Dubto Dariyo books and stories free download online pdf in Gujarati

ડૂબતો દરિયો


        ભરતના મનમાં ઘા થયો: 'નહિ... નહિ...! મારે હિંમતો રાખવી જ પડીએ. હવે દિ’ ઊગવામાં ઝાઝી વાર પન કાં શે !' દિમાગમાં શૂન્યતા... ભયાનક મૌન... અને ઘોર અંધારું છવાઈ ગયું. ફરી વિચાર ઘુમરાયો: 'પન દિ’ ઊગે, નાં લગી તો... ડિલમાં જોર જ કાં વધ્યુશ..!' એક નિસાસો સરકી ગયો. 
ત્યાં નકારત્મક વિચારોને ધકો દઈને દૂર ફંગોળી દેતો હોય એમ તેણે કાળજું કઠણ કર્યુ: 'અરે ! તાકાત વળી હેની ? આ આખી રાત તો કાઢી નાખી એકલાવે આયાં..  હવે તો જી થાવાનું હોય ઈ થાય.'
વહેલી સવારનો સુસવાટા કરતો પવન ડરાવવા મથી રહ્યો. કાળું સૂમ આકાશ જાણે કોઈ ડાકણની માફક ડરામણું અટહાસ્ય કરી હિંમત તોડવા લાગ્યું. તેણે દયામણી આંખે ઉપર જોયું. કેટલાક તારાઓ તેના પર હસી રહ્યા હતા. ચોમેર ઊછળ-કૂદ કરતો ધૂંધવાયેલો દરિયો પણ ધૂંવાપૂંવા થતો થતો દેખાયો. વહેલી સવારની ઝાકળની ધૂંધથી અંધકાર વધારે ભયાનક લાગ્યો. ખારા પાણીથી ભીંજાયેલ તેની આંખોમાં ઝાંખપ આવી ગઈ હોય એમ બધું અસ્પષ્ટ ભાસતું હતું.  
       રાતભર દરિયામાં રિંગ પર પડ્યા રહેવાથી શરીર અકળાયું ઊઠ્યું. આંખો સૂઝી આવી. શરીર તૂટતું હોય એમ સાંધા દુ:ખી રહ્યાં. પગ સતત પાણીમાં પડ્યા રહેવાથી ચામડી કોચવાઈને ભૂરિ થવા લાગી. વિશાળ દરિયાલાલ પર તે એકલો જ તણખલાની તોલે તણાતો હતો. વારે વારે ઊછળતો, ફંગોળાતો, પછડાતો અને જ્યાં ત્યાં ફેંકાતો. એટલીવારમાં એક પ્રચંડ મોજાંએ તેને ખભે ઊંચકીને નીચે પટક્યો. આવેગ સાથે તેણે બે હાથની પકડ મજબૂત કરી લીધી. શ્વાસ અધ્ધર થયો અને ધબકાર સ્થિર થઈ હૃદયમાં ચોંટી ગયો.
      રિંગ પર ઢગલો વળેલી કાયામાં પીડા ઊપડી આવી. રિંગમાં જડેલી દોરીની તેણે કસકસાવીને આંટી વાળી લીધી. રાતભર રાડો પાડીને અવાજ તો હવે મરવા જેવો થઈ ગયેલો. તે છતાં ગળામાંથી અનાયાસે વ્યર્થ ચીસ નીકળી ગઈ: 
    “બચાવ..... કોઈ છે ?” 

      થોડીવાર ધબકારા શાંત થવા દીધા. રાતભર મનને મનાવ્યું, એ રીતે ફરી તે ચિત્ત પરોવતાં સ્વગત બબડ્યો: 'કોઈ નથી અટલામાં, ખાલી ખાલી જીવ હું કરવા બારું ? આ દરિયો, હમાવી લેવા તૈયાર જ બેઠોશ ને !'

