The first half - 7 books and stories free download online pdf in Gujarati

ધ ફર્સ્ટ હાફ - 7

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – ૭)

વિરાજગીરી ગોસાઈ

સૂરતથી અમદાવાદ ટ્રેનમાં જતા આશરે ચારેક કલાકનો સમય લાગે છે. રવિવારે સવારે હું અને જય પાંચ વાગ્યામાં રૂમ પરથી નિકળી ગયા. એ પણ ચેક ન કર્યું કે ટ્રેન કેટલા વાગ્યાની છે! કેમ કે જયનું એવું કહેવું હતું કે દર અડધા કલાકે આપણને અમદાવાદ જવા ટ્રેન મળી રહેશે. લગભગ સાડા પાંચ વાગ્યે સ્ટેશન પહોચ્યાં બાદ પોણા છ વાગ્યાની ગુજરાત ક્વીન ટ્રેન મળી જેને ૧૦:૩૦ વાગ્યે અમદાવાદ પહોચાડ્યા. અમદાવાદમાં નક્કી થયા મુજબના સ્થળે અમારે ૧૧ વાગ્યે મળવાનું હતું. નસીબજોગે અમે સમયસર કાંકરિયા તળાવ પહોચી ગયા હતા. જયે જીગ્નાને તેઓ ક્યાં છે એ પૂછ્યું અને અમે ત્યાં ગયા. ત્યાં પહોચતાની સાથે જ દિપાલી મને વળગી પડી! જય અને જીગ્ના આશ્ચર્યથી અમારી સામે જોવા લાગ્યા અને અલબત આસપાસના લોકો પણ. હું પણ મૂંઝાયો કે આ પરિસ્થિતિને કેવી રીતે સભાળું? એવામાં જય જાણી જોઇને જોરથી ખાંસ્યો જેથી દિપાલીને ભાન થયું કે તે લોકોની વચે જ મને ગળે લાગેલી હતી. તે મારાથી થોડી દૂર થઇ, દૂર જતા જતા તે બોલી, “ઘણી રાહ જોવડાવી મળવા માટે”. મેં તેનો પ્રત્યુતર નાં આપ્યો, મારી પાસે જવાબ હતો જ નહિ.

“શીખ કઈક નાની બહેન પાસેથી” જય જીગ્નાને બોલ્યો અને જીગ્નાને ગળે મળવા પ્રયત્ન કર્યો પણ જીજ્ઞાએ તેને ધક્કો મારીને દૂર કર્યો અને હસવા લાગી.

“ડાયો થા માં. ચલ બેસીએ ક્યાંક” જીગ્ના બોલી અને તેનો હાથ પકડીને એક બેંચ પર લઇ ગઈ.

“ક્યા ખોવાયો છે?” દિપાલીએ મને પૂછ્યું. હું તેને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો.

“ઓહ હાઈ. કેમ છે?” હું વિચારોમાંથી બહાર આવ્યો અને બોલ્યો.

“કેમ આવી રીતે જોવે છે? નથી સારી લાગતી?” તેણીએ લગભગ દરેક છોકરી પોતાના તરફ ધ્યાન દોરવા માટે જે પ્રશ્ન પૂછતી હોય તેવો જ પ્રશ્ન પૂછ્યો.

“ના ના. એવું નથી. મસ્ત લાગે છે. મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું” મેં કહ્યું.

“આટલી સુંદર છોકરી તારી સામે ઉભી છે અને તું બીજા વિચારોમાં પડ્યો છે?” તે બોલીને હસવા લાગી.

સુંદર તો ખરેખર હતી જ. કાળા અને કેસરી કલરનો ચૂડીદાર ડ્રેસ, છુટા રાખેલા વાળ, ચહેરા પર આછો મેકઅપ, કપાળે ઝીણો એવો ચાંદલો, આંખમાં કાજળ, હાથમાં બ્રેસલેટ, ગળામાં સોનાના ચેઈન સાથે નાનું લોકેટ, જોઇને જ ગમી જાય તેવી હતી તે. પરંતુ તેનો કહેવાનો મતલબ મને દ્વિઅર્થી લાગ્યો. ‘આટલી સુંદર છોકરી તારી સામે ઉભી છે’ મતલબ શું? તે મને ગળે મળવા માટે કહેતી હશે? કે પછી તેની સાથે એકાંતમાં બેસીને વાતો કરવાનો સિગ્નલ હતો કે પછી બીજું કાઈ? તેને મને વિચારતો કરી દીધો.

