Pocket Dynamo K.D. Jadhav books and stories free download online pdf in Gujarati

પોકેટ ડાયનેમો કે.ડી. જાધવ

#GreatIndianSotries
  "પોકેટ ડાયનેમો"
(ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ વ્યક્તિગત મેડલ જીતનાર ખાશાબા દાદાસાહેબ જાધવની સંઘર્ષ કથા)
- નીરવ પટેલ "શ્યામ"

       થોડા સમય પહેલા એક ફિલ્મે ભારતીયોમાં એક નવા ઉત્સાહને જન્મ આપ્યો હતો, કરોડો લોકોના દિલમાં એ ફિલ્મ ઘર કરી ગઈ. એ ફિલ્મ હતી "સુલતાન". સલમાન ખાન દ્વારા અભિનીત એ ફિલ્મ વારંવાર જોવાની ઈચ્છા થાય, કુસ્તીના દાવ પેચ રમતા સુલતાનને જોતાં જોતાં આપણે પણ ક્યારેક વિચારોમાં પોતાની જાતને રીંગની અંદર ઉતારી દઈએ. પણ ફિલ્મ જોઈ તેના વખાણ કરવા સિવાય આપણી પાસે કઈ હોય નહીં. એક સારી ફિલ્મ જોયાનો આનંદ ચોક્કસ મળે. પણ હા, મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્દભવ્યો હશે !! કે શું ખરેખર સુલતાન જેવો કોઈ બળવાન ભારતીય ધરતી ઉપર પેદા થયો હશે ખરો ??? એ તો એક ફિલ્મ હતી. ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ ઝાફર દ્વારા તે સુંદર રીતે રજૂ થઈ, અને નાયકે પોતાની ભૂમિકા પણ બખૂબી નિભાવી, પરંતુ હકીકતમાં આવો કોઈ સુલાતન ભારતની ધરતી ઉપર હશે ?? એ પ્રશ્ન દરેકના મનમાં ઉઠ્યો હશે. ખરું ને ???

      હા, ભારતની ધરતી ઉપર પણ એવા જ એક સુલતાને જન્મ લીધો હતો, નામ હતું એનું ખાશાબા દાદાસાહેબ જાધવ.જેને દુનિયા પોકેટ ડાયનેમોના નામથી પણ ઓળખે છે. કુસ્તીના દાવ પેચમાં એમણે પોતાનું નામ ભારતમાંજ નહીં દુનિયામાં રોશન કર્યું હતું, પણ આજે એ વ્યક્તિને ઓળખનારા બહુ જ ઓછા છે. કદાચ નામ પણ કેટલાક લોકો પહેલીવાર સાંભળતા હશે. જાણીને કદાચ નવાઈ પણ લાગે તમને કે ખાશાબા જાધવ ઓલિમ્પિકમાં દેશને સૌ પ્રથમ વ્યક્તિગત મેડલ અપાવનાર વ્યક્તિ છે. અને એ મેડલ મેળવવા માટે તેમને આપવી પડેલી કુરબાની ખૂબ જ મોટી હતી, છતાં તેમને આજ સુધી સરકાર દ્વારા કોઈ મોટો એવોર્ડ કે ના પદ્મશ્રી આપવામાં આવ્યો છે, પોતાનું જીવન તેમને પોલીસ સેવામાં વિતાવી દીધું હતું, અને છેલ્લા દિવસોમાં સહાય માટે રઝળતા કે.ડી.જાધવનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું, જે ભારતીયો માટે ઘણાં દુઃખની અને સરકાર માટે શરમજનક વાત હતી.

