3 - Tofani Gati books and stories free download online pdf in Gujarati

3 તોફાની ગતિ (જીવનની  હકીકત)


'તોફાની ગતિ ' 3(જીવનની હકીકત)તરૂલતા મહેતા


મારા જીવનની આસપાસ વણાયેલી હકીકતને મેં વાર્તા સ્વરૂપે રજૂ કરી છે,એ શ્રેણીમાં1 'મને કહોને શું છે?' 2'બેચેન રાત્રિ '3 'તોફાની ગતિ ' વાંચો.મીડલક્લાસ કુટુંબની કોમલ મારા બાળપણની છબી છે.જેને વિપરીત સન્જોગોમાં ભણવાની જીદ છે.સાદા માણસો જીવનમાં કંઈક ધૂન લઈ પોતાના જીવનને ઘડવા મથે છે.તેમના જીવનની ઘટનાઓ કોઈ નવલકથા જેટલી આશ્ચર્યજનક અને રસપ્રદ હોય છે!!..કોમલના નાનાભાઈની આંખની સર્જરી સફળ થઈ છે ,તે વધુ નંબરવાળા ચશ્મા પહેરી લખી -વાંચી શકે તેવી આશા છે.મોટાભાઈ અને કોમલ ટ્રેનમાં નડિયાદ જવા નીકળે છે.ટ્રેનની ગતિ કોમલના મનમાં વિચારોનું તોફાન જગાડે છે .વીતી ગયેલા સમયની તોફાની હલચલ વાંચો.

life is stranger than fiction.



'તોફાની ગતિ '



મોટો અને કોમલ દોડીને વલસાડ જતી લોકલમાં ચઢી ગયાં.
ચાલુ ટ્રેને એક પગ પગથિયા પર અને દોડતો પગ પ્લેટફોર્મ છોડી હવામાં અધ્ધર લટકતા હોવાના ડરમાં કોમલની છાતી બેકાબૂ ધડકતી હતી.મોટાએ તેનો હાથ પકડી ટ્રેનમાં ખેંચી લીધી. કોમલને પોતાના સાહસની વાત સખી ગીતાને કરવા ચટપટી થઈ.
સવારે બા અને કોમલ હોસ્પિટલમાં બાબુના રૂમમાં આવ્યાં કે તરત મોટાએ ટ્રેનમાં જવાની તૈયારી કરેલી,કોમલને સાથે લીધી હતી .કોમલ બાબુને જોઈ ખી ખી હસતી તેની પાસે ઊભી હતી. કાળા ચશ્મા ,ખોખા જેવા ધોળા ગાઉનની કસો ગળા પાછળ તાણીને બાંધેલી,ને કપાળ પર રાખોડી ચાંલ્લો કરેલો બાબુ કાર્ટુન જેવો હાથ હલાવતો એને બોલવતો હતો.તે દૂરથી બાને અને નાનકીને આવતા જોઈ બેઠો થઈ ગયો.કલામાસીએ તેનો હાથ પકડી રાખ્યો હતો.

'મને હતું જ કે આજે ગુરુવાર છે એટલે સાઈબાબાના મન્દિરે તું પહોંચવાની' . કલામાસીને જોતાં રાજીના રેડ થતાં બા બોલ્યાં.સાંઈ મન્દિરની ઉદીનો તેમણે ચાંલ્લો કર્યો અને પ્રસાદ સૌને આપ્યો , પછી 'જે સાંઈ 'બોલી પોતે મોમાં મૂક્યો.

'બાબુને સારું છે ,સાંજ સુધીમાં રજા મળી જાય તો બાબુને લઈ બા ને માસી નડિયાદ આવી જશે' મોટાએ કહ્યું .
તે કોમલનો હાથ ઝાલી ઝડપથી રૂમની બહાર ગયો.
'જે સાંઈ ' પાછળથી માસી બોલ્યાં.કોમલે પાછળ જોઈ 'જે સાંઈ ' કહ્યું.માસી કહે:
'ભાખરી -શાક કર્યાં છે,તારા માસાને થાળીમાં ભાખરીના કટકા કરીને આપજે.'
માસાને કમ્પવા હતો.ઘણું ખરું ઉપરના રૂમમાં સૂઈ રહેતા.

