Machchhivadino sangharsh books and stories free download online pdf in Gujarati

મચ્છીવાળીનો સંઘર્ષ

વેરાવળની દક્ષિણે "બેટ" જેવા પ્રદેશમાં મધદરિયાનાં સાંનિધ્યમાં આવેલી માછીમારોની એક વિશાળ વસાહત અને દરિયો ખેડનારા સાહસિકોનું રાજમાતા શિવગામી દેવીના માહિસ્મતી કરતાં પણ ઉદાર સામ્રાજ્ય. ભારતની કહેવાતી સ્માર્ટસિટીના પોશ વિસ્તારોમાં રહેતા પૈસેટકે અમીર પણ દિલના ગરીબ લોકોને શરમાવે એવી ઉદારતા, પ્રેમ, ઈમાનદારી, સાહસ અહીંના પૈસેટકે ગરીબ પણ દિલનાં અમીર લોકોના પોશ હૃદયમાં ઝગારા મારતી નજરે ચડે તો સહેજેય આશ્ચર્ય પામવું નહીં કેમકે આ દરિયાખેડુ સાહસિકોનું જોજવંતુ ખમીર છે.

" આતો ન્યા કણ સોરઠમાં ઇમ કેવાય સન કે મોટાભાઈ ખમીરને ને કાંઈ નો ખપે હો વાલા "

આ વસાહતમાં એક સાંકડી ચાલીમાં લીલાબેનની ૮ તીવ્રતાના ભૂકંપનાં આંચકા અનુભવાયેલી ભાસતી વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલી ઉપર પતરાંના છાપરાંમાંથી આશરે ૨૦ જેટલા કાણાંમાંથી આવતાં પ્રકાશના અભૂતપૂર્વ સમર્થનથી ચાલતી ચાર બાય ચારની મચ્છીની દુકાન ભરશિયાળે ધમધોખાર તાપમાં હેડ ભઈ હેડ ચેટલી મચ્છી તોલવાની સ ? ના શબ્દોથી ગુંજતી ચાલતી હતી.

આ મચ્છીની દુકાનની સામે જ એક જીવણ નામનો અભણ છોકરો રહે. તે ભણેલો નહીં પણ જીવનમાં ઘણું જોયું અને શીખ્યો હતો. તેને ભણવાની બહુ ઈચ્છા પણ તે અનાથ હતો અને દિવસનાં એક ટંક ખાવાના પણ ફાંફા પડે તો ભણવાની તો વાત જ ક્યાં રહી !

ચાલીના નાકે આવેલી એક દુકાનનાં પાછળ લિફ્ટ જેટલી નીચે ટાઇલ્સ અને ઉપર છાપરાં વગરની જગ્યા એ જ તેનું ઘર. પછી તે લીલાબેનની સાથે તેમનાં ઘરમાં જ રહેતો. જીવણ લીલાબેનના ત્યાં કામ કરતો તેથી જો મચ્છી વેચાઈ તો જમવાનું મળતું નહીં તો લીલાબેન અને જીવણ બંને ભુખ્યા રહેતા.

જીવણ ફક્ત એક જૂની ઢીંગડા મારેલી ચડ્ડી પહેરતો. તેની પાસે બુસટ (શર્ટ) નહતો. એનું આખું શરીર ઉઘાડું જ રહેતું અને વાળ તો જાણે જટાશંકર હોય તેવા ગુંથેલા લાગતાં. તે રોજ સવારે વહેલા ૪ વાગ્યે લીલાબેનની સાથે મચ્છી પકડવા દરિયો ખેડવા જાય અને તરતાં આવડતું તેથી દરિયામાં જ ખારા પાણીનાં વિશાળ સ્વિમિંગ પુલમાં રોજ સ્નાન કરતો. આ ખારા પાણીમાં નાહવાથી જીવણના વાળ ગૂંથાઈ જતાં.

