Siddharthni kalamthi - Andhari raatni ek vaat books and stories free download online pdf in Gujarati

સિદ્ધાર્થની કલમથી - અંધારી રાતની એક વાત

શહેરના છેવાડે એક વૃધ્ધ સવજીભાઇની ચ્હાની લારી હતી. દિવસના સમયે તે લારી તેમનો દિકરો ચલાવતો હતો, જ્યારે રાતના સમયે સવજીભાઇ લારી ચલાવતા હતા. એક ક્લી અંધારી રાતની વાત છે. સવજીભાઈ લારી પર ચ્હા બનાવતા હતા. આસપાસ દૂરદૂર સુધી કોઇ દેખાતું ન હતું. સવજીભાઇની લારી પર રાજેશ ખન્નાની ફિલ્મ અનુરોધનું ગીત રેડિયોમાં વાગી રહ્યું હતું

આતે જાતે ખુબસુરત આવરા સડકો પેં, કભી કભી ઇત્ફાક સે, કિતને ઇન્જાન લોગ મિલજાતે હેં……

સવજીભાઇ પણ ગીત સાંભળતા સાંભળતા પોતાની મસ્તીમાં ચ્હા બનાવી રહ્યા હતા. રોજના સમય પ્રમાણે એક ટેક્સી વાળો યુવાન દિલીપભાઇ તેમની લારી પર આવ્યા. દિલીપભાઇ મોટા ભાગે રાતના સમયે જ ટેક્સી ચલાવતા હતા. અમદાવાદ જેવા શહેરમાં રાતના સમયે કોઇ સવારી ન મળતા તેઓ સવજીભાઇની લારી પર આવીને બેસતા હતા. આ તેમની રોજની ઘટના હતી. સવજીભાઇએ દિલીપભાઇને ચ્હા આપી અને બન્ને જણા ગીત સાંભળતા સાંભળતા વાતોએ વળગ્યા.
બન્ને જણાં સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા, એટલામાં જ અંધારા તરફથી લારીના અજવાળામાં દોડી આવતી એક યુવતી તેમને દેખાઇ. યુવતી લારી પર આવી ત્યારે હાફી રહી હતી, તેના કપડા ફાટી ગયા હતા, તેના વાળ વિખરાયેલા હતા, શરીરમાં નાની મોટી ઇજાઓ હતી, જેમાંથી લોહી પણ નિકળતું હતું. સવજીભાઇએ યુવતીને બાકડાં પર બેસાડી અને પાણી આપ્યું.
સવજીભાઇએ યુવતીને કહ્યું બેટા ગભરાવાની જરૂર નથી, ચિંતા ન કર આ દિલીપભાઇ ટેક્સીવાળા જ છે. તેઓ તને સહિસલામત તારા ઘરે છોડી આવશે. દિલીપભાઇ ઉભા થયા અને ટેક્સી ચાલુ કરી લોહી લુહાણ હાલતમાં યુવતી ટેક્સીમાં દિલીપભાઇની બાજુની સિટ પર આવીને બેસી ગઇ. થોડી વાર સુધી બન્નેમાંથી એક પણ વ્યક્તિ બોલ્યા નથી. ટેક્સીમાં રાજ કપુરની ફિલ્મ ધરમ કરમનું ગીત રેડીયો પર વાગી રહ્યું હતું

એક દિન બિક જાયેગા માટી કે મોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ …..