      દરિયાના પાણીથી હાથની અંજલિ ભરી તેણે પંપાળ્યું. ત્યાં પવનનો એકાદ ફૂંકારો જોરથી વીંઝાયો. ભૂખ્યાં મોજાં ઉપરાઉપરી માથે ચઢી બેઠા. અકળામણ, ગૂંગળામણ અને પળભરમાં તો શ્વાસ માટે વલખાં લેતા, કંઠ રૂંઘાય ગયો. જીવન-મરણ વચ્ચે ભયાનક જંગ ચાલતો રહ્યો. થોડીવારમાં પવન થાકીને ઢગલો વળી ગયો હોય એમ સુસવાટા શાંત કરી ગયો. ભરતે ચોમેર ખારું પાણી નીતરતી આંખો ફેરવી. બસ ! ભૂખ્યા-તરસ્યા વરુ જેવા ઝનૂની મોજાં સિવાય બધું સૂમસામ ભાસ્યું. તેણે અકળાઈ ગયેલા ડિલને થોડું ઢીલું કર્યું. થોડો હાશકારો થયો. પૂર્વમાં હવે આછી આછી લાલિમા આકાર લેતી જણાઈ. રાતભર ખેલાયેલું માણસ-મોજાંનું યુદ્ધ શમ્યું, ત્યાં ક્ષિતિજમાં સંતાયેલ સવારે હળવે રહીને ડોકિયું કર્યું. અંધારું જોઈને જોઈને અકળાયેલી આંખોમાં થોડી તાજગી વરતાણી.

       નિષ્ક્રિય બનીને ફંગોળાતું શરીર મોજાં પર જ્યાં ત્યાં તણાતું રહ્યું. ભગવાન ભરોસે ! ઠંડા ઠંડા સિસકારા સહન કરીને હવે શરીર ગરમ હૂંફ ચાહતું હતું. વિચારોએ એકાએક દિશા બદલી. હૈયું ભરાઈ આવ્યું... આંખોમાં ઊઠેલો ખારા પાણીનો સમુંદર જાણે હમણાં ખારા પાણીમાં ભળી જશે ! રૂંધાયેલા કંઠમાંથી ચિત્કાર સર્યો: 
    “મા.....એ......મા. બચાવ.... કોઈ છે ?” ક્ષિતિજને અથડાઈને ચીસ દરિયામાં સમાઈ ગઈ.
    માથું ઝીંકાતાં, કાળજું ચિરાયું: 'આ ખાલી બરાડાથી હું વળીએ !'

    ત્યાં વેદનાને વાચા ફૂટી. આ વખતે લક્ષ્ય બન્યો ખૂદ દરિયો. આંખોમાંથી ઊંડા નિ:શ્વાસ સાથે જાકારો નીકળ્યો: 'તને જરાય દયા નથી આવતી ? જેટલો રિબાવવો હોય ઈટલો રિબાવી લે....'

      બીજી જ ક્ષણે પગ ટટ્ટાર થયાં. તનમાં તાકાત ફૂટતી હોય એમ સીનો ઊંચો થયો. અને પાછો સામે જોસદાર પડકાર ફેંક્યો:
    “પન યાદ રાખજે. હું ખારવાનો દીકરો શું. આ તારું ખારું પાણી જ મારી રગ રગમાં ભઈરું શે. એમ કંઈ જલદી હારી નીં જાંવ ! જોઈ લીજે.”

       દૂર દૂર ક્ષિતિજમાં એક ઝાંખું ટપકું ચીતરાતું હોય એવો ભાસ થયો. તેણે આંખ ઝીણી કરી, હાથનું નેજવું કરી જોવા મથામણ આદરી. પણ, મગરૂબી મોજાં ખલેલ પહોંચાડતાં રહ્યાં. કોઈ આકાર હોય એવો ભ્રમ થયો તો ખરો. પણ.... અફસોસ ! થાકેલી ક્ષિતિજ સિવાય કંઈ હાથ લાગ્યું નહિ. ઊંચો થયેલો જીવ ફસડાઈને નિરાશા સાથે નીચે પડ્યો. તેણે ગમના આવેશમાં આંખો મીંચી લીધી. મીઠી પળોને વાગોળવાની ઇચ્છા બળવત્તર બની. આમેય મનને કોઈ વાતમાં વ્યસ્ત રાખવા જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ હતો જ ક્યાં ? ઘૂમરાતું ઘૂમરાતું મન એક દૃશ્ય પર ચોટી ગયું. દિલમાં ઝીણું ઝીણું કાંઈ અંકુર જેવું ફૂટ્યું હોય એમ ક્ષણિક સ્મિત ઝબક્યું. ત્યા ડોળા કાઢતા દરિયા વચ્ચે, ભરત એ દૃશ્યમાં ડૂબી ગયો.
 
