Dushan books and stories free download online pdf in Gujarati

દુષણ

નાથા કાકા અને સીતા બા ને માથે ભારે ચિતા તોળાતી'તી. દીકરો પરેશ પરણવા લાયક થઈ ગયો'તો. નસીબ જોગ પડોશના ગામે હરજીભાઈની દીકરી હારે સગપણ પણ થઈ ગયું'તું. પરેશ પણ ભોળો, ત્રેવીસનો થયો પણ નાના બાળકો હારે ગિલ્લી દંડા રમતો! ગામમાં કોઈ પોલીશ કે બીજા અધિકારીની ગાડી આવે તો બાળકો હારે એય ગાડી જોવા દોડી જાતો. અધિકારી એને મોટો ગણી કોઈનું ઘર કે ખેતર પૂછતાં એટલે જટ જીપમાં ચડી જાય.

"હાલો વતાવું તમને. આયથી આમ લો." કહી લઈ જતો અને વળતો ખેતરોમાંથી બોર કે પિલું વિણતો વિણતો ચાલ્યો આવે. એને મન તો બસ ગામ એટલે સરગ અને ગામના માણહ એટલે દેવ! પણ એને ઇ ખબર નો'તી કે ગામના શાહુકાર રાક્ષસ છે. ભોળીયો રાજા કો તોય ઠીક ને ગાંડો કો તો ય ઠીક. મા રાજા કે'તી ને બાપા ગાંડો કે'તા.

લગનના દિવસો નજીક આવતા'તા ને નાથા કાકા ને માથે ચિંતા વધતી'તી. વહુના ઘરેણાં, કપડાં લતા, ગામ ને જમાડવું એ બધા ખર્ચા પહોચી વળવા કેમ ને? એક બાજુ ચાર વિધા જમી હતી ને એમાંય કુવાના પાણી યે ઊંડા. ખેતીમાં તો પાઈની પેદાસ નઈ ને ઘડીની નવરાશ નઈ. શિયાળુ સિઝન લીધી તો બાર બોરી ઘઉં થયા. નાથા કાકાએ દી ને રાત મેનત કરી તોય બસ એટલું જ ઉપજ્યું. નાથા કાકાને ભારે ચિંતા થવા લાગી. સિઝન નકામી ગઈ હવે પૈસા કેમ લાવવા? ને પૈસા વનયા ચાલે કેમ?

એ દિવસે નાથા કાકા રૂપા પટેલ પાસે ગયા.

"આવ નાથા આવ." ચલમ તાણતાં રૂપો પટેલ બોલ્યો.

ઉંમરમાં તો રૂપો નાથા કાકાના દીકરા જેવડો જ પણ પૈસો શુ ન કરે......? આખાયે ગામને તુકલે બોલાવે. એના અભેમાન પણ એવા ને.....!

"શેઠ પૈસાના મામલે આવ્યો છ." આખુંય સ્વમાન છોડી અપમાન ગળી જઇ નાથા કાકા બોલ્યા.

"જોઈએ એટલા લઈ જા નાથા પણ નિયમ ખબર છ? ને પાછો મને હધરે ઓળખે છ ને?" ઉતરેલી ભાષાના બીજા શબ્દો પણ નાથા કાકાની છાતીમાં ખૂંતી ગયા.

"હા શેઠ, મારે વિહ હજાર રૂપિયાની જરૂર."

"ભુરા, જા પડીકું લાવ એક."

રૂપા પટેલના ખાટલા પાહે બેઠો ભૂરો ઓરડામાં ગયો ને એક પડીકું લઇ આયો.

"લે નાથા આ પુરા વિહ હજાર. મહિનો થાય એટલે વિયાજના રૂપિયા ટાણે મળવા જોવે નીતર......"

નાથા કાકા બોલ્યા વગર માથું નમાવીને હાલતા થયા. રસ્તે આખે થયું આ દી દેખવા કરતા તો મરી ગયો હોત તોય ભલું. આ કાલનું છોકરું રૂપો મને તુકલો દઈ ગયો!