“જો પાછો ખોવાઈ ગયો વિચારોમાં” તેને મને વિચારોમાંથી બહાર ખેંચ્યો.

“ચલ આપણે બેંચ પર બેસીએ” મેં કહ્યું. ગજબ કહેવાય, વિચાર કરવા મજબુર પણ એ જ કરે અને વિચાર કરતા પણ એ જ રોકે. સાચું કહેવાય છે કે છોકરીઓની આ દ્વિઅર્થી વાતો અથવા તો કહી શકાય કે સંકેતો સમજવા ઘણી વખત ખૂબ જ અઘરા હોય છે.

“ચાલ. કહીને તેને મારો હાથ પકડી લીધો અને બેંચ પાસે લઇ ગઈ. મારે તારી સાથે કેટલી વાતો કરવી છે ખબર છે તને?” તે ચાલતા ચાલતા બોલી.

“હા મને ખબર છે” મેં કહ્યું અને અમે બેંચ પર બેઠા. જય અને જીગ્ના બાજુની બેંચ પર બેઠા હતા.

“અચ્છા? તને કેમ ખબર?” તેણીએ પૂછ્યું.

“તે જ તો કિધું’તું મને ફોનમાં” મારે તેને એવું કહેવું હતું પણ આમ છોકરીને બધું સીધું સીધું કહેવું એ પ્રોબ્લમ ઉભો કરી શકે છે એવું જયે મને કહ્યું હતું.

“બસ એમ જ”

“અચ્છા. ચલ છોડ એ બધું. કેમ છે તને? કેમ છે ઘરે બધા? જોબ કેવી ચાલે? કેવું છે અમારું અમદાવાદ? તેને મને એકીસાથે ચાર ચાર પ્રશ્નો પૂછી નાખ્યા. તેને કદાચ એવું લાગ્યું હશે કે હું તેની સાથે વધારે સમય ન રહી શકું, કોઈ કારણે તેને ઘરે પાછા જવું પડે અથવા તો બીજા કોઈ કારણે એને મને બધા પ્રશ્નો પૂછી નાખ્યા હશે. ખેર, જો તે એવું વિચારતી હતી તો સાચું જ વિચારતી હતી. હું મારા મિત્રના ફોનની રાહ જ જોઈ રહ્યો હતો. થોડા થોડા સમયે મારો ફોન ચેક કરી રહ્યો. મેં જયને ઈશારો કર્યો કે મારે જવું છે પણ જયે મારી સામે નિ:સહાય હોવાનો ઈશારો કર્યો. એના ઈશારાનો મતલબ એવો હતો કે તે કઈ નહિ કરી શકે, આપણે બેસવું જ પડશે. જોકે મૂળ વાત એમ હતી કે તે જ ત્યાંથી ખસવા ન’તો માંગતો. તે ભલા આવો મોકો કેમનો છોડે? મારી પાસે પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી હું પણ બેસી રહ્યો. હા એવું બિલકુલ નહતું કે મારે ત્યાં બેસવું નહતું, પણ જેટલી ઉત્સુકતા મને દિપાલી સાથે સમય વિતાવવાની હતી એટલી જ મારા મિત્રને મળીને ફિલ્મ ઉદ્યોગ વિશે માહિતી મેળવવાની હતી.

“તમે લોકો આજે લંચ અમારે ત્યાં જ લેજો” દિપાલીએ અચાનક જટકો આપ્યો. જટકો એટલા માટે કેમકે હું અને જય ગુજરાતના જે વિસ્તારમાંથી આવતા હતા ત્યાં અમે કોઈ છોકરીને ઘરે લઇ જવા તો દૂર પણ ફોનમાં વાત કરવા માટે પણ ઘરની બહાર કે છત પર જવાનો આગ્રહ રાખતા હતા.

“શું કહ્યું?” હું અને જય લગભગ એકસાથે આંખો ફાડીને બોલ્યા.

“લંચ મીન્સ બપોરનું જમવાનું” જીગ્નાએ જયને ખીજવતા કહ્યું.

“તારા જ્ઞાનવર્ધક જવાબ માટે આભાર પણ શું તું મને અને ઋષિને તારા ઘરે લઇ જવા માંગે છે? લંચ માટે? અને એ પણ તારા બાપા સામે?” જાય લગભગ ઉભો થઈને બોલ્યો.

