Ghavayelo fari ghavayo books and stories free download online pdf in Gujarati

ઘવાયેલો ફરી ઘવાયો......!

ઘવાયેલો ફરી ઘવાયો......!

( વાર્તા )

@ વિકી ત્રિવેદી

એક એવું દુઃખ છે જે સતાવ્યા કરે છે ઉપેક્ષિતને ,
બાકી સુખો ન આવે એવો હું સાવ અકર્મી નથી !
હજારો સરિતા આવીને સમાઈ ગઈ સાગરમાં ,
કદીયે એના ઊંડાણની આગ પરંતુ સમી નથી !

- ઉપેક્ષિત

"ઓહો આ કામવાળીને કેટલીવાર કહ્યું કે પૂજાના રૂમમાં તારે નહિ જવાનું......" હું જાગ્યો ત્યારે જ મારી ગોરાણી કઈક બડબડતી હતી.

"કહું છું સાંભળો છો તમે પંડિત ?" એ મને પંડિત કહેતી, " આ કામવાળીને હવે છુટ્ટી કરવી પડશે. ખબર જ નથી પડતી કે બ્રાહ્મણના ઘરે ચોખ્ખા દેવ હોય એ ઓરડામાં ગમે તે નાતના પગ મૂકે એ કેમ ચાલે...... માણસની બુદ્ધિ જ જાડી થઈ ગઈ છે....."

હું કઈ ધ્યાન આપ્યા વગર જ ઉઠીને બાથરૂમ ભેગો થયો. ભારતી બિચારી આખા ઘરનું કામ કરે એ તો એની ભલાઈ છે બાકી ભગવાનના ઓરડામાં જઈને સફાઈ કરવાનો એને ક્યાં શોખ જાગે છે કે એને એના અલગથી કઈ પૈસા હું દેતો નથી. પણ મંજુલા ખરી બ્રાહ્મણ છે એને બધું આવું જ ધ્યાનમાં આવે છે. ખેર પણ મારા બોલવાનો કોઈ અર્થ નહોતો ને હવે તો મને આદત પણ પડી ગઈ હતી. બા બાપુજી ગુજરી ગયા એ પહેલાં બાપુજી પણ આવા જ હતા. એ તો મંજુલા કરતાય સવાયા હતા. હવે આ પંચાવનની ઉમરે મારે ઘરમાં બરાડા પાડવા પણ ન શોભે એટલે આંખ આડા કાન કરવા સિવાય મારે કોઈ છૂટકો જ નહોતો.

હું તૈયાર થઈને દુકાને ગયો. બપોર સુધી કોઈ ખાસ ઘરાકી ન થઈ એટલે હું શાંતિથી છાપું લઈને બેઠો. ગરમી માથા ફાડ હતી. પંખાની કિચુડ કિચુડ વચ્ચે થોડાક સમાચાર વાંચ્યા ત્યાં મોબાઇલની રિંગ વાગી. મેં ફોન લીધો.

"તમે તરત અગ્રવાલની હોસ્પિટલે આવો સૂરજ એક્સીડેન્ટ થયો છે....." મંજુલા ગભરાયેલા અવાજે બોલી.

"હે ક્યારે ? કેટલું વાગ્યું ?" સ્વભાવિક પ્રશ્નો આપમેળે જ સર્યા.

"તમે આવો જલ્દી....." કહી મંજુલાએ ફોન મૂકી દીધો.

ગરમીમાં મેં ઝભ્ભો ઉતારીને ખુરશીમાં ટેકવ્યો હતો એ લઈને ઝડપથી પહેર્યો અને દુકાને તાળું દીધા વગર જ બાજુવાળા શંકરલાલને ધ્યાન રાખજો કહી ભાગ્યો. બાઈક મને ફાવતું ન હતું એટલે હું હજુ સ્કૂટર જ રાખતો હતો. ઝડપથી મેં સ્કૂટર અગ્રવાલની હોસ્પિટલ તરફ ભગાવ્યું.

***

"લોહી ખૂબ વહી ગયું છે..... હમણાં પૂરતું તો એને દવા આપી સારવાર શરૂ કરી પણ લોહી જોઈશે એને....." ડોકટરે મંજુલાને કેબિન બહાર મોકલીને મને કહ્યું.