નાથા કાકાની જવાનીના દિવસોમાં હાક હતી. કેવાય છે કે ડફેરિયા(એક પ્રકારના લુંટારા જે ખાસ કરીને ઊંટ ઉપર આવતા) આવતા ઇ દિવસોમાં નાથા કાકા રાત આખી પેરો દેતા. એકવાર તો નાથા કાકા ને નાનો ભાઈ જોઈતો પેરો દેતા'તા ને ડફેરિયા હારે મુઠભેડ થઈ'તી ઇ રાતે ઇ મૂછાળે તેર ડફેરિયાવ ને ભડાકે દીધા'તા. એ પછી તો જોઈતો ય બચારો મરી ગયો. જોઈતાના ગયા પછી નાથા કાકાનું હાડ પણ નરમ થઈ ગયું. કાલની ઘડી ને આજનો દી. સમો સમો બળવાન. કાલનું છોકરું નાથા કાકાને તુકારે બોલાવી ગયું!

દિવસો વીતતા ગયા ને પરેશના લગન લેવાયા. હરખે હરખે પોખીને સીતા બા એ દીકરાને વધાયો. વહુ એ દેખો તો દીકરી જેવી મળી! ને નાથા કાકાનું ઘર બોળું થવા લાગ્યું.

મહિનો થયો એટલે નાથા કાકા ને વિયાજ ભરવાનું આયુ. કને એક રૂપિયો નઈ પણ જો વિયાજ પોચતુ ન થાય તયે તો રૂપો ચડયે ઘોડે ઘરે આવીને ઉભો રે. રૂપો ઘરે આવે તો ઇ જમ તો ગાળો ભાંડયા વિના નો રયે. નાથા કાકા માથે જાણે આભ ફાટ્યું. ડેલીએ બેઠા સલમ પીવે ...... કોઈ બાજુ દિશા નો દેખાણી.....

બીજા દી એ જ થયું જે બીક હતી..... રૂપો ને ભૂરો ઘેર આવીને ઊભા રઇ ગયા....

"નાથા તને કીધું'તું ને કે મારે વિયાજ ટાણે જોવે નીતર આવી બનશે તારું."

"શેઠ જમી વેચીને ચૂકતે કરીશ પણ તમે આમ અપમાન નો કરો." એ દિ નાથા કાકાથી નો રેવાયું.

"ચોરી ને સીના જોરી...... ઓકાત નો હોય તયે ચયેમ રૂપિયા લીધા? જમી વેચ કે બૈરું વેચ મારે રૂપિયા હાલ ને હાલ જોવે....."

સીમા ન રહી..... આબરૂ ઉપર કોઈ આવી ગયું..... જે માણહે ગામ આખાનું રખવાળું કર્યું હતું એની જ આબરૂ આજે જતી રઇ...... ન બોલવાનું બોલી રૂપો વિયો ગયો.....

દી ને રાત બસ નાથા કાકાના મનમાં ઇ વેણ ખટકવા લાગ્યા. રાતે બે ના સુમારે નાથા કાકા કોઇ દેખે નઈ એમ ખડકી વટાવીને ખેતરમાં ગયા..... "બૈરું વેચ......" વેણ હાભર્યા ને નાથા કાકાએ કૂવામાં પડતું મેલ્યુ.......

