Baazaar Movie review books and stories free download online pdf in Gujarati

બાઝાર ફિલ્મ રિવ્યુ

‘બાઝાર’ – શેરબજારની ઉતર-ચડની ઇનસાઇડર ઇન્ફોર્મેશન!

ફિલ્મ ક્રિટીક્સની એક મોટી ફરિયાદ છેલ્લા ઘણા વર્ષોથી એ રહી છે કે બોલિવુડ ફિલ્મોમાં “વાર્તા જ ક્યાં હોય છે?” અથવાતો “વાર્તા તો સારી હતી પણ ખરાબ સ્ક્રિનપ્લેએ તેની વાટ લગાડી દીધી!” ‘બાઝાર’ કદાચ આ બંને એક ઝાટકે ફરિયાદ દૂર કરી દે છે.

કલાકારો: સૈફ અલી ખાન, ચિત્રાંગદા સિંગ, રાધિકા આપ્ટે અને રોહન મહેરા

કથા-પટકથા: નિખિલ અડવાણી, પરવેઝ શેખ અને અસીમ અરોડા

નિર્માતાઓ: નિખિલ અડવાણી, વાયાકોમ 18 મોશન પિક્ચર્સ અને અન્યો

નિર્દેશક: ગૌરવ કે ચાવલા

રન ટાઈમ: ૧૪૦ મિનીટ્સ

કથાનક: રિઝવાન અહમદ (રોહન મહેરા) નાનકડા શહેર અલ્હાબાદ ઉપ્સ!! ‘પ્રયાગરાજ’નો વતની છે. રિઝવાનને શેરબજારમાં ટ્રેડીંગ કરવાનો જબરો પેશન છે અને ટેલેન્ટ પણ ખરું પણ નાનું શહેર એટલે રોકાણ પણ નાના જ મળે. રિઝવાનને મુંબઈ જઈને એના આરાધ્ય શકુન કોઠારી (સૈફ અલી ખાન) જોડે કામ કરવું છે અને જો નસીબ સાથ આપે તો એના જેવું પણ બનવું છે.

શકુન કોઠારી ખુબ મોટો ઇન્વેસ્ટર છે એ શેરબજારના નિયમોને ટ્વિસ્ટ કરીને કમાવામાં માહેર છે. આખું બજાર જાણે છે કે શકુન કોઠારી ફ્રોડ છે અને સેબી પણ એની પાછળ છે પણ શકુન આ રમતમાં એટલો નિષ્ણાત છે કે એ ગુનો કર્યા બાદ કોઈજ પુરાવા છોડતો નથી એટલે સેબી પણ એનું કશું જ બગાડી શકતી નથી.

રિઝવાન પિતાની ઈચ્છા વિરુદ્ધ અલ્હાબાદથી ભાગીને પોતાના સ્વપ્ના સાકાર કરવા મુંબઈ આવે છે અને મુંબઈના મોટા બ્રોકર કિશોર વાધવા (ડેન્ઝેલ સ્મિથ) ની ચેલેન્જ સ્વીકાર કરીને બે દિવસમાં પોતાની જાતને પૂરવાર કરવાની તક મેળવે છે. બે દિવસ પૂરા જ થવાના હતા ત્યાંજ રિઝવાન અગ્નિ ફાર્માની શેરબજારમાં ચાલતી રમત સમજી જાય છે અને પોતાની છેલ્લી તકને ઝડપી લઈને વાધવાને ત્યાં કામ કરતી પ્રિયાનો (રાધિકા આપ્ટે) વિશ્વાસ જીતે છે અને પછી તો પ્રિયા સાથે એક પાર્ટીમાં રિઝવાનનો સામનો એના જ આરાધ્ય શકુન કોઠારી સાથે થાય છે.

રિઝવાન અહીં પણ પોતાની હોંશિયારીનો પરચો બતાવે છે અને શકુનને ચોવીસ કલાકમાં શેરબજારમાં મોટો ફાયદો કરાવી આપે છે અને અહીંથી શરુ થાય છે ઉંદર બિલાડીની એ રમત જેના વિષે રિઝવાન બિલકુલ અજાણ હોય છે.

