Ek Chaal Tari Ek chaal mari - 22 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 22

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 22 )

અડધા કલાકમાં ફોન કરું છું... કહીને આશા બન્ધાવનાર અબ્દુલનો ફોન કલાક પછી પણ ન આવ્યો એટલે વિક્રમનો જીવ અદ્ધર થઇ ગયો. આ બોલબચન ક્યાંક પાછો હાથતાળી આપીને છટકી ન જાય...

જોકે વધુ અકળાવતી ઘડી ન લખાયેલી હોય તેમ મોબાઇલ ફોન રણક્યો. સ્ક્રીન પર અબ્દુલનું કોડ નામ અમીપ્રસાદ ઝબકી ઊઠતાં વિક્રમને હાશ થઇ.

‘વિક્રમ, ધ્યાનથી સાંભળ..’ અબ્દુલનો અવાજ વિક્રમને કાળજામાં ટાઢક આપતો રહ્યો :

‘આવતી કાલે એક કાર્ગો શિપ નીકળી રહી છે બ્લુ મૂન. એમાં એરેન્જમેન્ટ થઇ ચૂકી છે. તારે હવે શું કરવાનું છે એ સાંભળી લે...’

વિક્રમ એકચિત્ત થઇને અબ્દુલની વાત સાંભળતો રહ્યો. કોઇ નાનીસરખી ગફલત એને જિંદગીભર દોઝખમાં ધકેલી દેવા માટે પૂરતી હતી.

પૂરી વીસ મિનિટ પછી અબ્દુલનો ફોન પત્યો ત્યારે વિક્રમનો ચહેરો આટલા દિવસો પછી પહેલી વાર ખીલ્યો. વર્ષો પછી પહેલી વાર હોઠ વંકાયા અને હળવી વ્હીસલ વગાડી : જહાં જાઇએગા હમેં પાઇયેગા !

અબ્દુલે ફોન મૂકીને સુલેમાન સરકાર સામે જોયું :

ખુશ ને હવે ? તમારી મરજી પ્રમાણે બધું સેટ કરી નાખ્યું છે.

‘અબ્દુલ, આ તો થઇ વાત વિક્રમની. પ્લાન એ પત્યો, પણ મુખ્ય ઑપરેશન બાકી છે...’ સુલેમાન સરકાર ખુશ થઇ જવાને બદલે બીજું ફરમાન બહાર પાડતો હોય એમ બોલ્યો.

અબ્દુલના ચહેરા પર જરા વિસ્મયનો ભાવ અંજાયો : હવે પાછું શું બાકી રહ્યું ?

‘દુબઇવાળા સુખાને ફોન લગાવ...’

સુલેમાનનો ચહેરો ગંભીર હતો. અબ્દુલે યંત્રવત કૉલ તો લગાડ્યો, પણ એના દિમાગમાં એક જ ક્ષણમાં ઘમસાણ મચી ગયું. ક્ષણ માટે સહેમી ગયો અબ્દુલ :

વિક્રમને અહીં બોલાવીને પછી ક્યાંક.... ?

વધુ વિચારવાનો અવકાશ ન મળ્યો અબ્દુલને... સમે છેડે સુખા સિંહ હતો.

સ્પીકર પર સુખાનો અવાજ સાંભળતાં સુલેમાને ઇશારો કાર્યો : ફોન મને આપ.

‘કયા હાલ હૈ, સબ ઠીક ?’

‘હૂકમ કરીએ...’ સામે છેડે રહેલા સુખાએ જાણે સૂંઘી લીધો પોતાને મળી રહેલા નવા કોન્ટ્રેક્ટને...

‘અબ્દુલ, જરા બહાર જઇને જો તો આ પુલ પરની અમ્બ્રેલા વાંકી કેમ દેખાય છે ?’

સુલેમાને કહ્યું તો એકદમ સાહજિકતાથી.... સુઘડતાનો દુલેમાન એવો આગ્રહી કે બેડ પર પાથરેલી ચાદર પર એક સળ પડી જાય તો એને તકલીફ થઇ જતી, પણ અત્યારે આ અમ્બ્રેલા ? ! જોકે અબ્દુલ એક જ ક્ષણમાં સમજી ગયો કે એને આ બહાર જવાની આડકતરી સૂચના હતી.

બેડરૂમની બહાર જ પડતા સ્વિમિંગ પૂલ તરફ જઇ રહેલા અબ્દુલે કાન સરવા કરી મામલો તાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો. સુલેમાન અતિશય નીચા અવાજે સુખા સાથે વાતચીત કરી રહ્યો હતો. એકેય શબ્દ કાને પડતો નહોતો. અબ્દુલના દિલમા કશુંક ખુંચ્યું : આ જ કિંમત વફાદારીની ને !

