Dhartinu Dhaavan books and stories free download online pdf in Gujarati

ધરતીનું ધાવણ

"લે હાલ્ય હવે ઝટ કયર, હજી ખાતર વાવતા વારો થાશે 'ને પાશી મેં-સાંટા થાય ઈ પેલા આજ ને આજ જાર પણ વેરી દેવી જોશે." કંકુ ડોશીએ જારના કોથળાને મોઢું બાંધતા દેરાણીને કહ્યું

"ભાભી, તમીં કરમશી કાકાને ન્યાંથી વાવણીયો લયને મારગે સડો. હું અમરશીભાયનું શીરામણ બાંધીન નીકળું જ સુ. ઢુંઢીયા ધાર લગણમાં તો હું આંબી જાય તમને, 'ને બીયારણનું બાસકું હું માથે નાખતી આવું સુ."

ગઢડા પંથકના માંડવધારના અમરશી પટેલની ખડકીમાં સવારના પો'રમાં દેરાણી-જેઠાણી વાવણીની ઉપાદીમાં ઘરના કામેથી ઉકલીને વાડીએ જવાની તૈયારીમાં હતી.
અમરશી 'ને દેવશી બે ભાઈઓ. મુળ તો ઝાલાવાડ પંથકના, પણ સાથીપણું કરવા માંડવધાર આવીને વસેલા. નાતે કણબી, પણ ઉભડીયા. એટલે મોટો અમરશી વર્ષોથી માંડવધારના મોટા દરબાર ઓઢા ખાચરનું સાથીપણું કરે 'ને નાનો ગામના બીજા ખેડુંની સીમ સાચવે. પછી તો દરબારે ધ્રુફણિયાંની વિડમાંથી પાંચ વિઘા પડતર કટકી કાઢી દીધેલી. પડતર ભાડીયા કુવાને જીવતો કરીને બેય ભાઈઓએ વાડી બનાવી. અમરશીની આવરદા જોઈને નાના દેવશીએ દરબારનું સાથીપણું ચાલું કર્યું 'ને અમરશી ઘરની ખેડ્યમાં જોતરાયો. દેરાણી-જેઠાણી બનતી મદદ કરે. પાંચ વિઘાની પડતર ભોં માં ઉપજેય કેટલી આવે? પણ પરિવારનું ગાડું ગબડ્યા કરે.
આજ ગામમાં જાણે તહેવારનો માહોલ હતો. ખેડુતો માટે તો બે જ મોટા તહેવાર : વાવણી 'ને લણણી. ગામના ખેડુતોએ પોતાના બળદને કણબી ભરતની ઝુલ્યું અને મોતી ભરતથી શિંગડાઓ શણગારીને સાબદા કરેલા. વેવાણ વેવાઈને લાપશીની તાણ કરે એમ "બાપ્પો-બાપ્પો" કરતા ઓડમાં હાથ ફેરવીને ઘી ચડાવેલું ભડકું ખવડાવવીને કણબીઓ વાવણી કરવા નિકળ્યા. ગાડામાં વાવણીની મોસમને બેય હાથે દુખણા લયને વધાવતી ને મનમાં પોરસાતી કણબણો, કોથળા મોઢે બિયારણ, બપોરનું ભાત, વાવણીના સાધનો અને મીઠા ગળે વાવણીના લોકગીતો લલકારતી કણબીની કુંવારીકાઓ 'ને નાનકડા ભુલકાઓ. ગામ આખુંય આકાશમાં ચડેલા વાદળા જોઈ વાવણી કરવા ઉપડ્યુ. દેરાણી-જેઠાણી પણ વગર ઢાંઢે કે વગર ગાડે તોય એટલા જ હરખમાં વાવણી કરવા નિકળી.
અમરશી કાયમ રાત્રે વાડીએ જ સુતો. દેવશી પણ આજે દરબારની વાવણીમાં હતો. દેરાણી-જેઠાણી વાડીએ પહોંચી. અમરશીએ શીરામણ કર્યુ. પછી દેરાણી-જેઠાણીને કાંઈક મથતી જોઈને પૂછ્યું:
"સું કરો સો ઈ વાંહડાનું"
"કાંય નય ધોંહરુ બનાવવી સી, આજ જાર વાવી દેવી સે"
"ગાંડીયું થ્યું સો? વાહડાનું ધોંહરુ ભાયળું સે કયાંય? 'ને વગર ઢાંઢે તમારી મા ખેડ્ય નો થાય" અમરશી હસતા હસતા કંકુને કહી રહ્યો હતો.
"ઢાંઢા મગવા ગઈ'તી ગામમાં, પણ વાવણીનું ટાણું એટલે કોણ દયે, તે મે કીધું હવે પોરો ખાતા ખાતા આપડે જ વાવી દેઈ. ન્યાં પાંચ વિઘામાં ઉથલું વળતા સું વાર? "
