Lagnna chaar varshnu sarvaiyu books and stories free download online pdf in Gujarati

લગ્નના ચાર વર્ષનું સરવૈયું

સ્વયમની જાજરમાન યુવાનીની શરૂઆત થઈ હતી. કોલેજના અંતિમ વર્ષમાં હયો ત્યારે કોલજની છોકરીઓ તેના પર વારી જતી હતી. પરંતુ તેની નજર એક જ છોકરી પર સ્થિર થઈ ગઈ હતી.

ગુલાબની પાંખડી જેવા હોઠ, હરણી જેવી ચાલ, વાદળ જેવી નમણી કાયા, ગુલાબી ગાલ, કોઈને પણ જોતા જ નશો થઈ જાય તેવી માદક આંખોની માલકીન એટલે સ્વયમની મનની પ્રિયસી દ્રષ્ટિ.

કોઈક કારણો સર કોલેજ બદલવાની ફરજ પડતા દ્રષ્ટિ કોલેજના અંતિમ વર્ષમાં હાલમાં જ પ્રવેશ લીધો હતો. સ્વયમ અને દ્રષ્ટિ ધીરે ધીરે સારા મિત્રો થયા અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો. કોલેજનું અંતિમ વર્ષ પૂરું થયું અને બન્ને જણા નોકરી પર લાગ્યા.

દરમિયાન બન્નેના ઘરમાં લગ્નની વાત શરૂ થઈ અને તેમને પરિવારજનો સામે નિખાલસ પણે પોતાના પ્રેમનો એકરાર કર્યો. પરિવરજનો પણતેમના લગ્ન માટે રાજી થયા અને લગ્નનો દિવસ નક્કી થયો.

14મી ફેબ્રુઆરી 2014ને શુક્રવારે સ્વયમ અને દ્રષ્ટિ ધામધૂમથી લગ્ન ગ્રંથિથી જોડાયા. સ્વયમના માતા – પિતા ગામડે રહેતા હોવાથી શહેરમાં સ્વયમ એકલો જ રહેતો હતો. સ્વયમ અને દ્રષ્ટિનો સંસાર મંડાયો. બન્ને સુખેથી રહેવા લાગ્યા.

બન્ને જણા નોકરી કરતા હતા જેથી એમતો એક બીજાને સમય આપી શકતા ન હતા પણ જેટલો સમય આપે તેટલો માત્ર એક બીજાને જ આપતા હતા અને વિકેન્ડમાં તો તેઓ એક બીજામાં ખોવાય જતા હતા. લગ્નના ત્રણ વર્ષ લડતા ઝઘડતા પુરા થયા.

ચોથા વર્ષમાં મંગળ પ્રવેશની બન્ને જણાએ ગોવાની એક હોટલમાં ઉજવણી પણ કરી. પરંતુ ત્યાં શુ થયું કે તેઓ રજા ટૂંકાવીને તરત પરત ફર્યા. પછી દિવસે દિવસે બન્ને વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે બન્ને એક જ ઘરમાં જુદા જુદા રહેવા લાગ્યા. થોડા સમયમાં બન્ને જણાએ છુટા થવાનો નિર્ણય કરી લીધો હતો.

લગ્નની પાંચમી તિથિ 14મી ફેબ્રુઆરી 2018 ને બુધવારે બન્ને જણા કોર્ટમાં જજ સાહેબ સમક્ષ હાજર થયા.

સ્વયમ અને દ્રષ્ટિને જોઈ જજ સાહેબ પર ચોંકી ગયા હતા. નિવૃત્તિના આરે આવી ગયેલા જજ સાહેબને મનમાં એક વિચાર આવ્યો અને પછી તેમને એક પ્રશ્ન કર્યો.

‘તમારે છુટ્ટા કેમ થવું છે?’

જજ સાહેબની આંખ પણ આ પરફેક્ટ કપલને જોઈને ટાઢક થઈ હશે. એટલે જ તેમના મનમાં કોઈક વિચાર આવ્યો અને તેમને બન્નેને એક પ્રશ્ન પૂછ્યો હતો.
કોઈ પણ વાત હોય મહિલા જ પહેલાંના નિયમનો ભંગ ન થાય તે માટે દ્રષ્ટિએ જવાબ આપવાની શરૂઆત કરી.

