Ye dil to pagal hai books and stories free download online pdf in Gujarati

યે દિલ તો પાગલ હૈ

યે દિલ તો પાગલ હૈ

ઉતાવળમાં દોડ્યો હું. પાગલ જેવો. જાણે સડસડાટ લસરી જતો પવન. ક્યાંક ખરી ના પડે એ ખયાલથી. ક્યાંક મારી પહેલાં એ આવી ના પહોંચે એ ડરથી. આ પ્રેમ પણ ખરેખર કમાલની ચીજ છે. મારી આસપાસથી ધણી બધી વસ્તુઓ પસાર થઈ રહી હતી પણ મને દેખાતું હતું અજનબી શું મારું મનગમતું મોજિલું ફૂલ! અને તેનું ઝરણાં શું ખળખળ કરતું હાસ્ય. એ ધણીવાર પૂ છતી પણ હું ઉત્તર આપતો નહીં. પછી મને જોયા કરતી હતી. એની આંખોમાંથી એનો રોષ મને બાળતો પણ મને એનો નાદાન ચહેરો જોવો ગમતો.

મારા ફૂલી ગયેલાં શ્વાસોશ્વાસ હેઠાં બેઠાં. દરવાજો બંધ હતો. અંદર માળી વૃક્ષોને, ફૂલોનાં છોડવાઓને, નાજુક નમણાં ,કુમળા ઘાસને લાડ લડાવી રહ્યો હતો. મારી નજરે કહું તો તે પ્રેમ કરી રહ્યો હતો. આકાશમાં હજી રંગબેરંગી રંગોનો છંટકાવ થયો ન હતો. પંખીઓનાં કંઠની શહેનાઈ હજુ ફૂટી ન હતી. અને હું પાગલની જેમ દોડી આવ્યો.... અને ભોંઠો પડ્યો. દરવાજો બંધ.. મારો ગુસ્સો મને તપાવી રહ્યો હતો.

આખરે ઝડપી ચાલે બગીચામાં પ્રવેશ્યો. કુદરતી ખુશ્બુઓનો આસ્વાદ માણતો માણતો મારા માનીતા છોડ પાસે આવીને ઊભો રહ્યો. તેને જોઈ રહ્યો. સૂર્યનું પહેલું કિરણ પડતાં તે સોળે કળાએ ખીલી ઊઠ્યું. એક પગ ધીમેથી આગળ ઉપાડ્યો. આમેય કુદરતે પણ ફૂલોનું જતન કરવાં અનોખું સર્જન કર્યું છે. એમાંનું એક એટલે ચીકણી માટી. હળવેથી પગ મૂક્યો પણ લપસ્યો. માંડ માંડ જાતને સંભાળી. હળવેથી મારો મનગમતો છોડ પકડી ફૂલને ચૂટ્યું. અને મોઢાંમાંથી એક તીણી ઝીણી ચીસ નીકળી ગઈ. આંગળીનાં ટેરવે હસ્તરેખા જેવી રક્તની રેખાઓ ફૂટી નીકળી. ફૂલનાં સૌંદર્ય અને નશીલી સુવાસમાં મારી વેદનાનું ઝરણું સુકાઈ ગયું. અને ખુશીનો કલરવ મારા હોઠ પર છવાઈ ગયો. ઊભા ઊભા ફૂલની પંખડીઓનો પવન સંગની ગુફતેગું સાંભળવાનો પ્રયત્ન કર્યો. સમજી તો ના શક્યો પણ તેનાં સ્પર્શથી રોમાચિત થયો. મારી આંખોમાં શમણાંનાં પરપોટા તરવા લાગ્યા. આજકાલ હું શમણાંથી જીવી રહ્યો છું. શમણું મારું જીવન છે. એટલે તો મારા હાથમાંનું ફૂલ જોયા કરું છું તેને આપવા....

