Mari pase aatmhatya karva sivay koi rasto rahyo nathi books and stories free download online pdf in Gujarati

મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી

એક સ્ત્રીની વ્યથા વ્યક્ત કરવી ઘણી જ અઘરી હોય છે. ત્યારે એક સ્ત્રીએ લખેલા પત્રથી જ તેની વ્યથા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

મારૂ નામ રમીલા છે. હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક નાનકડા ગામની વતની છું. મારા ઘરમાં મારા માતા-પિતા અને ભાઇ સાથે રહીને હું મોટી થઇ. મારી ઉંમર લગ્નની થતાં પરિવારજનોએ છોકરા જોવાની શરૂઆત કરી હતી. દરમિયાન ઝઘડીયા તાલુકાના એક ગામના યુવાન રમેશ સાથે મારી માસીએ મારા લગ્નની વાત કરી હતી. તે મને જોવા મારા ઘરે આવ્યો હતો. મારી નમણી કાયા જોઇને તે મારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઇ ગયો હતો. તે દિવસે તે અમારા ઘરે જ રોકાઇ ગયો હતો. તે પણ મને ગમવા લાગ્યો હતો. રાતે તે મારા જ ઘરે રોકાઇ જતાં હું પણ તેની સાથે મારા સુખી સંસારના સપના જોવા લાગી હતી. પરંતુ મને ક્યાં ખબર હતી કે તેના મન મસ્તીસ્કમાં તો હેવાન રહેતો હતો.

બીજા દિવસે સવારે મારા ઘરના લોકો મજૂરી અર્થે ખેતરે ગયા ત્યારે તેને ઘરમાં આવી મારી સાથે બળજબરી કરવાની શરૂઆત કરી. મેં તેનો વિરોધ કર્યો તો તેને મારા હાથ મારી જ ઓઢણી સાથે બાંધી દીધા અને મારુ મોં દબાવીને મને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર પછી ન થવાનું થયું અને તે મારુ સરવસ્વ લુંટીને જતો રહ્યો હતો. તેને જતાં જતાં મને ધમકી આપી હતી કે, હું કોઇને વાત કરુ તો તે મને અને મારા પરિવારને જાનથી મારી નાંખશે. જેથી હું ચુપ રહી હતી. દરમિયાન મારી માસીની દિકરી ભાવના મારા ઘરે આવી હતી. રમેશના કુકર્મથી મને શરીર દુઃખતું હતું. રમેશના કુકર્મની સઘળી હકીકત મેં ભાવનાને જણાવી હતી. ભાવનાએ તમામ હકીકત મારી માસીને જણાવી હતી. હકીકત જાણતા જ મારી માસી મારા ઘરે દોડી આવી અને મને સમજાવા લાગી હતી.

માસીએ મને કહ્યું કે જો તો કોઇકને કહીશ તો આપણા કુંટુંબનું ખરાબ દેખાશે. તેમના સમજાવવાથી હું સમજી પણ ગઇ હતી. દરમિયાન મારા પિતાનું અવસાન થતાં સમગ્ર પરિવાર શોકમાં હતો. તેટલામાં જ મને ખબર પડી કે રમેશના કુર્કમની નિશાનીએ મારા ઉદરમાં જન્મ લીધો છે. જે વાતથી હું વ્યાકુળ બની ગઇ. મેં વાત મારી માસીને જણાવી તો તેમને મને ગર્ભ પડાવી નાખવાની સલાહ આપી હતી. દરમિયાન રમેશ સાથે મારા લગ્નની વાત પણ આગળ વધારી હતી. આખરે મેં રમેશ સાથે જંબુસરના એક દવાખાતે જઇ મારો ગર્ભ પડાવી નાંખ્યો હતો. ત્યારબાદ અનેક વખત રમેશ મારા ઘરે આવ્યો અને મારી મરજી વિરુધ્ધ મારી સાથે સંબંધ બાંધ્યા હતા. પરંતુ આબરૂની બીકે હું બધુ જ સહન કરતી રહી.