       ચૂલા પર રોટલા કરતી માનો, રોટલા ટીપવાનો ‘ટપ ટપ’ અવાજ જાણે હમણાં જ આવતો હોય એમ કાન સરવા થયા. તે શરમાતા, સંકોચાતા માની બાજુમાં પલાંઠી વાળીને બેસી ગયો. ધડીભર મનમાં મુંઝારો થયો: 'કેમ પૂછવું ? મા, હું વિચારીયે ?'

    પછી થયું: 'માને તો ખબર જ છે ને ! મેં જ પૂછવા હાટું કીધું’તું ને !'

તેણે તરસ ન હોવા છતાં બાજુમાં પડેલા કળશામાંથી પાણી પી પીધું.

ભરત દેખાવે આમતો ઘણો મનમોહક. દરિયાને પણ ડોલાવી દેતા પેલા પૂનમના શીતળ ચાંદ જેવો. જોકે,
વહાણની તનતોડ મહેનતથી ઘડાયેલું તેનું શરીર અઢાર વર્ષમાં પણ ખડતલ લાગતું. લંબાઈ થોડી ટૂંકી. વારે વારે આંખે આવી જતા લાંબા, જાડા વાળ. ખારા પાણીની સંગત અને સતત તડકાની રંગતના પ્રતાપે વાન બિલકુલ કાનુડા જેવો શ્યામ. ચાલમાં બેફિકરાઈ સ્પષ્ટ દેખાઈ આવે. કાયામાં ફાટ ફાટ થતી જુવાની હવે મુખ દેખાવ માંડી હતી. તેણે માના નિર્દોષ ચહેરા તરફ નજર સ્થિર કરી.
માતાની આંખોમાં જતો ધુમાડો તેને બળતરા કરી જતો હતો એ તેનીથી છૂપું ન રહ્યું. ઘરડી બની રહેલી માની આંખોમાં જાણે પોતાનું ભવિષ્ય જોતો હોય એમ તેણે સંકોચતા સંકોચતા પૂછી નાખ્યું: 
      “મા, તેં તેજુની માને પૂછ્યું કંઈ ? કે’તો ખરી કી’ક...”
 
મા જાણે બધું સમજી ગઈ હોય એમ મનમાં હસી રહી. એટલીવારમાં તો તેણે જાત જાતના તર્ક-વિતર્ક મનમાં કરી નાખ્યા. માએ રોટલો તાવડીમાં નાખી મલકાટ સાથે કહ્યું: 
      “હાં, તેજુને પન મલી... ને ઈની માને પન મલી...”

      “હું કીધું. જલદી કે’ની..” તેની અધીરાઈ વધી.

      “કે’ય કે તારો દીકરો તો હજી માંડ બે વરહથી વા’ણમાં જાતા હિખ્યોશ.” 

      “પન વા’ણમાં જાંમ્શ તો ખરીને ! પછી હું શે ઈ લોકુંને ?” 

      “હાં ભઈ ! ઈ થોડી કંઈ ના પાડેશ...  ઈની દીકરીને પન પૂશવું પડેને !” માએ મલકાતા ખુલાસો કર્યો. 

      “તો, તેજુવે હું કીધું ?” કબૂતર જેમ તે ફફડ્યો. 

      “ઈમ કંઈ છોકરીને થોડું સીધું પૂછી લેવાનું હોઈ ! ઈ તો આમને આમ ખબર પડી જાય. ઈ કે’ નહિ તોય.. હમજ્યો ?” માએ કહેતા રોટલાની ધારને આંગળીથી તાલબધ્ધ રીતે સરખી કરી.
 
      “મા, વે’વારની હાં પાડી કે ના પાડી, ઈ કે’ની જલદી” ભરત અકળાયો.

      મા ચૂલામાં ફૂંક મારતા હસતી રહી. પછી જાણે માસ્તરાણી બની દીકરાને ભણાવતી હોય એમ ઠાવકાઈથી તે બોલી:  
      “એ....ને  તેજુ રાજી... ઈની મા રાજી... હું રાજી અને તું પન રાજી. હવે, તારો  બાપ અને તેજુનો બાપ નક્કી કરે એટલે પત્યું” તે થોડીવાર અટકી પછી કુતૂહલપૂર્વક ઉમેર્યું: “અને હાચું કેમ ?”   