        ખાશાબા દાદાસાહેબ જાધવનો જન્મ ૧૫ જાન્યુઆરી, ૧૯૨૬માં મહારાષ્ટ્રના કરાદ તાલુકાના ગોળેશ્વર ગામમાં થયો હતો, તેમના પિતા દાદાસાહેબ પણ એ સમયના ખ્યાતનામ કુસ્તીબાજ હતાં, અને તેના કારણે જ ખાશાબાને બાળપણથી જ કુસ્તી સાથે જોડાવવાનો અવસર મળી ગયો. દાદાસાહેબના પાંચ સંતાનોમાં ખાશાબા સૌથી નાના હતાં. તેમના પિતા તેમને પાંચ વર્ષની ઉંમરે જ અખાડામાં લઈ આવ્યા હતાં, વળી આઠ વર્ષની ઉંમરમાં તેમને પોતાના વિસ્તારના ધાકડ પહેલવાનને માત્ર બે જ મિનિટમાં ધૂળ ચાટતો કરી દીધો. અને ધીમે ધીમે તેમનું સ્તર ઊંચું આવતું ગયું, ભણવામાં પણ કે.ડી. ખૂબ જ હોશિયાર હતા, તેમને મહારાષ્ટ્રના કારાદમાં આવેલ તિલક હાઈસ્કૂલમાં શિક્ષા પ્રાપ્ત કરી. આ સમય દરિમયાન તેઓ પોતાના વિસ્તારના શ્રેષ્ઠ કુસ્તીબાજ તરીકે ઉભરી આવ્યા હતાં. જ્યારે તે કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં આવ્યા ત્યારે આઝાદીની ચળવળ ભારતમાં શરૂ થઈ ગઈ હતી, તેમને બધું જ છોડી એ ચળવળમાં ઝંપલાવ્યું. ક્રાંતિકારીઓને આશરો પૂરો પડવાથી લઈ અને છુપી રીતે મદદ પણ કરવા લાગી ગયા. અને તેના દ્વારા તેમને એક નવું લક્ષ પ્રાપ્ત થયું, આઝાદ ભારતનો તિરંગો ઓલિમ્પિકમાં લહેરાવવાનું.

       ૧૯૪૮માં જાધવને રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ તો મળી ગઈ હતી, પણ તેમનું સપનું ઓલિમ્પિકમાં ભાગ લેવાનું હતું. પણ તે સમયે ઓલિમ્પિકમાં બીજા પણ દાવેદાર હતાં, એ સમયે બંગાળના ફલાઈવેટ ચેમ્પિયન નિરંજન દાસનું નામ પણ ખૂબ ચર્ચામાં હતું, જાધવને ઓલિમ્પિકમાં જવા માટે નિરંજન દાસને હરાવવો ખૂબ જ જરૂરી હતું, તેમને દિવસ રાત કઠોર મહેનત કરી. નિરંજન દાસ સાથે કુસ્તી લડી વિજયી બન્યા. અને ઓલિમ્પિકમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી. પણ એ સમયે જાધવને સમજાયું કે માત્ર મહેનતથી કંઈ થતું નથી, સાથે પૈસાની પણ જરૂરિયાત પડે છે. ઓલિમ્પિકમાં જવા માટે જાધવ પાસે પૂરતા પૈસા નહોતા. જાધવે પૈસા માટે મહેનત કરવાની શરૂ કરી, થોડા પૈસાની વ્યવસ્થા કોલ્હાપુરના મહારાજાએ કરી આપી, તો થોડા પોતાના ગામના લોકોએ કરી અને જાધવને લંડન ઓલમ્પિકમાં જવાનો અવસર મળી ગયો.