બળદ અને સાધનોના અભાવને લીધે વાવણી ન ચૂકાય એટલે બળદની જગ્યાએ પોતાને જોતરે જોડવા તૈયાર થએલી પટલાણીઓને ને અમરશી બે ઘડી જોઈ રહ્યો.
"હાલો હવે આમ જોયા કયરે કાંય જાર નય ઉગે, અમીં બેય બાયું ધુંહરી ખેંહવી ને તમીં બિયારણ ઓરતા જાવ"
"પણ ઈમ ખોટું મવ થયને નો વવાય, હું રાયતે ઓઢાબાપુના ઢાંઢા લયાવીન કાલ ભળકડું થાય ઈ પેલા વાવી દેય"
"કાલની વાટ નો જોવાય, વાદળા સયડા સે 'ને આયજ રોણ રેલે એવું વર્તાય સે તી હાલો ઝટ ઉભા થાવ."
લાંબા વાંહડાની બનાવેલી ધુંસરી વચ્ચે લાડકાના બે આડા બાંધીને પાછળ અણીંવાળા લાકડાના બે દાંતાની ઉપર વાંવણીયો બાંધ્યો. શ્રીફળની કાચલીમાં તેલ ભરીને આડી વાટનો દિવો કર્યો. ધુંસરી ઉપર અને સાંતીના દાંતા ઉપર કંકુના પાંચ પાંચ ચાંલ્લા કર્યા. ધરતીને પણ ચોખેથી વધાવીને દુખણા લીધા 'ને ભુખરીયા પાણે શ્રીફળ વધેરીને જે ખોડિયાર કરીને દેરાણી જેઠાણી વાંહડાના બેય છેડા પકડીને તૈયાર ઉભી રહી. અમરશીએ પછેડીની ફાંટ બાંધી ને મણે'ક જાર ભરી. વાવણી શરુ થઈ. બેય બાયું થુંકના સાંધે બનાવેલા સાંતીને આગળ ખેંચતી જાય છે. વાંહે અમરશી મુઠી મુઠી જાર વાવણીયાંમાં ઓરતો જાય. લાકડાના અણીંદાર દાંતા કઠણ ભોંને ખોતરીને વાવણીયાંમાંથી પડતા દાણાને ધરતીના ખોળે રમતા મૂકી માથે ધુળ વાળતા જાય છે. દરેક ઉથલ વાળીને ત્રણેય જણ થોરની વાડની આડશે બેહીન પો'રો ખાય.
પોરો ખાતા ખાતા આમ હજી ચોથી કે પાંચમી ઉથલ વળ્યા હશે એવામાં દુરથી વાડીને કાચે મારગે જીપ આવતી ભાળી. કંકુએ નેઝા માંડ્યા : "કોક મે'માન લાગેહ"
થોડીવારમાં જીપ નજીક આવીને ઉભી રહી. અંદરથી બે સ્ત્રીઓ ઉતરીને પોરો ખાવા બેઠેલા કંકુ,જમના 'ને અમરશી તરફ આવી. દેખાવે અને પહેરવેશે શહેરી લાગતી બન્ને સ્ત્રીઓ નજીક આવી પણ ઓળખાણ ન પડી હોય એમ કંકુ ડોશી, જમની અને અમરશી ત્રણેય સામે જોઈ રહ્યા.
કંકુએ આવકારો આપ્યો.
"આવો બેન"
"જી અમે ભાવનગરથી 'નારી તું નારાયણી' NGO માંથી આવીએ છીએ. અમે મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી છે.
આજે તમારા ગામમાં ગામડાઓની સ્ત્રીઓને અત્યાચાર વિરુધ્ધ અવાજ ઉઠાલીને સ્વાવલંબી અને સ્વચ્છંદી જીવન માટે જાગૃત કરવા આવ્યા હતા, પણ તમારા ગામમાંથી જ સમાચાર મળ્યા કે તમારે બન્ને બહેનોએ બળદની જેમ કામ કરવું પડે છે, સાંતીએ જોડાવું પડે છે. એટલે અમે તમારી હેલ્પ કરવા આવ્યા છીએ, તમે જરા પણ મુંઝાશો નહી, હવે આ એકવીસમી સદીમાં મહિલા અબળા નથી રહી, અને જુની રુઢીઓને વળગી રહીને આપણે સ્ત્રીઓએ ગધ્ધાવૈતરુ કરવાની પણ જરુર નથી. અમે તમારી સાથે છીએ"
જોવો બે'ન, અમારા ઉપર કોઈ અત્યાસાર થાતો નથી, અમીં તો અમારી ઘરની જમીનમાં વાવણી કરવી સી, ને અમારી સીમમાં અમીં કામ નો કરવી તો કોણ ગામ કરવા આવે? " કંકુ ડોશીએ પેલી સ્ત્રીઓને સમજાવતા કહ્યું