દિલીપભાઇએ ધીમેથી યુવતીને પુછયું બેટા શું થયું.
યુવતી : (રડતા રડતા) મારુ બધુ જ લુટાઇ ગયું છે.
દિલીપભાઇ : તારા ઘરનાને ફોન કરવો છે ?
યુવતી : મારા પતિ જ મારી આવી હાલતના જવાબદાર છે. તમે મને કોઇ સામાન્ય યુવતી સમજતા હશો પણ હું એવી યુવતી છું, જેને તમે ક્યારેય મળવા ઇચ્છતા નહીં હો. હું કોલગર્લ છું.
દિલીપભાઇ ચોંકી ઉઠયા પરંતુ પોતાની જાતને સ્વસ્થ કરતાં તેઓ કાંઇક બોલવા જતાં હતા. પરંતુ તે પહેલા યુવતીએ જ બોલવાની શરૂઆત કરી….
હું ગરીબ પરિવારનું એકનું એક સંતાન હતી. માતા-પિતાએ પેટે પાટા બાંધી મને એન્જિનિયરીંગ સુધી અભ્યાસ કરાવ્યો. અભ્યાસ પૂર્ણ થતાં જ મને એક યુવક સાથે પરણાવી દેવામાં આવી. તે મારા મનનો માણીગર મારા જીવનનો ભગવાન બનવાના સ્થાને હેવાન બની ગયો. તેની રૂપિયાની ભૂખમાં તે મને રોજ મારવા લાગ્યો અને મારા ગરીબ માતા-પિતા પાસે દહેજની માગણી કરવા લાગ્યો. અમારા લગ્નને હજી ગણતરીના મહિના જ થયા હતા. તેની માગણી પુરી કરતાં કરતાં મારા પિતાનું અવસાન થયું. તેને રૂપિયા મળવાની કોઇ આશા રહી ન હતી, જેથી તેને મને જ વેંચવાની શરૂઆત કરી.
મારો હેવાન પતિ જ મને રોજ નવા પુરુષ પાસે મોકલવા લાગ્યો. રોજ નવા પુરુષો મને પીંખતાં. સવારે ઘરે જઉં ત્યારે ઘરમાં ઘુંસતા મને મારી જાત પર ચીતરી આવતી પણ શું કરું મારી પાસે ત્યાં જવા સિવાયે કોઇ ઉપાયો નથી. ઘરના કબાટમાં અનેક સુંદર વસ્ત્રો છે, પરંતુ તેને જોઇને પણ મને ચીતરી ચઢે છે. કારણે કે બધાજ સુંદર અને મોંઘાદાટ વસ્ત્રો સાથે એક હેવાનીયત ભરી રાતની વાત જોડાયેલી છે. આજે પણ સાંજે મારા હેવાન પતિએ મને કબાટમાંથી એક ડ્રેસ કાઢી પહેરીને તૈયાર થવાનો આદેશ કર્યો. હું તેના આદેશ અનુસાર તૈયાર પણ થઇ ગઇ. તે ગાડીમાં બેસાડી મને અમદાવાદ નજીક આવેલા કોઇ ફાર્મ પર મુકી જતો રહ્યો હતો. જેમ જેમ રાત વિતવા લાગી પેલા પુરુષમાંનો હેવાન જાગવા લાગ્યો. તેને શરૂઆતમાં તો મારી સાથે મીઠી મીઠી વાતો કરી પણ પછી મને મારવા અને ગાળો બોલવા લાગ્યો. તેની અને મારા પતિની હેવાનીયતમાં વધારે ફરક ન હોય હું તેને સહન કરી રહી હતી. પરંતુ થોડી વાત થઇ તેના મોબાઇલ પર એક ફોન આવ્યો.
ફોન પર તેને શું વાત કરી તેનો મને ખ્યાલ નથી પરંતુ ફોન મુકતાની થોડીવારમાં અન્ય ત્રણ પુરુષો પણ ત્યાં આવ્યાં. તે હેવાન પુરુષ સાથે ભેગા થઇ બધાએ મને પોતાની હેવાનીયતનો શિકાર બનાવવાની શરૂઆત કરી. મારાથી સહન થયું ત્યાં સુધી મેં પણ સહન કર્યુ પણ પાણી નાંકથી ઉપર જતાં મેં પણ મારી જાતને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા. તે ચારેય હેવાન પુરુષો મને બેલ્ટથી મારવા લાગ્યા, મારા વાળ ખેંચ્યા, મારા કપડા ફાડી નાખ્યાં, મને લાતો અને મુક્કા પણ માર્યા. દરમિયાન હું તેમની ચુંગાલમાંથી ભાગવામાં સફળ થઇ.
ઘરમાંથી દોટ મૂકી હું ફાર્મના મુખ્ય સરવાજા પર આવી તો મારો હેવાન પતિ ત્યાં મારી રાહ જોઇ રહ્યો હતો. તેને મને જોઇ અને મને બચાવવાની જગ્યાએ મને ફાર્મમાં જવા માટે કહેવા લાગ્યો. ફાર્મની અંદર રહેલા ચારેય હેવાનોની હેવાનીયતથી હું એટલી બધી ગભરાયેલી હતી કે મને ખબર જ નહીં કે હું શું કરી રહી છું. મારા પતિની વાતનો વિરોધ કર્યો તે ન માન્યો તેને મને લાફો માર્યો. લાફો એટલી જોરથી માર્યો હતો કે હું જમીન પર પડી ગઇ. હું એટલી બધી ગભરાયેલી હતી કે, મારો બચાવ કરવા નજીકમાં પડેલો એક પથ્થર હેવાન પતિના માથામાં મારી હું ભાંગીને લારી તરફ આવવા લાગી. મને ખબર નથી કે તે જીવે છે કે પછી મરી ગયો પણ હવે તે હેવાન મારા માટે મરી જ ગયો છે. તમે મને નજીકના પોલીસ મથકે લઇ જાવ ત્યાં મારે મારા હેવાન પતિ અને તેના ચારેય હેવાન ક્લાઇન્ટ સામે ફરિયાદ નોંધાવવી છે.
દિલીપભાઇ યુવતીને લોહી લુહાણ હાલતમાં નજીકનાં પોલીસ મથક લઇ ગયા અને બહારથી જ યુવતીને તેની હિંમત માટે અભિનંદન આપી મુસાફરીનો એક પણ રૂપિયો લીધા વિના રવાના થઇ ગયા.