Babo powerfull chhe books and stories free download online pdf in Gujarati

બાબો પાવરફુલ છે...!

બાપ તેવું બેટું ને વડ તેવું ટેટુ...!

બાપ ક્યાં, બેટું ક્યાં, વડ ક્યાં ને ટેટુ ક્યાં..? મારા બેટા, લોકો કહેવતમાં પણ લાકડે માંકડું જ વળગાવે..! કહેવત લોકો સાથે તો ઠીક, મગજ સાથે પણ ફિઈઈટ તો થવી જોઈએ..? પણ, અમુક અમુક બાપ-દીકરાની જોડ જોઈએ તો આવું જ હોય. બાપને જોઈએ તો, જમીનમાં મૂળિયાં ઘાલી ગયેલાં પ્રાચીન વડના ઝાડ જેવો હોય, ને દીકરો છૂટી પડેલી દ્રાક્ષના દાણા જેવો હોય. સેકટાની સીંગ માફક ઝાડ ઉપર હવામાં અમસ્તો જ ઝૂલતો હોય.! પણ પોતાની જ પ્રોડક્ટ રહી, એટલે બાપ પણ જાય ક્યાં..? ચલાવી લે. બાકી દીકરાઓને મોલમાંથી ખરીદીને લાવવાના હોય તો, ભાવતાલ, રંગરૂપ નકશો ને છેલ્લે ડિસ્કાઉન્ટ પણ શોધે..! આ તો એક અનુમાન.

આપણે એક કલ્પના કરીએ કે, કાંદા-બટાકા-ચીઝ-બટરને બુસકોટની માફક દીકરાઓ પણ મોલમાં મળતાં હોય તો..? પહેલી ઘટના તો એ બને કે, તમામ મેટરનીટી હોસ્પિટલ ‘ બેબી સીટર હોમ ‘ બની જાય. અને ગાયનેક ડોક્ટરો મોલમાં ‘ચાઈલ્ડ એડવાઈઝર’ તરીકે કાઉન્ટર સંભાળતા હોય. ખરી મઝા તો ગૃહિણીની ખરીદ કરવાની સિસ્ટમમા આવે. મોલમાં વેચવા કાઢેલા બાળકની હાલત કાંદા-બટાકા ખરીદતા હોય, એવી કરી નાંખે. જે હાલતના મોલના બીજાં ડેમો પીસની થાય, એ હાલત છોકરુંની કરે. ફરતેથી એને પોચાવી પોચાવીને જોઈ લે કે, તાજો છે કે વાસી..? ક્યાંકથી સડેલો તો નથી ને..? આખેઆખો પીસ ઉબડો-ચત્તો કરીને એ પણ જોઈ લે કે, કંપનીએ આપેલી જાહેરાત મુજબનો જ છે ને...? એક્સપાયરી ડેઈટ કેમની છે..? મારા હાળા છેતરતા તો નથી ને...? કારણ ‘ઓન લાઈન’ શોપિંગમાં મોબાઈલની જગ્યાએ પથરા નીકળ્યાનો એની પાસે બહોળો અનુભવ હોય, એટલે ધારી ધારીને જોઈ લે. કદાચ બાબાને બદલે બેબી પધરાવી દીધી તો...? છોકરૂના નાક,કાન, ગાલ, હાથ-પગ વગેરે એવાં ખેંચી-ખેંચીને મોટા કરી નાંખે કે, બાબો મોલમાં પડ્યો પડ્યો જ અડધો તો ખેંચાય જાય. છેલ્લે બધું ફાઈનલ થાય ત્યારે એ આપણી સાથે મેચિંગ થાય છે કે કેમ એ પણ ચકાસી લે. એના કપાળમાં કાંદા ફોડું...! આ તો એક ગમ્મત..!

પણ, પાડ માનો પ્રભુનો કે, આપણને આ બધુ ઘેર ઘેર મફતમાં આપે છે. પછી એમાં મેચિંગ બાબાએ નહિ થવાનું, મા-બાપે થવાનું. એમાં વડ તેવાં ટેટા નહિ, ક્યારેક ટેટા તેવાં વડે પણ સિધ્ધાંત બદલવા પડે. કોઈનો બાબો પાવરફુલ પણ હોય, ને કોઈને ત્યાં ડીમલાઈટવાળો પણ પ્રગટ થાય. જેવાં જેનાં નસીબ. એક વાર એક ભાઈને મારાથી કહેવાય ગયું કે, ‘ શું આપનો બાબો પાવરફુલ છે..? ‘ એમાં તો એની દાઢમાં એવી ટણક ઉપડી કે, “ તો અમે શું ટાઢા ખડકના પાણા જેવાં છીએ..? કુવામાં હીય તો જ હવાડામાં આવે ને..? કંપની જ પાવરફૂલ હોય, તો પછી એની પ્રોડક્ટમા કોઈ ખામી હોય..? મને થયું મારા ક્યાં ભોગ લાગ્યાં કે, આને પૂછવાનું આવ્યું..!