દરરોજ બપોરે લીલાબેન જમવા જતાં ત્યારે જીવણ દુકાને બેસતો. એક ચાલાક ગ્રાહક લીલાબેન દુકાને નહતાં તે જોઈ આવ્યો અને કહ્યું ;

" અલ્યા જીવા, ચેવું હાલસ. લીલાબુન ચો જ્યાં સ ? "

હાજારજવાબી જીવણ તેને ઓળખતો કે તે કેવો છે તેથી તુરંત પ્રત્યુત્તર આપતા કહ્યું કે ;

" ઈ ખાવા હારું ઘર ગ્યા સ. તાર હું કોમ સ ઇ બોલ ન. "

ગ્રાહક બોલ્યો ;

" માર મેમાન આયા સ ઘર તાણ ૨૦૦ ગ્રોમ મચ્છી લેવી સ. હું ભાવ સ ઇ નો ? "

જીવણ તરત બોલ્યો ;

" ૫૦ રુપીએ કિલો સ. તમન દહ (₹૧૦) માં પડસ "

ગ્રાહક આજુ-બાજુ જોઈ ચલાકીપૂર્વક ધીમેથી બોલ્યો ;

" જીવા, મુ તન પોચ (₹૫) આપું સુ. તાર હિસાબ નઈ આપવાનો. તું ઇ પૈસા ખિજામાં ઘાલ અન મન મચ્છી આપ "

આ સાંભળી જ જીવણ અત્યંત ગુસ્સે ભરાઈ જાય છે ને ઉભી વાટે પેલા ગ્રાહકને ભગાવે છે ને મનમાં ને મનમાં બોલે છે કે ;

" મેં કીધું ધરાક સ તો ચયારનો હારી રીત વાત કરું સુ અન એ નેનો દિયોર મન લીલાબુનથી સાનું રાખવાનું કે સ. ઇની હિમત ચેવી રીતના થઈ દિયોરની ? અમ માંગી ન લઈ લઈએ પન ચોરી મારા ખાનદાનમાં કોઈએ નથ કરી ભઈ. અમન ભુખા રેવું પોસાય પન ચોરી હરામ સ અન એઇ લીલબુનથી !

જીવણ ભલે ગરીબ હતો પણ એક રૂપિયાની ચોરી ન કરે અને પોતાના હકનો એક રૂપિયો કોઈની પાસેથી લેવાનો હોય તો એ ના છોડે. ટૂંકમાં એનો પાઇ-પાઇનો હિસાબ પાક્કો હતો.

લીલાબેન પહેલાં ઘરે જ રહેતા અને તેમના પતિ ખોડાભાઈ દુકાન ચલાવતા. આ કપલને બે દીકરા. સાહિલ ૧૫ વર્ષનો અને રાહુલ ૨૪ વર્ષનો ! જી હા. આ બંને દીકરા વચ્ચે ઉંમરનું અંતર વધારે છે કેમકે આ ભોળા ગરીબ પરિવારને કુટુંબ નિયોજનનો "ક" પણ નહતો આવડતો. બંનેનો ઘરસંસાર મેટ્રો કરતાંયે વધુ સ્પીડે એકદમ સ્મૂથલી ચાલતો હતો. એક દિવસ અચાનક મોડી રાતે લીલાબેનના પતિ ખોડાભાઈને હાર્ટ અટેક આવ્યો અને તેઓ તે જ ઘડીએ સ્વર્ગે સિંધાણા.

લીલાબેનનો મોટો દીકરો રાહુલ ખુબજ કરકસર કરતો. તે માતા લીલાબેનની પરિસ્થિતિ જાણતો હતો તેથી પોતે પણ ક્યારેક એક ટંક ભોજન કરી ચલાવી દેતો. રાહુલ વેરાવળથી દરરોજ રાજકોટ કોલેજમાં ભણવા જતો અને સાથે જ તેણે દિલ્લી યુનિવર્સિટીમાં પોસ્ટગ્રેજ્યુએશનના એડમિશન માટે એપ્લાય કર્યું. લીલાબેન ભલે મચ્છી વેચતા પણ પોતાના દીકરાઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું. લીલાબેન રાહુલને તલાટી બનાવવા ઇચ્છતા હતાં કેમકે તેઓ ગામના તલાટીથી ખુબજ આકર્ષિત થયા હોય છે કેમકે તે આખું ગામ સંભાળે છે.