         કે.ડી. જાધવ માટે આ પહેલ વહેલો અવસર હતો ઓલિમ્પિકમાં રમવાનો. લંડનનું વાતાવરણ અને કુસ્તીમાં બિછાવવામાં આવેલ સાદડી બન્નેમાં જાધવને પ્રથમ વખત ઝંપલાવવાનું હતું, પણ જાધવ સહેજ પણ ગભરાયા વિના ઝંપલાવ્યું, પોતાની પ્રથમ રમતમાં જ ઓસ્ટ્રેલિયાના બર્ટ હેરિસને શરૂઆતની થોડી જ મિનિટમાં 3-0 થી હરાવી દીધો. ત્યારબાદ બીજા દિવસે તેમને બે મુકાબલા હતાં. તેમાં પહેલો મુકાબલો અમેરિકાના કુસ્તીબાજ બીલી જર્નિંગન સાથે હતો, અને તેને પણ 3-0 થી પછાડ્યો, પણ બીજી મુકાબલામાં ઇરાનના મન્સૂર રાયસી સામે હારનો સામનો કરવો પડ્યો. ૫૨ કી. ગ્રા. વજન વર્ગમાં કે.ડી. જાધવ છઠ્ઠા ક્રમે રહ્યાં, લંડનથી મેડલ ભલે ના મળ્યું પણ ૧૯૫૨નાઓલિમ્પિક માટે પોતાની દાવેદારી નોંધાવી આવ્યા, પોતાના કુસ્તીના દાવ પેચ અને ચપળતાથી ભારતમાં જ નહીં વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. ત્યાં અમેરિકાના પૂર્વ કુસ્તીબાજ વર્લ્ડ ચેમ્પિયન રઈસ ગાર્ડનરની નજર કે.ડી. જાધવ ઉપર પડી અને તેમને જાધવને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.

       લંડન ઓલિમ્પિકમાંથી ઘરે આવી અને જાધવે નક્કી જ કરી લીધું હતું કે ૧૯૫૨ના ઓલિમ્પિકમાં મેડલ જરૂર લાવવાનું છે, તે સતત ચાર વર્ષ સુધી પોતાની રમતને સુધારતા ગયા, લંડન ઓલિમ્પિકમાં જે જે જગ્યા ઉપર ભૂલો થઈ હતી તે ભૂલોને દૂર કરવા લાગ્યા, પરસેવાની સાથે સાથે પોતાનું લોહી પણ અખાડામાં રેડવા લાગ્યા. અને સમય આવી ગયો ૧૯૫૨માં હેલસિંકીમાં યોજાનારા ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાનો. પણ એ ઈતિહાસ રચવો પણ એટલો સહેલો નહોતો, ઓલિમ્પિકમાં પહોંચવા પહેલા કે.ડી. જાધવને એક મોટી પ્રિક્રિયામાંથી પસાર થવું પડ્યું, સરકારી સિલેક્ટરોએ જાધવને ડૂબાળવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. વળી તેમનું નામ પણ ઓલિમ્પિકના લિસ્ટમાંથી કાઢી નાખ્યું હતું, પણ જાધવે હાર ના માની અને તેમને પટિયાલાના મહારાજા સામે ન્યાયની માંગણી કરી. પટિયાલાના મહારાજા પોતે ખેલકૂદના શોખીન હતાં, એટલે તમને જાધવને સમર્થન કર્યું, મહારાજાના કહેવાથી જાધવની પસંદગી ટ્રાયલ માટે કરવામાં આવી. જાધવે મનોમન નક્કી કરી જ લીધું હતું કે "હમણાં નહિ તો ક્યારેય નહીં". અને તેમને ટ્રાયલમાં એમની સામે જે પણ કોઈ આવ્યું એમને ધૂળ ચાટતા કરી નાખ્યા, અને પોતાના ઓલિમ્પિકની ટિકિટ પાક્કી કરી લીધી.


         જાધવે પોતાની સીટ તો ઓલિમ્પિકમાં પાક્કી કરી નાખી હતી, પણ વાત પાછી પૈસા ઉપર આવીને અટકી ગઈ.જાધવે ખૂબ મહેનત કરી પૈસા શોધવા માટે પણ પૂરતા પૈસા હજુ તેમને મળી શક્યા નહીં, જાધવના પરિવારે ગામના દરેક ઘરનો દરવાજો ખખડાવી મદદ માંગી, ઘણાં લોકોએ મદદ કરી, પણ હજુ ઘણી મોટી રકમ ભેગી કરવાની બાકી હતી. કહેવાય છે કે જાધવના પરિવારજનોએ એ સમયના તત્કાલિન મુખ્યમંત્રી પાસે ૪૦૦૦/- રૂપિયાની મદદ માંગી હતી, પણ ત્યાંથી નિરાશ થઈને જ પાછા ફરવું પડ્યું હતું, છેવટે કોઈ રસ્તો ના બચતાં તમને પોતાનું ઘર પોતાના કૉલેજ પ્રિન્સિપલ પાસે ગીરવે મૂકવું પડ્યું. ત્યાંથી જાધવને ૭૦૦૦/- રૂપિયા મળ્યા, અને તેમના મિત્રોએ જાધવને કિટની વ્યવસ્થા કરી આપી હતી.