આપણી એક સલાહ છે કે, અડોશ-પડોશ કે મહોલ્લામાંથી કોઈ આપણને ઘર બેઠાં કહેતાં આવે કે, “તમારો બાબો બહુ પાવરફુલ છે” તો આવાં માંગલિક સમાચાર સાંભળીને નજર અંદાજ નહિ કરતાં. મીઠાં મોઢાં કરાવવા પતાસા વહેંચી જ દેવાના. મીઠાં એના લગન સુધી પતાસા વહેંચવાની વાટ જોવી જ નહિ. શાસ્ત્રમાં એવું ક્યાંય લખ્યું નથી કે, પતાસાનો ડબ્બો લગન ટાણે જ ઉઘાડાય..! એક વાત છે કે, જેનો બાબો બાવીસ વરસે પણ બાર્બીડોલ સાથે જ રમતો હોય, તો એ ભલે ગોળધાણાથી પતાવે. તેને આપણાથી નહિ કહેવાય. બાકી જેની પાસે પાવરફુલ બાબાની સિલ્લક છે, એમણે તો ‘મંજીરા-ડાન્સ’ સાથે રામધૂન ચાલુ કરી જ દેવાની. એક પણ યાત્રાધામની મુલાકાત વિના આજે પાવરફુલ બાબો મળે કોને..? એને શનિની નહિ, મુલાયમ દશા જ બેસે. ( મને ખબર જ હતી કે, મુલાયમનું નામ પડતાં જ, ઘણાને ‘મુલાયમ યાદવ’ યાદ આવવાના..! દૂધપાકમાં મીઠું નાંખવાનું કામ, શું કામ કરો છો યાર..? એનો દીકરો તો બધાથી પાવરફુલ. યાદ છે ને સતાની પ્રાપ્તિ માટે બાપનું પણ એણે નહિ સાંભળેલું ? ) અમસ્તું કહેવાયું કે, જેનું કોઈ નહિ માને, એને કેજરીવાલ કહેવાય, જે બાપનું પણ નહિ માને એને અખિલેશ યાદવ કહેવાય, ને જે કોઈનું પણ નહિ માને એને.....! શું કામ બોલાવો છો મારી પાસે યાર..? દીકરો પાવરફુલ નીકળે એના માટે, બાપ ગૌરવ નહિ લેવાનો, તો શું પાડોશી લેવાનો..? જેનો હોય તે જ લે ને મામૂ...?

જો કે, ‘પાવરફુલ’ ની કેટેગરીમાં પણ પાછાં અનેક ફાંટા. વેજ અને નોનવેજ જેવાં. કોઈપણ ચમરબંધીની પરવા કર્યા વગર દારુની હેરાફેરી કરતો હોય, એને પાવરફુલ નહિ કહેવાય. ‘ભાઈલોગ’ ની છાપ જમાવી ગામમાં ધાક બેસાડતો હોય, એને પાવરફુલ નહિ કહેવાય. એક ભાઈએ એક દીકરાના બાપને ફરિયાદ કરી કે, ‘ જુઓ, તમારા છોકરાએ પથ્થર માર્યો, એમાં મારા છોકરાની આંખ સહેજને ખાતર બચી ગઈ. બાપ કહે, ‘ બંને જ નહિ, તારાં દીકરાની આંખ બચી ગઈ હોય, તો એ મારો દીકરો નહિ હોય. મારો દીકરો પથ્થર મારવામાં પણ એટલો પાવરફુલ, કે ક્યારેય નિશાન નહિ ચૂકે..! આવાં દીકરાને પાવરફુલ નહિ કહેવાય, કાબુ બહારના કહેવાય..! શ્રવણ જેવાં દીકરા પાકે તો પાવરફુલ કહેવાય..!

અમુક તો પાછાં આવાં દીકરાની ઓળખ આપવામાં ગૌરવ લે. ‘આપણો બાબો એટલે આપણો બાબો, ઘર કરતાં, એના પોલીસ ચોકીમાં ફોટા વધારે. નામાંકિત ડોકટરની માફક આપણા ઇલાકામાં એનું નામ છે. પણ ખિસ્સાં કાતરુ તરીકે..! એમને કેમ કરીને કહીએ કે, ‘ ભાઈ, તું તારો જ બાબો બોલવાનું રાખને, ‘ આપણો બાબો ‘ બોલે છે, એમાં અમને ગૂંચવાડો થાય છે, કે લેવા દેવા વગર આ માણસ અમને શું કામ આંટીમાં લે છે ? આપણે સાલા હરખાવા જઈએ કે, એની ભાષાની ભૂલ કાઢવા જઈએ..?

આ બધી ભાષાની ભાંજઘડ કહેવાય. ઘણા તો વાઈફની ઓળખાણ આપતાં પણ કહે કે, ‘ રમેશભાઈ..! મીટ માય ધીસ ‘ઓવન’ વાઈફ..!’ તારી ભલી થાય તારી...! સાલું ઓવન વાઈફમાં આપણે સમજવાનું શું..? ‘ વાઈફ એટલે લીમીટેડ કંપની, ને આપણે એના શેરહોલ્ડર એવું..? આ તો હસવાની એક વાત. આમાં વાંક અંગ્રેજોનો છે. ‘ઓવન’ ના પણ એ લોકો બે અર્થ મૂકતા ગયેલાં..! એક ‘ઓવન’ નો અર્થ થાય, આપણી, આપણું કે આપણો..! ને બીજો અર્થ થાય, ‘ગરમ કરવાનું ઇલેક્ટ્રિક સાધન..!’ ગૂંચવાઈ જઈએ ને મામૂ..?