સર, ખોટું ના લગાડતા પણ તમારો પ્રશ્ન જ ખોટો છે. તમે મને પૂછો કે, આવા લબાડ અને સ્ત્રીને સન્નમાન ન આપનાર પુરુષ સાથે મેં લગ્ન જ કેમ કર્યા?

પોતાના અસીલ પર થઇ રહેલા પ્રહાર સાંભળી સ્વયમના વકીલ બોલ્યા

‘આઇ ઓબ્જેક્ટ યોર ઓનર’

‘મારા અસીલની પત્ની તેમના પર ખોટા અને ભ્રામક આરોપ લગાવી રહી છે. આ ખોટા આરોપથી મારા અસીલની શાખને ઠેસ પહોંચી રહી છે.

આટલી જ જરૂર હતી ને તરત જ દ્રષ્ટિના વકીલે પણ પોતાના અસીલને ખોટા કહેતા સ્વયમના વકીલને બેસી જવાની સલાહ આપી. અને બોલ્યા કે, તમારા અસીલ કેટલા સજ્જન છે તેની ખબર તમારા કરતા મારા અસીલની વધારે છે. મા. જજ સાહેબે મારા અસીલને સવાલ પૂછ્યો છે અને મારા અસીલ જવાબ આપી રહ્યા છે. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી.
અને આટલું કહી ફરીથી બેસી જવાની સલાહ આપી.

બીજા વકીલની સલાહ સાંભળતાંની સાથે જ સ્વયમનો વકીલ ફરી દલીલો કરવા લાગ્યો અને એટલામાં જ વચ્ચે સ્વયમનો અવાજ આવ્યો.

સ્વયમ સંયમમાં રહી જજ સાહેબ સામે દલીલ કરવા લાગ્યો અને કહ્યું કે, સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એના વડવાઓ વિશે તપાસ કરવો તો તેમાં પણ કોઈ ને કોઈ પેઢીનો સંબંધ કંસ કે રાવણ સાથે નીકળશે તેની મારી ખાતરી છે.

પોતાના પરિવાર વિશે સાંભળતાની સાથે જ દ્રષ્ટિ અને તેના વકીલ બન્ને બોલવા લાગ્યા. તો બીજી તરફ સ્વયમ અને તેના વકીલે પણ દલીલો ચાલુ જ રાખી. એક સમયે તો કોર્ટરૂમ શાક માર્કેટમાં ફેરવાઈ ગયો. જજ સાહેબ, કોર્ટનો સ્ટાફ અને અન્ય લોકો સ્વયમ અને દ્રષ્ટિને જ જોઈ રહ્યા હતા અને અંદર અંદર વાતો કરવા લાગ્યા હતા.

એટલે જજ સાહેબે કંટાળીને વાતાવરણ શાંત પાડવા માટે હથોડો માર્યો અને કહ્યું, ઓર્ડર ઓર્ડર. પછી થોડીવાર માટે અદાલત સ્થગિત કરી દેવામાં આવી. બધાને લાગ્યું કે હવે જજ સાહેબ બન્ને વકીલોને કેબિનમાં બોલાવી અસીલોને સમજાવવા માટે કહેશે. પણ થયું કઈક જુદુજ.

જજ સાહેબે સ્વયમ અને દ્રષ્ટિને કેબીનમાં એક પછી એક મળવા બોલાવ્યા. એટલે બન્નેના વકીલો પણ સ્તબ્ધ થઈ ગયા. બન્ને વકીલો પોતાના અસીલોને સમજાવવા લાગ્યા કે શું કરવાનું અને શું ન કરવાનું.

