Bahadur dikari books and stories free download online pdf in Gujarati

બહાદુર દીકરી

  "પપ્પા, શુ કહ્યું ડોકટરે ? તમે કેમ સાવ ઉદાસ થઈ ગયા ? આવા સામાન્ય દુઃખાવા તો દવાથી સારા થઈ જ જાયને ?" સુચારુએ હોસ્પિટલથી આવ્યા પછી બેચેન બની ગયેલા તેના પપ્પાને હિંમત આપતા કહ્યું.
"હા, બેટા. ચોક્કસ સારું થઈ જ જાય.અને મારી સુચારુ તો હોનહાર અને હિંમતવાન દીકરી છે એને વળી કોઈ રોગ હરાવી શકે ?" સુરેશભાઈએ ડોકટરે કહેલી વાતને દિલમાં દબાવી દઈને હાસ્ય વેર્યું.પણ એમના ફિક્કા પડી ગયેલા વદનને વાંચતા સુચારુને આવડતું જ હતું. છતાં પપ્પાના દર્દને વધુ ખોતરવાનું એને ઠીક ન લાગ્યું. ખરેખર પોતાના વિશે કંઇક ગંભીર બાબત હોવી જોઈએ, નહીત્તર પપ્પા આમ અંદરથી ભાંગી ન પડે. "ભલે દેખાવા ન દેવાનો પ્રયત્ન કરે, પણ હું તો સમજી જ જાઉને !  આજે ડોકટરે મને બહાર મોકલીને પપ્પા જોડે મારા પગના દુખાવા બાબતે કઈક વાત કરી હતી.બસ ત્યાર પછીની વ્યાકુળતા તેમના ચહેરા પર હું સ્પષ્ટ વાંચી શકું છું" મનોમન સુચારુ વિચારી રહી.
બાર સાયન્સનું આ અગત્યનું વરસ હતું. કલાસમાં નંબર વન સ્ટુડન્ટ તરીકે સુચારુ બધા જ શિક્ષકોની લાડલી હતી. સ્કૂલના દરેક કાર્યક્રમમાં પહેલું નામ સુચારુનું જ લખાતું. તેની અભ્યાસની ગાડી પુરપાટ દોડી જતી હતી.પણ અચાનક એના રસ્તામાં એક મોટો અવરોધ આવી ચુક્યો હતો.સુચારુને ડાબા પગના સાથળમાં અચાનક દુખાવો થવા લાગ્યો.ડોકટરે તેના પગના એક્સ રે વગેરે લઈને સારવાર ચાલુ તો કરી હતી.પણ દવાથી તેને રાહત ન થઈ. એટલે મોટા ડોક્ટરની સારવાર શરૂ થઈ.અને સુચારુના પગના હાડકામાં બરાબર સાથળના ભાગમાં એક ઇંચ જગ્યામાં કેન્સર હોવાનું નિદાન થયું.અને આ વાત જ્યારે સુરેશભાઈને જણાવવામાં આવી ત્યારે વાત સાંભળીને જ એમને ડોકટર સમેત આખી હોસ્પિટલ ગોળ ગોળ ફરતી હોય તેવું લાગ્યું.
" જુઓ સુરેશભાઈ, તમારી દીકરીનું સાથળનું હાડકું બરાબર વચ્ચેના ભાગમાં એક ઇંચ જેટલું કેન્સરની પક્ડમાં આવી ગયું છે.આપણે દવાના ડોઝ આપશુ તો પણ એ મટશે નહિ, એટલે આખરી ઉપાય તરીકે પગ વચ્ચેના ભાગમાંથી કાપવો પડે એટલે કે જેટલો ભાગ સડી ગયો છે તે કાપીને દૂર કરી શકાય.અને ત્યાર બાદ પગ જોડી દેવાનો છે, એટલે સૂચારુનો પગ ચાર ઈંચ જેટલો ટૂંકો થઈ જશે, પણ એ બચી જશે"
ડોકટરની વાત સાંભળીને સુરેશભાઈ ભાંગી પડ્યા. એમની આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી.
" મેં એવા તે ક્યા પાપ કર્યા છે તે હે ભગવાન, મારી વ્હાલી દીકરીને તે આવુ દરદ દીધું ?"એમ કહીને તેઓ રડી પડ્યા.ડોકટરે એમના ખભે હાથ મૂકીને સાંત્વન આપ્યું.