સવાર પડી ત્યાં તો સીતા બા એ રાડા રાડ કરી મુકી. નાથા કાકા દેખાય જ નઈ! ખેતરમાં, શેઢે , ઢાળીએ બધે પરેશ ગોતી આયો પણ બાપા મળ્યા નઈ. આખરે કૂવામાં બે માણહ ઉતર્યા. જોયું તો તયે નાથા કાકા એકાદ ફૂટ પાણીમાં પડ્યા'તા.. જીવ નીકળી ગયેલ. લાસ બહાર નીકાળી તયે તો પરેશ ને સીતામાં બેય રોકકળાટ આદરી દીધો. દીકરો ને મા બેય ઇ મુછાળાની છાતી ઉપર છાતી કુટી કુટીને રહ રહ રૂવે. શામળો કોઈને ન દેખાડે એવું ભેંકાર કમકમાટી છુટે એવું રુદન ઇ સીતા બાઈ ને દીકરો કરે. ગામના મનખ, ભાઈ શેણ આવ્યા ને માંડ જપ કરતા થયા.

પરેશ તો સાવ ભાંગી ગયો. એને આ દી નો ભરમેંય નો'તો. પહાડ જેવો બાપ એમ કૂવામાં પડતું મેલે ઇ કોણ ધારે!

ગામ ના બધા એ નનામી તૈયાર કરી પણ પરેશ તો ભીંતે ભીડાવી બસ રૂવે ન ઉભો થાય ન બોલે. બધાએ સમજાવી એને કાંધીયો કર્યો. મશાણ હુધી પરેશ પોક મેલીને રૂવે જ ગયો. ભડભડ બળતી આગમાં નજર એકધારી ટેકવી ઇ દેખતો રયો. ભાઈશેણ સગા વાલા બધા ય ધીમે ધીમે જવા મંડ્યા. પરેશ રાખના ઢગ ભણી નજર માંડી બેહી રયો. વાર થઈ એટલે સીતામાં અને એની વહુ આવીને એને ઘેર લઈ ગયા.

એકાએક રમતિયાળ પરેશ બદલી ગયો. હવે જ એને માથે ચિંતા જવાબદારી આવી હતી. બેસણાં, બારમા અને સમાજના ખરચ હારુ પૈસો તો જોઈએ ને......! રૂપાના પૈસા જ માથે બાકી હતા તયે આ નવા ખરચ હારુ પૈસો કયે થી લાવવો.......? માથું પકડી બેહી રયો ઇ.....
સીતા બા એને ભાળી હમજી ગયા કે પરેશ ચિંતામાં છે. પૈસો નથી , ઉપર દેવું ને જમીમાં પાણી ઊંડા જતા રયા, પેદાસ મળતી નથી...... નવો કૂવો ખોદાવવો, દેવું ભરવું કે બારમા તેરમાંનો ખરચ કરવો...... ! ગયા વરહે જ ઘરેણાં વેચી દિધા હતા નીતર એનું ય કાક થાત...... ! હે ભોલેનાથ મુ શુ કરું...... !

સીતા બા પણ નાથા કાકા જેમ જ લાચાર થઈ ગયા.... બારમા તેરમાંની વિધિ ન કરે, ગામ ન જમાડે તો તો નાત બાર કરી દ્યે..... સમાજમાં વાત થવા લાગે.... કોઈ સગપણ સાંધો ય ન કરે....

સીતા બા પણ એ દી રૂપા પાહે ગયા.... ખોળો પાથરીને ભીખ માંગી..... "શેઠ મને બે વરહનો સમય દ્યો મુ બધું દેવું ઉતારીશ પણ હમણાં બારમા તેરમાં હારુ પૈસો નથી ઇ ખાતર આલો."

"પૈસો તો આલુ જોવે એટલો પણ તારી વહુ રૂપાળી છે સીતા..... એક વાર......"

અંધારું દેખાય તો માણહ કરે શુ..... દીવો ઓલવાઈ જાય તો અજવાળા નો જ થાય... સીતા બા ઝેર પી ગયા...... છાના માના ઘેર વળ્યાં..... કોઈને કાઈ ન તો કીધું ન કોઈએ પૂછ્યું.....

દી વિત્યા ને વિધિનું ટાણું થયું તયે તો આખો સમાજ ઉપડ્યો ..... એ દી આખું ઘર ભરાઈ ગયું એટલું મનખ આયુ.... પણ સીતા બા ના કને પૈસો હોય તયે રાંધે ને ? બધાને પાણી ને ઉકાળો દીધો....

