Gallo - ek hrudaysparshi laghukatha books and stories free download online pdf in Gujarati

ગલ્લો : એક હ્રદયસ્પર્શી લઘુકથા

ગલ્લો

લઘુકથા

@ વિકી ત્રિવેદી

આશિષ રૂમમાં ગયો. બેડ ઉપર ચડીને માળિયામાં જુના ફોટાઓનું ફોલ્ડર કાઢવા હાથ નાખ્યો કે ઉપરથી ગલ્લો ગબડીને નીચે પડ્યો. ગલ્લો ફૂટ્યો અને અંદરથી સિક્કા ઉછળયા. થોડીક નોટો વેરાઈ. જાણે વર્ષોથી સંઘરી રાખેલું બધું વેરાઈ ગયું હોય એમ આશિષ નીચે ઉતર્યો અને સિક્કા તેમજ નોટો ભેગી કરીને મૂકી. ગલ્લાનાં ટુકડા ( ઠીકરીઓ ) એકઠી કરીને પાસે મૂકી. એ જ ગલ્લો જેના નાનકડા પોલાણમાં પૈસા તો ઓછા ભેગા થઇ શકે પણ આખેઆખું બાળપણ એમાં સમાઈ જાય છે. યાદો, માસુમ ઘટનાઓ, નિર્દોષ પ્રેમ, બાળ બુદ્ધીના સ્મરણો, નાના હાથે મોટી લાગતી બે રૂપિયાની નોટ વગેરે વગેરે ખબર નહિ કેટલું નાનકડા ગલ્લાના પોલાણમાં ભરાઈ જાય છે. ગલ્લો જાણે આખેઆખો સાગર છે. પણ એમાંની યાદો ઘણીવાર દુખ પણ આપે છે. એમાંથી નીકળતી યાદોની નદી ક્યારેક કાળા પાણીની પણ હોય છે. ક્યારેક શાંત નદી જેવી યાદો નીકળે છે તો ક્યારેક ભયાનક વેગીલી પુરપાટ ધસી આવતી ખેદાનમેદાન કરી મુકતી તોફાની નદીશી યાદો ધસી આવે છે. આશિષ ઉપર આજે એ યાદોના સાગરરૂપી ગલ્લામાંથી એવી જ નિર્દય નદીઓ તૂટી પડવાની હતી.

આરતી આશિષ અને કૃપા કરતા મોટી હતી. એના લગ્ન થયા ત્યારે આશિષ બાર વર્ષનો હતો. વિદાય વખતે એણે ગલ્લો ફોડીને બહેનને આપવા કહ્યું પણ આરતીએ એને રોક્યો અને કહ્યું હતું, "આ જમાનામાં મારા લગન તો ઓછા ખર્ચે થઈ ગયા છે. પણ કૃપાના લગન સમયે ખર્ચ વધારે આવશે એ માટે પપ્પાને ક્યાંય ઓસીયાળા ન થવું પડે એની જવાબદારી હવે તારા ઉપર છે. આ ગલ્લો રાખ અને રોજ ગલ્લો જોઈને દીદીની વાત યાદ રાખજે..."

પણ કૃપા માટે તો કોઈ ખર્ચ જ ક્યાં કરાવાનો આવ્યો? એ કોલેજમાં કોઈ છોકરા જોડે ભાગી ગઈ. આશિષ ગલ્લાનાં ટુકડા અને સિક્કા જોતો રહ્યો. એની આંખોમાંથી આંસુ પડતા રહ્યા. કૃપા એના કરતાં ત્રણ વર્ષ નાની હતી. આરતી એના કરતાં છ વર્ષ મોટી હતી. નાના હતા ત્યારે આરતી અને આશિષ ગલ્લામાં પૈસા નાખતા પણ કૃપા તો જે પૈસા ઘરથી મળે કે મહેમાન આપે એની ચોકલેટ ખાઈ જતી. છતાંય જ્યારે ગલ્લો ફોડતા ત્યારે આશિષ અને આરતી એમાંથી એક ભાગ કૃપાને આપતા.

ઉપર પંખો ફરતો હતો અને ગલ્લામાંથી નીકળેલી પેલી નોટો ફરફરતી હતી. જાણે એનેય ઉડી ન જવું હોય ? પણ એ ન ઉડી. એ બંધનમાં રહી હતી છતાંય ન ઉડી અને કૃપાને બધી જ સ્વતંત્રતા આપી હતી છતાંય એ..... એ તો માળો છોડીને પંખીની જેમ ઉડી ગઈ.

એક એક સ્મૃતિ એ ગલ્લા સાથે જોડાયેલી બધી જ સ્મૃતિઓ તાજી થતી રહી. આશિષ આંખો લૂછતો રહ્યો. બહાર એના પિતા ચંદ્રકાન્ત કહેતા હતા, "સમાજની આબરૂ તો ઠીક મને કોઈ ફેર નથી પડતો પણ આ આરતી અને આશિષે એને બધું આપીને બગાડી હતી એનો આ દિવસ છે. એ છોકરાના મન ઉપર કેવી વીતતી હશે રેખા ? તને ખબર છે એ આખાય ગામમાં જ્યારે કોઈ છોકરી ભાગી ગયાનો કિસ્સો બનતો ત્યારે બધાને કહેતો મારી બહેનને તો ભાગવાનું સપનું પણ ન આવે....!"

પિતાના એ શબ્દો દરવાજાની તડમાંથી આવ્યાં અને એ ફસડાઈ પડ્યો. એના ડુસકાથી ગલ્લામાંથી નીકળેલી નોટો ધ્રૂજતી હતી.....!

અર્ધું ખેંચી કાઢેલું ફોટાનું ફોલ્ડર ( આલ્બમબ ) જાણે સમજતું હોય કે ફોટા જોઈને આ વધારે ભાંગી પડશે. પરી જેવા નાનકડી કૃપાના ફોટા જોઈ એ સાવ તૂટી જશે, એટલે એ પડ્યું નહિ. સમયના ચક્ર જેવા પંખાના પાંખિયા બળવાખોર હવા ફેંકતા હતા પણ એ ફોલ્ડર પવન સામે ટક્કર લેતું રહ્યું....!

@ વિકી ત્રિવેદી