Premno triveni sangam books and stories free download online pdf in Gujarati

પ્રેમનો ત્રિવેણી સંગમ

મહારાષ્ટ્રનાં કોંકણ પ્રદેશની વાત છે. વર્ષ ૧૯૩૦. આ વર્ષે કોંકણમાં છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી ભયંકર દુકાળ પડ્યો હતો. પ્રજા મહેસૂલ ભરી શકે તેમ ન હતી.

વિશ્વનાથ કોંકણનો જાગીરદાર હતો. તે યુવાન અને ચહેરે  સોહામણો લાગતો હતો. સ્વભાવે ઉદાર. પિતા મૃત્યુ પામતાં  તેમની જાગીર ૨૫ વર્ષની ઉંમરે તેનાં હાથમાં આવી. તેણે યુવાન ઉંમરમાં પણ જાગીરદાર તરીકેની ફરજ સારી રીતે નિભાવી. કોંકણના મહેસુલી અધિકારીનું નામ વિસ્ટન હતું. વિશ્વનાથ વિસ્ટનનાં બંગલે મહેસૂલ માફ કરવા વિનંતી કરવા ગયો. વિસ્ટન સ્વભાવે કઠોર હતો અને તે વાઇસરોયનાં હુકમનો કડકપણે પાલન કરતો. તેને ભારતીય લોકો પસંદ ન હતાં.

વિસ્ટનનાં લગ્ન હમણાંજ હેલન નામની સ્વભાવે ઉદાર અને સુશીલ સ્ત્રી સાથે થયાં હતાં. હેલન અનાથ હતી. હેલનનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં અને તેમની અપાર સંપત્તિ હેલનનાં નામે હતી. હેલનને વિસ્ટન સાથે ઘણાં મતભેદ હતાં. હેલન અને વિસ્ટન વચ્ચે છૂટાછેડાની વાત પણ થઈ ગઈ હતી. બસ હવે હેલન એક વિશ્વાસુ અને સુંદર પાત્રની શોધમાં હતી.

વિશ્વનાથ અને વિસ્ટન વચ્ચે ૧ કલાક સુધી ચર્ચા ચાલી પણ વિસ્ટન ન જ માન્યો. વિશ્વનાથે પોતાની તમામ જાગીરો વેચીને જે ૪૦ ટકા જેટલી રકમ ઉપજે તે તમામ ભરીને બાકીનું ૬૦ ટકા મહેસૂલ માફ કરવાની વિનંતી કરી છતાંય કાંઈ જ મેળ ન પડ્યો. વિસ્ટનમાં ઉદારતાનો એક દાણો પણ ન હતો. વિસ્ટન સંપૂર્ણ મહેસૂલ રકમની વસૂલી પર અડ્યો રહ્યો, આથી વિશ્વનાથે ખાલી હાથે ઘરે પાછા જવું પડ્યું. આ બધું જ હેલન બેઠકરૂમની બારીમાંથી જોઈ રહી હતી. તે કોંકણનાં ભયંકર દુકાળની સમસ્યાથી વાકેફ હતી, તે વિશ્વનાથની પોતાની જાગીર વેચીને ૪૦ ટકા મહેસૂલ ભરવાની વાત સાંભળી દંગ રહી ગઇ. તેને પ્રશ્ન થયો કે ;

" કોઈ વ્યક્તિને પોતાની પ્રજા પ્રત્યે આટલો પ્રેમ કંઈ રીતે હોઈ શકે ? "

અને એ પણ એક જાગીરદારને !
હેલને અત્યાર સુધી ઘણાં બધાં જાગીરદારને પોતાની પ્રજા પર અત્યાચાર કરતા જોયા હતાં.

તેણે આજ સુધી અંગ્રેજો વચ્ચે રહીને ફક્ત સ્વાર્થ જ નિહાળ્યો હતો. બીજા દિવસે વિશ્વનાથનાં ઘરે વિસ્ટને તેને બંગલે બોલાવ્યો છે તેવો પત્ર આવ્યો. વિશ્વનાથ બંગલે ગયો ત્યારે ખબર પડી કે વિસ્ટન ઘરે હતો જ નહીં. હેલન એકલી જ બેઠકરૂમમાં બેઠી હતી. વિસ્ટન કોઈ કામથી બહાર હોવાથી ચાર-પાંચ દિવસ પછી ઘરે આવવાનો હતો.