ઢોલિયા ઉપર બેઠા બે ચાર માણસો વાત કરવા માંડ્યા. "આ શું મેમાન પરોણા આયા ને ન ખાવાનું ન પીવાનું એ તે હાલે....?"

"હા હા ન હાલે." બીજાય બધા ઉપડયા.... ને પછીતો ગાડરિયો પરવાહ એક કેડે એક બધાય કાપતી કરવા મંડ્યા....

દીકરો ભીંતે આપો ભીડાવીને મોઢું ઉતારી બેઠો બેઠો હામભળતો'તો..... સીતા બા એ એને બાવડેથી પકડી ને હલાવી કહ્યું....

"મરદ થા મરદ..... હાલ શેરમાં જતા રેશું..... કોઈના બાપનું નથી....."

"બા ચ્યો જશું ઇયા ચ્યો રેશું ? મુ ભણ્યો ય નથી ઇયા મને કોણ નોકરી દ્યે?"

"બાવડાં માં જોર સે ને? મજૂરી કરીને ખાસુ..... પણ આ ભૂંડા ગામ ને ભૂંડા સમાજમાં નઈ રો હવે...... મરવા વાળો દેવું હતું એટલે તો મરયો હવે એની લારે ખરચ કરીને આપે ય મરવાનું..... આ રીત ને આ રિવાજ બધું ય પડ્યું કુવામાં તારા બાપ હારે..... કાલે દિ ઉંગયે હાલતા થશો...... "

"પરેશ તારી મા તો ગોડી થઈ શે તું ડાયો થા.... જા વિયાજે પૈસો લાવીને તારા બાપનું ટાણું હાચવ...."

સીતા માં બગડ્યા "બે વરહથી મારો કૂવો ખાલી સે, આ એનો બાપ આખા ગામનું રખવાળું કરતો ને એને ભીડ આવી તયે બધા ચ્યો જયાત? એને હાથ આઘો કર્યો હોત તો આ ભૂંડા હાલે મરોત ઇ માણહ? બસ ખાવા આયા સો ખાલી તે..."

બધા ઉભા થઈને હાલવા મંડ્યા....

"સીતા સમાજ વગર કાઈ નથી.... જરૂર પડે ટેકો કરશે...."

"ભાળ્યો ટેકો મેં તમ તમારે જાવ..... "

એ દી સમાજ વાળા ગયા ને બીજા દી સિતા મા દીકરા વહુ ને લઈને શેરમાં રેવા ગયા.... શેરમાં પરેશ ને એક ઠેકાણે ચોકીયાતની નોકરી યે મળી ગઈ..... એક દી ગામડાની જમી વેચી ને રૂપાના મોઢા ઉપર એના પૈસા ને વિયાજ બેય મારી આયો પરેશ.......

એક વરહમા તો પરેશ નોકરીમા જામી ગયો... બાપા એ મફતમાં ગામની ચોકી કરી તયે તો કઈ ન મળ્યું બાપડા ને.... પણ પરેશ ને બે હજારનો પગાર મળવા લાગ્યો....

પછી તો પરેશ ને એક દીકરો ય થયો ને સીતા બા એ દીકરાનું નામે નાથુ રાખ્યું.... શેરમાં આયા ને ઇ હવે સુખી સુખી રે છે..... સીતા માં પોતરા ને રમાડે, પરેશ જાય કામે ને વહુ કરે કામ..... હવે લેરથી જીવે .....નથી તો કોઈનું દેવું માથે નથી તો કોઈ સમાજના ખોટા ખરચ. પણ ઇ પરેશ કે એની મા એકલા પડે તયે નાથા કાકા ને ઇયાદ કરીને રોવે છે..... દુઃખ જટ ભુલાય નઈ ઇ કેવત હાવ હાચી....

© વિકી ત્રિવેદી