Ek divas krushn ane arjun farva nikadya books and stories free download online pdf in Gujarati

એક દિવસ કૃષ્ણ અને અર્જુન ફરવા નિકળ્યાં

મહાભારત કાળની વાત છે. ભગવાન કૃષ્ણ ભાઇ બલરામ સાથે પાંડવોને મળવા માટે પાંડવ નગરી આવ્યા હતા. એક દિવસ સવારનો સમય હતો. ભગવાન કૃષ્ણ અને અર્જુન પાંડવ નગરીમાં આવેલા પાંડવોના મહેલના અલભ્ય બગીચામાં સમય વિતાવી રહ્યા હતા. તેવામાં જ અર્જુને કૃષ્ણને કહ્યું કે, ચાલો આજે ચાલતા પાંડવ નગરીની સફરે જઇએ. કૃષ્ણ પણ તૈયાર થઇ ગયા.
કૃષ્ણ અને અર્જુન બન્નેએ સૈનિકોના પહેરા વિના જ નગરીમાં ચાલતા ફારવા જવાનો નિર્ણય કર્યો. મહેલની બહાર નિકળી કૃષ્ણ અને અર્જુન ચાલતા ચાલતા નગરીની સેર કરી રહ્યાં હતા. પહેલા ગામના બજારમાં ગયા, ત્યાંથી શિવ મંદિરે ગયા અને ત્યાં દર્શન કરી આગળ વધ્યાં. કૃષ્ણ અને અર્જુન આગળ વધી રહ્યા હતાં તેવામાં જ અર્જુનની નજર રસ્તાના કિનારે બેઠેલા એક ભીખારી પર પડી. અર્જુને કૃષ્ણને કહ્યું પ્રભુ થોભો હું હમણાં જ આવું છું. આટલું કહીં અર્જુન પેલા ભીખારી પાસે ગયો અને તેની સ્થિતી વિષે પુર્છા કરી. ભીખારીની વાત સાંભળી અર્જુનને દયા આવી અને તેને પોતાની પાસેની રેશમી થેલી પેલા ભીખારીને આપી આગળ કૃષ્ણ પાસે ગયો અને બન્ને આગળ ચાલવા લાગ્યાં.
ભીખારીએ અર્જુને આપેલી રેશમી થેલી ખોલીને જોઇ તો તેમાં સોના મહોરો હતી. તે ખુશ થઇ રેશમી થલી પોતાના થેલામાં નાંખી ઘર તરફ ચાલવા લાગ્યો. ભીખારી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એક ચોર ભીખારીને ખબર ન પડે તે રીતે તેના થેલામાંથી રેશમી થેલી સેરવી ગયો. જે વાતથી અજાણ ભીખારી તેના ઘરે પહોંચ્યો અને આંખી વાત તેની પત્નીને કહીં. પત્ની કહ્યું લાવો થેલી આપો ત્યારે ભીખારી શોધતો રહ્યો પણ તેને પોતાના થેલામાં તે રેશમી થેલી ન મળી. જેથી તે બે બાકળો બની ગયો. તેને રેશમી થેલી શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેને હાથ કશું ન આવ્યું.
થોડા દિવસ પછી ફરી સાંજના સમયે કૃષ્ણ અને અર્જુન નગરીમાં સફર કરવા નિકળ્યાં, ત્યારે ફરી એજ રસ્તા પર એજ સ્થળે તે ભીખારીને બેઠેલો જોઇ અર્જુને આશ્ચર્ય થયું. અર્જુને કૃષ્ણને ઊભા રાખ્યાં અને ભીખારી પાસે ગયો. અર્જુને ભીખારીને સોના મહોરો ભરેલી રેશમી થલી વિષે પુછયું ત્યારે ભીખારી માંડીને આખી વાત કહી સંભળાવી. એટલે તરત જ અર્જુને પોતાના હાથની આંગળીમાં રહેલી હિરા જડીત વિટી ભીખારીને આપી કૃષ્ણ સાથે આગળ ચાલવા લાગ્યો.
ભીખારી ફરી ખુશ થઇ અર્જુને આપેલી હિરા જડીત વિટીની સાચવીને પોતાના થેલામાં મુકી ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની સુઇ ગઇ હતી. તેથી ભીખારીએ ખુશ ખબર પત્ની સવારે આપવાના આશ્રયથી હિરા જડીત વિટી પાણીની ખાલી મટકીમાં મુકી અને તે પણ સુઇ ગયો. સવારે ભીખારી ઉઠે તે પહેલા જ તેની પત્ની પાણીની ખાલી મટકી લઇ તળાવે પાણી ભરવા જતી રહી. તે પાણી ભરીને પરત આવી ત્યારે ભીખારીએ તેને હિરા જડીત વિટીની વાત કરી. પરંતુ પત્નીએ મટકી જ્યારે પાણી ભરવા તળાવમાં નાંખી ત્યારે જ વિટી તળાવમાં પડી ગઇ હતી. એટલે ફરી એક વખત ભીખારી અને તેની પત્ની દુઃખી થઇ ગયા. ફરીથી ભીખારીએ તે જ સ્થળે ભીખ માંગવાની શરૂઆત કરી.