"તો પણ એમાં તકલીફ શુ છે ડોકટર સાહેબ ? લોહી મંગાવો ને ઝડપથી મારે સૂરજ સાજો થાય તો પૈસાની કોઈ ચિંતા નથી.... બસ એ હેમખેમ રહેવો જોઈએ...." સામે ડોકટર છે એ ભૂલીને હું એક બાપના આવેશમાં બોલ્યો.

"જુવો ભાઈ બધાનું લોહી બધાને કામ ન આવે ખાસ પ્રકારનું લોહી હોય તો જ કામ આવે."

"તો મારું ખૂન નહિ ચાલે સાહેબ ?" મેં પૂછ્યું.

"તમારા લોહીનો ટેસ્ટ લેવો પડે ત્યાં સુધી અમારી તપાસ ચાલુ જ છે પણ જેમ બને તેમ જલ્દી મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરજો....."

ડોકટરે કહ્યું. ડોકટર લોકો જ્યારે ઈશ્વરની વાત કરે ત્યારે ભલભલા માણસોના પગ ધ્રુજી ઉઠે. ધ્રુજતા પગે હું બહાર નીકળ્યો. કમ્પાઉન્ડરે મારુ લોહી લીધું અને લેબમાં ગયો.

"શુ કીધું ડોકટરે ?" મંજુલા તરત જ મને બહાર જોઈને બોલી.

"તું બેસ શાંતિથી બધું બરાબર થશે." મેં કહ્યું.

"અરે પણ....." એ બોલવા ગઈ પણ એને ચક્કર આવ્યા અને બંને હાથે માથું પકડું લીધું. એ પડી જાય એ પહેલાં મેં એને પકડી. એક નર્સે ટેકો આપી એને જનરલ વોર્ડના એક ખાલી ખાટલામાં સુવાડી અને કોઈ ગોળી આપી.

"એ હમણાં સુઈ જશે તમે ચિંતા ન કરો કાકા..." કહી નર્સ ચાલી ગઈ. થોડી વારે મંજુલા સુઈ ગઈ એટલે હું બહાર જઈને બેઠો. બાંકડાની પીઠ ઉપર માથું ભીડાવી હું બેઠો હતો ત્યાં મારી બાજુમાં એક યુવાન આવીને બેઠો. કદાચ એ પંદરેક મિનિટથી આવ્યો હશે અને મને નિરખતો હશે. પણ મેં એની સામે જોયું ત્યારે એ એકાએક જ બોલી ઉઠ્યો, "શુ થયું છે કોઈ વધારે બીમાર છે ?"

"હા લોહી નથી મળતું મારા દીકરાને અકસ્માત થયો છે."

"કયું લોહી છે ?" એણે પૂછ્યું અને મેં એને ડોકટરે આપેલી કાપલી બતાવી. એણે કાપલી જોઈ. એ યુવાન મજબૂત હતો. એના ચહેરા ઉપર ચમક હતી અને સંસ્કારી ઘરનો લાગતો હતો.

"અરે આ બ્લડ ગ્રુપ તો મારું જ છે. ચલો હું જ આપી દઉં લોહી...."

"હે ?" હું સફાળો ઉભો થઈ ગયો, "તો તો તમારા જેવા ભગવાન પણ નહીં....." બંને હાથ જોડીને હું બોલી ઉઠ્યો.

"અરે એમાં શું માણસ માણસના કામે ન લાગે તો શરીર શુ કામનું...." એ હસીને બોલ્યો અને ઉભો થયો, "ચલો ડોકટર જોડે......"

ડોકટર જોડે વાત કરીને બધી તૈયારીઓ થઈ. ડોકટરે યુવાનનો આભાર માન્યો, "ક્યાંય આ લોહી મળતું નહોતું સારું થયું તમે મળી ગયા."

ડોકટરના એ શબ્દોથી મને યુવાન ઉપર બહુ માન થઈ આવ્યું મેં એનું નામ પૂછ્યું. "અમૃત....." પોતાનું નામ કહીને એણે ઉમેર્યું, "રૂમ નમ્બર 27 માં મારી મા છે તમે બહાર બેસજો જો એને કોઈ જરૂર હોય તો તકલીફ લેજો...."