"જુઓ બહેન, આપણે આખો દિવસ ઘરકામ કરતા જ હોઈએ છીએ 'ને ખેતરમાં પણ આવી મજુરી કરવાની? "

" પણ બે'ન, અમારુ ખેતર હોય તો અમે જ કરવી ને! બીજુ તો કોણ કરી જાય?"

"તમારા પુરુષો કોઈ દિવસ ઘરકામમાં તમારી મદદ કરાવે છે? વાસણને હાથ પણ લગાવે છે? તો તમે કોના માટે આવી મજુરી કરો છો?"

"કોની હાટુ એટલે? કોની હાટુ એટલે અમારા પેટ હાટુ, અમારા ધણી હાટુ, અમારા કટુંબ હાટુ" કંકુડોશી જાણે તાડુક્યા.
શહેરથી આવેલી બીજી સ્ત્રીએ મોઢું ચડાવતા અત્યાર સુધી બોલી રહેલી પે'લી સ્ત્રીને કહ્યુ :
"ચાલો કાવેરી દીદી, આ ગામડાના ગમાર લોકો નહી સમજે, આપણે એમની આઝાદી માટે કેટકેટલી મહેનત કરીએ છીએ, કોઈ સ્વાર્થ વગર આપણા પોતાના ઘરની ચિંતા છોડીને ગામડે ગામડે ફરીએ છીએ અને આ લોકો પોતાની જડ માનસિકતાને છોડી નથી શકતા. ભલે કરતા મજુરી, કરવા દયો. આ જ લાગના છે."
બન્ને મોઢા ચડાવીને જીપ તરફ ચાલતી થઈ એટલે કંકુ ડોશીએ કહ્યું :
"ઉભા રયો બેન, જાતા જાતા એક વાત હાંભળતા જાવ. અમીં અભણ અને જડ સઈને ઈ જ હારા સી, અમીં તમારી જેમ ભયણા નથી કે નથી અમને તમારી જેમ રે'તા આવડતું. પણ અમને એટલી તો ખબર પડે જ છે કે ઘરનુ કામ હોય ઈ પંડ્યે જ કરવુ પડે. 'ને મજુરી કરવી પડે સે તોય ક્યાં ખોટની કરવી પડે સે? અમારા ધણી કાંય ખાટલે નથી પડ્યા રે'તા. અમીં વારો કામ કરી સી તો ઈ બચારા તયણહોને પાહઠેય દી વાડીએ પડ્યા રે સે. 'ને ખેડુની બાયું થયને ખેડ નો કરવી તો ખાવી સું ધુડ ને ઢેફા? અને તમે બોવ સુધરેલા એટલે તમને તો ખબરેંય નય હોય કે તમારા ધણી ક્યાં અને કેવી દશામાં હશે, બિચારા ભાણા ભેળા થ્યા હશે કે નય. ઘરના ધણીને રઝળતા મેલીને 'ને હાલી નીકળીયા સો અમને સુધારવા. ને તમીં પૈસા ભરીન હવાર હાંજ બબ્બે કલ્લાક કસરત કરીને પરસેવો નિતારો સો એટલે તમે સુધરેલા અને અમીં ઘરના ખેતરે અમારા ધણીને ટેકો દેવા જરીક પરસેવો પાડીયે એટલે અભણ?