‘સુખા, કામ અઘરું છે. એ બહાદૂર તો છે, પરંતુ દિમાગથી શાતિર પણ... બહુ હોંશિયારી મામલો નિપટાવવો પડશે, સમજે છેને ?’

‘બૉસ, આજકાલ હું મારા એક મામલામાં ફસાયો છું એટલે...’ સામે છેડેથી સુખો આનાકાની કરતો લાગ્યો.

બે બદામનો ગુંડો-હવે પોતાની જાતને ભાઇ સમજવા લાગ્યો... સુલેમાનના રૂંવે રૂંવે ઝાળ લાગી રહી. ના સાંભળવાની આદત જ નહોતી. પેલો વિક્રમ પણ કેવા તોરમાં ના ભણી ગયેલો. આવવું પડ્યું ને નાક રગડતાં... સુલેમાનને થયું આ ઘડીએ તો કામ સિફતથી લેવું પડશે.

‘સુખા,તારે કોઇ પ્લાનિંગ કરવાનું નથી. એ બધું અહીંથી મોનિટર થશે. તું કામ પતાવીને ત્યાં જ ક્યાંક અલોપ થઇ જજે,બે-ચાર દિવસ હાઇડ આઉટમાં કાઢ્યા પછી સહીસલામત દુબઇ પહોંચાડવાની જવાબદારી મારી, ઠીક છે ?’

ખાતા-પીતા સુખી ઘરનો સુખા સિંહ એક જમાનામાં ખાલિસ્તાન મુવમેન્ટમાં જોડાયેલો માત્ર થ્રીલ માટે. બાપીકી ખેતીવાડીમાં દિલ લાગતું નહીં ને પોલીસની નોકરી માટે હોવું જોઇએ એટલું પણ ભણતર નહીં. હાથમાં ઘોડો હોય તો વટ કેવો ભારે પડે એવી દિવાનગી સુખાને ગુનાખોરીની દુનિયામાં દોરી ગયેલી. હાથમાં હથિયાર હોય ને ગજવામાં લીલી કડક નોટનો થોકડો, બસ.... આ બે વાતનું વળગણ પોષવા ખાલિસ્તાન મુવમેન્ટમાં સામેલ થઇ ગયેલો ને પછી તો નહીંવત સમયમા જ સુખાનો રેકોર્ડ જ એટલો લાંબો બની ગયેલો કે ત્યાં ઊભા રહેવાય એમ નહોતું. ભાગીને મુંબઇની ભીડમાં ખોવાય જવાની આશામાં મુંબઇ ભાગી આવ્યો, પણ સમસ્યા ત્યારે થઇ જ્યારે ખાલિસ્તાનની મુવમેન્ટની ગરમી ઓસરી ચૂકી હતી. સુખા જેવા નવા નિશાળીયાઓને જ નહીં, મોટા ભાગના ચળવળકારીઓને ઊભા ક્યાં રહેવું એ પ્રશ્ર્ન થઇ ગયો. સુખો ગમે તેમ કરીને પોલીસની ચુંગલમાંથી તો ઓઝલ થઇ શક્યો. પણ પછી ખાવું શું ? બંડલોની છનાછન થવી બંધ થઇ ગઇ ત્યારે સુખા સિંહેને યાદ આવ્યાં ઘર, ખેતીવાડી, મા-બાપ, પણ હવે પાછા ફરવું અશક્ય હતું. બસ, ત્યારે વહારે આવ્યો અન્ડરવર્લ્ડનો બેતાજ બાદશાહ... સુલેમાન સરકારે એને પાંખમાં લઇ લીધો. સુલેમાનનો હાથ સુખાના માથે શું મૂકાયો એ તો બેકાબૂ થઇ ગયો. મુંબઇમાં છકી ગયેલા લવરમુછિયાએ એવી બબાલ કરી નાખેલી કે રાત માથે લઇ ભાગવા સિવાય કોઇ વિકલ્પ જ ન રહ્યો. સુલેમાને પોતાના વિદેશમાં ચાલતાં નેટવર્કમાં ફીટ તો કરી દીધો, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં કામ ઘટતું જ ગયું. સુલેમાનની ગરજ સરી એટલે સુખો ભૂલાઇ ગયેલો. પણ સુખાએ પોતાના હાથ ગરમ રાખવા સોપારી લેવાનું ચાલું કર્યું હતું એવું સાંભળ્યું હતું.... એ જ સુખાને શું કામ ન વાપરવો ? જો મિશન પાર પડે તો શક પણ બીજી જ દિશામાં વળી જાય... જોકે આજે હવે આ સુખા સિંહ પણ આડોડાઇ પર ઊતર્યો. સુલેમાનની જીભ પર એક ગંદી ગાળ ધસી આવી, જે એણે થૂંક સાથે ગળી જવી પડી. વધુ નન્નાને નખરાં એટલે ભાવ વધારવાની રમત... આ વાતથી સુલેમાન અજાણ નહોતો.