૨૦૦૦ની સાલમાં મારા લગ્ન રમેશ સાથે કરાવી દેવામાં આવ્યા. મને હતું કે લગ્ન પછી સાસરીમાં જઇશ અને બધુ બરાબર થઇ જશે. પરંતુ તેમ ન થયું. ત્યાં ગયા પછી ખબર પડી કે પાડોશમાં રહેતી કુંવારી રમીલા સાથે રમેશને પહેલાથી જ શારીરિક સંબંધો હતા. છતાં પણ મેં રમેશ સાથે સંસાર માંડયો હતો. જેના ફળ સ્વરૂપે ૨૦૦૧માં મારી કુખેથી મોટી દિકરી પિનલનો જન્મ થયો. દરમિયાન રમેશના રમિલા સાથેના સંબંધોના કારણે તે દારૂ પીને આવવા લાગ્યો હતો. તે ઘરે આવી મને મારતો હતો. જે બાબતે મેં મારા સસરા, સાસુ અને જેઠને વાત કરી તો તેઓ પણ તેનો જ સાથ આપવા લાગ્યા હતા. તેઓએ મારી પાસે રૂ. ૫ લાખના દહેજની માગણી પણ કરી હતી. પરંતુ મારા ઘરની આર્થીક સ્થિતી ખરાબ હોઇ હું દહેજ આપી શકી ન હતી.

આજ રીતે દિવસો ચાલી રહ્યા હતા. રમેશ તેના કાકાના દિકરા રાકેશને લઇને ઘરે દારૂ પિવા આવવા લાગ્યો. તે પણ મારી સાથે રમેશની સામે જ છેડછાડ કરવા લાગ્યો હતો. દરમિયાન ઘરમાં કોઇ ન હતું ત્યારે બે વખત રાકેશે મારી પર બળાત્કાર પર ગુજાર્યો હતો. જે બાબતે હું કોઇને કહું તો મને મારી નાખવાની ધમકી આપી હતી. જેના ત્રાસથી કંટાળી રમેશ નવસારીમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં હું ભાડે ઘર રાખી તેની સાથે રહેવા જતી રહી હતી. પરંતુ ત્યાં પણ રમેશ આખો દિવસ પારકી સ્ત્રીઓની છેડછાડ કર્યા કરતો હતો. હું કમાતી અને તે દારૂના નશામાં ચૂર પારકી સ્ત્રીઓની છેડછાડ કરતો હતો. તેટલું જ નહીં મને મારીને મારી પાસેથી રૂપિયા લઇ બીજી સ્ત્રીઓ પાછળ ઉડાવી તેમની સાથે આડા સંબંધો રાખતો હતો.
દરમિયાન મારા સસરાનો દેહાંત થતાં રમેશ મને પાછી સાસરીમાં મુકી ગયો હતો. જે સમયે મારા સાસુના પણ ગામના એક વ્યક્તિ સાથે આડા સંબંધ થયા હતા. તે અમારી હાજરીમાં ઘરે આવે ત્યારે મારા સાસુ મને મારા બે સંતાનો સાથે ઘરેથી કાઢી મુકતી હતી. ધીરે ધીરે તો તેઓ મારી હાજરીમાં રંગરલીયા મનાવવા લાગ્યા હતા. તેમને કેટલીક વખત મારી સાથે પણ અડપલા કર્યા હતા. જેનાથી કંટાળી જઇ બે વખત મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પણ મારા સંતાનોની ચિંતા થતાં હું અટકી ગઇ હતી. અંતે હું પરત રમેશ પાસે જતી રહી હતી. જ્યાં મારા સંતાનોની કાળજી લેવા માટે હું કંપનીમાં નોકરી કરવા લાગી હતી. પરંતુ રમેશના લક્ષણોમાં કોઇ ફરક પડયો ન હતો. રમેશ કમાઇને ઘરમાં લાવતો ન હતો પરંતુ રોજ આવી મારી તબીયત સારી હોય કે ન હોય તે તેની વાસનાની ભુખ સંતોષતો હતો.

