ek vadki dahi books and stories free download online pdf in Gujarati

એક વાટકી દહી….

સવજીભાઇ અને શાંતાબેન માટે આજનો દિવસ ખુબ જ ખુશીનો હતો. તેમના ઘરે દિકારોનો જન્મ થયો હતો. સવજીભાઇ અને શાંતાબેને દિકરાનું નામ સ્વયમ રાખ્યું. સવજીભાઇ પ્લાસ્ટીકની થેલી બનાવવાની નાની ફેક્ટરી ચલાવતા હતા. વેપાર સારો હતો, એટલે સવજીભાઇનો પરિવાર સુખેથી જીવતો હતો. ધીરે ધીરે સ્વયમ મોટો થવા લાગ્યો.
પાંચ વર્ષના સ્વયમને સ્કૂલમાં મૂકવાનો સમય થયો. સવજીભાઇ બીકોમ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. જ્યારે શાંતાબેન માત્ર મેટ્રીક પાસ હતા. શાંતાબેન ભણ્યાં નહીં પણ ગણ્યા વધારે હતા. જેથી પરિવાર ચલાવવામાં તેમજ વ્યવહારો સાચવવામાં શાંતાબેન ખુબ જ આગળ હતા. સવજીભાઇનો વેપાર સારો હોવાથી દિકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લીધો. શહેરની સારામાં સારી અંગ્રેજી માધ્યમી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યો. સ્વયમ હોશીયાર હતો તેથી સ્કૂલ અને ક્લાસમાં અભ્યાસની સાથે સાથે તે ઘરે જાતે પણ અભ્યાસ કરતો હતો. તેમજ સ્વયમે તેની માતાને પણ અંગ્રેજી શિખવવાની શરૂઆત કરી.
સ્વયમ ૧૦ વર્ષનો થયો, પાંચમા ધોરણમાં આવ્યો. પ્રાથમિક શિક્ષણમાં સ્વયમ હંમેશા પહેલા ત્રણ વિદ્યાર્થીઓમાં જ રહ્યો હતો. દરમિયાન સવજીભાઇ અને સ્વયમના જીવનમાં એક ગંભીર ઘટના બની ગઇ. કોઇ ગંભીર બીમારીના કારણે શાંતાબેન સ્વગૃહેથી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયા. શાંતાબેનની અચાનક વિદાયથી સ્વયમ અને સવજીભાઇના જીવનમાં અંધકાર છવાઇ ગયો. પરંતુ સ્વયમને ધ્યાને રાખી સવજીભાઇએ પોતાની જાતને જાળવી જીવનના તાણાવાણામાં જોતરાઇ ગયા. પરિવારના સભ્યો અને મિત્રોએ સવજીભાઇને સ્વયમ માટે બીજા લગ્ન કરી લેવા માટે સલાહ આપી. કેટલાકે તો જીદ પણ કરી પણ સવજીભાઇ ટસના મસ ન થયા. અંતે બધાએ કંટાળીને સવજીભાઇને કહેવાનું જ છોડી દીધું. સવજીભાઇ અને સ્વયમ પણ જીવનમાં જોતરાઇ ગયા.
દિવસો વિતતા ગયા અને સ્વયમ ૧૦માં ધોરણમાં આવ્યો. સીબીએસસી બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષામાં સ્વયમ ૯૫ ટકા માર્ક્સ સાથે પાસ થયો. સવજીભાઇની ખુશીનો પાર ન રહ્યો. સવજીભાઇની ઇચ્છા હતી કે સ્વયમ એન્જિનિયર કે પછી ડોક્ટર જ બને. પરંતુ સ્વયમની ઇચ્છા પિતાની જેમ વેપારી બનવાની જ હતી. જેથી સ્વયમે ધોરણ ૧૧ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો. બન્ને વર્ષ સખત મહેનત કરી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં પણ સ્વયમ ૯૭.૮૭ ટકા સાથે પાસ થયો.
હવે, આગળ શું અભ્યાસ કરવો તેનો કોઇ પ્રશ્ન જ ન હતો. સ્વયમને તો નક્કી જ હતું કે, સવજીભાઇની કંપનીમાં જોડાઇને તેને જ આગળ વધારવાની છે. જેથી તેને મુંબઇના ઘાટકોપરમાં આવેલી કે. જે. સોમાણી મેનેજમેન્ટ કોલેજમાં એડમીશન લીધું. તેમાં પણ સમગ્ર કોલેજમાં પહેલા ક્રમે આવી સ્વયમે પિતાનું નામ રોશન કર્યુ. વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે પ્રવેશ મેળવ્યો. જ્યાં પહેલા એમબીએ અને પછી પીએચડી કરી સ્વયમ ભારત પરત ફર્યો. દરમિયાન તેની ઉંમર ૨૮ વર્ષની થઇ ગઇ હતી.
સ્વયમ ભારત આવીને બીજા દિવસથી જ સવજીભાઇની પ્લાસ્ટીકની થેલીઓ બનાવવાની કંપનીમાં જોડાઇ ગયો. તેને કઇ રીતે આગળ વધારવામાં મથી પડયો. પરિવાજનો અને સવજીભાઇએ સ્વયમ માટે ૩૨ લક્ષ્ણી કન્યાની શોધ શરૂ કરી. દિકરો ભણેલો હતો એટલે વહુ પણ ભણેલી જ લાવવી પડે. જે વિચારીને સવજીભાઇને દિકરાની ડિગ્રીઓને તોલે આવે તેટલી ડિગ્રી સાથેની સુંદર કન્યા દ્રષ્ટી શોધી કાઢી. દ્રષ્ટી અને સ્વયમ એક બે વાર મળ્યા અને એક બીજાને ગમી જતાં બન્નેના લગ્ન લેવામાં આવ્યા.
