Chumbkiy Tofan - 5 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૫)

5. તબાહી પરના મંતવ્યો

‘ચુંબકીય ધ્રુવોનો પલટો’ (Geomagnetic Reversal) એ શબ્દ સાંભળતા જ કોન્ફરન્સ હોલમાં હાજર તમામ વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા. અર્જુનની ચુંબકીય ધ્રુવોનો પલટો સમજાવતી થિયરીનું લોજીક પર્ફેક્ટ હતું પરંતુ હજી સુધી નાસાના કે બીજી કોઇપણ અવકાશી સંસ્થાના ઉપગ્રહોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હલચલ માપી ન હતી. જોકે ઋતુપ્રવાસી પંખીડાઓ વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત ગોથે ચડતાં હતાં એટલે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોને વૈજ્ઞાનિકો નકારતાં ન હતાં. પરંતુ વાન-એલન બેલ્ટમાં હજી નોંધપાત્ર ફેરફાર પકડાયો ન હતો. વૈજ્ઞાનિકોની અંદર અંદરની થોડી ચર્ચાઓ પછી અર્જુને ફરીથી બોલવાનું શરૂ કર્યું.

“ચુંબકીય ધ્રુવોના પલટા (Geomagnetic Reversal) માં પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એકબીજાનું સ્થાન લે છે. જ્યારે પૃથ્વીના ભૌગોલીક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમના એમ જ રહે છે. પૃથ્વીના ધ્રુવો બદલાવાનો સમય મતલબ કે એક વખત ચુંબકીય ધ્રુવોનો પલટો આવે ત્યારથી શરૂ કરી બીજી વખત ચુંબકીય ધ્રુવોનો પલટો આવે એ કુલ સમયગાળાને એક ક્રોન (chrone) કહે છે. પૃથ્વી પર એક ક્રોનનો સમયગાળો 0.1 Million વર્ષ (105વર્ષ) થી 1 Million વર્ષ (106 વર્ષ) નો છે, જે સરેરાશ ૪,૫૦,૦૦૦ વર્ષ આપે છે. અર્થાત સરેરાશ દર ૪,૫૦,૦૦૦ વર્ષ પછી એકવાર પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પલટી મારે છે. હવે અગત્યની વાત. પૃથ્વી પર છેલ્લે જે ક્રોન આવેલો એ ૭,૮૦,૦૦૦ વર્ષ પહેલાં આવેલો, જે બ્રુનહાસ-માતુયામા ક્રોન તરીકે ઓળખાય છે, એ જોતાં આગામી ક્રોનની ઘડીઓ ગણાઇ રહી છે. મેં ‘નેચર’ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં વાંચ્યું હતું કે આગામી ક્રોન આપણી એક જિંદગી એટલે કે one human lifetime માં થાય એવી સંભાવનાઓ ઘણીબધી છે અને મને એવું લાગે છે કે એ શરૂ થઇ ગયું છે.” અર્જુને વાક્ય પુરૂ કર્યું. વૈજ્ઞાનિકોની ગુસપુસ વધી ગઇ.

“અત્યાર સુધી આવેલા તમામ ક્રોન્સના ઇતિહાસમાં વચ્ચે એક ટૂંકો reversal આવેલો જેને ‘લાસચામ્પ ઇવેન્ટ’ નામ અપાયેલું છે. આ પલટો લગભગ ૪૧,૦૦૦ વર્ષ પહેલાં થયો હતો. મતલબ કે ગ્લાસીયલ પીરીયડ એટલે કે આઇસ એજ (હિમયુગ) વખતે. સામાન્ય ફેરફાર વખતે ચુંબકીય ધ્રુવો સંપૂર્ણ પલટો ખાવામાં જ ૫૦૦૦ વર્ષથી ૧૦,૦૦૦ વર્ષ લઇ લે છે જ્યારે આ ટુંકા ફેરફાર વખતે ધ્રુવોને પલટી મારવામાં માત્ર ૪૪૦ વર્ષ લાગ્યા હતાં. આ વખતે ચુંબકીય ક્ષેત્રમાં માંડ ૫% જેટલો ફેરફાર આવ્યો હતો. સરખામણી કરવા જઇએ તો આ ટૂંકો ફેરફાર જીવસૃષ્ટી માટે સુરક્ષિત હતો. મતલબ કે તબાહી થઇ ન હતી. અને હું આશા રાખું છું કે આ વખતે પણ આપણે તબાહીથી બચી જઇએ.” અર્જુને વાક્ય પુરૂ કર્યું.