હેલને વિશ્વનાથને અંદર બોલાવ્યો અને કહ્યું;

" મેં જ તમને વિસ્ટનનાં નામે બોલાવ્યા હતાં "

વિશ્વનાથ - કેમ, મારું તમને શું કામ પડ્યું ?

હેલન - મહેસૂલ બાબતે ચર્ચા કરવી છે. વિસ્ટન સ્વભાવે કઠોર છે. મેં તેને મનાવવાનો ખુબજ પ્રયત્ન કર્યો પણ તે ન માન્યો.

વિશ્વનાથ - મને ખબર છે. તે નહીં જ માને. હવે શું ?

હેલન - તમે ૪૦ ટકા રકમ ભરવા તૈયાર છો તે ખુબજ સારી વાત છે. આપનો આપની પ્રજા પ્રત્યેનો પ્રેમ વખાણવાં લાયક છે. હું આપના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ છું.

વિશ્વનાથ - આભાર. આ મારી પ્રજા પ્રત્યેની ફરજ છે. હવે મને રજા આપશો ?

હેલન - ના. હજી તો ઘણી વાત કરવાની છે. હું શ્રીમંત કુટુંબમાંથી આવું છું. મારા નામે ઘણી સંપત્તિ છે. હું બાકીની ૬૦ ટકા રકમ ભરવા તૈયાર છું.

વિશ્વનાથને આ વાત સાંભળી પ્રથમ ઝટકો લાગ્યો !

તેણે ક્યારેય હેલનને જોઈ પણ ન હતી. આ તેમની વચ્ચેની પ્રથમ મુલાકાત હતી. તેણે ફક્ત હેલનનું નામ જ સાંભળ્યું હતું. વિશ્વનાથ પણ વિચારવા લાગ્યો કે;

"કોઈ સ્ત્રી અને એ પણ અંગ્રેજ તેમને કોઈ પણ જાણ પહેચાન વગર કેમ મદદ કરે ?"

વિશ્વનાથ આશ્ચર્યના ભાવથી હેલનને જોઈ રહ્યો. તેને કશું જ સમજમાં આવતું ન હતું. તેની પાસે હેલનનો આભાર માનવા શબ્દો ન હતાં. તેને હેલન પાસે આવી અપેક્ષા કયારેય ન હતી. તે હેલનનાં વ્યક્તિત્વથી આભો બની ગયો. હેલન પણ થોડો સમય ચૂપ રહી. પાંચેક મિનિટ પછી વાત શરૂ થઈ.

વિશ્વનાથ - તમારો આ ઉપકાર હું સાત જન્મ સુધી નહીં ભૂલું.

હેલન - જો તમે મારી સાથે લગ્ન કરવા ઇચ્છતા હોવ તો તમારે સાત જન્મ સુધી આ ઉપકાર યાદ રાખવાની કોઈ જરૂર પણ નથી. હેલન આ વાક્ય તીરમાંથી છૂટતા બાણની માફક બોલી ગઈ.

વિશ્વનાથને આ સાંભળી બીજો ઝટકો લાગ્યો !

વિશ્વનાથને કંઈજ સમજાતું ન હતું. તે અસ્વસ્થ બની ગયો. તેણે પાણી માંગ્યું. હેલનનો અંગત નોકર જેમ્સ પાણી લઈ આવ્યો. વિશ્વનાથે પાણી પીધું. થોડી વાર વાતાવરણ શાંત રહ્યું. વિશ્વનાથ ઘણું બધું વિચાર્યા બાદ બોલ્યો;

" પણ તમે તો વિવાહિત છો "

હેલને માંડીને વાત શરુ કરી.

હેલન - મારા અને વિસ્ટનના સાચા અર્થમાં લગ્ન નથી થયાં. અમે ફક્ત સાથે રહીએ છીએ. અમે લંડનમાં પાસે જ રહેતા હતાં. મને પહલેથી ભારતનાં લોકો સાથે રહેવું ગમતું હતું. મને ભારતીય સંસ્કૃતિ ગમે છે તેથી હું ભારત આવવા માંગતી હતી.