‘સુખા, મને ખયાલ છે તારો ભાવ અને આ લોકેશન ને ટાર્ગેટ સમજીને ડબલ કર્યોં, લે બસ ?’ સુલેમાન સરકાર સાથે ભાવતાલ કરીને વધુ ભાવ પડાવી અને પોતાની ઇજજત ઓછી કરે એના કરતાં સામેથી જ થોડાં વધુ નાખી મોટા ભા થવું શું ખોટું ?

સુલેમાને સોદો ફોન પર જ કરી નાખ્યો.

* * *

‘સર, ઍન્યુઅલ-ડે ફંકશનમાં આપ આવો એવું ઉત્તમ કંઇ જ નહીં... જુઓ, ના ન પાડતા...’

એસબીએસ નારીનિકેતનનો મૅનેજર સરાટે પોતાની સંસ્થાના ચીફ ગેસ્ટ તરીકે સુદેશ સિંહને આવવા માટે અડધા કલાકથી વિનવણી કરી રહ્યો હતો.

‘સરાટે,પ્લીઝ... આટલો બધો આગ્રહ ન કરો. મને ખરાબ લાગે છે, પણ હું આવા કોઇ જાહેર કાર્યક્રમોમાં ક્યારેય જતો નથી.’ સુદેશ સિંહના સ્વરમાં નરમાશભરી દૅઢતા હતી.

‘... પણ સર, ગયા વર્ષે તમે પ્રોમિસ કર્યું હયું. ભૂલી ગયા ?’

‘ના સરાટે, નથી ભૂલ્યો, પણ સાચું કહું તો કદાચ એ વખતે તમારા દબાણને ટાળવા કહી દીધું હશે...’ સુદેશ સિંહને પોતાને થોડો ક્ષોભ થયો :

પોતે આવી રીતે ખોટો વાયદો કેમ કરતા કરી નાખ્યો ?

‘એ બધું કંઇ નહીં, સર. આ બળકો માટે માત્ર અડધો કલાક ફાળવો, અમે દર વર્ષે એવી કોઇ વ્યક્તિને અમારા વાર્ષિક દિન માટે આમંત્રિત કરીએ છીએ, જેનાથી બાળકોને કંઇક પ્રેરણા મળે. કોઇક રોલ મોડેલ...’ સરાટે સમજાવટના સૂરથી બોલતો જ જતો હતો, છતાં સુદેશ સિંહ પોતાના નિર્ણય પરથી નહીં જ ડગે એ પામી જઇ છેલ્લું તીર ફેંકી જોયું :

‘સર, તમે છેલ્લાં થોડાં વર્ષોથી સંસ્થાને આટલી મદદ કરો છો. ફક્ત વિચારી જુઓ કે મેડમની યાદમાં તમે જે બાળકો માટે આટલી ખેવના રાખો છો તો એ બાળકો માટે એક કલાક ન ફાળવી શકો ? મૅડમને તમારો આ વ્યવહાર ગમ્યો હોત ?’

સરાટે સાફ જોઇ શકતો હતો કે તીર નિશાન પર લાગ્યું હતું.

‘સરાટે, કાલ સવાર સુધીમાં જણાવીશ, ડાયરી જોવી પડશે !’

યૅનકેન પ્રકારે સરાટેને તો વિદાય કરી દીધો, પણ ટેબલ પર રહેલા ટેબલલૅમ્પની અડોઅડ મૂકીેલી ફ્રેમમાં હસી રહેલી પૂર્વીનો ચહેરો વિલાતો લાગ્યો સુદેશને.

સુદ, આર યુ બિઇંગ ફેર ? તસવીરમાં રહેલી પૂર્વી જાણે જવાબ માંગી રહી હતી. સુદેશ સિંહે ડેસ્ક પાસેથી ખસી બહાર પડતી બારી પાસે આવીને ઊંડો શ્વાસ લીધો. પૂર્વીની તસવીરને જવાબ આપવો અઘરો હોય તેમ ટાળવા, પણ એમ નમતું જોખે એ પૂર્વી હોય ખરી ? સુદેશ વહી રહ્યો એ દિવસની યાદમાં.