"અરે એમાં તકલીફ શેની...." મેં કહ્યુ અને અમૃત ડોકટર સાથે ગયો. હું 27 નમ્બરના દરવાજે ગયો અને ત્યાં બાંકડે બેઠો.

થોડીવારે અંદરથી નર્સ બહાર આવી અને બોકી, "માજી બોલાવે છે એમના દીકરાને..... ક્યાં ગયા એ ભાઈ ? એમને મોકલો...." કહી બાજુના રૂમમાં ચાલી ગઈ.

અમૃતની મા ને કઈક કામ હશે એનું એટલે બોલાવ્યો હશે એટલે એ જવાબદારી મારી આવતી હતી. વૃદ્ધ થયા પછી એક વાતે નિરાંત હોય છે કે એકલી સ્ત્રી જોડે જવામાં કોઈ તમારા ઉપર આંગળી ન કરે. હું ઉભો થયો અને દરવાજો ખોલી અંદર ગયો. છતાં દરવાજો મેં ખુલ્લો જ રાખ્યો.

અંદર બેડ ઉપર એક વૃદ્ધ મારી ઉંમરની મહિલા સૂતી હતી. હું નજીક ગયો અને મારા પગ જડાઈ ગયા.

"સાવિત્રી તું ?"

"ત્રિવેદી તું અહીં ?" એ બોલી. સાવિત્રી મને કદી રાજુ કહીને ન બોલાવતી એ મને ત્રિવેદી જ કહેતી. અમારી બંનેની આંખો એકબીજાને કાઈક લાચાર નજરે જોઈ રહી. અને એના ખાટલા અને મારા પગ વચ્ચેની ત્રણ ફૂટ જગામાં આખેઆખા પચ્ચીસ વર્ષ જાણે આવીને ઊભા રહી ગયા.

સાવિત્રી અને હું એક જ કોલેજમાં હતા. હું બ્રાહ્મણ હતો અને એ દલિત હતી. પણ અમે પ્રેમમાં પડયા હતાં. મારા બાપુજીને મેં કહ્યું પણ એ માન્યા નહોતા. સવિત્રીની સગાઈ થઈ ત્યારે મેં ઘરે બળવો પણ કરી જોયો હતો.

"બાપુ પણ એ દલિત છે તો શું થઈ ગયું ? એ કોઈ એનો ગુનો છે ?"

"તું અભડાઈ ગયો છે રાજુ આ તારા શબ્દો નથી આ તારા ઉપર થયેલી દેવતાઓની અસર છે. ઈશ્વરથી ઉપર રૂઠયો છે." બાપુ ભડકયા હતાં, "એક નીચી જાતની છોકરીને તું ઘરમાં લાવવાની વાત કરે છે ? આપણા ખાનદાન વિશે તું જાણે છે કઈ ?"

"બાપુ કયા ખાનદાનની વાત કરો છો તમે ? એ ખાનદાન એ સમાજ જેમાં તમારી અપંગ બહેનને પરણાવવા માટે દાદાએ એક ગામ બાકી રાખ્યું નહોતું ? આખરે ફોઈને કોણ લઈ ગયું ? જેનું એક વાર છૂટટુ થયું હતું એ માણસ લઈ ગયો ને કોઈ ખાનદાની માણસ લઈ ગયો ખરા ? કેમ ફોઈ બ્રાહ્મણ નહોતી ? એનો વાંક એટલો કે એ બિચારી અપંગ હતી ?"

"રાજુ........ તું હદ પાર કરે છે. એ આપણી અંદરની વાત છે સમાજની વાત સમાજમાં રહે એમાં બીજી જાતની વાત ન આવે. એ અશુદ્ધ છોકરી છે સો વાતની એક વાત."

"વાહ બાપુ વાહ ! એ અશુદ્ધ અને આપણે શુદ્ધ ? અરે એ ભણેલી ગણેલી છે. એણીએ કદી માંસાહાર કર્યો નથી. એના બાપુ પણ દારૂ કે એવી કોઈ ચીજનો નશો નથી કરતા તો એ અશુદ્ધ કઈ રીતે કહેવાય ? ફક્ત એ ઘરમાં જન્મી એટલે ? ફક્ત એ જાતમાં જન્મી એટલે ?"