થોડા દિવસો નિકળી ગયા. ફરી એક દિવસે સાંજના સમયે કૃષ્ણ અને અર્જુન નગરીમાં ફરવા નિકળ્યાં. અર્જુને તેજ રસ્તા પર ભીખારીને ફરી બેસેલો જોયો. તેથી આશ્ચર્ય સાથે અર્જુન કૃષ્ણને ઉભા રહેવાનું કહી તે ભીખારી પાસે ગયો. આ વખતે કૃષ્ણ જાતે જ અર્જુનની પાછળ ગયા અને ભીખરીની આખી વાત સાંભળી. કૃષ્ણ બાજુમાં જ ઊભા હોય અર્જુને કૃષ્ણને પુછયું પ્રભુ આ તે કેવી વ્યથા ? મેં આ ભીખારીને પહેલા સોના મહોર ભરેલી થેલી આપી તે ચોરાઇ ગઇ, પછી હિરા જડીત વિટી આપી તે પણ ખોવાઇ ગઇ. ત્યારે કૃષ્ણએ કશું જ બોલ્યા વિના પોતાની પાસે રહેલો એક તાંબાનો સિક્કો ભીખારીને આપ્યો. ત્યારે અર્જુન પણ અંચબામાં પડી ગયો કે, સોના મહોર ભરેલી થેલી અને હિરા જડીત વિટીથી આ ભીખારીના જીવનમાં કોઇ ફરક ન પડયો ત્યારે હવે આ તાંબાના સિક્કાથી શું ફરક પડી જવાનો છે. પરંતુ કૃષ્ણ સામે કંઇ બોલાય તેમ ન હોયઅર્જુન કશું જ બોલ્યો નહીં અને કૃષ્ણ સાથે આગળ ચાલવા લાગ્યો.
કૃષ્ણએ આપેલા તાંબાના સિક્કાથી મારું શું થશે તેમ વિચારી ભીખારી પણ વિચારમાં પડી ગયો. તેને પણ કશું સમજાયું નહીં પરંતુ તે કશું કરી શકે તેમ ન હતો. ઘર જવાનો સમય થઇ ગયો હોય ભીખારી પણ તેના ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં ગામનું તળાવ આવ્યું, જ્યાં એક મછવારો માછલીઓ પકડી રહ્યો હતો. તેની પાસે જઇ ભીખારીએ કૃષ્ણએ આપેલો તાંબાનો સિક્કો મછવારાને આપ્યો અને કશું જ બોલ્યા વિના આગળ જવા લાગ્યો. ત્યારે જ પાછળથી મછવારાએ ભીખારીને બોલાવ્યો. મછવારાએ ભીખારીને કહ્યું કે, ભાઇ હું કાઇ પણ વસ્તું આમ જ કોઇની પાસેથી લેતો નથી. જેથી આ તાંબાના સિક્કાના બદલામાં હું તમને એક માછલી આપીશ. હાલમાં તો મારી પાસે એક પણ માછલી નથી પરંતુ આપ થોડો સમય ઊભા રહો હું હમણાં જ એક માછલી પકડી આપને આપું છું. થોડીક ક્ષણોમાં મછવારાએ એક માછલી પકડી ભીખારીને આપી. ભીખારી તે માછલી લઇ ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે તેને થયું કે, હું આ માછલીનું શું કરવાનો તેને આગળ જઇ માછલી પાછી તળાવમાં નાંખવા માટે હાથમાં લીધી. એવામાં જ તેને માછલીના મુંખમાં કંઇક ભરાયું હોવાની પ્રતિતી થઇ. તેની જોયું તો માછલીના મુંખમાં અર્જુને આપેલી હિરા જડીત વિટી હતી. તે જોઇને ભીખારી ખુશ થઇ ગયો. તેને માછલીના મુંખમાંથી વિટી કાઢી અને માછલીને પાછી તળાવમાં નાંખી દીધી. તે ખુશ થતો થતો આગળ જઇ રહ્યો હતો.
ભીખારી થોડોક આગળ વધ્યો કે તેને એક સૈનિકની સાથે હાથ બાંધેલી અવસ્થામાં એક વ્યક્તિને જતાં જોયો. તે વ્યક્તિ ભીખારીને ઓળખી ગયો. તેની સૈનિકને કહ્યું કે, મારી પાસે જે સોના મહોર ભરેલી થેલી હતી તે મેં આ વ્યક્તિ પાસેથી ચોરી હતી. જેથી સૈનિક ભીખારીને સાથે લઇ પોતાના ઉપરી પાસે ગયો. જ્યાં ભીખારીને કારાગારમાં નાંખી સૈનિકના ઉપરીએ સોના મહોરની રેશમી થેલી ભીખારીને પાછી આપી દીધી. જેની સાથે જ ભીખારીની ખુશી બેવડાઇ ગઇ અને તે હિરા જડીત વિટી અને સોના મહોર ભરેલી રેશમી થેલી લઇ ઘર તરફ ચાલવા લાગ્યો. આમ અર્જુને આપેલી સોના મહોર ભરેલી રેશમી થેલી અને હિરા જડીત વિટીથી જેના જીવનમાં કોઇ પરીવર્તન ન આવ્યું તે ભીખારીના જીવનમાં કૃષ્ણએ આપેલા તાંબાના સિક્કાથી પરીવર્તન આવ્યું.

આ વાતથી ભગવાન શ્રી કૃષ્ણ કહીત ભગવત ગીતાનો ક્ષાર સ્પષ્ટ થાય છે. કોઇ પણ વ્યક્તિને તેના જીવનમાં ભાગ્ય કરતા વધારે લખાયેલું ક્યારે પણ મળતું નથી. વ્યક્તિને તેના ભાગ્યમાં લખાયેલું તેના સમયે જ મળે છે. જેથી દરેક વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર રહેવાના સ્થાને પોતાના કર્મ પર નિર્ભર રહેવું જોઇએ. જો ભીખારીએ તેનું ભીખ માંગવાનું કર્મ ન બંધ કરી દીધુ હોય તો તેને કૃષ્ણના હાથે તાંબાનો સિક્કો મળ્યો ન હતો અને જો તે તાંબાનો સિક્કો ન મળ્યો હોત તો તેનો ઉધ્ધાર પણ થાત નહી.

તમામ મિત્રોને કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ

Share

NEW REALESED