પૂર્વીનો વલોપાત છેલ્લે છેલ્લે એટલી હદે વધ્યો હતો કે એણે એસબીએસ નારીનિકેતનમાં સ્વૈચ્છિકપણે સેવા આપવાની શરૂ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની પત્નીઓની જેમ પાર્ટીઓ કરવાને બદલે અઠવાડિયામાં બે વાર પહોંચી જતી આ બાળકો વચ્ચે. પછી તો સારા દિવસો રહ્યા. ત્યારે પૂર્વીની પ્રેગનન્સી વખતે પોતે એક વાર મજાક પણ કરેલી :

‘પૂર્વી, આપણું બેબી આવી જશે એટલે નોધારાં તો આ બિચારાં થઇ જવાનાં...’

‘જરાય નહીં.’ પોતે મા બનવાની છે એ વાત માનવામાં ન આવતી હોય તેમ વારે વારે ડ્રેસિંગ ટેબલના મિરર સામે ગોઠવાઇ ઘડીમાં ઊપસી રહેલા ઉદરને તો ઘડીમાં ભરાયેલા ચહેરાને વારંવાર નિહાળીને મલકતી રહેતી પૂર્વી ભડકી ગયેલી :

‘અનાથ બાળકો, અનાથ રહેવા માટે સર્જાયા છે શું ? ના, એમને અનાથ તો આપણે બનાવી દઇએ છીએ,રમકડાંની જેમ વાપરીને... દિલ ભરાઇ જાય તો વાત પૂરી... ના, એમ થોડું થાય ?’ પૂર્વી બરાબરની છેડાઇ હતી.

‘ઓહ પૂર્વી, પ્લીઝ.... મેં એવા અર્થમાં નહોતું કહ્યું.’ પાંગળો બચાવ કરતાં એ વખતે પોતે બોલેલો.

‘જો તમે એવા અર્થમાં નહોતું કહ્યું તો ક્યાં અર્થમાં કહ્યું હતું, જરા સમજાવશો’

‘ઓકે... સૉરી, બસ ?’

વાત પતે એટલે માફી તો માગી લીધેલી, પણ પૂર્વીનાં મનનો ઊભરો નહોતો શમ્યો :

‘સુદ, તમને આવો નબળો વિચાર પણ કેમ આવ્યો ? તમને એમ લાગે છે કે આ માત્ર ટાઇમપાસ પ્રવૃતિ છે ? માં નહીં બની એટલે દિલ બહેલાવવા માટે ?’

પૂર્વીને ચૂપ કરવાનો એક જ ઇલાજ હતો... મિરર પાસે બેઠેલી પૂર્વીને હાથ પકડીને ઉઠાડી બેડરૂમની ગૅલેરીમાં રહેલા હીંચકા પર એની સાથે બેસીને મ્યુઝિક સાથે જૂની યાદ મમળાવતાં ગપસપ કરવી.

રાત વીતી રહી હતી ને આંખો ઘેરાવા લાગી હતી ત્યારે હીંચકા પર સુદેશના ખભે માથું ટેકવીને પૂર્વીએ વચન માગી લીધું હતું :

સુદ, તમે જે સંશય કર્યો એવી સ્વાર્થી હરકત હું ક્યારેય ભૂલથી પણ કરી બેસું તો મને ટોકજો જરૂર... આ બાળકો અનાથ નથી, આપણે એમનાં વાલી બનવાના બોન્ડ્ઝ હાથથી નહીં, દિલથી સાઇન કર્યા છે.

- ને પોતે જોતો રહી ગયેલો પૂર્વીને, એની સુંદરતા કરતાં કંઇ ગણાં વધુ સુંદર દિલને. સરાટે, આઇ વિલ કમ...

સુદેશ સિંહે મનોમન નિર્ણય લીધો અને પ્રવીણકુમારને અંદર બોલાવ્યો :

‘એસબીએસમાં સરાટેને કહો કે હું આવીશ. એ જે જણાવે તે સમય ને સ્થળ મને જણાવી દેજો અને હા, એ દિવસે મારાં બીજાં જે કોઇ કમિન્ટમેન્ટ્સ હોય એને આગળ-પાછળ શિફ્ટ કરો.’

‘સર, સરાટેએ આપેલી તારીખ પ્રમાણે દસમી ને બુધવાર છે. કાર્યક્રમનો સમય સવારના દસનો છે, પણ સરાટેએ જ કહ્યું છે કે સર, બાર સુધીમાં પહોંચે તો પણ ચાલશે.’

સુદેશ સિંહનો પર્સનલ આસિસ્ટન્ટ પ્રવીણકુમાર નાની નાની વાતો પાકી કરવમાં ભારે ચોક્કસ હતો પોતાના બૉસની જેમ જ.

વિરાર પહોંચવુ હોય તો બે કલાક તો જોઇએ... સુદેશ સિંહના મગજમાં આખા કાર્યક્રમનો નકશો બની રહ્યો હતો :

‘પરવીન, એમ સમજ કે એ અડધો દિવસ ગયા ખાતે લખી લેવાનો.’