"તું ભણ્યો એટલે હવે તારા બાપને લેક્ચર આપીશ ?" કહી બાપુએ મને લાફો મારી દીધો. મારી મા દરવાજામાં ઉભી ઉભી બંને હાથ મોઢા ઉપર દઈને તમાશો જોઈ રહી. એ પણ બાપુની રૂઢિચુસ્ત માનસિકતા જાણતી હતી.

"ખેર બાપુ આ તમારું ઘર છે એમાં મારો હક નથી પણ હું સાવિત્રી સાથે ભાવનગર રહેવા જતો રહીશ પછી તમને કોઈ તકલીફ નહિ થાય." મેં આખરે એ રસ્તો વિચાર્યો હતો.

"તો બીજા દિવસે અહીં ગામમાં મારી લાશ દેખીશ. હું ઝેર ખાઈને મરી જઈશ પણ ગામમાં સમાજમાં આવી બદનામી સહન નહી કરું....."

એ ચર્ચા મેં ત્યાં જ છોડી દીધી હતી. મને ખબર હતી કે બાપુ જે કહે એમાં રતીભાર ફરક ન આવે. હું મારા બાપનો હત્યારો કઈ રીતે બની શકું ? અને મેં સાવિત્રીને પત્ર લખ્યો હતો. એને ખૂબ સમજાવી હતી. પણ છતાં હું એને મોઢા મોઢા થઈ શક્યો ન હતો. પ્રેમમાં મેં મારી હદ વટાવી દીધી હતી હવે એને કઈ રીતે મોઢું બતાવવું !

મારા બાપુએ મારા લગન એમના જેવા જ રૂઢિચુસ્ત ઘરે કરાવ્યા. અને બાપુ જેવી જ અદ્દલ સ્વભાવની મંજુલા મને મળી.

આખેઆખા પચ્ચીસ વર્ષના પોપડા એક જ સેકંડમાં ઉતરી ગયા. ત્રણ ફૂટનું અંતર હું કાપી ન શક્યો. ત્યાં જ ખોડાઈ રહ્યો.

"ત્રિવેદી તું ક્યાંથી આવ્યો અહીં ?" સાવિત્રી પણ મને ઓળખી ગઈ. મેં એને સૂરજના અકસ્માત અને અમૃતે લોહી આપવાની તૈયારી બતાવી એ વાત કરી અને એકાએક જ મારા ધ્યાનમાં આવ્યું કે સાવિત્રીની સાડી સફેદ હતી.

"સાવિત્રી તું વિધવા ક્યારે થઈ ?"

"રાજુ તને ખબર ક્યાંથી હોય તું તારા ગામમાં હતો ને પણ વિધવા તો હું લગનના પાંચમા મહિને જ થઈ ગઈ હતી. એમને છકડો હતો. એ ભણેલા નહોતા. છકડામાં એકવાર નાળા ઉપર જનાવર આડુ આવ્યું રાત હતી એટલે દેખાયું નહિ અને છકડો નાળા પરથી બાજુની ચોકડીમાં પડ્યો. એમાં એ ગુજરી ગયા......"

તે બીજા લગન ન કર્યા ? એ સવાલ મારાથી પૂછયો નહિ કેમ કે સાવિત્રીએ પહેલા લગન જ ફક્ત મા બાપ માટે કર્યા હતા. અમારે થોડી વાત થઈ. મંજુલા વિશે સૂરજ વિશે અને અમૃત વિશે. આખરે હું ઉભો થયો.

"સાવિત્રી મને હજુ માફ કર્યો નથી ને તે ?" મેં અવળા ફરીને પૂછ્યું.

"માફ તો હું શું કામ ન કરું રાજુ ? પણ ચિંતા ન કરતો કે તારા સૂરજના શરીરમાં દલિતનું લોહી રેડવું પડ્યું એવી ચિંતા જરાય ન કરતો."