ટ્રેનમાં બારી પાસે બેઠેલા મોટાએ પોતાની બ્રીફ કેસ ખોલી સિગરેટનું પેકેટ અને લાઇટર કાઢ્યાં.
કોમલના છોટુ માસા મુંબઈથી આવેલા.તેઓ બહાર વરંડામાં જઈ બીડી પીતા,કહેતા: 'રેલવેની નોકરીમાં બીડી અને છાંટોપાણીની લત લાગેલી.નોકરી પૂરી થઈ પણ આ જવાનું નામ લેતી નથી.'

મોટો આરામથી સિગરેટના ધુમાડાના ગોળ ગોળ ગોટા કાઢતો હતો,એનું ગમતું ગાયન 'હમ બેખુદી મેં તુમકો પુકારે ...' હળવાશથી ગણગણતો હતો.કોમલને ત્યારે ફિલ્મ જોવાની તક મળેલી નહિ પણ ક્યારેક અંતકડી રમાતી હોય ત્યારે ગાયન સાંભળવાની મઝા આવતી.મોટો એને 'કાલાપાની' ફિલ્મના પોસ્ટર પર જોયેલા દેવાનન્દ જેવો લાગ્યો.નવી ફિલ્મનાં પૉસ્ટર બાંપુની દુકાનની ભીત પર લાગતા.નડિયાદની પ્રભાત ટોકિઝના માલિકના દીકરા પડોશી કાંતાબેનના જમાઈ હતા.બાપુને જુવાનીમાં ફિલ્મ જોવાનો શોખ હતો પણ બા ગામડામાં મોટી થયેલી કયારેક બાપુ બાને ફિલ્મ જોવા લઈ ગયા હશે ,બાને અંધારામાં ઉંઘ આવી જતી. પછી તો બાપુ ગાંધીજીની અસર હેઠણ આવ્યા અને ધન્ધામાં બધું વિસરાયું. કોમલ મોટાને પહેલી વાર સિગરેટ પીતો જોઈ કંઈક પૂછવાની હતી તેય ભૂલાયું.

સિગરેટનો છેલ્લો કશ મારી મોટાએ બારીની બહાર નાંખી દીધી.

કોમલે પડદા પર ફિલ્મનું દશ્ય જોયું હોય તેમ મોટા સામે જોઈ રહી.

'આમ બાધી કેમ થઈ ગઈ ?' મોટાએ એને હસીને બોલાવી.તેણે કૉલેજની વાત કરી,

'હોસ્ટેલમાં છોકરાઓ એટલી સિગરેટ ફૂંકે કે ધૂમાડામાં તું ગૂંગળાઈ મરું.કોઈ બાકી નહિ હોય,છોકરાઓ એકબીજાના ખિસ્સામાં સિગરેટ શોધતા ફરે.'

'પ્રોફેસર સિગરેટ પીએ ?'કોમલથી પૂછાઈ ગયું.એણે એની ન્યૂ ઈંગ્લીશ ગર્લ્સ સ્કૂલમાં પટેલસાહેબને પગથિયા ઉપર ઊભા રહી બીડી પીતા જોયેલા.