‘સર, જોકે બંને સમયે ડિરેક્શન એવી છે કે ઝાઝી સમસ્યા તો નહીં થાય. હા, કદાચ પાછા ફરતા ટ્રાફિક મળે...’ પ્રવીણકુમારે સરાટે પાસે લઇ રાખેલી માહિતીઓ ટાઇપ કરીને સુદેશ સિંહનાં ટેબલ પર મૂકી.

‘વાંધો નહીં, હજી તો આડે એક અઠવાડિયું છેને...’ સુદેશ સિંહે મહત્વની ફાઇલો પર નજર ફેરવવા માંડી.

પછી તો અઠવાડિયું પલક ઝપકે એમ વીતી ગયું...

‘સર, કાલે દસમી છે. સરાટેના પ્રોગ્રામમાં વિરાર પહોંચવું પડશે ને ?’ પીએ પ્રવીણકુમારે નવમીની સાંજે બૉસને રિમાઇન્ડ આપ્યું.

‘અરે હા, મારા મગજમાંથી એ વાત નીકળી ગઇ હતી.’ સુદેશ સિંહે પોતાની સાથે ઘરે લઇ જવાની ફાઇલો ચેક કરી. :

‘પરવીન, ફરી એક વાર સૂર્યવંશી ને મોરેને રિમાઇન્ડર આપી દેજો, ઓકે ?’ બહાર નીકળતાં પહેલા ફરી એકવાત ચોક્કસાઇ કરતાં સુદેશ સિંહે કહ્યું :

‘સવારે વહેલું જઇ પાછા આવવું પડેશે ને...’

‘સર, ઇનોવા લઉં કે પછી ?’

આગલી રાત્રે પ્રવીણકુમારે આપેલી સૂચના પ્રમાણે મોરેએ આઠના ટકોરે અંદર આવીને બ્રેકફાસ્ટ કરી રહેલા સુદેશ સિંહને પૂછ્યું.

‘ના, ફોર્ચ્યુનર...’ સુદેશ સિંહે પોતાની પર્સનલ કાર લેવાનો આગ્રહ રાખ્યો. કાર્યક્રમ સરકારી નહોતો.

‘સર, ડ્રાઇવ લાંબી છે, ફોર્ચ્યુનર બુલેટ પ્રૂફ નથી...’ મોરેનો હિચકિચાટ વ્યાજબી હતો.

‘ઓહ, ડઝન્ટ મેટર... મોરેની વાત સાંભળી સુદેશ સિંહે સાંભળી પણ ન સાંભળી કરી નાખી.

સુદેશ સિંહ પોતાના ખાસ એવા ઈન્સ્પેક્ટર સૂર્યવંશી ને ડ્રાઇવર મોરે સાથે બંગલાની બહાર નીકળ્યો ત્યારે લિવિંગરૂમના વૉલ-ક્લોક્માં નવ થઇ રહ્યાં હતા.

‘સર, હજુ કોઇ સિક્યોરિટી સ્ટાફ આવ્યો નથી. પાંચેક મિનિટમાં આવી જશે. આપણે એમને દસ વાગ્યાનું કહ્યું હતું ને...’ સરના આજના વર્તનથી સૂર્યવંશી જરા અપસેટ થઈ ગયો હતો.

વાય ક્લાસ સિક્યોરિટી કવરમાં હોવા છતાં સુદેશસિંહ મનફાવે એ રીતે ક્યારેક વર્તી બેસે એ વાત જ ખટકતી હતી સૂર્યવંશીને.

‘સૂર્યવંશી, આ કંઈ પહેલી વાર નથી થતું આપણે જલદી જઈને પાછા આવીએ. આજે ચાર વાગે હોમ મિનિસ્ટર સાથેની મિટિંગ કોઈ પણ સંજોગોમાં મિસ કરી શકાય એમ નથી.’ સિવિલયન ક્લોથ્સમાં વ્હાઇટ શર્ટ ને ગ્રે પૅન્ટ્સમાં સજ્જ સુદેશ સિંહે કારમાં બેસતાં ડ્રાઇવર મોરેને આદેશ આપ્યો.

તે વખતે સુદેશ સિંહના રેસિડન્સ પર પહોંચી રહેલા સિક્યોરિટી ગાર્ડસ ક્યાં સુધી પહોંચ્યા એની માહિતી મેળવવામાં સૂર્યવંશી વ્યસ્ત હતો. સુદેશ સિંહનું ધ્યાન હતું સીટ ક્વર્સના પોકૅટમાં ગોઠવીને મૂકાયેલા તાજાં અખબારો પર, જે ઉતાવળ હોવાથી બ્રેકફાસ્ટ દરમિયાન જોવાનાં રહી ગયાં હતાં. કાર સ્ટાર્ટ થઇ ને સૂર્યવંશીનો ફોન પત્યો એટલે એ પરોવાયો ફોન મેસેજ જોવામાં ને સુદેશ સિંહ અખબાર વાંચવામાં.