આ સમયે ભારતમાં કેટલાક અંગ્રેજ અધિકારીની જરૂર હતી. લંડનમાં તેમની ભરતી થઈ રહી હતી. વિસ્ટનનું સ્વપ્ન બાળપણથી જ એક અધિકારી બનવાનું હતું. વિસ્ટને તમામ પરીક્ષા પાસ કરી દીધી પણ ભારત અધિકારી તરીકે જનાર વ્યક્તિ પરણેલો હોવો જોઈએ અને તેણે પોતાના પરિવાર સાથે બ્રિટિશ સરકાર મોકલે ત્યાં રહેવાનું હતું તેવો નિયમ હતો કેમકે સ્વાભાવિક રીતે તે અધિકારીઓએ હવે ભારતમાં જ રહેવાનું હતું. વિસ્ટન અને હેલન બંને ભારત જવા માંગતા હતાં તેથી તેમણે ભારત જઈને છૂટાછેડા લઈ લેવાની શરતે સગવડિયા લગ્ન કરી લીધા. તેઓ એક બીજાને ક્યારેય પ્રેમ નહોતાં કરતા. બંનેનો સ્વભાવ અલગ હતો. હેલન હંમેશાં અલગ બેડરૂમમાં સૂતી. હેલનનો નોકર જેમ્સ આ બાબતનો સાક્ષી હતો.

વિશ્વનાથ પણ હેન્ડસમ યુવાન હતો. તેને પણ પ્રથમ નજરમાં જ હેલન તરફ આકર્ષણ લાગ્યું. તે પણ હેલનની ઉદારતા જોઈ આભો બની ગયો. વિશ્વનાથે સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછ્યો ;

" તમે મને જ કેમ પસંદ કર્યો ? "

હેલન - તમને પસંદ ન કરવાનું કોઈ કારણ જ નથી. મેં તમને પહેલા પણ ગામમાં ગરીબ લોકોને મદદ કરતા જોયા છે. પુર વખતે પણ તમારી હવેલી જ હજારો લોકોનો શામિયાનો બની હતી. તમે મને આજે જોઈ, પણ હું તમને ઘણા સમયથી જોઉં છું.

વિશ્વનાથ - તારીફ બદલ આભાર, પણ હવે તમામ જાગીર વેંચતા જ મારી પાસે કોઈ જ સંપત્તિ રહશે નહીં. હું ફકીર બની જઈશ.

હેલન - હું પણ ૬૦ ટકા મહેસૂલ મારી સંપત્તિ વેચીને ભરીશ એટલે મારી પાસે પણ હવે અમુક નાની રકમ સિવાય કંઈ જ બચશે નહીં અને એમ પણ મને પૈસામાં કોઈ જ રસ નથી. હું પણ ફકીર. તમે પણ ફકીર.

બંને હસી પડ્યા. બંન્નેની કેમેસ્ટ્રી મેળ ખાતી હતી એટલે તરત જ ખુબજ ઓછા સમયમાં તેઓ એક બીજાને ઓળખી ગયા. બંને છૂટા પડ્યાં.

ત્રીજે દિવસે વિસ્ટન આવતાં જ હેલને તેની સામે પોતે ૬૦ ટકા મહેસૂલ ભરવાની વાત કરી. વિસ્ટનને આ પસંદ ન આવ્યું પણ હેલને પોતાની અંગત સંપત્તિ વેચીને મહેસુલ ભરવાનું હતું તેથી તે કંઈ જ ન બોલી શક્યો. હેલને ૬૦ ટકા રકમનો ચેક વિશ્વનાથનાં હાથમાં આપ્યો. મહેસૂલ ભરવાની અંતિમ તારીખને હજી અઠવાડિયું બાકી હતું. વિશ્વનાથે પણ તેની તમામ સંપત્તિ એક અંગ્રેજ વેપારીને વેચી તેની પાસેથી ૪૦ ટકા રકમનો ચેક લીધો. બંને ચેક ખુબજ મોટી રકમનાં હતાં તેથી વિશ્વનાથે સાચવીને રાખ્યાં.

બીજી તરફ હેલન અને વિશ્વનાથનાં સબંધ વધુ ને વધુ મીઠા થતા હતાં. એક વખત હેલન વિશ્વનાથની હવેલીએ આવી. બંને એકલા હતાં. વાતચીત કરવામાં રાત પડી ગઈ ખબર જ ન પડી. રસ્તો જંગલમાંથી થઈને જતો હતો તેથી જોખમ ન લેતા હેલને ત્યાંજ રોકાવાનું પસંદ કર્યું. આમ પણ બંનેને હજી પણ  છુટા થવાનું મન ન હતું. બંને એક જ રૂમમાં રહ્યાં. બંને લગ્ન પહેલા જ એક બીજાની ખૂબ નજીક આવી ગયાં. વાત આગળ વધી.