૨૦૧૬માં કંટાળીને બારડોલી કોર્ટમાં મેં છુટા છેડાની અરજી કરી હતી. જે કોર્ટે માન્ય રાખી અમને છુટા પણ કરી દીધા હતા. તે બાદ હું અંકલેશ્વર ખાતે રહેવા આવી ગઇ હતી. જ્યાં એક ભલા માણસે મને મદદ કરી રહેવા માટે જગ્યા આપી અને નોકરી પણ અપાવી હતી. દરમિયાન મારી દિકરી પિનલ ધોરણ ૧૦માં આવી. પરંતુ મને ક્યાં અણસાર હતો કે તેનામાં પણ તેના પિતા જેવા જ સંસ્કાર આવશે. તેને પણ કેટલાક છોકરાઓ સાથે સંબંધ બાંધવાની શરૂઆત કરી દીધી હતી. અંતે કંટાળીને હું મારા પિયરમાં પરત આવી ગઇ હતી. છતાં પણ પિનલે તેના જુના પ્રેમીઓ તો ઠીક ગામના જ કેટલાક અન્ય યુવાનો સાથે સંબંધ બાંધવાની શરૂઆત કરી હતી. મેં તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હું તેને રોકી શકી ન હતી. દરમિયાન ૨૫મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મારો દિકરો કુણાલ ઘરે એકલો પરત આવ્યો અને મને જણાવ્યું કે પિનલ તેના મિત્ર સાથે ક્યાંક ગઇ છે. જે બબાતે મેં તપાસ કરતા તે શારીરિક સંબંધ બાંધવા ગયાનું જાણવા મળ્યું હતું. પિનલની શોધખોળ કરતા તે મળી ન હતી. જેથી મેં અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી.

પરંતુ ૨૬મી જાન્યુઆરી 2017ના રોજ પિનલે તેના પિતા રમેશ સાથે મળી અને રહેવા માટે આસરો આપનાર વ્યક્તિ સામે ખોટા આક્ષેપ કરી પોલીસ કેસ કર્યો હતો. પિનલે તેના અન્ય છોકરાઓ સાથેના સંબંધો છુપાવવા તેમજ તેના પિતા રમેશ સાથે મળી રૂપિયાની લાલચે આસરો આપનાર ભગવાન સમાન વ્યક્તિ પર ખોટા કેસ કર્યા હતા. અને તેની પતાવટ માટે રૂ. ૨૦ લાખની માગણી પણ કરી હતી.
મારી સગી દિકરી અને તેના પિતા દ્વારા મારી તેમજ મને આસરો આપનાર ભગવાન સમાન વ્યક્તિ સામે આ રીતે કરવામાં આવેલા ખોટા આક્ષેપો સાથે હું હવે જીવી શકું તેમ નથી. જેથી મારી પાસી હવે આત્મહત્યા સિવાય કોઇ ઉપાય રહ્યો નથી.

લી. એક સ્ત્રી

આ પત્ર વાંચીને ખરેખર થઇ જાય કે સ્ત્રીના જીવનમાં તેને કેટલું સહન કરવું પડતું હોય છે. પત્ર મળ્યા બાદ મહિલાએ જે ગામનું સરનામું આપ્યું હતું. ત્યાં તપાસ પણ કરાવી હતી. તો મહિલાના ભાઇએ જણાવ્યું હતું કે, મહિલા છેલ્લા એક મહિનાથી લાપતા છે. તે ક્યાં છે તે બાબતની કોઇને જ ખબર નતી. ત્યારે આ લખતા વખતે ભગવાનને મારી એટલીજ પ્રાર્થના કે, મહિલા જ્યાં પણ હોય સલામત રહે.

(આ પત્ર મને એક વર્ષ પહેલાં મળ્યો હતો. મહિલાની તેમજ પરિવારની ઓળખ છુપાવવા માટે નામ બદલવામાં આવ્યા છે. તેમજ ગામના નામનો ઉલ્લેખ કર્યો નથી.)