જો તે વખતે બેમાંથી કોઇની નજર પણ બંધ થઇ રહેલા મિલ્ક બૂથ પર ગઇ હોત તો ધ્યાનમાં આવત કે એક વ્હાઇટ સ્વીફ્ટ ડિઝાયર કાર એમની કારથી સલામત અંતરે રાખી પીછો કરતી હોય તેમ સ્ટાર્ટ થઇ હતી. વહેલી સવારે કોઇ ખાસ ટ્રાફિક નહોતો. વરલી સી ફેસ વટાવીને સુદેશ સિંહની કાર સી લિન્ક પર પહોંચી ત્યારે સ્પીડ લિમિટ ન ઘટાડી ત્યારે પેપરમાંથી માથું બહાર કાઢી સુદેશ સિંહે ટકોર કરવી પડી:

‘મોરે અત્યારે જરૂર નથી સ્પીડિંગની. વિના કોઇ કારણ શું કામ નિયમ તોડે છે ?’

એ વાત સાંભળીને ડ્રાઇવર મોરેનીએ બાજૂની સીટમાં બેઠેલા સૂર્યવંશી આ વાત સાથે સહમતિ દર્શાવતો હોય એમ હકારમાં માથું ધૂણાવતાં પાછળ ફર્યો ને એની ને સુદેશ સિંહની નજર એક થઇ. બંનેએ એકસાથે નોંધ્યું કે એક વ્હાઇટ સ્વીફ્ટ ડિઝાયર શંકાસ્પદ રીતે નજીક આવી રહી હતી. એમાં બે વ્યક્તિ હતી, જેમાંથી એકની નજર કોઇ સામાન્ય વ્યક્તિ જેવી નહોતી. સુદેશ સિંહના કપાળ પર હળવી રેખા ખંચાઇ ને અદૅશ્ય થઇ ગઇ :

‘મોરે, સ્પીડ અપ !’ સુદેશના આદેશમાં અધીરાઇ કરતાં ઉશ્કેરાટ વધુ હતો.

મોરેએ સ્પીડ ૮૦ પરથી સીધી ૧૦૦ ને ૧૨૦ કરી અને એમની ફોર્ચ્યુનર રોકેટની જેમ આગળ ધસી. એ જોઇને સ્વીફ્ટ ડિઝાયરના ડ્રાઇવરે પણ ઝડપ વધારી... આ સાબિતી હતી કે સુદેશ સિંહનો શક સાચો હતો ને એ શકને વિશ્વાસમાં પલટાતાં એક જ ક્ષણ લાગી. નક્કી કોઇ પીછો કરી રહ્યું હતું.

અચાનક જ જમણી તરફ ધસમસી રહેલી સ્વીફ્ટ ડિઝાયર પોતાની પોઝિશન બદલીને સુદેશ સિંહની કારની ડાબી તરફથી ઓવરટેક કરતી આગળ ધસી રહી હતી. એના નિશાન પર એક જ વ્યક્તિ હતી : કારની પાછલી સીટની ડાબી બાજુ પર બેઠેલો સુદેશ સિંહ.

હજુ સુદેશ સિંહ વધુ કંઇ વિચારે એ પહેલા ડ્રાઇવરની બાજુમાં ગળે મોઢે મફલર વીંટીને બેઠેલા શખ્સે રિવૉલ્વર તાકી.

‘ડક, સૂર્યવંશી, ડક...’

સુદેશ સિંહે આટલી કટોકટીની પળમાં પણ સ્વસ્થતાથી નીચે ઝૂકી જઇ સૂર્યવંશીને પણ કારની વિન્ડોથી ઓઝલ થઇ જવાય એમ ઝૂકી જવાનો આદેશ આપ્યો અને એ જ સાથે ટ્રાઉઝર્સની અંદર બાજુએ બેલ્ટના લેધર કેસમાં રાખેલી ગ્લોક પિસ્તોલ એણે ખેંચી કાઢી. જરૂર પડે તો એમાં વીસ બુલેટ્સ પીછો કરતી કારના બંનેને ઢાળી દેવા પૂરતી હતી.