રાહુલને કોલેજ જવાની એટલી ધગશ કે એ રોજ સવારે ૬ વાગ્યે વેરાવળથી રાજકોટ ટ્રેનમાં કોલેજ જતો તોપણ તેને ૧૦ કિલોમીટર જેટલું ચાલવું પડતું. ૧૧ વાગ્યે છૂટ્યા બાદ સાંજે ૬ વાગ્યા સુધી પુસ્તકાલયમાં બેસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો અને સાંજે ૮ વાગ્યે ઘેર આવતો. એ રોજ વહેલા સાંજે ૯ વાગ્યે સુઈ જતો અને વહેલી સવારે ૩ વાગ્યે ઉઠીને વાંચવા લાગતો. કેટલીકવાર તે ૪ વાગ્યે લીલાબેનની સાથે દરિયો ખેડવાની ઈચ્છા દર્શાવતો પણ લીલાબેન તેને સાફ ના પાડી ભણવાનું કહેતાં. કોલેજમાં વિદ્યાર્થી મિત્રો મૂવી જોવા જતાં પણ રાહુલને તો વાંચનમાં જ રસ અને એની પાસે પૈસાનો પ્રોબ્લેમ પણ સાથે જ હતો. તેનું જીવન બાકીનાંથી અલગ છે આ હકીકત તે જાણતો હતો.

લીલાબેન બાકીની સ્ત્રીઓથી અલગ હતાં. આત્મવિશ્વાસ તેમની રગ રગમાં લોહીની જેમ વહેતો. સાહસ તો તેમનામાં ફૂટી ફૂટીને ભર્યું હતું. લીલાબેનમાં " સેન્સ ઓફ હ્યુમર " ની પણ  કમી નહતી. તેઓ થોડા જ દિવસોમાં સ્વસ્થ થઈ ગયા. જે થયું એ થયું. હવે આગળ બાળકોને ભણાવવાની જવાબદારી તેમના પર આવી. તેઓએ પોરુષી સ્વરૂપ ધારણ કર્યું. તેઓ દેવીપૂજક સમાજના હતાં અને ખરેખર આ સમાજની મહિલાઓ ખુબજ હોશિયાર અને હિંમત ધરાવતી હોય છે તથા વેપારી કૌશલ્ય પણ તેમનામાં ભરપૂર હોય છે. મોટાભાગના પાથરણાવાળા આજ લોકો હોય છે પણ તેમનાં ખમીરની દાદ દેવી પડે. આપણને શરમ આવવી જોઈએ કે જેમના માટે એક રૂપિયો પણ કિંમતી હોય તેની પાસે આપણે ભાવતાલ કરીએ છીએ.

લીલાબેને વિચારી લીધું. વેરાવળમાં આ એક અદભુત પરિવર્તન હતું. મચ્છીનો ધંધો કરનારા તમામ વેપારી પુરુષ હતાં ત્યારે પોતાના બાળકોના ભવિષ્ય અને પોતાના સ્વાભિમાન ખાતીર આ મહિલા મેદાનમાં આવે છે. કદાચ તે સાબિત કરવા ઈચ્છતી હતી કે મહિલા હવે અબળા નારી નથી. લીલાબેનને દુકાનમાં જીવણ કામમાં મદદ કરતો. લીલાબેને પોતાના દુઃખ અને પોતાના બાળકો વચ્ચે વિશ્વની પ્રખ્યાત ગ્રેટ વૉલ ઓફ ચાઈના જેવી દીવાલ બાંધી દીધી હતી. કદાચ ચીનના રહેતા પણ દુશ્મન તે દીવાલ પાર કરી દે પણ લીલાબેનના રહેતા દુઃખનો એક છાંટો પણ તેમના બાળકોને સ્પર્શ કરી શકે તેમ નથી. લીલાબેન અભણ હતાં છતાંય શિક્ષણનું મહત્વ જાણતા હતાં અને પોતે ખરાબ સ્થિતિમાં રહીને પણ બાળકોને સારી સ્કૂલ-કોલેજમાં ભણાવતા હતાં. મોટો છોકરો રાહુલ તો સોરઠની વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતો અને ત્રણેય વર્ષમાં તે Distinction લાવતો.