હવે અસીલો બાજુમાં ને બન્ને વકીલોએ ધુસર પુંસર શરૂ કરી દીધી હતી. દ્રષ્ટિના વકીલે સ્વયમના વકીલ પૂછ્યું શુ લાગે છે કોનો પક્ષ મજબૂત થશે. સાહેબ કોની વાત માનશે અને કોને સમજાવશે. બન્ને વકીલોને મતે તેમના અસીલ કોઈ પણ સંજોગોમાં સમજે તેવા ન હતા. પણ હવે તો તેઓ બહાર આવે પછી જ ખબર પડે તેમ હતું તેથી તેઓ પણ બહાર ઊભા રહી ધારણાઓ બાંધી રહ્યા હતા.

એક તરફ બન્ને વકીલો ધારણાઓ બાંધી રહ્યા હતા ને બીજી તરફ જજ સાહેબે કુદરતના નિયમ મુજબ પહેલા દ્રષ્ટિને બોલાવી.

ગુસ્સા અને આશ્ચર્ય બે ભાવ મોંઢા પર લઈ સ્વયમ જજ સાહેબની કેબીનની બહાર જ ઊભો હતો.

જજ સાહેબે કેબીનમાં આવેલી દ્રષ્ટિને ખુરશીમાં બેસવા કહ્યું. સાહેબ કઈ પૂછે તે પહેલા જ દ્રષ્ટિએ સ્વયમ પુરાણ શરૂ કર્યું.

દ્રષ્ટિએ ખુબજ શાંત સ્વરે પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે, સાહેબ તમારી ઉંમર ઘણી વધારે છે. તમારા ઘરે પણ મારા જેટલી એક દીકરી હશે. તો બસ એ દીકરી સમજી મને જે સલાહ આપશો તે હું માન્ય રાખીશ પણ બસ મને આ લબાડ પુરુષ સાથે રહેવાની સલાહ ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને છૂટાછેડા અપાવી દો’

આ સાંભળતાની સાથે જ જજ સાહેબને હસું આવી ગયું. તેમને હસતા જોઈ દ્રષ્ટિને પણ આશ્ચર્ય થયું પણ તે કશું કરી શકે તેવી સ્થિતિમાં ન હતી તેથી ચૂપચાપ બેસી જજ સાહેબ સામે તાકી રહી હતી.

જજ સાહેબે ખૂબ જ માયાળુ સ્વરમાં પોતાની વાત શરૂ કરી. તેમને કહ્યું કે, હું એક પિતા તરીકે તને કે સ્વયમને કશું કહેવા માંગતો નથી. મારે તમને બન્નેને બે જ સવાલ પૂછવાનો છે જે પહેલા હું તને કરીશ એ જ સવાલ હું સ્વયમને પણ કરવાનો છું.

આ સંભળાતી સાથેજ દ્રષ્ટિ સ્તબ્ધ થઈ ગઈ અને જજ સાહેબના સવાલની રાહ જોવા લાગી.

જજ સાહેબે સવાલ કર્યો કે, તમારા લગ્નને કેટલો સમય વીત્યો છે ?

દ્રષ્ટિએ જવાબ આપ્યો, આજે ચાર પુરા થયાને પાંચમું બેઠું.

આ વાત સાંભળતા જ જજ સાહેબ અભિનંદન આપવા જતા હતા પણ કેસ છૂટાછેડાનો હોવાનું યાદ આવતા અટકી ગયા. પછી તેમને ફરી વાત કરવાની શરૂઆત કરી. તેમને દ્રષ્ટિને કહ્યું કે, બેટા આ ચાર વર્ષમાં તને સ્વયમમાં અનેક ખામીઓ દેખાઈ બરાબર.
એટલે તરત જ દ્રષ્ટિએ ટાપસી પુરાવી સાહેબ કરોડો ખામોઓ છે. જો ગણવાની શરૂઆત કરીને તો મહિનાઓ નહિ વર્ષો વીતી જશે.

જજ સાહેબ બોલ્યા, તો પછી એની વાત કરવાનું રહેવા દે. મને તું એટલું કહે કે તેનામાં તને એક પણ સારી વાત દેખાઈ છે? સમ ખાવા પૂરતી એક બે પાંચ દસ કઈક તો સારી વાત હશે ને…..