એ જ દરમિયાન સૂર્યવંશી સીટ પર વાંકો તો વળી ગયો ને સાથે સાથે પરિસ્થિતિથી વાકેફ કરી રહ્યો હતો. પાછળ આવી રહેલા અન્ય સુરક્ષાકર્મીઓને. એ જ વખતે એકદમ નજીક આવી ગયેલી સ્વીફ્ટ ડિઝાયરમાંથી ગોળી છૂટી, જે નિશાન ચૂકી ગઇ. એ જ સાથે સ્વીફ્ટના ડ્રાઇવરે ફરી જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. એમની કાર જમણી બાજુ આવી ને એમાંથી આડેધડ ગોળીબાર શરૂ થયો. એમાંથી એકાદ બુલેટ સુદેશને વીંધી નાખે એવી ગણતરી સુપારી લેનાર કિલર સુખાની હતી... માત્ર સુદેશ સિંહને વીંધવાની ફિરાકમાં સુખાએ ધ્યાન રાખવાનું હતું કે એની કારનો ડ્રાઇવર વચ્ચે ન આવી જાય. આ ફિરાકમાં સુખા સિંહની એક પણ બુલેટ સ્પર્શ્યા વિના જ પસાર થઇ ગઇ. હવે ત્વરાથી વળતો વાર સુદેશ સિંહે કરવાનો હતો કિલર પર... પણ કિલરનો ડ્રાઇવર આડશ બની રહ્યો હતો.

આ ક્રોસ ફાયરિંગમાં પ્રાઇવેટ ટેક્સીનો ડ્રાઇવર વિના વાંકે હલાલ થઇ જવાનો ભય હતો, પણ આ ઘડી એ બધું વિચારવાની નહોતી. સુદેશ સિંહની પિસ્તોલમાંથી છૂટેલી બુલેટ વિન્ડોનો કાચ વીંધી ડ્રાઇવરના જમણા બાવડાને ચીરતી સોંસરવી નીકળી ગઇ. દર્દનાક ચીસ સાથે સ્ટિયરિંગ પરનો કન્ટ્રોલ ડ્રાઇવરે ગુમાવ્યો. બાજુમાં બેઠેલા સુખા સિંહ ગિન્નાયો, સો કિલોમિટરની ઝડપે દોડી રહેલી કારની ડાબી સાઇડની વિન્ડોમાંથી ધડ સહિત માથું બહાર કાઢી એણે ફાયરિંગ ચાલુ કર્યું.

‘બાબુ, કાર પાસ લો.. સુના નહીં ? ‘સુખો ગળાફાડ ચીખી રહ્યો હતો. પણ ઘાયલ ડ્રાઇવર સાંભળે એવી સ્થિતિમાં નહોતો.

‘મોરે, વો કાર કો દબાવ,રૅલિંગ કે સાથ.... દબા દે... !’ કટોકટીની ત્રીસ સેકન્ડમાં સુદેશ સિંહનો પ્લાન રેડી હતો.

મોરેએ ફિર્ચ્યુનરની સ્પીડ અચાનક ઓછી કરી નાખી, જેથી સ્વીફ્ટ ડિયાઝર આગળ નીકળી જાય. સુખાની કારનો ડ્રાઇવર બાબુ સ્ટિયરિંગ વ્હીલ પર હતો જરૂર, પણ અર્ધબેહોશીમાં સરકી ચૂક્યો હતો. સુદેશ સિંહના પ્લાનની ગંધ સુખાને આવી ગઇ હોય એમ એણે ફાયરિંગ ચાલુ રાખ્યું,જેની એક બુલેટ સુદેશ સિંહને લાગી. ગરમ લોહીથી તરબોળ સુદેશ સિંહનુ વ્હાઇટ શર્ટ લાલ રંગથી રંગાવા લાગ્યું.

‘સર, સર.... આર યુ ઓકે.’ ? આગળ બેઠેલા સૂર્યવંશીનો જીવ તાળવે ચોંટી ગયો,સુદેશ સિંહની હાલત જોવા એ પાછળ ઘૂમ્યો ને ત્યાં જ એક બુલેટ સૂર્યવંશીનો ડાબો ખભો ચીરતી ગઇ.

હવે વારો મોરેનો હતો. સુખા સિંહે નિશાન સાધ્યું મોરે પર... પણ અનુભવી મોરેએ અચાનક જ ફોર્ચ્યુનરની સ્પીડ વધારી. હવે એ સ્વીફ્ટ ડિઝાયરની લગોલગ આવી ગઇ હતી. સુખા સિંહ હજુ કોઇ પ્રતિભાવ આપે એ પહેલાં જ ઘાયલ ચિત્તાની જેમ સુદેશ સિંહે દેખા દીધી. લોહીથી લથબથ ખરડાયેલા હાથમાં રહેલી પિસ્તોલમાંથી બુલેટ છૂટી. જે કાર વિન્ડોની બહાર અડધા ઝૂકી રહેલા સુખા સિંહની ગરદન અને કાનને ચીરતી ગઇ. સુખા સિંહને કોઇ તક જ ન આપવી હોય તેમ બીજી ને પછી ત્રીજી...