        બધી જ મુશ્કેલીઓનો સામનો કરી જાધવ ઓલિમ્પિકમાં પહોંચ્યા. ત્યાં તેમને વિશ્વભરનાં પહેલવાનો સામે બાથ ભીડવાની હતી, પણ જાધવના ચહેરા ઉપર ચિંતાની એક રેખા શુદ્ધા પણ દેખાતી નહોતી, તે પુરેપુરા જોશમાં જ હતા. તે દરેક પરિસ્થિતિ અને દરેક પહેલવાન સામે લડવા તૈયાર હતાં, તેમના માટે દેશ માટે મેડલ લાવવું એજ લક્ષ હતું.

            શરૂઆતના પાંચ મુકાબલા તેઓ મિનિટોમાં જીતી ગયા, તેમને વિદેશી પહેલવાનોને મિનિટોમાં ધૂળ ચાટતા કરી નાખ્યા પણ તેમનો છઠ્ઠો મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. તેમનો છઠ્ઠો મુકાબલો હતો જાપાની રેસલર "સોહાચી ઇશ" સાથે. સોહાચી ઇશ જુડો ફાઇટર હતો, પણ જુડો ઉપર પ્રતિબંધ મુકાતા તે કુસ્તીમાં જોડાયો હતો. કે.ડી. જાધવ સાથે તેનો મુકાબલો પંદર મિનિટ સુધી ચાલ્યો, જાધવે ખૂબ જ મહેનત કરી અને ઇશને રોકી રાખ્યો હતો, પણ અંતભાગમાં જાધવને એક પોઇન્ટથી હાર મળી, અને ઇશ ફાઇનલમાં પહોંચી ગયો. જાધવ પાસે હવે એક જ ચાન્સ બાકી હતો ફાઇનલ સુધી પહોંચવા માટે.

         પણ એ પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું, સળંગ છ મુકાબલા રમ્યા બાદ સાતમા મુકાબલામાં સોવિયત યુનિયનના પહેલવાન રાશીદ મમ્માદબીઓવ સાથે ઉતરવાનું હતું. નિયમો અનુસાર એક બાઉટ (રાઉન્ડ) પછી બીજો બાઉટ ત્રીસ મિનિટ પછી યોજવામાં આવે છે, પણ નિયમોની પરવા કર્યા વગર જ જાધવને રાશીદ સાથે લડવા માટે કહેવામાં આવ્યું, આ સમયે ત્યાં જાધવનો પક્ષ લેવા માટે કોઈ ભારતીય અધિકારી હાજર નહોતું. નિયમોની ડાયરીઓ ધૂળ ખાઈ રહી હતી. લગાતાર છ બાઉટ સુધી પોતાની જાતને ટકાવી રાખેલા જાધવને ખૂબ જ થાક્યા હોવા છતાં મુકાબલામાં ઉતરવું પડ્યું, અને રાશીદ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અંતે જાધવને ગોલ્ડ મેડલના બદલે કાશ્ય પદકથી સંતોષ માનવો પડ્યો, છતાં ભારત માટે એ ગર્વની વાત હતી, ૪૪ વર્ષથી ઓલિમ્પિકમાં મેડલ માટે ઝઝૂમી રહેલા ભારત દેશ માટે એ પ્રથમ વ્યક્તિગત મેડલ હતો.