હેલનને ખબર પડી કે તે પ્રેગનન્ટ છે પણ હજી તેના અને વિશ્વનાથના લગ્ન ન થયા હોવાથી તેણે વિશ્વનાથ સિવાય આ વાત કોઈને ન કીધી. તેમનો પ્રેમ પવિત્ર હતો. તેમણે તો બાળકનું નામ પણ વિચારી લીઘું હતું. હેલનને ભારતીય નામ પસંદ હતાં. છોકરો થાય તો વિશ્વાસ અને છોકરી થાય તો વિશ્વા.

વિસ્ટન તેના કામમાં ખુબજ વ્યસ્ત રહેતો. તેને ફક્ત મહેસૂલની વાત જ ખબર હતી. હેલન વિશ્વનાથ સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે તેનાથી તે અજાણ હતો. હેલને જાતે જ વિસ્ટનને છૂટાછેડા આપી વિશ્વનાથને પરણવાની વાત કરી. વિસ્ટનને એમાં કોઈ વાંધો ન હતો પણ તેના દેશની અંગ્રેજ સ્ત્રી કોઈ ભારતીયને પરણે એ બાબત તેને ખટકતી હતી પણ હેલન સામે તેનું કાંઈ જ ચાલે તેમ ન હતું. તેથી તેણે હાલ પૂરતી હા પાડી. વિસ્ટન ભારતીયોને અર્ધજંગલી અને ગધેડાં સમક્ષ ગણતો હતો. તેને વિશ્વનાથની ઈર્ષ્યા થઈ.

મહેસૂલની અંતિમ તારીખ પહેલા વિશ્વનાથે બંને ચેક લઈ  જઈ તમામ મહેસૂલ ભરી દીધું. પાછા આવતી વખતે રસ્તામાં કેટલાક ડાકુઓએ તેને કેદ કર્યો. અસલમાં વિશ્વનાથને હેલનની નજરમાં ચોર સાબિત કરવા માટે ડાકુઓ દ્વારા કેદ કરવાનું કાવતરું વિસ્ટને જ રચ્યું હતું.  વિશ્વનાથ મહેસૂલ ભરીને આવતાં રસ્તામાં જ કેદ થયો હોવાથી પ્રદેશનાં લોકોને મહેસૂલ ભરી કાઢ્યાંના સમાચાર ન આપી શક્યો.  

વિશ્વનાથને કેદ કર્યાને બે દિવસ થયાં. તેનો કોઈજ પતો ન હતો. વિસ્ટને હેલનની આસપાસ જાળ રચી અને વિશ્વનાથ પૈસા લઈને ભાગી ગયો તેમ સાબિત કરવાની કોશિશ કરી પણ હકીકતમાં વિસ્ટન જાણતો હતો કે વિશ્વનાથે બધું જ મહેસૂલ ભરી દીધું છે. વિશ્વનાથને નીચો દેખાડવા વિસ્ટને જાણી જોઈને મહેસૂલ માફ થયાંના સમાચાર વહેતાં કર્યા અને મહેસૂલ માફીનો સમગ્ર ફાળો વિસ્ટનને મળ્યો. ગામમાં લોકો વિશ્વનાથને ચોર અને ગદ્દાર માનવા લાગ્યાં. હેલન ચિંતિત હતી. હેલનને વિશ્વનાથ ક્યાં હશે તેની જ ચિંતા હતી બાકી વિશ્વનાથ પૈસા લઈને ભાગી ગયો છે તેને હેલને અફવા ગણાવી. હેલનને વિશ્વનાથ પર અપાર વિશ્વાસ હતો.

૧ મહિનો થયો છતાંય વિશ્વનાથનો કોઈ જ પતો ન હતો. હેલન ફરીથી એકલી પડી ગઈ. હેલનને હજી પણ વિશ્વાસ હતો કે વિશ્વનાથ પાછો આવશે. તે તેની રાહ જોતી રહી.

આ દરમિયાન ભારતમાં સ્વતંત્રતાની લડતે જોર પકડી. વિસ્ટનની બદલી બંગાળ પ્રાંતમાં થઈ. બંગાળ જતી વખતે છત્તીસગઢના રસ્તામાં જ તેઓ ક્રાંતિકારીઓના હાથે ઝડપાઇ ગયાં. ભારતનાં ક્રાંતિકારી ક્યારેય સ્ત્રી પર જુલમ ન કરે. તેમણે વિસ્ટનને ગોળીએ વીંધી નાંખ્યો પણ હેલનને કંઈજ ન કર્યું. હેલન ડરી ગઈ. હેલનનું હવે પોતાનું કહી શકાય તેવું કોઈજ ન હતું.

