Police adhikari tahevarona divasoma chhetraya books and stories free download online pdf in Gujarati

પોલીસ અધિકારી તહેવારોના દિવસોમાં છેતરાયા

નવરાત્રીના દિવસોની વાત છે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં એક પોલીસ અધિકારી પોતાની ફરજના ભાગરૂપે આવ્યા હતા. જોકે, તે દિવસે તેઓ યુનિફોર્મના ન હતા. જેથી સામાન્ય વ્યક્તિને તેઓ પોલીસ અધિકારી હોવાનું જ્ઞાાન ન હતું. તેઓ એક દુકાન આગળ ઊભા રહી સમગ્ર તમામ દુકાનો તરફ નજર કરી રહ્યા હતા. તેટલામાં જ એક ઇસ્ત્રી ટાઇટ કપડામાં યુવાન પોલીસ અધિકારી પાસે આવ્યો. યુવાને અધિકારી સાથે વાતચીત શરૂ કરી....

યુવાન : ગુડ ઇવનિંગ સર...

અધિકારી : ગુડ ઇવનિંગ...

યુવાન : સર, હું મારા પરિવાર સાથે અહીં આઇસ્ક્રીમ ખાવા આવ્યો છું. મારા પરિવારમાં મારી સાથે પત્ની અને મારા બે બાળકો છે.

અધિકારી સારુ, બોલો હું તમારી શું મદદ કરી શકું છું ?

યુવાનને ખબર ન હતી કે તે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો તે એક પોલીસ અધિકારી હતા.

યુવાને પોતાની વાત આગળ વધારી....

યુવાન : સર અમે બહુ જ ઉતાવળમાં ઘરેથી નિકળ્યા હતા. જેથી હું મારું પર્સ લાવવાનું ભૂલી ગયો છું. તમે મારી કોઇક મદદ કરી શકશો....

આ ઓનલાઇન પેમેન્ટના સમયમાં યુવાને પર્સ ભૂલી જવાની વાત કરી એટલે એક વખત તો પોલીસ અધિકારી પણ મુંજાઇ ગયા હતા. પરંતુ અધિકારીમાં રહેલી માનવતાએ તે મુંજવણને બેસાડી દિધી હતી.

યુવાન : સર આપ મને હમણાં થોડી રકમ ઉધાર આપી શકો છો ?

અધિકારી : કેટલી રકમ જોઇએ છીએ ?

યુવાન : સર વધારે નહીં પણ માત્ર ૨૦૦૦ રૂપિયા જ જોઇએ છે.

અધિકારીના ચહેરામાં પ્રશ્નાર્થ આવી ગયો હતો....

યુવાન : સર હું ઘરે જઇને તરત જ પાછો આવી તમે કહો ત્યાં તમને રૂ. ૨૦૦૦ પરત કરી જઇશ.

અધિકારી પણ યુવાનનો વેશ અને તેના પરિવારને જોઇને ભોળવાઇ ગયા અને તુરંત જ ખીસ્સામાંથી પાકીટ કાઢયું અને રૂ. ૨૦૦૦ની નવી કડકળતી નોટ યુવાનને આપી અને કહ્યું કે આ મારો નંબર રાખ મને ફોન કરી ને રૂપિયા પરત આપી જજે. તે સમયે પણ પોલીસ અધિકારીએ પોતાની ઓળખ યુવાનને આપી ન હતી. આ વાતને થોડા દિવસો વિતી ગયા પોલીસ અધિકારી પણ વાતને ભૂલી ગયા હતા. થોડા દિવસ પહેલા તે જ પોલીસ અધિકારી યુનિફોર્મમાં ફરી ફરજના ભાગરૂપે રાત્રી બજાર તરફ નિકળ્યા હતા. તેઓ બજારમાં આટો મારવા પણ ગયા હતા. ત્યારે નવરાત્રી સમયે જે દુકાન નજીક ઊભા હતાં ત્યાં જ ઊભા રહી તેઓ બજારનો નજારો લઇ રહ્યા હતા. એવામાં જ તેમના કાને પેલા યુવાનનો અવાજ પડયો. હવે, પોલીસ અધિકારી હતા એટલે એક વખત અવાજ સાંભળે કે પછી જોઇ લે તો તે વ્યક્તિને ભૂલવું તેમની માટે લગભગ અશક્ય બની જતું હોય છે અને એમાં પણ તેમના રૂપિયા લઇ જનાર વ્યક્તિને તો તેઓ કેવી રીતે ભૂલી શકે.