“જય, મને લાગે છે આ બેયે આપણા ટાંટિયા ભાંગવાનો પ્લાન બનાવ્યો છે” મેં જયને ધીરેથી કીધું.

“અરે એવું નથી” જીજ્ઞા બોલી.

“મતલબ તારું કેવું એમ છે કે અમે બેય સળગતા કોલસા માથે હાલી અને અમારા પગ ય નો બળે એમ?” જય બોલ્યો.

“એટલે તું મારા પપ્પાને સળગતો કોલસો કે’છે” દિપાલી જયને ગૂસ્સાથી કીધું.

“અરે નાં નાં. તું બીજું કાઈ સમજમાં” મેં કહ્યું.

“અચ્છા, તો શું સમજે એ?” જીજ્ઞા પણ મેદાનમાં આવી ગઈ. આ જોઇને આસપાસના લોકો પણ ઉભા રહીને અમને જોવા લાગ્યા. પરિસ્થિતિ વધારે ન બગડે એટલે હું અને જય એકસાથે બોલ્યા, “આપણે જમવા જઈએ? બહુ ભૂખ લાઈગી છે”. જયની એક વાત એ હતી કે તે ગમે ત્યાં હોય પણ તે બોલતો કાઠીયાવાડી ભાષામાં જ.

***

“અરે તમે લોકોએ બહુ મોડું કર્યું. હું ક્યારની રાહ જોતી’તી” દિપાલીના ઘરે પહોચતા જ તેના મમ્મી બારણું ખોલીને બોલ્યા. “આવો આવો, કેમ છો તમે બંને?”

“સારું છે આન્ટી” જયે ટૂંકમાં જવાબ આપ્યો. એકવાર મેં જયની સામે અને જયે મારી સામે જોયું અને ત્યારબાદ અમે બંને જીજ્ઞા અને દિપાલી સામે જોવા લાગ્યા.

“ચાલો હવે અંદર” દિપાલીએ મને અને જીજ્ઞાએ જયને લગભગ એકીસાથે ધીરેથી ધક્કો મારીને કહ્યું. અમે હોલમાં ડાઈનીંગ ટેબલ પાસે પહોચીને ઉભા રહ્યા.

“હાથ ધોઈ લ્યો તમે એટલે પેલા જમી લઈએ, પછી બેસીએ. જમવાનું ગરમ છે” તેણીના મમ્મી રસોડામાંથી બહાર આવતા બોલ્યા. ડાઈનીંગ ટેબલ પાસે ઉભો ઉભો હું તે હોલની દિવાલો પર લગાવેલા ફોટોફ્રેમ જોઈ રહ્યો હતો. અમૂક ફોટો સયુંકત કુટુંબના હતા તો અમૂક દિપાલી અને અમૂક જીજ્ઞાના અલગ અલગ હતા. અચાનક એક ફોટા પર મારી નજર આવીને અટકી ગઈ. તે ફોટોમાં ત્રણ નાના આશરે એકાદ વર્ષના બાળકો હતા. મેં ધાર્યું કે બે તો જીજ્ઞા અને દિપાલી હશે પણ આ ત્રીજું કોણ હશે? હું મનોમન વિચાર કરી રહ્યો હતો ત્યારે જ દિપાલીએ મને થોડા ઢીલા અને ધીમાં અવાજે કહ્યું, “અત્યારે જમવા બેસી જા. પછી તને કહીશ આખી વાત”. મેં પણ તેને જેમ કહ્યું એમ કર્યું.

મને અને જયને ખૂબ જ નવાઈ લાગી રહી હતી કે બે છોકરાઓ તેના ઘરે આવ્યા હતા, તેમની દિકરીઓ સાથે, અને તેઓ કાઈ પણ વાત કરતા પહેલા સીધું જ જમવાનું કહે છે! વેલ, અમને વધારે કઈ સમજ નાં પડી એટલે અમને જેમ જેમ કહેવામાં આવતું ગયું તેમ તેમ અમે કરતા ગયા. મારાથી રહેવાયું નહિ એટલે મેં આન્ટીને પૂછવા માટે હજી તો મોં ખોલ્યું ત્યાં જ દિપાલીએ મને ટોક્યો. તે સંવાદ કઈક આવો હતો.

