્યુ. નિર્મલભાઈને પણ બોલાવવામાં આવ્યા. બંનેના પરિવાર હાજર રહ્યા. નિર્મલભાઈ હજારોની ભીડ જોઈ અવાક રહી ગયાં. ફિલ્મજગતની ખ્યાતનામ હસ્તીઓ તેમની આજુ-બાજુ ફરી રહી હતી. તનુજ-તાન્યાનું માન-સમ્માન, ઈજ્જત, જાહોજલાલી જોઈ નિર્મલભાઈ પહેલીવાર ખુશીના આશુંથી રડ્યાં. તનુજ-તાન્યા પોતાના પરિવારથી દૂર રહેવા છતાંય પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપ્યો. બંનેનાં પરિવારજનોની આંખમાં હર્ષનાં આશું વહી રહ્યા હતાં. સમારંભ પૂરો થતાં નિર્માણભાઈએ પોતાની ભૂલ સ્વીકારી. બંનેના પરિવારજનોની હાજરીમાં તાન્યાની જીદ મુજબ ધૂમધામથી લગ્ન લેવાયા. નિર્મલભાઈ અમદાવાદ પાછાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પત્નીના મુખમાંથી વેણ નીકળ્યા કે,

 "સમાજમાં શું કહેશો ?"

"લોકો શુ વિચારશે?"

નિર્મલભાઈ બોલ્યા કે,
"લોગોકા કામ હે કહેના..કુછતો લોગ કહેગે, 
છોડો બેકારકી બાતોમેં..કહી બીત ન જાએ રૈના."
     

 *****

લેખક - મહેન્દ્રકુમાર " કમલાદેવી "