“પણ,.. અર્જુન સર.. આપણને ખબર કઇ રીતે પડી કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો ખરેખર રેગ્યુલર ઇન્ટરવલ પર પલટાય જ છે?” ત્યાં મોજુદ એક યુવા વૈજ્ઞાનિકે પુછ્યું.

“૨૦ મી સદીની શરૂઆતમાં જીઓલોજીસ્ટો વિશ્વના અલગ અલગ ભાગોમાં જ્વાળામુખીથી રચાયેલા અગ્નિકૃત ખડકોના નમૂનાઓ પર પરિક્ષણ કરી રહ્યાં હતાં. ખડકોના લેયર બાય લેયર પરિક્ષણ કરતાં કરતાં અમુક લેયરમાં અગ્નિકૃત ખડકોમાંના મેગ્નેટાઇટ કણો પૃથ્વીના અત્યારના ચુંબકીય ક્ષેત્રથી ૧૮૦° એ ઉલટાયેલા જોવા મળ્યા પરંતુ એ તરફ ખાસ ધ્યાન અપાયું નહી. ઇ.સ.૧૯૨૦માં જાપાનીઝ જીઓલોજીસ્ટ મોટોનોરી માતુયામાએ ‘પ્લીસ્ટોસીન એજ’ ના અમુક ખડકોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને પણ આ કણોની પોલારિટી (ધ્રુવીયતા) સદંતર ઉલટાયેલી જોવા મળી. આ ‘પ્લીસ્ટોસીન એજ’ એટલે ભૂસ્તરવિજ્ઞાનની રીતે પૃથ્વી પરના ફેરફારોનો આજથી લગભગ ૧૧,૭૦૦ વર્ષથી શરૂ કરી ૨૫,૮૮,૦૦૦ વર્ષ સુધીનો સમયગાળો. પણ, ઇ.સ.૧૯૨૦ના સમયમાં જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ પુરેપુરૂ સમજમાં નહોતું આવ્યું ત્યાં એના પલટાની વાત તો કોણ વિચારે?” આ વાતના ત્રણ દાયકા પછી ઇ.સ.૧૯૫૦માં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને વધુ સારી રીતે સમજી શકાયા પછી તેમજ ભૂસ્તરીય પ્લેટોનો અભ્યાસ વધુ સારી રીતે થયા પછી આ થિયરી સ્વીકાર્ય બની. હવે ક્રોનની વાત પર પાછો આવું તો આવા ઘણાબધાં ક્રોન્સ (chrones) પછી એક સુપરક્રોન આવે છે. આવો સુપરક્રોન પૃથ્વી પરના mass extinction અર્થાત સામુહિક વિનાશ માટે કારણભૂત બને છે. ઘણા સંશોધકોનું એવું પણ માનવું છે કે ડાઇનાસોરના વિનાશ માટે આવો જ ચુંબકીય ધ્રુવોનો પલટો જવાબદાર હતો.”

અર્જુન થોડીવાર અટક્યો. પોડીયમની બાજુમાં પડેલી પાણીની બોટલમાંથી થોડુ પાણી પીધું અને ફરીથી બોલવાનું શરૂ કર્યું.