ટ્રીટમેન્ટ

પહેલા જ સીનથી ફિલ્મ તમને બાંધતી ચાલે છે અને છેલ્લે જ્યારે તમે પોતાની સીટ પરથી ઉભા થાવ ત્યારે મોઢામાંથી એક જ વાક્ય નીકળે કે, “વાહ! મજા આવી ગઈ...” બોલિવુડમાં લવ સ્ટોરીઝ, સસ્પેન્સ, ક્રાઈમ વગેરે પર ઘણી ફિલ્મો બને છે, ઇવન રાજકારણ પર પણ આપણે ત્યાં ઘણી ફિલ્મો આવી ચૂકી છે, પરંતુ કોર્પોરેટ જગત કે પછી આ શેરબજારના વિષય પર બહુ ઓછી ફિલ્મો આવી છે. કદાચ એની પાછળ કારણ એ હોઈ શકે કે આ પ્રકારની ફિલ્મો બનાવવા માટે રિસર્ચ કરવું પડે અને તમારી કલ્પનાશક્તિને તમારા એ રિસર્ચ સાથે બરોબર મિક્સ કરવી પડે અને તો જ તેની પ્રોડક્ટ વખણાય. મધુર ભંડારકરની ફિલ્મ ‘કોર્પોરેટ’ માં પણ એ વિષયનું રિસર્ચ અને ઉંડી સમજ દેખાઈ આવતી હતી અને આ ફિલ્મમાં પણ એ સ્પષ્ટ દેખાય છે.

ફિલ્મનું સહુથી મોટું જમાપાસું છે ‘નો નોનસેન્સ અપ્રોચ’ એટલેકે કોઈજ ભાવુક દ્રશ્યો નહીં કારણકે એની ફિલ્મમાં જરૂર જ નથી. વાર્તા શેરબજારની છે એટલે એની આસપાસ જ તે ફરે છે. એવું પણ નથી કે ફિલ્મમાં એક પણ ભાવનાત્મક દ્રશ્ય નથી, તેની સંખ્યા એટલીજ છે જેટલી દાળમાં મીઠાની જરૂર હોય.

આ ઉપરાંત શેરબજારના એક ગુજરાતી ખેલાડીની વાર્તા છે એટલે ફિલ્મમાં ઘણી જગ્યાએ ગુજરાતી શબ્દો અને વાક્યોનો ઉપયોગ થયો છે, ઇવન સૈફ અલી ખાને પણ ગુજરાતી બોલવા પર હાથ અજમાવ્યો છે જે ફિલ્મમાં સારું લાગે છે પણ ટ્રેલરમાં થોડું ઉભડક દેખાતું હતું. આ ઉપરાંત અમુક દ્રશ્યો જેમકે સૈફ અલી ખાન અને ચિત્રાંગદા સિંગ જમતા હોય છે અને નોકર સૈફની થાળીમાં પીરસેલી ખીચડીમાં સતત ઘી રેડતો જાય છે ત્યારે સૈફ કહે છે, “અબે મરવાયેગા ક્યા?” કે પછી સૈફની ઓળખાણ કરાવતો શરૂઆતનો સીન હોય એ બધા આપણને વાહ પોકારાવી દે છે.

અદાકારી અને નિર્દેશન વગેરે...

શરૂઆત આપણે ફિલ્મના ટેકો કરતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ અંગે વાત કરીએ. તો પહેલું નામ આવે છે રાધિકા આપ્ટેનું જે અતિશય ટેલેન્ટેડ અભિનેત્રી છે જેની આપણને બધાને જાણ છે જ. રાધિકા આપ્ટેને અહીં રોહન મહેરાને ટેકો કરવાનો આવ્યો છે અને એ પોતાની ટેલેન્ટ દ્વારા બખૂબી કરી બતાવે છે. બીજું, આપણને કદાચ એવું લાગે કે રાધિકા અહીં વેસ્ટ ગઈ છે પણ એનું કેરેક્ટર ફિલ્મમાં જે રીતનું છે એ માટે કદાચ રાધિકા જ યોગ્ય પસંદગી છે.