જેવો હોય તેવો, પણ અમારાં ચમનિયાને આજે પણ એના બાબા માટે ભારે ગૌરવ. કોઈને પણ બાબાની ઓળખાણ આપવાનો હોય તો, એ એમ જ કહે, ‘યુ મીટ માય પાવરફુલ સન..!’ જાણે કે એનો બાબો મેટરનીટી હોસ્પિટલને બદલે, દક્ષિણ વિભાગ વીજ કંપનીની ઓફિસમાં નહિ જન્મ્યો હોય..? બે ઘડી તો એવો વિચાર આવે કે, એનો બાબાને જન્મ્યો ત્યારે, જડીબુટ્ટીને બદલે ઘસારામાં શું બેટરીના સેલ ચટાડ્યા હશે..? નિશાળમાં ભણતો હતો ત્યારે, એક શિક્ષકે એને હજારેક વાર એક કહેવત લખવા આપેલી કે, ‘બોલે તેના બોર વેચાય.’ એ લખવામાં એ એવો બોલકો થઈ ગયો કે, એને બોલતો બંધ કરવા માટેની સ્વીચ હજી સુધી ચમનિયાના હાથમાં આવી નથી. ફાયદો એ થયો કે, આજે એ લાઈવ ટીવી ચેનલનો પત્રકાર છે. જ્યાં ત્યાં જઈને ટીવીનું લાઈવ ટેલીકાસ્ટ કરે છે ભાયો..!

એકવાર એને એવું ભૂસું ભરાયું કે, એકાદ એવી અફલાતૂન સ્ટોરી બનાવું કે, બોસની આગળ આપણો વટ પડી જાય. લાઈવ ટેલીકાસ્ટનો કાફલો લઈને એ ટીમ સાથે એક ગામડે ગયો. પણ શેરને જેમ સવાશેર ભેટે, એમ એક માલધારી ઘેંટા ચરાવતો હતો, એવાં કાકા સાથે એનો ભેટો થઈ ગયો. વટ પાડતાં કાકાને કહે, ‘કાકા, જયમાતાજી. ઘેટાં ચરાવવા નીકળ્યાં છો...?

કાકો કહે, ‘ નારેના..! ઘેંટાને ગામ બતાવવા નીકળ્યો છું. બિચારા ગામના દર્શન કરી લે એમ..!

પેલો કહે, ‘ ઓકે...ઓકે...! બાકી મને તો એવું લાગ્યું કે, બધાં ઘેંટા આપને ગામ બતાવવા નીકળ્યાં છે..! કાકા, કુલ કેટલાં ઘેટાં લઈને નીકળ્યાં છો..?

કાકો કહે, ‘ પહેલાં તમે મને એ કહો કે, તમે છો કોણ ...? ‘

અમે લાઈવ ટીવી ચેનલવાળા છે. તમારો ઇન્ટરવ્યું લઈને અમે તમને ઘેટાં સાથે ટીવી માં બતાવીશું.

કાકો કહે, ‘ એમ..? કયા ઘેંટાનું પૂછો છો ? કાળા કે ધોળા..?

પેલો ગૂંચવાય ગયો, છતાં બોલવું તો પડે. એટલે કહ્યું, “કાળા...!”

કાકો કહે, “કાળા પચાસ છે.”

ને ધોળા કેટલાં છે..?

એ પણ પચાસ છે, ભઈલા..!

પેલાએ પાછો ઉથલો માર્યો, ‘ આ ઘેટાં ઊન કેટલું આપે કાકા..?

કાકો કહે, ‘ કયા..? કાળા ઘેટાં કે ધોળા ઘેટાં..?

કાળા ઘેટાં..!

કાળા ઘેટાં, પાંચ કિલો ઊન આપે.

અને ધોળા ઘેટાં..?

એ પણ પાંચ કિલો..!

પેલો કહે, ‘ કાકા, કાળા ઘેટાં પણ પાંચ કિલો ઊન આપે, ને ધોળા ઘેટાં પણ પાંચ કિલો ઊન આપે, તો પછી બધાનો છુટો છુટો જવાબ કેમ આપો છો...?

કાકો કહે, ‘ આ બધું તમને જોઈને જ શીખ્યો છું ભઈલા. તમે ચેનલવાળા પણ આવું જ કરો છો ને..? ટીવી ઉપર, તમે એક ને એક જ લવારો કરો છો ને..? જો તમે બધાં આવો જ લવારો કરતાં હોય, તો તમને પણ એ જ ભાષામાં સમઝાવાય ને બકા...?

તારા કપાળમાં કાંદો ફોડું..!

***