         ૧૯૫૨ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, મોટાભાગના લોકોની નજર ઓલિમ્પિકમાં હોકી ઉપર જ હતી કારણ કે હોકીમાં ૧૯૪૮માં પણ ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પણ કે.ડી. જાધવે સૌને આશ્ચર્યમાં મૂકી અને કાશ્ય પદક મેળવ્યું હતું. આ પહેલા વ્યક્તિગત રમતમાં કોઈ ભારતીય મેડલ મેળવી શક્યો નહોતો. 

          જાધવ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે પણ સરકાર તરફથી તેમને કોઈ સન્માન મળ્યું નહિ, બધાની નજર એ સમયે ગોલ્ડ જીતીને આવેલી હોકી ટીમ ઉપર હતી. પણ તેમના ગામના લોકો તેમને ભૂલ્યા નહોતા, જાધવ પહેલાથી જ તેમના ગામવાળા માટે ચાહિતા રહ્યાં હતાં. તેમના ઓલિમ્પિકમાં જવા માટે ફંડ ઉભું કરવાનું હોય, કે તમનું મનોબળ વધારવાનું હોય, ગામના લોકોનો સાથ તેમને સતત મળતો જ રહ્યો હતો. જાધવના સ્વાગત માટે ૧૫૧ બળદગાડા અને ઢોલ નગારાં સાથે ગામવાળા તેમને લેવા માટે સ્ટેશન આવી પહોંચ્યા હતાં, જાધવ આ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતાં, અને તે એ પ્રસંગને ક્યારેય ભૂલી શકે તેમ નહોતા, જાધવ હવે ગામના લોકો માટે એક આદર્શ બની ગયા હતાં, પોતાની ધરતીના સપૂતે વિશ્વમાં ભારત દેશનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું હતું. વાજતે ગાજતે પોતાના સુપર હીરોને ગામ સુધી લઈ ગયા. જાધવે ગામના સૌ લોકોનો અને નાણાંકીય મદદ કરનાર પ્રિસિપલનો આભાર માન્યો.

       ઓલિમ્પિકમાં મેડલતો મેળવી લીધો, પણ ઘર હજુ ગીરવે પડ્યું હતું. સરકાર તરફથી કોઈ સન્માન રાશિ કે કોઈ પુરસ્કાર જાધવને આપવામાં આવ્યો નહોતો. પોતાના ઘર છોડવવા માટેની ખરી લડાઈ હજુ બાકી હતી. પ્રિન્સિપલની મદદથી જાધવે સ્થાનિક કુસ્તી સ્પર્ધાના આયોજનો કર્યા, કેટલીક કુસ્તીમાં પોતે પણ ભાગ લીધો, અને એવી રીતે થોડે થોડે પૈસા ભેગા કરી, પ્રિન્સિપલની આપી પોતાનું ઘર છોડાવી લીધું.

        પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્પોર્ટ્સ કોટામાં ભરતીની શરૂઆત ૧૯૫૫માં કે.ડી. જાધવથી થઈ હતી.  તેમને મહારાષ્ટ્ર પોલીસમાં પેટા નિરીક્ષક તરીકેની પોસ્ટ ઉપર નિમવામાં આવ્યા હતાં. ઘણાં વર્ષો સુધી તેમને એજ પોસ્ટ ઉપર રહી સેવાઓ આપી, આ દરમિયાન પણ સરકારે તેમની અવગણના કરી અને પ્રમોશન આપ્યું નહિ, નિવૃત્તિના છેલ્લા છ મહિના બાકી હતા ત્યારે તેમને આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરની પદવી ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. તેમની સેવાઓ દરમિયાન જાધવે પોલીસ વિભાગની અંદર યોજાનારી ઘણી રમતોમાં ભાગ લીધો, સાથે સાથે નેશનલ લેવલ સુધી પહોંચનાર સ્પર્ધકોને પણ તે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા રહ્યાં. હાલમાં જે પોલીસ દળમાં સ્પોર્ટ્સ કોટાની ભરતી થાય છે તે કે.ડી. જાધવના કારણે થઈ રહી છે, જે હજુ એ કોટામાં પ્રવેશ મેળવનાર પોલીસ કર્મીઓ પણ જાણતા નહિ હોય.