અને વાતે વાતે ધણીને લયને કોરટે સડતી બાયું ને સશક્ત નો કે' વાય બે'ન, સશક્ત બાયું તો ઈ ને કેવાય કે જે ધણી અને પરિવારની પરિસ્થિતિ અને કઠણાઈ ને વગર કીધે પામીને ધણીની ને કટુંબની હારોહાર ઉભી રયે. તમીં ઘરબાર રઝળતા મૂકીને ગામની બાયું ને સુધારવા હાલી નિકળ્યું સો તે પેલા તમારા ઘર અને ધણીને હંભાળતા શીખો. પસી અમને અભણને શીખામણ દેવા આવજો. ને તમીં આ સ્ત્રી સશક્તિકરણના નામે જે ડીંડક હલાવો સો એનાથી તો કોણ જાણે કેટલાયના ઘર હળગાવ્યા હશે. 'ને ઘરના કામમાં પરિસ્થિતિ પરમાણે જો ઝોતરે જોડાયને અને મજુરી કરવી તો અમીં અભણ અને જડ ગણાતા હોઈ તો હા અમેં સી અભણ અને અમને અભણ રે'વું જ પોહાય એમ સે. તમે તમારો સંસાર સુખેથી હલાવો એટલે ઘણું."

"જુઓ બહેન અમે ડાઇવોર્સી છીએ, અમારા પતિઓ પાસેથી અમને પુરતી સ્વતંત્રતા નહોતી મળતી એટલે છૂટાછેડા આપી દીધા. અને એટલે જ તમને સમજાવવા આવ્યા છીએ"

"એટલે જ તમીં રખડો સો ઈમ ક્યો ને, સુધારા સુધારા ને આઝાદી આઝાદી કરીન કેટલાકના સંસારની હોળી કરશો હજી? હાલ અય જમની, આ તો નવરીયું કે મોટરું લયને ફયરા કરે બધ્યે, આપડે દી'માથે સડે ઈ પેલા આટલું વાવી દેવાનું સે. એ આવજો બેન, રામ રામ"
જમની અને અમરશીને ઉભા થવાનું કહીને પોતે ઉભા થતા થતા પેલી આઝાદ અને સશક્ત સ્ત્રીઓ તરફ હાથ ઉંચો કરી રામ રામ કર્યા.

પેલી બન્ને સ્ત્રીઓ મોઢું ચડાવીને જીપમાં બેસીને રવાના થઈ, કંકુડોશી અને જીવી વાંહડાની ધુંસરી ઉપાડીને વાસ્તવમાં સશક્ત મહિલાની ઝાંખી કરાવતી સાહે ચડી 'ને અમરશી જાર ઓરતા ઓરતા ધરતીનું ધાવણ ધાવીને ઉજરેલી જગદંબા શી બેય કણબણ્યું ને જોતો રહ્યો.

- સાગર ડાયાલાલ ગાબાણી (અમદાવાદ)

અર્પણ : મારી મા અને મોટાબા(ભાભુ)ને.

વાર્તા વાંચીને કેવી લાગી એ રીવ્યું મારા વ્હોટસએપ નંબર 8000635266 પર અથવા ઈ-મેલ એડ્રેસ sagardayalalgabani13@gmail.com પર ચોક્કસ આપશો. આભાર.