દ્રષ્ટિના અવાજમાં ગંભીરતા આવી ગઈ. તેને ખૂબ જ શાંતિથી જવાબ આપતા કહ્યું કે, સાહેબ ભગવાન દરેક વ્યક્તિને પરફેક્ટ નથી બનાવતા. થોડીક ખરાબી સાથે થોડી સારાય પણ રાખતા જ હોય છે.

બસ આજ મારે જાણવું છે કે સ્વયમમાં કઈ સારી બાબતી છે જે તને ગમે છે. મને ખબર છે કે, હમણાં તું કોઈ પણ વિચાર કરી શકે તેમ નથી. હું તને પંદર દિવસનો સમય આપું છું. તે દરમિયાન શાંત મને વિચારી એક કાગળમાં લખીને મારી પાસે સોળમાં દિવસે આવજે.

દ્રષ્ટિને વાતમાં કઈ સમજણ ન પડી પણ કેબીનની બહાર નીકળતા એટલું જ બોલી કે, સાહેબ સોળમાં દિવસે હું આવું એટલે સત્તરમાં દિવસે છુટાછેડા પાક્કાને……

દ્રષ્ટિ બહાર નીકળી એટલે જજ સાહેબે સ્વયમને અંદર બોલાવ્યો.

સ્વયમ સાથે પણ આ જ વાત કરી તેને પણ સોળમા દિવસે મળવા બોલાવ્યો. સ્વયમ પણ જતા જતા એટલું જ બોલ્યો કે સાહેબ ગમે તે કહો પણ છૂટાછેડા તો લઈને જ રહીશ.

સતત પંદર દિવસ એક જ ઘરમાં એક બીજાથી જુદા જુદા રહી પણ સતત એક બીજાના વિચારોમાં ખોવાયેલા દ્રષ્ટિ અને સ્વયમે જજ સાહેબે આપેલી યાદી તૈયાર કરી. છેલ્લે પરીક્ષાનો સમય આવ્યો.

સોળમા દિવસે બન્ને જણા ફરી જજ સાહેબની કેબીનની બહાર ઊભા હતા. પરંતુ બન્નેના હાવભાવ કઈક જુદા હતા. એક બીજાથી ભલે વાત નહોતો કરી શકતા પણ વાત કરવાની ઈચ્છા આંખોમાં દેખાતી હતી. દિલની વાતો હોઠ નહિ પણ આંખો કહી જતી હતી. છતાં પણ બન્ને સુનમુન જજ સાહેબની કેબીનની બહાર બેસી રહ્યા. થોડીક વારમાં પટાવાળો આવ્યો અને દ્રષ્ટિને અંદર બોલાવે છે નો સંદેશો આપી જતો રહ્યો.

દ્રષ્ટિ પોતાની જાતને સ્વસ્થ કરી જજ સાહેબની કેબીનમાં પ્રવેશી.

ચાલ દ્રષ્ટિ લાવ શુ લખીને લાવી છે તે બતાવ. જજ સાહેબે કહ્યું. તરત જ દ્રષ્ટિએ એફોર સાઈઝના પંદર પાનાની એક ફાઇલ કાઢી. મોતીના દાણા જેવા સુંદર અક્ષરે દ્રષ્ટિએ સ્વયમ વિશે સારી સારી વાતો લખી હતી.

ફાઇલ જોઈ જજ સાહેબે પૂછ્યું કે આટલી બધી સારી વાતો છે સ્વયમ વિશે. મને એમ કે એકાદ પાનામાં તારો સ્વયમ પતી જશે. પણ કઈ વાંધો નહિ લાવ હું વાંચું.

દ્રષ્ટિએ સામે જવાબ આપતા કહ્યું કે, સાહેબ મને પણ એમ જ હતું કે સ્વયમ વિશે કોઈ સારી બાબત છે જ નહીં પણ લખવાની શરૂઆત કરી ને બધું યાદ આવતું ગયું. જીવન ફ્લેશબેકમાં જીવવા લાગી હતી આ પંદર દિવસ.