ક્રાંતિકારીઓએ હેલનને સમજાવ્યું કે ;

"બહેન આ અમારો દેશ છે. અમે સ્ત્રી ઉપર જુલમ નથી કરતા અને હવે ભારત અંગ્રેજોને રહેવા માટે સલામત નથી તેથી આપ ઇંગ્લેન્ડ ચાલ્યા જાઓ. "

ક્રાંતિકારીઓએ હેલનને ઇંગ્લેન્ડ મોકલવા મુંબઇ બંદર સુધી જવાની સુવિધા કરી આપી. ત્યાંથી હેલન સ્ટીમરમાં બેસી ઇંગ્લેન્ડ જતી રહી. હજી હેલનને પ્રેગ્નન્ટ થયાંને ૨ મહિના જ થયાં હતાં અને સામાન્યરીતે ૨ મહિનાની પ્રેગ્નન્સીની સ્ત્રીના શારીરિક દેખાવથી ખબર ન પડે આથી પ્રેગ્નન્ટનું સત્ય હજી સુધી ફક્ત હેલન અને વિશ્વનાથ જ જાણતા હતાં. હેલન હજી પણ વિશ્વનાથને ભૂલી ન હતી. તેને એ યાદગાર દિવસો યાદ આવતા હતાં. વિશ્વનાથ જીવે છે કે... ?  આ જાણી તે હતાશ થતી. મહેસૂલ બાબતની તેને ચિંતા ન હતી કેમકે તેને વિશ્વનાથ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. હેલન હવે એકલી હતી તેથી વિશ્વનાથને શોધવાના પ્રયત્નો છોડી દીધા કેમકે હવે તેને આવનારા બાળકની પણ સાર સંભાળ કરવાની હતી.

સમય વીતતો ગયો. હેલનને સુંદર દીકરી વિશ્વા થઈ. વર્ષો વીત્યાં. દીકરી નાની હતી ત્યારે તેના પપ્પા વિશે પૂછતાં હેલન કંઈ જ ન કહેતી. દીકરી મોટી થઈ. તે ડોકટર બનવાની તૈયારી કરતી હતી. તે હવે સત્ય જાણવા માંગતી હતી. તેને હેલને તમામ હકીકત જણાવી. તે વિશ્વનાથને એકવાર જોવા માંગતી હતી પણ વિશ્વનાથનો ફોટો પણ હેલન પાસે ન હતો. વિશ્વાએ હેલનને વચન આપ્યું કે તે ભારત જઈને ગમે તેમ કરીને વિશ્વનાથનો ફોટો લાવીને આપશે અને વધારામાં તેને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ હતો અને કેમ ન હોય તેનામાં ભારતીય લોહી જો વહેતુ હતું !

ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. ઉત્તર ભારતનો પહાડી પ્રદેશ ખુબજ સુંદર અને જોવાલાયક છે. વિશ્વાએ ડૉક્ટરની ફાઇનલ પરીક્ષા પાસ કરી દીધી. હવે વિશ્વા થોડોક સમય એકાંતમાં પસાર કરવા માંગતી હતી અને તેના માટે ભારત જેવી કોઈ સુંદર જગ્યા ન હતી. તે એકલી ભારત આવી. તેણે સિમલા અને ડેલહાઉસી જવાનું પસંદ કર્યું.

સિમલામાં ઠંડી લંડન જેવી જ લાગતી હતી. તેણે ઠંડીથી બચવા કાશ્મીરી સાલ શરીરે વીંટળી. ત્યારેજ તેણે એક તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા સંતને જોયા. સિમલાની ઠંડીમાં પણ તેઓએ વસ્ત્ર ધારણ નહોતું કર્યું અને છતાંય તેમને ઠંડી નહોતી લાગતી. વિશ્વા તેમની પાસે ગઈ. તેણે સહજતાથી સાધુ મહારાજને પ્રશ્ન કર્યો ;

" શ્રીમાન, આપ આટલી ઠંડીમાં પણ કેવી રીતે ઉઘાડા રહી શકો છો ? ઠંડી નથી લાગતી ?

