Ganeshji no bhaktone Loveletter books and stories free download online pdf in Gujarati

ગણેશજીનો ભક્તોને લવલેટર

ઓહ માય ગણેશા,આઈ મીન ઓહ માય ગોડ,અરે યાર, ભૂલી જવાય કે, હું જ ભગવાન છું આવી રીતે કોઈ પાણીમાં પધરાવે ત્યારે, તમને શું ખબર આમ ભફાંગ કરતા પાણીમાં પડવું કેવું લાગે? એક તો આ ભારેખમ શરીર ને વળી હિમાલયમાં મોમ-ડેડ ભેગું રહેવાનું, અમારે ત્યાં ક્યાં દરિયો હતો કે કોઈ દિવસ તરતાં શીખ્યો હોવ. તો શું થાય? ડૂબી જ જાવ ને ! ને તમે પાછા ભવસાગર તરાવી દેવાની વાતો કરો. આયા હું આ દરિયો ય તરી નથી શકતો. આ તો ભગવાને (આઈ મીન પપ્પાએ) સૂંઢ દીધી છે તો ઉપર રાખીને શ્વાસ લીધા કરું બાકી તમે તો બરાબરનું કરી નાખો એમ છો. શરમ વગરના, માણસાઈ જ નથી સાવ, હહ.આ ડૂબતા ડૂબતા અમુક જગ્યાએ તો હું ય એવો બી ગયો હોય ને તો ક્યારેક તો જેટલા હાથ હોય એ પ્રમાણે મેં ય આજુબાજુવાળા દસ-બાર કે પાંચ-પચ્ચીસને પકડી રાખ્યા હોય એમાં તો એ ય મારી ભેગા પાણીમાં..આઈ મીન શિવધામે પહોંચી જાય.હાઆકછીછીંઈ....શરદી થઈ ગઈ યાર. પાણીમાં રહી રહીને. આ પાણી તો છીછરું છે, નહીં વાંધો આવે, પણ આ પબ્લિક જાય તો બહાર નીકળું. વળી લોહી પી જશે મારુ. ને યાર કેવા ગીતો વગાડો છો. એમ નહિ પણ સિરિયસલી, આખું વર્ષ શું કરો છો? થોડાક મારા સ્પેશ્યલ ભજન બનાવતા શું જાય છે? જે ને તે.. ને આ કિંજલ કોણ છે યાર? એ કહે કે વીરા તને લાડી ને ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં. બેન, મને તારી વાત, ભાવના અને લાગણી બહુ ગમી. પણ મારી પાસે બબ્બે લાડી છે એનું શું કરું કહી દે ...તે આવું કહ્યું એમાં બે ય ખીજે ભરાઈ છે. ને ગાડી? આ મારો ઉંદરકુમારે ય રિસાણો કે તમને હવે હું વહાલો નથી. લ્યો..પણ ના,ના તું લઈ દે ગાડી, આ ખટારામાં જ ફર્યા ભાઈ અમારે ય ગાડીમાં ફરવું છે ને ભેગું પેટ્રોલે ય આપજે. મારા પપ્પા તો સ્મશાનમાં રહે એમની પાસે ક્યાં કઈ હતું? અમે આટલું મોંઘુ પેટ્રોલ અફોર્ડ ન કરી શકીએ બેન. બાકી અહાહા તારી લાગણી.. ચાર ચાર બંગડીવાળી..હો ઓ ઓ ને આ ગીત... શું હતું...? હા, બેવફા સનમ તારી બહુ મહેરબાની.. અરે યાર મેં શું કર્યું? આ તમારા ચક્કરમાં તમારા ભાભી ખીજાય ગયા કે કોણ છે બેવફા? મેં કીધું કે તારા સિવાય કોઈ નથી મારી જિંદગીમાં..પણ માને તો ને? શું કરવાને મારા ઘરમાં ઝગડા કરાવો છો ભાઈ, મેં શું બગાડ્યું છે તમારું કોણ જાણે?ને પેલું...લૈલા ઓ લૈલાઆઆ.. આ...હવે એ લૈલા એકલી મળવાની વાતો કરે છે? હશે બેનને કૈક દુઃખ..પણ તમારા મોટા ભાભી..