એ જ દરમિયાન મોરેએ સ્વીફ્ટ ડિઝાયરને રૅલિંગ સરસી કરી નાખી હતી. હોલીવુડની કોઇ ફિલ્મના સીનની માફક કાર રેસ જામી હોય હોય એવું દૅશ્ય સર્જાયું હતું. બંને કાર સ્પીડથી ધસમસતી રૅલિંગસરસી ઘસાતી આગળ વધી રહી હતી. સુદેશ સિંહની જેમ સૂર્યવંશીના નિશાન પર પણ હતો સુખો, પણ એની એક બુલેટ સુખાના મરણતોલ થઇ ચૂકેલા ડ્રાઇવરના હાથને છરકો કરતી પસાર થઇ ગઇ ને બીજી કારના ટાયરને... એ સાથે એક જોરથી ધડાકો ને સુખાવાળી કાર સી લિન્કની રૅલિંગ તોડીને અડધી બહાર ફંગોળાઇ ગઇ... કારના આગલા બે વ્હીલ સી લિન્કની રૅલિંગ તોડીને દરિયામાં ખાબકવાની તૈયારીમાં હતાં ને કારનો પોણો ભાગ હતો પુલ પર.. નીચે આહવાન કરી રહેલા દરિયામાં ઝંપલાવવાની તૈયારીમાં હોય તેમ... દરમિયાન કારવિન્ડોમાંથી બહાર નીકળીને ફાયરિંગ કરતા, ત્રણ બુલેટથી ગંભીરપણે ઘવાયેલા સુખા સિંહે રૅલિંગ તોડીને ગમે તે પળે જળસમાધિ લેવાની હોય તેમ ઝળુંબી રહેલી કારમાં અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી જોયો. કારમાં ઘૂસી ન શકે તો સુદેશ સિંહની બુલેટ પર પોતાનું નામ લખાયેલું હતું અને તેમાંથી બચે તો નીચે રાહ જોઇ રહ્યો હતો ઘૂંઘવાતો અરબી સમુદ્ર.

મોત તાંડવ કરી રહ્યું સુખાની નજર સામે.

એ જ વખતે સુદેશ સિંહની પિસ્તોલમાંથી વછૂટેલી વધુ એક બુલેટ ને સુખા સિંહે બેલેન્સ ગુમાવ્યું. એ ૪૦૦ ફુટ નીચે ઘૂઘવી રહેલા દરિયામાં પડ્યો. અધમુઆ થઇ ચૂકેલા કિલરને હરગીજ બક્ષવો ન હોય એમ સુદેશ સિંહ અને સૂર્યવંશી બંને રૅલિંગ પાસે લપકીને પહોંચ્યા. બંનેના શર્ટ લોહીથી લથપથ હતાં. છતાં બંનેએ ફાયરિંગ ચાલુ રાખ્યું. જ્યાં સુધી સુખા સિંહ નજર સામેથી દેખાતો અદૅશ્ય ન થયો.

‘સર, એ જીવતો નહીં બચ્યો હોય...’સૂર્યવંશીનો અવાજ લડખડાતો હતો. સુદેશ સિંહની હાલત એથી પણ ખરાબ હતી.

ગણતરીની ક્ષણોમાં જેને થોડી સેકન્ડ પહેલાં દરિયો ગરક કરી ગયો હતો એ સુખા સિંહનુ શરીર ઊછળતાં મોજાં પર તરતું નજરે ચઢ્યું. મોજાં પર રચાતા જતાં લાલ કુંડાળામાં ફંગોળાઇ રહેલું સુખા સિંહનું અચેતન શરીર જોયું ને સુદેશ સિંહને અચાનક જ લાગ્યું કે એ દૅશ્ય ધૂંધળું થઇ રહ્યું છે.

ધુંધળા થઇ રહેલા સમુદ્રનાં તરંગ ને એની પરના લાલ કુંડાળા વચ્ચે સુદેશ સિંહ સામે અચાનક પૂર્વીનો ચહેરો તરવરવા માંડ્યો. આ કોઇ પૂર્વાભાસ તો નહોતો ને ? ત્યાં જ પૂર્વીના ચહેરામાંથી સલોનીનો ચહેરો પ્રગટ્યો અને સુદેશ સિંહે ભાન ગુમાવ્યું...

એક દિલ ધડક ખેલ માત્ર ૧૨-૧૫ મિનિટમાં ભજવાઇ ચૂક્યો હતો, જેના પડઘા ન જાણે કોની કોની જિંદગી પર પડવાના હતા.

***