થોડીવાર પહેલાં જ જ્યારે ચુંબકીય ધ્રુવોના પલટાની વાત મારા મગજમાં આવી ત્યારે જ હું ગુગલ પર સર્ચ કરતો હતો અને યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાના એક કોમ્પ્યુટર સિમ્યુલેશનને લગતું રિસર્ચ પેપર મારી નજરે ચડી ગયું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર Dynamo Action થી ચાલે છે. આ ડાઇનેમો એક્શન એટલે કંઇક આમ.... પૃથ્વીના પેટાળમાંનુ પીગળેલું અને ગતિશીલ (સતત ફરતું રહેતું) લોખંડ electric current પેદા કરે છે અને આ current ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે. પૃથ્વી સહિત તમામ ગ્રહોનું ચુંબકીય ક્ષેત્ર તેમના કેન્દ્રમાં ફરતાં ધાત્વીક પ્રવાહોના કારણે જ રચાય છે. આ ઘટનાને Dynamo Action કહે છે. ચુંબકત્વ તેમજ પ્રવાહીના ગતિવિજ્ઞાન (Fluid Dynamics) ને લગતા તમામ સમીકરણો એન્ટર કરી યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાના સંશોધકોએ એક કોમ્પ્યુટર સિમ્યુલેશન તૈયાર કર્યું. આ સિમ્યુલેશન પૃથ્વીના ગર્ભભાગની જેમજ સફળતાપૂર્વક કામ કરવા લાગ્યું. સમજો કે હુબહુ પૃથ્વીના પેટાળનું જ સિમ્યુલેશન સંશોધકોએ કોમ્પ્યુટરમાં ઉભું કરી દીધું. પૃથ્વીના વિકાસના તબક્કાઓ એમાં ફાસ્ટ ફોરવર્ડ દોડાવવામાં આવ્યાં.... અને સરપ્રાઇઝ... બધાના આશ્ચર્ય વચ્ચે ફાસ્ટ ફોરવર્ડ દોડતા એ સિમ્યુલેશનમાં ૪૦,૦૦૦ વર્ષ થયાં કે તરત જ એ કોમ્પ્યુટર સિમ્યુલેશનના ચુંબકીય ધ્રુવોએ પલટી મારી દીધી. ઉત્તર ધ્રુવ દક્ષિણમાં અને દક્ષિણ ધ્રુવ ઉત્તરમાં ગોઠવાઇ ગયો. આનો અર્થ એ થયો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એવાં સમીકરણોને આધિન કામ કરે છે કે જેનાથી અમુક હજાર કે લાખ વર્ષે એ પલટી મારી દે. કહો કે અમુક હજાર કે લાખ વર્ષે પલટી મારવી એ જ એનો સ્વભાવ છે.” અર્જુને બધાની સામે જોયું.

“તો, શું ડાઇનાસોરના યુગની જેમ માનવજાતિનો પણ સફાયો થઇ જશે? … મતલબ ... કે.. જો આવો પલટો થયો તો શું થશે?” એક વૈજ્ઞાનિકે મોટાભાગના વૈજ્ઞાનિકોને ખબર હોય એવો સવાલ પુછ્યો. ડર માણસને ભલભલી વસ્તુઓ ભુલવી દે છે.

“જુઓ, મારા માનવા પ્રમાણે જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર weak પડ્યું તો વાન-એલન બેલ્ટ અવકાશમાંથી આવતા high energy particles ને રોકી શકશે નહી. વાતાવરણના વાયુઓ અમુક અંશે રોકી શકશે પણ એ સંપૂર્ણત: રોકી શકશે નહી. અવકાશમાંથી આવતાં આ બ્રહ્માંડ કિરણો (cosmic rays) પૃથ્વીના વાતાવરણ સાથે પ્રક્રિયા કરી બેરિલિયમ-૧૦ અને ક્લોરીન-૩૬ પેદા કરશે, જે બંને રેડિયેશનનો ખતરો નોતરશે. ચુંબકીય ક્ષેત્ર એ હદે અસ્ત-વ્યસ્ત થશે કે પૃથ્વી પર કોઇપણ વિદ્યુતચુંબકીય સાધનો ચાલી નહી શકે. જેના હૃદયમાં પેસમેકર મુકાયેલાં છે એ લોકોના પેસમેકર કામ કરતાં બંધ થશે એટલે એ લોકો તત્કાળ મૃત્યુ પામશે. વીજળીનું નામોનિશાન નહી રહે. વીજળીથી ચાલતાં તમામ ઉપકરણો કામ આપતાં બંધ થઇ જશે. આદિમાનવના પથ્થરયુગ જેવો યુગ આવશે. જ્યાં ચોતરફ અંધકાર જ અંધકાર હશે. રાત્રે અજવાળા માટે તાપણાં સળગાવવા પડશે. આ બધાથી પર સૌથી મોટી તબાહી ભૂકંપ સર્જશે. પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલો એકેય ભૂસ્તરીય પ્લેટ્સને સ્થિર રહેવા દેશે નહી. વિશ્વભરમાં અનેક ભૂકંપ અને સુનામી આવશે. તબાહીનો આંકડો કરોડોમાં હશે. જો જ્વાળામુખી મોટાપાયે ફાટશે તો ધૂળ અને રાખનું આવરણ પૃથ્વીના આખા વાતાવરણને ઘેરી લેશે. પૃથ્વી પર સુર્યપ્રકાશની કમી થશે અને વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ બંધ કરી દેશે. બસ, જીવસૃષ્ટીનું ધી એન્ડ.” અર્જુને એકીશ્વાસે આખી વાત પુરી કરી.