“આન્ટી, એક્ચુલી...” હું આટલું બોલું છું ત્યાં જ તેણીએ સિસકારો કરીને મારી સામે આંખો કાઢી.

“એક્ચુલી શું બેટા?” તેણીના મમ્મીએ રસોડામાંથી સાદ કરીને પૂછ્યું.

“એક્ચુલી છે ને મમ્મી આ લોકોને સખત ભૂખ લાગી છે એટલે જમવામાં વાર છે કે નહિ એમ પૂછે છે” દિપાલીએ થોડું જોરથી અને ઉતાવળથી કહ્યું. આ સાંભળીને હું અને જય તે બંનેની સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યા.

“ઓહ એવું...? બસ તૈયાર જ છે. બેસો એટલી વાર” તેણીના મમ્મી બોલ્યા.

“અરે...ક્યારે આવ્યા તમે લોકો?” તેના પિતાજી રૂમમાંથી બહાર આવીને બોલ્યા.

“હમણાં જસ્ટ આવ્યા હજી. ચાલો તમે હાથ ધોઈ લ્યો એટલે જમવા બેસી જઈએ” જીજ્ઞા બોલી.

“હા...બેટા. પેલા જમી લઈએ અને પછી બેસીએ” તેના પિતા વોશ બેસીન તરફ જતા જતા બોલ્યા. આ સાંભળીને હું અને જય થોડા મૂંઝાયા. મેં જયને ધીરેથી પૂછ્યું કે આ લોકો વારંવાર આ “પછી બેસીએ” એવું કેમ બોલે છે? જવાબમાં જયે નકારમાં માથું ધુણાવ્યું.

“આ ક્યાં અને શેના માટે બેસવા-બેસાડવાની વાતો ચાલી રહી છે?” મેં દિપાલીને ધીમેથી પૂછ્યું. જવાબમાં તેને ફક્ત ચહેરા પર સ્મિત ફરકાવ્યું. મારા મનમાં ફરી પાછુ કન્ફયુઝન.

“એય ઋષીડા...બહાર આવ” જીજ્ઞા અને દિપાલી રસોડામાં ગઈ એટલે જય ઉભો થઈને બોલ્યો અને બાલ્કની તરફ ચાલવા લાગ્યો.

“આવ્યો” કહીને હું પણ તેની પાસે ગયો.

“શું થ્યું? આયા કેમ આવી ગ્યો?” મેં જયને પૂછ્યું.

“શુ શું થ્યું? તને કાઈ લાગતું નથી આમાં?” જય બોલ્યો અને દરવાજા તરફ નજર નાખીને જોયુ કે કોઈ આવી તો નથી રહ્યું ને!

“હા લા...કઈક તો ગડબડ લાગે છે” મેં કહ્યું.

“શું ખિચડી બફાય છે અહિયાં?” ખબર નહિ જીજ્ઞા ક્યારે આવીને બોલી.

“બળી ગઈ” જય બોલ્યો.

“શું?” જીગ્નાને નવાઈ લાગી.

“ખિચડી” મેં કહ્યું.

“હેં?” તેણીને કાઈ સમજાયું જ નહિ.

“ખિચડી, ખિચડી બળતી હોય એવી સ્મેલ આવે છે એમ” જય વાત ફેરવવા બોલ્યો.

“ચલો જમવા બોલાવે છે” જીજ્ઞા વધુ કઈ ન બોલી અને ચાલવા લાગી.

“હાઈલ ભૂરા... જમી લઇ અને પછી...” જય એટલું બોલ્યો ત્યાં વાક્ય મેં પૂરું કર્યું, “પછી બેસીએ” કહીને બેય હસવા લાગ્યા.

***

બપોરે બે વાગ્યે અમે લોકોએ જમવાનું પતાવ્યું એટલે હવે હું અને જય રાહ જોઈ રહ્યા હતા કે અમારે ક્યાં અને શેનાં માટે બેસવાનું છે?

“તમે લોકો બેસો, અમે આવીએ થોડું કામ પતાવીને” આન્ટી બોલ્યા. હું, જય તેમજ દિપાલીના પપ્પા અંદર રૂમમાં બેસવા ગયા. આશરે અડધાએક કલાક સુધી વાતો કરી. તેના પિતાએ નિખાલસ રીતે વાત કરીને અમારું ટેન્શન હળવું કરી દીધું હતું. હું અને જય હજી નીકળવાનું વિચારી રહ્યા હતા અને ખુરશી પરથી ઉભા થયા ત્યાં જ દિપાલી, જીજ્ઞા અને તેના મમ્મી રૂમમાં આવ્યા.