        નિવૃત્તિ બાદ પણ તેમના ભાગે લડવાનું જ આવ્યું, પેંશન માટે ધરમ ધક્કા ખાવાના શરૂ થઈ ગયા, વર્ષો સુધી રમત સંઘ પાસે પોતાના અધિકારોની ભીખ માંગતા રહ્યાં અને રમત સંઘ તરફથી હંમેશા તેમની ઉપેક્ષા જ કરવામાં આવી. વિશ્વભરમાં પ્રિસિધ્ધિ પ્રાપ્ત કરી હોવા છતાં કે.ડી. જાધવને ગરીબીમાં પોતાનું જીવન વિતાવવું પડ્યું હતું. કહેવાય છે કે પોતાનું ઘર બનાવવા માટે જાધવને પોતાની પત્નીના ઘરેણાં પણ ગીરવે મુકવા પડ્યાં હતાં, સરકાર તરફથી તમને કોઈ મદદ મળી નહોતી.

      ૧૯૮૩ માં "ફાય ફાઉન્ડેશન" દ્વારા જાધવને "જીવન ગૌરવ" એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં, તે પણ એક ટ્રસ્ટ દ્વારા સન્માનિત થયાં, સરકારને દૂર દૂર સુધી કે.ડી. જાધવ કે તેમની સિદ્ધિ નજરમાં આવી નહોતી. ૧૯૮૨માં યોજાયેલ એશિયન ગેમ્સમાં મશાલ ચલાવવા માટે જાધવ યાદ આવ્યાં, અને તમને એ અવસર આપવામાં આવ્યો.

         ૧૪ ઓગસ્ટ, ૧૯૮૪ ના રોજ એક માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ તેમના પત્ની કુસમબેનને પણ સહાય માટે ઠેર ઠેર ભટકવું પડ્યું, પણ દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી હતી. ગોળેશ્વર ગામના લોકો માટે જાધવ પ્રેરણા મૂર્તિ હતાં, તેમના મૃત્યુ બાદ ગ્રામજનોએ ભેગા મળી ગામમાં કે.ડી.જાધવની પ્રતિમા ઊભી કરી. ભલે સરકારે કે.ડી. જાધવની પ્રસિદ્ધિની અવગણના કરી હોય પણ ગ્રામજનોએ તેમને હંમેશા પોતાના દિલમાં જીવંત રાખ્યા હતાં, સદૈવ તેમને સન્માન આપ્યું.

     પરિવાર અને સ્થાનિક લોકોની વારંવાર માંગણીઓ કરવાના કારણે સરકારનું થોડું ધ્યાન જાધવ તરફ વળ્યું અને તેમના મૃત્યુ બાદ ૧૯૯૦માં "મેઘનાથ નાગેશ્વર એવોર્ડ"થી અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૧૯૯૨-૯૩માં "છત્રપતિ શિવાજી એવોર્ડ"થી સન્માન કરવામાં આવ્યું. ભારત સરકાર દ્વારા કે.ડી. જાધવને છેક ૨૦૦૧માં "અર્જુન એવોર્ડ" આપવામાં આવ્યો. જે જાધવને મેડલ મેળવ્યાના ૪૯ વર્ષ બાદ મળ્યો, અને ત્યારે જાધવ હયાત પણ નહોતા. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ માટે એક કુસ્તી સ્થળને તેમનું નામ પણ આપવામાં આવ્યું. 