એમાં રાડો પાડે છે કે સિધ્ધિ વિનાયકના મંદિરમાં બેઠા બેઠા એ જ કરો છો તમે, ત્યાં હીરોઈનું આવે છે જ એટલા માટે, અમને તમારી બધી લીલા ખબર છે. પણ મને ખરેખર નથી ખબર કોણ લીલા ને કોણ લૈલા. સાચ્ચે. આ બધી વાતો જ કરે છે મળવા કોઈ નથી આવતું. દસ દિવસ રાહ જોઈ કોઈ દેખાણી નહિ. એના ચક્કરમાં બે છે એ ય મૂકી દેશે મને.ને એક આ બ્રાઝિઈઇઇલ.. ઓ ઓ ઓ..ભાઈ મને કોઈએ કોઈ દિવસ બ્રાઝીલમાં આમ બેસાડ્યો નથી. તો મેં ક્યાંથી જોયું હોય કે એ વળી શું ને કઈ જગ્યા? મારા મમ્મી પપ્પા કોઈ દિવસ હિમાલયથી આગળ જાય તો અમને લઈ જાય ને. હા, મોટાભાઈએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી ત્યારે જોયું હોય તો કઈ ખબર નહિ, બાકી મેં તો મોમ-ડેડની પ્રદક્ષિણા કરી સસ્તામાં પતાવ્યું તું. અહીંયા બબ્બેને સાચવવામાં મોટાભાઈ જેવા ખર્ચા મને પોસાય નહિ ને. પણ હવે આ સાંભળીને બે યે ઉપાડો લીધો છે ક્યાંય લઈ નથી જાતાં.. હરી ફરીને આ દસ દિવસ..એમાં દસે દસ દિવસ રહેવાનું તો કોકના ઘરે ને ઘરે. ક્યાંય બહાર કાઢે નહિ કોઈ ને છેલ્લા દિવસે કાઢે તો ય ખટારામાં નાખીને. તો હવે લઈ જાવ બ્રાઝીલ. લ્યો..કરાવ્યો ને ખર્ચો. તમે ભક્તો છો કે દુશ્મનો. આવું કોઈ કરે? દસ દિવસમાં તો મારા ઘરમાં ઝગડા કરાવી નાંખ્યા, આમે ય અમે સામાન્ય ભભૂતિ ને ભૂતોવાળા, ઘરનું ઘરે ય નથી. સ્મશાનમાં રહીને આવા ખર્ચા કરાવે. પાછા કહે, શિવલોક આપો. આપ્યું હોય તો તો તમે મારા પપ્પાના ત્રીજા લગન કરાવો એમ છો બધાય. હા, પપ્પાને કરવા જ હોય તો અલગ વાત છે.એ બધું મુકો. હવે આ બ્રાઝીલ કેમ જવું એ કહો. મારે કાર્તિકને પૂછવું પડશે કે મોર ઉપાડી શકશે મને. કે ફ્લાઇટ કરવી પડશે. ના, આ તો મોર લિફ્ટ આપી દે તો ઉપાધિ ઓછી ને. આ ફ્લાઈટમાં તો પાસપોર્ટ ને ઓલું શું.. હા, આધાર કાર્ડ...કંઈ ઓછી લપ છે...આધાર કાર્ડ..? મારા ભક્તોનો તો આધાર જ હું છું, ને હવે, મારે મારો આધાર ક્યાં લેવા જાવો? બોલો. ને પૈસા..?...મારે સિધ્ધિ વિનાયકના પૂજારી પાસેથી લોન લેવી પડશે. ભગવાન બચાવે તમારાથી તો...બસ, એક આ ગમ્યું મને ..ઓ ચેમ્પિયન...ઓ ચેમ્પિયન..એવું ય કંઈક વાગતું તું..થેંક્યું થેંક્યું ભાઈ...બાકી હું શેનો ચેમ્પિયન એ બહુ કંઈ સમજાણું નહિ હોં. પણ હઈશ શેનોક તો..પણ હવે મને બોલાવવો નહિ. બ્રાઝિલનો પ્લાન કરવો છે અને જો બોલાવો તો પ્રોપર ભક્તિના જ ગીતો રેડી કરી રાખજો. આમ દુઃખ દૂર કરવા આવો એવું કહી કહીને મને દુઃખી કરી નાખો છો. સાદી આરતી પાંચસો વાર વગાડો તો ય ગમે મને. આવી ઉપાધિ તો ન ઉભી થાય. બાકી, હું તમને બહુ પ્રેમ કરું છું. બસ, ધ્યાન રાખો કે તમને પ્રેમ કરું એમાં મને પ્રેમ કરવાવાળી બંને જતી ન રહે. હાશ! માંડ બહાર નીકળ્યો પાણીમાંથી. હે મારા રામ આમ કોઈ ખટારામાં નાખીને લઈ જાય ને પાણીમાં નાખી દેતા હશે યાર? હાંઆકછીછીંઈઈઈ...