mane kon samajashe ? books and stories free download online pdf in Gujarati

મને કોણ સમજશે?

મને કોણ સમજશે?

પરણી ને સાસરે આવી. જાણે મારા શબ્દો ને હું તો પિયર મુકીને આવી. મન વિચારો ની ચકડોળે ચડ્યું હતું. અત્યાર સુધીની મારી જીંદગી જાણે એક સાડા ત્રણ કલાક ની પૂરી ફિલ્મ ની જેમ મારા નેત્રપટલની સામે થી પસાર થઇ રહી હતી. એવું લાગતું હતું જાણે હું ફ્લેશ બેક માં જીવી રહી હતી.

ધીરે ધીરે પણ બિલકુલ સાફ , એક એક ઘટના અને તેની સાથે જોડાયેલા અનેક પાત્રો, પૂરી ઈમાનદારી થી એમનો રોલ જાણે મારી સામે ભજવી રહ્યા હોય તેવું લાગતું હતું.આ પૂરી ફિલ્મની જાણે હું ડીરેક્ટર હતી. પણ આ શું?...... અહિયાં ક્યાં કોઈ મારું સાંભળતું હતું. બધા પોત પોતાની રીતેજ ડાયલોગ બોલી રહ્યા હતા અને અભિનય પણ એમની મરજીનો જ કરી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે આ અનેક પાત્રો ને હું મારી રીતે સૂચનાઓ આપું અને બધા જ મારા કયા પ્રમાણે કરે.આખરે તો હું આ ફિલ્મ ની ડીરેક્ટર છું! જીભ અચાનક જ બહુ ભારે અને વજનદાર લાગતી હતી. પુરા પ્રયત્ન છતાં જાણે કઈ બોલી જ શકાતું નહોતું. માત્ર શુંન્યવકાશ.. પણ....છેલ્લા એક મહિના થી મારા પપ્પાના ઘેર કેટલી દોડ ધામ હતી. જાણે બધાજ બોલ બોલ કરતા હતા. અને કોઈ જ સાંભળતું નહોતું. શું કામ દોડ્યા કરે છે ? એવું પૂછીએ તો કોઈ જવાબ આપતું નહોતું. શું લેવા જાવ છો? તો કોઈ જવાબ નહિ. હા પણ બધાના મન માં એકજ ધ્યેય હતું . શું ?તો કે દીકરી પરણાવી ને સાસરે મોકલવી છે.

ધીરે ધીરે ઘર માં બધો સામાન ખડકી રહ્યો હતો. હજી સુધી ક્યારેય નાનું ન લાગેલું ઘર આજે નાનું લાગવા લાગ્યું હતું.ઘર હવે ઘર નહિ , દુકાન લાગવા લાગ્યું હતું . લગ્ન ના સામાનનો ઘર માં અંબાર લાગ્યો હતો. એક બાજુ કપડા નો મોટો ઢગલો પડ્યો હતો તો બીજી બાજુ કારીયાણા નો સમાન હતો.

એક બાજુ મંડપ ડેકોરેસન વાળો બુમો પડી ને તેના માણસો ને ઉતાવળ કરવા કહી રહ્યો હતો. આ બાજુ ફૂલોવાલો લગન ગીત ગાતા ગાતા તોરણ બાંધી રહ્યો હતો. ઊંડે ઊંડે મને પણ લાગવા લાગ્યું કે હું આ ફિલ્મની ડીરેક્ટર તો નથી કારણ કોઈ મારી વાત ને માની નથી રહ્યું. પણ હા.. હું આ ફિલ્મ નું મુખ્ય પાત્ર તો જરૂર થી છું.બધા જ લોકો નું ધ્યાન થોડી થોધી વારે મારા તરફ જતું હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી. હવે મારે કામ કરવું હતું. પણ જેવું હું કોઈ કામ કરવા લઉં કે લોકો આવીને મારું કામ એમના હાથ માં લઇ લેતા અને મને શાંતિ થી એક જગ્યા એ બેસી જવાની સુચના આપતા . લોકો આવું કેમ કરતા હતા ? ખબર નહિ. આજે બધાના કપડા જે લગ્ન માં પહેરવાનો હતા તે આવ્યા હતા. બધા પોત પોતાના કપડા લઈને પહેરી જોતા હતા. અને મનોમન ખુશ થતા હતા કે અરે વાહ લગ્નમાં આ વખતે તો હું ખુબ સુંદર દેખાઇશ. આપણો તો વટ્ટ પડી જવાનો છે.