તે પણ કમાલની ચીજ છે. હું તેને જોયા કરું છું. તે મને પૂછે કે મેં તેનામાં શું જોયું છે? ક્યારેક પૂછે હું કેમ તેને ચાહું છું? મને બીજી કોઈ છોકરીમળી નહીં ? અને તેનાં માટે કેમ પ્રેમ જાગ્યો? અને હું જવાબ ન આપું એટલે તે પગ પર પગ ચઢાવીને, હથેળી પર મુખ ટેકવીને તે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય. આવી પરિસ્થિતિમાં હું તેને બોલાવું તો જવાબ પણ ન આપે. રીસના અગન ગોળાથી તે તપેલી હોય. આવી છોકરી સાથે જિંદગી કેવી રીતે જીવાશે એવો વિચાર પણ આવી જાય. પણ આવા વિચારો ક્ષણભંગુ હોય. મારી સામે જોઈને પૂછે કે તેને મને કશું ક કહ્યું તે મેં સાંભળ્યું છે કે નહીં? હું હસીને કહું કે હું બહેરો નથી

“તો સાંભળ”

તે ઉત્સુકતાથી મને તાકી રહે. તે હાથમાં નાના કંકર લઈને ઉછાળી ને મને પૂછે છે કે બોલવામાં મારે ચોઘડિયું જોવાનું છે કે? હું હસી પડું. તે કંટાળીને છણકો કરે, “ તારે ના કહેવું હોય તો ઠીક. “ કહી ઊભી થઈ કપડાં ખંખેરીને ઠીક કરે. હું હસતાં હસતાં કહ્યું, “ જરા પોરો ખા. પહેલાં તો તું નીચે બેસ. તો વાત એમ છે કે તું મને કેમ ગમી? તો તેનું કારણ તારા વાંકળીયા વાળ... ” કહી તેનાં વાળને પંપાળું. ”

“ પછી.. ” તે હસતાં હસતાં મારી આંખોમાં આંખ પરોવીને પૂછે.

“ પછી ?”

“તારાં ગુલાબી હોઠ. ”

“પછી?”

“ પછી તારી શરારત ભરી મસ્તી. ”

“ઓહ! પછી?”

“પછી તું બોલે અને હું સાંભળતો રહું એવી તારા વડે રચાતી ક્ષણો”

“હં.. પછી?”

“ તારી આંખોમાં તરતાં તારાંશમણાં. ”

“ વાહ. પછી?”

“ પછી તારાં ગરમાગરમ શ્વાસોશ્વાસ વડે રચાતી સરગમ. ”

“પછી?”

“ પછી તારાં ખોળામાં પડ્યાં પડ્યાં તારી આંખોમાં આંખ પરોવીને તારીમારી દુનિયા.. ” કહી તેને મારી બાહુમાં સમાવી લઉં. અચાનક તે ઉદાસ થઈ જાતી. મને જોયા કરે. પછી મારો ચહેરો બે હાથમાં પકડી મને પૂછે, “ તું મને દગો તો નહીં આપેને? હું બહુ સરળ છું. નિખાલસ છું”.

“ અને ભોળી ને નાદાન પણ છે કેમ ખરું ને?”

તે કશું બોલે નહીં. પણ ધીમેથી કહે , “ એનો તું ફાયદો ના ઉઠાવતો.. ”

“ કેમ તને વિશ્વાસ નથી?”

“ વિશ્વાસ મને મારાં પર રહ્યો નથી. ”

“ જયાં સુધી હું છું ત્યાં સુધી તને વાંધો નહીં આવે. ”

“ ઓહ! “

“ કેમ? હજુય તને શંકા છે?”

“ તો મારું એક કામ કરીશ?”

“ જરૂર “

“ નક્કી? “

“ કેમ હજી પણ તને મારા પર ભરોસો નથી?”

“ તો તું મારી માનું કાસળ કાઢી નાખ”.

“ કાસળ? એટલે ખુન? અને તે પણ તારી માનું?”

“ કેમ? ડર લાગે છે ? “

“ ડર તો લાગે ને! હું કસાઈ છું?”

“ સાવ ડરપોક છે તું.. ”

“ તને ખબર છે ખુન કરવા શું જોઈએ?”