મોટો કોમલને ધબ્બો મારતા બોલ્યો :' તું કોલેજમાં જઈને જોજે,ને પછી મને કાગળ લખજે.'
મોબાઇલ ફોન અને બીજી ટેક્નોલોજી પહેલાંનો 1955-1960નો સમય જયારે પોસ્ટકાર્ડની બોલબાલા હતી.ધૂમકેતુની 'પોસ્ટઓફિસ 'વાર્તા વાંચી કોમલની આંખ છલકાઇ જતી.એને ઘરડા બાપ અલીને એક પોસ્ટકાર્ડ લખવાનું મન થતું.કોમલ એકાંતમાં કાલ્પનિક ઢગલાબંધ કાગળો લખ્યા કરતી.એમાં જ ચંદ્રાકાંતા બહેનપણી થઈ ગયેલી.નવમા ધોરણમાં એની સગાઈ સુરતના ધીરજ સાથે થયેલી. તે અને કોમલ બે ભેગા થઈ ધીરજને કાગળ લખી કવરમાં બીડે.બધાથી છાનામાના કવર પોસ્ટ કરવાનું કામ કોમલનું. તેનું અને ચદ્રકાંતાનું આ સિક્રેટ ઘરનાને કે સ્કૂલમાં કોઈ જાણતું નહોતું .
બા મોટાને કે બીજે સગે વહાલે પોસ્ટકાર્ડ લઈ લખવા બેસે ,કોમલ પાસેથી પેન માંગે પણ શાંતિથી કાંઈ લખી શકે નહિ.કાંઈનું કાંઈ કામ આવી પડે કે કોઈ ટપકી પડે.છેવટે કોમલને કાગળ લખવાનું પધરાવી દે.બા તે જમાનામાં ફાઇનલ પાસ હતાં પણ બહોળા પરિવારમાં છાપું વાંચવાનો વખત મળતો નહિ.કોમલને કહે 'તું ગુજરાત સમાચાર મોટેથી વાંચ હું રસોઈ કરતાં સાંભળીશ.બાના કાન બહુ સરવા (સરસ ) કોણ શું બોલે ,કેવાં નખરાં કરે ,કેવું ગોળ ગોળ બોલી બહાના કાઢે જાણી જતાં.કલામાસી કહેતાં 'લલી બધાની વાત જાણે પણ એનું પેટ પાતાળનું ,મોઢામાંથી વાત બહાર નીકળે નહિ .'બાની બાબતમાં 'બિલાડીના પેટની ખીર અને સ્ત્રીના પેટની વાત ટકે નહિ' કહેણી ખોટી ઠરે.
કોમલને બાનાં કાગળ લખવા ગમતા.બાનો સંદેશો લખાઈ જાય પછી પોસ્ટકાર્ડની કોરી જગ્યામાં એના મનમાં જે આવે તે લખતા ધારે પહોંચી કોમલના પ્રણામ લખવાની જગ્યા ખૂટી જતી.

'ઘેર જઈને તારું વાંચજે,બાબુ 'બિચારો ' નથી એ એની મેળે શીખે તો જ તેનામાં હિંમત આવે.' મૉટાભાઈએ કહ્યું.

કોમલ ,'બાબુનું ....' મોટાએ વચ્ચે જ કહ્યું :' એ જરા લખતા વાંચતા શીખે,મોટો થશે એટલે બાપુ એમના ધન્ધામાં પલોટશે.' મોટો વિચારમાં ખોવાઈ ગયો.કોમલે 'ભાઈ શું કહેતા હતા 'પૂછ્યું.
વાતનો દોર ચાલ્યોઃ

'કોમલ તું નાની ઉંમરે સમજણી થઈ ગઈ એમ ફૂલાતી હશે પણ હજી તેં બહારની દુનિયા ક્યાં જોઈ છે?પગભર થવા તારે ડિગ્રી લેવી જરૂરી છે.'

કોમલે રોતલ અવાજે ક્હ્યું :' ભાઇ તારી વાત ખરી પણ ઘરમાં માંદગી ,મહેમાનોનો પાર નથી મારું દિલ બાને માટે ખેંચાયા કરે.'

મોટો:'આમ વાતવાતમાં રડી પડું છું ,કઠણ મન રાખ.હું ય નાનો હતો ત્યારે કાંઈનું કાંઈ માથે આવતુ. વસ્તારી