“અરે બહુ જલ્દીમાં છો કે શું? થોડીવાર બેસો પછી નીકળી જજો. આમય સૂરત જવા માટે તો બસ મળી જ જશે” આન્ટી બોલ્યા.

“હા બેટા. આમ પણ તમે પે’લીવાર આવ્યા છો અમારા ઘરે. થોડીવાર બેસો પછી નીકળી જજો” અંકલ પણ બોલ્યા.

માસ્ટર બેડરૂમમાં બેઠા બેઠા અંકલ અને આંટી મને અને જયને અમારા ફેમીલી બેકગ્રાઉન્ડ વિશે અને નોકરી વિશે પૂછી રહ્યા હતા. મને એક વાત સમજાતી નહતી કે જો તેઓને અમારા વિશે કશી ખબર જ નહતી તો એમને અમને તેમના ઘરમાં આવકાર્યા અને જમાડ્યા શાં માટે? વેલ, મને હવે એતો સમજાઈ ગયું હતું કે તેઓ જે બેસવાની વાત કરી રહ્યા હતા તે શા માટે હતું અને સ્વાભાવિક પણ હતું. મેં દિપાલીને ઈશારો કરીને કહ્યું કે અમારે નીકળવું જોઈએ. તેને જીગ્નાને કહ્યું અને અમે તેણીના મમ્મી-પપ્પાની પરવાનગી લઈને નીકળ્યા.

***

સાંજે હું અને જય અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટીકીટ લેવા લાઈનમાં ઉભા હતા. અલબત બંને જણા અલગ અલગ લાઈનમાં ઉભા હતા જેથી જેનો નંબર પેલા આવે એ ટીકીટ લઇ શકે. મારી આગળ ફક્ત એક વ્યક્તિ હતો ટીકીટ લેવામાં. જેવો તે ટીકીટ લઈને નીકળ્યો અને ત્યાં જ મારો ફોન વાગ્યો. હું ફોન ઉપાડવા જાઉં એટલામાં તો ટીકીટઘરમાંથી ઉતાવળ રાખવા માટે બૂમ સંભળાઈ. મેં જોયું તો તે ફોન વિશાલનો હતો. મેં ફોન ઉપાડ્યો અને વાત કરવા ફોન કાન પર રાખ્યો ત્યાં જ મને પાછળથી ધક્કો આવ્યો અને લાઈનમાંથી બહાર ફંગોળાઈ ગયો. જય આ બધું જોઈ રહ્યો હતો અને દૂર ઉભો ઉભો હસી રહ્યો હતો.

“જય તું નીકળ. હું વિશાલને મળવા જાઉં છું” મે જયને કહ્યું.

“એલા, પાંચ વાગ્યા. કાલ ઓફીસ ચાલુ છે ખબર છે ને?” જય બોલ્યો. તેની આગળ હજી ચાર પાંચ વ્યક્તિઓ ઉભા હતા. મને જયના અચાનક ઊભરાયેલા પ્રેમથી થોડી નવાઈ લાગી. તેને કદાચ એવું લાગ્યું હશે કે આ ફરી પાછો દિપાલીને મળવા જશે.

“હા ખબર છે કાલે ચાલુ છે ઓફીસ. દરવાજો બંધ નો કરતો. રાત્રે મોડો આવીશ” કહીને હું સ્ટેશનની બહાર નીકળી ગયો. રેલ્વે સ્ટેશનથી ઓટો પકડીને હું એલ.ડી.કોલજ ઓફ એન્જીન્યરીંગ આવ્યો. કોલેજના ગેટની સામે ચાની ટપરી પાસે તે બાઈકને સ્ટેન્ડ પર રાખીને તેના પર બેઠો હતો.

“કેમ છે સાહેબને?” મેં ત્યાં જઈને કહ્યું.

“ઋષીડા... આફટર લોગ ટાઈમ મેન. કેમ છે ભાઈને?” તે બાઈક પરથી ઉતર્યો અને મને ગળે મળીને બોલ્યો.