"આ શું બોલે છે સાવિત્રી ? તું મને ખરેખર આવો માને છે ? એ બધું મારા બાપુજીને લીધે થયું એમાં તું મને મારા બાપ જેવો સમજી લે એ ઠીક નથી સાવિત્રી...." મારી આંખો ભીની થઇ આવી.

"ના રે ના હું તને કઈ નથી કહેતી પણ હવે તું આખી જિંદગી આમ રહ્યો. તારી પત્ની મંજુલા તારા ઘરના નોકરને પણ ભગવાનના ઓરડામાં નથી જવા દેતી તો એના દીકરાના શરીરમાં અમારું લોહી પ્રવેસે એ તો મંજુલા માટે મોટો આઘાત કહેવાય. એ તો એમ જ સમજે ને કે મારો દીકરો હવે અભડાઈ ગયો ?"

"એને કોણ કહેવાનું છે પણ સાવિત્રી ? અને તું આ બધુ મને સંભળાવે છે એનો અર્થ એ જ થાય છે કે તું મને નફરત કરે છે હજુ...." મેં આંખો લૂછીને કહ્યું.

"નફરત કેમ થાય ? પણ રાજુ તે આખી જિંદગી રૂઢિચુસ્ત લોકો વચ્ચે કાઢી છે તો હવે આ ઉંમરે તને એમ તો થાય જ ને કે નાતના ભેદને લીધે તું મને પરણી ન શક્યો પણ આખરે તારે મારા દીકરાનું લોહી લેવું પડ્યું ? એ અફસોસ તને ન થાય એટલે કહું છું કે એક ભાઈનું લોહી બીજો ભાઈ લે એમાં કઈ અફસોસ જેવું નથી....."

એ બોલી અને મારા હૃદયમાં જાણે ધબકારા બંધ થઈ ગયા હોય એમ મને લાગ્યું. ત્યાં જ દરવાજામાં અમૃત આવ્યો. સાવિત્રીના છેલ્લા વાક્ય ઉપર હું કશું બોલી ન શક્યો.

"અરે તમે ઉભા કેમ છો બેસો અને ડોકટરે કહ્યું છે કે સૂરજને હવે કોઈ જોખમ નથી....." અમૃતે કહ્યું અને એની માને ઉભી કરી. એમનો કશુંક સામાન લીધો અને મારી સામે ફરીને કહ્યું, "ચલો ક્યારેક મળીશું....."

બંને મા દીકરો બહાર ગયા. હું એમને જતા જોઈ રહ્યો. હું જીવનમાં હમેશા ઘવાયો જ છું. એ દિવસે પણ હું અમૃતના માથે હાથ ન ફેરવી શક્યો. ન તો સાવિત્રીની પૂછી શક્યો કે તને ખબર હતી કે તું મા બનવાની છે તો મને વળતો પત્ર કેમ ન લખ્યો ? પણ કદાચ ત્યારે એ પણ નહીં જાણતી હોય. તો શું હશે એવું ? એને કેમ ખબર કે અમૃત એના પતિનો નહિ મારો...... શુ એના પતિએ એને કદી સ્પર્શી નહિ હોય ? શુ એણીએ એના પતિને કહ્યું હશે કે હું ફક્ત મા બાપ માટે પરણીને આવી છું ? શુ હશે ? શુ હશે ? શુ હશે ?

ભયાનક ગૂંગળામણથી પીડાતો હું ત્યાં જ બેડ ઉપર ફસડાઈ ગયો. જે હોય તે પણ હું ન તે દિવસે સાવિત્રીને અપનાવી શક્યો ન આજે અમૃતના માથા ઉપર હાથ સુદ્ધાં ફેરવી શક્યો.....! જેમ સાવિત્રીને એની નાતમાં જન્મી એની સજા વગર ગુને મળી એવી જ રીતે મને પણ વગર ગુને બસ અહીં જન્મ્યો એની સજા મળતી રહી છે !

કાશ! કે એ મને ફરી ન મળી હોત દવાખાને તો આ બીજો ઘા ન લાગોત. એણીએ કઈ રીતે એક સ્ત્રી તરીકે આટલા દુઃખો વેઠયા હશે એની તો કલ્પના પણ ભયાનક છે !

@ વિકી ત્રિવેદી