કુટુંબમાં એવું ચાલ્યા કરવાનું,આપણે ભણવાનું બગાડવાનું નહિ.જો હું ય દસેક વર્ષનો હતો ત્યારે ગામથી દાદા આપણે ત્યાં રહેવા આવેલા.તેમનાથી ખવાતું નહોતું.દાદાને ડોકટરની સારવાર માટે મને સાથે રાખી બાપુ અમદાવાદ જતા .મારે સ્કૂલમાં રજા પાડવી પડતી. દાદાને ગળામાં કેન્સરની સારવારમાં આખો દિવસ જતો રહે,બાપુ દુકાન ચલાવવા નડિયાદ પહોંચતા . હું અને દાદા દવાખાનાથી મોડી ટ્રેનમાં નડિયાદ જતા.એવું છ મહિના ચાલેલું .
તમે કેમ કરી ભણતા ?'કોમલે પૂછ્યું
મોટો : રાતના ઉજાગરા કરીને ભણ્યો,પણ ખબર છે,દાદા શું કરતા?
કોમલ આતુરતાથી, 'શું '?
' અમે ટ્રેનમાં આવીએ ત્યારે બીજાને બીડી પીતા જોઈ દાદા દયામણું તાકી રહેતા'.
મોટાએ સિગરેટ પકડી હોય તેમ બે આંગળી હોઠ પર રાખી કહે :'દાદા આમ ઈશારો કરી નીચે પડેલું બીડીનું ઠૂંઠું માંગે'
કોમલનો શ્વાસ અધ્ધર થઈ ગયો "પછી?'
'હું બારીની બહાર જોયા કરું, છેવટે ટ્રેનમાંથી નીચે ઉતરતા એકાદ ઠૂંઠું દાદા એમની બન્ડીના ખિસ્સામાં
સરકાવી દે .' કોમલ 'અરે 'કહી ટ્રેનની બારીની બહાર દોડતા દશ્યોને પકડવા મથી રહી.'
'બાપુએ જાણેલું ?'કોમલે દબાતા અવાજે પૂછ્યું .
ભાઈએ ખિજવાયેલા અવાજે કહ્યું:
'જાણ્યું ,દાદા ઘેર પડેલાં ઠૂંઠાં ય શોધી કાઢી ફૂંકતા.કોઈ વાર બાપુના ખિસ્સમાંથી બીડી તફડાવી લેતા. બાપુએ દાદાની ખબર લઈ નાંખી ને મને લપડાક મારવા હાથ ઊપાડ્યો તેવો દાદાએ પક્ડી લીધો.'
દાદા ગુસ્સે થયા :
'એમાં પોયરાનો હું વાંક?'બો દાઝતું હોય તો તું બીડી છોડી દે તો જાણું કે ખરો.'
કોમલને લાઠી ,ધારિયાં લઇ તોફાની ટોળું સામે આવ્યું હોય તેવો ગભરાટ થયો.ટ્રેન થઁભી જાય તો સારું!
બા રસોડામાંથી દોડતી આવી,રોટલી કરતી હતી,હાથમાં વેલણ ને લાલ મોં ,ચકળવકળ ડોળા ક્હે:
'આ ખાવાની વખતે હું કકળાટ માંડ્યો છે?'
બા મોટાને રસોડામાં લઈ આવ્યાં કહ્યું "આ કાંજી દાદાને પીવા આપ'.
બાપુ હાથ ધોતા બબડ્યા "અન્ન તો ગળે ઉતરતું નથી.'
કોમલનો જીવ હજી તાળવે ચોંટ્યો હતો.તે વ્યગ્ર થઈ બોલી ;' મેં બાપુને બીડી પીતા જોયા નથી.'
મોટો બોલ્યો ;'તે દિવસથી બાપુએ બીડી છોડી દીધેલી '.

કોમલ નડિયાદ સ્ટેશને ઉતરી ત્યારેઅકલ્પ્ય તોફાનમાંથી પસાર થઈ હોય તેમ તેણે રાહતનો દમ લીધો.
ડબ્બાના બારણે આવી મોટાએ એને એક પેકેટ આપ્યું.

'આ શું છે?' કોમલ જોતી રહી ને મોટાએ દૂર જતી ટ્રેનમાંથી હસતા હસતા હાથ ઊંચો કરી 'આવજે' કર્યું.

તરૂલતા મહેતા

તમારા પ્રતિભાવો આપી પ્રોત્સાહિત કરતા રહેશો।.