“બસ મજા છે જો. તમે કહો સાહેબ”

“આપણે શું હોય? દુરદર્શનમાં નાના મોટા રોલ મળી જાય, થીએટર કરી લઈએ એટલે આપણું ગાડું ચાલી જાય” તે બોલ્યો. મને ચા નું પૂછ્યું અને ચા વાળાને બે અડધી ચા નું કહ્યું.

“એતો શરુ શરુમાં એવું જ હોય ભાઈ. અને હા, દૂરદર્શન પર તારી સિરીયલ જોઈ મેં. તું લાંબી રેસનો ઘોડો છે વિશ્લા” હું એટલું કહીને તેના બાઈક પર બેઠો.

“થેંક્યું ભાઈ...બસ તારા જેવા ભૈબંધોની દુઆ પણ તું આ નાના અમથા કલાકારની નાની અમથી સિરીયલ જોવે છે એજ બહું મોટી વાત છે મારા માટે, એ પણ દૂરદર્શનમાં!” તે હસતા હસતા બોલ્યો અને ચાની પ્યાલી મને હાથમાં આપી.

“કેમ નહિ બ્રધર. સિરીયલ નાની કે મોટી હોઈ શકે પણ એમાં કામ કરતા કલાકારની ખબર તેમની એક્ટિંગથી જ પડે” મેં કહ્યું અને ચા ની ચૂસકી ભરી.

“વાહ વાહ...ક્યા બાત હેં” તેના ચહેરા પર બહુ મોટી સ્માઈલ આવી ગઈ હતી.

“મજાક કરું છે બે“ હું એમ કહીને તેના ચહેરા પર બદલાતો રંગ જોવા માંગતો હતો પરંતુ મેં એમ નાં કર્યું. મને ખરેખર ગર્વ હતો તેના પર.

“પણ તું જોજે. એક દિવસ તારો આ ભાઈ પણ સ્ટાર હશે” તે ચાની ચૂસકી ભરતા બોલ્યો.

“ભાઈ, તું તારું મનગમતું કામ કરે છે. તારા પેશન, તારા શોખને જ તારું કામ બનાવ્યું છે. મારા માટે તો તું સ્ટાર જ છે” મેં કહ્યું.

“ફેમીલી બેકગ્રાઉન્ડ એટલું સારું નથી એટલે ઘણી વાર લાગી પપ્પાને મનાવતા. પણ યાર, આજ ટાઈમ હોય છે ડિસીઝન લેવાનો. જો અત્યારે નક્કી ન કર્યું તો ઝિંદગીભાર એજ કરતા રહીએ છીએ જે નથી ગમતું. બસ પછી તો જરૂરિયાતો પૂરી કરવામાં જ ઝિંદગી નીકળી જાય છે. પેશનને બધું તો ક્યાંય રહી જાય છે” તે બોલ્યો.

“એકદમ કરેક્ટ. મને જ જોઈ લે. શું કરવું’તું અને શું કરું છું અત્યારે?” મેં કહીને ચાની પ્યાલી પૂરી કરી.

“કેમ? શું કરવું હતું તારે? તે તો કોલેજમાં હતો ત્યારે પણ કાઈ વાત નથી કરી આના વિષે. ચલ બેસી જા” તેને બાઈક સ્ટેન્ડ પરથી ઉતાર્યું અને મને બેસવા કહ્યું.

“નથી ગમતી નોકરી?” તેને મને કહ્યું અને બાઈક ચલાવવાનું ચાલુ કર્યું. હું ચુપ રહ્યો. કોઈ જ જવાબ નહતો મારી પાસે.

“એલા ઋષીડા. શું થયું લા?” મેં કાઈ જવાબ ન આપતા તે ફરી બોલ્યો, “બધું બરાબર છે ને? ઘરે કઈ પ્રોબ્લેમ છે?” તેને બાઈક સાઈડ પર રાખ્યું.

“હા ભાઈ, બધું બરાબર જ છે”

“તો કેમ અચાનક મગ ભરાઈ ગયા મોઢાંમાં?” તે બોલ્યો અને ફરી બાઈક સ્ટેન્ડ પર લગાવ્યું. હું ત્યાં રોડની બાજુએ જઈને ઉભો હતો અને ત્યાં ઉપર લાગેલા ફિલ્મના પોસ્ટરને જોઈ રહ્યો હતો. મારા બંને હાથ પેન્ટના ખિસ્સામાં હતા. તે મારી પાસે આવીને ઉભો રહ્યો. તે પોસ્ટર ગુજરાતી ફિલ્મ “બે યાર”નું હતું.