સાહેબ હું જ વાંચીને સંભળાવું છું. દ્રષ્ટિએ બોલવાની શરૂઆત કરી, સાહેબ સ્વયમની મારા પ્રત્યેની વફાદારી અને તેનો પ્રેમ સૌથી અગત્યની બાબત છે. તે મને ઘરકામમાં મદદ કરે છે, મારા બધા શોખ પુરા કરે છે મને કોઈ પણ બાબતે ટોકતો નથી. મારાથી ખોટા ખર્ચા થઈ જાય તો પણ કોઈ દિવસ હિસાબ નથી માંગ્યો. મારી ઈચ્છા હોય ત્યારે મુવી અને ડિનર તો ખરાજ. કોઈ પણ નાના મોટા પ્રસંગમાં ભેટ સોગાદ પણ આપતો અને તે પણ જેવી તેવી નહિ મોંઘી દાટ હોય.

આ બધું સાંભળી જજ સાહેબ બોલ્યા, તો પછી તકલીફ શુ આવી ?

દ્રષ્ટિએ કથા આગળ વધારી પણ આ વખતે ફરિયાદ કરવાની હોવા છતાં સ્વરમાં નરમાશ હતી. દ્રષ્ટિએ કહ્યું, સાહેબ એને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. હું ફરિયાદ કરું તો મારી સાથે ઝઘડો કરે છે. મારા પરિવારવાળા આવે તો તેમની સાથે સરખી રીતે વાત નથી કરતો. ક્યારેક તો એમ લાગે છે કે એને મારા કરતાં તેની ઓફિસ અને તેનું કામ વધારે વહાલું છે.

જજ સાહેબે બન્ને પાસા સાંભળ્યા અને પોતાનો મત રજૂ કરવાની શરૂઆત કરી. બેટા હું બીકોમ થયો એમકોમ થયો પછી વકીલાત કરી અને જજ થયો છું માટે ખાતાવહીના હિસાબો પણ આવડે છે હજી ભુલ્યો નથી. તારા રજૂ થયેલા હિસાબો પરથી લાગે છે કે, સ્વયમ જેવો પતિ ભાગ્યેજ કોઈ યુવતીના નસીબમાં હશે. મારી દીકરી માટે પણ હું આવા જ જમાઈને શોધતો હોવ તે ખૂબ સાચી વાત છે.
સ્વયમ પોતાના કામને વધારે મહત્વ આપે છે. તેની પાછળનું કારણ એ તને ક્યારેય રૂપિયાની અછત આવવા દેવા માંગતો નથી માટે અને સૌથી મોટી વાત તો એ છે કે, એ તને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલી વાર મળ્યો ત્યારે કરતો હતો. તે તને વફાદાર પણ છે. તે તારા તમામ શોખ પણ પુરા કરે છે. તારે બીજું શું જોઈએ છે.???????

દ્રષ્ટિએ રડતા રડતા કહ્યું, સાહેબ હું ખોટી હતી. આ પંદર પાના લખતા લખતાં જ મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. સાહેબ, હવે હું સ્વયમ સાથે જ રહેવા માગુ છું. સાહેબ તમે એને સમજાવો કે છુટાછેડાનું માંડીવાળે.

દ્રષ્ટિને સ્વસ્થ થવાનું કહી જજ સાહેબે સ્વયમને અંદર બોલાવ્યો. એટલે દ્રષ્ટિ જજ સાહેબની કેબીનની બહાર જઇ બાંકડા પર બેસીને સ્વયમની રાહ જોવા લાગી.

અડધો કલાક પોણો કલાક એક કલાક વીતી ગયો દ્રષ્ટિના ધબકારા વધી રહ્યા હતા કે જો સ્વયમ જજ સાહેબનું ન સાંભળે અને છૂટાછેડા માટે અડગ રહેશે તો તેનું શું થશે. બીજી તરફ જજ સાહેબની કેબીનમાં સ્વયમની આંખો પણ ભીની થઇ ગઇ હતી. એક પુરુષ હતો એટલે રડી શકે તેમ નહતો પણ અવાજ બદલાઈ ગયો હતો.