" જુઓ, સુરેશભાઈ આમાં ભગવાનને દોષ દેવાથી કંઈ જ વળવાનું નથી.પરિસ્થિતિ નો સામનો કરવો જ રહ્યો.તમે આમ પડી ભાંગશો તો બિચારી સુચારુની શી હાલત થશે એ તો વિચારો ? એને આ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત તમારે જ આપવી પડશે"
" પણ હું ક્યા મોઢે અને કઈ રીતે એને કહીશ, કે બેટા તારો પગ કાપવો પડશે "
" વાસ્તવિકતા એ જ છે તો બીજું થાય પણ શું ? તમે મોં ધોઈને ફ્રેશ થઈ જાઓ. એ બહાર બેઠી છે અને એને લઈને તમારે ઘેર જવાનું છે. અત્યારે એને કંઈ જણાવવું ન હોય તો તમારી મરજી, ઓપરેશન પછી તો ખબર પડવાની જ છે, ત્યારે આઘાત જરુર લાગશે એને માટે તમારે ખૂબ જ હિંમત રાખવાની જરૂર પડશે."
ડોકટરે ખૂબ જ શાંતિથી સુરેશભાઈને હિંમત આપીને ઘેર મોકલ્યા. રસ્તામાં સુચારુએ ડોકટરે શુ કહ્યું તે બાબતે પૂછ્યું, પણ વાત ટાળી ને તેના અભ્યાસની વાતો કરતા કરતા ઘેર આવી ગયા.તેમને વાત બદલી નાખતા જોઈને જ સુચારુને શંકા ગઈ હતી.પપ્પાને ઉદાસ જોઈને તેને પણ બીક લાગવા માંડી.પણ પપ્પા કંઈ જ કહેતા નહોતા.
  જમતી વખતે પણ સુચારુ વારંવાર તેના પપ્પાને જોતી હતી. કેમ આજે પપ્પાને કોઈ અજીબ પ્રકારની ઉદાસીનતા ઘેરી વળી હોય તેમ લાગે છે ? જાણે કે તેમનું હીરાબજારમાં કિંમતી માલનું પડીકું ખોવાઈ ગયુ હોય એવું કેમ લાગી રહ્યું છે ?  મમ્મીએ પણ પૂછ્યું ત્યારે હસીને બોલ્યા કે, " બસ, અમસ્તા જ સ્નાયુનો દુખાવો છે , દવાથી રાહત થઈ જશે !" પણ આજે એમના અવાજનો રણકો કેમ અલગ લાગતો હતો ?  સુચારુ કલાક સુધી વિચારી રહી.
" લાવને પપ્પાને પૂછી જ લઉં કે ખરેખર કંઈ  ગંભીર તો નથીને !"
સુચારુ હળવે પગલે તેના રૂમમાંથી બહાર આવી. મમ્મી પપ્પા હજુ સુઈ ન ગયા હોય, એણે ઘડિયાળમાં જોયું.અગિયાર વાગવા જઈ રહ્યા હતા. તે મમ્મી પપ્પાના બેડરૂમ તરફ આગળ વધી.
" બસ, હવે રડ નહિ. ભગવાન બધું સારું કરશે.આપણે હિંમત નહિ રાખીએ તો બિચારી આપણી સુચારુનું શુ થશે ? એને પરિસ્થિતિ નો સામનો કરવાનું બળ આપણે જ પૂરું પાડવું પડશે. " એના પપ્પા એની મમ્મીને સમજાવી રહ્યા હતા.