“સાચું કીધું તે વિશાલ. જો તમે તમારા સપનાની પાછળ નો ભાગો ને, તો એ તમારી રાહ નથી જોતા” મેં કહ્યું. મારું ધ્યાન પોસ્ટર તરફ જ હતું.

“બે શું બબડે છે આ?” તેને મારી વાત કઈક વધારે ફિલોસોફી વાળી લાગી.

“આ પોસ્ટર જુએ છે વિશાલ? આ મારું સપનું હતું” મેં કહ્યું.

“શું? આ ફિલ્મ તારું સપનું હતું એમ?”

“નોટ એક્ઝાટલી, પણ ગુજરાતમાં ચાલી રહેલા ટ્રેડીસનલ મૂવીસનો ટ્રેન્ડ ચેન્જ કરીને મારે ક્રાંતિ લાવવી હતી. મારે એ ટ્રેન્ડ સેટર બનવું હતું. આ ટ્રેન્ડ સેટરના નામ તરીકે મારે મારું નામ જોવું હતું જે હવે બીજું કોઈ છે. એ ખિતાબ હવે બીજા કોઈને મળી ગયો છે” હું ધીમે ધીમે પણ એકીસાથે બધું બોલી ગયો. વિશાલ કઈ પણ બોલ્યા વગર મારી સામે જોઈ રહ્યો.

“કઈક વધારે થઇ ગયું ને?” મેં કહ્યું.

“નાં નાં, હજી થોડું બોલ ને. અરે તને ખબર પણ છે એ વ્યક્તિ કોણ છે? બોલીવૂડના શો-મેન સુભાષ ઘાઈના એ.ડી. રહી ચુક્યા છે. વ્રિશ્લીંગ વૂડ માંથી ફિલ્મ મેકિંગ ભણેલા છે. ત્યાની ઓફર છોડીને અહી ગુજરાતમાં આવીને વર્ષો મહેનત કરી ત્યારે જઈને આ ખિતાબ મળ્યો છે” તે એકીસાથે બોલી ગયો.

“એજ તો કહું છું વિશાલ. હું મારા સપના પાછળ ના દોડ્યો અને જો, આજે ત્યાં બીજાં કોઈનું નામ છે” મેં ફરીથી પોસ્ટર તરફ આંગળી ચીંધતા કહ્યું.

“એટલે તને એવું લાગે છે કે તું આ નોકરો ના કરતો હોત અને ‘પિચરો’ બનાવતો હોત તો આ ખિતાબ તને મળી જાત એમ?” વિશાલ મારો મૂળ ચેન્જ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

“કેમ? તને મારા ટેલેન્ટ પર ડાઉડ છે?” મેં થોડી શંકા સાથે પૂછ્યું.

“નાં એમ નહિ પણ આ ટ્રેન્ડ સેટરનો ખિતાબ એટલે કઈક વધારે ન થઇ ગયું તારા માટે?” તે શાંતિથી મને ઉપસાવવા બોલ્યો.

“વેલ, આ ટાઈટલ તો કોઈકનું થઇ ગયું છે પણ તું જોજે, ત્યાં એક દિવસ પોસ્ટર મારેલું હશે અને એમાં લખ્યું હશે કે અત્યાર સુધીની સૌથી મોટી ગુજરાતી ફિલ્મ ડાઈરેકટેડ બાય ઋષિકેશ પારેખ” મેં પોસ્ટર તરફ બંને હાથ લંબાવતા કહ્યું.

“ક્યા બાત હૈ.....જરૂર જરૂર....પણ...” તે એટલું બોલીને અટકી ગયો.

“પણ....શું” મેં પૂછ્યું.

“પણ પ્રોડ્યુસ કોણ તારા બાપા કરશે?” તે બોલ્યો હસવા લાગ્યો. મારાથી પણ હસાઈ ગયું.

ક્રમશ ભાગ ૮ માં... અને હા અત્યાર સુધી આપને ધ ફર્સ્ટ હાફ કેવી લાગી એ લેખકને મોબાઈલ / વોટ્સઅપ નંબર. ૯૨૨૮૫ ૯૫૨૯૦ પર જણાવી શકો છો...