સાધુ મહારાજ - અમે શિવજીના ઉપાસક છીએ. અમે ઠંડી પર આધ્યાત્મિક રીતે કાબુ મેળવ્યો છે.

વિશ્વા - અઘ્યાત્મમાં આટલી બધી શક્તિ હોય છે. મને ખૂબજ આશ્ચર્ય થાય છે. મને પણ અઘ્યાત્મનું જ્ઞાન આપો.

સાધુ મહારાજ - દીકરી, એના માટે સંન્યાસ લેવો પડે. આમ ન સમજાય.

બંને વચ્ચે ઘણો સમય વાત થઈ. ત્યાંજ વિશ્વાને સાધુના શરીર પર તલવાર વાગ્યાનો નિશાન દેખાયો. તેણે તરત જ પૂછ્યું ;

"શ્રીમાન, તમને તલવાર કેવી રીતે વાગી ? "

સાધુ મહારાજ - એકવખત હું અમારાં પ્રદેશનું મહેસૂલ ભરીને આવતો હતો ત્યારે કેટલાક ડાકુઓએ મને કેદ કર્યો હતો. કોઈકના કહેવાથી ઘણા સમય સુધી મને કેદ રાખ્યો. હું ભાગવા ગયો ત્યારે આ તલવાર વાગી હતી. મને નીચો દેખાડવા મેં તમામ મહેસૂલ ભરી દીધું છતાંય ચાલાકીપૂર્ણ તેઓએ મહેસૂલ માફ કરી દીધાની જાહેરાત કરી જેથી પ્રજામાં અંગ્રેજો પ્રત્યે સહાનુભૂતિ વધી અને પ્રદેશમાં લોકો મને ચોર માનતા. તેથી ડાકુઓની જાળમાંથી છૂટીને મને પોતાના પ્રદેશમાં જવાની ઈચ્છા ન થઈ. જોકે પ્રજા ગમે તેમ મહેસૂલ નહી ભરવું પડે એ વાતથી ખુશ હતી. મારી પ્રજા ખુશ તો હું પણ ખુશ. અંતે હું સંન્યાસી બની ગયો.

વિશ્વા આશ્ચર્ય પામી. વિશ્વા પાસે બોલવા કોઈ શબ્દો ન હતાં.

વિશ્વાએ તરત જ પ્રશ્ન કર્યો ;

"તમારું નામ વિશ્વનાથ છે ? "

સાધુ - હા , તમને કેવી રીતે ખબર ?

વિશ્વા - હું તમારી દીકરી વિશ્વા.

બસ...

બંને દીકરી અને પિતા લાંબા સમય સુધી એકબીજાને ભેટી રહ્યાં. બંનેની આંખમાં હર્ષનાં આંશુ હતાં. બંને કંઈજ બોલતા ન હતા તેઓ ફક્ત ચહેરાનાં હાવભાવથી જ વાત કરતા હતાં.

વિશ્વાએ રૂમાલથી પોતાની આંખ લૂછીને તરત જ હેલનને ફોન કરી કહ્યું ;

"મમ્મી, બની શકે તેટલા જલદીથી ભારતમાં સિમલા આવી જા. હું તને વિશ્વનાથનો ફોટો નહીં પણ ખુદ વિશ્વનાથ સાથે મેળ કરાવીશ."

બસ.. હેલનનાં આશ્ચર્યનો પાર ન હતો. હેલન ચાર દિવસે સ્ટીમરમાં બેસી મુંબઇ અને ત્યાંથી રેલમાર્ગે સિમલા આવી પહોંચી. તેઓ ત્રણેય મળ્યાં. આ પ્રેમનો ત્રિવેણી સંગમ હતો. ત્રણેયે ખૂબ વાતો કરી.

હેલનને પૈસામાં રસ નહતો. તે ઉદાર હતી. વિશ્વનાથને પણ પૈસામાં રસ નહતો અને તે પણ ઉદાર હતો.

તો પછી વિશ્વાને ક્યાંથી પૈસામાં રસ હોય ?
વિશ્વા કેમ ઉદાર ન હોય ?

હેલન અને વિશ્વાએ સામાન્ય જીવન છોડી દીધું. સંન્યાસ લઈ લીધો.

અંતે વિશ્વા હસતાં હસતાં બોલી ;

" સાધુ મહારાજ, હવે તો અધ્યાત્મનું જ્ઞાન આપો."

લેખક - મહેન્દ્રકુમાર પરમાર
                              

                               *********