હું કશુય બોલતી નહિ, છતાય જાણે બધાય મને સમજતા હતા એવું લાગતું હતું. ક્યારેક તો મનેય એવું લાગતું કે શું મારે બે મન છે? એક મન તો સાસરીયે જવા બહુ ઉત્સુક અને અધીરું હતું. અને બીજું મન એમ વિચારતું કે શું મારા ઘર ના સભ્યો મને અહી થી કાઢવા આટલા ઉતાવળા બન્યા છે? શું એમને હવે મારી કઈ જરૂર નહિ હોય? મન માં વિચારો ના જોરદાર પવન ફૂંકાતા હતા. જાણે ધૂળ ની મોટી મોટી ડમરીઓ ઉડતી. હું આં ડમરી ઓની મધ્યમાં છું. મારી આંખો બંધ છે. રસ્તો જોવાની કોશિશ કરું છું પણ કઈ દેખાતું નથી બધુજ હવે ધૂંધળું લાગે છે. પણ હાશશશ....બહાર તો બધીજ દોડ ધામ ખતમ થાય ગઈ. કેવી નીરવ શાંતિ ...ને હું સાસરે આવી ચુકી છું. પણ....અંદર તો તોફાન હજી યથાવત છે. કોને કહું? માં ને ? પપ્પા ને ? ભાઈ ને કે મોટી બેન ને ? પણ અહિયાં તેઓ ક્યાં છે? કોને કહું ? મને કોણ સમજશે?

બસ........ એટલું વિચારતા વિચારતા તો ૨૦ વર્ષ વીતી ગયા. મારી દીકરી નિશા ૧૮ વર્ષની થઇ ગઈ. કાલે કોલેજ જતા, તેના લાલચટાક કપડા જોઈ બોલી. “ નીશા બેટા આવા કપડા?” તો એનો જવાબ હતો મમ્મી તું નહિ સમજે !!! કાલે મારો દીકરો ધ્રુવ મને પૂછ્યા વગર જ મોંઘો મોબાઈલ લઇ આવ્યો. પૂછ્યું તો જવાબ “ મમ્મી તું નહિ સમજે !!! બંને બાળકોની વાત જયારે તેમના પપ્પા ને કરી, તો બોલ્યા “ બાળકો મોટા થઇ ગયા છે. જવા દે તું નહિ સમજે !!!. મને થયું લાવ ફોન કરીને મારી મમ્મી ને જણાવું. ટ્રીંગ...ટ્રીંગ..હેલ્લો મમ્મી..આખી વાત મમ્મીને જણાવી. બેતાલીશ મિનીટ વાત કર્યા પછી મમ્મી બોલી “ શાલીની ....છોડ ને હવે તને નહિ સમજાય !!!

હે ભગવાન.....આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું મને કેમ નહિ સમજાય ? આ દુનિયા માં બધાય લોકો મને નહિ સમજાય ...મને નહિ સમજાય એવું કેમ બોલ્યા કરે છે? પૃથ્વી પરના લોકો આટલા સ્વકેન્દ્રી કેમ બનતા જાય છે? શું આ દુનિયા ના લોકો ક્યારેય મને સમજશે? શું આ દુનિયા ના લોકો ક્યારેય કોઈ સ્ત્રી ને સમજશે? ખરેખર એક સ્ત્રીની જિંદગી બીજાથી એકદમ નિરાળી છે. એક સ્ત્રીની આશાઓ અનેક છે. તેના શોખ અનેક છે. તેના રંગ અનેક છે . તેની અદાઓ અનેક છે. તેના કામ અનેક છે, તેની તકલીફો અનેક છે. તેની શક્તિ અખૂટ છે.એક જ જીંદગી માં અનેક રોલ ભજવે છે. વળી પછી બધા જ રોલ માં ફીટ બેસે છે. જન્મ થી લઇ ને મૃત્યુ સુધી અનેક સંબંધો ની સાક્ષી બને છે.ક્યારેક બેટી બનીને, ક્યારેક માં બનીને, ક્યારેક દાદી બનીને,ક્યારેક બેન બનીને, તો ક્યારેક ફોઈ બનીને. આ બધા જ રોલ માં તેને કરેલા કર્યો માં એક કામ સર્વ સામાન્ય છે . એ કે..આ પુરુષ સમાજ જાણે લુપ્ત થવાનો હોય તેવી રીતે આ પ્રજાતિનું રક્ષણ અને સંવર્ધન કર્યું છે.સાચું કહું તો જેમ કોઈ વ્યક્તિ ક્યારેય પૂર્ણ નથી હોતી તેમ દુનિયા ક્યારેય કોઈ સ્ત્રી ને પૂર્ણ પણે સમજી નહિ સકે. સ્ત્રી દૈવીય શક્તિ છે. તેને જેટલી નજીક થી સમજી સકાય તેટલું ઘણું કેવાય બાકી સ્ત્રી તો સમંદર છે. એક કિનારો જોયો તો ધન્ય થઇ જાવ, બીજો કિનારો ઘણો દુર છે. હવે થાકી ગયી છું પણ જિંદગી એ એટલું શીખવાડી દીધું કે આ સવાલ જ યોગ્ય નથી કે મને કોણ સમજશે ? બીજાને સમજવા પ્રયત્ન કરો. સામા વાળા આપો આપ જ તમને સમજવનોપ્રયત્ન કરશે.

( નોંધ:ઘટના, નામ બધુજ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જોડાણ કે સામ્ય નથી.)

- દિનેશ પરમાર