જજ સાહેબના હાથમાં દ્રષ્ટિ અને સ્વયમે લખેલા કાગળોની ફાઇલ હતી. તે માત્ર કાગળો ન હતા પણ લગ્નના ચાર વર્ષનું સરવૈયું હતું. સ્વયમ અને દ્રષ્ટિના લગ્નના ચાર વર્ષના લેખાજોખા હતા. તે કાગળના દરેક શબ્દમાં બન્નેનો એક બીજા પ્રત્યેનો પ્રેમ, વફાદારી છલકતા હતા. બીજી તરફ જજ સાહેબને બન્નેની આંખોમાં વિયોગના આશું પણ દેખાઈ રહ્યા હતા.
એટલામાં સ્વયમ ઘૂંટાતા સ્વરે બોલ્યો, સાહેબ હું તો દ્રષ્ટિને ખૂબ જ પ્રેમ કરું છું. તેની સાથે જ રહેવા માગું છું. પણ તે મારી સાથે રહેવા માંગતી નથી. ખરેખર તો હું તેની નાની નાની ફરિયાદોથી ત્રાસી ગયો હતો. મને લાગે છે કે પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને સમજી શકવાની ક્ષમતા ધરાવતો નથી. સ્ત્રીની દરેક અપેક્ષા પૂર્ણ કરવી અશક્ય છે.

બસ આજ વાત તારે સમજવાની છે. જજ સાહેબે તેને અટકાવી કહ્યું. બેટા આજ તો જીવનનું સત્ય છે.

પ્રેમ એટલે શું ?

સમજો તો ભાવના,
કરો તો મશ્કરી,
રમો તો ખેલ,
રાખો તો વિશ્વાસ,
લો તો શ્વાસ,
રચો તો સંસાર
અને
નિભાવો તો જીવન છે.

પ્રેમમાં માપ તોલ કરવાના ના હોય. અપેક્ષા રાખ્યા વિના થતો પ્રેમ જ સાચો પ્રેમ છે.

જજ સાહેબે બેલ માર્યો. બેલ સાંભળી અંદર આવેલા પટાવાળાને દ્રષ્ટિને બોલાવવાનો આદેશ કર્યો.

થોડીવારમાં દ્રષ્ટિ જજ સાહેબની કેબીનમાં આવી. તેને સ્વયમની બાજુની ખુરશીમાં બેસાડીને જજ સાહેબે પૂછ્યું.

તમને બન્નેને કોઈ વાંધો ન હોય તો હું હવે મારો નિર્ણય જાહેર કરું અને પછી તેમાં તકલીફ હોય તો તમે ઉપલી અદાલતમાં જઇ શકો છો.

સ્વયમ અને દ્રષ્ટિથી કઈ બોલાયું નહિ માટે આંખોના ઇશારાથી જ પોતાની મંજૂરી જાહેર કરી.

જજ સાહેબે પોતાની આગવી છટામાં નિર્ણય જાહેર કર્યો. આજથી બરાબર ચાર વર્ષ અને સોળ દિવસ પહેલા પરિવારજનો, મિત્રો, વડીલો અને ભગવાનની હાજરીમાં અગ્નિને સાક્ષી રાખી લગ્નના તાંતણે જોડાઇ સાથ નિભાવવાના જે કોલ તમે એક બીજાને આપ્યા હતા તે પુરા કરવાની હું તમને સજા ફરમાવું છું અને જજ સાહેબ હસી પડ્યા.

સ્વયમ અને દ્રષ્ટિ આંખોમાં આશું સાથે હસતા ચહેરે પોતાની ખુરશી પરથી ઉભા થયા અને જજ સાહેબને પગે લાગ્યા અને કહ્યું સાહેબ આ સજા નહિ તમારા આશીર્વાદ છે જે સદાય અમારી આથે જ રહેશે.

બસ હવે શું જજ સાહેબને ઘરે જમવાનું આમંત્રણ આપી સ્વયમ અને દ્રષ્ટિ એક સાથે હાથમાં હાથ પરોવી બાકીનું જીવન સુખે સુખે વિતાવવા નીકળી પડ્યા.

સિદ્ધાર્થની કલમથી