કોન્ફરન્સ હોલમાં ફરીથી સન્નાટો છવાઇ ગયો. બધા એકબીજાની સામે જોવા લાગ્યાં. બધાના મનમાં પોતપોતાના ઇશ્વર પાસે એક જ પ્રાર્થના ચાલુ હતી કે ભગવાન કરે અને અર્જુનની વાત ખોટી પડે.

અર્જુને એના મનમાં જે કંઇ ચાલી રહ્યું હતું એ બધું કહી દીધું. ૧૩ જુલાઇ, ૨૦૪૦ની સાંજ પડી ગઇ. અમેરિકાના ડીફેન્સ સેક્રેટરી ત્યાં મોજુદ હતાં અને એ એમનું કામ બખૂબી જાણતાં હતાં. જોતજોતામાં અર્જુનની આખી થિયરીનો રિપોર્ટ અમેરિકાના પ્રેસિડન્ટને પહોંચાડી દેવાયો. NASA (National Aeronautics and Space Administration), ESA (European Space Agency) અને ISRO (Indian Space Research Organization) જેવી સંસ્થાઓને તેમના સેટેલાઇટ્સના માધ્યમથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતાં નાનામાં નાના ફેરફારોને માપવા સુચના આપી દેવાઇ. અન્ય સુપરપાવર દેશો ભારત અને ચીનને પણ પરિસ્થિતિની જાણ કરી દેવાઇ. તમામને સંભવિત ડેમેજ કંટ્રોલ માટે હાઇ એલર્ટ પર મુકવા જણાવાયું. મીટિંગ માં ઉપસ્થિત તમામ ભેજાબાજ વૈજ્ઞાનિકોના માથે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જવાબદારી હતી. દરેક વૈજ્ઞાનિકે તેમના દેશમાં અન્ય વૈજ્ઞાનિકો સાથે ટીમ બનાવીને પરિસ્થિતિને કેવી રીતે કંટ્રોલ કરવી અને સંભવિત વિનાશને રોકવાના રસ્તા સુચવવાના હતાં. આ દરમિયાન આસપાસમાં કોઇપણ શંકાસ્પદ ઘટના જણાય, કે જેમાં વિલન તરીકે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય તો એનું પણ ધ્યાન રાખવાનું હતું. તેમજ આ તમામ પરિબળોને આધારે વિનાશને રોકતા રસ્તા સુચવવાના હતાં.

અર્જુને સૌથી પહેલાં મીટિંગ ની તમામ વિગતો મીટિંગના વીડીયો સહિત ભારતના પ્રાઇમ મિનિસ્ટરને મોકલી આપી. બધા ઉચાટ હૃદયે છુટા પડ્યાં. અર્જુને ડૉ.સ્મિથની રજા લીધી. ડૉ.સ્મિથે આશ્ચર્યમિશ્રીત ચિંતાના ભાવ સાથે અર્જુન સામે જોયું. તેઓ કંઇ બોલી શક્યા નહી. ડૉ.સ્મિથે આ મીટિંગ માટે અર્જુનને બોલાવ્યો હતો. પરંતુ અહીં તો મીટિંગે અલગ જ રસ્તો પકડ્યો હતો. અર્જુને ડૉ.સ્મિથ સાથે હાથ મિલાવ્યા અને સંપર્કમાં રહેવાનું કહી બંને છુટા પડ્યા. આ વૈજ્ઞાનિકોને એરપોર્ટ સુધી પહોંચાડવા ટેસ્લા કંપનીની ફ્લાઇંગ કાર તૈયાર હતી. બધાને લઇને એ કાર સીધી વોશિંગ્ટન એરપોર્ટ પર પહોંચી. અર્જુનને ઇન્ડીયા પહોંચાડવા માટે નાની સાઇઝનું એક સ્પેશિયલ વિમાન હાજર હતું. અર્જુન એમાં બેસીને ઇન્ડીયા આવવા ઉપડ્યો. પ્લેનમાં પણ અર્જુનને ચેન ન હતું. વારંવાર દિકરી તનિશ્કાનો ચહેરો એની નજર સામે આવી જતો હતો. શું તનિશ્કા અને એની સાથેની આખી યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમય હશે? કે પછી એમનું ભવિષ્ય હશે જ નહી? અચાનક અર્જુનના કાચ જેવાં પારદર્શક અને કાગળ જેવાં પાતળા મોબાઇલ ફોનમાં 3D મેસેજ આવ્યો. ખીસામાં ફોલ્ડ કરી મુકેલો ફોન અર્જુને બહાર કાઢ્યો. ભારતના પ્રાઇમ મિનિસ્ટર નો એ મેસેજ હતો. મેસેજમાં એમણે અર્જુનને તાત્કાલીક દિલ્હી આવવા જણાવ્યું હતું. અર્જુને પાયલટને ફ્લાઇટ-પાથ ગાંધીનગરને બદલે દિલ્હી કરવા જણાવી દીધું.