      “હાં, જલદી કે’ની” દિલ જોરથી ધડક્યું.   

      “તારો બાપને તેજુનો બાપ એક જ વા’ણમાં બંધાણાશ.. મેં વાત પણ કરી’તી તારા બાપને, તો કે’ય કે ચોમાસે રૂપિયો બદલાવી લીશું” 

      ભરત હર્ષાવેશમાં ઊછળી પડેલો રીતસર. મા-દીકરા બન્નેની આંખોમાં અનેરા ભાવ છલક્યા. દીકરાની આંખોમાં ઊમટેલાં હર્ષાસુ માએ પારખી લીધા. તેનો કંઠ ગળગળો થઈ ગયો. 

      રસોડામાં આવેલા ભરતના કાકાની આંખો એકાએક ચમકી ગઈ. તેના ભવાં તંગ થયાં. જાણે કંઈક અજુગતું થતું હોય તેમ તે વિચારશૂન્ય બની ગયો. તેણે જોરથી મારી માથું ધૂણાવ્યું, તે ભરતથી છૂપું ન રહ્યું. નાનજીએ એકદમ છાતી કાઢીને દમામથી ભાભીને પૂછ્યું:
      “ભાભી, આનું વે’વાર તેજુ હારે કરવાની વાત કરોશ?”

      “હાં, ઈવે જ પસંદ કરીશ !” માએ ટાઢો જવાબ દીધો.

    નાનજીને કંઈ સૂઝ્યું નહિ. તેના નસકોરા ફૂલાઈ ગયા. ચહેરો તપેલા તાંબા જેવો થઈ ગયો. હૈયામાં ઝાળ સળગી ઊઠી. આંખોમાં નર્યો ત્રાસ છાઈ ગયો. અને આવેશમાં તેનાથી હાથની મુઠ્ઠીઓ બીડાઈ ગઈ. 
 
      “હું થીયું કાકા ! કંઈ વાંધોશે ?” ભરતે કાકાની વૃત્તિને વાંચવા મથામણ કરી. 

      “મને હું વાંધો હોય ! તમારી બધીની મરજી.” કહેતા નાનજી ઉતાવળો બહાર નીકળી ગયો, સીધા દારૂના અડ્ડા તરફ... તેના મનમાં ‘કંઈક’ ઘૂમરાતું હતું, જે તેને બેચેન કરી રહ્યું. 
                          ★★★
      સૂર્યનો તાપ વધ્યો. અસહ્ય બફારાથી નમકીન પાણી શરીરમાં ચટકા ભરી રહ્યું. દરિયાના ચમકતા રૂપેરી પાણી વચ્ચે જીવ ફરી ઊંચો નીચો થયો. ગળું સુકાવા લાગ્યું. ભૂખથી પેટમાં લાય લાગી હોય એમ બળબળતી જ્વાળા સળગી ઊઠી. દરિયાના ખારાદવ પાણીના તો નજર સમક્ષ પહાડો ઊઠતાં હતા. પણ, મીઠા પાણીની એક બુંદ માટે જીવ તડફડી રહ્યો. તેણે એક ઘૂંટડો મોંમાં ભર્યો, વાગોળ્યો.... અને થૂંકી નાખ્યો. પણ તરસ ન ભાંગી. માનસિક સંતુલન જાળવવા તેણે ફરી મન મજબૂત કર્યું. મનને ‘યાદ’માં ધકેલવા ઘણી મથામણ કરી જોઈ. પણ, અફસોસ ! ભૂખથી પેટમાં પાપી પીડા ઊપડી હતી એ તડપાવતી હતી. ભીતરમાં અદમ્ય ઇચ્છા થઈ આવી: 'આઘરે કોઈ માછલું હાથમાં આવી જાઈ તો જાણે કાચું કાચું જ ખાઈ જાંઉ. !!'
 