“ છરો... બીજું શું જોઈએ?”

“ છરો.. અરે ચાકુ પકડું તો મારો હાથ ધ્રૂજે છે. અને જો છરો પકડીશ તો હું આખેઆખો ધ્રૂજી ઊઠીશ!”

તે કશું બોલી નહીં.

“ પણ તારી માનું તારે કાસળ કેમ કાઢવું છે?”

“ કંટાળી ગઈ છું તેનાથી. ?”

“કેમ?”

“ શું કેમ? રોજની કચકચ. પરણી જા પરણી જા. જાણે હું એને ભારે પડતી ન હોઉં?”

“ તો પરણી જાને?”

‘” પણ તું હા પાડે તો ને?” કહી મારી સામે જોઈ રહી.

“ ઓહ એમ વાત છે? ક્યારે આવું ઘોડે ચઢીને?”

“ આ કાંઈ પૂછવાની વાત છે?”

“ તારા હાથ પીળા કર એટલે આવું છું. ”

“ જરૂર. મારા હાથ પીળા તો થઈ જશે પણ મારી ડોકને , હાથને શોભાવે એવો હાર અને ચૂડીઓની તૈયારીઓ કર.. ” કહેતી મને બતાવવા લાગી સામેના વૃક્ષ પર બેઠેલી તોતામૈનાની જોડી....

“ હાય હેંડસમ ક્યારે તું આવ્યો?”

“ તારાં કરતાં પહેલાં “. મારા હાથમાંનું ફૂલ સંતાડતા મેં કહ્યું.

“ આ જો શું છે?” મને ગુલાબનું ફૂલ બતાવતાં પૂછયું.

“ ફૂલ છે. તારા જેવું ગુલાબી. ”

“ કેવું લાગ્યું? એટલેકે તને ગમ્યું?”

“ તું ગમે તો તારા હાથમાંનું ફૂલ કેમ ના ગમે?” પરાણે મારો ચહેરો હસતો રાખ્યો.

“ મારાં હાથમાં ફૂલ જોઈ તું કેમ આમ ઢીલોઢફ થઈ ગયો?”

“ તમે લોકો ધારવામાં વધુ પડતાં હોશિયાર છો. ?”

“ આમ ગુસ્સો કેમ કરે છે? સીધેસીધું કહીદે કે હું ફૂલ લઈને આવી તેથી તને ગુસ્સો આવ્યો છે. ”

“ ઠીક છે. તારે જે સમજવું હોય તે સમજ. પણ ગુલાબી સવાર પર ધુમ્મસનો છંટકાવ ના કર. ”

“એટલે તું શું કહેવા માગે છે?”

“ હું એ જ કહેવા માગું છું કે વાદવિવાદ ના કરીએ. સમજી મારી લૈલા.. ”

“ ઓહ! હવે તને હું ઝઘડાળી લાગું છું.. ”

“ અરે સવારે સવારે મન પ્રફુલ્લિત થાય એવી વાતો કરીએ તો ? તારું શું માનવું છે?”

“ ચલ તો એમ કરીએ. મંજૂર. ”

“ મંજૂર”. હવે મને ડર હતો. કોઈ નવો ધડાકો ન કરે તો સારું.

“ મારાં હાથમાં તે શું જોયું?”

“ તારાં હાથમાં ફૂલ જોયું. ”

“ ખરેખર?”

“ કેમ એ ફૂલ નથી?”

“ ફૂલ મારાં હાથમાં જોયું. ફૂલ મારાં હાથમાં છે એ બરાબર પણ”..

“ પણ શું?”

“ તું જ કહે?”

“ મને ઉલટાસુલટા કોયડામા ના ફસાવ. ”

“ સીધેસીધી વાતમાં મજા ન આવે.. ”

“ તને હાથ જોડું છું પ્લીઝ... ”

“ એટલે કે તું કંટાળ્યો છે મારાથી. મને ડર લાગે છે તારાથી.. ”

“ શેનો?”

“ તારુંમારું કેવી રીતે જામશે?”

“ કેમ?”