વોશિંગ્ટન ડી.સી. થી સુપરફાસ્ટ પ્લેનથી લગભગ સાત કલાકમાં અર્જુન ઇન્ડીયા આવી પહોંચ્યો. દિલ્હી એરપોર્ટ પરથી એક સ્પેશ્યલ ફ્લાઇંગ કાર એને પ્રાઇમ મિનિસ્ટર ઓફીસ સુધી લઇ ગઇ. પ્રાઇમ મિનિસ્ટર અર્જુનની જ રાહ જોઇ રહ્યાં હતાં. એમની સાથે ગૃહ મંત્રી, સાયાન્સ-ટેકનોલોજી મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર પણ હાજર હતાં. અર્જુન પહોંચ્યો એટલે પાંચ જણની ટોપ સિક્રેટ મીટિંગ શરૂ થઇ. અર્જુને એની થિયરી અને એ સાચી હોવા પાછળના સબળ કારણો વિસ્તારથી સમજાવ્યા.

“આપણે લોકોને આ બાબતની જાણ કરવી જોઇએ? આખરે એમની જિંદગી ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. આપણે એમને માહિતગાર કરવા જોઇએ.” ગૃહ મંત્રીએ કહ્યું.

“ના સર. લોકોમાં ખોટો ભયનો માહોલ પેદા થશે અને જો લોકો બેકાબુ બન્યા તો એ અવ્યવસ્થાને કાબુમાં લેવી અઘરી પડશે. મારી સાથેના તમામ વૈજ્ઞાનિકોનું તમામ દેશોના વડાઓને એક જ સુચન છે કે આ પૃથ્વીનો સંભવિત વિનાશ થવાનો છે-એ બાબત લોકોમાં જાહેર કરવી નહી. દરમિયાનમાં આપણે છેલ્લા શ્વાસ સુધી આ પરિસ્થિતિને રોકવાના પ્રયત્નો કરીશું.” અર્જુને જવાબ આપ્યો.

“મિ.અર્જુન. સાયન્સ ટેકનોલોજી મિનિસ્ટર તમારી સાથે જ રહેશે અને તમને હું આ બાબતે રિસર્ચના તમામ પાવર્સ આપું છું. ઇન્ડીયામાં બધાં વૈજ્ઞાનિકોની તમે મદદ લઇ શકો છો. તમામ રિસર્ચ સંસ્થાઓ તમને જે જોઇશે એ ડેટા આપશે. એ સંસ્થાઓના વૈજ્ઞાનિકોની પણ મદદ લેજો. ગમે તે રીતે આ સમસ્યાનો તોડ લાવો. આપણે હાથ પર હાથ રાખી પૃથ્વીને તબાહ થતી જોઇ શકીશું નહી. આપણે દુનિયાને બચાવવાની છે. બધા દેશો સાથે સહકારથી જે પણ થઇ શકે એ કરો. મારી ગમે ત્યારે જરૂર હોય તો સીધો જ સંપર્ક કરજો.” પ્રાઇમ મિનિસ્ટરે અર્જુનને કહ્યું.