તો સૈફની પત્ની તરીકે એવર સો બ્યુટીફૂલ ચિત્રાંગદાને કદાચ રાધિકા કરતા ઓછા સીન મળ્યા છે પરંતુ ફિલ્મના ટર્નિંગ પોઈન્ટ્સ જેવા બે અતિશય મહત્ત્વના દ્રશ્યો એને ફાળે જ ગયા છે અને તેને લીધે ફિલ્મ પર ચિત્રાંગદાની અસર રાધિકા કરતા વધુ છે. ઓક્શનના દ્રશ્યમાં જ્યારે સૈફને એ જે રીતે પોતાનો અણગમો શાંતિથી સમજાવી દે છે અથવાતો સમગ્ર ફિલ્મમાં સૈફ એટલેકે શકુનની ઉંચી પરંતુ ગેરકાયદે મેળવવાની આકાંક્ષાઓને કાબૂમાં કરવાના એના પ્રયાસો એના અને સૈફ બંનેના પાત્રોનું બેલેન્સ જાળવી રાખે છે.

શકુન કોઠારી એટલેકે ગુજરાતી ઉપરાંત શેરબજારની વાત નીકળે એટલે ગુજરાતીઓ તો એમાં હોય જ. મુરબ્બી ગુજરાતી અભિનેતાઓ છેડા તરીકે ઉત્કર્ષ મજમુદાર અને શકુનના જમણા હાથ ગગનભાઈ તરીકે દિપક ઘીવાલાને જે ભૂમિકા ભજવવાની આવી છે એ એમને સ્ક્રિન પર જોતા જોતા આપણને રાહત અપાવી જાય છે. એમાંય દિપક ઘીવાલાને ‘રુસ્તમ’ કરતા અહીં વધારે સ્પેસ મળ્યો છે એ જોઇને વધુ સંતોષ થાય છે.

હવે આવીએ ફિલ્મના બે સ્તંભ જેમણે આ ફિલ્મને પોતાને ખભાઓ પર ઉંચકી લીધી છે. આ બંને સ્તંભમાંથી પહેલો સ્તંભ છે રોહન મહેરા! વિથ ડ્યુ રિસ્પેક્ટ રોહનના પિતા એટલેકે સ્વર્ગસ્થ વિનોદ મહેરાને બોલિવુડમાં એ સમયે જેન્ટલમૅન એક્ટર તરીકે ઓળખવામાં આવતા. પરંતુ, બાઝારમાં રોહન મહેરાની અદાકારી જોઇને એટલું કહી શકાય કે પિતા વિનોદ મહેરા કરતા અનેક ગણી ટેલેન્ટ તેનામાં છે. બોલિવુડમાં ઘણીવાર નવા અદાકારોમાંથી અમુકને લંબી રેસ કા ઘોડા કહેવામાં આવે છે, તો રોહન લંબી રેસ કા ઘોડા છે, જો તે તેની આવનારી ફિલ્મોની પસંદગી સમજી વિચારીને કરશે તો નહીં તો તેની આ ડેબ્યુ ફિલ્મનો જ ડાયલોગ પ્રમાણે ક્યાંક એ વન હીટ વન્ડર બનીને ન રહી જશે.