“ વાતવાતમાં તું ચિડાઈ જાય છે.. ”

“હું ચિડાઈ જાઉં છું?”

“ તો શું હું ચિડાઈ જાઉં છું?”

“ તને બધો મારો જ વાંક દેખાય છે?”

“ જો આમ જ થવાનું હોય તો મારે વિચારવું પડશે?”

“ શું?”

“ આપણો સંસાર ચાલશે કે રોજ ફજેતા થશે?” કહી તે તેનાં હાથમાંનું ફૂલ જોવા લાગી અને બોલી , “ આ ફૂલ આપનાર બિચારો ગરીબ ગાય જેવો હતો અને તું.. ” અને મને જોઈ રહી ધારદાર સૂડી જેવી નજરે!

“ કોણ હતું ગરીબ ગાય જેવું?” ઉત્સુકતાથી મેં પૂછ્યું.

“ આ ફૂલ જેને આપ્યું છે તે.. ”

“કોણે આપ્યું ?”

“ એમ કર તુજ અનુમાન લગાવી જોને?”

“ પણ તું કહી દે.. ”

“ ના. જરા અનુમાન લગાવ. જેથી મને સમજાય તારી બુદ્ધિ શક્તિ એટલે કે આઈ ક્યૂ.. ”

“ હવે તું મારો ઈન્ટરવ્યૂ લઈ રહી છે કેમ ખરુંને!”

“ એમાં ખોટું શું છે? માટલું ટકોરા મારીને લઈ એ તો ચિંતા નહીં. ” કહી ખળખળ દોડી જતાં ઝરણાંની જેમ હસવા લાગી. આજ એની ખૂબસૂરત ખૂબી હતી એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં કૂદી પડવાની. ભારેખમ લાગતું વાતાવરણ હળવું હળવું થઈ ગયું. ચારેબાજુ વસંત પથરાઈ ગઈ છે એવો આહ્ લાદક અનુભવ થયો.

“ તો કહે આ ફૂલ જોઈ તને શું થયું. ”

“ સ્વાભાવિક છે કે આ ફૂલ તને કોણે આપ્યું હશે?”

“ બસ. પછી આગળ.. ”

“ કદાચ મારા માટે લાવી હશે. ”

“ પછી.. ”

“ આ ફૂલ મને આપી ને તું મુસ્કુરાતા મુસ્કુરાતા કહેશે આ લવ યુ!”

“ પણ આવું તે કેમ ધાર્યું? તું ખોટું બોલે છે.. ”

“ હું ખોટું બોલું છું?”

“ સો ટકા. બોલ હું સાચી કે ખોટી?”

“ હા ડાર્લિંગ, તું સાચી. તું ખોટું ના લગાડજે. હું ક્યારનો વિચારું છું કે તને આ ફૂલ કોણે આપ્યું હશે?”

કહીતેને ઉદાસી નજરે જોઈ રહ્યો. તે ફરીથી હસી.

“ મારી ધારણા સાચી પડી. આમેય તમારી જાત શંકાશીલ. મને આવા લોકો પ્રત્યે નફરત છે. થાય છે મારી પસંદગી ખોટી છે. સાલું અમે અમારી જાત તમને આપીએ અને બદલામાં શું મળે? બદનામી. ”

“ સાચું બોલવાની આ સજા?”

“ ના. જ્યાં આખી જાત તમારી શંકાશીલ હોય ત્યાં તને શું સજા આપું?”

“આભાર. મને એમ કે તું મારા હાથમાંથી ગઈ!”

“ જાયારથી આવી છું ત્યારથી તારો ડાબો હાથ પેંટના ખિસ્સામાં કેમ છે?” કહી મારો હાથ પકડીને બહાર કાઢ્યો અને રૂમાલથી વીંટળાયેલી આંગળી અને લોહીના ડાધ જોઈ બોલી ઊઠી

“ આ ડાધ શેનાં?”