" નક્કી મને કંઈક ખૂબ જ ગંભીર બાબત હોવી જોઈએ.શુ થયું હશે મારા પગમાં ?  " તેણે પગ પર હાથ ફેરવ્યો.અચાનક સાથળના ભાગમાં સબાકો થયો.સુચારુને અસહ્ય પીડા થવા લાગી.તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ.અને દવા લઈ લીધી.થોડીવાર પગ દબાવીને બેસી રહી.ધીરે ધીરે દુખાવો ઓછો થતો હોય તેવું લાગ્યું.અને ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ ખબર ના રહી.ઊંઘમાં તેને લાગ્યું કે તેના માથા પર કોઈનો પ્રેમાળ હાથ ફરી રહ્યો છે.કોઈ અપાર વ્હાલ વરસાવી રહ્યું હતું.તે તરત જ એ સ્પર્શ ઓળખી ગઈ.પપ્પાનો વ્હાલસોયો હાથ તેના કપાળ અને માથા પર ફરી રહ્યો હતો.થોડીવારે તેને લાગ્યું કે તેના પપ્પા  કપાળ  ચૂમી રહ્યા હતા.અને ચાદર ઓઢાડીને કદાચ જઇ રહ્યા હતા.તેને આંખ ખોલીને પપ્પાના ગળે ચોંટી જવું હતું.પણ એનાથી કેમે'ય કરીને આંખ ન ખુલી. ગાલ પર ગરમ પ્રવાહીનું ટીપું શાનું પડ્યું હશે ? શુ પપ્પા રડતા હતા ? ના, ના મારા પપ્પા કદી ન રડે. દાદા નું અવસાન થયું ત્યારે ક્યાં રડ્યા હતા ? બધા કાકા અને ફોઈને પણ રડવાની ના પાડીને કેવા ખીજાયા હતા ! તેમના ધંધામાં પણ દસ લાખનો માલ લઈને કોઈ દલાલ નાસી ગયો હતો તો પણ હસતા હસતા મારા માટે એક્ટિવા લઈ આવ્યા હતા ! એ પપ્પા રડે ? ના, ના એતો અમસ્તું જ મને આભાસ થયો હશે.અર્ધજાગૃત અવસ્થામાં તે  વિચારતી રહી. દવાના ઘેનની અસર તેને ધીરે ધીરે કોઈ અકળ ઊંડા અંધારામાં ડુબાડી રહી હતી.
  થોડા દિવસ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નાનકડી સર્જરી કરવાનું જરૂરી છે તેમ તેને સમજાવવામાં આવ્યું. સાથળ નું હાડકું થોડા ભાગમાં સડી ગયું હોવાથી ત્યાં સર્જરી કરવાની છે તેના માટે તેને એનેસ્થિયા આપવામાં આવ્યું.ધીરે ધીરે તે તેના પપ્પાનો હાથ પકડીને સુઈ ગઈ.
જ્યારે તેની આંખ ખુલી ત્યારે પણ તેના પપ્પાના હાથમાં જ તેનો હાથ હતો. કપાળ પર હાથ ફેરવીને તેઓ બોલ્યા, " જાગી ગઈ બેટા ? જો તારું ઓપરેશન ખૂબ સરસ રીતે થઈ ગયું છે, હવે મારી દીકરીને કયારેય પગ નહિ દુઃખે હો ! ચાલ તારા માટે હું ફ્રેશ જ્યુસ લઈ આવું હો !" કહી  સુરેશભાઈ ઉભા થવા ગયા.
"પપ્પા, તમે મારી ચિંતા જરાય ન કરતા. કેટલાકને તો આખો પગ કાપવો પડતો હોય છે, મારો પગ તો
ખાલી ચાર ઈંચ ટૂંકો જ થયો છે ને !  સાવ પગ તો નથી ગુમાવ્યો ને મેં ?  હું એટલી તો નસીબદાર  જ કહેવાઉં હો !"
સુરેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. જે વાત કઈ રીતે સુચારુને કહેવી તેની ચિંતા તેમને ખાઈ રહી હતી તે વાત તો એ જાણતી જ હતી.તેમણે રાહતનો શ્વાસ લીધો. અને સુચારુ પાસે આવીને બેસી ગયા
"બેટા, મારી દીકરી તું તું.."
"હા પપ્પા, તે રાત્રે તમે મારા રૂમમાં મને દરરોજની જેમ ઓઢાડવા આવેલા ત્યારે હું ઊંઘી નહોતી ગઈ.આપણે ડોક્ટરને બતાવીને આવ્યા પછીની તમારી ઉદાસી હું ના ઓળખું તો તો તમારી દીકરી શાની ? પપ્પા તમે રડતા હતા એ મેં બંધ આંખે જોયું હતું.બીજા દિવસે હોસ્પિટલ પર આવીને હું ડોક્ટરને મળી ગઈ હતી. મારા પગમાં હડકાનું કેન્સર હતું તેથી મારો પગ વચ્ચેના ભાગમાંથી કાપવો જરૂરી હતો. પપ્પા કદાચ પગ સાવ કાપવો પડ્યો હોત તો પણ શું !  તમે જરા પણ મુંજાતા નહિ, આ સુચારુ સુરેશભાઈની દીકરી છે શું સમજ્યા ?" કહીને એ હસી પડી.
અને સુરેશભાઈ પોતાની હિંમતવાન દીકરીને ભેટી પડ્યા.