સૈફ અલી ખાન જ્યારે બોલિવુડમાં આવ્યો ત્યારે તેના વિષે એક જોક પ્રસિદ્ધ થયેલો કે, બદનસીબે સૈફ અલી ખાને ક્રિકેટ માતા પાસેથી શીખ્યું અને અદાકારી પિતા પાસેથી. એવું નથી કે સૈફે ટોચના અદાકારો જેમકે ત્રણ ખાન અને અક્ષય કુમાર સાથે ખભો મેળવીને ચાલવાના પ્રયાસો નહોતા કર્યા, પરંતુ તેની છેલ્લા બારથી તેર વર્ષની ફિલ્મો જોશો તો ખ્યાલ આવશે કે સૈફે પોતાના ફિલ્મો પસંદ કરવાના નિર્ણયમાં મેચ્યોરીટી દર્શાવી છે અને અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે, કદાચ એમ કહેવું કોઈને વધારે પડતું લાગે પરંતુ બાઝાર એ સૈફ અલી ખાનની અદાકારીની મેચ્યોરીટીની સરટોચ છે!

શકુન કોઠારીની ભૂમિકામાં સૈફ એકદમ છવાઈ ગયો છે. એની ભૂમિકા એકદમ નેગેટીવ શેડ્સ ધરાવતી છે પરંતુ એને એણે પૂરતી મેચ્યોરીટીથી નિભાવી છે. ખાસકરીને સૈફની બોડી લેન્ગવેજ અને એક્સપ્રેશન્સ આ ફિલ્મમાં તો કમાલ છે! હા ગુજરાતી બોલતી વખતે કોઈકવાર એનું નોનગુજરાતીપણું પકડાઈ જાય છે પરંતુ તેનો પ્રમાણિક પ્રયાસ પણ દેખાઈ આવે છે.

આ ફિલ્મ જેમ રોહન મહેરાની પહેલી ફિલ્મ હોવા છતાં તે ઈમ્પ્રેસ કરી ગયો છે એવી જ રીતે જો હાજર માહિતીમાં કોઈ દોષ ન હોય તો દિગ્દર્શક ગૌરવ કે ચાવલાની પણ આ પ્રથમ ફિલ્મ છે અને એ પણ છવાઈ ગયા છે. જો કે ગૌરવભાઈ પાસે એક મજબૂત સ્ક્રિપ્ટ હોવાને લીધે તેમનું કામ થોડુંક સરળ જરૂર બની ગયું હશે પરંતુ શકુનને શકુન દેખાડવો કે પછી રિઝવાન એટલેકે સ્મોલ ટાઉન બોય તરીકે રિઝવાનને દેખાડવો અને તમને આ બંને ઉપરાંત અન્ય પાત્રો પણ ગળે ઉતારવા એ અઘરું કાર્ય તો તેમણે જ કરી બતાવ્યું છે ને?

ફિલ્મનો મેન ઓફ ધ મેચ છે એની સ્ક્રિપ્ટ અને એના સંવાદો. તમારી સીટ પરથી ઈન્ટરવલ સિવાય તમને ખસવાનું મન ન થાય એવી પટકથા આ ફિલ્મની છે. ખરેખર સ્ક્રિપ્ટ પાછળ જો મહેનત કરવામાં આવે તો ફિલ્મ કેમ મનોરંજક ન બને એ વર્ષોની અપેક્ષા આ ફિલ્મે પૂરી પાડી છે. અત્યારસુધી સ્ક્રિપ્ટ પાછળ મહેનત કરવાની વાત આવે તો રાજકુમાર હિરાણી અને અભિજાત જોષીનું નામ યાદ આવતું હવે કદાચ નિખિલ અડવાણી, પરવેઝ શેખ અને અસીમ અરોડાનું નામ પણ યાદ કરવું પડશે. આશા કરીએ કે આ ત્રિપુટી ભવિષ્યમાં આવીજ સોલ્લીડ સ્ક્રિપ્ટ લઈને આવશે.

છેવટે...

લવ સ્ટોરીઝ, હોરર અને સસ્પેન્સ કે કોમેડી ફિલ્મો તો બહુ જોઈ, હવે જમાનાના કડવા સત્યોમાંથી એક એવા એક વિષય પર કોઈ ફિલ્મ આવી છે અને ફિલ્મમાં તમામની મહેનત ખરેખર દેખાઈ આવે છે, તો પછી આવી ફિલ્મને કેવી રીતે અવોઇડ કરી શકાય?

૨૬.૧૦.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