નજર સામે કેટલીક માછલીઓ પણ જાણે ચીડવતી હોય તેમ કૂદકો મારીને ઊંડા પાણીમાં સરી જતી. તેને તડકામાં તપીને તરડાઈ ગયેલા તન ઉપર પાણીની ઠંડી છાલક મારવાનું મન થયું. પરંતુ અત્યારે જાણે આખો દરિયો પણ તપતો હતો કે શું ? ચમકતા ખારા પાણીના લબકારા આંખોમાં ભોંકાતા રહ્યા.

    બીજી જ ક્ષણે મન પાછું કમજોર પડવાં માંડ્યું. હિંમત તૂટવાની અણી પર આવી પહોંચી. મોકળા મને રડવાની ઇચ્છા હાવી થઈ ગઈ ! બૂઝાતી જિંદગી પર હમણાં અંધારપટ છવાઈ જશે એમ લાગ્યું. એટલામાં નીલબીલોરી મોજાંના ઘમસાણમાં ફરી કાંઈક દેખાયાનો આંશિક આભાસ થયો. દૂર સુધી, ફરી આંખ ઝીણી કરી જોવા જીવ પરોવ્યો. આતુરતા... અધીરતા... પણ, એક સામટી ભરતીના પાણીમાં ઊછળતાં અદેખાં મોજાં કશું જોવા દે તો ને ? ઉપરનું આકાશ ઘૂમવાં લાગ્યું. ગડમથલ વચ્ચે ઝાંખી આંખ ઝીણી કરી. ત્યાં મનમાં સળવળાટ કરતા શબ્દો ઘૂમરાયા: 'કંઈક તો છે જ !'

જીવ ફફડ્યો. દૂર દૂર એક વિચિત્ર આકાર હિલોળા લેતો દેખાયો. તેણે અચરજ સાથે હાથને હલેસા બનાવ્યા અને મરણિયા બની જોર અજમાવ્યું. આ વખતે નક્કી કંઈક હતું. તે ધડકતા હૈયે હરણફાળ ભરી. જોતજોતામાં તેની આંખો ફાટી રહી ગઈ. હલેસાં મારતા બંને હાથ અટકી એકદમ ગયા. પીગળતાં મનમાં ઊંડો પડઘો પડ્યો: 'ઓહ્ મા ! આ તો કો’કનું ડૂબેલું વા’ણશે ! કીનું ઓયે ? બચારા ખલાઈનું હું થીયું ઓયે ?'

 તેની દયામણી દૃષ્ટિ આસપાસનો દરિયો ખૂંદી વળી. કોઈ માણસનું નામનિશાન ન મળ્યું ! બસ, વહાણની થોડી છૂટી છવાઈ વસ્તુઓ લાચાર બની તરતી જણાઈ. તેનું હૈયું આખે આખું ચિરાઈ ગયું: 'બચારા ખલાઈને ! કો’યે લીધા ઓયે કે નહિ ?'

  તે ગભરાતા નજીક પહોંચ્યો. કોઈ અજાણ્યું વહાણ ઊંધું પોઢીને છેલ્લા શ્વાસ ભરતું હતું. તેણે મનોમન કલ્પના કરી:'કાં મોજાંમાં આડું પડી ગયું ઓયે....કાં ધામત ભરાઈ ગીયું ઓઈ...!'
 
    ઊંધા વળેલાં વહાણનું મજબૂત પઠાણ આકાશના સૂર્યને તાક્તું હતું. દરિયાની ભીતર રહેવા ટેવાયેલો પંખો પણ બહાર ડોકાતો હતો. દોરડાના ડૂચા અને જાળના ઝૂમખા વહાણને ચોમેર વીંટળાઈ વળેલા. ત્યાં ફરી એક વિચાર  ઝબક્યો: 'લગભગ આ રાત્યનું જ બન્યું લાગેશ.!!' એક વેધક નજરથી તેણે દરિયાને ત્રાંસી આંખે જોઈ લીધો. પોતાના ક્રોધની જ્વાળાથી દિશાઓને પણ ડરાવવા મથતો હોય એમ તેણે ક્ષિતિજ પર આંખ ફેરવી. તેના મોંમાંથી એક હળવી હાય નીકળી ગઈ. તે આવેશમાં લાલપીળો થતાં દરિયા સામે ઊંચા અવાજમાં તાડુક્યો:
    “મારા જીવી હાલતમાં તો છોડ્યાશને ઈને ? કે પછી હજમ કરી ગીયો. ! બાપ થઈને દીકરાને ભરખી જતાં જરાઈ વિચાર નથી આવતો તને ? ઈ ડૂબ્યાં તો તું પન ડૂબ્યો, હમજી લીજે !” 