યુવાનનો અવાજ જે દિશામાંથી આવતો હતો તે દિશામાં તેમને નજર ફેરવી. અધિકારી પાસેથી રૂ. ૨૦૦૦ લઇ જનાર યુવાન જ ત્યાં ઉભો ઉભો કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. અધિકારીએ તેની પાછળ ઊભા રહી યુવાનની વાત સાંભળી રહ્યાં હતા. યુવાનની વાત સાંભળીને તેમને પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી ગઇ. યુવાન પણ એજ હતો, ડાયલોગ પણ એજ હતા માત્ર સામે વાળી વ્યક્તિ બદલાઇ ગઇ હતી. પોલીસ અધિકારીએ યુવાનના ખભા પર હાથ મુક્યો અને પુછયું કેટલા રૂપિયા જોઇએ છે ?

યુવાને પાછળ ફરીને જોયુ અને ડઘાઇ ગયો.... તેની સામે પોલીસ યુનિફોર્મમાં એજ વ્યક્તિ હતી જેની પાસેથી તેને થોડાક દિવસ પહેલા આવું જ નાટક કરી રૂ. ૨૦૦૦ પડાવ્યા હતા. યુવાન પોલીસ અધિકારીને જોઇએ તાત્કાલીક પોતાની વાત ફેરવી નાંખી અને તેમને સમજાવવામાં લાગી ગયો.

યુવાન : સાહેબ મારી ભૂલ થઇ ગઇ... હું તેમને રૂપિયા પાછા આપવા આવવાનો જ હતો પણ સમય ન મળ્યો... આજે પણ તે દિવસ જેવીજ પરિસ્થિતીમાં મુકાયો છું... સાહેબ હું હમણાં જ તમારા રૂપિયા પાછા આપી દઇશ.

યુવાનની આ વાતો સાંભળી દુનિયા પારખેલા પોલીસ અધિકારી તરત જ સમજી ગયા કે લોકો પાસેથી રૂપિયા પડાવવાની યુવાનની આ તરકીબ છે. પોલીસ અધિકારીએ યુવાનને કહ્યું મારે મારા રૂપિયા નથી જોઇતા પહેલા અહીનું બીલ કેટલું થયું છે તે ચુકવી આપ. યુવાને તાત્કાલીક પોતાના ખીસ્સામાં હાથ નાખી તે દુકાનનું બીલ ચુકવી આપ્યું. પછી પોલીસ અધિકારી કંઇ બોલે તે પહેલા જ યુવાન ત્યાંથી ચાલવા લાગ્યો પરંતુ પોલીસ અધિકારી તે યુવાનને ઓળખી ગયા હતા. જેથી કોલર પકડીને કહ્યું કે મારા રૂ. ૨૦૦૦ મારે હમણાં જ જોઇએ છે. યુવાને કહ્યું સાહેબ હમણાં નથી હું ઘરે જઇને લઇને આવું છું, પણ અધિકારી પણ આવા લોકોને સારી રીતે ઓળખતા હોય તેમણે ઘરે જવા માટે પોલીસ કોન્સ્ટેબલ અને પોતાની ગાડી આપવાની વાત કરતાં જ યુવાન તુટી પડયો હતો.

પછી યુવાને સાચી વાત કહેવાની શરૂઆત કરી હતી. યુવાને જણાવ્યું હતું કે, તે આ રીતે જુદી જુદી જાહેર જગ્યાઓ પર જઇને લોકોને મુર્ખ બનાવી રૂપિયા ખંખેરવાનો જ ધંધો કરે છે. યુવાન સાથે કોઇ પરિવાર હોતો જ નથી. પણ તે જ્યાં હોય ત્યાં કોઇ પણ પરિવારને પોતાનો પરિવાર ગણાવી લોકોને છેતરતો હોય છે. પોલીસ અધિકારીએ આ વાત સાંભળતા જ તે યુવાનની અટકાયત કરવાની તૈયારીઓ શરૂ કરી. એટલામાં જ કેટલાક સ્થાનીક વેપારીઓએ વચ્ચે પડીને યુવાનને છોડી મુકવા માટે આજીજી કરી. જેથી દયાળુ બનેલા પોલીસ અધિકારીએ યુવાનને વોર્નિંગ આપીને છોડી મુક્યો હતો. પરંતુ તહેવારોના દિવસમાં એક પોલીસ અધિકારી છેતરાયાની વાત સમગ્ર બજારમાં ફેલાઇ ગઇ હતી.

Share

NEW REALESED