         દેશને સાચવીને બેઠેલા ઠેકેદારો અને સરકારે તેમની ઘણી અવગણના કરી ઘણી બાબતોમાં આંખ આડા કાન કર્યા. તેના દૃષ્ટાંતો ઉપર જોયા, પણ બીજી એકવાત ખરેખર શરમજનક છે કે જાધવ એક એવા ઓલિમ્પિક પદક વિજેતા છે જેમને અત્યાર સુધી પદ્મશ્રી મળ્યો નથી. છેક ૧૯૫૨ થી લઈ ૧૯૯૬ સુધી ભારત માટે વ્યક્તિગત પદક ઓલિમ્પિકમાં કોઈ ખેલાડી લાવ્યું નહોતું. હોકીમાં ત્યાં સુધી ઘણાં પદકો આવી ગયા, પણ બીજું વ્યક્તિગત કાશ્ય પદક લિએન્ડર પેસે ટેનિસમાં ૧૯૯૬માં અપાવ્યું.

       જાધવના પરિવારજનો હજુ પણ પરિસ્થિતિઓ સામે લડી રહ્યાં છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું , જ્યારે ૨૫ જુલાઈ, ૨૦૧૭ ના રોજ કે.ડી. જાધવના પુત્ર રણજીતે પિતા દ્વારા જીતેલા કાશ્ય પદકની નિલામી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, તેનું પાછળનું કારણ તેમનો સરકાર સામેનો રોષ હતો. ૨૦૦૯માં મહારાષ્ટ્ર સરકારે ગોળેશ્વરમાં એક રેસલિંગ એકેડમી ખોલવાની જાહેરાત કરી હતી, અને તેનું ભંડોળ પણ મંજુર થઈ ચૂક્યું હતું. પણ તે અત્યાર સુધી આપવામાં આવ્યું નહોતું. જેના કારણે નારાજ થયેલા રણજિત ખાશાબા જાધવે પિતાના મેડલને નિલામ કરવાની જાહેરાત કરી હતી.

      સરકાર માટે ભલે કે.ડી. જાધવની સિદ્ધિઓની અવગણના થઈ હોય, પણ ઓલિમ્પિક મેડલમાં ઇતિહાસના પાનાં જ્યારે જ્યારે ફેરવવામાં આવશે ત્યારે કે.ડી.જાધવનું નામ સૌ પ્રથમ હરોળમાં દેખાઈ આવશે. કે.ડી. જાધવ પોતાના ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોના દિલમાં હજુ જીવંત છે, રેસલિંગમાં હજુ ઘણાં લોકો તમને આદર્શ માને છે. 

        કે.ડી.જાધવ ઉપર રિતેશ દેશમુખ "પોકેટ ડાયનેમો" નામથી એક ફિલ્મ પણ બનાવવા જઈ રહ્યા છે, આ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં આવી શકે છે. આ ઉપરાંત લેખક સંજય પાંડુરંગ દૂધાણે "વીર કે.ડી.જાધવ" નામે જાધવના જીવન ઉપર પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે.

        જો કે.ડી. જાધવને સરકાર દ્વારા પ્રોત્સાહન મળ્યું હોત, સરકારે હોકી ઉપરાંત કે.ડી. જાધવ ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, તો આજે કે.ડી. જાધવ પણ ૧૯૫૨ના ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલના વિજેતા હોત. પણ અફસોસ એ વાતનો રહી ગયો કે કે.ડી.જાધવ એકલા હાથે લડ્યો, ઝઝૂમયો, પણ હાર ના માની અને ઓલિમ્પિકના વ્યક્તિગત ચન્દ્રકોમાં સૌ પ્રથમ કાશ્ય પદક મેળવી ભારતનું નામ ઉજવવળ કર્યું.

 ************


નીરવ પટેલ "શ્યામ"

(આજે એક વાત મારા માટે પણ અચરજ પમાડે તેવી છે.. આજે જ ૧૪મી ઓગસ્ટના દિવસે હું કે.ડી.જાધવની જીવનકથા લખી રહ્યો છું, અને ૧૪ મી ઓગસ્ટ ૧૯૮૪ના રોજ તેમનું અવસાન થયું હતું.)