       પાછો મનને મનાવતો હોય એમ ભાવહીન અવાજે બબડ્યો: 'આ, દરિયાને જાકારો દઈને પન હું કરું ! હું પન કાં’ લગી બચવાનો શું ?' શબ્દોમાં ભારોભાર નિરાશા ઘૂંટાઈ ઘૂંટાઈને બહાર આવી.

      તેણે રિંગને દોરડાથી વહાણ સાથે સુરક્ષિત બાંધી. ઘડીભર પગ છૂટા કરવા, ડૂબતા વહાણના પઠાણ પર ઊંધો વળગી પડ્યો. થોડું આરામ જેવું લાગ્યું. વહાણના પંખાને તાકાતથી પકડ્યો. મગરૂબી મોજાં સાથે માથું સતત અફળાતું રહ્યું. હાલકડોલક થતાં વહાણ સાથે તેનું ખોળિયું પણ ઝૂલતું રહ્યું. ખાવાની કોઈ ચીજ મળી જાય એવા આશયથી તેણે લાચાર દૃષ્ટિ આસપાસ ફેરવી જોઈ. પણ, વ્યર્થ !! અફસોસ. ભેંકાર મોજાં પણ ભૂખ્યા હોય તેમ સામે ડોળા કાઢતાં હતાં.

    હૈયામાં સેવી રાખેલા સુખનાં સપના એક પછી એક દરિયામાં ઓગળતાં રહ્યાં. આઘાતથી તેની આંખો પહોળી થઈ. એણે જોયું તો એકબીજાને આલિંગનમાં લેવા મોજાંઓ દોડતાં આવી રહ્યાં હતાં. તેને થયું: 'મારું અને તેજુનું વે’વાર થાયે પછી અમી પન આ મોજાંની જેમ જ એકબીજામાં ભળી જાયું.'
 પણ મોજાંને ડૂબતા વહાણ સાથે અથડાઈને ફંટાઈ જતાં જોઈને તે આંખો મીંચી ગયો: 'નહિ...! આના જેમ તો નહિ જ !'
 
અને આ વખતે જે દૃશ્ય માનસપટ પર ધસી આવ્યું તેના પર વિશ્વાસ ન થતો હોય એમ તે સમસમી ગયો. કાળજું ચીરીને તે દૃશ્ય દરિયા સોંસરવું નીકળી ગયું. પણ, જેમ મહેરામણમાં માનવભક્ષી માછલીઓ મહાલે છે તેમ ધરતીના પટ પર પણ કેટલાય નરભક્ષીઓ નાના માણસોને નડતા હોય છે, નવાઈ શેની. ? તે નખશિખ કંપી ગયો: 'હું કરવા બધી યાદ કરું ? હવે ફાયદો પન હું ?'
 
એટલીવારમાં તો દિમાગમાં એ દૃશ્ય હાવી થઈ ગયું. 
                  ★★★
  સમી સાંજે વહાણ બંદરમાંથી છૂટ્યું ત્યારે કાકાની આંખોમાં શું ઉફાન હતુ તે ન કળાયું. ભરત બે વર્ષથી દરિયો ખેડતો હતો, પણ કાકાએ જ બધું શિખવાડ્યું'તું. આમ તો તેણે જાતે જ કાકા ભેગા ધંધો કરવાની હઠ કરેલી. એક ઘરમાં ભેગા રહેતા, એટલે કાકા-દીકરાને બનતું પણ સારું. કાકીનો પણ લાડલો. જે દિ' બહાર દરિયામાં જવાનું હોય ત્યારે કાકી તેના પતિને સલાહ આપવાનું ભૂલતી નહિ. તે કહેતી:
      “રાત્યના પાણીમાં ઊઠો તીયારે આને હાંચવજો. પગ-બગ લપટી જાઈની કાં’ક” 
કાકો-દીકરો કાંઈ પણ ગણકાર્યા વગર વહાણ તરફ જતા રહેતા. 