જીવણ લીલાબેનને કહેતો ;

" લીલબુન તમ આખો દા'ડો ધંધો કરો સો તોએ માંડ દોડશો-બસ્સો રૂપિયા લઈ જાઓ સો તોયે તમ તમારા સોકરાઓ ન ચેવી રીતના હાઇફાઈ ઇસ્કોલ મ ભણાવો સો "

લીલાબેન જીવણને ઉત્તર આપતાં કહેતા ;

" અલ્યા જીવા આજ તો પ્રૉબ્લેમ સ. આપડે નઈ ભણીયા તાણ તો આપડે મજૂરી કરીએ સીએ. અમ બેઈ ધણી-બાયડી ખાલી એક ટેમ વાળું જ કરીએ સિયે અન દા'ડાના બે ટેમ ખાવા જઈએ તો સોકરાઓના ઇસ્કોલના પૈસા ચાં કણથી ભરવાના "

જીવણ કહેતો ;

" લીલબુન તમ ચેવા સો નઈ. જાત ભુખા રઈ ન સોકરાઓ ન ભણાવો સો. લીલાબૂન ઇસ્કોલ ચેવી હોય સ ? મેં ચાણય નથ જોઈ. એકવાર જ્યો તો પન મારે બુસટ ન'તો પેરિઓ અન સરીર ઉઘાડું હતું તાણ ન'તો જવા દીધો "

લીલાબેન કહેતાં ;

" જો જીવા મન તો બસ હવ મારા મોટા સોકરા ન તલાટીની નોકરી લાગ એટલી જ વાર સ.પહી આ બધું જ સોડી દેવું સ. મારા ઘણી અ બઉ મેનત કરી સ અમારાં સોકરાઓ ન ભણાવા. તાણ મુ ઇમના સપના ન ઇમ થોડી સોડી દઉ. ઇમનું સપનું હતું કે મારા સોકરાઓ નોકરી કરસ તાણ મુ મારા સોકરાઓ ન ઓય કણ નઈ આવા દેતી. "

લીલાબેનને પોતાના બાળકોથી એક જ અપેક્ષા હતી કે તેમના બાળકો પોતાના જેવી મજુરી ન કરે અને તલાટી બની સેટલ થાય. તેમનો મોટો દીકરા રાહુલને હવે દિલ્લી યુનિવર્સિટીમાં એડમિશન મળી જવાથી વધુ ભણવા દિલ્લી જાય છે. તેની પાસે ફક્ત બે જોડી જ કપડાં છે અને તે પણ પાથરણાવાળા પાસેથી ખરીદેલા પણ રાહુલ ભણવામાં ખુબજ હોશિયાર. તેને અંગ્રેજી પણ ફડફડાટ બોલતા આવડે અને લીલાબેનને પણ રાહુલથી ખુબજ અપેક્ષા હતી. રાહુલ પણ સુપર કલાસ નોકરી મેળવી પોતાના માતા લીલાબેન અને નાના ભાઈ સાહિલને સારું શિક્ષણ આપવા માંગતો હતો.

લીલાબેન રાહુલ સાથે ફોન પર જ વાત કરી સંતોસ કરતાં. લીલાબેન બોલતા ;

" રાહુલ તન ચમનું સ હવ. તન તાવ-બાવ તો નઈ આવતો ન અન તોનું ખાવાનું ચેવું સ. ભાવસ કૈં નઈ ? તનેય ટેમ ખાવાનું હો. ભુખા નઈ રેવાનું "

લીલાબેન પોતે પૈસા બચાવવા દિવસમાં ફક્ત એક ટંક ભોજન કરતાં છતાંય તેઓ બાળકોને ભુખા ક્યારેય ન રાખતાં.