સ્વયમની માતા તો હતી નહીં એટલે લગ્ન પછી ઘરની તમામ જવાબદારી દ્રષ્ટીના માથે આવી ગઇ હતી. સ્વયમ કંપની સાચવતો હતો એટલે સવજીભાઇ પણ ઘરે જ રહેતા અને સમાજ સેવા પર ધ્યાન આપવા લાગ્યા. એક દિવસની વાત છે, સવજીભાઇ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠા હતા. દ્રષ્ટીએ આલુ પરોઠા બનાવ્યા હતા. દ્રષ્ટીએ સવજીભાઇને ગરમ ગરમ પરોઠા પીરસ્યા પણ તેની સાથે કોઇ ચટણી કે કશું ન હતું. જેથી પરોઠા ખાવામાં સવજીભાઇને મુશ્કેલી પડતા તેમને દ્રષ્ટીને કહ્યું, વહુ બેટા એકલા પરોઠા ખાવામાં મુશ્કેલી પડે છે. એક વાટકી દહી આપોને. હવે, દ્રષ્ટી શું જવાબ આપે તેની અસમંજસમાં હતી.
થોડી વાત રાહ જોઇ દ્રષ્ટીએ જવાબ આપ્યો પપ્પા દહી ખલાસ થઇ ગયું છે. એટલી સવજીભાઇ પણ વહુની વાત સાચી માની નાસ્તો કરી પોતાના કામમાં વળગી ગયા. આ પ્રસંગ બન્યો ત્યારે સ્વયમ પણ નાસ્તાના ટેબલ તરફ જ આવી રહ્યો હતો. તેને સમગ્ર પ્રસંગ જોયો અને સાંભળ્યો. સ્વયમ નાસ્તો કરવા બેઠો ત્યારે દ્રષ્ટીએ તેની થાળીમાં દહીથી ભરેલી એક વાટકી મુકી આપી. તે જોઇ સ્વયમ પણ ચોંકી ઉઠયો. તે દિવસે તો તે દ્રષ્ટીને કશું બોલ્યો નહીં. ઓફિસ ગયો ત્યારે પણ સ્વયમના મગજમાં એક વાટકી દહી જ ફરી રહ્યું હતું.
દહીની વાટકીના પ્રસંગને દસેક દિવસ વિતિ ગયા હતા. એક રવિવારે સવારે સ્વયમ વહેલો તૈયાર થઇ ગયો અને સવજીભાઇને કહ્યું, પપ્પા ચાલો આપણે જવાનું છે. સવજીભાઇએ પછયું બેટા કયાં જવું છે. જેના જવાબમાં સ્વયમે કહ્યું પ્રશ્ન પુછવાનો રહેવા દો ત્યાં પહોંચી શું એટલે તમને સમજાઇ જશે. સ્વયમ સવજીભાઇને લઇને એક મેરેજ બ્યુરોમાં પહોંચ્યો. જ્યાં પહોંચતાની સાથે જ સવજીભાઇ પણ ડઘાઇ ગયા હતા. સ્વયમ સવજીભાઇને લઇને મેરેજ બ્યુરોની ઓફિસમાં ગયા. જ્યાં સંચાલીકા સાથે એક ઉંમર લાયક સ્ત્રી કોઇની રાહ જોઇ રહી હતી.
સંચાલીકાએ સ્વયમ અને સવજીભાઇને આવકાર્યા અને તેમની ઓળખાણ ઓફિસમાં બેસેલી સ્ત્રી સાથે કરાવી. આ શાંતાબેન છે. સવજીભાઇની આંખો પહોળી થઇ હતી. તે સ્વયમ તરફ જોઇ રહ્યા. તરત જ સવજીભાઇ સમજી ગયા અને સ્વયમને બહાર લઇ ગયા. તેમને સ્વયમને કહ્યું બેટા તું નાનો હતો ત્યારે મેં લગ્ન ન કર્યા તો હવે શું કામ કરું ? તેના જવાબમાં સ્વયમે કહ્યું, પપ્પા તમારે મારા માટે નહીં પરંતુ રોજ સવારે નિયમિત તમને નાસ્તમાં તમારી દહીની વાટકી મળે તે માટે જ હું તમારા લગ્ન કરાવું છું. તે સાંભળીને સવજીભાઇને પણ દહીની વાટકી વાળો પ્રસંગ યાદ આવી ગયો.
સવજીભાઇએ સ્વયમને કહ્યું પણ બેટા વહુ શુ કહેશે. તેને હવે સાસુ જોડે ફાવશે કે નહીં. તેના જવાબમાં સ્વયમે કહ્યું પપ્પા હું અને દ્રષ્ટી તમારા લગ્નના બીજા દિવસથી એક ભાડાના ઘરમાં રહેવા જઇશું. હું તમારી કંપનીમાં જ કામ કરીશ પણ માલીક નહીં એક કર્મચારી તરીકે. દર મહિને મને પગાર મળશે. જે પગારથી જ દ્રષ્ટીએ ઘર ચલાવવાનું રહેશે. સવજીભાઇ સ્વયમની વાત શાંતીથી સાંભળી રહ્યા હતા. અંતે તેમને સ્વયમને પુછયું આનાથી શું થશે બેટા ? સ્વયમને હચકાયા વિના એક પણ ક્ષણ વિચાર્યા વિના જવાબ આપ્યો, પપ્પા આનાતી દ્રષ્ટીને એ એક વાટકી દહીની કિંમત સમજાશે.