    રાતનું સામ્રાજ્ય નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હતું. ભરતના બિછાનામાં થોડો સળવળાટ થયો. અડધી નીંદરમાં તેણે ચરખી સંભાળતા કાકાને ધીમા અવાજે કહ્યું:
      “કાકા... કાકા...”
      “ઊહહહહ... હું શે ?” નાનજીએ વહાણને એક તરફ મરડવા ચરખીને આંચકા સાથે ઘુમાવતા કઠોરતાથી જવાબ આપ્યો.

      “પેશાબ જાવુંશ, તમી જરાક...!”
      “હાં, જીયાવ. મારુ ધ્યાન શે” નાનજીએ ભરતને નિરખતા કહ્યું.

      આંખો ચોળતો ભરત ભંડાર તરફ સરકી ગયો. બીજી ક્ષણે નાનજીની ભૃકુટિ તંગ બની. એક ખતરનાક વિચાર મનમાં ઘૂમરાયો. તે સફાળો સાબદો થયો. ચકળવકળ ડોળે આસપાસ નજર ફેરવી. બધું સૂમસામ ભાસ્યું. ખલાસી કૅબિનમાં જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત પડ્યાં હતા. ઊંઘનું આધિપત્ય સૌ પર હાવી થયેલું. નાનજી બિલ્લીપગે ભંડારમાં આવ્યો. ધબકારા તેજ થયા. એક ઝનૂન તેના દિમાગને ધક્કો મારતું હતું. ભરત બેધ્યાનપણે આડો ઊભો હતો. ઝનૂન હવે ગાંડપણમાં પલટાયું. ઊંડો શ્વાસ લીધો. અને મક્કમતાપૂર્વક તેણે બે હાથે ભરતને દરિયામાં ધકેલી દીધો. 

   અંધારા દરિયામાં એક ઊંડો ધુબાકો થયો. એક કાળી ચીસ ઊઠી ન ઊઠી ત્યાં દૂર તણાઈ ગઈ. બાજુમાં લટકતી રબરની રિંગ નાનજીએ એક ઘાએ ખેંચી લીધી. એ રિંગ રોફદાર અદાથી ભરત પર ઘા કરી દીધી. ક્રૂર અટ્ટહાસ્ય મોંઢા પર ફરક્યું:
      “ઈ ડફરો કાં લગી બચાવ્યે તને ! જા, યાદ કરજે કાકાને..”
 
      અંધારી રાતમાં તગતગતા બે ડોળા ભરતને તાકતા દરિયા પર મંડાયા. તે ધીમેથી બોલતો હતો: 
“તેજુ હારે વે’વાર કરવું’તું તારે કાં ? મારી રંગીલી દુનિયા ઉપર પાણી ફેરવી દેવુશ તારે ? હટ, સાલા... જીને તું તારી હાઉ બનાવવા માગેંશને, ઈ તારી બીજી ભાભી શે ! દીકરા મારા...”

      ભરતને લાગ્યું મગજની નસ જાણે હમણાં ફાટી જશે. તે દરિયા પર માથું પછાડતા આવેશમાં જોરથી ચિલ્લાયો:
      “કાકા...!!”

એ ચીસ ઝાંખા સીમાડે અથડાતી અથડાતી ધૂંધવાયેલાં દરિયામાં ડૂબી ગઈ. અને એ મહેરામણ જાણે સંકોચાઈને આડું જોઈ ગયો.  

- વિષ્ણુ ભાલિયા 'ખારવા'

--- કેટલાક દરિયાઈ તેમજ તળપદા શબ્દોની સમજ ---

વહાણમાં બંધાવું- ખલાસી તરીકે કોઈ વહાણમાં ધંધો કરવા જવું તે.
રૂપિયો બદલાવવો- સગાઈ નક્કી કર્યા પછી તેના પર મહોર લગાવવી તે વીધી.
ઘામત- વહાણમાં તિરાડમાંથી દરિયાનું પાણી ભરાવું તે.
પઠાણ- વહાણનું મુખ્ય લાંબુ લાકડું જેના પર આખા વહાણની બાંધણી થાય છે.
ડફરો- દરિયામાં ડૂબતા માણસની સુરક્ષા માટેની રબરની રિંગ.
હાઉ- સાસુ