“ આતો જરા.. ”

“ ઓહ! સમજી ગઈ. મને સરપ્રાઇઝ આપવા ફૂલ તોડવાનું પરાક્રમ! કેમ ખરું ને? છોકરી જોઈ નથી ને લટ્ટુ થયાં નથી. ફૂલ ચૂંટતી વખતે ધ્યાન ક્યાં હતું?”

“ ક્યાં હોય? તારામાં!” ચિડાઈને કહ્યું.

“ અને ફૂલ ક્યાં છે?”

“ ક્યાં હોય? મારી પાસે. ”

“ કોને આપવાનું છે?”

“ તારા સિવાય બીજું કોણ છે?”

“ તો પછી આપ્યું કેમ નહીં?”

“ તારી ઉલટતપાસ અટકે તો આપું ને. ” કહી મેં ફૂલ તેનાં ઝૂલ્ફોમાં પરોવ્યું. તે ખુશ થઈ. પણ મારા મનમાં હજી શંકાનો કીડો સળવળતો હતો. એને ફૂલ કોણે આપ્યું હશે. એને આકાશમાં જોયું. સૂરજ માથે ચડ્યો હતો.

“ ઓહ ! બપોરના બાર થયાં. ઓલી શેતાન જેવી મા હજારો સવાલ પૂછી મારૂં લોહી પીશે.. ચાલ ઊભો થા. સાંજે મળશું. ” કહી લહેરાતા ઝૂલ્ફોને બે હાથવડે પકડી રબ્બરની રીંગમાં પૂરી દીધાં. હું પરાણે તેની પાછળ ઘસડાયો. વારંવાર મને જોઈ મલકાયા કરે અને લાવેલું ફૂલ જોયા કરે.

“ આજે બે રોટલી ઓછી ખવાશે કેમ?”

“ એવું તે કેમ ધાર્યું?” મેં જાણી જોઇને પૂછયું.

“ આ ને લઈને. ” કહી મને તે જે લાવી હતી તે ફૂલ બતાવ્યું અને હસવા લાગી. ચોક આવતાં અમે ઊભા રહ્યા. અમારા બંનેની જવાની દિશા પૂર્વ પશ્ચિમ છેવી હતી. ફૂલ આપનારનું નામ જાણવું છે?”

“ ના. ” અને મને વિચાર આવ્યો કે આ છોડી કોઈ રમત તો નથી રમતીને! એક બાજુ કહે છે હું તેની માનું કાસળ કાઢું. પરિણામે હું ખૂની ઠરું અને મને જેલ થાય. કદાચ ફાંસી અથવા જનમટીપ. ખેલ ખલાસ મારો અને તેની નવી રમત શરૂ થાય.

“ શું વિચારો કરે છે?”

“ તું બહુ હોશિયાર છે તે. ”

“ તે તને આજે ખબર પડી” એક ક્ષણ વિચાર આવી ગયો. આનામાં પડવા જેવું નથી. અહીંથી રામરામ કહી દઉં.

“ અરે મુદ્દાની વાત તો રહી ગઈ તને કહેવાની. ”

“ પછી કહેજે”.

“ના સાંભળી લે અત્યારે. હું સવારે રાધાકૃષ્ણ મંદિરમાં ગઈ હતી. જેવાં ચરણ સ્પર્શ ભગવાનનાં કર્યાં કે મારા માથે ફૂલ પડ્યું. ”

“ વાહ વાહ”.

“ પુજારીએ કહ્યું કે હું જેને ચાહું છું તેને આપું. ”

“ હ.. તે આપ્યું કે.. ” મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યાં લથડીયા ખાતાં ખાતાં..

“ અરે એ ફૂલ હજી મારાં હાથમાં છે. એ ફૂલ તો તને આપવાનું હતું. ઑ માય ગોડ. હું પણ સાવ ગાંડી. ફાલતું વાતોમાં સમય વેફડી નાખ્યો. જરા ઓરો આવ લે આ ફૂલ.. ” કહી હસવા લાગી. અને હું જોઈ રહ્યો તેને અને શબ્દો સરી પડ્યાં.. યે દિલ તો પાગલ હૈ..

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ

6જુલાઈ 2018.