રાહુલ જવાબ આપતો ;

" માડી, બધું હારું સ. મન ઓય કણ ફાવસ. મેં હારી મેનત કરી સ. હવ બઉ જલ્દી માર નોકરી લાગી જાસ હો માડી તાર ટેંસન નઈ લેવાનું. હવ માર ખાલી સેલ્લી પરીકસા જ બાકી સ. ઇમ સાહેબ કણ હોમ બેઇ વાત કરવાની સ ઇન "ઇન્ટરવ્યૂ" કેવાય સ. આગડની "પ્રિલીમ" અન "મેઈન" તો ચયારની પુરી થઈ જી સ "

રાહુલે ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને ફાસ્ટ ઇંગ્લિશ આવડતું હતું પણ પોતાની માંની સાથે તે ઘરમાં બોલાતી ભાષામાં જ વાત કરતો હતો. થોડા દિવસ પછી રાહુલની તમામ પરીક્ષા પુરી થઈ જતા અને પોતાનો નંબર આવી જ જશે તે આત્મવિશ્વાસથી તે વેરાવળ પાછો આવે છે. રાહુલને હવે કઈ કામ નહતું. તે હવે દુકાને બેસી કામ કરતો અને લીલાબેનને થોડો સમય ઘરે મોકલી આરામ કરવા કહેતો.

એક દિવસ રાહુલ ઘરે હતો. લીલાબેન દુકાને હતાં. શિયાળાની ફુલગુલાબી ઠંડી અને વહેલી સવારનાં ૭ વાગ્યા હતાં. રાહુલ ઘરે સૂતો હતો. લીલાબેનને મચ્છી વેચવા માટે કામ આવતા સમાચારપત્રના કાગળ ખૂટી જાય છે. હવે તાત્કાલિક બહાર જઈ લાવવા તેમની પાસે સમય નથી અને રાહુલને ઉઠાડીને તેની ઊંઘ ખરાબ કરવા ઇચ્છતા નથી. અંતે પેપરવાળા પાસેથી જ ૪-૫ જેટલા તાજા સમાચારના પેપર થોડો વધારે ભાવ આપી લઈ લે છે. દુકાન બહાર લાંબી લાઇન લાગી છે. તે મચ્છી કાપી-કાપીને તોલીને પેપરના કટિંગમાં આપે છે.

જીવણની નજર ત્યાંજ એકાએક રાહુલના સમાચારપત્રમાં આવેલા ફોટા પર જાય છે. જીવણ આ ફોટો લીલાબેનને બતાવે છે.

લીલાબેન કહે ;

" અલ્યા જીવા, આ મારો રાહુલ પેપરમાં આવ્યો સ નઈ. પન લ્યા આ લખ્યું સુ સ ? "

જીવણ બોલ્યો ;

" લીલબુન, અવ મુ ચ્યા ઇસ્કોલ ગ્યો તો તાણ મન આ વોચતા આવ્ડ. તમ એક કોમ કરો લીલાબુન. આ રાહુલ ન જ પુસો ન ક આ સુ સ ? "

લીલાબેને વળતો જવાબ આપ્યો ;

" હારું તાણ. ઇમ જ કરું સુ. તું ઓય કણ બેહી દુકોન પર દ્યોન રાખ અન ગરાગ આવ તો ઇન તોલી ન આપજે હો. મુ આવું સુ "

લીલાબેનનું ઘર નજીક જ છે. તેઓ તરત જ ઘરે જઈને રાહુલને જગાડીને પૂછે છે કે આ સમાચાર શેના છે ?

રાહુલ ઉઠતાંની સાથે જ મોઢું ધોયા વગર સમાચારની હેડલાઈન વાંચવાનું શરૂ કરે છે ;

" ગુજરાતનો રાહુલ દેશભરમાં UPSC માં બીજા ક્રમે "

બસ, આ લાઇન વાંચતા જ રાહુલ લીલાબેનના ખોળામાં મોઢું રાખીને હર્ષનાં આશુંએ રડયા જ કરે છે બસ રડ્યા જ કરે છે અને સાથે જ પોતાનો કારમો ભૂતકાળ તેને યાદ આવે છે. તેનું IAS બનવાનું સ્વપ્ન હવે પૂરું થાય છે.

લીલાબેનને ખબર પડે છે કે તેમના મોટા દીકરાને નોકરી લાગી છે પણ તેમને એટલું જ ખબર છે કે તેમનો દીકરો તલાટી નથી બન્યો. તે ગામનાં તલાટી પાસે જાય છે. તેમને પેંડા ખવડાવી ખુશખબર આપતા કહે છે કે ;

" સાહેબ, મારા મોટા સોકરા ન નોકરી લાગી સ. ચઈ લાગી સ ઈનું કોઈ ઘ્યોન નઈ. કોક ઇંગલિશ મ નોમ સ નોકરી નું. પન માર તો સાહેબ ઈન તલાટી બનાવો સ. તમ ઈન હમજાવો "

ગામનાં તલાટીને ખબર નથી કે લીલાબેનનો દીકરો IAS બન્યો છે તેથી તે કહે છે હું તમારા ઘરે આવીને સમજાવી દઈશ.

તલાટી સાંજે લીલાબેનના ઘરે આવે છે. લીલાબેન તલાટીની નોકરીને ખૂબ ઊંચી સમજે છે અને તેઓ એક તલાટી તેમના ઘરે આવ્યા છે તે જોઈ ખુશ ખુશ થઈ જાય છે.

લીલાબેન તલાટીને આવકાર આપતાં કહે છે કે ;

" આવો..આવો સાહેબ, અંદર આવો. ઓય કણ બેહો "

લીલાબેન સરસ નવું લાવેલું આસન પાથરે છે. જીવણ પાણી લઈને આવે છે. પછી જીવણ, લીલાબેન અને તલાટી ત્રણેય બેસીને વાત કરે છે. ત્યાં જ લીલાબેન પેલું કટિંગ બતાવે છે અમે એજ સમયે રાહુલ ઘરમાં પ્રવેશ કરે છે. તલાટી આભો બની જાય છે. તે આંખો ચોળે છે. તેને વિશ્વાસ નથી થતો. તરત જ તેના મનમાં લીલાબેનના ઉજ્જવળ ભાવિનું ચિત્ર ઉપસી આવે છે. તે કહે છે ;

" લીલાબેન તમારો બેડો પાર થઈ ગયો..પાર થઈ ગયો "

હજી પણ ન તો લીલાબેનને કંઈ સુઝ પડે છે ન તો જીવણને અને આ બંને સત્યથી અજાણ રહીને અવાક છે તો પેલો તલાટી સત્ય જાણીને અવાક છે બીજી બાજુ રાહુલ તેના ઉજળા ભવિષ્યમાં ખોવાયેલો છે.

હવે અંતે આપ સૌ વાંચકો રોજના ૧૫૦-૨૦૦ કમાતી મચ્છીનો વ્યવસાય કરતી લીલાબેનનું આગળનું જીવન કેટલું સુખદાયક હશે તેની કલ્પના કરી શકો છો.

લેખક : મહેન્દ્રકુમાર પરમાર

                            **********

( ગામઠી ભાષામાં લખવાનો આ મારો પ્રથમ પ્રયત્ન છે. ઉપરોક્ત વાર્તામાં માછીમારોનું જીવન અને સ્થાનીય બોલી, દેવીપૂજક સમાજની સ્ત્રીઓનું સાહસ, જીવણ જેવા ગરીબ બાળકની ઈમાનદારી, રાહુલની સ્થિતિ મુજબની કરકસર અને ભણવા માટેની ધગશ, લીલાબેનની ભુખા રહીને પણ બાળકોને ભણાવવાની અદમ્ય ઈચ્છા અને તલાટીનું પદ IAS થી ઉંચુ સમજવાનું ભોળપણ વગેરેનો સમાવેશ થાય છે. રાહુલ શિક્ષિત હોવા છતાંય ગામઠી ભાષામાં બોલે છે. એક માછીમાર પરિવારનો દીકરો રાહુલ IAS બનવા કેટલી મેહનત કરે છે તથા લીલાબેન પણ કેટલો બધો સપોર્ટ કરે છે રાહુલને એ પણ અદભુત બાબત છે.અંતે રાહુલ તેનું ધ્યેય હાંસલ કરે છે. જીવણ અને લીલાબેનનો રસપ્રદ ગામઠી બોલીમાં વાર્તાલાપ આપ સૌ ને ગમશે. મારી આપ સૌ વાંચકોને વિનંતી છે કે તમને વાર્તા સારી કે ખરાબ લાગે તે કમેન્ટ કરો. તેનાથી મને આગળ લખવામાં ઘણું માર્ગદર્શન મળી રહેશે. )